ભાવનગર.
તા. ૨૫ - ૨ - ૩૬
વહાલાં બાળકો !
હવે મારાથી એમ નહિ કહી શકાય કે અત્યારે કડકડતો શિયાળો છે. હવે વસંત અને પાનખર ભેળાં ભેળાં ડગલાં માંડવા લાગ્યાં છે. પાનખર લીમડાનાં, પીંપરનાં, બૂચનાં અને ઉમરાનાં પાંદડાં ખેરી રહી છે; વસંતે કુમળાં કુમળાં પાંદડાં લીમડા ઉપર અને ઊમરા ઉપર આણી દીધાં છે. સૂર્યના તાપમાં લીમડાની ટસરો ચળકે છે ત્યારે સુંદર લાગે છે. થોડા વખતમાં લીમડાનાં બધાંય પાન ખરી જશે, અને આખો લીમડો નવે પાન આવશે. પછી લીમડો ઉનાળાની ઊની હવામાં યે લીલી લીલી લહેરો લેશે.
જુઓ, હવે પાકો ઉનાળો જરા દૂરદૂરથી દેખાવા લાગ્યો છે. મોગરો ઉનાળે મહેકી ઊઠશે. અત્યાર સુધી એ જાણે કે સૂતો હતો. જેમ શેળો, દેડકાં, વગેરે જનાવરો શિયાળો આખો ઊંઘે છે એમ મોગરો પણ ઊંઘતો હશે એમ લાગે છે. પાણી પાનારા પાણી પાઈ પાઈ મોગરાનો ક્યારો ભીનો ને ભીનો રાખતા; પણ આખા શિયાળામાં મોગરાએ પાંદડાં અને ડાળીઓ કાઢી જ નહિ. આ અઠવાડિયે તેણે નવાં પાન કાઢવા માંડ્યાં છે. હવે થોડા વખતમાં તે પાંદડાંથી ઢંકાશે, અને પછી પાંદડે પાંદડે કળીઓ બેસશે.
વસંતની શરુઆત થઈ છે એટલે ઝીણી ઝીણી પાંખાળી જીવાત પણ થઈ છે; હવે પતંગિયાં પણ થશે. આ હવામાં ઊડતી જીવાત ખાવાને નાના નીલકંઠો ઠીક દેખાય છે. જરાક ઊભા રહીને જોઈએ તો તરત ખબર પડે કે નાના નીલકંઠો ઊડી ઊડીને હવામાંથી કંઈક પકડે છે.
હવે સાપો નીકળવા માંડશે, શેળા પણ નીકળશે. અત્યાર સુધી તેઓ દરમાં ભરાઈને સૂતા હતા. શિયાળામાં સાપ, શેળાઓ અને એવાં બીજાંઓ દરમાં પેસીને નિરાંતે ઊંઘે છે. ટાઢ વાતી હશે એટલે બહાર જ ન નીકળે. હવે જરા ગરમી થવા લાગી છે એટલે શિકાર કરવા નીકળશે. ભારે ખૂબીની વાત છે કે આ જીવો શિયાળામાં ખાધાપીધા વિના કેટલો ય વખત સૂઈ રહે છે. અલબત્ત, તેઓ જરા જરા પાતળા તો પડે છે જ.
હવે આઠદસ દહાડામાં હુતાશની આવશે. હુતાશની એટલે હોળી. હોળી તાપીને ટાઢ છેવટની જશે. મને લાગે છે કે હજી થોડીક ટાઢ પડશે. ગામડામાં તો અત્યારથી છોકરાઓ છાણાંલાકડાં શોધવા માંડ્યા હશે. પણ હમણાં હોળી વિષે વધારે નહિ લખું; એને એક વાર આવવા દ્યો.
શિયાળુ-ઉનાળુ વિલાયતી ફૂલોમાં સોનસળીનાં ફૂલો હમણાં સરસ ઊઘડે છે. ફૂલદાનીની અને બાગની એ શોભા છે. તગરને કૂંપળો ફૂટવા લાગી છે; એકબે એકબે ફૂલો પણ આવે છે. ગુલાબ હજી એવો ને એવો લાલ ને સુગંધી ઊઘડે છે. હવે ધીમે ધીમે જૂઈ જામશે.
મધમાખીઓ તો બારે માસ જાણે કામમાં છે. અત્યારે પણ જ્યાં ત્યાંથી ફૂલો શોધે છે, અને તેમાંથી મધ ખાય છે અને મધપૂડો પણ બનાવે છે. મધમાખીઓએ હમણાં જ એક બાલદીમાં નાનો મધપૂડો બનાવ્યો હતો.
હવે પૂરેપૂરાં કાળાંબોજ રીંગણાં ઊલળી જશે. ગામડાનાં શાકો ઓછાં થશે અને ઉનાળે તો મળશે જ નહિ. શહેરમાં તો ઠીક છે, જે તે મળ્યા જ કરે છે.
વારુ ત્યારે; આજે જરા ઉતાવળ છે એટલે વિશેષ હવે પછી.
લિ. તમારા
ગિજુભાઈના આશીર્વાદ