મોતી ડોસા
"અમારે અહીં એક મોતીભાઈ ડોસા હતા. મરી ગયા '૩૦ની લડતમાં બીજા ઘણાને પકડાયા, પણ એમને રાખી દીધા. એક દિવસ એ પત્રિકા વાંચતા પકડાયા. પોલીસ–વડાને એની વૃદ્ધાવસ્થા દેખી દયા આવી. એના પરનો ખટલો રોળીટોળી નાખવા માટે પૂછ્યું : 'કેમ ડોસા, આ પત્રિકા તો તમને કોઈએ મોકલી હતી ને ?' ડોસાએ જવાબ દીધો 'શું કહો છો ? મોકલે ? કોઈક મને મોકલે ? શી વાત કરો છો ! હું રીતસરનો એનો ગ્રાહક છું. હું, સાહેબ આજકાલનો નથી— '૨૨થી સત્યાગ્રહી છું.' એમ ગુનો કબૂલ કરી જેલમાં ગયેલા. બહાર આવ્યા પછી જમીનો તો ઝંટવાઈ ગયેલી; પોતે વૃદ્ધ ને જીર્ણ બનેલા. અમે એમને મદદ આપવા કહ્યું ત્યારે એ રોષ કરીને બોલી ઊઠેલા કે, 'હું મદદ લઉં ! હું પારકે પૈસે નિર્વાહ કરું ! મને જાણો છો ? હું તો રાણા પ્રતાપનો વંશજ છું. ' દૈવ જાણે શાથી એમણે પોતાને પ્રતાપવંશી કહ્યા ! પણ એ મોતી ડોસાની તદ્દન બેહાલી વચ્ચે પણ એમના આવા અરમાનથી એની કુલીનતા પ્રકાશી ઊઠી. એને ઘેર સારાવાળાઓએ કન્યા આપી, ને એની કન્યા સારાવાળાએ રાખી."
રાસને ગુજરાતની કસુંબલ આંખ બનાવનારા આવા માણસનો ઇતિહાસ મહારાજ પાસેથી પહેલી જ વાર સાંભળતા સાંભળતા, આ ગામને પોતાની કેટલીયે કુરબાનીઓ વડે પાણી ચડાવનારા, જમીનો ગઈ હતી ત્યારે ગામની ગાળો ખાનારા, આજે તો પ્રિય થઇ પડેલા, હસ્યા જ કરતા ને કસ્તુરબા સ્મારક માટેના બીજા ચાલીસેક હજારે પહોંચેલા ઉઘરાણાની ઝોળી ગામેગામ ફેરવવામાં મશગૂલ એવા લોકસેવક શ્રી આશાભાઈની મૂંગી યાતનાઓનો વૃત્તાંત વર્ણવતા મહારાજ સાથે અમે આગળ વધ્યા.