બાલમંદિર : ભાવનગર.
તા. ૨ - ૨ - ૩૬
વહાલાં બાળકો !
હજી શિયાળો ચાલે છે, ખરું ? અત્યારે મહા મહિનો છે. શિયાળાના ચાર માસ ગણાય છે : કારતક, માગશર, પોષ અને મહા. એમ છતાં કારતકમાં ઠંડી થોડી હોય છે અને ઘણી વાર નથી હોતી; અને ફાગણની પૂનમ સુધી તો ઠંડી સારી રીતે પડે છે. લોકો તો એમ માને છે કે ફાગણ માસની હોળી તાપ્યા વિના ટાઢ ઊડે જ નહિ.
ગયા અઠવાડિયામાં બહુ ઠંડી ન હતી એટલે કામ કરવાની મજા આવી. છતાં હજી ગરમી તો વધી જ નથી. વચ્ચે બેત્રણ દિવસ બપોરે ઠીક ઠીક પવન રહ્યો એટલે બાલમંદિરનાં બાળકો સંગીતમાં આવ્યાં જ નહિ, અને અખાડામાં રમવા લાગ્યાં. આ ઋતુમાં બાળકોને તડકો બહુ ગમે છે. અખાડામાંથી તેઓ ખસતાં જ નથી. તેઓ ત્યાં લપસે છે, કૂદે છે, દોડે છે, ચોરચોર રમે છે, હીંચે છે, ને ચક્કાર પર પણ જાય છે. બાળકો ઓરડામાં આવે નહિ એટલે અમે બધાં અખાડામાં જઈને ઊભાં રહીએ છીએ. ઓરડામાં જ કાંઈ થોડું ભણતર છે ? અખાડામાં આ બધું ભણતર જ છે ના !
શિયાળો; ઉનાળો અને ચોમાસું : એમાં તમને કઈ ઋતુ ગમતી હશે એ તો તમે જાણો. પણ એ સાચું છે કે ગરીબનો ઉનાળો અને પૈસાદારનો શિયાળો. શિયાળે ઓઢવા-પાથરવા જોઈએ, પહેરવા પણ જોઈએ, અને ભૂખ પણ વધારે લાગે. અને તે માટે પહેરવાઓઢવાનું તેમ જ સારું સારું ખાવાનું ગરીબ પાસે તો નથી. શિયાળે પૈસાદારને શું ? ટાઢ વાય તો આ...ને મજાની સગડી પાસે તાપે, ગરમ મોજાં પહેરે, શાલો ઓઢે અને રજાઈઓ ઓઢીને સૂઈ રહે. બિચારાં ગરીબો ટાઢે ઠૂંઠવાય. એમને પૂરું પાથરવા-ઓઢવાનું હોય તો કે ? અને તડકે કે સગડીએ ક્યાંથી તાપે ? પેટને માટે કડકડતી ટાઢમાં પણ કામે તો જવું જ પડે. બાકી ઉનાળો આવે ત્યારે ગરીબોને નિરાંત. ફાટલાં કપડાં હોય તો યે ચાલે. શહેરમાં સેંકડો લોકો ફૂટપાથ ઉપર એમ ને એમ પડ્યા જ રહે છે. પણ એમને આવી રીતે પડ્યા જ રહેવું ગમે છે એમ ન માનજો. એમની પાસે પૈસા નહિ, ઘર નહિ, ખાટલાગોદડાં નહિ એટલે એમની આવી દશા.
વારુ, એ તો બધું બદલાશે જ. હમણાં તો આપણે આપણો શિયાળો તો વિતાડીએ ? કાં, લીલા ચણાના શાક ખાઓ છો કે નહિ ? પાપડીનાં ને તુવેરનાં ઊંધિયાં ય ખાતા હશો. રીંગણાનો ઓળો ખાતા હશો; હમણા મોટાં અને કાળાં રીંગણાં બહુ આવે છે. ને એમ તો શિયાળુ શાકમાં કેટલાં ય આવે છે : પાપડી, નોલકોલ, મેથી, વાલોળ, કોબી, રીંગણાં, ફૂલગોબી, મોગરી, ને એ બધાં. કહો, તમને કયું શાક ભાવે, ભલા ?
શાક ખાવા જોઈએ એ તમે જાણો છો ? લીલાં શાકો ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. શકરિયાં, ગાજર, મૂળા, મોગરી, ટમેટાં, કોબી ને એવાં એવાં શાકો તો ચાવી ચાવીને ખાવાથી બહુ ફાયદો થાય એમ બધા કહે છે. લાલ ટમેટાં બહુ ગુણકારી, હં ! એની કચૂંબર થાય, એનો સૂપ થાય, અને એનો મુરબ્બો પણ થાય. તમારી બાને આવડતો હોય તો કહેજો કે કરી આપે.
હમણાં જમરૂખ આવે છે, બોર આવે છે; જોજો, ખાવાનું ભૂલી જતાં નહિ. તમે તમારા ભણતરમાં એટલાં બધાં કદી ન પડતાં કે ખાવાપીવાનું ભૂલી જવાય. તો તો બધું ભણતર નકામું જાય.
જામફળ ઉપર જરા મીઠું ભભરાવજો; તો ખટાશ ઓછી થઈ જશે ને મીઠાશ આવશે. જામફળનો પણ મુરબ્બો થાય; એકલી કેરીનો જ થાય એમ નથી. પણ આ બધું તમને મળે છે; બિચારાં ગરીબનાં છોકરાંને મુરબ્બા વળી કેવા ? અને જામફળો અડધાં પાકાં ને અડધાં કાચાં એવાં કાછિયાઓ એને વેચે; પૂરા પૈસા આપે તો યે સારું ન આપે તો !
આ શિયાળામાં ઘરમાં બેસી ન રહેતાં; જરાક બહાર ફરવા જજો. જરા ધુમ્મસ પડતું હોય ત્યારે બહાર જશો તો મજા આવશે. નજીકનાં ઘરો પણ નહિ દેખાય; આકાશ, સૂરજ, ને એવું કાંઈ યે નહિ દેખાય. ત્યારે બધું ઝાંખું ઝાંખું જોવાની યે મજા પડશે. મોટા મોટા ડુંગરા ઉપર તો એવું ધુમ્મસ વરસે કે બે જણા સાથે ચાલતા હોય તોપણ એકબીજાને ન વરતાય. આપણે ધુમ્મસમાં જ ઘેરાઈ જઈએ; કશું જ ન ભળાય.
ગામડામાં જતા હો તો ઘઉંના ખેતરો જોવા જરૂર નીકળજો. ઘઉં શિયાળે થાય એ ખબર તો છે ને ? તમને ચોપડી ભણનારને એની ખબર નથી હોતી. ઘઉંના લીલાંછમ ખેતરો જોઈ તમારી આંખને ટાઢક વળશે. ઘઉંની વચ્ચે પીળાં પીળાં ફૂલવાળા છોડને તમે ક્યાંથી ઓળખો ? એ રાઈના છોડ છે. રાઈના છોડે પીળાં ફૂલ આવે છે. છોડ બહુ સુંદર લાગે છે. લીલી હરિયાળી વચ્ચે પીળો ગુચ્છ કેટલો બધો ખીલી ઊઠે છે ! બંગાળમાં તો રાઈનાં ખેતરો હોય છે. એટલે તો આખું ખેતર પીળા ગાલીચાથી બિછાવેલું હોય એવું લાગે. એટલું બધું સુંદર કે વાત ન કરો !
આપણા કાઠિયાવાડના ભાલમાં ઘઉં બહુ થાય છે. અત્યારે ભાલ આખો લીલોછમ હશે. ઉનાળે ત્યાં જઈ જુઓ તો આખી ધરતી ધખધખતી હોય; એકે ઝાંખરું ન મળે. માત્ર ઝાંઝવાનાં જળ દેખાય ને આપણે છેતરાઈએ. પંજાબમાં પણ અત્યારે ઘઉં ઊગ્યા હશે.
ઠીક ત્યારે, આ કાગળ જરા લાંબો થઈ ગયો. હવે વખત મળે લખીશ.
લિ. તમારા
ગિજુભાઈના આશીર્વાદ