લક્ષ્મી સ્વપ્નામાં આવી
ત્યાં તો ગુજરાતની ચળકતી આંખ સરીખું ગામ રાસ આવ્યું . ગામની બહાર ગાંધી–આશ્રમ છે. સ્વચ્છ દવાખાનું છે, જગ્યા છે, ખેતર છે. યંત્રથી કૂવાના પાણી ખેંચાય છે; ખેતરો પીએ છે. નવી જમીન સાફ થઈ રહી છે. કાપેલાં લાકડાં વ્યવસ્થિત ઢગલે ગોઠવાઈ રહ્યાં છે. જમીન માપવાનું ચાલે છે. એ ચાલે છે 'સ્વ. કસ્તુરબા સ્મારક ઇસ્પતાલ'ના ખાતમુરતની તૈયારી.
મહારાજ કહે : "આ ગામે એકલાએ કસ્તુરબા સ્મારકમાં એકવીશ હજાર રૂપિયા ભર્યાં છે. એમાં મુસ્લિમોએ પણ ભર્યા છે. કોળીનાળીએ, ઢેઢભંગીએ—એકેએક જણે ફાળો આપ્યો છે. રાસ ગામની આ વિશેષતા છે. ૧૯૨૨થી આ ગામ રાષ્ટ્રની લડતમાં મોખરે રહ્યું છે, '૩૦ની લડતમાં અહીંની હજારો વીઘાં જમીનો 'ના–કર'ને કારણે ખાલસા થઈ, અને અમલદાર આવ્યો. અમારા ભોળા ગરાસિયાઓને (બારૈયા–ઠાકરાડાઓને) કહે કે, 'લક્ષ્મી મારા સ્વપ્નામાં આવી અને કહી ગઈ કે, મેં જ ગાંધીને ઊંધી મતિ સુઝાડી છે; કારણ કે ગરાસિયાઓને મારે ઊંચે આણવા છે. માટે, ગરાસિયા ભાઈઓ, લઈ લો ! 'એમ કહી જમીન પાણીના મૂલે લેવરાવી. લોકો શાંત રહ્યા, 'ગાંધી–અરવીન કરાર'માં એ પાછી ન મળી. છેક કૉંગ્રેસ સરકારે પાછી આપી. ને વલ્લભભાઈએ કહેલું કે, 'જમીન તો ઢોલ–ત્રાંસા વગાડતી તમારી પાસે પાછી આવશે." એ મુજબ એની સોંપણી ટાણે અમે ઢોલ–ત્રાંસા વગાડેલાં."