shabd-logo

બાળકોની ગંદી રમતો

5 July 2023

6 જોયું 6


બાળકોની ગંદી રમતો

⁠હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં માબાપો તરફથી મને આ પ્રશ્ન પૂછવામાં આવે છે: “કોઈ કોઈ વાર અમારું બાળક ગંદી રમતો રમે છે, અને જ્યારે ટોકીએ છીએ કે મારીએ છીએ ત્યારે એ ઊલટું છાનુંમાનું રમે છે, અને તે બાબત સંતાડીને જૂઠું બોલે છે. આ ગંદી રમતોમાંથી બાળકોને શી રીતે બચાવવા અને તે બાબતમાં અમારે શું કરવું ?”

⁠આ પ્રશ્ન હરેક માબાપને એક વખત થવાનો જ છે. સૌ બાળકોની જિંદગીમાં કદાચ એક કાળ એવો આવી પણ જવાનો કે જે વખતે તે આવી ગંદી રમતોમાં આવી પડે; અગર તો તેની નજીકથી પસાર થઈ જાય. સૌ માબાપે આ બાબતમાં જરા પણ બેદરકારી રાખવા જેવું નથી. એટલું જ નહિ, પણ તેમણે અમુક અમુક બાબતોમાં ચોક્કસ કાળજી રાખવાની જરૂર છે.

⁠મારા નાનપણમાં મોસાળમાં અમને એક છોકરીની સોબત થઈ હતી. અમે ખાસ ગંદું શું કરતા હતા અત્યારે યાદ નથી, પણ મારા મન પર એટલી છાપ રહી ગઈ છે કે એ છોકરી કંઈક ગંદું કરાવવા માગતી હતી. પણ અમને તેમાં કાંઈ સૂઝ પડતી ન હતી. આથી અમે ગંદી રમતોના ભોગ થઈ પડેલ નહિ હોઈશું.

⁠મારો અનુભવ અને અવલોકન એમ કહે છે કે આ બદી બાળકોમાં કુદરતી છે એમ કહેવા કરતાં વાતાવરણની છે એમ સ્વીકારવું વધારે વાજબી અને સાચું છે. મોટા ભાગે સોબતમાંથી આ વાત બાળકોમાં આવે છે; અને બાળકો સોબતમાં જ તે એકબીજાને આપે છે.

⁠પણ મારો એવો અનુભવ પણ છે કે આ વસ્તુ બાળકોને મોટાંઓ તરફથી મળે છે. ઘણા જુવાનો નાનાં બાળકોની દોસ્તી બાંધે છે; તેમને પાઈ, પૈસો, મોતી કે એવું રમવા ખાવાનું આપે છે અને બાળકને એકાંતમાં લઈ જઈ બાળકના હાથનો ગંદાઈમાં ઉપયોગ કરાવે છે. મોટાં મોટાં બાળકોને બીજી રીતે ખરાબ કરે છે. અને લાગ મળતાં તે આદતમાં નાખી દે છે.

⁠નાનાં બાળકો કે મોટાં બાળકો આવા મોટા જુવાનોની સોબતમાં ગંદી રમતો શીખે છે, તેમને તેમાં કંઈક મજા સમજાય છે, અને ત્યાર પછીથી તેઓ અંદર અંદર આ રમતો શરૂ કરે છે. મોટા છોકરાઓએ જે ગુપ્ત સંજોગોમાં આ રમતો શીખવી હોય છે તે જ સંજોગોમાં આ બાળકો પણ રમે છે. અને બધું ઢાંકવા માગે છે.

⁠વળી મોટી છોકરીઓ નાના છોકરાઓને આવી ગંદી રમતોમાં લઈ જઈ શકે છે. તેઓ પોતાની પ્રકૃતિને ઠંડી કરવા નાનાં બાળકો સાથે એવી રીતે રમે છે ને તેમનામાં એવી ગરમી પેદા કરે છે કે નાનાં બાળકોને તે ગમે છે. ઉપરાંત નાનાં બાળકો તરફથી મમતા બતાવીને પણ છોકરીઓ તેમને આવું આવું રમાડે છે. પરિણામે નાના છોકરા છોકરીઓ પણ ગંદું ગંદું રમતાં શીખી જાય છે, ને તેનો પ્રચાર ગુપ્તપણે કરે છે. જો પકડાય છે તો આપણે તેને મારીએ છીએ કે વઢીએ છીએ; તેથી તેઓ ત્યાર પછીથી વધારે ગુપ્તપણે તે આચરે છે.

⁠વળી આપણે ત્યાં મહેમાનો વગેરે આવે છે. તેઓ પણ હંમેશાં ખરાબ આદતોમાંથી મુક્ત હોતા નથી. તેઓ સાથે આપણે આપણાં બાળકોને સુરક્ષિત માનીએ છીએ. તેઓની ભેગાં બાળકો સૂએ છે ત્યારે તેમની પાસેથી પણ તેઓ અજાણપણે કંઈક ગંદું શીખી જાય છે. આ મહેમાનોમાં પુરુષો તેમ જ સ્ત્રીઓ બન્નેનો સમાવેશ થાય છે.

⁠છાત્રાલય જેવાં સ્થળોમાં વસતા વિદ્યાર્થીઓમાં તો આવા કામની ગુરુદીક્ષા આપવાવાળા તૈયાર જ હોય છે. તેવા ગુરુઓના પરિચયમાં કે શિષ્યના પરિચયમાં આપણા બાળકો આવ્યાં તો તેમના પરિચયનો લાભ મળ્યા વગર રહેતો જ નથી.

⁠આપણે સમજી શકીશું કે આ બદી ક્યાંથી આવે છે. સોબત, પરિચય, સંગ એ આ બદીની જાગૃતિમાં અને પ્રચારમાં છે એમાં શંકા નથી.

⁠વળી આ બદીનું વલણ બાળકોને વારસામાં પણ મળેલું હોય છે. આપણે મોટાંઓ આ બદીનાં જેટલે અંશે મોટપણમાં કે નાનપણમાં ભોગ થઈ પડ્યા હોઈશું તેનું ફળ આપણાં બાળકોને ભોગવવું પડ્યે છૂટકો છે. આપણી શક્તિઓ અને અશક્તિઓ બને આપણાં બાળકોને આપણા વારસામાં મળે છે. બાળકો ફરી વાર આપણી બાલ્યાવસ્થા જીવે છે, અને તે દરમિયાન આપણને આપણાપણાંની યાદી આપે છે. વળી બદીની જાગૃતિ કે બદીને અનુકૂળ વાતાવરણ આપણું પોતાનું ગૃહસ્થ તરીકેનું જીવન પણ છે. આપણે સ્ત્રી પુરુષ એવી રીતે રહીએ કે જેવી રીત બાળકોની આંખે પડવી ન જોઈએ, બાળકોના કાને અથડાવી ન જોઈએ, તો એ રીતની છાપ બાળકો ઉપર પડશે; ને બાળકોને તેનો ગેરલાભ થયા વિના રહેશે નહિ.

⁠નાનપણમાં બાળકો વાતાવરણ પરત્વે બહુ જાગ્રત હોય છે. તેઓ ઉપર વાતાવરણ બહુ મજબૂતીથી અસર કરે છે. તેઓને સામા ઘરનું, ઓરડાનું ને બધા માણસોનું સારું નરસું વાતાવરણ હવામાન પ્રમાણે સ્પર્શે છે, અને તેના લાભાલાભનાં ભાગીદાર થઈ જાય છે. ઊંઘમાં પણ બાળકોની આસપાસનું વાતાવરણ બાળકોને અસર કર્યો જ જાય છે. આ અસર માત્ર શરીર ઉપર જ નહિ, પણ મન અને તેની પાછળ રહેલી અન્ય શક્તિઓ અને વૃત્તિઓ પર પણ થયા કરે છે.

⁠આમ બાળકોની બદીનાં કારણોમાં આપણું માબાપનું વર્તન પણ હોય છે. આપણે માબાપો તરીકે જાણીએ પણ છીએ કે આપણે બાળકોની હાજરીમાં કેવાં સંયમી કે અસંયમી છીએ; એટલે આપણે પોતે બદીઓની જવાબદારીમાં આપણો હિસ્સો નથી એમ કહી શકીએ તેમ નથી.

⁠વળી એ વાત પણ જાણવા જેવી છે કે જ્યારે મોટાંઓ સુધ્ધાંને કંઈ પ્રવૃત્તિ મળતી નથી ત્યારે તેઓ ખરાબ માર્ગે ચડે છે. દરેક માણસ કંઈક કરવા માગે છે; માણસમાં કંઈક સર્જન કરવાની સહજ વૃત્તિ છે. આ વૃત્તિને અવકાશ મળતો નથી - અર્થાત્ જ્યારે માણસના હાથમાંથી કામકાજ ઝૂંટવી લેવામાં આવે છે, ત્યારે તે નવરો બેઠો નખ્ખોદ વાળે છે; એટલે કે તે કંઈ ને કંઈ નઠારી પ્રવૃત્તિને આધીન બને છે. વિકૃતિ કે નઠારી પ્રવૃત્તિ એ સારી પ્રવૃત્તિને રોકવાથી બનેલું ઝેર છે. વહેતા પાણીને રોકવાથી તે ગંધાય છે ને રોગનું કારણ બને છે, તેમ જ પ્રવૃત્તિને રોકવાથી તેમાં વિકૃતિ થાય છે ને તેને પરિણામે બદીઓ પેદા થાય છે.

⁠બાળકોમાં પણ એ જ રીતે જ્યારે તેમને કશું જ કરવાનું મળતું નથી, જ્યારે તેમને ઘરમાં કંઈ પ્રવૃત્તિ મળતી નથી કે જેમાં તેમને હાથ, પગ, આંખો, મન, બુદ્ધિ વગેરે વાપરવાં પડે, અને જ્યારે તેમને માથે માત્ર પાઠો જ કરવાનું આવી પડે છે, ત્યારે તેમની પ્રવૃત્તિનું પવિત્ર ઝરણું વહેતું વહેતું અટકી પડે છે અને તેમાંથી ગંદકી ને સડો ઉત્પન્ન થાય છે. સંગદોષથી ઉત્પન્ન થયેલી બદી પણ ત્યારે જ વિજય મેળવે છે કે જ્યારે બાળકોને પ્રવૃત્તિ મળતી નથી. તે બદી વધે છે પણ ત્યારે જ કે જ્યારે માબાપો બદીને કાઢવા માટે બાળકોના હાથમાંથી બધું કામ ઝૂંટવી લઈ તેમને એક ખૂણામાં પાઠ કરવા બેસાડી દે છે. વળી જે મોટાંઓમાં આ બદી પ્રગટ થઈ નાનાંઓને તે મળે છે, તે બદી મોટાઓમાં ઉત્પન્ન થવાનું કારણ પણ એ જ છેઃ પ્રવૃત્તિનો અભાવ, ખોટી નવરાશ, પ્રવૃત્તિની રુકાવટ, પ્રવૃત્તિનો વિરોધ.

⁠હવે આપણે જાણીએ છીએ કે બાળકોને આપણે કશી પ્રવૃત્તિ આપતાં નથી કેમ કે આપણે સમજી શકતાં નથી કે આપણે શી પ્રવૃત્તિ આપવી. બાળકો ઘણી ઘણી પ્રવૃત્તિઓ કરવા માગે છે, પણ તે તો આપણે જુદાં જુદાં કારણોથી રોકીએ છીએ. આપણે માનીએ છીએ કે અમુક પ્રવૃત્તિઓ બાળકોથી ન થાય. કારણ કે તે તેમને આવડે નહિ; કારણ કે તેમ કરતાં તેમને શરીરે નુકસાન થઈ જાય; કારણ કે તેમ કરતાં ચીજો, વાસણ, કપડાં વગેરે બગડે; કારણ કે તેમ કરવાની બાળકને જરૂર નથી; કારણ કે તેમ કરે તેના કરતાં પાઠો ન કરે? અને જ્યારે બાળકના હાથમાંથી એક પછી એક એમ બધી પ્રવૃત્તિઓ ઝૂંટવી લઈએ છીએ ત્યારે તેનામાં વિકૃતિ પેદા થાય છે. આ વિકૃતિ પછીથી અનેક સ્વરૂપો લે છે. તમામ જાતની ગંદકીમાં રસ લેવો, ગંદા રહેવું, ગંદું કરવું, ગંદી રમતો રમવી, ગંદું બોલવું વગેરે વિકૃતિનાં રૂપો છે.

⁠બાળકોની ગંદી રમતોનાં આવાં મૂળો છે, તેનાં ઉત્તેજનકારણો છે, તેનું વાતાવરણ છે.

⁠ત્યારે હવે આપણે મોટેરાંઓએ આ બાબતમાં શું કરવું જોઈએ?

⁠પ્રથમ તો આપણે બાળકોના હાથમાં પ્રવૃત્તિ મૂકી દેવી જોઈએ. બાળકો લખે વાંચે એ પ્રવૃત્તિ છે, પણ તે બાળકોની સર્જનાત્મક પ્રવૃત્તિને પૂરો અવકાશ નથી આપતાં; તેની મારફત બહુ જ ઓછો આરામ અને માર્ગ મળે છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ એટલે બાળકો હાથે પગે કરીને જે કાંઈ ઉપજાવે તે. માટીનાં રમકડાં કરવાં, લાકડાનું કામ કરવું, હથોડી ખીલા અને લાકડાથી જે કાંઈ સૂઝે તે કરવું, ખાડા ખોદવા, બાગ કરવો, ઝાડને પાણી પાવું, વાળવું ચોળવું, વાસણ ઊટકવાં, કપડાં ધોવાં, ગોઠવવું, છરી અને કાતરના અનેક જાતના ઉપયોગ કરવા, કાતરકામ કરવું. આ બધાં કામો બાળકમાં રહેલ સર્જનાત્મક વૃત્તિને ગતિ આપશે, ઓપ આપશે, બાળકને સંતોષ આપશે અને તેથી ખોટે માર્ગે જવાનું સહેજે બંધ પડશે. ગંદી રમતો રમીને શરીર અને મનને ગંદાં કરવાં કરતાં આ રમતોમાં હાથપગ બગડે અગર કપડાં બગડે તો કશું જ નુકસાન નથી. ઊલટું આ રમતો બાળકના શરીરને વધારે ઊજળું અને મનને સ્વચ્છ તથા નીરોગી બનાવશે. ગંદી રમતો મનની માંદગી છે; પ્રવૃત્તિ એક જ મનની માંદગીની દવા છે.

⁠ઉપરની પ્રવૃત્તિ ઉપરાંત નાટકો કરવાં, નાચવું, રમવું, શણગારો કરવા, ગોઠવણો અને મંડપો કરવા - એ બધી પણ પ્રવૃત્તિઓ છે. આ પ્રવૃત્તિઓ કે પેલી જાતની પ્રવૃત્તિઓ કે હરકોઈ પ્રવૃત્તિ, જેમાં હાથપગ મૂળ વપરાય છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોના સહકાર સાથે કંઈક બને છે, એ બધી પ્રવૃત્તિ બાળકોને નીચે માર્ગે જતાં રોકે છે અને તેમનું ચારિત્ર્ય ઘડે છે.

⁠ચારિત્ર્ય એટલે ઘણું જાણવું એ નથી. ચારિત્ર્ય એટલે પોપટ જેમ સાચું ખોટું શું તે બોલવું તે નથી. ચારિત્ર્ય એટલે સત્ અસત્ સમજવું એ પણ નથી. ચારિત્ર્ય એટલે ખરું આચરવું અને ખોટું ત્યાગવું એ જ છે; અને આચરી તે શકે કે જેનાં હાથપગ વગેરે કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયો સાબૂત છે, બળવાન છે, તેજસ્વી છે અને કાબૂમાં છે. આ કાબૂ હંમેશ કામ કરવાથી, પ્રવૃત્તિ કરવાથી આવે છે; ખુરશીમાં બેસી વાંચવાથી કે વિચારવાથી નથી આવતો. ચારિત્ર્યનો પાયો જ પ્રવૃત્તિ છે.

⁠સમજુ માબાપોએ બાળકોને પ્રવૃત્તિ આપવા મહેનત કરવી જોઈએ. બાળકોને માટે રાખવામાં આવેલ શિક્ષક પ્રવૃત્તિ નથી, પણ તેનો વિરોધ છે. શિક્ષક જેટલો વખત બાળકને પરાણે બેસાડીને ભણાવે છે તેટલો વખત બાળક સડે છે, ગંદું થવાની તૈયારી કરે છે. જ્યારે બાળક રાજીખુશીથી રમે છે ને કૂદે છે, નાચે છે ને ગાય છે, ખોદે છે ને ચણે છે, ભાંગે છે ને ફોડે છે ત્યારે તે સાચું થઈ રહ્યું હોય છે, ત્યારે તે મહાન બની રહ્યું હોય છે, ત્યારે તે મનુષ્યત્વ મેળવી રહ્યું હોય છે.


⁠પ્રવૃત્તિ ખાલી વાતાવરણમાં શક્ય નથી; વાતાવરણ પ્રવૃત્તિદાયક અને પોષક કરવાની આપણી ફરજ છે. એટલે જ આગળ કહી તે બધી સર્જનાત્મક પ્રવૃત્તિઓનાં સાધનો આપણે આપણાં ઘરોમાં વસાવવાં જોઈએ. ઘરમાં બાળકને એક જગ્યા આપી ત્યાં તેને પોતાને મનગમતું કરવાની પૂરી છૂટ આપવી જોઈએ. બાળકોના કામમાંથી કંઈ રળવાની આશા રાખવી નહિ; તેનાં કામો સંપૂર્ણ અને સુંદર થાય નહિ તો મૂંઝાવું નહિ. આપણે બાળકો પાસેથી વાસણ ઉટકાવવા નથી માગતા; તે માટે આપણા અગર નોકરોના હાથ છે. બાળકો ઘર વાળીને સાફ કરે ને આપણી મહેનત બચે તે માટે બાળકોની પ્રવૃત્તિ આપણે કબૂલ રાખીએ છીએ તેમ નથી; પણ આપણે તો બાળકોને જીવવા માટે, વિકસવા માટે, શક્તિ વધારવા માટે તેમને વાતાવરણ આપીએ છીએ. તેનો લાભ બાળકોનો વિકાસ છે; વાસીદું વળાઈ જવું કે વાસણો સાફ થઈ જવાં એ લાભો નથી. એની કિંમત ચારિત્ર્ય ઘડતરની સામે બહુ જ ઓછી છે. જો પ્રવૃત્તિ ચારિત્ર્ય છે તો પ્રવૃત્તિ કરવી એ જ કીમતી વસ્તુ છે, તે જ પરમ લાભ છે.

⁠હવે બીજી બાબત સોબતની છે. આપણે માબાપોએ આ બાબતમાં જાગતાં રહેવું જોઈએ. જેમ ચેપી રોગોનું છે તેમ જ સોબતનું છે. ચેપી રોગો ભલે બહારથી આવે છે પણ નુકસાન તો કરી જ જાય છે, તેમ સોબત બહારની છે પણ ખરાબ પરિણામ વળગાડી જ જાય છે.

⁠બાળકો જ્યારે ઘરમાં ભેળાં થઈ રમે ત્યારે તેઓ એકાંત ખૂણો શોધી, પડદા પાછળ , ડામચિયા કે કબાટ પાછળ ન રમે, કોઈને ન સંભળાય તેવી ગુસપુસ ન કરે, અને કંઈ છાનુંછાનું ન ચલવે માટે બધું ખુલ્લું જ ચાલે તેવી વ્યવસ્થા માબાપોએ રાખવી. બાળકો કઈ રમતો રમે છે તે વારંવાર જોયા ને જાણ્યા કરવું. આડોશપાડોશમાંથી કોણ કોણ છોકરાં આવે છે તે જોતાં રહેવું; બહુ મોટાં બાળકો છેક નાનાં સાથે ભેળાવા ન દેવાં. સરખાં બાળકોમાં પણ જે બાળકો એકાંતમાં જઈને વાતો કરવાનું કે છુપાઈને રમવાનું કહે તેમને રજા આપી દેવી. પ્રથમ તેઓ એકાંત શોધશે, પછી ગુપ્તપણે રમશે ને છેવટે ગુપ્ત ગંદી રમતો રમશે. આ બધાંનું પ્રથમ પગલું એકાંત શોધવું એ છે. બગડેલાં બાળકો એકાંતનો અર્થ સમજે છે. બીજા કોઈ જાણી કે જોઈ ન જાય તેની પહેલેથી કાળજી રાખે છે. અમુક તો આપણાં સગાંસંબંધીઓ છે એમ માનીને ચાલવું નહિ, તેમ તેમના ઉપર અવિશ્વાસની નજરથી જોઈ તેમને ગભરાવવાં નહિ. છતાં તેઓના ઢંગ ઉપરથી તેમને ઓળખી કાઢી તેમને આપણાં બાળકોથી દૂર કરવાં જોઈએ; અને તેમ કરવામાં ખોટી શરમ કે સંકોચ ન જોઈએ. એવાં બાળકોને રજા આપી દેવી. આપણાં બાળકોને કહી દેવું કે આપણે તેની સાથે નથી રમવું. અને ગંદાં બાળકોનાં માબાપોને પણ ચેતવણી આપવી. આપણાં બાળકો ના પાડ્યા છતાં ગંદાં બાળકો સાથે રમવા દોડે અગર આગ્રહ રાખે તો આપણે તેની અટકાયત કરતાં મૂંઝાવું નહિ. તે બાબતમાં બાળકોને કહી છોડવું કે ગંદા બાળકો સાથે રમવાનું ઠીક ન ગણાય; પણ એ વાત ગળે ન ઊતરે તો અટકાયત કરવી, અને તેની સાથે જ બાળકોના હાથમાં અનેક સુંદર એવી પ્રવૃત્તિઓ મૂકી દેવી. માત્ર અટકાયત કરવાથી બાળકો લુચ્ચાઈ કરી નાસી છૂટશે અને આપણને ઠગીને ધાર્યું કરશે; એટલું જ નહિ પણ બમણા જોરથી બદીમાં પડશે અને પાડશે.


⁠બાળકોને શેરીમાં રમવા જવા ન દેવાં એ જ આજની પરિસ્થિતિમાં યોગ્ય છે. શેરી જ આજે તો ગંદકીનું ઘર થઈ પડી છે. ઘણાં બાળકો ત્યાંથી જ ગંદકી કે બદીના જંતુઓ ઉપાડે છે. બાળકોને ઘરમાં ગોંધી રાખવાનાં નથી; બાળકો ઘર છોડીને એટલા માટે શેરીમાં જાય છે કે ત્યાં દોડવા કૂદવાનું અને ભાઈબંધો સાથે સામાજિક જીવન મળે છે. બાળકો અમુક ઉંમરે ભાઈબંધો માગે. છે; એની ના પાડવાથી તેઓ છટકીને નાચે છે ને મૈત્રી મેળવતાં મેળવતાં તેની સાથે બદીઓ પણ મેળવે છે.

⁠માબાપોએ બાળકોના મિત્રો ઘરે આવે તેવી ગોઠવણ કરવી જોઈએ. બાળકોના મિત્રોનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી. બાળકોને તંદુરસ્ત વાતાવરણ આપવા માટે પસંદ કરેલ મિત્રોને ઘરમાં સ્થાન આપવું પડશે. આપણે આપણા મિત્રો માટે ખૂબ વખત અને પૈસા ખર્ચીએ છીએ; તો બાળકોના મિત્રો માટે તેટલો નહિ તો અરધો ખર્ચ પણ તેમને આરોગ્ય અને આનંદ અને આપશે.

⁠વધારામાં આ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે શરીરે અને કપડાંથી ગંદાં રહેતાં બાળકો ગંદકી તરફ વહેલાં જાય છે. તેમની અંદરની વૃત્તિને તે દ્વારા પોષણ મળે છે. માટે બાળકોને શરીરે શરીરનાં બધાં અંગોમાં સ્વચ્છ રાખવાં જોઈએ. કપડાં સ્વચ્છ અને તંગ નહિ તેવાં જ પહેરાવવાં જોઈએ; અને તેમને ચળ આવે કે શરીરને ચૂંથવાનું વલણ થાય તેવું થવા દેવું ન જોઈએ. આ બધા નિષેધો છે. બાળકોને સીધી રીતે આ બાબતો વિષે કહ્યા વિના તેની સગવડ કરવાની છે.

⁠એક વાત કરવાની નથી. તે એ કે બાળકોને ગંદી રમતો રમવા બાબત મારવાનાં નથી કે ધમકાવવાનાં નથી. મારવાનું આપણામાં રહેલું વલણ સર્જનાત્મક વૃત્તિ હલકી થતી જાય છે તેનું સૂચક છે. માર મારવો એ પોતે જ એક વિકૃતિ છે, એક બદી છે. એટલે માર મારવાથી વિકૃતિ દૂર થવાને બદલે તેને ગતિ મળે છે. માર ખાનાર બાળક તે જ કારણે બીજાને માર મારતાં શીખે છે; એટલું જ નહિ પણ બીજા ઉપર ગંદકી નાખતાં, બદી ચલાવતાં શીખે છે. મારના રસાયણમાંથી બદી સ્વતઃ પેદા થાય છે. મારા સર્વથા ત્યાજ્ય છે.

⁠ધમકાવવાથી બાળક લુચ્ચું થાય છે, ચોર બને છે. બીક હિંમેશાં માણસને ચોરટો અને ખંધો બનાવે છે. બુદ્ધિનો ખોટો ઉપયોગ પણ બીકને લીધે જ થાય છે. બીક માણસની શુદ્ધ વૃત્તિને મલીન કરે છે. માટે બાળક ગંદું કરતું હોય તો તેને ધમકાવવું નહિ; પણ જેમ કોઈ બાળકને તાવ આવે છે ત્યારે તેની દવા જ કરીએ છીએ, તેમ જો બાળક બદીમાં આવી ગયું તો બદીને રોગ સમજી તેની દવા જ કરવાની જરૂર છે; માર મારવો તથા ધમકાવવું એ રોગની દવા નથી પણ રોગને ઢાંકવાનાં ઢાંકણો માત્ર છે. ઉપરથી ઢાંકેલો રોગ આખરે રોગ જ રહે છે કે માણસને ઘાતક નીવડે છે, તેમ મૂળ દૂર કર્યા વિનાની અને ઉપરથી દબાયેલી વૃત્તિ તેની તે જ રહે છે, અને આખરે તે ફાટી નીકળી બાળકને હેરાન કરે છે. બાળકની વૃત્તિને દબાવી દેવાની નથી, તેને દૂર કરવાની છે. દાબેલી વૃત્તિ આખરે તો અંદર જ રહે છે. દૂર કરેલી વૃત્તિ જ દૂર જાય છે.

⁠બાળકને ધમકાવવું નહિ તેમ તેને શરમાવવું પણ નહિ. શરમાવવાથી બાળકને અપમાન લાગે છે. તેને થાય છે કે આવું કરવું તેથી શરમાવું તેના કરતાં માબાપને ખબર જ ન પડે તેની કાળજી રાખવી. તેને થાય છે કે “હવે નહિ કરું.” પણ પાછું તે કરે છે, કેમ કે તેના હાથમાં બીજું કશું કરવાનું હોતું નથી.

⁠વળી દરેક બાળકને ઉપદેશ પણ ન દેવો કે આમ કરવું ખરાબ છે ને આમ કરવું સારું છે. માણસ સારુંનરસું જાણ્યા છતાંયે તે સારુંનરસું કરે છે, તેનું કારણ ક્રિયાશક્તિની નિર્બળતા છે. ઉપદેશથી સમજાય છે ખરું પણ આચરવાની શક્તિ નથી આવતી. ઉપદેશથી આવેલી સમજણને લીધે લાગણી થાય છે, સારો સંકલ્પ ઘડાય છે; પણ અમલ કરવાનું તેથી બની શકતું નથી. કેમ કે સંકલ્પને અમલમાં મૂકવા માટે તો ક્રિયાશક્તિનું બળ જોઈએ છે. ઉપદેશ દેવાને બદલે આપણે બાળકને પ્રવૃત્તિ આપવી, સારી સોબત આપવી, સારું વાતાવરણ આપવું. જ્યાં સુધી હાથમાં કામ છે, જ્યાં સુધી મગજમાં તે કામ વિષે વિચાર છે, જ્યાં સુધી સોબત સારી છે અને જ્યાં સુધી આખું વાતાવરણ નિર્મળ છે ત્યાં સુધી બાળકો બદીઓથી સલામત છે.⁠


✾⁠✾⁠✾ 

10
લેખ
માબાપોને
0.0
આ નાનકડી ચોપડી આપને ખોળે મૂકતાં મને ઘણો આનંદ થાય છે. આ ચોપડીના લેખો જુદે જુદે વખતે આપને જ ઉદ્દેશીને લખેલા છે. એ લેખોમાં મેં આપની પાસે બાળકોની વકીલાત કરી છે. બાળકોનાં દુઃખો સંબંધે ફરિયાદ કરી છે. બાળકોનાં સુખો માટે માગણી કરી છે. બાળકોને સમજવાને માટે યાચના કરી છે. હું આશા રાખું છું કે આપ તે ધ્યાનમાં લેશો. ⁠બાળકોનો પક્ષ ખેંચતાં કોઈ વાર આપને શિખામણ દેવાઈ ગઈ હોય, વધારે પડતું કહેવાઈ ગયું હોય તો માઠું ન લગાડતાં. છેલ્લાં અઢાર વર્ષોમાં બાળકોની જે કંગાલ હાલત અને તેમના પ્રત્યેનું જે બેહૂદું વર્તન જોયું છે તેનું દુઃખ હું મારા હૃદયમાં છુપાવી શક્યો નથી, એટલે કોઈ કોઈ વાર આકરા શબ્દો લખાઈ ગયા છે, તો તે બદલ માફી માગું છું. ⁠બાળકો સંબંધ મારે એટલું બધું કહેવાનું છે કે કેટલાંયે પુસ્તકોમાં હું તે કહી ન શકું. આ તો મેં તેની શરૂઆત માત્ર કરી છે. બાળકો અને આપણા ભાગ્યે હું થોડા જ વખતમાં મારા બીજા અનુભવો આપની સેવામાં રજૂ કરીશ. ⁠‘બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો’ એ લેખ અંગ્રેજી ઉપરથી છે. તે ઉપાયો સમજણપૂર્વક અજમાવી જોવા જેવા છે.
1

લગ્નજીવનની ધન્યતા ક્યારે સમજાશે ?

5 July 2023
1
0
0

લગ્નજીવનની ધન્યતા ક્યારે સમજાશે ? ⁠જેમ બીજમાં વૃક્ષ છે, તેનાં ફૂલો અને ફળો છે, તેમ જ બાળકમાં સંપૂર્ણ મનુષ્ય છે. ⁠યુવાવસ્થા એ બાલ્યાવસ્થાનો વિકાસ માત્ર છે. બાળક અવસ્થાનો મધ્યાહ્‌ન એટલે યુવાવસ્થા. મ

2

બાળક – મહિમા

5 July 2023
0
0
0

બાળક – મહિમા બાળક પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે.બાળક કુદરતની સુંદરમાં સુંદર કૃતિ છે.બાળક સમષ્ટિની પ્રગતિનું એક આગળ પગથિયું છે.બાળક માનવકુળનો વિશ્રામ છે.બાળક પ્રેમનો પયગમ્બર છે.બાળક માનવશાસ્ત્રનું મૂળ છે

3

આપણાં બાળકોને ખાતર

5 July 2023
0
0
0

આપણાં બાળકોને ખાતર ⁠આપણે આપણાં બાળકો ખાતર શું કરીશું ? ⁠આ વળી એક નવો પ્રશ્ન. બાળક માટે આપણે શું નથી કરતાં કે વળી આવો પ્રશ્ન પુછાય છે ? ⁠આપણે તેને ખવરાવીએ પિવરાવીએ છીએ. આપણે તેને રમાડીએ જમાડીએ છીએ

4

બાળકનું ઘરમાં સ્થાન કયું ?

5 July 2023
0
0
0

બાળકનું ઘરમાં સ્થાન કયું ? ⁠રોજ રસોઈ કોને પૂછીને થાય છે ? ⁠બાળકને આ વસ્તુ ભાવશે કે નહિ, તેને આ પચશે કે નહિ, એવો વિચાર રાંધતી વખતે કેટલી માતાઓ કરે છે ? ⁠બાળકોને કંઈ ભાવે નહિ તો આપણે કહીએ કે તેને ખ

5

ઘરમાં બાળકે શું કરવું ?

5 July 2023
0
0
0

ઘરમાં બાળકે શું કરવું ? ⁠ઘણી વાર પૂછવામાં આવે છે કે “અમારું બાળક બાલમંદિરમાં અગર શાળામાં જાય છે ત્યાં સુધી તો તે પ્રવૃત્તિમાં રહે છે; પરંતુ ઘેર આવ્યા પછી તેણે શું કરવું ? ઘરમાં ચાલે તેવાં તેને લાયક

6

માબાપોએ શું કરવું ?

5 July 2023
0
0
0

માબાપોએ શું કરવું ? એક પત્ર ⁠બાલમંદિરમાં આપનાં બાળકોને દાખલ કરવાના આપના ઉત્સાહને હું પ્રેમપૂર્વક વધાવું છું. બીજી શાળાઓ કરતાં આ મંદિર આપને વધારે સારું લાગ્યું છે તે હું જાણું છું. આ શાળામાં લાંબ

7

માતાઓને

5 July 2023
0
0
0

માતાઓને : ૧ : ⁠જ્યારે અમારું બાલમંદિર શરૂ થયું ત્યારે આ બાલમંદિરમાં આવનારાં બાળકોને તેમનાં માબાપોએ કેમ રાખવા તથા તેમની સાથે કેવી જાતનું વર્તન રાખવું એ વિષે છાપેલ સૂચનાઓ તમને બધાંને મોકલવામાં આવે

8

શ્રીમંતોને

5 July 2023
0
0
0

શ્રીમંતોને ⁠હું આ લેખ ખાસ કરીને શ્રીમંતો માટે લખું છું. છતાં એનો અર્થ એવો નથી કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના માણસો આનો લાભ ન જ લઈ શકે. આ લેખ શ્રીમંતોને માટે એટલા માટે છે કે આમાં કરેલી સૂચનાઓનો મોટે ભ

9

બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો

5 July 2023
0
0
0

બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો ⁠સામાન્યતઃ કોઈ પણ આદર્શ વર્ગમાં કે શાળામાં જતાં સાધારણ બાળકો કામ કરે છે ત્યાં બાળકોની વ્યવસ્થા અથવા નિયંત્રણનો પ્રશ્ન ઊભો જ થતો નથી. જ્યારે શિક્ષકને બાળકો ઉપર પોલીસ

10

બાળકોની ગંદી રમતો

5 July 2023
0
0
0

બાળકોની ગંદી રમતો ⁠હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં માબાપો તરફથી મને આ પ્રશ્ન પૂછવામાં આવે છે: “કોઈ કોઈ વાર અમારું બાળક ગંદી રમતો રમે છે, અને જ્યારે ટોકીએ છીએ કે મારીએ છીએ ત્યારે એ ઊલટું છાનુંમ

---

એક પુસ્તક વાંચો