શ્રીમંતોને
હું આ લેખ ખાસ કરીને શ્રીમંતો માટે લખું છું. છતાં એનો અર્થ એવો નથી કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના માણસો આનો લાભ ન જ લઈ શકે. આ લેખ શ્રીમંતોને માટે એટલા માટે છે કે આમાં કરેલી સૂચનાઓનો મોટે ભાગે શ્રીમંતોથી જ અમલ થઈ શકે તેવું છે.
અત્યારે આપણા દેશમાં એવી પરિસ્થિતિ છે કે શ્રીમંતો પોતાનાં નાનાં બાળકોને આયા, નોકર, કમ્પેનિયન કે શિક્ષકની સંભાળ નીચે મૂકી દઈ પોતાની ફરજ અદા કરતાં હોય એમ માને છે. આયા, નોકર વગેરે પોતાને સોંપાયેલ બાળકોને શેઠે વસાવેલા સુંદર આવાસમાં આલમારી પર મુકાયેલાં સુંદર અને કીમતી રમકડાં બતાવવામાં, બાળકને ગમે તે રીતે પ્રસન્ન રાખવામાં, બાળકને પોતે સ્વીકારેલી નીતિ રીતિ વગેરેમાં બરાબર તૈયાર કરવામાં અને શેઠની પાસે શેઠનાં બાળકોને સુંદર પૂતળાં જેવાં કરી બતાવવામાં પોતાની નોકરી બજાવતાં હોય તેમ સમજે છે.
માતાપિતાઓ કમાણીની કે એશઆરામની પ્રવૃત્તિમાં રોકાયેલાં હોવાથી બાળકોનું આયા કે નોકરોને હાથે શું થાય છે તેનો ભાગ્યે જ વિચાર કરે છે; અને આયા વગેરેને બાળકના શિક્ષણનો વિચાર સરખો હોતો નથી તેથી તેમના મનમાં બાળકના સંબંધે કાંઈ ઊંચા વિચાર આવવાપણું છે જ નહિ.
મોટે ભાગે માબાપ અને નોકરચાકર બંને વર્ગ એક જ વાત સમજે છે કે બાળકો જીવતાં રહે તો સારું, જીવે ત્યાં સુધી નસીબ સારાં હોય અને તંદુરસ્ત રહે તો સારું; અને કોઈને ઉપાધિ કરાવ્યા વિના લૂગડેલત્તે તથા ઘરેણાંથી લદાયેલાં ઘરનાં પૂતળાં થઈને રહે તો એના જેવું એકેય નહિ !
શ્રીમંતોનાં બાળકો નોકરચાકરને પોતાનો ગુસ્સો વગેરે દુર્ગુણો બતાવવાનાં અને માબાપોને પોતાનો અવકાશ હોય ત્યારે બે ઘડી વિનોદ કરવાનાં રમકડાં છે, એવું સહજ બની ગયું છે. ઘરમાં પણ એવું માણસ ભાગ્યે જ હોય છે કે જેનામાં શેઠના ઘોડાના ખાસદારને જેટલું ઘોડાની તાસીર અને માવજતનું જ્ઞાન હોય છે તેટલું જ બાળકની તાસીર અને માવજતનું જ્ઞાન હોય; જેટલું શેઠના પોપટને સાચવનાર નોકરને પોપટની પ્રકૃતિ અને ખોરાકનું જ્ઞાન હોય છે તેટલું બાળકની પ્રકૃતિ અને ખોરાકનું જ્ઞાન હોય; અને જેટલું શેઠના બાગના માળીને બાગના છોડની સાચવણના નિયમોનું જ્ઞાન હોય છે તેટલું બાળછોડને ઉછેરવાનું જ્ઞાન હોય ! શેઠ પોતાની પેઢીમાં નોકર રાખવામાં નોકર લાયક છે કે નહિ તેની તજવીજ કરે છે; શેઠાણી રસોયા માટે પણ તેવી જ તજવીજ કરે છે. પણ બાળકને માટે આયા કે નોકર રાખવામાં તો એટલી જ તજવીજ કરવાની કે તે બાળકનાં લૂગડાં ઘરેણાંના લોભથી બાળકને ઈજા કરે તેવાં નથી કે બહુ બહુ તો બાળકને રેઢું મૂકી દઈ જ્યાં ત્યાં ભમે તેવાં નથી ! બેશક એક ગુણ તો આયામાં કે નોકરમાં હોવો જ જોઈએ, અને તે ન હોય તો તેને નોકરી મળે જ નહિ–તે ગુણ એ કે નોકર પાસે એવી કળા હોવી જોઈએ કે નોકર પોતાને સોંપાયેલ બાળકને એક સુંદર ગુલામ બનાવી શકે. ગુલામ તે છે કે જેના જીવતરનો આધાર બીજાના ઉપર છે. અપંગ તે છે કે જે પોતાની મેળે પોતાનું કામ કરવાને શક્તિમાન નથી. શ્રીમંતોનાં બાળકોના જીવતરનો આધાર તેમને ‘હા ભાઈ’ કહીને રાજી રાખનાર નોકરી પર જ છે. જેમ જેમ નોકરો બાળકને અનુકૂળ વર્તતા જાય છે તેમ તેમ બાળક ગુલામ બનતું જાય છે. બાળક પરવશ થતું જાય છે. બાળકને ફરવા જવું હોય તો તેને નોકર વિના ચાલે જ નહિ; બાળકને પાણી પીવું હોય તો નોકર વિના ચાલે જ નહિ; અને જો બાળક પાસે નોકર ન હોય તો બાળકને પાણી પીધા વિના અને ફરવા ગયા વિના ચલાવી લેવું જ પડે. આ તેની પૂરેપૂરી પરાધીનતા, આ તેની ગુલામી. એક માણસને બદલે બીજો માણસ જેટલું કામ કરે છે. તેટલા પ્રમાણમાં પહેલો માણસ બીજાનો ગુલામ છે. એક રાજા જે પોતાના દરજ્જાને લીધે પોતાનાં મોજાં જાતે કાઢી શકતો નથી તેમાં અને એક અપંગ જેને પોતાનાં મોજાં કાઢવાની શક્તિ નથી તેમાં કશો ફેર નથી. એક મનથી પરાધીન છે. બીજો શરીરથી પરાધીન છે; એક મનનો અપંગ છે, બીજો હાથનો અપંગ છે. આ જ રીતે જે બાળકોનું બધું કામ નોકરચાકરો ઉઠાવ્યા કરે છે તે બાળકો મનથી ને શરીરથી પરાધીન છે, અપંગ છે, ગુલામ છે.
આયા કે નોકરોના પરાધીનપણામાંથી કંઈક કંઈક મુક્ત થઈ ભણવા યોગ્ય ઉંમરનાં જે બાળકો ગણાવા લાગે છે, તેમના ઉપર વળી બીજી રાજસત્તા શરૂ થાય છે. બાળકોને સંપૂર્ણ ગુલામ બનાવવાની એ રીતો બરાબર આયા કે નોકરની રીતોના અનુસંધાનમાં બંધબેસતી છે. આ રીતો તે શિક્ષકો રાખી બાળકોને ભણાવવાની છે. અત્યારે ‘માસ્તર’ને રાખવો એ એક ફેશનશોભા થઈ પડી છે. પણ કોઈએ વિચાર કર્યો છે કે શા માટે બાળકને માટે માસ્તર રાખવો ? માબાપ તો માસ્તર રાખી શકે છે એટલે આનંદ માને છે, અને ધીરે ધીરે બાળક કંઈ શીખતું જાય છે એ જોઈ સંતોષ પામે છે. દુકાનનો મે’તાજી રાખવામાં, ભટ રાખવામાં, બાગવાન રાખવામાં નોકરની યોગ્યતાનો વિચાર કરવો જ પડે. માસ્તર રાખવામાં વિચાર શા માટે જોઈએ ? માસ્તર એટલે ભણાવનાર અને કંઈક ભણેલો, અને વધારામાં કોઈ એકાદ નિશાળનો માસ્તર હોય તો બસ થયું. માસ્તરની યોગ્યતા જ માસ્તર કહેવડાવવામાં, બાળકને પાસે બોલાવવામાં અને પોતે જેમ શીખ્યા હતા તેમ ગમે તે રીતે શીખવી દેવામાં આવી જાય છે. આથી વધારે યોગ્યતા કોણ માગે છે ? બાળકને તે શું શીખવે છે અને શું નથી શીખવતો તેની વાત કોણ પૂછે છે ? બાળકને કક્કા ને આંક આવડે છે એ ઘણુંબધું છે એમ સૌ માને છે. પરંતુ બાળકના વિકાસ ઉપર પાણી ફરી ગયું, બાળકમાં જે ખીલવાની શક્તિ અને ઉત્સાહ હતો તે દબાઈ ગયાં, બાળકનું વ્યક્તિત્વ મરી જઈ તે યંત્ર બની ગયું, તેનો વિચાર કોઈ કરતું નથી. આ દશા બાળકોની છે. આ દશામાંથી તેઓને છોડાવવા માટે માબાપોએ શું કરવું જોઈએ, તેના થોડાએક વિચારો હું આ સ્થળે આપીશ. આ વિચાર એકલા પુસ્તકિયા નથી પરંતુ તે અનુભવમાંથી જન્મ્યા છે એમ પ્રથમથી જણાવવું જોઈએ. આ વિચારો સૂચના રૂપે છે અને તે નિશાળે ન જતાં પણ ઘરમાં જ રહેતાં ૩ થી ૬–૭ વર્ષની ઉંમરનાં બાળકો માટે છે.
: ૧ :
મારી પહેલી સૂચના એ છે કે બાળકોને નોકરોની ગુલામીમાંથી મુક્ત કરવાં; એટલે કે બાળકોને માટે નોકરો રાખો નહિ, પણ બાળકોના વિકાસમાં જરૂર પડે ત્યારે તેમને મદદ કરે તે માટે નોકરો રાખો. બાળકોને માબાપો જાતે આખો દહાડો સંભાળી શકે નહિ માટે નોકરો ભલે રખાય, પણ નોકરે શું કરવાનું છે અને શું નથી કરવાનું તે તેને સમજાવી દેવું જોઈએ. નોકર ખાસ વિદ્વાન કે કાબેલ હોવાની જરૂર નથી, પણ તેને બરોબર ઠસી જવું જોઈએ કે તેનાથી અમુક બાબતો થઈ જ શકે નહિ. જે બાબતો નોકરોથી ન થઈ શકે અથવા તો જે બાબતો નોકરે કરવી નહિ તે નીચે પ્રમાણે ગણાવી શકાય ?
૧. નોકરથી બાળકને મરાય નહિ.
૨. નોકરથી બાળકને ધમકી અપાય નહિ.
૩. નોકરથી બાળક સાંભળે તે રીતે હલકી ભાષા બોલાય નહિ.
૪. નોકરથી બાળકને અપમાન ભરેલા શબ્દોથી બોલાવાય નહિ.
૫. નોકરથી બાળકની ખોટી અર્થ વિનાની ખુશામત કરાય નહિ.
૬. બાળક પોતાની જાતે જે કરવા માગે તે કરવામાં તેને મદદ ન થાય નહિ, કે તેમ કરવામાં વાંધો નખાય નહિ.
૭. બાળકને પોતાની નજરવેગે રમતું મૂકી દઈ બાળક જે રમે તે રમવા દેવામાં આડે અવાય નહિ.
૮. ઉતાવળને લીધે કે બાળકને બરાબર ન આવડે તે માટે કે કંઈ ભાંગી ફૂટી જશે માટે અથવા બાળકનાં કપડાં કે શરીર બગડશે તે માટે બાળક જે કરે તેને બદલે કરવા મંડાય નહિ.
૯. શ્રીમંતનાં બાળકો આમ જ રમે, રમકડે જ રમે અને મારાથી રમે નહિ, એમ માની બેસાય નહિ. બાળકો રમતમાં પાપ ન કરતાં હોય અથવા પોતાનાં શરીરને મોટી ઈજા થઈ જાય તેવી રમત ન રમતાં હોય, તો પછી ગમે તે મનગમતી રમત રમે તેમાં આડે અવાય નહિ.
: ૨ :
મારી બીજી સૂચના એ છે કે બાળકોને ગમે તેવા શિક્ષકોના હાથ તળે મૂકી દેવાં નહિ. નાનાં બાળકોને ટ્યૂશનની જરૂર નથી, છતાં ટયૂશન આપવાની ઇચ્છાને રોકી શકાય નહિ તો જે શિક્ષક બાળકના શિક્ષણમાં કંઈક સમજતો હોય, તેને જ રાખવો. તે શિક્ષકમાં આટલા ગુણ તો હોવી જ જોઈએ :
૧. ચાકરમાં જેટલા ગુણો જોઈએ તેટલા બધાય ગુણો.
૨. બાળકને જે શીખવવું હોય તે ફરજિયાત રૂપે નહિ પણ મરજિયાત રૂપે શીખવવાની વૃત્તિ.
૩. ખુશામતિયો નહિ પણ ધીરજવાળો સ્વભાવ.
૪. શેઠને ખુશી કરવા માટે નહિ પણ બાળકને ખુશી રાખવા બાળકનો વિકાસ કરવા તેને રોકવામાં આવેલો છે, તેવો વિચાર.
૫. બાળકને પોતાનાથી લાભ ન થતો હોય તો નોકરી છોડી દેવાની ઇચ્છા.
સામાન્ય રીતે આવા ગુણવાળા શિક્ષકો ભાગ્યે જ મળી આવે છે. આથી જ શિક્ષકો વિના બાળકોને શીખવા દેવાં એ સલાહભરેલું છે. એમ કરતાં બાળકો ઓછું શીખશે તોપણ ફિકર નહિ, કારણ કે તેના વિકાસનો – તેનો આત્માનો તો નાશ થશે જ નહિ.
: ૩ :
નાનાં બાળકો પોતાની મેળે જ પોતાની ઉંમરના પ્રમાણમાં જ્ઞાન મેળવી શકે તે માટે કેટલીએક સુંદર અને વ્યવહારુ યોજનાઓ છે. તે યોજનાઓ જો બરાબર કાળજીથી અમલમાં મૂકવામાં આવે તો જરૂર, શિક્ષક કે નોકરની મદદ વિના પણ બાળક બધું શીખી જાય. એટલું બધું હોશિયાર થઈ જાય કે પરિણામ જોતાં આપણે તાજુબ જ થઈ જઈએ.
આ યોજનાઓમાંની એક યોજના હું આ સ્થળે જણાવીશ. આ યોજનાનો જો અમલ કરવામાં આવે તો બાળક આનંદી, તંદુરસ્ત અને સ્વતંત્ર થાય; બાળક માતા, પિતા કે નોકરચાકરોની પરાધીનતામાંથી છૂટે; બાળક પોતાની ઇન્દ્રિયો જાતે જ ખીલવી પોતાના મન અને આત્માનો અનેકવિધ વિકાસ સાધી શકે.
આ યોજનાની વિગતો નીચે પ્રમાણે છે.
બાળકો માટેનો ઓરડો
શ્રીમંતોના બંગલાઓમાં પણ બાળકોને માટે એકાદ જુદો ઓરડો રાખવામાં આવતો નથી. આખો બંગલો અને તેમાં વસાવેલું ફરનીચર વગેરે એવા પ્રકારનાં હોય છે કે તેમાંથી બાળકોને માટે કંઈ પણ ન હોય. ઘરમાં બધુંય મોટી ઉમરનાં માણસો માટે જ હોય છે. બાળકોને માટે માત્ર સારાં સારાં રમકડાં હોય છે. આ રમકડાં મોટે ભાગે તો કબાટમાં કે અલમારી ઉપર જ હોય છે. પણ કદાચ તે બાળકોને માટે નીચે હોય છે, તો તે એટલી બધી કાળજીથી વાપરવાનાં હોય છે કે બાળકો તેમાંથી કંઈ શીખી શકે જ નહિ. જોકે રમકડાં બાળકોને બહુ થોડાં ગમે છે; તેમાંથી બાળકો આનંદ લઈ શકતાં નથી; થોડા જ વખતમાં બાળકો તેનાથી કંટાળી જઈ તેને ફેંકી દે છે, અથવા તેની અંદર શું છે તે જાણવા માટે તે તોડી નાખે છે. બાળકોની આવી સ્થિતિ છે માટે પ્રથમ તો તેને એકાદ અલાયદો ઓરડો મળવો જોઈએ. એ ઓરડામાં તમામ વસ્તુઓ બાળકની ઉંમરને જોઈએ તેવી હોય. આ ઓરડાનું વર્ણન આવું આપી શકાય :
૧. એક બહુ મોટો નહિ અને બહુ નાનો નહિ એવો ઓરડો.
૨. ઓરડાની દીવાલો ભૂરા અથવા ઝાંખા લીલા રંગોથી રંગેલી.
૩. બાળકો ઊભાં ઊભાં અડી શકે તેટલી ઊંચાઈએ દેશી છે જનાવરોનાં તથા દેશના મહાન પુરુષોનાં મોટા પ્રમાણમાં ચિત્રો.
૪. ભોંય ઉપર ભૂરા અને રાતા રંગના ચટાપટાવાળી શેત્રુંજીઓ.
૫. બાળકો પોતાની જાતે ઉપાડી શકે તેવાં હલકાં અને દરેકમાં અંદર એક ખાનું હોય તેવાં મેજો. એની ઉપલી બાજુ સપાટ જોઈએ.
૬. મરજીમાં આવે ત્યારે આરામ લઈ શકે માટે નાનીસરખી ઢોરણી, ખાટલી કે પલંગડી અને તેના પર ચોખ્ખી પથારી.
૭. ખૂણામાં હાથ મ્હોં ધોવા માટે એક પાણીનું કૂંડું; પાસે હાથ મ્હોં લૂવા માટે એક નાનો ટુવાલ, અને નાનો દાંતિયો તથા કાચ.
૮. બારીઓમાં ઝાડનાં નાનાં નાનાં કૂંડાં.
૯. એક પાણીનું ટબ.
૧૦. ઝાડને પાણી પાવા માટે નાની એવી ઝારી.
૧૧. બાળક અંબાઈ શકે તેટલી ઊંચાઈએ દીવાલો ઉપર ખીંટીઓ.
૧૨. પાણી પીવાને માટે નાનું માટલું અને નાનો હળવો પ્યાલો.
બાળકનો પહેરવેશ
૧. જેમ બને તેમ કપડાં ખૂલતાં અને મોઢા આગળ બટન હોય તેવાં.
૨. પગમાં બૂટ તથા મોજાં નહિ. ૩. માથે ટોપી કે એવું કંઈ નહિ.
૪. પસંદ કરવા જેવો વેશ - ગોઠણ સુધીની ચડ્ડી કે ચોરણી, ખમીસ કે પહેરણ. ગંજીફરાક નહિ. ખમીશ કે પહેરણની બાંયો કોણી સુધીની જોઈએ.
ઓરડામાં સાહિત્યો
૧. એક પાટિયું અને તેના ઉપર એક ભીની માટીનો પિંડો. નજીકમાં હાથ ધોવા માટે ડોલ અને એક ટુવાલ. માટીનાં રમકડાં સૂકવવા માટે એક પાટિયું.
૨. નાના નાના રૂમાલો, બ્રશ અને એક નાની પેટી – લૂગડાં સંકેલીને મૂકવા માટે.
૩. નાના મોટા રબ્બરના દડા અને લાકડાની ગેડીઓ.
૪. લાકડાનાં પૈડાં અથવા લોઢાની પટ્ટીનાં પૈડાં અને આંકડીઓ.
૫. જુદી જુદી ધાતુના જુદી જુદી કિંમતના સિક્કાઓ.
૬. ઊન, સૂતર અને રેશમના નમૂના (સેમ્પલ) તરીકે આવે છે. તે કટકા-દરેક જાતના બબ્બે. ૭. બાજી નહિ પણ સોગઠાં.
૮. રંગબેરંગી ચકરડીઓ.
૯. નાની નાની સાવરણીઓ તથા સૂપડીઓ.
૧૦. ગરિયા અને દોરીઓ.
૧૧. બે ચાર નાનાં કાળાં પાટિયાં અને ચોકની પેટી.
૧૨. ચિત્રોનાં આલ્બમો-ચિત્રો આપણા દેશના જીવનનાં સુંદર અને ચોખ્ખાં જોઈએ.
૧૩. સ ર ગ મના સૂરો કાઢે તેવા કાચના પ્યાલાના બે સેટ.
૧૪. વીશ લાકડાના ઘનના કટકા.
૧૫. એક ઝાલર અને હથોડી. ૧૬. મૉન્ટીસૉરી પદ્ધતિમાં વપરાતી દટ્ટાની ત્રણ પટ્ટીઓ.
૧૭. મૉન્ટીસૉરી પદ્ધતિમાં વપરાતાં મિનારો, પહોળી સીડી, લાંબી સીડી.
૧૮. મૉન્ટીસૉરી પદ્ધતિમાં વપરાતી રંગની પેટી.
ઉક્ત સાધનો એવાં છે કે જો બાળકને છૂટું મૂકી દેવામાં આવે તો બાળક પોતાની મેળે પોતાને ગમતું સાધન લઈ રમશે અને તેથી બાળકનો સ્વયં વિકાસ થશે. બહુ બહુ તો બાળકને માત્ર એક જ વાર બતાવવાની જરૂર છે કે ઉપરની ચીજોનો શો ઉપયોગ છે, અને તે તેણે કેવી રીતે કરવો. પછીથી તો બાળક પોતાની મેળે જ બધું કરી લેશે. બાળકને આ સાધનો આપવાથી બાળક સ્વતંત્ર થશે, આનંદી થશે, તંદુરસ્ત થશે, ચાકર કે આયાની ગુલામીમાંથી છૂટશે અને કજિયો કે હઠ કરતું ભૂલી જશે. સાધનો જેવાં તેવાં નહિ પણ સારાં જોઈએ; મૉન્ટીસૉરી પદ્ધતિનાં સાધનો તો ખાસ કરીને પદ્ધતિસર બનેલાં હોય તે જ વાપરવાં જોઈએ.