આ નાનકડી ચોપડી આપને ખોળે મૂકતાં મને ઘણો આનંદ થાય છે. આ ચોપડીના લેખો જુદે જુદે વખતે આપને જ ઉદ્દેશીને લખેલા છે. એ લેખોમાં મેં આપની પાસે બાળકોની વકીલાત કરી છે. બાળકોનાં દુઃખો સંબંધે ફરિયાદ કરી છે. બાળકોનાં સુખો માટે માગણી કરી છે. બાળકોને સમજવાને માટે યાચના કરી છે. હું આશા રાખું છું કે આપ તે ધ્યાનમાં લેશો. બાળકોનો પક્ષ ખેંચતાં કોઈ વાર આપને શિખામણ દેવાઈ ગઈ હોય, વધારે પડતું કહેવાઈ ગયું હોય તો માઠું ન લગાડતાં. છેલ્લાં અઢાર વર્ષોમાં બાળકોની જે કંગાલ હાલત અને તેમના પ્રત્યેનું જે બેહૂદું વર્તન જોયું છે તેનું દુઃખ હું મારા હૃદયમાં છુપાવી શક્યો નથી, એટલે કોઈ કોઈ વાર આકરા શબ્દો લખાઈ ગયા છે, તો તે બદલ માફી માગું છું. બાળકો સંબંધ મારે એટલું બધું કહેવાનું છે કે કેટલાંયે પુસ્તકોમાં હું તે કહી ન શકું. આ તો મેં તેની શરૂઆત માત્ર કરી છે. બાળકો અને આપણા ભાગ્યે હું થોડા જ વખતમાં મારા બીજા અનુભવો આપની સેવામાં રજૂ કરીશ. ‘બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો’ એ લેખ અંગ્રેજી ઉપરથી છે. તે ઉપાયો સમજણપૂર્વક અજમાવી જોવા જેવા છે.
0 ફોલવર્સ
4 પુસ્તકો