ભાવનગર
તા. ૨-૧-૩૬
વહાલાં બાળકો !
' બુધવારિયા 'માં મારો આ પહેલો પત્ર છે. દર અઠવાડિયે હું તમને જરૂર એક પત્ર લખીશ. તમારી ઉપર પત્ર લખવાનું મને બહુ ગમે છે. તમે મારા ઉપર પત્ર લખશો તો મને ખૂબ જ મજા પડશે.
જુઓ, હમણાં શિયાળો ચાલે છે.
શિયાળે શીતળ વા વાય,
પાન ખરે, ઘઉં પેદા થાય.
આ કવિતા તમે પહેલાં કોઈ દિવસ વાંચી છે ? આપણા કવિ દલપતરામ ડાહ્યાભાઈએ એ લખેલી છે.
શિયાળામાં અનાજમાં ચણા ને ઘઉં થશે. શાકમાં રીંગણાં થશે; કોબી, પાપડી, મૂળા, મોગરી, સરગવો, વગેરે થશે.
લોકો ઘરમાં પાક કરશે : મેથીપાક, અડદિયો પાક, ગોળપાપડી ને એવા પાકો.
સૌને ટાઢ વાશે એટલે ગરમ કપડાં પહેરશે, સગડીએ તાપશે અને તડકે બેસશે.
શિયાળામાં હાથપગ ફાટી જશે ને તડિયાં પડશે. લોકો કોકમનું ઘી, વેસેલીન, ઝાંબુક ને એવું ચોપડશે.
જુઓ, આ શિયાળો છે. મેં લખ્યું એમ જ બધું છે ને ?"
તમારા
ગિજુભાઈના આશીર્વાદ
ગિજુભાઈ બધેકાદ્વારા વધુ પુસ્તકો
ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.[૧] તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.[૨] તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.
ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.[૨]
શિક્ષણ - વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫), માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), અક્ષરજ્ઞાન યોજના, બાલ ક્રીડાંગણો, આ તે શી માથાફોડ? (૧૯૩૪), શિક્ષક હો તો (૧૯૩૫), ઘરમાં બાળકે શું કરવું.
બાળસાહિત્ય - ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય (૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો), બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા), જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦), બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).
ચિંતન - પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪).
દિવાસ્વપ્ન.D