ભાવનગર.
તા. ૪-૩-૩૬
વહાલાં બાળકો !
કાં, હમણાં ઉનાળો છે કે શિયાળો ? મેં નહોતું કહ્યું કે ટાઢ પૂછડું પછાડીને જશે, હોળી તાપીને જશે ? જુઓ ટાઢ ફરી આવી કે નહિ ? આજકાલ કેવો ઠંડો પવન વાય છે ? જાણે શિયાળો ફરી વાર જોરમાં આવ્યો. પણ હવે આવું વધારે વખત નહિ રહે. આ ઝપાટો છેલ્લો છે.
હવે પેલો ખાખરો ખૂબ ખીલ્યો છે. આજે તો કેસૂડાની બે ડાળીઓ બાલમંદિરમાં આણી છે, અને તેને એક ઘડામાં મૂકી સુંદર ફૂલદાન બનાવ્યું છે. જોયો આ કેસૂડાનાં ફૂલોનો રંગ ? કેવો મજાનો કેસરી લાલચટક છે ! ફૂલોનો આકાર પોપટની ચાંચ જેવો છે એ તમે જોયું છે ? તમે સહુ જ્યાં હો ત્યાં ઉનાળે કેસૂડાંને સંભારજો. એને ખાખરાનાં ફૂલો કહેશો તોપણ ચાલશે. ખાખરાનું બીજું નામ પલાશ છે.
હમણાં ભૂરવા વાય છે. ઘઉં ડૂંડીએ આવી ગયા પછી દાણો સૂકવી નાખવા માટે ભૂરવા કામનો છે. કુદરત ગણ કેવી છે ? જ્યારે જેવા તડકા, હવા, પાણી જોઈએ ત્યારે તેવાં મોકલી આપે. આ ભૂરવા કડક છે. જમીન બધી સુકાઈ જાય અને તેમાં તડિયાં પડે; ઝાડને ગમે તેટલું પાણી પાઈએ તોપણ તેને જાણે પાણી નથી પાયું તેવું દેખાય. અને આપણી ચામડી પણ સૂકી પડી જાય છે. આ ભૂરવા બરાબર વાશે એટલે પાનખર શરૂ. તડતડ ઝાડ ઉપરથી પાંદડાં પડવા જ માંડશે. સડકો ઉપર, બાગમાં જ્યાં ત્યાં સૂકાં પાંદડાં ખરવા લાગશે અને બીજી બાજુથી નવાં પાંદડાં ડોકિયાં કરશે. આપણામાં એક નાની એવી બે લીટીની કહેવત અથવા કવિતા છે :
પીંપળપાન ખરંતાં,
હસતી કૂંપળીઆ;
અમ વીતી તમ વીતશે,
ધીરી બાપુડીઆ.
પેલાં પીપળાનાં ઘરડાં પાન તડ તડ નીચે પડતાં હતાં, તે જોઈને નવાં આવતાં પાંદડાં હસવા લાગ્યાં. ત્યારે પેલાં બુઢ્ઢાં પાંદડાંએ કહ્યું : "બાપુ ! હસો નહિ. જેમ અમારો વારો આવ્યો તેમ તમારો પણ આવશે. ધીરજ રાખો." અને એ તો કુદરતનો કાયદો છે, નવાં આવે અને જૂનાં જાય. એમ ન થાય તો પૃથ્વી ઉપર ઝાડપાન, જીવજંતુ, પશુપક્ષી, માણસો ક્યાંય માય નહિ. એ તો પાંદડાં ખરે તો જ ઝાડ વરસે વરસે નવું થાય.
પક્ષીઓમાં પણ એવું જ છે. એમાં વળી જૂનાં પીછાં કાઢી નાખવાનું આવે છે. પીછાં એની મેળાએ ખરી જાય ને નવાં આવે. જૂનાં પીછાં જતાં રહે ને નવાં પીછાં આવે એટલે દર વર્ષે પક્ષી પણ નવું ને તાજું થાય છે. કેટલાંક ઝાડનાં પાંદડાં જેમ એકીસાથે ખરી જાય છે તેમ પક્ષીનાં પીછાં એકીસાથે ખરી પડતાં નથી. જૂનું પીછું ધીરે ધીરે નીકળતું જાય છે ને તેની પાછળ નવું પીછું આવતું જાય છે. આવી રીતે જ્યારે પક્ષીનાં પીછાંની પીછાંખર ઋતુ આવે છે ત્યારે પક્ષીઓ સાવ ભૂંડાં ભૂખ જેવાં દેખાય છે. ઝાડ તો પાંદડાં વિના કેવાં દેખાય છે એ જોયું છે ને ? આવે વખતે પક્ષીઓ ગાતાં નથી; મોટે ભાગે ઈંડાં પણ નથી મૂકતાં; કેટલાંક પક્ષીઓ તો બહાર પણ નથી નીકળતાં ! એવાં ભૂંડાંભૂખ શરીરે બહાર નીકળવું એમને નહિ ગમતું હોય. એમ તો પક્ષીઓ આપણી જેમ ફેશનેબલ અને સમજવાળાં લાગે છે. અલબત્ત, વર્ષમાં બે વાર પક્ષીઓનાં પીછાં નવાં આવે છે પણ તેની બહુ ચોક્કસ ઋતુ નથી જણાતી. વળી ઝાડનાં પાન એક સાથે ખરે છે તેમ પીછાંનું નથી બનતું. એ તો એક પછી એક ખરે, અને એક પછી એક આવે. એમ ન થાય તો પછી પક્ષી ઊડે જ શી રીતે ?
તમે એમ ન ધારતાં કે ઝાડનાં પાન અને પક્ષીનાં પીછાંને જ ખરવાની ઋતુ આવે છે. સાપ કાંચળી કાઢે છે એ શું છે ? બધાં ય પેટે ચાલતાં પ્રાણીઓ પોતાની ચામડી વર્ષમાં એક વાર ઉતારે છે; એનું નામ આપણે કાંચળી ઉતારવી એમ કહી શકીએ. ઝાડની પાનખર, પક્ષીઓની પીછાંખર, અને સાપ વગેરેની ચામડીખર ઋતુઓ કુદરતે વારેવારે તેમને નવાં થવા માટે ગોઠવી છે. કુદરતની અદ્ભુતતા સમજ્યાં ?* * *
આ કાગળ લખતો હતો ત્યારે ઠંડી હતી. અત્યારે ચાર વાગે ગરમી થાય છે. હમણાં આવું બધું ઠેકાણા વગરનું છે. સવારે થરમૉમિટરમાં ગરમી ૬૦-૬૫ ડિગ્રી થાય છે, અત્યારે ૮૮-૯૦ છે; એટલે જ આ ઋતુ માંદગીને વધારે. ઘડીકમાં એકદમ ઠંડી અને ઘડીકમાં એકદમ ગરમી માણસને શરદીના રોગો કરી નાખે છે. ત્રિદોષ-કફના ઘણા કેસો આ ઋતુમાં જ થાય છે.
હવે તો હુતાશની આવી. ચાલો ત્યારે ફાફડા-સુંવાળી ખાવા માટે તૈયાર થાઓ; ખજૂર, દાળિયા ને ધાણી પેટ ભરીને ઉડાવો. ગામમાં અરબસ્તાનમાંથી ખજૂરના સેંકડો વાડિયાં આવ્યાં છે. તમે બધાં તો કે દિવસનાં ખાવા મંડ્યાં હશો; જરા ઘી સાથે ખજૂર ખાજો એટલે ભારે ન પડે.
જોજો, તમને શિખામણ આપવાનું મન થઈ જાય છે. પેલાં શેરીનાં છોકરાં ભૂંડાં બોલે તેમાં તમે ભળશો નહિ. એ તો સારું નહિ, ભાઈ ! આ શિખામણ સારી છે માટે આપું છું. તમે કહો ને, હું વારે વારે શિખામણો આપું છું ? હા, બાકી તમને ગમે તો એકબીજા પર સારો રંગ છાંટજો; પણ કચરો છાંટશો નહિ. છતાં એક વાત અહીં પણ ભૂલશો નહિ; રસ્તે જતા માણસો ઉપર આપણાથી રંગ ન નખાય, અને ગોઠ ન મગાય. એ રિવાજ હવે સારો નથી. અને હુતાશની માટે કોઈનાં છાણાં ચોરવાનાં નહિ, બાપુ ! એવી ચોરીને કરેલી હુતાશની ભૂંડીભૂખ લાગે. આવતા શનિવારે તા. ૭-૩-૩૬ના રોજ હુતાશની છે. વારુ ત્યારે, અત્યારે તો રામરામ !
લિ. તમારા શુભેચ્છક
ગિજુભાઈના જયભારત.