માબાપોએ શું કરવું ?
એક પત્ર
બાલમંદિરમાં આપનાં બાળકોને દાખલ કરવાના આપના ઉત્સાહને હું પ્રેમપૂર્વક વધાવું છું. બીજી શાળાઓ કરતાં આ મંદિર આપને વધારે સારું લાગ્યું છે તે હું જાણું છું. આ શાળામાં લાંબો વખત રહી આપણું બાળક સર્વાગ સુંદર કેળવણી લે એમ હું ઇચ્છું છું.
છતાં હું કેટલીએક બાબતોથી આપને વાકેફ કરવા ચાહું છું. બાલમંદિરથી આપના બાળકને કેવા લાભો થશે તેનો કંઈક ખ્યાલ અહીં આપીશ. સાથે સાથે આપના બાળક પ્રત્યે, અમારી પ્રત્યે અને મંદિર પ્રત્યે કેવા પ્રકારની નીતિ રીતિ હોવી જોઈએ તેનું પણ ટૂંક દર્શન કરાવીશ. આપને બાલમંદિર ઉપર, અમારી ઉપર અને અમારી કાર્યપદ્ધતિ ઉપર પૂર્ણ વિશ્વાસ છે એમ જાણીને જ આપ આપના બાળકને મંદિરમાં દાખલ કરવા માગો છો; પરંતુ ઘણી વાર એવું બન્યું છે કે દાખલ કરનાર માબાપ દાખલ કરતી વખતે કહે છે કે “અમારે બાળકને અહીં જ રાખવું છે, અને તે ભણે કે ન ભણે તેની જરા પણ ચિંતા નથી. આપના જેવા શિક્ષકોના સહવાસમાં અને આવી સુંદર સગવડવાળા વાતાવરણમાં મૂક્યા પછી અમારે બીજો વિચાર કરવાનો હોય જ નહિ. અમે તો અમારા બાળકને તમારા હાથમાં સોંપી દીધું એટલે બસ. ખરાં માબાપ તો તમે છો.” પરંતુ થોડા વખતમાં અમને માલૂમ પડે છે કે બાળકને અહીં મોકલવાનાં કારણો જુદાં જ હતાં. અનુભવથી અમે જણાવીએ છીએ કે કેટલાંક માબાપો બાળકોનાં તોફાનમસ્તીથી કંટાળીને તેમને પોતાનાથી અળગાં કરવા અહીં મોકલે છે. કેટલાંક માબાપો બાળકને થોડા દિવસ ગાડી ઘોડાની મોજમજા લેવડાવવા મોકલે છે. કેટલાંએક માબાપો ભરાડી બાળકને પાંશરું થવા કે ઠેકાણે આણવા મોકલે છે. જે બાળકો ધૂડી શાળાએ જતાં કંટાળે છે કે જ્યાં ત્યાં રખડે છે ને કજિયા કરી માબાપ અને શિક્ષકને કવરાવે છે, તેને પણ અહીં મોકલાય છે, કેટલાંએક માબાપો દાખલ કરતી વખતે એમ પણ કહે છે કે હમણાં ભલે અહીં રહે; એને ભણાવવાની ક્યાં ઉતાવળ છે ? હજી એ નાનું છે; ભણ્યા જેવડું થશે ત્યારે બીજી નિશાળ તો છે જ ના ? કોઈ માબાપ એમ ધારીને પણ મોકલે છે કે બાલમંદિરમાં કાંઈ એવું જાદુ છે કે જેથી વગર મહેનતે અને છેક નાની ઉંમરમાં બાળકને બધું ભણાવી દેવાશે, ને પછી વહેલું વહેલું એને પહેલી કે બીજી ચોપડીમાં દાખલ કરી શકાશે. કોઈ માબાપ એમ પણ માને છે કે છોકરીઓ દાખલ કરવી ઠીક છે કારણ કે સંગીત, ચિત્ર, જેવાં કામો બાલમંદિરમાં શીખવાય છે જ્યારે ગણિત શીખવવામાં આવતું નથી, અને છોકરાઓને તો ગણિતના શિક્ષણ વિના નહિ ચાલે. છતાંય એવાં માબાપો પણ છે કે જેઓ પોતાનાં બાળકોને સાચી શ્રદ્ધાથી, ખરી સમજણથી અને બીજી નિશાળોની બદીથી કંટાળીને મોકલે છે. ને એવાં જ બાળકોને પૂરેપૂરો લાભ મળ્યો છે એમ હું નિઃશંકપણે કહી શકું છું.
આપ આપના બાળકને કયા કારણથી બાલમંદિરમાં મોકલો છો તે આપે જ જોઈ લેવાનું છે. આપ આપના ઉદ્દેશો છુપાવશો તો આપને પાછળથી પસ્તાવું પડશે, અને બાળકનો સમય અને અમારો શ્રમ નકામો જશે. જે માબાપો બાળકોને ઘરમાંથી એક જાતની ઉપાધિ દૂર કરવા માટે જ મોકલે છે તેમને માટે ઘૃણા ઊપજે છે; તેવાં માબાપોના બાળકને અમે આશ્રય ન આપીએ તો અમે ખરેખર મૂર્ખ અને પાપી ગણાઈએ. એ માબાપોને એટલું જ કહેવા માગીએ છીએ કે હવે પછી તેમણે બાળકોની ઉત્પત્તિની બાબતમાં સંયમ સેવવો ઘટે છે. જેઓ પોતાનાં બાળકો બગડેલાં હોવાથી રખડુ હોવાથી તેમને સુધારવા મોકલે છે તેમની અમને દયા આવે છે. પોતાને ત્યાં બાળકો બગડ્યાં અને રખડુ બન્યાં, અને અમારે ત્યાં તેમને સુધારવા મોકલવાં એના જેવી હાસ્યાસ્પદ વિચિત્રતા કઈ હોઈ શકે ? એવાં માબાપોએ જાણવું જ જોઈએ કે જ્યાં સુધી પોતે તે બાબતમાં અમારા જેટલી કાળજી લેશે નહિ ત્યાં સુધી અમારા પ્રયત્નો નિષ્ફળ જ જવાના છે. કોઈ પણ માબાપે એમ માનવાની ભૂલ કરવાની નથી કે બાલમંદિરમાં એવું જાદુ છે કે બગડેલાં બાળકો એકાએક સુધરી જવાનાં છે. બેશક અમે તો એવા પ્રયત્નો કરીએ જ છીએ જેથી બાળક સારામાં સારું થાય. જે માબાપો બગડેલાં બાળકો મોકલી આપે છે, તેમણે શરત કરવાને તૈયાર રહેવું પડશે. જો અમે કદાચ એવાં બાળકોને પાછાં સોંપીએ તો તેમણે અમારી કે અમારી પદ્ધતિની નિંદા કરવાને બદલે ત્રણ વર્ષમાં બાળકને અમે જે તાલીમ આપી છે તેનો જ તેમણે ઉપકાર માનવો ઘટે છે. બગડેલાં બાળકોને સુધારવાનો પ્રયત્ન કરવો એને અમે અયોગ્ય માનીએ છીએ; જોકે બીજાં બાળકોને નુકસાન ન થાય ત્યાં સુધી બગડેલાને સુધારવાનો અમારો પ્રયત્ન રહેશે. નહિ સુધરી શકે તેવાં બાળકોને રજા આપીએ તો એમ સમજી લેવાનું છે કે તેવાં બાળકોને કોઈ બીજી શાળાની જરૂર છે. બેશક, બગડેલા બાળકને અમે રજા આપીએ તેમાં અમારી શાળાનો પ્રશ્ન ઊકલે છે, પણ બાળકનો પ્રશ્ન ઉકલતો નથી. પરંતુ અમે તે માટે દિલગીર થઈએ. તેને માટે યોગ્ય શાળા કઈ હોઈ શકે એ બતાવીએ પણ તેનો વ્યવહારુ પ્રબંધ ન પણ કરી શકીએ. છતાં જે માબાપો દીન બની અમારામાં પૂરેપૂરી શ્રદ્ધા મૂકી પરિણામ વિષે બેફિકર રહી પોતાનાં બગડેલાં બાળકોને અહીં જ રાખવાનો આગ્રહ કરે અને રાખે, તેમનાં બાળકો સારાં થઈ જ જવાનાં છે એવી અમારી શ્રદ્ધા છે.
જે માબાપ પોતાના બાળકને ભણવા જેવડું થાય ત્યાં સુધી આરામ લેવા કે હવા ખાવા મોકલે છે તેના જેવું કોઈ અણસમજુ નથી. તેને કેળવણી એટલે શું એનો ખ્યાલ જ નથી. કેળવણી તો જન્મથી જ શરૂ થાય છે. જો બીજી શાળામાં જવા જેવડું કરવા માટે જ અહીં પોતાના બાળકને મોકલવું હોય તો હું તે માબાપને જણાવું છું કે તેમણે બાળકને ન જ મોકલવું. જે માબાપ પોતાના બાળકને અહીં મોકલે તેણે બીજી શાળાનો વિચાર પાપ રૂપ ગણવો ઘટે. જેને આજની પ્રાણઘાતક કેળવણીમાંથી પોતાનાં બાળકોને બચાવવાં હોય તે જ તેમને અહીં મોકલે. અહીં બાળકને મોકલી અહીંનું થોડા વખતનું સ્વરાજ અને સ્વાતંત્ર્યનું સુખ બતાવી તેને કેદખાનામાં પૂરવું હોય તો તે અહીંનું નામ જ ન લે. તેમને આ દિશા જોવાની જ ન હોય. બાળકને મોટું કરવા, અને મોટું ન થાય ત્યાં સુધી બીજી શાળામાં રમવા મોકલવાના વિચારમાં છળ અને પાપ છે. છળ અને પાપની છાયામાં જે બાળકો ભણવા આવે છે તે બાળકોને વિદ્યા ન મળે. તેઓ તો અવિદ્યા જ લઈ જાય. જેમનું દૃઢ માનવું હોય કે બીજી શાળાઓ ખરાબ છે માટે હરામ છે, તેઓ જ આ શાળામાં પોતાનાં બાળકોના પગ મુકાવે, જેમની બુદ્ધિ ચલિત હોય, જેમની મનોવૃત્તિ ડગમગતી હોય, તેઓને માટે પ્રચલિત શાળાઓ મુબારક છે. અમને કારી ઘા લાગેલા છે તેથી આવું કડવું લખવું પડે છે.
બાળક બાલમંદિરમાં દાખલ થાય છે કે તુરત જ અમે તેની સંભાળ લેવા માંડીએ છીએ. તેની ગંદી, ઢંગધડા વિનાની અને અસામાજિક ટેવોને સુધારવાનું કામ પ્રથમ હાથમાં લેવાય છે. સમય જતાં તેને પોતાનાં કપડાં અને જાત કેવાં ગંદાં અને બેહાલ છે તે સમજતાં, ઠીક ઠીક ચાલતાં, ઊઠતાં બેસતાં, ધીમેથી વાતો કરતાં, જાજમ પાથરતાં, વાળતાં, પીરસતાં, ગોઠવતાં, પોતાનાં કપડાં કે બૂટનાં બુતાન બીડતાં ને પાણી પીતાં વગેરે આવડે છે. બાલમંદિરમાં નવા દાખલ થનાર બાળકને અને દાખલ થઈ થોડો વખત રહેલ બાળકને સરખાવતાં બન્નેમાં કેટલો તફાવત છે તે નરી આંખે જોઈ શકાય છે. વળી નવું આવેલું બાળક વખત જતાં બાલમંદિરના વાતાવરણમાં રહી બીજાની સાથે ભાવથી હળતાંમળતાં, ભેગાં મળીને કામ કરતાં ને બીજાને અડચણ ન પડે તેમ પોતાનું કામ ચલાવતાં શીખે છે. એટલા વખતમાં તે અતડું મટી સામાજિક બને છે, બાઝાબાઝી કરતું હતું તેને બદલે પ્રેમ કરતું થાય છે; ઘોંઘાટ કે ધમાધમ કરતું હતું તેને ઠેકાણે કેટલેક અંશે શાંત ને સ્વસ્થ થાય છે; પોતાની જાતને જાણતું જ ન હતું તેને બદલે પોતાની જાતને ઓળખતું થાય છે; બીજા ઉપર આધાર રાખીને બેસનાર કે રડનાર હતું તેને બદલે જાતે કરી લેનાર અને આનંદી બને છે; ને ઘરખૂણિયું હતું તેને બદલે કેટલાયેનું મિત્ર બને છે. એટલું જ નહિ પણ તે ઘર અને બાલમંદિરની વચ્ચે રહેલો ભેદ આસ્તે આસ્તે સમજતું થાય છે. આટલું તો સામાજિક વાતાવરણનું પરિણામ આવે.
બાલમંદિરની ખુલ્લી આબોહવામાં અને વિશાળ મેદાનમાં બાળક પોતાના શરીરને ખૂબ કરે છે. સ્કૂર્તિથી પૂરી ચાલવાની પણ શક્તિ વિનાનાં બાળકો થોડા જ વખતમાં આખું મેદાન એક ઝાપટે ફરી શકે તેવાં, તડકામાં કે હવામાં લાંબો વખત મોજથી રહી શકે તેવાં, અને નીડરપણે દૂર દૂર ઘોડા ખેલાવતાં કે નજીકમાં ગેલેરીના કઠોડા ઉપર સમતોલપણે ચાલતાં શીખી જાય છે. આ સ્થળે તંદુરસ્તીનો શ્વાસોચ્છવાસ તો તે પળે પળે લીધા જ કરે છે. આ બધો વખત તે શહેરી ઘોંઘાટ, ગંદકી, ધમાધમી અને ધાંધલથી દૂર રહે છે. શહેરનાં ટૂંકાં ઘરો અને અસ્વચ્છ વાતાવરણમાંથી તે છૂટે છે. શહેરોની મલીન અને સ્વાર્થી આબોહવામાંથી સ્વચ્છ અને પરસ્પર સહકાર તથા સન્માનભર્યા વાતાવરણમાં તે રહે છે. આ બધું એનું ભણતર છે. આ બધો વખત નકામો જતો જ નથી. આ સમયમાં બાળક પોતાના શારીરિક, માનસિક અને નૈતિક વિકાસનાં બીજ રોપે છે.
આ વિકાસ સાથે જ અમારી પદ્ધતિ પ્રમાણે અમે ઇન્દ્રિયોની કેળવણી આપીએ છીએ. ઇન્દ્રિય કેળવણીનો પ્રબંધ મૉન્ટીસૉરી પદ્ધતિના પ્રાણરૂપ છે. એમાં જ મૉન્ટેસૉરી પદ્ધતિની વિશેષતા છે. ઈન્દ્રિયોની કેળવણી મનની કે રાત્માની કેળવણીના પાયા રૂપ છે. આવી જાતની કેળવણીની આપણે હજી સુધી દરકાર કરી જ નથી; એને લીધે આપણે આખી જિંદગી સુધી અપંગ જેવા રહીએ છીએ, ને પાછળથી એની ખોટ પૂરી શકાતી જ નથી. બધું ભણતર શરૂઆતમાં ઈન્દ્રિય કેળવણી ન લીઘેલી હોવાથી નકામું જાય છે. નવું દાખલ થનાર બાળક મોટા નાના પદાર્થોમાં રહેલો ભેદ પારખી શકતું નથી. એ વખતે તેને લંબાઈ ટૂંકાઈનો કે પહોળાઈ જાડાઈનો ખ્યાલ ભાગ્યે જ હોય છે. તેની સ્પર્શની ઈન્દ્રિયને સુંવાળપ અને ખડબચડાપણામાં રહેલો તફાવત નથી સમજાતો. તેને રંગની પારખ તો હોતી જ નથી. આકારોમાં તે થોડું જ સમજે છે. તેના કાનને ઘોંઘાટ અને સુંદર સુમધુર સ્વરો લગભગ સરખા જ હોય છે. તેની આસપાસ રૂપરંગથી ભરેલી આખી દુનિયા પડી છે છતાં તેમાં તેને કાંઈ દેખાતું નથી; તેમાં તેને કશોય રસ હોતો નથી. પરંતુ જ્યારે તેનો ઈન્દ્રિયવિકાસ થાય છે ત્યારે તે પોતાની કેળવાયેલ આંખોથી સૃષ્ટિની સુંદરતાને, કેળવાયેલ કાનથી સંગીતની સુમધુરતાને ને કેળવાયેલ સ્પર્શથી જાતજાતના પદાર્થોની સપાટીના લાલિત્યને ભાળી શકે છે. તે તેના આનંદમાં આનંદિત થાય છે. અત્યાર સુધી બાળકના જીવનમાં જે દિશા બંધ હતી તે ઊઘડે છે, ને તેનું જીવનસુખ આકાશથી પાતાળ સુધી વિશાળ બને છે. અહીં બાળક રમતાં રમતાં તેને ખબર પણ ન પડે તેમ આ ઇન્દ્રિયવિકાસ મેળવી લે છે. આ એનું બીજું અને ખરું ભણતર છે.
આ બીજું ભણતર ભણી રહ્યા પછી જ અમે તેને આજની શાળામાં અમારું ભણતર આપવા માંડીએ છીએ; કારણ કે પેલા બે પ્રકારનું ભણતર અમે પાયા રૂપ ગણીએ છીએ. આથી જ અમારે ત્યાં બાળક આવે કે તરત જ તેને એકડો ઘૂંટાવતા નથી, તેમ તેને કક્કાના પાઠ લેવરાવતા નથી. પણ જે માબાપો પોતાના બાળકને મોટું થવા મોકલે છે, તે માબાપો જ્યારે બરાબર ભણતરનો ખરો વખત આવી લાગે છે ત્યારે બાળકને ઉપાડી લઈ ચાલતાં થાય છે, અને અમને સખત આઘાત આપે છે ! અમે ભણતર માટેની પૂર્વતૈયારી પૂર્ણ થયા પછી જ અક્ષર અને અંકનું ભણતર આપીએ છીએ. જ્યાં ખાતર, પાણી અને આબોહવા બરાબર કાળજીપૂર્વક પૂરાં પાડી બીજમાંથી કોંટો ફૂટવાનો સમય લાવી મૂકીએ છીએ, ત્યાં માબાપો અમારા કોંટાને મૂળમાંથી ઉખેડીને ચાલતાં થાય છે ! એટલું જ નહિ પણ તેઓ માથે દોષ મૂકતાં જાય છે કે “અમારું બાળક આટલો બધો વખત રહ્યું પણ તેને એકડો પણ આવડ્યો નહિ; એ તો રખડ્યું. એને હવે ભણાવવું તો જોઈએ ના ?”
આવે વખતે અમારા ખેદનો પાર રહે જ નહિ.
માબાપ પહેલાં કહે કે “અમારે ભણાવવાની ઉતાવળ નથી.” પછી અમુક વખતે એકડો ન આવડે એટલે કહે કે “ચાલો ત્યારે ઘેર.” જો ઉઠાડી મૂકતી વખતે માબાપ અમારી સાથે વાતચીત કરી લેતાં હોય, ભણવામાં બાળક શું ભણ્યું અને શું ગણ્યું તેનો ખુલાસો માગતાં હોય, તો અમારા મનમાં એમ ન થાય કે ખરેખર આપણે ત્યાંનાં માબાપો કેવળ સ્વાર્થી અને કૃતઘ્ની છે. દાખલ કરાવતી વખતે જે માબાપો અમારી ખુશામત કરે છે, તેઓ બાળકને ઉઠાડી લેતી વખતે મોટું પણ બતાવતાં નથી. આવાં માબાપોને કેટલો બધો ઠપકો ઘટે છે !
જે માબાપો એમ માનીને પોતાનાં બાળકોને મંદિરમાં મોકલે છે કે અહીં તો બધું વહેલું અને જાદુથી ભણાવી દેવામાં આવે છે, તેમની સમજણ પણ ચોખ્ખી થવાની જરૂર છે. કોઈ ભણતર જાદુથી શીખવી શકાય ન નહિ. છતાં પણ મંદિરમાં કેટલીક બાબતો એવી છે કે જેથી બાળકો ઉપર જાદુ થાય. તેઓ બાલમંદિરને જ ભાળે, તેમને બાલમંદિરમાંથી રજા આપીએ ત્યારે ઘેર જવું ગમે નહિ, તેમને બાલમંદિરમાં રજા પાડીએ તો અમારા ઉપર ગુસ્સે થવું પડે, ને તેમને બાલમંદિરમાંથી કાઢી મૂકવાનું કહીએ તો મોટામાં મોટી સખ્ત શિક્ષા થઈ લાગે ! આ જાદુ તેમને છૂટથી રહેવા દેવામાં થયેલું છે; આ જાદુ તેમને અમે શિક્ષા અને ભયમાંથી મુક્ત કરીને તેમાં છે; આ જાદુ અમે તેમને પોતાને જે કાંઈ શીખવું હોય કે નિર્દોષ એવું જે કરવું હોય તે કરવા દઈએ તેમાં રહેલું છે. અમે જાદુથી ભણાવતાં નથી તેમ જ ભણાવી શકીએ પણ નહિ. અહીંના સ્વતંત્ર અને પોષક વાતાવરણમાં બાળક પોતાની શક્તિના પ્રમાણમાં થોડું યા ઘણું શીખી લે છે. દરેક બાળક પોતાના ગજા પ્રમાણે બોજો ઉપાડે તો તેમાં તેનું ભલું થાય એમ અમે માનીએ છીએ. આથી કોઈ બાળક ઝટઝટ શીખી અમને આશ્ચર્યમાં નાખે છે તેમ જ હર્ષમાં નાખે છે, ત્યારે કોઈ બાળક અત્યંત ધીમે ચાલી બિલકુલ પાછળ રહી જઈ અમારી ચિંતાને વધારે છે. પરંતુ જો બાળકને લાંબો વખત રહેવા દેવામાં આવે તો દરેક બાળક શીખે ખરું જ. દરેક બાળક શીખે તો છે જ; પરંતુ કોઈ બાળક ધીમે ચાલે છે જ્યારે કોઈ બાળક ઝડપથી ચાલે છે. વળી કોઈ બાળક એક બાબતમાં આગળ વધે છે અને બીજી બાબતમાં પાછળ રહે છે. એક જ વાતાવરણમાં સૌ રહે છતાં તેમની કુદરતી શક્તિનો ભેદ અહીં રહે છે. તેમના ઘરનું સંસ્કારી વાતાવરણ પ્રત્યક્ષ થાય છે. તેમના ઘરના રીતરિવાજો મંદિરમાં છૂપાં રહેતાં નથી. મંદિરમાં પ્રત્યેક બાળકને એક જ લાકડીએ હાંકવાનું નથી. બાગનાં ઝાડની જેમ તેમને ચારે બાજુથી સરખાં કાપીકોરીને બધાંને એક જ ઢાળાનાં દેખાડવાનો અમારો આગ્રહ નથી; બધાંને બીબાના ઢાળામાં નાખી જડ બીબાં બનાવવાનો અમારો મત નથી. અમે તો તેમના બીજમાં જે છે તે સારી રીતે ફૂલેફાલે તેની સંભાળ રાખીએ; ખાતરપાણીના અને દિશાસૂચનના પ્રયત્નો કરી છૂટીએ. બાળકની અંદરથી જે નીકળે છે તે જોઈ અમે પ્રસન્ન રહીએ છીએ. પણ માબાપોની આ વૃત્તિ નથી. હોશિયાર છોકરાંનાં માબાપો લાભ દેખી, પોતાનું છોકરું વધારે શીખી ગયું, જલદી શીખી ગયું, વખત બચ્યો, શ્રમ બચ્યો વગેરે સમજી, આગળ જલદી ભણાવી ગણાવી હોશિયાર બનાવી દેવા, અને એવી હોશિયારીને બળે ઇનામ લેતું કરી દેવા બીજી નિશાળે મોકલે છે, અને અમારી ઊજળી આશા પર શાહી ઢોળે છે. આ મંદિરે બાળકને સારું બનાવ્યું માટે ગુન્હો, એવો કંઈક હોશિયાર બાળકોનાં માબાપો તરફથી ઉપદેશ મળે છે. જે બાળકો પાછળ રહે છે તેમનાં માબાપોને તો બાળકને લેવાનું કારણ ઉઘાડું જ છે. પણ તેઓ જાણતાં નથી કે તેમનું બાળક શીખતું તો હતું જ; માત્ર તેની ગતિ ધીમી હતી. એમ બતાવી શકીએ તેમ છે કે જે બાળકો અહીં વધતાં નથી એમ ધારીને ઉઠાડી લેવામાં આવે છે, તે બહાર જઈને બહુ આગળ વધ્યાં નથી. તેઓનું સ્વાતંત્ર્ય ગયું પણ તેના બદલામાં બીજી કોઈ નિશાળે તેમને આગળ વધવાની શક્તિ ન આપી. ઘણી વાર જ્યારે બરાબર પાક આવે, ને બાળકને પાછળ રહ્યું છે તેવા કારણે તેને ઉઠાડી લેવામાં આવે ત્યારે અમને દુઃખ થાય છે. એવા બાળકને બીજી નિશાળમાં ગોઠવાઈ જવું શરૂઆતમાં આકરું પડશે એ વિચાર અમને પીડે છે; છતાં સાથે સાથે એટલો પણ સંતોષ થાય છે કે ભલા જેટલો વખત તે અહીં રહેતું તેટલો વખત તો વિકાસને માર્ગે રહેતું અને સુખી પણ રહેતું.
આ જે બાળકો એક જ બાબતમાં વધે છે અને બીજી બાબતમાં વધવાની ના પાડે છે તેમનાં માબાપોને સંતોષ આપવો જરા મુશ્કેલ પડે છે. પણ જો માબાપો અમારી સાથે રહેતાં હોય તો તેમને પણ એમ જ થાય કે જે બાબતમાં બાળક સ્વર્ગનું સુખ માને છે, જે વસ્તુને આખો દહાડો કરતાં બાળક થાકતું નથી, જે વસ્તુની ના પાડતાં તેની આંખ ભીની થઈ જાય છે, તે વસ્તુ તેની પાસેથી ન જ લઈ લેવી જોઈએ. ભલે બાળક બીજું કશું શીખે નહિ. અમે તો માનીએ છીએ કે જો બાળક એક જ બાબતમાં ઘણું શીખશે તો તે બીજી બાબતમાં પણ ભલે પાછળથી પણ શીખશે જ. કારણ કે એક વાર શીખવાની શક્તિ આવી હશે તો પછી તેને બીજી બાબત શીખવી અઘરી નહિ પડે.
અમારે ત્યાં આવેલાં કેટલાંક બાળકોના દાખલા આપીને મારો કહેવાનો અર્થ સમજાવીશ. એક છોકરીને ભૌમિતિક આકૃતિઓ કાઢવાનો શોખ અનહદ હતો. આવીને ન જાય સંગીતમાં કે ન વાંચે કે ન લખે કે ન રમે કે ન ભમે, પણ તરત જ હાથમાં ભૌમિતિક આકૃતિઓને લે ને ચિત્ર કાઢવા બેસે; ચિત્રો કાઢ્યા જ કરે. નવી નવી સુંદર સુંદર ભૌમિતિક આકૃતિઓની રચના ઊભી કરે એમાં જ એનો આનંદ. એને વાંચતાં લખતાં આવડે છે, પણ જો લખે તો ચિત્રમાં ખલેલ પડે. એનાં માબાપને લાગ્યું કે “આ છોકરી તો એકે ચોપડીમાં પડતી નથી. કંઈ ભણતી જ નથી !” તેને ઉઠાડી લીધી. એ દિવસે એનાં માબાપે એની સરસ ડિઝાઈનનું ખૂન કર્યું. એને ચાર ચોપડી ભણાવી લખતાં વાચતાં શીખવી થોડા સરવાળા, બાદબાકી, ભાગાકાર, ત્રિરાશિ કે આણપાણના ભાગાકાર વગેરે દાખલા શીખવી એનાં માબાપ એને કઈ શક્તિ આપશે ? એનો આત્મા તો ભૌમિતિક ચિત્રોમાં ખેલતો હતો; એમાં એ જીવન જગત બધું વીસરી જતી હતી. રસ્તામાં મળે છે ત્યારે તે છોકરી શરમથી પોતાનું મોં સંતાડે છે. એક વાર તે બાલમંદિરમાં આવીને પોતાનું આગલું સુખ જોઈ રડી પડી હતી.
એક છોકરાની વાત. આ છોકરાના બાપાની સારી શ્રદ્ધા હશે. તે કહેતા કે “બાર વરસનો થાય પણ મારે તેને અહીંથી ઉઠાડવો નથી; ભણે કે ન ભણે.” અમારે ત્યાં તો સ્વતંત્રતા હતી. છોકરાનો સ્વભાવ કાંઈ ઓર જ હતો: ભલમનસાઈ અને બાલભાવથી ભરપૂર છેક સાફ દિલનો અને આરપાર હૃદયવાળો. એને બહાર ફરવું હરવું અને રમવું ખૂબ ગમે; મિત્રો વિના ચાલે નહિ. બહાર ઘોલકી કરવી, બાગ બનાવવો, શણગાર લાવવો, રામાયણની વાતો સાંભળવી અને આનંદમાં ફરવું એ એના પ્રિય વ્યવસાયો. પ્રયોગ ખાતર અમે એને મંદિરમાં રાખવાના પ્રયત્નો કર્યા. ગમે તે બહાને બહાર જવાનું શોધે. અમારા દબાણને લીધે જૂઠું પેશાબનું બહાનું કરે; અમે સાથે જઈએ ત્યારે પેશાબ કરવાનું હોય જ શાનું ? પછી પાણી માગે; પાણી તેને લાવી આપવામાં આવે. પછી દિશા જવાનું કહે; અમે સાથે જઈએ એટલે એવો ને એવો પાછો આવે. પછી અમે હસીને તેને જ્યાં જવું હોય ત્યાં જવાની રજા આપીએ. છતાં બહારથી ફરતાં ફરતાં આવે અને કોઈ વાર ખૂબ કામ કરી નાખે. ચિત્રો અને અક્ષરો શીખે, પણ જ્યાં વાર્તાનું નામ આવે અને લોકગીતનું આવે ત્યાં તો તે તૈયાર જ. એ એના સ્વભાવની સુંદરતા કેળવતો હતો અને અમે તેનો સ્વભાવ કેળવવામાં મદદ કરતા હતા. પણ આખરે એના પિતાની ધીરજ ન રહી ને તેને ઉપાડી ગયા. અમે તો એક આનંદી હેતાળ અને પ્રેમી બાળક ખોયું. અમે એની ફરિયાદ કોને કરીએ ? આજના ભણતરનો મોહ કાંઈ ઓછો છે ? પણ એણે અમારા હૃદયમાં આગ સળગાવી છે. ભણતરના મોહને તે આગ એક દિવસ બાળે તો જ સાચી.
વળી એક બીજી છોકરીની વાત. છોકરી ઘણી જ હોશિયાર. થોડા જ દિવસમાં વાંચતાં લખતાં સુંદર શીખી ગઈ. એક વર્ષમાં બુદ્ધની જાતકમાળામાંથી વાંચવા લાગી. ચિત્ર ઠીક આવડે; નાચે ને રાસડા પણ લે. બધી રીતે સારી હોશિયાર પણ બાલમંદિરમાં કોણ એની કદર કરે–એનો પેલો નંબર રાખવાનું બાલમંદિર કેવી રીતે ગોઠવી આપે ? એની હોશિયારી એનાં માબાપને મન નકામી હતી. માબાપે એને ઉઠાડી લઈ બીજી શાળાએ મૂકી. છોકરીને અમે પૂછ્યું: “બહેન, કેમ ઊઠી ગયાં ?” તે કહે: “બીજી નિશાળે ઘાઘરી પોલકું મળે ! મારી બા કહે ત્યાં હું તો ભણવાની.” ઈનામની લાલચથી નિશાળ છોડાવનાર માબાપો બાળકને ઈનામનું વિષ કેવી રીતે આપે છે તે અહીં પ્રત્યક્ષ દીઠું. જે ઇનામ માટે આજે શાળા ગમી છે તે ઈનામ કાલે શું નહિ કરે ?
આ ઈનામ આપનારી શાળાઓને પણ પેલી આગ કેમ નહિ બાળે ?
હવે એક જ છોકરીની વાત. શું સુંદર નાજુક છોકરી! એનો પ્રાણ તો એની આંખોમાં આવી રહ્યો હતો. એનાં સ્વપ્નો અને વિચારોમાં તરંગો હતા. એની ચિત્રવાર્તાઓ પરીઓના મુલકની હતી, એમ જરા કાવ્યના પ્રદેશમાં વિચરીએ તો કહી શકાય. આખો દહાડો ચિત્ર ચિત્ર ને ચિત્ર જ ! નવી જ કલ્પના, નવી જ રંગની મિલાવટ, નવી જ ગોઠવણ, સ્વચ્છતા, સુકોમળતા અને સુરમ્યતાની સંધિ ચિત્ર ચિત્રે પ્રત્યક્ષ દેખાય. એને વાંચવું કોઈ વાર ગમે. લખે; પણ તે સ, ખ, ૫, લ, બ જેવું. ભણવાનું કહો તો કંટાળે; પણ કાંતવા જાય ત્યાં પોતાના ચિત્ર જેવું, પોતાના બાંધા જેવું નાજુક ઝીણું અને પોતાના હાસ્ય જેવું ધોળું સૂતર કાઢે. પણ એના માબાપ કહે: “એને ચીતર કાઢીને શું કરવું છે ? બીજું કાંઈ શીખતી નથી.” એને એમણે ઉઠાડી લીધી. અમારી વકીલાત પણ ન ચાલી. બિચારી અમને જણાવે છે કે “પરણું ત્યારે કામબામ આવડવું જોઈએ ના ?” “હવે મારે એને કામ શીખવવું જોઈએ ના ?” – આમ કહીને એની બા એને બાલમંદિર આવવા નથી દેતાં. કેવી દયામણી અને ભયંકર સ્થિતિ! અમારું તો કેમ જાણે પ્રિય ફરજંદ ગુમ થયું હોય ! અમારી છાતીને અમારે ઠેકાણે રાખવી પડે છે, પણ એમાં અગ્નિનો ધૂંધવાટ થઈ રહ્યો છે. એક વાર એ ફાટી નીકળતાં જૂની શિક્ષણ– માન્યતાને અને લગ્નની રૂઢિને તથા માબાપોને સૌને બાળી મૂકશે. અમારા દેશના ભાવિ ચિત્રકારોને ગુમાવતાં અમારા મનમાં શું થતું હશે ? દેશને કેટલું બધું નુકસાન થાય છે, તે કોઈ જાણશે ? છતાં માબાપો એમનાં બાળકોના ભવિષ્યમાં કદી પણ નાસીપાસ ન થાય એવો જ અમારા હૃદયમાંથી ઉદ્ગાર નીકળે છે. કારણ કે ઊઠી ગયેલાં બાળકો પણ અમારાં તો રહ્યાં છે, અને અમે તેમનાં જ છીએ. અમને તેમણે વારંવાર ખાતરી કરી આપી છે કે તે અમારાં જ છે અને અમે તેમનાં જ છીએ !
જે માબાપો આ મંદિર છોકરીઓને માટે વધારે સારું છે, અને છોકરાઓને ઉપયોગી શિક્ષણ થોડું મળે છે એમ ધારી છોકરાઓને ન મોકલતાં છોકરીઓને મોકલે છે, તેમની ગેરસમજણ દૂર થવી જોઈએ. અહીં તો છોકરો અને છોકરી બન્ને સરખાં જ છે. અહીં તો જે જેને માટે લાયક હશે તે તે શીખશે; જેને ભૂખ લાગી હશે તે ખાશે. છોકરીઓને માટે આ વધારે સારું ને છોકરાઓને માટે નથી સારું, એવો નિર્ણય કરવાનો ડોળ અમે નથી કરતાં. સમાજ એવું માનીને રાક્ષસ ઊભો કરવાનું સાહસ નથી ખેડતો ? એવાં બાળકોને બચાવી સમાજ બચશે કે એની સાથે સાથે પોતે પણ મરશે જ ?
આવી રીતે વચ્ચેથી ઉઠાડી લેવામાં માબાપો બાલમંદિરનું અને પોતાનાં બાળકોનું જે ખૂન કરે છે તે માટે એક વાર જવાબ દેવો જ પડશે. અમારી આ દાઝ બાલમંદિર માટે નથી પણ બાળકો માટે છે. કયા હક્કથી માબાપો બાળકો ઉપર આવો અત્યાચાર કરે છે તે કોઈ એમને પૂછશે ? પણ ધન્ય છે એ માબાપોને કે જેમની શ્રદ્ધા હજી અચલ રહી છે. બાલમંદિરમાં ખરેખર એ માબાપોનાં છોકરાં ગમે ત્યારે જોઈ શકાય છે. કોઈ બાળક સુંદર ચિત્રકારની પક્કી આગાહી કરાવે છે ત્યારે કોઈનામાં સંગીતના ગુણો પ્રગટ થાય છે; કોઈ બાળક સાહિત્યરસિક થશે એમ તેની પ્રવૃત્તિ ઉપરથી કહ્યા વિના રહેવાનું નથી, જ્યારે કોઈ બાળકો ગણિતનાં ખાં પણ નીકળે એવી આશાનો ઉદય થાય છે. દરેક બાળક કોઈ ને કોઈ બાબતમાં પોતાની સુંદરતા અને વિશેષતા બતાવી રહ્યું છે. કોઈ આગળ છે, કોઈ પાછળ છે; કોઈને એક વસ્તુ વધારે આવડે છે તો બીજી વસ્તુ ઓછી આવડે છે. પણ સૌનો શરીરવિકાસ અને મનોવિકાસ અખ્ખલિત વહ્યો જાય છે.
છોકરીઓ અમુક બાબતમાં લાયક થઈ શકે અને છોકરાઓ અમુક બાબતમાં જ લાયક થઈ શકે એવો વિચાર અમે અમાન્ય ગણીએ છીએ. અમુક વિષયમાં છોકરાઓએ જ તૈયાર થવું અને અમુક વિષયો છોકરીઓને આવડવા જ જોઈએ એ જુલમની વાત છે. અમારે મન તો એક જ વાત છે. છોકરી લડાઈમાં બહાદુર નીકળે અને છોકરો રસોડામાં પ્રવીણતા બતાવે તો અમે તેમાં આડે ન આવીએ. એ વહેમ દૂર થવાની જરૂર છે કે બાલમંદિરમાં છોકરાને લાયકનું શિક્ષણ છે તેના કરતાં છોકરીઓને લાયકનું વધારે છે. શું સંગીત અને ચિત્રકલા સાથે છોકરાઓને દુશ્મનાવટ હોઈ શકે ? શું એ વિષયો મનુષ્ય જીવનની ઉત્તમતા, સુંદરતા સાધવાનાં ઉત્તમમાં ઉત્તમ સાધન નથી ? જ્યારથી આપણે સંગીત અને ચિત્ર સાથે દુશ્મનાવટ કરી ત્યારથી બધાં વ્યવહારુ વાણિયા બન્યાં છીએ; ત્યારથી આપણું જીવન કેટલું બધું ક્ષુદ્ર અને અરસિક બન્યું છે તેનો આપણે વિચાર સરખોયે કર્યો છે ? અને ગણિતનો વિષય છોકરીઓને ઉપયોગી નથી શું ? જે જે વિષયો જીવનના છે તે તે વિષયો બાળકને પ્રિય જ હોય. એમાં છોકરા છોકરીઓનો ભેદ ન જ હોય. અમારે ત્યાં જો કે એકે વિષયનું જ્ઞાન ફરજિયાત નથી; પણ જો ફરજિયાત શિક્ષણ આપવું હોય તો હું તો ચિત્ર અને સંગીતને ગણિત અને ઇતિહાસ કરતાં વધારે ઊંચાં મૂકું, પહેલે સ્થાને જ મૂકું.
જેનામાં લાગણી હોય તે મનુષ્ય છે. સંગીત અને ચિત્રકલા લાગણીના વિષયો છે. એમાં ઠંડી બુદ્ધિનું વેપારી ગણિત નથી. મને તો માબાપોને ઠપકો દેવાનું મન થાય છે કે શા માટે આપ સારા વિષયોને છોકરીઓના વિષયો કહીને ઊતરતા વિષયોનું શિક્ષણ આપના છોકરાઓને આપી તેમને પામર બનાવો છો ? માબાપ કહે છે કે “મારા છોકરાને રેંટિયો કંતાવી શા માટે છોકરી બનાવો છો ? કાંતવાનું કામ તો છોકરી કરે.” કોઈ એમ પણ ધારે કે બાલમંદિરમાં છોકરાને છોકરી થવાની તાલીમ આપે છે. ઊલટું કોઈની એવી ફરિયાદ હોય કે છોકરીને ઝાડે ચડાવીને લડાઈમાં ઉતારીને શું લાભ કાઢવાનો છે ? પણ રેંટિયો કલાનો વિષય છે; કલા છોકરીને જ માટે રાખવી હોય તો છોકરાએ આત્મઘાત કરવો ઘટે છે. કલા વિનાના જીવો પાંદડાં વિનાના ટૂંકા ઝાડ સમાન છે. છોકરાઓ પોતે જ પોતાના રૂપથી બિહામણા લાગશે. વાળવામાં જેને બાયલાપણું લાગે છે તે તો નામર્દ છે; મર્દા તો તલવાર અને સાવરણીને સરખાં જ ગણે. ને ખરી સ્ત્રી તો સાવરણીને બહાર રાખી તલવાર ઝાલી ફરે. એક હથિયાર એક જાતનો કચરો કાઢવાનું, બીજું હથિયાર બીજી જાતનો કચરો કાઢવાનું. છોકરીઓ લડાઈમાં ન ઊતરે તો ચાંદબીબી ક્યાંથી થાય ? છોકરાઓને કાંતવા નહિ દેશો તો તેમને રસોઈ કરી દેવી પડશે ને છોકરીઓ લડવા જશે. આપણે જો છોકરા અને છોકરીઓમાં ભેદ રાખશું તો આવાં વિચિત્ર અને સુંદર પરિણામો આવશે. આપે જોયું હશે કે કેવાં કેવાં કારણોસર માબાપો છોકરાંને અહીં મોકલે છે, ને કેવા કેવા લાભ હાનિ ઉઠાવે છે. આપ આપના બાળકને મોકલતાં પહેલાં જરૂર આ બધી બાબતોનો વિચાર કરી જોશો જ.
હવે આપણે આપણા બાળક પ્રત્યે આપની પોતાની ફરજ વિષે વાત કરીએ. માબાપોની બાળક પ્રત્યે આટલી મોટી અને ગંભીર ફરજ છે કે એના ઉપર ભાગવત લખીએ તોપણ નાનું જ ગણાય. એટલે અહીં તે વિષે માત્ર ઉલ્લેખ કરીશું. અહીં હું આપે કયાં કયાં સૂત્રો યાદ રાખવાં ને તેનું પાલન કરવું તેની થોડીએક યાદી આપીશ. અમારી પ્રથમ ઇચ્છા એ છે કે આપ આપના બાળકને કદી પણ શિક્ષા ન કરો. શિક્ષાથી બાળકને શરીર પીડા થાય છે તેની મને જરા પણ ચિંતા નથી, કારણ કે મારની અસર તો થોડો જ વખત રહે છે; બાળક તે ભૂલી પણ જાય. પરંતુ શિક્ષાથી જે ભય ઉત્પન્ન થાય છે તે ભયંકર છે, પ્રાણઘાતક છે, દુષ્ટ છે. ભયને લીધે બાળક બીકણ, જૂઠાબોલું ને નામર્દ થાય છે. ભયને લીધે બાળક આગળ જતાં દુરાચારી થાય છે. આપણે આજે ધર્મથી, સમાજથી, રૂઢિથી, જ્ઞાતિથી અને સત્તાથી ડરીએ છીએ તેનું કારણ શું ? તેનું કારણ આપણામાં નાનપણથી પેસી ગયેલો ભય જ છે. બીજાના ભયને લીધે જ આપણે જૂઠું બોલીએ છીએ અને નામર્દાઈ બતાવીએ છીએ. આજે આપણે બાળકને ભય બતાવી ડરાવી શકીએ છીએ; કાલે તેને શિક્ષક ડરાવી શકે છે, ને વરસ દહાડે તેને પોલીસ ડરાવી શકે છે. તમે તમારા બાળકને ગમે તે રીતે ભયમાંથી બચાવો.
આપ શિક્ષા કરીને બાળકને બાયલું અને ખોટાબોલું બનાવશો; પણ લાલચ આપીને, ફોસલાવીને તો તેને નાલાયક બનાવી મૂકશો ! જે બાળક પૈસા લઈ નિશાળે જાય તે બાળક ન્યાયાધીશને લાંચ આપીને મોટો ફેંસલો કરાવશે, ને તે જ બાળક જમીન કે સત્તા લેવા ખૂન પણ કરશે કે કરાવશે ! જે બાળકને ખાવાનું આપી કામે લગાડી શકીએ તે જ બાળકને લૂગડાંલત્તાં, હીરા, માણેક અને જવાહર આપી વ્યભિચારમાં પણ લઈ જઈ શકીએ. નિર્ભયતાનું અને મોહજિતપણાનું શિક્ષણ જ સાચું શિક્ષણ છે. ભય અને લાલચ પાડનારી વસ્તુ છે; ભયથી નરક મળે છે અને લાલચથી સ્વર્ગ આવે છે, પણ બંને ઠેકાણેથી માણસને પડવું પડે છે. ભય અને લાલચથી રહિત પ્રદેશ તો અધ્ધર પદવીનો છે; તે સ્વર્ગ અને નરકથી પર છે.
હવે ત્રીજી વાત એ છે કે આપે આપના બાળકમાં સ્પર્ધાનું વિષ રેડવું નહિ. બે બાળકો વચ્ચે વાદ કરાવી–સ્પર્ધા કરાવી કામ કરવાની રીત હલકી છે. આપણે રોજ કહીએ છીએ કે “ચાલો જોઈએ, પહેલું કોણ દોડે છે ? પહેલી બચી કોણ લે છે ? પહેલું પાણી કોણ લાવે છે ?” આમાં આપણું કામ તો થાય છે, પણ બાળક બગડે છે. જ્યારે જ્યારે તેને સ્પર્ધા કરવાનું ન મળે ત્યારે ત્યારે તે આળસુ અને મંદ બની જાય છે; અને જ્યારે જ્યારે સ્પર્ધા કરવાનું મળે છે ત્યારે ત્યારે બીજાને હરાવીને, મારીને, બીજાની કબર ઉપર ચાલીને પોતાનો વિજય કરવા મથે છે. સ્પર્ધા એક જાતનો કેફ છે. જ્યાં સુધી કેફની અસર રહે છે ત્યાં સુધી જેમ બંધાણી જોરમાં દેખાય છે, તેમ જ જ્યાં સુધી સ્પર્ધાનું ઝેર હોય છે ત્યાં સુધી માણસ કામ કરે છે. આપ આપના બાળકને એકબીજાની સ્પર્ધા કરવાને રસ્તે લઈ જશો જ નહિ. સ્પર્ધામાં એક જણ તો પાછું પડે જ છે. અને જે જણ પાછું પડે છે તે નિરાશ અને નિરુત્સાહી બને છે, જ્યારે જે જીતે છે તે ગુમાની અને દંભી બને છે. સ્પર્ધા એ થીગડું છે. એમાંથી સાચો પ્રાણ આવતો નથી; ઊલટું ખરા પ્રાણને એ ઢાંકી દે છે કે વિકૃત કરે છે.
ચોથી બાબત એ છે કે ધર્મશિક્ષણની વાત આપે મગજમાંથી કાઢી જ નાખવી. છોકરાંને ધર્મની વાર્તા કહીને, ધર્મનાં કાર્ય કરાવીને, ધર્મની રૂઢિઓનો વેશ પહેરાવીને આપણે તેમને કદી પણ ધર્મી બનાવી શકવાના નથી. ઘણાં માબાપો અમને પૂછે છે કે મંદિરમાં કંઈક નીતિશિક્ષણ આપો તો સારું. પૂછનાર નીતિશિક્ષણનો અર્થ પોપટિયા ઉપદેશ જેટલો કરે છે. તે એવું માગે છે કે છોકરાંઓ ધર્મની વાતો કરતાં થાય; માબાપને અને દેવને વારે વારે વંદન કર્યા કરે, અને માબાપની આજ્ઞાને દેવની ગણીને માથે ચડાવી લે. અમે એવું શિક્ષણ શી રીતે આપીએ ? ઉપદેશથી મૂછો આવી જશે, આંધળો દેખતો થઈ જશે અને અપંગ ચાલતો થઈ જશે એમ માનતા હોઈએ તો જ ધાર્મિક કે નૈતિક ઉપદેશથી તેને ધાર્મિક કે નીતિમાન બનાવવા ચાહીએ. જે માબાપોમાં સ્વતઃ એવું કંઈ જ નથી કે જેથી બાળકો તેમને ચરણે પડે, એવાં માબાપો નીતિશિક્ષણની મદદથી પોતાનો અધિકાર સ્થાપવા માગે છે એ ખેદ ઉપજાવે તેવી વાત છે. આપ તો આ લોભમાંથી દૂર જ રહેજો. ધર્મ કોઈ પુસ્તકમાં નથી, કોઈ ઉપદેશમાં નથી, કે ક્રિયાની જડતામાં નથી. ધર્મ તો મનુષ્યના જીવનમાં છે. જો આપ આપનું જીવન સંપૂર્ણપણે ધાર્મિક રાખશો તો આપે આપના બાળકના ધાર્મિક શિક્ષણ માટે બધું કર્યું છે. પણ આપ દંભી હશો અને આપના બાળકને ધાર્મિક બનાવવા ચાહતા હશો તો જરૂર તે પણ આપના જેવું જ દાંભિક ધર્મી થશે.
આપને એક બે વાતો બીજી પણ કહેવાની છે. આપણે આપણાં બાળકોને સમજતાં નથી તેથી આપણે તેનાથી કંટાળીએ છીએ અને તેઓ આપણાથી કંટાળે છે. તેમની વિશેની આપણી ઉપલક સમજણથી આપણે તેમનું વારંવાર અપમાન કરીએ છીએ, અને વારંવાર આપણે તેમને અત્યંત દુઃખી કરીએ છીએ. બાળક સંપૂર્ણ મનુષ્ય પ્રાણી છે. તેને બુદ્ધિ છે, લાગણી છે, ભાવ છે, અભાવ છે, એને પોતાની જિંદગી છે. આપણે આવા બાળક મનુષ્યને પૂર્ણપણે સન્માન આપવું ઘટે છે. ઘડીએ ને પહોરે આપણે તેને તુચ્છકારીએ છીએ, હડસેલીએ છીએ, નાની નાની બાબતોમાં તેને પાછું પાડીને ઉતારી પાડીએ છીએ ને તેની નજીવી અપૂર્ણતા માટે તેને ઝાંખું પાડીએ છીએ; એ બધું તેને અત્યંત દુઃખકારક છે, અપમાનકારક છે. વળી આપણે તેની દુનિયા જાણતાં નથી એટલે આપણો જ કક્કો ઘૂંટવાનો આગ્રહ કરીએ છીએ. આપણા વિચાર તે તેના વિચાર, આપણી ઇચ્છા તે તેની ઈચ્છા, આપણને ગમે તે તેને ગમે, આપણા ભાવાભાવ તે તેના ભાવાભાવ, આપણો ધર્મ તે તેનો ધર્મ – એમ માની બેસીએ છીએ. બાળક ઉપર આપણે આપણી એ માન્યતા લાદીએ છીએ. આમાં આપણે ગંભીર ભૂલ કરીએ છીએ.
બાળકોના ભાવ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે ઘણી વાર તે જણાવવા મુશ્કેલ પડે છે. તે એવી બાબતો પર કજિયો કરતાં હોય છે કે આપણે તે સમજી શકતા નથી, અથવા સમજવા જેટલો પ્રયત્ન પણ કરતાં નથી. આપણે તેને કજિયાળું કહીને કાઢી મૂકીએ છીએ કે લગાવીએ છીએ, ત્યારે જરૂર આપણે તેના હૃદયને તોડી પાડીએ છીએ. આપણને સૌને અનુભવ છે કે બાળક કોઈ વાર એવી ચીજ માગે છે કે જે આપણે નથી સમજતાં. બાળક નિશાન કરે છે, પણ આપણે ઊલટાં ચિડાઈએ છીએ. બાળક કાલુંઘેલું બોલીને સમજાવવા માગે છે, પણ આપણી ચીડ વધતી જાય છે. બાળક જાતજાતના ચાળા કરી પોતાનું અંતર પ્રગટ કરવા માગે છે, ત્યારે આપણે તેના સામુંયે જોતાં નથી અથવા તેને હસી કાઢીએ છીએ. નિરાશ થતું બાળક કજિયે ચડે છે ને આખરે વધારે માર ખાઈ ઊંઘી જાય છે. આખરે જ્યારે પોતાની વસ્તુ એકાએક તેને હાથ લાગી જાય છે ત્યારે તેના હર્ષનો પાર રહેતો નથી ને આખું ઘર આનંદથી ભરી દે છે. તે આપણને કાલી બોલી બોલીને કે નિશાની કરીને કહે છે કે “મારે તો આ જોઈતું હતું.” એની કીમતી ચીજમાં હોય છે તો કાચનો કટકો કે એકાદ ફૂટલી કોડી ! આપણે પાછળથી પસ્તાઈએ છીએ કે અરે આટલી વાત પણ ન સમજ્યાં અને બાળકને બે કલાક રડાવ્યું ? પણ આવું રોજ બને છે. આપણે એક વાત સમજીએ છીએ ત્યારે બાળક બીજી વાત સમજે છે; ને બાળક કંઈક માગે ત્યારે આપણે કંઈક આપીએ છીએ. આપણે બાળકના મનોભાવોનો પ્રદેશ જાણવા માટે જરૂર પ્રયત્ન કરવો ઘટે છે. એક વાર આપણે એની દૃષ્ટિથી જોવા માંડશે એટલે આપણી અને બાળક વચ્ચેની ગેરસમજણ દૂર થશે અને ઉભયને સુખ થશે.
એક બીજી શિખામણ આપવા ચાહું છું. આપ આપના બાળકને તોફાની કે હઠીલું ન ગણતાં. આપે એમ જ માનવું કે બાળક તોફાની હોય જ નહિ; હઠીલું તો એને આપણે જ બનાવીએ છીએ. આપણે આપણા અનુભવો ઉપર નજર નાખશું તો માલૂમ પડશે કે મોટે ભાગે બાળકોને તોફાની અને હઠીલાં આપણે જ બનાવીએ છીએ. બાળક જ્યારે આપણું ધાર્યું નથી કરતું ત્યારે આપણે તેને તોફાની કહીએ છીએ; બાળક જ્યારે આપણે ત્યાં આવેલ મહેમાનને માટે પાણી લાવતું નથી ત્યારે આપણે તેને તોફાનીનો ઇલકાબ આપી દઈએ છીએ; બાળક જ્યારે ઘરનો સામાન ભાંગે છે, ફોડે છે, બીજાને કનડે છે કે રખડવા ઊપડે છે ત્યારે તેને તોફાનીનું ઉપનામ મળે છે. આવી જ રીતે બાળક, પોતાનું મનધાર્યું કરે છે ને લીધી વાત મૂકતું નથી ત્યારે આપણે તેને હઠીલું કહીએ છીએ. ખરી રીતે આ બન્ને બાબતો ગુણો છે અને અમુક ઉંમરે તે બાળકમાં ન હોય તો તેનો વિકાસ થાય નહિ. પરંતુ આપણે તેને દોષ રૂપે ઓળખ્યા છે એ જ દુઃખની વાત છે. સત્તાની સખતાઈ બાળકને પસંદ નથી. કોને માન આપવું અને કોને માન ન આપવું તે બાળકને તરત જ સમજાઈ જાય છે. તેથી જ તે આપણી અયોગ્ય સત્તાની સામે જઈને કે મહેમાનની પરવા કર્યા સિવાય આપણું કહ્યું કરતું નથી. બાળક જ્યારે ભાંગફોડ કરે છે ત્યારે તે તોફાન નથી કરતું પણ પોતાની ક્રિયાપ્રધાન વૃત્તિને સંતોષવા માગે છે; તે તેનો વિકાસ શોધવા ચાહે છે. રખડવા માગતું બાળક આપણા ઘરને કાં તો પસંદ નથી કરતું અથવા તે પોતાની શારીરિક કસરતની જરૂરિયાતોને તૃપ્ત કરવા દોડે છે. નહિ બગડેલા બાળક વિષે આમ માની જ શકાય. પોતાનું ધાર્યું કરનાર બાળક કંઈ જ ખોટું નથી કરતું. તે જો કોઈને નુકસાન ન કરતું હોય, પાપી કૃત્ય ન કરતું હોય, પોતાની જાતને અસાધારણ જોખમમાં ન નાખતું હોય, તો ભલે તે પોતાને ગમે તે કરે; આપણે તેની વચ્ચે શા માટે પડીએ ? પોતાનું ધાર્યું એને ન કરવા દઈએ પણ એની પાસે આપણું ધાર્યું કરાવીએ તો તે અયોગ્ય છે. બાળકો પોતાનું ધાર્યું પોતાની મેળે કરે અને આપણી પાસે કરાવે તેમાં ફેર છે. આપણે એનું ધાર્યું ક્યાં કરવું અને ક્યાં ન કરવું એનો વિચાર જરૂર કરતા જવાનો છે. આપણે એના ગુલામ નથી બનવું, તેમ આપણે તેના વિકાસના વિઘાતક પણ નથી થવું. આ પ્રશ્ન વિવેકનો છે, અને તે પ્રત્યેક માબાપની વિવેકબુદ્ધિ ઉપર જ છોડી દેવો જોઈએ. બાળકને તમે સ્વતંત્ર બનાવો જ. તમે તેને બદલે આડે પડીને કામ કરી ન આપો. તમારે તેના ઉપરનું હેત તેને અપંગ બનાવવા માટે નથી. તે પોતાની મેળે જે કરવા માગે તે તેને કરવા જ દ્યો. એટલું જ નહિ પણ તે પોતે જે કરી શકે તે બધું તે કરવા માંડે અને તમારી પાસે કરાવતું મટી જાય તેની વહેલી તકે ગોઠવણ કરો. બાળકે પોતાના જીવનની બાબતમાં આપણા ઉપર જરાયે આધાર ન રાખવો જોઈએ. આપણે તેની આયા બની તેની સ્વાધીનતા ખૂંચવી ન લઈએ. વળી સ્વતંત્રતાનો અર્થ બરાબર ધ્યાનમાં રાખવો જરૂરનો છે. સ્વતંત્રતા એટલે નિરંકુશતા એમ ન સમજવું. જો બાળક તમને મારે તો તેને એમ કરવા દેવામાં મોન્ટેસોરી પદ્ધતિની સ્વતંત્રતા અપાય છે એવું ભૂલેચૂકે પણ ન માનતાં ! બાળક ગારાવાળા જોડા પહેરીને ગાલીચા ઉપર ચાલવાની સ્વતંત્રતા ભોગવી ન જ શકે; કોઈને બચકાં ભરવાની છૂટ મોન્ટેસોરી પદ્ધતિમાં કોઈ બાળકને મળે જ નહિ; તેમ કોઈ બાળક ચોરી કરવા કે ગાળ દેવા પણ સ્વતંત્ર ના જ હોઈ શકે. આવાં બાળકો તો નીચી વૃત્તિનાં ગણાય છે. આવી વૃત્તિને અથવા તેની પાછળ રહેલાં બળોને આપણે ઊંચે ચડાવીએ પણ તેને અભિનંદીએ તો નહિ જ. સ્વતંત્રતાની બાબતમાં આપ વારંવાર વિચાર કરીને અમને પૂછતાં રહેશો તો યોગ્ય ખુલાસો આપવા પ્રયત્ન કરીશું.
આપને એક યુક્તિ આપું. બાળક સાથે કામ પાડવામાં આપે એક વાત પકડી રાખવી. એ વાત એ છે કે સો ‘હા’ સારી પણ એક ‘ના’ નહિ સારી. આજે તો આપણે ‘એક નન્નો સો અવગુણ હરે.’ એ કહેવતને અનુસરીને ચાલીએ છીએ. બાળક પોતે જે કંઈ પોતાની જાતે જ કરવાનું માગે તેમાં ‘હા’ જ પાડવી. આપણે વિના કારણે કેટલીએક નિર્દોષ બાબતોમાં બાળકને ના પાડીને તેને દુઃખી કરી મેલીએ છીએ. ‘હા’ પાડશું તો બાળક તેને જે કહ્યું ન હતું તે કરી બેસશે એવો ભય ન જ રાખવો. તેને ‘હા’ પાડો અને કામ કેમ થાય તે બતાવો એટલે બાળક બધી બાબત મોટા માણસ પેઠે કરશે. અત્યંત વિચાર કરીને ‘નકાર’ ભણો. જે કરવા ન દેવું હોય તેમાં જ ના પાડો. પાછળથી કરવા દેવું પડે તેમાં પહેલાં ના પાડીને પછી હા ન પાડો. હા પાડીને ના પાડવામાં જે નુકસાન છે તેના કરતાંયે ના પાડીને હા પાડવામાં છે. બાળક ત્યારથી શીખે છે કે ‘ના’ ની ‘હા’ થઈ શકે છે, માત્ર તેણે કજિયો કરવાનો છે. બાળકને આપણે ત્યારે જ ‘ના’ પાડીએ કે જ્યારે એને પોતાને સમાજને કે નીતિશાસ્ત્રને ઈજા થવાનો ભય કે સંભવ હોય. આપણે બાળકમાં બહુ અવિશ્વાસ રાખીએ છીએ. બાળકને હાથે કંઈ ફૂટી જશે, તે આમ કરી શકશે નહિ, તેને આમ કરતાં લાગી જશે, તેને ફલાણું તો આવડે જ નહિ – એવું માનીને આપણે તેને કંઈ કામ સોંપતાં ભય રાખીએ છીએ; અને સોંપવું પડે છે તો ખૂબ આનાકાની પછી અથવા અવિશ્વાસના ઉદ્ગારો સાથે. આથી બાળકમાં અશ્રદ્ધા પેદા થાય છે. તે પોતાની શક્તિને ગુમાવી બેસે છે ને આગળ જતાં નાલાયક બને છે. બે બાળકોમાં એકને વખાણીને અને એકને નિંદીને આપણે એકમાં અતિશ્રદ્ધા અને બીજામાં અશ્રદ્ધા ઉપજાવીએ છીએ. નિંદાથી બાળકનો આત્મા બિડાઈ જાય છે ને સ્તુતિથી ઉદ્ધત થાય છે. આપણે તો બંને વસ્તુનો ત્યાગ જ કરીએ.
માબાપોની એક બૂરી ટેવ તરફ હું ધ્યાન ખેંચું છું. તેઓ પોતાનાં છોકરાંઓને મહેમાનો આગળ કે મિત્રો આગળ રજૂ કરી તેમની પાસે કાંઈક બોલાવરાવે છે, ગવરાવે છે વગેરે વગેરે. આમ કરવાથી કદાચ મિત્રો તો ખુશી થાય, પણ બાળકને તો ભારેમાં ભારે નુકસાન થાય છે. તે ઉપલકિયું બને છે. તેને એવી ટેવ પડે છે કે જ્યારે કોઈ વખાણીને જોનાર હોય કે ઉત્સાહ આપનાર હોય ત્યારે જ તેને કામ કરવું ગમે. તે નાટકિયું થઈ જાય છે. ઘણાં માબાપો પોતાનાં બાળકો બીજાને પોતાની વિદ્યા બતાવીને રાજી કરતાં નથી – કરવાની ના પડે છે ત્યારે બાળકો ઉપર નારાજ થાય છે, ઇનામ આપી કામ કરાવવા દોડે છે. અથવા મારી પણ દે છે. બાળકો નથી આપને માટે કે નથી મહેમાનો માટે. બાળારાજાઓને માથે પોતાની મરજી વિરુદ્ધ બીજાને રાજી રાખવાની ફરજ કેમ નખાય ? તેમાં તો ગુલામીનો પાઠ છે, આપણા અભિમાનને તૃપ્ત કરવાની આડકતરી રીત છે. બાલમંદિરમાં બાળક સુંદર બન્યું તે એવી શસ્ત્રક્રિયા માટે નહિ જ. એની શક્તિ પ્રથમતઃ તેના આનંદ માટે છે. આપણને એ આનંદ સહેજે મળતો હોય તો ભલે આપણે લઈએ. આપણે એમને આપણાં રમકડાં તો ન જ બનાવીએ; આપણે પણ એનાં રમકડાં ન બનીએ.
આપને ઘણી તસ્દી આપી. શિખામણ તો એટલી આપી કે આપને અપચો થાય. છતાં હજી કહેવાનું તો છે જ. પણ હવે હું થોડીએક વ્યાવહારિક વાતો કહીશ. આપના બાળકને ખૂબ સ્વચ્છ રાખો; ગંદકી અને ક્ષય રોગનો સાથે જ વિચાર રાખો. નિર્ભયતા એ શિક્ષણનો પ્રાણ છે, એ સૂત્ર તમારા ઘરમાં ટાંગી જ રાખજો. નાનાં બાળકો એટલે ગેરહાજરી ચાલે તે વિચાર કાઢી નાંખો; તેને હંમેશાં નિશાળે આવવાની સગવડ કરી આપો; માત્ર તેની મરજી વિરુદ્ધ ન મોકલો. નાતમાં જમવા જવાના કારણે કે કોઈની અઘરણી પંચમાસીને કારણે કે નવો ભાઈ આવ્યો છે માટે દસ દહાડા બાળકને ઘેર રોકી ન રાખો. આપે આપના બાળકને ઘરમાં શીખવવું નહિ; એક મ્યાનમાં બે તલવાર નહિ ચાલે. અમારી રીત જુદી; આપની રીત જુદી. જ્યારે આપનો વિચાર એને ઘેર ભણાવવાનો થાય ત્યારે સુખેથી ઉઠાડી લેજો. જો આપ આપનું વૈદું અને વકીલાત આપ પોતે વૈદ્ય અને વકીલ ન હો છતાં જાતે જ કરી શકતાં હો, તો જ આપ શિક્ષક ન હો છતાં આપના બાળકને ભણાવવાની ધૃષ્ટતા કરી શકો ! અમારા હાથમાં નાવ મૂક્યા પછી નિશ્ચિત રહેવા જેટલી શ્રદ્ધા આપનામાં નહિ હોય તો આપનું નાવડું ડૂબશે. બે ઘોડે નહિ ચડતા, નહિતર બંને બાજુથી લટકશો. આપ આપના બાળકને મંદિરમાં બેસાડી થોડા જ દિવસોમાં પૂછશો કે શું ભણ્યું, તો ઝાડને રોપ્યા પછી થોડા જ દિવસમાં તેને ખેંચી કાઢી તેનું મૂળ કેટલું વધ્યું છે તે જોવા બરાબર થશે. તમારી શ્રદ્ધાથી તમે તમારા પ્રયત્નના વૃક્ષને પોષશો તો જ સુંદર ફળો આવશે. અસંતોષથી દૂર રહેજો; સ્વાર્થી હિતેચ્છુઓને ઓળખી કાઢજો. તમારામાં જો ખરી શ્રદ્ધા હશે તો અમે જે બીજાં બાળકોમાં જોયું છે તે આપણે આ તમારા બાળકમાં પણ જોવા ભાગ્યશાળી થઈશું. તમારી પાસેથી અમે બીજું કશું નથી માગતા; એક જ વસ્તુ માગીએ છીએ અને તે અડગ શ્રદ્ધા. ઘરનાં બૈરાંઓ થાકી જશે, બીજી શાળાના માસ્તરો ડગાવશે, ટ્યુશન રાખવાવાળા પોતાના સ્વાર્થ માટે તમને બગાડશે, પણ તમે જાગ્રત રહેજો.
આપ અમારી શાળા જોવા વારંવાર વખત લેજો અને અમારી ભૂલો થતી હોય તો તે તરફ અમારું ધ્યાન ખેંચજો. આપના બાળક સંબંધે હૃદય ખોલી વાત કરજો, મુશ્કેલીઓ જણાવજો, અને નીડરપણે લડજો. આપ પણ આપના બાળક વિષે કશું ઢાંકશો નહિ. આપ જેટલી દરકાર રાખશો તેટલો મંદિર અને બાળકને લાભ જ થશે. નિશાળમાં બાળકને મોકલ્યું છે માટે હવે બેફિકર સૂઈ રહો એ નીતિ ન સ્વીકારતા. આપ આપના ઘરનાં સૌને આમાં રસ લેતા કરશો તો જ આપણે સફળતા મેળવીશું.