પ્રકરણ ત્રીજું
મંછી :તમારી કોટમાં શું રામનામા છે કે શ્રીનાથજીનાં પગલાં છે ?પટલાણી :આ તો શોક્ય પગલુ છે.મંછી :તમારે શોક્ય મરી ગઈ છે કે શું ?પટલાણી :મારે બે શોક્ય મરી ગઈ છે ને હુંતો ત્રીજી છું. એક શોક્યપગલું ભાગી ગયું છે; તે ફરીથી કરાવવું છે. (જેટલી સોક્યો મરી ગઈ હોય તેટલાં શોક્યપગલાં કોટમાં રાખે છે કારણ કે તે ભૂત થાય તો નડે નહીં)
(એટલી વાત થઈ ત્યાં પેલો પટેલ આવ્યો.)મંછી :આ તમારે ઘરવાળ આવ્યા.પટલાણી :હવે તો અમે ઘેર જઈશું.મંછી :વળી કોઈ દહાડે આવજો.પટલાણી :શા સારૂ નહીં આવીએ ? આહીં અમારૂં ઘર છે.
(મતલબ કે તમારૂં ઘર છે તે અમારૂં જ છે.)મંછી :હજારવાર.
(પછી પટેલ-પટલાણી ગયાં.)
(મંછીવહુએ સાંભળ્યું કે પ્રેમકોરબાઈનો પિત્રાઈ કાકો ગુજરી ગયા એટલે બે ત્રણ બાઈડીઓને લઈને સાંજ ઉપતર હીરાચંદ શેઠને ઘેર મોહો વાળવા ગયાં.)
(જેનું સગું ગુજરી ગયું હોય તેને ઘેર મોહોબતવાળી સ્ત્રીયો સાંજ ઉપર રોવા જાય છે.)મંછી :(હીરાચંદશેઠના ચાકરને પુછે છે) શેઠાણીનો કાકો મરી ગયા તે આજ મોહો વાળશે કે ?
(જે દહાડે દીકરાને નિશાળે બેસાર્યો હોય, અથવા સગાઈ કરી હોય, કોઈ ગામ જનાર હોય, તો તે દહાડે મોહોવાળતાં નથી.)ચાકર :હીરાચંદ શેઠે ધોળેરે જવાના છે તે આજ પસ્તાનું કરવાનું છે માટે આજ તો મોહો નહીં વાળે.પ્રેમકોર :આવો, આવો મંછીબાઈ આવો.મંછી :હા આવ્યાં.પ્રેમકોર :આજ તો મોહો નથી વાળવાં.મંછી :અમને તો તમારે ચાકરે કહ્યું. તમારો કાકો કેટલા વરસના હતા.પ્રેમકોર :હતા તો ઘરડા, પણ તેમના દીકરાઓને ઓથ હતી.મંછી :જો બાઈ એવું ખરૂં જ તો, સો વરસે કાળ પડે તોપણ વસમો લાગે.પ્રેમકોર :દીકરા છે તે ડોસાને અજવાળશે, ને સારૂં ખરચ પાણી કરશે.મંછી :ઠીક ત્યારે અમે જમવા આવીશું.પ્રેમકોર :સમ ખાઓ જોઈએ.મંછી :ધરમના સમ.પ્રેમકોર :મારા સમ ખાઓ.મંછી :તમારા સમ તો ખવાય ?પ્રેમકોર :ધર્મના સમ તો તમે કદાપિ, જુઠા ખાતાં હો ત્યારે.
(જ્યારે દોસ્તીની રાહે સોગન દેવા હોય ત્યારે પોતાના ઘરના માણસના દે છે ને જ્યારે સામા વડિયાને દેવા હોય ત્યારે તેના ઘરના માણસના દે છે.)મંછી :એમાં શા પાંચ પઇશા મળવાના છે તે ધર્મના જુઠા સમ ખાઈએ. તારાચંદનો બાપ મોકલશે તો આવીશું.પ્રેમકોર :નહીં નહીં, મશ્કરી નહીં, તમારે જરૂર આવવું જોઈએ. ન આવો તો તમને ઝવેરચંદના સમ.મંછી :અરર, ખમા કરે, ઝવેરચંદને; એવા સમ શા વાસ્તે દો છો ? હું આવીશ.પ્રેમકોર :તારાચંદને સાથે લાવજો, એ તો વિવાહ જેવું કહેવાય.મંછી :સારૂં લાવીશ; શેનું ખરચ કરશે ?પ્રેમકોર :જાણ્યામાં તો સાતેવાનાની સુખડી કરશે.
(લાડવા, પેંડા, બરફી, જલેબી, સુતરફેણી, ઘેબર, ખાજાં)મંછી :હા ? ત્યારે તો બહુ સારૂં.નવલવહુ :બાઈજી.
(સાસુને બાઈજી કહે છે.)પ્રેમકોર :હાં.નવલવહુ :મને તેડી જશો કે ઘેર મુકી જશો ?પ્રેમકોર :તમારો વર કહે તેમ કરજો બાપા.
જે બાયડી ધણીની મનાતી થઈ, તે પછી સાસુનું કહ્યું કાંઈ માને છે ?નવલવહુ :શું તમારૂં કહ્યું હું નથી માનતી ?પ્રેમકોર :બધુંએ માનો છો.
(મતલબ કે કાંઈ નથી માનતી.)મલુકચંદ :મા, મને જમવા મોકલીશ કે નહીં ?નવલવહુ :તારા મોટા બાપા જાણે.મલુકચંદ :હમણાં ને હમણાં તું જઈને મારા મોટા બાપને કહે.નવલવહુ :મેર મેર પીટ્યા, હું તે તારા મોટા બાપને ક્યાં કહેવા જઈશ.
(સ્ત્રીની વરસ ૪૦ની ઉંમર થાય ત્યાં સુધી સસરા સાથે વાતચીત કરવાનો ચાલ નથી.)મંછી :અરરર, જીભ તો વાઢ્યા જેવી દેખાય છે, દીકરા જેવીદેહીને એવી ગાળ શું કરવા દેતાં હશો ?નવલવહુ :ત્યારે જુવો છો કે નહીં ? કેવું બોલે છે ?મંછી :એ તો સમજતો નથી, તે ગમે તેમ બોલે.અંબા :ત્યારે મારા બાપાને જઈને તું કહેને, મને મોકલે.નવલવહુ :બધું ગોત્ર ગાંડું છે, તેમાં શું.
(વર સાથે પણ જાહેરાંત બોલવાનો ચાલ નથી પણ અંબાએ ઘણીવાર વાત કરતાં દીઠું હશે, તેથી એવું કહ્યું.)પ્રેમકોર :અમારા ગોત્રમાં કોઈ ગાડું નથી. એ તો વીસ વસા મોસાળના.મંછી :વહુનું નામ નવલવહુ છે કે કાંઇ બીજું હતું ?પ્રેમકોર :એમનું પીયરનું નામ તો તેજકોર છે. પણ મારી નણંદ એક તેજકોર હતી. વાસ્તે એ નામ ફેરવીને નવલવહુ પાડ્યું.મંછી :એવું શું કરવા નામ પાડ્યું. સાસરામાં તો ઘણું કરીને, રૂપાળીવહુ, મોંઘીવહુ, દીવાળીવહુ, એવાં નામ પાડ્યાનો ચાલ છે ને ?પ્રેમકોર :હા એ તો ખરું. પણ એ તો બધાંય નામ અમારા કુટુંબમાં છે, ને નવલવહુ નામ શું ખોટું છે ?મંછી :ના એ પણ ઠીક છે.મંછી :તમારી સોક્યને કાંઇ છોકરાં થયાં હતાં કે નહીં ?પ્રેમકોર :મારા નીસાસા લાગ્યા, તે રાંડની કુખજ ફાટી નહીં.
(કુખ એ શબ્દ બે અદબીનો ગણાતો નથી, કોઈસમે મા, દીકરાને કહે છે કે, તું મારી કુખે જનમ્યો હોઉં તો ફલાણું કામ કરીશ નહીં.)મંછી :નહાય છે ખરાં કે નહીં ?પ્રેમકોર :અટકાવ તો મહીને મહીને આવે છે.
(એટલી વાત થઈ રહી ત્યાં એક કોલણ એક મરદની સાથે લડી)પ્રેમકોર :ચાલો ચાલો કોઈકને લડાઈ થઈ. બારીએથી જોઈયે.કોળણ :હત મારા પીટા.
(પીટવું એટલે મરનારની પછવાડે કુટવું)મરદ :પીટ તારા ભાઈને.કોળણ :તારો ઓસલો કુટું.
(ઓસલો એટલે કુટવું, કાણ, અથવા રાજીઆ.)મરદ :કુટ તારા બાપનો ઓસલો.કોળણ :મારા રડ્યા, પાઘડી બળ્યા,મરદ :પાઘડી બળ્યો તારો ભાઈ, રાંડ ગધાડી.કોળણ :રાંડ ગધાડી તારી મા.મરદ :હત, તને નાતરે દઊં.કોળણ :નાતરે દે તારી બેનને.મરદ :તને હાલાલખોર પરણે.કોળણ :પરણે તારી હોય તેને.
(એ કોળણ નો ધણી આવી પહોંચ્યો.)ધણી :રાંડના, બાઈડી સાથે શું લડે છે. આવ્ય લડવું હોય તો મારી પાસે.મરદ :રાંડના તું શું કરનાર છું.પ્રેમકોર :મુવા પીટા, ભુંડું બોલશે, હવે ચાલો આપણે ઘરમાં બેશીએ.
(પછી ઘરમાં જઈ બેઠાં.)મંછી :પીટ્યા કોળી નાળીને કાંઈ લાજ નહીં. પોતાની બહેન દીકરી ઊભી હોય, ને ગમે તેમ બોલે.પ્રેમકોર :અરે એ તો લડાઈ થાય, ત્યારે કોળીની બાઈડીઓ, પણ બેફાટ ભુંડું બોલે.
(હીરાચંદ શેઠ બારીએ આવીને પેલા કોળીઓને કહે છે.)હીરાચંદ :અલ્યા, રાંડે જણાયો, અહિંયાં શું એલફેલ બોલો છો ? કાંઈ વિચાર રાખો છો કે નહીં. કે આતે વસ્તી છે કે ઉજડ ?ધણી :જુવો શેઠ સાહેબ, આ છીનાળનો મારી બાઈડી સાથે લડે છે.મરદ :જુવો જુવો મને ગાળ દે છે.શેઠ :અલ્યા કોઈ સીપાઈ છે કે ? આ કૂતરીનાઓને અહિંયાંથી કહાડી મુકો.
(પછી સીપાઈએ કહાડી મેલ્યા.)