માતાઓને
: ૧ :
જ્યારે અમારું બાલમંદિર શરૂ થયું ત્યારે આ બાલમંદિરમાં આવનારાં બાળકોને તેમનાં માબાપોએ કેમ રાખવા તથા તેમની સાથે કેવી જાતનું વર્તન રાખવું એ વિષે છાપેલ સૂચનાઓ તમને બધાંને મોકલવામાં આવેલી છે. એમાં જે સૂચનાઓ કરવામાં આવી છે તે તમારા ધ્યાનમાં હશે; જરૂર હશે તો એ તમને અહીંથી ફરી વાર પણ મળી શકશે.
એ સંબંધમાં હું તમને કેટલુંક કહેવા ધારું છું. ધારો કે આપણે ઊંઘી ગયાં હોઈએ અને કાંઈક જાદુથી કે કોઈ રાક્ષસી માયાથી આપણને કોઈ અજાણ્યા રાક્ષસના દેશમાં લઈ જઈને મૂકી દે; ત્યાં જ્યારે આપણે જાગીએ અને જોઈએ ત્યારે માલૂમ પડે કે આપણે તો રાક્ષસના દેશમાં આવી પડ્યા છીએ ત્યારે કેટલો બધો ત્રાસ થાય ?
ત્યાં તો મોટા મોટા રાક્ષસો હોય. ત્યાં ઘરના દાદરા પણ મોટા હોય, તેમનાં કબાટો મોટાં હોય, તેમનાં પાણિયારાં મોટાં હોય, ગોળા પણ મોટા હોય. આપણે તો એ રાક્ષસોના પગના ગોઠણ સુધી પણ પહોંચી શકીએ નહિ. એવા સંજોગોમાં સપડાઈ ગયા, અને વળી આપણને તેઓ ત્યાં ને ત્યાં પૂરી રાખે તેમ જ એવા ઘરમાં રહેવાની ફરજ પાડે તો આપણને કેવું લાગે ? ત્યાંના મોટા દાદરાનાં લાંબાં પગથિયાં હોય; તે ઉપર તેઓ તો ધમધમ ચડે અને ઊતરે પણ આપણે એ લાંબા ગાળાવાળાં પગથિયાં ઉપર ચડીને જઈ શકીએ જ નહિ; ત્યાંની થાળીઓ એવડી મોટી હોય કે આપણે આખા ને આખા સમાઈ જઈએ; પાણિયારું એવું ઊંચું હોય કે આપણે ત્યાં પાણીને પહોંચી જ ન શકીએ. એટલે આપણે આપણું મનધાર્યું કશું કરી જ શકીએ નહિ.
આવું સ્વપ્ન આપણાં બાળકોને આપણા ઘરમાં હંમેશાં આવે છે, પણ આપણે તે તરફ ધ્યાન જ જતું નથી. આપણાં ઘરોમાં બાળક માટે બધું એવું જ છે. ખીંટીઓ બહુ ઊંચે હોય છે; પાણિયારાં ઊંચાં ને મોટાં હોય છે એટલે બાળક ત્યાં પહોંચી શકતું નથી; કબાટ મોટાં હોય છે એટલે બાળક તેનો ઉપયોગ કરી શકતું નથી. અને બધી વ્યવસ્થા અને સરસામાન એવાં હોય છે કે બાળકને તો વિચાર થઈ પડે કે આ તે માણસનો લોક છે કે રાક્ષસનો મુલક છે !
આવા સ્થળમાં બાળકને હંમેશાં પોતાને સારુ કાંઈ ને કાંઈ માગવું પડે છે. તે પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું નથી. પાણી પીવું હોય ત્યારે પાણિયારાં ઊંચાં હોવાથી તેને પાણી માગવું પડે છે; ખાટલા મોટા હોવાથી તેને સૂવું હોય ત્યારે પાથરી દેવાનું કહેવું પડે છે; પાટલા મોટા હોવાથી તે પણ મેળે ઉપાડીને માંડી શકતું નથી; દાદરા મોટા હોવાથી મનમાં આવે ત્યારે ચડી શકતું નથી. ઘરમાં વસાવેલાં બધાં સાધનો બાળકને કશા કામના નથી; ત્યાં તેણે કરવું શું ?
કેટલાંયે ઘરોમાં બાળક માટેના પ્રેમથી અને ઉદારતાથી તેને રમવા માટે રમકડાં રખાય છે ખરાં; અને બાળક એક ખૂણે બેસીને રમ્યા કરે એમ તેને કહેવામાં આવે છે. છતાં એવાં રમકડાંથી તેઓ લાંબો વખત સંતોષ પામતાં નથી. બહુ વારે જ્યારે બાળક રમકડાંથી અકળાય છે ત્યારે તેને ફોડી નાખે છે, અથવા ખિજાઈને દાંતથી ચાવીને ફેંકી દે છે.
જો તમને એમ લાગે કે આ વાત સાચી છે, અને બાળકને માટે તો જેવો જોઈએ તેવો ઘરમાં એક પણ ખૂણો નથી કેમ કે જે બધાં સાધનો છે તે તેમને માટે તો બહુ મોટાં છે, તો તમારે તમારા ઘરમાં સુધારો કરવો જોઈએ. બાળકને અનુકૂળ થાય તેવાં નાનાં વાસણો, નાની ટબૂડીઓ, વાટકીઓ અને તેઓ ઉપાડી શકે તેવાં ધોકણાં, નાની સાવરણી, એમ બધી સામગ્રી તેમને માટે નાની સંપડાવવી જોઈએ; કેમ કે બાળક ઘરમાં બેઠું બેઠું જે આપણે કરીએ તે કરવાનું મન કરે છે. ઘણી વાર તમે માતાઓએ જોયું હશે કે બાળક રોટલી વણવા, કઢી હલાવવા, ઠામ માંજવા, ધોવા, સંજવારી કાઢવા વગેરે માટે તત્પર થાય છે. પણ એવા કામ માટે ઘરમાં બધાં સાધનો મોટાં હોવાથી તેમને કદાચ ઈજા થશે એમ જાણીને આપણે તેમને અડવા જ દેતાં નથી. એમ થવાથી બાળકો નાખુશ થાય છે; અને પછી આપણે એવું કામ તેમને કરવાનું જ્યારે કહીએ છીએ ત્યારે ઊલટાં તે સામાં થાય છે, અને પછી આપણને લાગે છે કે બાળકો આપણું કહ્યું કરતાં નથી.
બાળકનો સહજ સ્વભાવ છે કે તે ઘરમાં કામ કરવા માગે; પાટલા માંડવા, સંજવારી કાઢવા, વગેરે માટે તે મન કરે. પણ કાં તો વાગવાની કે બગાડી નાખવાની કે ફોડવાની બીકથી તેને ના પાડવામાં આવે છે, એટલે તે તરત નાખુશ થઈ રડે છે અને પછી શાંત થાય છે. પણ ત્યાર પછી તે બાળકને માબાપ કાંઈ કામ કરવાનું કે કાંઈ વસ્તુ લાવી આપવાનું કહે છે ત્યારે તે કહ્યું કરતું નથી, તેમ જ કશું શોધી લાવતું પણ નથી. બાળકોને જ્યારે આપણી માફક કામ કરવાનું મન થાય ત્યારે તેમને સંતોષ આપવો જોઈએ, અને તેમનાથી કામ થઈ શકે તેટલા સારુ તેમને લાયકની બધી નાની વસ્તુઓ વસાવવી જોઈએ. પણ તેમને લાયકનું કશું સાધન નહિ હોવાથી તથા બધી ચીજો તેમના ગજા કરતાં મોટી ને છેટી હોવાથી તેમને જે જોઈએ તે માગ્યા કરવું પડે છે; અને આપણને લાગે છે કે તે આપણો જીવ ખાય છે. પણ જો બધી ચીજો તેને સારુ નાની હોય અને તેને ઘટે તેવી સગવડો હોય, તો તે પોતાનું કામ પોતાની મેળે જ કર્યા કરશે એમ હું અનુભવથી કહી શકું છું.
અહીં બાલમંદિરમાં બધાં સાધનો એવી રીતે ગોઠવ્યાં છે કે બાળકો પોતાની મેળે પોતાને ફાવે તે લઈ શકે છે. તેઓ મેળે જ પોતાને આસને બેસે છે, તેમને જોઈએ તેવડાં અને જોઈએ તેવાં સાધનો પોતાની મેળે લે છે, આનંદથી રમ્યા કરે છે અને રમી રહ્યા પછી પોતાની મેળે તેમને બરાબર જગાએ મૂકી દે છે. મારે તેમને એ બાબતમાં કહેવું પડતું જ નથી.
બાળકનો સ્વભાવ જ શાંત બેસી રહેવાનો નથી. તેને કાંઈ ને કાંઈ કરવાનું મન થાય છે. કેટલાક પૈસાપાત્ર લોકો અને મોટા માણસોના ઘરમાં એવું જ મનાય છે કે બાળકોથી કેટલાંક કામો થાય જ નહિ; ઘણે સ્થળે તો તેમને નવરાવવાં, વાળ ઓળવા, કપડાં પહેરાવવાં, બૂટ પહેરાવવા વગેરે કામો મોટેરાં કે નોકરો કરી આપે છે. જો કોઈ માણસ આપણને ખોરાક ચાવીને મોઢામાં મૂકવાની નોકરી કરવા આવે તો આપણને તેવો નોકર ગમશે કે ? આપણે તરત જ તેવા નોકરની ના જ પાડશું. પણ બાળકને તો બધું આપણે જ ચાવી આપીએ છીએ; આપણે જાતે તેમને બધું કામ કરી દઈએ છીએ. તેમને કદાચ લાગી જશે, તેમનાં લૂગડાં બગડશે, તેઓ ઘરના કામમાં આડાં આવશે કે કાંઈ કામ બગાડી મૂકશે, એમ કરીને આપણે તેમને કામથી અટકાવી રાખીએ છીએ અને મના કરીએ છીએ. તેમને ઈજા થશે અથવા તે બરાબર કરશે નહિ અને બગાડશે, એ જોવું જ ન જોઈએ. માત્ર તેઓ કામ કરવાનો સંતોષ પામે અને તેમની જિંદગીને કશું જોખમ ન થાય એટલી જ સાવચેતી રાખવાની જરૂર છે.
કહેવત છે કે “હૈયું બાળ્યા કરતાં હાથ બાળવા સારા.” એટલે કે બાળકો તોડી ફોડી નાખે તે કરતાં આપણે બધું કરી દઈએ તે સારું. પણ તે ખોટું છે. એમ કરવાથી તેઓ પોતાની મેળે કામ કરતાં શીખી શકતાં નથી. તેઓ પોતાની મેળે કામ કરતાં થાય એવું કરે તે જ ખરી માતા છે. બે વરસની ઉંમરનાં બાળકો પણ પોતાનાથી બનતું કામ શા માટે મેળે ન કરે ?
યુરોપમાં એક નિશાળમાં ત્રણ ચાર વરસનાં છોકરાં પોતાનો ખોરાક પોતપોતાની મેળે કાચનાં વાસણોમાં પીરસીને ખાય છે, અને તે વાસણો પોતાની મેળે પાછાં ધોઈને ઠેકાણે મૂકી દે છે; અને એમ હેરફેર કરવામાં તેઓ તે ફોડતાં પણ નથી. યુરોપની એક બાળ–મૉન્ટેસૉરીની આવી બાળનિશાળની જો હું તમને વાત કરું તો તમે તાજુબ થઈ જાઓ ! અને એ બધી વાત દુનિયાની નહિ પણ કોઈ સ્વર્ગની તમને લાગે. ત્યાં નાનાં બાળકો જાતે પોતાના વાળ ઓળે છે, જાતે કપડાં બૂટ વગેરે પહેરે છે, અને તેનાં બુતાન પણ મેળે જ બાંધે છોડે છે. પણ અહીં આ બાલમંદિરમાં કેટલીક સાડા પાંચ વરસની વયની કન્યાઓ આવે છે તેમને તેમની માતાઓ હજી સુધી નવરાવે છે, વાળ ઓળે છે. કપડાં પહેરાવે છે અને બધું કરી આપે છે. એમ કરવા કરતાં તેઓ પોતાની મેળે પોતાનું બધું કામ કરતાં થાય એમ થવું જોઈએ.
અહીં બાલમંદિરમાં એક કૂંડી ભરીને તૈયાર રખાય છે; તેમાં બાળકો પોતાની મેળે હાથ મોઢું ધોઈને પોતાની મેળે જ સાફસૂફ થાય છે. એટલે મને અનુભવથી જણાય છે કે જો ઘર આગળ પણ તેમને પોતાની મેળે પોતાનું કામ કરવા દેવાની સગવડ ૨ખાય તો ધીમે ધીમે તેઓ નાહવાનું, હાથ, પગ, મોઢું વગેરે સાફ કરવાનું, લૂગડાં પહેરવાનું, વગેરે તમામ કામ પોતાની મેળે કરતાં શીખી જશે અને તેમને માટેની બધી ખટપટ દૂર થશે તથા માવતરોની માથાકૂટ મટી જશે.
હું ઘરસંસારી છું અને મને પણ અનુભવ છે કે બાળકો જે તે માગ્યા કરે છે, કવરાવ્યા કરે છે અને માથાકૂટ કરાવ્યા કરે છે. પણ જો તેમને તેમની મેળે કામ કરવાનો રસ્તો કરી આપવામાં આવે, અને તેમને આડી આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે, તો તેઓ જરૂર પોતાનું કામ પોતાની મેળે કરતાં શીખશે. પણ આપણે તેમને પરાધીન ગુલામ જેવાં કરી દઈએ છીએ તે ખોટું છે. તેમને તેમનું બધું કામ જાતે જ કરવા દ્યો.
હાથ-પગ નાના હોવાથી અને શક્તિ ઓછી હોવાથી તેઓ બધું કામ કાંઈ ઝપાટાબંધ અને જેવું જોઈએ તેવું બરાબર કરશે નહિ; તોપણ તેઓ જે પોતાને માટે કરે છે તેથી તેમને સંતોષ થાય છે; ને તે જોઈને આપણે સંતોષ પામવો જોઈએ. અહીં બાલમંદિરમાં હું જોઉં છું કે તેઓ પોતાને ફાવે તેવું કામ પોતાની મેળે ખરા દિલના રંગથી કરે છે. તેમ જ તેમને ઘરમાં પણ જે કરવાનું મન થાય, અને જેમાં ગંભીર જોખમ ન હોય, તે કરવા દેવા માટે મારી ખાસ ભલામણ છે.
અહીં બાલમંદિરમાં બાળકોને કેળવવાનો અમારો પ્રયાસ તો માત્ર બે કલાકનો છે, અને તમારા ઘરમાં બાવીશ કલાકનો છે; તેમાં જો વિરોધ હોય તો અમે કંઈ જ કરી શકીએ નહિ. પણ જો તમે અમારા કામને અનુકૂળ હો, અને તેવી જાતની ઘેર પણ તમારાં બાળકોની સાથે રીત રાખો, તો આ કાર્યમાં જરૂર ફતેહ થાય.
પોતાનું બાળક સંપૂર્ણ સ્વચ્છ રહે તેની પૂરી સંભાળ માવતરોએ લેવી જોઈએ. પણ કેટલાંક બાળકો અહીં હજી ઘેરથી અસ્વચ્છ હાલતમાં આવે છે, તેથી અમારી કામવાળી બાઈ પાસે તેમને સાફ કરાવીએ છીએ. બાળકની સ્વચ્છતામાં માતાઓએ તેમનાં આંખ દાંત બરાબર સાફ છે કે નહિ, કાનમાં મેલ પરુ છે કે કેમ, માથાના વાળમાં ખોડો છે કે નહિ, એ બધું જોઈને દરકારથી સ્વચ્છ કરવું જોઈએ. તેમનાં કપડાં સાફ, બટન કડીવાળાં અને ફાટ્યાં હોય તો સાંધેલાં રાખવાં જોઈએ; એ બધું માતાઓએ સંભાળથી જોવું જોઈએ. તેમના નખ પણ બરાબર ઉતારેલા જોઈએ. આ બધી બાબતમાં જો કાંઈ ખામી હોય તો તે બાળકોનો દોષ નથી પણ માબાપનો દોષ છે.
બીજું, બાળકો તો આપણે ત્યાં પ્રભુએ મોકલેલા દેવના દૂતો છે. એ બધા નાના નાના દેવો છે. માટે આપણું વર્તન તેમના તરફ માનભર્યું અને પ્રેમાળ જોઈએ. ઘરેણાં પહેરાવવામાં ખરો પ્રેમ નથી; તેમ જ સારું સારું ખવરાવવામાં કે કીમતી વસ્ત્રો પહેરાવવામાં ખરો પ્રેમ રહેલો નથી. પણ તેમને રુચતું કરવા દેવું તથા સગવડ કરી આપવી તેમાં ખરો પ્રેમ રહેલો છે. તેઓ જે ઇચ્છે તે કરવા દેવામાં વાંધો ન લેવો જોઈએ.
કોઈ મોટું માણસ આપણને મળવા આવે ત્યારે આપણે તેમને માન આપીએ છીએ, તેમને વિનય બતાવીએ છીએ. પણ બાળકો, જે દેવને ઘેરથી આપણે ત્યાં મહેમાન થઈને આવ્યાં છે તેમને હડધૂત કરીએ, તેમને વિનય કે પ્રેમથી બોલાવીએ નહિ, અને નજીવી વાતમાં તેમનું અપમાન કરીએ, એ કેટલું બધું ખોટું છે ? માટે તેમના તરફ સંપૂર્ણ પ્રેમ, વિનય અને આદરથી વર્તવું જોઈએ, તથા તેઓ નાનાં છે છતાં તેમને નાનાં ગણી કાઢવાં ન જોઈએ.
વળી બહેનો ! બીજી પણ એક વાત ધ્યાનમાં રાખો. આપણે અમુક એક જાતનું વર્તન રાખીએ અને બાળક તેથી બીજી જાતનું વર્તન રાખે એવું કદી બનવાનું નથી; તેઓ બધી વાતમાં આપણું જ ઝીણી નજરે અવલોકન કરે છે અને આપણું જ અનુકરણ કરે છે. જો આપણે આપણા વિચારો અને વિકારોને તાબામાં રાખશું તો બાળક પણ તેમ કરતાં શીખશે; અને જેવું આપણે બોલશું, જેવું આપણે કરશું, તેવું જ બાળક પણ બોલશે ને કરશે. જે સ્ત્રીઓ નોકરચાકર મારફત ઘરનું કામકાજ લેતાં હશે તેમનાં છોકરાં પરાધીન ગુલામ બનશે; માટે બાળકોને જાતે કામ કરતું બનાવવા ખાતર આપણે પણ જાતે કામ કરવું જોઈએ; અને તેમની ખાતર આપણે આપણું વર્તન, વાણી અને કામ સારાં રાખવા જોઈએ.
બાળકોને શેરીમાં હલકી સોબતમાં છૂટાં રખડવા દેવાં ન જોઈએ. શેરીનાં છોકરાંની હલકી રમતોમાંથી અને હલકા વાતાવરણમાંથી તેમને બચાવીને તેમને સારુ ઘરમાં સારાં સાધનો લાવી આપો. તેમને ઘરમાં આનંદ થાય એવાં જોઈતાં સાધનોની યાદી કરી આપશે. બાળક જે કરે તેમાં કોઈ જાતની તેને ઈજા ન થાય, અને કાંઈ અનીતિવાળું ન હોય તેવું બધું કરવા દેવું.
અમારી આ બાળશાળાનું ભણતર જરા નવીન જાતનું છે. અહીં બાળકને કદાચ એકદમ એકડા કે કક્કો નહિ આવડે, પણ તેઓ રમતમાં ને રમતમાં કક્કો તથા એકડા શીખી તો જશે જ. તેમને ‘શું શીખ્યાં ?’ એમ પણ તમારે પૂછવાની જરૂર નથી. પણ તેમને શું ગમે છે, તેમનું વલણ કેવું છે, તેઓ શું કરવા માગે છે, તે તમારે જોયા કરવું અને તેમને જોઈતી ચીજ કે સાધન આપવાં. તેઓ અહીં શું શીખે છે તે તમારે જોવું જાણવું હોય તો દર અઠવાડિયે એક વાર અહીં આંટો આવીને જોઈ જશો તો તમને ખરેખર ખાતરી થશે કે તમારું બાળક ધીમે ધીમે આગળ વધતું જાય છે.
બહેનો ! તમે બધાં મારા આમંત્રણથી તમારાં બાળકોના હિતની ખાતર તથા તેમના ઉપરના હેતથી અહીં આવ્યા છો, અને મારું કહેવું તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું છે, તેથી હું બહુ ખુશી થયો છું. હવે પછી બીજી કેટલીએક વાત કહેવા માટે હું તમને બોલાવીશ, તે વખતે તમે બધાં આવશો એવી આશા રાખું છું.
: ૨ :
બાળકોનો પહેરવેશ
પહેલવહેલું હવે તમારાં બાળકોનો પહેરવેશ કેવો રાખવો એ હું તમને કહીશ. આજકાલ ફેશનનું જોર બહુ વધી ગયું છે, તેથી આપણે અંગ્રેજોની નકલ કરીને તેમનો વેશ રાખીએ છીએ. પુરુષો કોટ, પાટલૂન, બૂટ, નેકટાઈ વગેરે પહેરતાં શીખ્યા છે અને સ્ત્રીઓ પોલકાં અને ફરાક પહેરવા લાગી છે. વળી અધૂરામાં પૂરું તેમનાં બાળકોને પણ ફેશનવાળાં પોલકાં અને ફરાકનો ઠઠારો કરે છે. પણ તેથી ઘણું નુકસાન થાય છે. આપણા દેશની હવાને એ પહેરવેશ જરાયે અનુકૂળ નથી. આપણો દેશ ગરમ છે, અને આજે ઉનાળામાં અત્યારે આપણે આટલાં જે કપડાં પહેર્યાં છે તેથી પણ ગરમી અને ઘામ થાય છે. વિલાયતમાં તો બારે માસ એટલી ઠંડી રહે છે કે તેઓ ચાર પાંચ વાનાં ઉપરાઉપરી પહેરે તોપણ તેમને હૂંફ વળતી નથી. માટે જેવો દેશ તેવો વેશ હોવો જોઈએ.
આપણે આપણાં બાળકોને ફરાક પહેરાવીએ તેથી એક મોટી અડચણ એ આવે છે કે તેઓ તે પોતાની મેળે પહેરી જ શકે નહિ, કેમ કે ફરાકનાં બટન પાછળ હોય છે. આથી જ્યારે તેને ફરાક પહેરવું હોય ત્યારે કોઈ તેમને મદદ કરે તો જ પહેરી શકાય. વળી આપણે કામમાં હોઈએ અને તેને ફરાક પહેરવું હોય તો તે આપણને પજવ્યા કરે છે. આપણને મોટાંને કોઈ આવો વેશ પહેરવાનું કહે કે જેમાં બીજાની મદદ જોઈએ, તો તે પહેરવેશ આપણને બિલકુલ પસંદ કરીશું નહિ; કેમ કે આપણે મોટાં સમજુ અને હા ના કહી શકીએ એવાં છીએ તેથી આપણને કોઈ એવો વેશ પહેરાવતું નથી. પણ બિચારાં બાળકો તો નાનાં છે, અજ્ઞાન છે; તેઓ પોતાની હા કે ના–ની મરજી પણ બતાવી શકતાં નથી; તેથી તેમને પરાધીન રહેવું પડે છે. તમે કામમાં હો ત્યારે તેને ધુતકારી કાઢો છો, પણ તે પોતાનું ફરાક પોતાની મેળે શી રીતે પહેરી શકે તેનો ખ્યાલ પણ કરતાં નથી. આ બધા પાપનું કારણ ખરાબ પહેરવેશ છે. માટે છોકરીઓને મોઢાં આગળ બટન આવે તેવું બદન કે ચોળી જોઈએ, અને છોકરાઓને માટે સાદું પહેરણ રાખવું જોઈએ.
ઉપરાંત ફરાકમાં ખીસાની સગવડ હોતી જ નથી, તેથી, કોઈ વાર તેને ચિઠ્ઠી આપીએ તે ક્યાં રાખવી તેની મહા મુશ્કેલી ! તેમ જ તેની સાથે રૂમાલ હોય છે, તેને રાખવાની પણ મુસીબત પડે છે. ચિઠ્ઠી કે રૂમાલ ખોવાઈ જશે એવી બીકથી તે કાંઈ કામ કરી શકતાં નથી; રૂમાલની ચિંતામાં ને ચિંતામાં તે કશી રમત રમી શકતાં નથી; કાંઈ ચીજ કે રમકડું પણ લઈ શકતાં નથી; અને પડીને ખોવાઈ જવાની બીકથી તેમને રૂમાલ તો હાથમાં ને હાથમાં રાખી મૂકવો પડે છે, અને તેમના હાથ આમ બંધાઈ રહે છે. આ બધું ફરાકનું પાપ છે. માટે આગળ કે પડખે ખીસું હોય એવું ઝબલું કે પહેરણ પહેરાવવું.
બીજું આપણામાં છોકરીઓ માટે સામાન્ય રીતે ઘાઘરીનો વેશ છે; પણ તેથી નાનાં છોકરાં સફાઈથી કે છૂટથી અને સગવડથી હાલી ચાલી શકતાં નથી. વળી ઓછામાં પૂરું હવે તો ઘાઘરીઓને ઢસરડાતી ઝાલરો કરાવાય છે, તેથી છોકરીઓને હરતાં ફરતાં તે પગમાં અટવાય છે અને તેઓ પડી જાય છે. પાણી લેવા જાય ત્યાં ઝૂલતી ઝાલરોવાળી ઘાઘરી પલળે છે, અને જ્યારે ત્યારે હરફર કરવામાં તે આડી આવીને વિઘ્નરૂપ થાય છે, અને એવી ઘાઘરીઓને લીધે છોકરીઓ છોકરાઓ જેટલી છૂટથી હરીફરી શકતી નથી. આપણે છોકરા અને છોકરીઓ બન્નેને સરખાં ગણવાં જોઈએ; તેમને બન્નેને સરખી છૂટ અને સરખી સગવડ હોવી જોઈએ. માટે છોકરીઓ દસ વર્ષની થાય ત્યાં સુધી તેમને પણ ચોરણી કે ચડ્ડી પહેરાવીએ તો જરાયે ખોટું નથી. એવી ચડ્ડી પહેરવાથી તેઓ છૂટથી હરીફરી શકશે.
વળી દાક્તર લોકોનો મત છે કે લૂગડાં તસોતસ પહેરાવવાથી બાળકનું શરીર વધી શકતું નથી, માટે તેમને જેમ બને તેમ ઢીલાં પડતાં કપડાં પહેરાવવાં, અને ઢસરડાય તેવાં નહિ પણ ટૂંકા પહેરાવવાં જોઈએ. છોકરીઓ ઢસરડાતી ઘાઘરીથી લાંબું પગલું ભરવા જાય તો જરૂર પડી જાય છે એવું અમે અનેક વાર જોયું છે. માટે તેમને ચડ્ડી કે ટૂંકી ચોરણીનો વેશ હવેથી રાખશો.
બાળકને માથા ઉપર ટોપી, બોશલો કે ચૂંદડી પણ પહેરાવવાની જરૂર નથી. તે તદ્દન નકામો ભાર છે. માટે ડાહ્યા લોકોએ તે છેક કાઢી નાખવું જોઈએ. વળી તેમને બૂટ કે મોજાં જોઈએ જ નહિ. ધારો કે આપણે એક ઝાડ વાવ્યું છે. તેનો નાનો છોડ જમીનમાંથી ઊગી નીકળ્યો અને તરત આપણે તેની આજુબાજુ અને માથે પાટિયાની મજબૂત વાડ જડી દઈએ તો પછી તે ઝાડ બિલકુલ વધી શકે જ નહિ. તેમ જ બાળકના પગ જોડાથી જોઈએ તેવા વધી શકતા નથી. ઊલટું જોડા પહેરવાથી તે એવા તો નાજુક ને નબળા બને છે કે બાળક છૂટથી હાલી ચાલી શકતું નથી; તેને કાંટા અને કાંકરા વાગવાની દહેશત કાયમ રહે છે. પગ તો આપણા શરીર આખાને ઉપાડનાર છે. શરીરને સાચવવાનું, શરીરની સેવા કરવાનું, શરીરનો ભાર ઉપાડવાનું કામ પગનું છે. તેને બદલે પગ ને જોડાથી મુલાયમ અને નાજુક બનાવી દેવાથી પગની સંભાળ વારંવાર શરીરે રાખવી પડે છે. રખેને કાંટો વાગી જશે, કદાચ દાઝી જશે, કદાચ ઠેસ વાગશે, એવી દરેક વખતે ચિંતા રાખીને જ ચાલવું અને સાચવવું પડે છે. માટે બાળકોને જોડાની ટેવ ન જોઈએ.
તમને અનુભવથી જણાયું હશે કે બાળકોને લૂગડાં પહેરવાનું જ ગમતું નથી. તેઓ લૂગડાંથી કાયર થાય છે અને પહેરતાં કંટાળે છે. તેનું કારણ એ છે કે પરમેશ્વરે જ તેમને લૂગડાં પહેરવાની જરૂર માની નથી. જ્યાં સુધી બાળક પ્રભુની નજીક હોય એટલે દુનિયાદારીની તેને ખબર ન હોય, ત્યાં સુધી તેને નાગું રહેવું, હવા લેવી, તડકો ખમવો, એવું જ ગમે છે. બાલશરીરનો ધર્મ જ એવો છે કે તેણે પરમેશ્વરની કુદરતનાં તત્ત્વોનો ખુલ્લે ડિલે છૂટથી ઉપભોગ લેવો. એ શરીરને લૂગડાંથી મઢી દઈએ અને જોડાથી ઢાંકી દઈએ તો તે વધી શકે જ નહિ. માટે છ સાત વરસ સુધી તેમને બહુ લૂગડાં પહેરાવવાની જરૂર નથી.
ઘણાં બાળકો અમારા બાલમંદિરમાં આવીને ચોરણી કાઢી નાખે છે. અમે સમજીએ છીએ કે તેમને તેની જરૂર નથી; માટે કાઢી નાખેલી ચોરણી તેને પરાણે પહેરાવવાનું જરા પણ દબાણ કર્યા વગર અને તે એક કોરે મૂકી દઈએ છીએ. બાળકને પોતાને તો નાગા રહેવામાં કાંઈ શરમ નથી. પણ શરમનો ખ્યાલ આપણને થવાથી તેમને લૂગડાં પહેરાવવા મહેનત કરીએ છીએ. આમ કરવાથી બાળકો નાનપણથી શરમાતાં શીખી જાય છે, તેમને તેમની નાની વયમાં શરમનું ભાન કરાવવાની જરૂર નથી. તેઓ જેવાં સ્વભાવથી નિર્દોષ હોય છે, તેવાં નિર્દોષ જેમ બને તેમ લાંબા વખત સુધી-મોટી વય સુધી રહે તેમ કરવું જોઈએ. એવું નિર્દોષ અને નિર્લજ્જ બાળપણ જેટલું લંબાશે તેટલી તેમના આયુષ્યની વૃદ્ધિ થશે, અને તેમની તંદુરસ્તી પણ તેટલા જ પ્રમાણમાં જરૂર વધશે. માટે તેમની નિર્દોષ હાલત ટકાવી રાખવા માટે લૂગડાં નહિ પહેરાવાં એ જરૂરનું છે.
છોકરાંઓના પોશાકના સંબંધમાં મારે બીજી વાત એ કહેવાની છે કે તેમનો પહેરવેશ કીમતી કપડાંનો ન હોવો જોઈએ. કીમતી પોશાકથી ફાયદો નથી. છોકરું તો પોશાકની કિંમત સમજતું નથી. તેને મન તો તે પણ લૂગડું જ છે. તેને કીમતી પોશાકની ચિંતા કરવાની પણ પરવા નથી. પણ તમે તેને કીમતી પોશાક જ્યારે પહેરાવો છો ત્યારે તમે એવું ઇચ્છો છો કે એ કીમતી લૂગડાં બગાડે નહિ માટે બાળક એક ને એક જ ઠેકાણે બેસી રહે. તે પોશાક મેલો કે ગંદો થવાનું તમને ગમતું નથી. પણ બાળકને એક જ ઠેકાણે ચૂપચાપ બેસી રહેવું ગમતું નથી, તેથી બાળક મૂંઝાય છે અને અકળાય છે. તેને તો માત્ર સ્વચ્છ, સાદાં અને ઋતુને યોગ્ય લૂગડાં પહેરાવવાં જોઈએ. ઉનાળામાં તેમને જાડાં લૂગડાંની જરૂર નથી પણ પાતળાં ને મલમલ જેવાં બારીક જોઈએ, અને જેમ બને તેમ સાદાં અને સ્વચ્છ જોઈએ. વળી કીમતી ચોળી કે ઓઢણી હોય તો તે વખતોવખત ધોઈ શકાય નહિ; તેથી તે મેલી થાય તો પણ પહેરવી પડે છે. આવાં મેલાં કપડાં કાંઈ કીમતી કહેવાય નહિ; તે સુંદર પણ લાગે નહિ. અને મથરાવટી પડેલી મેલી ગંદી ચૂંદડી ભલે રેશમી હોય, તો પણ તેમાંનો મેલ અને જંતુઓ બાળકોને માથામાં દરદ પેદા કરે છે, તેમની તંદુરસ્તીને બગાડે છે.
કેટલાંક બૈરાં પોતાનાં બાળકો બીજાની નજરે સુંદર અને સારા કીમતી પોશાકવાળો દેખાય એવું ઇચ્છીને તેમને કીમતી તેમ જ વધારે લૂગડાં પહેરાવે છે. પણ બીજાને રૂપાળાં દેખાડવા માટે આપણાં બાળકો નથી. માટે બાળકને લાયકનો, તેમને ફાવે તેવો, અને તેમને ઋતુએ ઋતુમાં શીજે તેવો વેશ રાખવો જોઈએ.
: ૩ :
બાળકોની સ્વચ્છતા
બીજી વાત બાળકોની સ્વચ્છતા વિષે મારે તમને કહેવાની છે. આપણો દેશ આજે દંભી થઈ ગયો છે. તમારે કોઈ વાર નાતમાં જમવા જવું હોય, બહેનપણીને મળવા જવું હોય, બાલમંદિરની મુલાકાતે આવવું હોય કે સભામાં ભાષણ સાંભળવા માટે જવું હોય ત્યારે તમે બધાં સાફ થઈને આવો છો અને જો એટલી ટેવ છે તો તે તમારા પૂરતી જ છે, બીજાને માટે નહિ. પણ સ્વચ્છતાનો સવાલ તો હંમેશ માટેનો અને હરઘડીનો છે. પરમેશ્વરે આપેલા શરીરને આપણે હંમેશાં સાફ રાખીએ નહિ તો આપણે તેના ગુન્હેગાર થઈએ છીએ. બાળકને કાયમ સાફસૂફ રાખવામાં આપણો ધર્મ તેમ જ સ્વાર્થ બંને છે. તેને જો સ્વચ્છ ન રાખીએ તો તે માંદું પડે; તેને સ્વચ્છ રાખવાથી નીરોગી રહે એમાં આપણો જ સ્વાર્થ છે, એ વાત તો તમને સમજાવવાની પણ જરૂર નથી. પણ કેવી કેવી તરેહની સ્વચ્છતા રાખવી જોઈએ તે હું તમને કહ્યું :
સ્વચ્છતા એટલે ઘણા દહાડાથી નહિ ધોયેલા માથામાં તેલ નાખીને ઓળીને માત્ર વાળ ઠાવકા કરવા તે નહિ; નખમાં મેલ ભર્યો હોય અને હાથ સાબુથી ધોવા તે નહિ: કાનમાં, આંખમાં, નાકમાં મેલ ને ચીપડાં રહી જાય અને સાબુ-પાઉડરથી મોઢું ધોયું કહેવાય તે પણ સ્વચ્છતા નથી. તમે કાળજીથી જોશો તો તમને માલમ પડશે કે એવી જાતની અસ્વચ્છતા બાળકોમાં ઘણી રહે છે. કાનમાં મેલ રહેવાથી બાળકોના કાન વહેવા લાગે છે, અને તે બહેરાં બની જાય છે. આજકાલ કાનમાં પરુ વહે એવાં ઘણાં બાળકો જોવામાં આવે છે. આંખમાં ચીપડા રહી જાય તો ખીલ ને ફૂલાં પડે છે. માટે આંખ, કાન, નાક, નખ, મોટું, દાંત એ બધું દરરોજ બરાબર તપાસીને બાળકને સ્વચ્છ કરવું. નહિ તો ઉપર ઉપરથી તમે બાળકનું મોઢું ધોશો તો અંદર ઘણો મેલ રહી જશે. માટે દરેક અવયવ, દરેક અંગ બરાબર સાફ રાખતાં શીખો. તેમ કરવાથી તેમની તંદુરસ્તી ઘણી સુધરી જશે. બાળકોને આવી રીતે સ્વચ્છ રહેવાની ટેવ પાડી દેવાની જરૂર છે. તમે તમારા ઘરમાં અરીસો રાખીને તેમને આંખ, કાન, નાક, દાંત વગેરેમાં જે મેલ હોય તે બતાવો તો તેઓ પછી જ્યારે જ્યારે જ્યાં જ્યાં મેલ દેખશે ત્યાંથી તરત જ કાઢી નાખવા અને સાફ રહેવા ટેવાઈ જશે. અમારા બાલમંદિરમાં અમે અરીસા, કાંસકીઓ, પાણીનાં કૂંડાં અને ટુવાલો એ બધું બાળકો પોતાની મેળે વાપરી શકે તેમ રાખીએ છીએ; અને તેઓ ત્યાં હોંશે હોંશે તેનો ઉપયોગ કરીને પોતાની મેળે જ સાફ થાય છે. તમે જો બાલમંદિર જોવા સારુ આવ્યાં હશો તો તે નજરે જ જોયું હશે.
પણ આપણે તો આવું માની બેઠાં છીએ કે છોકરાં તો વાડે જ વધે. તેમનાં લૂગડાં મેલાં ને ગંદાં જ હોય, તેમનાં ગોડદાં ગંધાતાં ને મૂતરવાળાં જ હોય; તેમણે વળી દાતણ શું કરવું ? અને તેઓ નાહવામાં પણ શું સમજે ? તેમને વાળ ઓળવાનું કે નવરાવીને ચાંદલો કરવાનું કામ તો આપણે અઠવાડિયે પખવાડિયે ફુરસદ આવે ત્યારે વાર પૂછીને કરીએ છીએ. જો આવું ખરેખર હોય તો ભારે મોટો ગુન્હો કર્યા બરાબર છે. આપણે દરરોજ ઘરનાં વાસણ માંજીએ, બેડાં ઊટકીએ, સંજવારી કાઢીએ, વસ્તુઓ કે ફરનીચરને ઝાપટી સાફ કરીએ, કબાટો ને પટારા ઝાટકીને ધૂળ ઉડાડી દઈએ, ગોળા પણ સાફ કરીએ, એ બધું કરીએ; પણ બાળકો તો ગમે તેવાં અસ્વચ્છ જ આથડ્યા કરે. તેમની દરકાર શી ? તમે ઘરનું રાચરચીલું બધું સાફ રાખો અને બાળકને ગંદું મેલું રાખો એમાં તમને કાંઈ લાગતું જ નથી ? જ્યારે ઘરની નિર્જીવ વસ્તુને તમે સાફસૂફ રાખો છો, ત્યારે તમારા ઘરની જીવતી જાગતી વસ્તુ મેલી ને ગંદી ફરે છે તેનો ખ્યાલ છે ? બાળકો ગંદાં રહે અને ઘરની વસ્તુ ઠીક ઠાવકી રાખીએ એમાં ખૂબી શી ? અમારાં બાલમંદિરોમાં જે બાળકો શરીરે ઓઘરાળાવાળાં આવે, જેમના નખ વધીને તેમાં મેલ ભરાયા હોય, જેમને માથે વાળનાં ઝટિયાં હોય, જેમનાં આંખ, કાન, નાકમાં ચીપડાં અને મેલ હોય, તેવાં બાળકો ઉપરથી અમે તેમનાં માબાપોની કિંમત કરીએ છીએ. જે સ્ત્રીઓ પંડે ટાપટીપ કરીને ચાલી જતી હોય, પણ પછવાડે જેમનાં છોકરાં મેલાં, ગંદાં, છેડો ઝાલીને ચાલતાં દેખાય તેવી સ્ત્રીઓ કેવી લાગે ?
છોકરાં તો રખડુ જ હોય, ધૂળમાં રમનારા જ હોય, ગંદાં જ હોય, હાથ લૂગડાં બગાડી નાખે એવાં જ હોય, એમ માનીને તમે તેમને અસ્વચ્છ રાખો છો; પણ તેમને સ્વચ્છ રહેવાની એક વાર ટેવ પાડી જુઓ, તો તમને જણાશે કે તેઓ કાયમ સ્વચ્છ જ રહેવા માગે છે. બે ચાર બાબતો તમારે ખાસ સંભાળથી કરવાની જરૂર છે. બાળક જમવા બેસે ત્યારે જરૂર તેનો હાથ ધોવરાવવો. દરેક ચીજ ઝાલવા માટે હાથનો જ ઉપયોગ થાય છે, અને જુદે જુદે ઠેકાણે હાથ અડવાથી તેને મેલ કે ઝેર ચોંટી જાય છે; અને એવા ને એવા હાથથી બાળક જમવાનો મહાવરો રાખે તો લાંબે વખતે તેનું લોહી બગડે છે. માટે હાથ તો જરૂર ધોવાનો રિવાજ રાખીને જ પછી બાળકને જમવા માટે બેસાડવું.
બાળકના કાન હંમેશાં તપાસતાં રહો અને સાફ કરો, તથા બે ચાર દિવસે તેમાં તેલનું ટીપું નાખો. તેમને માથે વાળ ૨ખાવો નહિ, અને રખાવો તો દર અઠવાડિયે સારી રીતે નવરાવીને વાળમાંથી ખોડો ને મેલ દૂર કરો. આંખો પણ હંમેશાં તપાસીને પાંપણોમાં ચીપડા ભરાઈ ન રહે તેની દરકાર રાખો. નાની નાની છોકરીઓનાં નાક વીંધાવો નહિ. નાક વીંધીને તેમાં વાળી પહેરાવવાથી તેનું નાક બરાબર સાફ થઈ શકતું નથી. માટે વીંધ્યું હોય તો ફક્ત સળી રાખો, પણ વાળી તો કદી પણ ન પહેરાવો. વાળીથી ઘણી છોકરીઓ હેરાન થાય છે, તેમના નાકમાં કચરો ભરાઈ રહે છે અને મહેનત કરતાં પણ નીકળતો નથી એવું અમે નજરે જોયું છે.
છોકરાંના નખમાં પણ મેલ-ધૂળ ભરાઈ રહે છે, માટે દર અઠવાડિયે વધેલા નખ ઉતરાવો; નહિ તો તે મેલ દાળ અને દૂધ જેવા પ્રવાહી પદાર્થો ખાતી વખતે પેટમાં જાય છે. નખમાંથી એવા મેલનો લોંદો કાઢીને તમારા ભાણામાં કોઈ નાખે તો તમે તે ખાઓ ખરાં કે ? તમારા બાળકને પણ એવો મેલનો લોંદો તમે ખાવા ન જ દો એમ મને ખાતરી છે. તો પછી તમે એવા વધેલા નખ જરૂર ઉતારતાં રહેશો એમ આશા રાખું છું.
: ૪ :
બાળકને મારવું નહિ
હવે એક અગત્યની વાત મારે તમને કહેવાની છે. તે એ કે બાળકને કદી પણ મારો નહિ. તમને લાગતું હશે કે માર વગર તો ચાલે જ કેમ ? છોકરાં વારે વારે માથું ખાઈ જાય, કવરાવી મૂકે, તોફાન કરે, તેમને વળી માર્યા વગર કેમ ચાલે ? પણ હું કહું છું કે અમારા બાલમંદિરમાં આવીને જોઈ જાઓ. અમે તેમને બિલકુલ મારતાં નથી; અને પચાસ જેટલાં છોકરા છોકરીઓ છે તે બધાં અમારું કહ્યું કરે છે. તેઓ અમને ભૂલતાં નથી; તેમને ઘેર જાય છે ત્યાં પણ તેમને અમારાં સ્વપ્નો આવે છે. તે માટે અમારી પાસે કાંઈ જાદુ નથી, કાંઈ મંતરજંતર નથી, કાંઈ ઈલમ લગાડી દીધો નથી; પણ તેનું કારણ અમે કદી મારતાં નથી તે જ છે.
બાળકો તો પ્રભુને ઘેરથી આવેલા નાના દેવો છે. તમે જાણો છો કે બાળક માટે તો આપણે પથ્થર એટલા પ્રભુ કરીએ છીએ. બાળકો ઘરનું ઘરેણું છે, બાળકો ધનનો અમૂલ્ય ખજાનો છે, બાળકો દેશનું જવાહીર છે. એવાં મોંઘાં બાળકોને મારવાનું શું તમે પસંદ કરશો ? પ્રભુએ પ્રેમથી આપેલાં બાળકોને મારતાં તમારે ડરવું જોઈએ કે તેમને મારવાથી બાળક ખોઈ બેસશું. બાળકને ખાતર તમે પ્રથમ તો મોટી મોટી માનતાઓ કરો છો; પણ બાળક સાંપડ્યા પછી એ બધું ભૂલી જઈને બાળકને મારવું માત્ર ભૂલતાં નથી !
હું જાણું છું કે મારવાની તમને કાંઈ હોંશ થતી નથી; તેમ જ કોઈ શાસ્ત્રમાં બાળકને મારવાથી પુણ્ય થવાનું પણ લખેલું નથી, કે તેવા પુણ્યને માટે તમે મારતાં હો ! પણ ઘણી વાર તમે કંટાળી જાઓ છો તેથી તેમને મારો છો. કેટલાંક કોઈ બીજાની દાઝે બાળકને મારે છે, અને રીસ ઉતારે છે; કેટલાંક પોતાની આળસે શરીર ન ચાલે માટે મારે છે; કેટલાંક ઘડી ઘડીમાં મિજાજ ખોઈ બેસે છે તેથી મારે છે. પોતે મજામાં રહેવાની મરજીને લીધે અને પોતાની નિર્બળતાને લીધે પણ કેટલાંક બાળકોને મારે છે. બાળકો કંઈ કંઈ માગીને તકલીફ આપે તે લાવવાના ભારથી અને તે જમવા માગે, રમવા માગે, પાણી માગે વગેરે અનેક જોઈતી ચીજ માગે ત્યારે પોતાને કામ કરવું ગમે નહિ અને બાળકનું જોઈતું પરાણે કરવું પડે, માટે તેને મારે છે.
પણ બધાં માણસો બાળકને મારવામાં મોટી ભૂલ કરે છે. કેટલીક વાર બાળકની હઠ ગણીને, ભણવા નહિ જવા માટે, તે કાંઈ માગે ત્યારે આપણે ગુસ્સે થઈને તેને મારીએ છીએ. પણ આપણે સમજતાં નથી કે બાળકને તેની મરજી મુજબ કરવાની ઇચ્છા હોય છે; તેને પણ જીવ છે અને તેને પણ ઇચ્છા છે ! તે કદી પણ મારથી સુધરતું નથી. અમે બાલમંદિરમાં આવતાં કેટલાંક બાળકોને પૂછીએ છીએ કે “તમને તમારી બા મારે છે ?” ત્યારે જેમને તેમની માતાઓ મારે છે તેઓ તો શિયાવિયા થઈ જાય છે. કેટલાંક તો કહે છે કે “અમારી બાને કહેશો મા, નહિ તો અમને વધારે મારશે.” આવાં બાળકો મોટાં થઈ પરણીને જુદાં થાય, ત્યાર પછી તેમને માબાપ ઉપર શાનું હેત રહે ? આવી સ્થિતિ ઘણે ઠેકાણે જોવામાં આવે છે તેનું એ જ કારણ હોય છે. માટે કોઈ પણ કારણસર, ગમે તેવો બાળકનો વાંક જણાય તોપણ, લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય તોપણ, બાળકને મારવું નહિ.
મારવાનું કામ તો કસાઈનું છે, ઘાતકીનું છે. મારવાથી તો પરમેશ્વર આપણા હાથ પગ કાપી નાખશે. બાળક તો ગરીબ અને નિર્બળ છે, તેનામાં તાકાત નથી, બુદ્ધિ નથી; તે તો મારશો તો પણ માર સાંખીને ડૂસકાં ભરતું ભરતું પાછું તમારા જ ખોળામાં આવીને બેસશે. તે બિચારું બીજે ક્યાં જાય ? હું જાણું છું કે બાળકને માર્યા પછી પાછળથી તમે જ પાછાં પસ્તાવો કરો છો. તે તમારું માગી આણેલું તમને મળ્યું છે; પ્રભુને ઘેરથી સાંપડેલું છે. માટે તેને કદી પણ મારવાની જરૂર નથી. મારથી સુધરવાને બદલે તેઓ ઊલટાં બગડી જાય છે. મારથી ટેવાયેલાં બાળકો રાંકડાં, રોઈ પડે એવાં, ગરીબડાં, નમાલાં અને પોતાની માની વાત યાદ આવે ત્યારે કોઈ રાક્ષસીની વાત સાંભરતાં બ્હી મરે એવાં થઈ જાય છે.
અમે દુનિયામાં અને પુસ્તકોમાં તો ઘણું એવું સાંભળીએ. છીએ અને વાંચીએ છીએ કે માતાના પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ નથી. તો પછી તમે તમારા બાળકને મારો છો એવો જ્યારે અમને અનુભવ થાય, ત્યારે તેમાં તમારું કેટલું ગૌરવ અમારે ગણવું ?
જેમ નબળો માટી બૈરી પર શૂરો, અને મિયાંભાઈ નબળા તો ગુસ્સા બોત, તેમ તમારામાં ગુસ્સો–ક્રોધ છે; એ તમારી નબળાઈ છે. ઘરમાં કદાચ જો ચીમની ફૂટી, ખીચડી દાઝી ગઈ કે કોઈ ચીજ ખોવાઈ ગઈ ને હાથ ન લાગે, તો જેવું એ બાળક હાથમાં આવે કે તરત જ માર પડે ! પણ તમારી નબળાઈ અને તમારી બેદરકારીના બદલામાં તમે છોકરાંને મારો છો. તમે છોકરાંને મારશો, તો તે મોટાં થઈને તેમનાં છોકરાંને મારશે; અને એમ દુનિયામાં મારની પરંપરા ચાલશે તેનું પાપ તમને લાગશે. એક વાર પણ બાળકને માર્યાથી તમારી પાંચ પચીશ એકાદશીના ઉપવાસનું પુણ્ય નાશ પામશે.
મારથી હિંસા થાય છે. બાળક નિસાસા મૂકે છે અને બાળકના નિસાસા તો ઘરને બાળી નાખવા સમર્થ છે. માટે બાળકની આંતરડી કદી પણ દૂભવવી નહિ. તેમના નિસાસા અત્યંત ભૂંડા છે. મને એક શાસ્ત્ર જડી ગયું છે અને મને ખબર પડી છે કે જેમને પુત્રો જોઈતા હોય તેમણે કદી પણ છોકરાંને મારવાં નહિ; કાયમ સૌભાગ્ય જોઈતું હોય તો તેમને મારવાં નહિ. દાન કરવાથી, તપ કરવાથી, ઉપવાસ કરવાથી, વ્રત કરવાથી, જાત્રા કરવાથી : એ બધાથી પુણ્ય મળે છે એમ તો તમે જાણો છો; તેવી જ રીતે જો કદાચ છોકરાંને મારવાનો ગુસ્સો ચડી જાય તો તેને અટકાવવાને તપ કરો, તો તે તપ ઘણું મોટું છે. ગુસ્સાને અટકાવવાના તપથી એટલું તો મોટું પુણ્ય થાય છે કે એ પુણ્યથી તમને દીકરા દીકરી અને ધણીનો અમરપટો ધનવૈભવ એ બધું પ્રાપ્ત થાય. માટે આપણા ઘરમાં આવેલ એ નાના દેવોને કદી પણ દૂભવો નહિ. તમે મને પૂછશો કે તમારે છોકરાં છે તેનું ઘરમાં શું થાય છે? તો હું તમને કહું છું કે મારા ઘરમાં મારની વાત તદ્દન બંધ કરી દીધી છે. હું તો કદી મારું જ નહિ; પણ મેં મારા ઘરમાં પણ એવી જ સૂચના આપી દીધી છે અને તે અમલમાં આવે છે. મને પણ ગુસ્સો ચડી જતો, હાથ ઊપડી જતો; પણ તે અટકાવવા માટે ભારે તપ કરવું પડ્યું છે. આજથી નિયમ લો કે જ્યારે ગુસ્સો ચડે કે બાળકને હાથ અડકાડી જવાય તો ઉપવાસ કરવો. એમ કરવાથી તમારી ગુસ્સાની ટેવ કે મારવાની મરજી નાબૂદ થઈ જશે.