ભાવનગર.
તા. ૧૮ - ૩ - ૩૬
વહાલાં બાળકો !
તમે મારા અઠવાડિક પત્રની રાહ જોતાં જ હશો. આ વખતે એક દિવસ મોડું થાય છે તો માફ કરશો.
હું ધારતો હતો કે હુતાશની તાપીને ટાઢ જશે, પણ હજી તો એ ઊભી છે. એ તો જરાક ચાલે છે ને પાછી વળે છે; આખરે એ બેચાર વાર પૂછડાં પછાડશે ત્યારે જશે. હમણાં સવારે તો ૭૦ ૦ સુધી ગરમી જાય છે, બપોરે ૯૦ ૦ ની ઉપર જાય છે, મતલબ કે સવારમાં શિયાળાની અસર, બપોરે ખરો ઉનાળો અને સાંજે નહિ શિયાળો કે નહિ ઉનાળો, એવું છે. એકંદરે આ સમય મિશ્રઋતુનો કહેવાય.
જુઓ ને, તેથી હું સવારે ગરમ બંડી પહેરીને ફરું છું, ને બપોરે પહેરણ પણ કાઢી નાખવાનું મન થાય છે; અને પાછું અડધી રાતે ગોદડું ઓઢવું પડે છે. આ ઋતુમાં જ મચ્છરો પોતાનું સંગીત સારી રીતે ચલાવે છે. બહુ ઠંડી લાગે ત્યારે અને બહુ ગરમી લાગે ત્યારે મચ્છરો સંતાઈ જાય છે કે ઠરી જાય છે કે બળી જાય છે. આવી સંધિઋતુમાં જ રોગો પણ બહુ થાય છે. હમણાં કફના, શીતળાના, ને ઓરીના રોગના વાયુ બહુ છે. થોડા વખત પહેલાં ઢોરમાં શીતળાનો રોગ ફાટી નીકળ્યો હતો; ગામડાંનાં ઘણાં ઢોરો મરી ગયાં.
પાનખર-વસંતની પણ આ સંધિ છે. તમે ચારેકોર નજર નાખીને ચાલશો તો જોવાનું ઘણું મળશે. જુઓ જોઈએ, ગુલમહોરનું ઝાડ કેવું છે ? છે એના ઉપર એકે ય પાંદડું ? વિલાયતમાં બરફ પડે છે તે વખતે પાંદડાં વિનાનાં ઝાડ થઈ જાય છે, એવું જ છે ના ? ખરેખરી પાનખર એના શરીર પર દેખાય છે. એ ઝાડ વિલાયતી જેવું લાગે છે. આપણાં દેશી ઝાડોમાં સાવ આમ નથી થતું. દેશી ઝાડોમાં ઘણાં ખરાં ઝાડો એક બાજુ પાંદડાં પાડતાં જાય છે, ને બીજી બાજુ નવાં કાઢતાં જાય છે. જુઓ ને, પાંદડાં વિનાનાં ગુલમહોર કેવાં વરવાં લાગે છે ! પણ જ્યારે એ પાંદડે આવશે ત્યારે ? ત્યારે લેલૂર અને ઘેઘૂર થશે. તે દિવસે યાદ પણ નહિ આવે કે ગુલમહોર એક વાર આવું હતું !
હવે ગરમી વધી ને ગામમાં આઈસ્ક્રીમના સંચા વધારે ચાલવા માંડ્યા. આજે બાલમંદિરમાં આઈસ્ક્રીમ છે. તમને બાળકોને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, ખરું ? તમને આઈસ્ક્રીમ તો ભાવે છે, પણ બરફ પણ બહુ ભાવે છે. ગાંગડેગાંગડા ખાઈ જાઓ છો. કરડ કરડ ખાતી વખતે તમારા દાંત નથી દુઃખતા ?
હવે ઉનાળો આવ્યો એટલે શરબત, આઈસ્ક્રીમ, કોલ્ડડ્રિંક, કુલ્ફીમલાઇ ને એવું એવું બધાં ખાશે. લોકોને પણ સુખ છે ? શિયાળામાં પાક ખાવો, ઉનાળામાં ઠંડા મજાનાં પીણાં પીવાં, શીખંડ ખાવો ને મજા કરવી. આખો દિવસ ધંધોપાણી કરવો તે ખાવા જ માટે, કેમ જાણે !
કેટલાક શોખીન હવે પોતાના ગોળામાં કે કુંજામાં વાળો નાખશે. કેટલાક વળી વાળાની ટટ્ટી બારી આગળ બાંધશે, અને ઉપર પાણી છાંટી હવા ખાશે. કેટલાક માથે ભીનું કપડું મૂકશે અને આંટા મારશે, અને કેટલાક માથે કાળી માટી બાંધશે. ઉનાળો ચાલ્યો આવે છે. એના છડીદારો ચારેકોરથી એની ખબરો ક્યારના યે આપી રહ્યા છે. લીમડાને કોર બેઠો છે; કેરડાને ફૂલો આવ્યાં; આંબે મોર આવ્યો, નદીતળાવનાં જળ તપવા લાગ્યાં. આ બધાં ઉનાળાનાં વાજાં છે. ભલે આવે ઉનાળો; એનું યે કામ છે.
હમણાં તો સક્કરખોરાએ કાંઈ રૂપ કાઢ્યું છે ! જાણે વર પરણવા ચાલ્યો. અને વાત પણ બરાબર છે. હવે આ ઉનાળામાં જ પક્ષીઓ રૂપાળાં થશે. ગાણાં ગાશે, ઇંડાં મૂકશે અને ચોમાસું આવશે ત્યાં તો નાનાં નાનાં બચ્ચાંનાં માબાપ થઈ જશે. સક્કરખોરાએ સડક ઉપર જાળીમાં રોપેલી પીંપરનાં પાંદડાંમાં પોતાનો માળો બાંધવાનું શરૂ કર્યું છે. નાનાં નાનાં ઝીણાં સુંવાંળાં પીછાં, દોરા, સૂતળી ને એવું એવું ભેળું થઈ ગયું છે. અરધો પોણો માળો પણ તૈયાર થઈ ગયો છે. ટ્વી....ટ્વી કરતો દરજીડો કાં તો આજકાલમાં લારમમાં કે કાં તો મોગરામાં માળો બાંધશે. દરજીડો એટલે દરજીડો; દરજી પેઠે એ પાંદડાં ભેગાં કરીને એ સાંધશે અને એનો નાનો એવો પડિયો બનાવશે; પછી એમાં પોતાનો માળો ગોઠવશે. દરેક પક્ષીનો માળો જુદી જુદી જાતનો હોય છે અને તેને બનાવવાની રીત પણ જુદી હોય છે અને તેને બનાવવાનાં સાધનો પણ જુદાં હોય છે. કાગડાનો માળો જોશો તો એમાંથી લોઢાના વાળા ને જાડાં લાકડાં નીકળશે; કબૂતરના માળાનું બરાબર ઠેકાણું જ નહિ; હોલીનો માળો જોશો તો તેમાં લીમડાની સળીઓ, નાળિયેરનાં છોલાં ને એવા ડૂચાકૂચા નીકળશે. સુગરીનો માળો જોઈને તો તમે અચંબો જ પામશો. ઘાસના તરણામાંથી એવો સુંદર બનાવ્યો હોય છે કે બસ ! આ ઋતુમાં લગભગ બધાં પક્ષીઓ માળા બાંધે છેઃ કોઈ જમીન પર, કોઈ રેતીમાં, કોઈ ભીંતમાં, કોઈ ઝાડની ટોચે, કોઈ બારીમાં, કોઈ કૂવામાં, કોઈ બાવળે તો કોઈ થોરમાં; એમ જ્યાં સારી સગવડ મળશે ત્યાં સહુ માળા બાંધશે. પોતાના દુશ્મનોથી બચવા માટે માળો એવી જગ્યાએ બાંધશે કે ત્યાં દુશ્મન ઝટ આવી શકશે નહિ. સુગરી બાવળના ઝાડે લટકતા માળા બાંધે છે; આપણે લેવા હોય તો ભારે મુશ્કેલી પડે. આપણા કમ્પાઉન્ડમાં પેલી હોલીએ થોરની વાડમાં પોતાનો માળો બાંધ્યો છે. થોરના કાંટામાં હાથ નાખવો કે કોઈ બીજા પક્ષીએ પેસવું સહેલું પડે એમ નથી. પક્ષીમાં પણ કુદરતી અક્કલ હોય છે.
બે પાંચ દહાડામાં ચૈત્ર મહિનો બેસશે. દક્ષિણમાં તો ચૈત્ર માસથી નવું વર્ષ શરૂ થાય છે. ચૈત્ર સુદિ એકમને ગુડી પડવો કહે છે. આપણા લોકોમાં પણ એનો મહિમા તો છે જ. તે દિવસે લોકો લીમડાનો કોર લાવશે, અને મીઠા સાથે મેળવીને ખાશે ને ખવરાવશે. તમને ખબર છે, લીમડાનો કોર બહુ ગુણકારી છે; છે કડવો પણ રોગને હાંકી કાઢે તેવો છે.
હજી કોર બેસતો આવે છે. પણ જયારે લીમડા કોરે ખીલી ઊઠશે ત્યારે રાતે એની સોડમ એવી તો મીઠી આવશે કે બસ. ગામડું આખું એ સોડમથી ધમકી ઊઠશે. લીમડાનો ટાઢો છાંયો, લીમડાના કોરની મીઠી સોડમ, ઠંડું પાણી અને કોયલનો ટહુકો : આ બધું ઉનાળાની વગર પૈસાની ઉજાણી છે.
હવે ઝાંઝવાનાં જળ દેખાશે. એ માટે ખરે બપોરે ગામ બહાર ખેતરોમાં જવું. દૂર દૂર જાણે સરોવર ભર્યું છે અને પાણી ડેકાં દે છે, એવું લાગશે. એમાં ઝાડના પડછાયા દેખાશે; પણ ખરી રીતે ત્યાં કાંઈ નહિ હોય. ઉનાળામાં સીમમાં ઝાંઝવાનાં જળ જોવાની મઝા આવે. કોઈ વાર ભાલમાં મુસાફરીએ જાઓ તો રસ્તામાં ધ્યાન રાખજો. એ ઉપરથી તો આપણામાં 'ઝાંઝવાનાં જળ જેવું' એવી કહેવત પડી છે. આવાં ખોટાં જળ જોઈને તરસ્યાં હરણો દોડાદોડ કરી મૂકે છે; જેમ દોડે છે તેમ ખોટાં જળ દૂર ને દૂર જ લાગે છે. આખરે બિચારાં થાકીને પડી જાય છે ! ઝાંઝવાનાં જળ એટલાં જૂઠાં જળ.
ઉનાળો આવવા દ્યો; આવું બધું કેટલું ય જોવા મળશે.
વારુ ત્યારે, હવે સલામ.
લિ. તમારા
ગિજુભાઈના આશીર્વાદ