shabd-logo

ઋતુના રંગ : ૧૩

30 June 2023

8 જોયું 8

બાલમંદિર : ભાવનગર.

તા. ૨૨ - ૭ - ૩૬

પ્રિય બાળકો !

ઋતુના રંગો સાચે જ ઋતુના રંગો છે. ધોરી આષાઢ માસ ચાલ્યો ગયો ને વરસાદે તણાવ્યું તે ભારે તણાવ્યું. એક વાર વરસાદ આવ્યો; પૃથ્વીને પલાળી મૂકી; નદી-સરોવર ભરી મૂક્યાં; તે સાથે ભોંયમાંથી ઘાસે અંકુર આપ્યા. પણ પાછો ખબર જ કાઢવા આવતો નથી ! વળી પાછો તડકો પડવા લાગ્યો છે; ઘામ તો ખૂબ જ થાય છે. બધા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઝાડ ઊંચી ડોકે, ખેડૂત ઊંચી ડોકે, ઢોર ઊંચી ડોકે, આકાશ સામે જોઈ રહ્યાં છે. દિવસે વાદળાં જેવું થાય છે ને સાંજ પડ્યે આકાશમાં તારા ઊગે છે. કેટલાક કહે છે કે દિવસે વાદળાં ને રાતે તારા એ બધા દુકાળ પડવાના ચાળા છે.

વરસાદ નથી આવતો તેથી ક્યાંક ક્યાંક ઘામને લીધે કૉલેરા પણ ચાલે છે. હવા પડી ગયેલી રહે છે તેથી પાચન પૂરું થતું નથી; કેટલાક લોકોને બેચેની જેવું રહે છે.

લીલું લીલું નવું ઊગેલું ઘાસ સુકાવા લાગ્યું છે, તે પીળુંપચક થવા માંડ્યું છે. એવું ને એવું વધારે ચાલે તો થોડા જ વખતમાં બધું સુકાઈ જાય; ને ઢોરને ચારો મળે નહિ.

ખેતરમાં વાવણાં થઈ ગયાં છે, પણ વરસાદે તણાવ્યું તેથી ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે. રોજ તે ઊગી ગયેલી બી સામે જુએ છે ને નિસાસા નાખે છે. આપણા દેશની ખેતીનો આધાર આકાશના વરસાદ ઉપર છે; એ ન આવે તો થઈ રહ્યું !

પણ હજી આશા તો છે જ; હજી વાદળાં ચડે છે ને ઊતરે છે; હજી અહીંતહીં વરસાદ વરસ્યાના સમાચાર આવે છે. ગઈકાલે લાઠીમાં ને ગઈ સાંજે બોટાદ-નીંગાળા વચ્ચે વરસાદ વરસ્યાના વાવડ છે. અહીં પણ થશે તો ખરો જ. એટલો બધો ઘામ છે તે થયા વિના નહિ રહે. પરમ દહાડે અરધી રાતે વાવંટોળ થયો; એવો કે હમણાં વરસાદ તૂટી પડશે. પણ ત્યાં તો થોડી વારે આકાશે તારા દેખાયા !

આપણી ટેકરી ઉપર કંઈક જાતની ઔષધની વનસ્પતિ ઊગી નીકળી છે. કેટલી ય જાતનાં ઘાસ પણ ઊગ્યાં છે. આજે કેટલાંક ઘાસ મોંઘીબેને એકઠાં કર્યાં ને મને બતાવ્યાં. કેટલાંકનાં નામ હું જાણતો પણ નહોતો; મને મોંઘીબેને તે બધાનાં નામ આપ્યાં. એક ગાડાવાળાએ મને કહેલું કે લગભગ છપન્ન જાતનાં ઘાસ થાય છે. મને લાગે છે કે એથી યે વધારે જાતનાં ઘાસ ઊગતાં હશે. મોંઘીબેને નીચે લખેલાં ઘાસ આણ્યાં છે. પૂછીપૂછીને તેના નામો હું અહીં લખું છું. આ બધાં ઘાસ ઢોરને ખાવા માટે પરમેશ્વરે ઉગાડ્યાં છે. વરસાદ આવ્યો ને ધરતીમાંથી એ ઊગી નીકળ્યાં. વળી ઉનાળે બધું સુકાશે; બિયાં ખરશે ને આવતે ચોમાશે ઊગી નીકળશે.

આજે આણેલાં ઘાસ કુલ સોળ જાતનાં છે. આ સિવાય બીજાં પણ છે, પણ તે આજે એકઠાં કર્યાં નથી. સોળનાં નામ આ રહ્યાં : શેપુ, ધરો, ઘ‌ઉંલું, પીળી સોનસળી, પીળી માખણી, છૈયા, લાલ માખણી, પેડુ, બાકર કાયો, ઊંધીફુલી ઉર્ફે વાનરપૂછ, કાગડોળી, સાટોડો, મગામઠી, શેષમૂળ, ચકીમકી અને ચમારદૂધલી.

ઉપરાંત બીજી કેટલીક જાતની દવાની વનસ્પતિ-ઔષધિ પણ આપણી ટેકરી ઉપર ઊગેલી છે. કીડામારી, અઘેડો, શ્રીપંખ, તકમરિયાં, ગોખરુ, બહુફળી, ખડસલિયો, વગેરે વગેરે પણ ઊગી નીકળેલાં છે. હવે જો બીજો વરસાદ થાય તો ઘાસ મોટું થાય ને ઢોરનાં પેટ ભરાય. કુદરતની અદ્‌ભુત લીલા છે ને ? આજે વરસાદથી જે દવાના છોડો ઊગ્યા છે તેમાંથી હજારો રૂપિયાની દવા થશે ને હજારો રૂપિયાના વેપાર ચાલશે.

અહીં આજુબાજુ ઊગેલી ઔષધિ પણ કિંમતી છે. શ્રીપંખનાં મૂળ ચાવવાથી શીળસ મટી જાય છે. કીડામારી જંતુનો નાશ કરનારી છે. અઘેડો તો અઘ એટલે પાપને નાશ કરનારો છે, એનો અર્થ એ છે કે ખાંસી, દમ, વગેરે રોગોને તેની ભસ્મ મટાડે છે.

આજકાલ ઇયળો થવા લાગી છે. ઊમરામાં એટલી બધી ઇયળો થઈ કે પાંદડે પાંદડેથી જાણે એનો વરસાદ વરસ્યો ! આખો ઊમરો ઇયળોએ કરડી ખાધો. પણ પાંદડાં ખાઈખાઈને ઇયળો હજી ઊંઘી ગઈ નથી. વળી ઘાસના ફૂદાં તો હજી થાય જ કેમ ? ઘાસ મોટું થાય, ઇયળો થાય, પછી તે ઘાસ ખાય, પછી ઊંઘે, પછી તેમાંથી કોશેટા બને ને પછી તેમાંથી ફૂદાં બને ના ? વરસાદને વાર લાગે છે તેની સાથે આ પણ ખોટી થાય છે.

ગઈ કાલે જરાક છાંટા જેવું થયું. બે છાંટા પડ્યા ને પછેડી ભીંજાય એટલો યે વરસાદ ન પડ્યો ત્યાં તો બધું વીંખાઈ ગયું !

પણ દરિયા ઉપર વરસાદ વરસ્યો હશે એમ લાગે છે. દરિયા ઉપર વરસાદ વરસ્યો હશે એમ લાગે છે. દરિયા ઉપર સુંદર મેઘધનુષ્ય તણાયું હતું. મેઘધનુષ્ય કેટલું બધું સુંદર લાગે ! તમે બધાંએ તો જોયું હશે. કેટલું બધું સુંદર, સુંદર, સુંદર !

ગઈ સાંજનો દેખાવ સુંદર હતો. વાદળાંની ગોઠવણ એવી થઈ ગઈ હતી કે આખી પૃથ્વીનો પટ ઘેરો લીલો બની ગયો હતો. આ ઘેરા લીલા ગાલીચાને જોઈ મન ખૂબ પ્રસન્ન થતું હતું. સૃષ્ટિનો ગંભીર દેખાવ મન પર ગંભીરતાની છાપ પાડતો હતો.

શ્રાવણ માસ તો ચાલવા માંડ્યો. હવે કહેવત પ્રમાણે સરવડાં આવે, પણ હજી સરવડું યે નથી આવતું.

ઘામ, ઘામ ને ઘામથી તો કંટાળ્યા. હવે તો લખવું યે નથી ગમતું ! તેમાં વળી થોડીક માખીઓ હાથ પર બેસીને કંટાળો આપે છે. ને ચોમાસાની માખીઓની હેરાનગતિ તો જાણવા જેવી છે જ. પણ તે હવે પછી.

હમણાં કોયલનાં બચ્ચાં ઊડવા લાગ્યાં છે; નાના કાગડા જેવાં તે લાગે છે. હાલ તો એ જ.

લિ. શુભેચ્છક

ગિજુભાઈના આશીર્વાદ 

13
લેખ
ઋતુના રંગ
0.0
આ ચોપડીઓમાં જુદી જુદી ઋતુઓના નિસર્ગના થતા ફેરફારોનું દર્શન કરાવવામાં આવેલું છે. કુદરતના બનતા બનાવો વચ્ચે આનંદ અનુભવતા માણસે પત્ર રૂપે નાનાં બાળકોને આ લખાણ દર બુધવારે મોકલેલું છે. 'બુધવારિયું' નામના હસ્તલિખિત અઠવાડિયામાંની આ એક વાનગી છે.
1

ઋતુના રંગ : ૧ :

30 June 2023
1
0
0

ભાવનગર તા. ૨-૧-૩૬ વહાલાં બાળકો ! ' બુધવારિયા 'માં મારો આ પહેલો પત્ર છે. દર અઠવાડિયે હું તમને જરૂર એક પત્ર લખીશ. તમારી ઉપર પત્ર લખવાનું મને બહુ ગમે છે. તમે મારા ઉપર પત્ર લખશો તો મને ખૂબ જ મજા પડશે

2

ઋતુના રંગ : ૨

30 June 2023
0
0
0

બાલમંદિર : ભાવનગર તા. ૨૬ -૧ - ૩૬ પ્રિય બાળકો ! ગયે વખતે મેં તમને વહાલાં લખ્યાં હતાં; આ વખતે પ્રિય લખું છું. વહાલાં અને પ્રિયમાં નથી ફેર લાગતો. કેટલાંકને ' વહાલાં ' ગમે ને કેટલાકને ' પ્રિય ' ગમે; તમ

3

ઋતુના રંગ : ૩ :

30 June 2023
0
0
0

બાલમંદિર : ભાવનગર. તા. ૨ - ૨ - ૩૬ વહાલાં બાળકો ! હજી શિયાળો ચાલે છે, ખરું ? અત્યારે મહા મહિનો છે. શિયાળાના ચાર માસ ગણાય છે : કારતક, માગશર, પોષ અને મહા. એમ છતાં કારતકમાં ઠંડી થોડી હોય છે અને ઘણી વાર

4

ઋતુના રંગ : ૪

30 June 2023
0
0
0

ભાવનગર. તા. ૧૨ - ૨ - ૩૬ વહાલાં બાળકો ! હજી શિયાળો ચાલે છે. એમ એ કાંઈ ઝટ નહિ જાય. ટાઢ હોળી તાપીને જશે, અને જતાં જતાં પૂછડું પછાડશે. તે વખતે છેલ્લી વારની ઠંડી પડી જશે. હા, હમણાં જરા ગરમ હવા થઈ છે. ગ

5

ઋતુના રંગ : ૫

30 June 2023
0
0
0

ભાવનગર. તા. ૧૯ - ૨ - ૩૬ વહાલાં બાળકો ! કાં, આજકાલ શિયાળો છે કે ઉનાળો ? હમણાં ઋતુ બહુ વિચિત્ર છે. સવારે ધુમ્મસ જેવું હોય છે; સૂર્ય લાલ ચોખ્ખો નથી ઊગતો. બપોરે વળી માથું તપે એવો તાપ પડે છે, અને રાતે (

6

ઋતુના રંગ : ૬

30 June 2023
0
0
0

ભાવનગર. તા. ૨૫ - ૨ - ૩૬ વહાલાં બાળકો ! હવે મારાથી એમ નહિ કહી શકાય કે અત્યારે કડકડતો શિયાળો છે. હવે વસંત અને પાનખર ભેળાં ભેળાં ડગલાં માંડવા લાગ્યાં છે. પાનખર લીમડાનાં, પીંપરનાં, બૂચનાં અને ઉમરાનાં પ

7

ઋતુના રંગ : ૭

30 June 2023
0
0
0

ભાવનગર. તા. ૪-૩-૩૬ વહાલાં બાળકો ! કાં, હમણાં ઉનાળો છે કે શિયાળો ? મેં નહોતું કહ્યું કે ટાઢ પૂછડું પછાડીને જશે, હોળી તાપીને જશે ? જુઓ ટાઢ ફરી આવી કે નહિ ? આજકાલ કેવો ઠંડો પવન વાય છે ? જાણે શિયાળો ફર

8

ઋતુના રંગ : ૮ :

30 June 2023
0
0
0

ભાવનગર. તા. ૧૧ - ૩ - ૩૬ વહાલાં બાળકો ! લ્યો, આજે તો હું પાકેપાકાં વસંતનાં વધામણાં આપું છું. જુઓ, બાલમંદિરમાંથી બહાર નીકળો અને નજર તો નાખો ? જુઓ, આ આપણા આંબાને મોર આવ્યો છે. ગોપાળભાઈના આંબાને, નાનાભ

9

ઋતુના રંગ : ૯

30 June 2023
0
0
0

ભાવનગર. તા. ૧૮ - ૩ - ૩૬ વહાલાં બાળકો ! તમે મારા અઠવાડિક પત્રની રાહ જોતાં જ હશો. આ વખતે એક દિવસ મોડું થાય છે તો માફ કરશો. હું ધારતો હતો કે હુતાશની તાપીને ટાઢ જશે, પણ હજી તો એ ઊભી છે. એ તો જરાક ચાલે

10

ઋતુના રંગ : ૧૦

30 June 2023
0
0
0

બાલમંદિર : ભાવનગર. તા. ૧૩ - ૪ - ૩૬ વહાલાં બાળકો ! અત્યારે બપોરના ત્રણ થયા છે. ગરમીમાપકમાં ૧૦૦ ડિગ્રી ગરમી દેખાય છે. હવા ગરમ છે. આકાશ વાદળાં વિનાનું છે અને તેજસ્વી સૂર્ય ચારેકોર તપી રહ્યો છે. અખાડાન

11

ઋતુના રંગ : ૧૧

30 June 2023
0
0
0

ભાવનગર. તા. ૧ - ૫ - ૩૬ વહાલાં બાળકો ! અત્યારે બપોર છે; ખરા બપોર છે. ધોમ ધખ્યો છે. બાર ઉપર બે વાગ્યા છે. ધીમી ધીમી લૂ વાય છે. ઝાડ અને છોડ પાંદડાં નમાવી લંછાઈ ગયાં છે. વસ્તુમાત્ર ગરમ ગરમ થઈ ગઈ છે; મા

12

ઋતુના રંગ : ૧૨

30 June 2023
0
0
0

ભાવનગર. તા. ૧૪ - ૭ - ૩૬ પ્રિય બાળકો ! ઉનાળો ચાલતો હતો ને હું સંયુક્ત પ્રાંતના પ્રવાસે ઊપડ્યો. એટલે જ હું તમને ઋતુનો પત્ર લખી શક્યો નહિ, તો માફ કરશો. હવે તો વર્ષાઋતુ બેસી ગઈ છે. બળબળતો ઉનાળો સંભારી

13

ઋતુના રંગ : ૧૩

30 June 2023
0
0
0

બાલમંદિર : ભાવનગર. તા. ૨૨ - ૭ - ૩૬ પ્રિય બાળકો ! ઋતુના રંગો સાચે જ ઋતુના રંગો છે. ધોરી આષાઢ માસ ચાલ્યો ગયો ને વરસાદે તણાવ્યું તે ભારે તણાવ્યું. એક વાર વરસાદ આવ્યો; પૃથ્વીને પલાળી મૂકી; નદી-સરોવર ભર

---

એક પુસ્તક વાંચો