shabd-logo

ઘરમાં બાળકે શું કરવું ?

5 July 2023

6 જોયું 6


ઘરમાં બાળકે શું કરવું ?

⁠ઘણી વાર પૂછવામાં આવે છે કે “અમારું બાળક બાલમંદિરમાં અગર શાળામાં જાય છે ત્યાં સુધી તો તે પ્રવૃત્તિમાં રહે છે; પરંતુ ઘેર આવ્યા પછી તેણે શું કરવું ? ઘરમાં ચાલે તેવાં તેને લાયકનાં કામકાજ અમે જાણતા નથી, ને બાળકને ધંધો નહિ મળવાથી તે કાં તો આળસુ અથવા તો રખડુ, અથવા તો જ્યાં ત્યાં અથડાતું અને ઠપકો-ઠેસ ખાતું થાય છે. અમે જાણવા માગીએ છીએ કે ઘરમાં બાળકે શું કરવું. અમે બાળકને સુખી અને પ્રવૃત્તિશીલ જોવા ઇચ્છીએ છીએ, માટે અમને તે બાબતમાં માર્ગ બતાવો.”

⁠આ પ્રશ્નના ઉત્તર રૂપે બાળકો ઘરમાં કેવી કેવી પ્રવૃત્તિઓ કરી શકે તે જણાવવામાં આવ્યું છે.

⁠ઘર બાળક માટે નાનીસૂની દુનિયા નથી. ત્યાં તેને માટે કેટલીયે પ્રવૃત્તિઓ પડી છે. આપણે તે તરફ નજર નાખી નથી. બાળકને તે બતાવી નથી. બાળકે જ્યારે પોતાની મેળે મનગમતી પ્રવૃત્તિઓ શોધી કાઢી છે, ત્યારે ત્યારે અજાણપણે આપણે તેનો વિરોધ કરેલો છે. આપણે તેની કેટલીએક સરસ પ્રવૃત્તિઓને નકામી કીધેલી છે. કેટલીએક પ્રવૃત્તિઓને દાબી દેવા ધમકી અને શિક્ષા પણ કરેલી છે. પરંતુ તે વાત જવા દઈએ. હવે આપણે ફરી વાર નવે નામે શરૂ કરીએ.

⁠આપણે જરા ઝીણી નજરે જોઈશું તો બાળક કંઈ ને કંઈ કરવા માગતું હશે, કંઈ ને કંઈ કરતું હશે. આપણે જરા વધારે વાર ઊભાં રહીને જોઈશું તો જણાશે કે તે જે કરે છે તે એક ચોક્કસ ક્રિયા છે. તેની પાછળ કંઈ ને કંઈ નિશ્ચિત હેતુ છે. તે હેતુ પાર પાડવા માટે તેના મનમાં કલ્પના છે. તે પોતાની નાની છતાં બળવાન ક્રિયાશક્તિ વડે તે સિદ્ધ કરવા અથાગ મહેનત કરી રહ્યું છે. તેણે પોતાની સર્જક અને કલ્પક બુદ્ધિથી ઘણી વાર લાયક સાધનો-હથિયારો શોધી કાઢ્યાં છે. તે કામમાં તેની અસાધારણ તન્મયતા છે.

⁠આવી પ્રવૃત્તિ તે જ બાળકની ખરી પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિને આપણે જોઈ જોઈને બાળકની પ્રવૃત્તિઓની યાદીમાં નોંધી લેવી જોઈએ. બાળક પાસેથી એક વાર જાણવામાં આવેલી પ્રવૃત્તિ જો આપણે તેને આપશું તો તે તુરત જ લેશે; તેમાં તે તલ્લીન થશે; તેમાં કામે લાગી આનંદી અને સુખી થશે.

⁠અત્યારે આપણા ઘરમાં કોઈ વાર આવી પ્રવૃત્તિઓ અચાનક મળી જાય છે તો બાળક દીવો કર્યું દેખાતું નથી; ને કોઈ વાર જ્યારે તે નથી જડતી ત્યારે બાળક પોતે કંટાળીને ફર્યા કરે છે ને જેને આપણે કનડવું કહીએ છીએ તેવું કનડે છે. બાળકો માટેની પ્રવૃત્તિઓ આપણે કાંઈ જોડી કાઢવાની કે ઘડી કાઢવાની નથી. તેમની જ પ્રવૃત્તિઓ આપણે તેમને આપવાની છે. અને આપવી છે એનો અર્થ એ છે કે આપણે તે માટેનાં સાધનો તેમને પૂરાં પાડવાનાં છે; તે કરવાની જગ્યા આપવાની છે, તેમની આડે આવવાનું નથી. તેમની પાસે પ્રવૃત્તિઓ કરાવ્યા કરવાની નથી; પ્રવૃત્તિઓનું પ્રદર્શન નથી કરવાનું. તેમને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે છૂટાં મૂકવાનાં છે.

⁠આવી થોડીએક પ્રવૃત્તિઓ ગણાવીએ.


: ૧ :


કાગળ અને કાતર

⁠બાળકોને બેઠાં બેઠાં કાગળો કાપવા ગમે છે. સાથે તેઓ કાતર વાપરતાં શીખે છે. આથી આંગળાં અને હાથના સ્નાયુઓ દૃઢ બને છે. તેઓ ધીમે ધીમે ચોક્કસ આકારો કાપવા લાગે છે. કાપવાની બાબતમાં તેમનો કાબૂ ખૂબ વધે છે.

⁠કાગળ કોરવાનું બીજું કામ છે. કાગળને બેવડો ચોવડો વાળી તેને આજુબાજુ અને વચ્ચે કાપવાથી તેમાં ભાત પડે છે. પછી કાગળ ઉઘાડતાં સુંદર કોરણીની કારીગરીનો દેખાવ મળે છે. આ સુંદર કોરણી જોકે એક રીતે અણધારી થાય છે; એટલે કે એવી જ કોરણી કરવા માટે અગાઉથી બાળકે યોજના કરેલ હોતી નથી; કોરણી આકસ્મિક છે. પરંતુ એવી અનેકવિધ કોરણીઓના નમૂના એક પ્રકારનું ઘટનાઓ (ડિઝાઈન)નું સુંદર પ્રદર્શન છે. તે ડિઝાઈનો જોઈને બાળકને નવી ડિઝાઈનો ચીતરવાનું સૂઝે છે. એવી ડિઝાઈનો સ્વતઃ જ કલાકૃતિઓનું વાતાવરણ છે. બાળક આગળ જતાં એવી કોરણીમાં પ્રવર્તતા નિયમો પકડી લેશે ત્યારે તે યોજનાપૂર્વકની કોરણી પણ કરી શકશે. એ બધી કોરણીઓનો એક સંગ્રહ (આલ્બમ) બનાવી શકાય. કોરા કાગળો પર તે બધી ચોટાડીને રાખી શકાય.

⁠વળી કાતરથી બાળક ઘરમાં પડેલાં નકામાં છાપાં વગેરેમાંથી  ચિત્રો કાપી કાઢે. ચિત્રોમાં બોર્ડરો, જાતજાતના અક્ષરો વગેરે પણ આવી શકે. આ બધાને ભેગાં કરી બાળક એક સંગ્રહ કરે. દર મહિને એવો સંગ્રહ બાંધી આપીએ એટલે બાળકનું ચિત્રસંગ્રહાલય બને. આ પ્રવૃત્તિ માટે બાળકને કાતર, ગુંદરની એક વાટકી, દાતણની અગર કોઈ બીજી પીંછી, કાગળો અને ચોપાનિયાં આપવાં. આ બધાં સાથે કચરો નાખવાની એક ટોપલી અને હાથ લૂછવા એક લૂગડાનો ટુકડો અવશ્ય આપીએ.


: ૨ :


દીવાસળીનાં બાકસો : ખાલી અને ભરેલાં

⁠બાળકો બન્ને જાતનાં બાકસોથી કામ કરે છે. નાનું બાળક ભરેલા બાકસની દીવાસળીઓ બહાર કાઢી તે ભર્યા કરશે; પાછું તે ઠાલવીને ફરી ભરશે. એની આ રમત ઘણો વખત ચાલશે. નાના બાળકને આ રમત સુંદર કેળવણી આપે છે; આંખને સ્થિર કરે છે, હાથ કાબુમાં આવે છે ને એકાગ્રતા કસાય છે.

⁠ખાલી બાક્સોની પ્રવૃત્તિઓમાં બાકસ ઉઘાડવું અને બંધ કરવું એ એક પ્રવૃત્તિ છે. આંખ અને હાથના સ્નાયુઓને તે વ્યાયામ આપે છે.

⁠વળી બાક્સોના બંગલા બાંધી શકાય છે, બંગલા એટલે જાતજાતની ગોઠવણી; જેવી કે દીવાલ, ચોતરો, કૂવો, તળાવ, રેલગાડી વગેરે. દીવાલો કેટલાયે પ્રકારની બની શકે છે. ઘરમાંથી બાકસો મળી શકે છે, અગર તે સહેલાઈથી મેળવી શકાશે. એક નાની એવી બાકસો મૂકવાની પેટી અને બેસીને બંગલા કરવા માટે એકાદ આસન બાળકને આપો; પછી તમે તેનાથી તેને કામ કરતું જ જોશો.



: ૩ :


લાકડાની ઈંટો અને ઘનો

⁠આ સાધનો અતિ મહત્ત્વનાં છે. લાકડાની ઈંટો કે ઘનોથી બાળકો મિનારા, દીવાલો, ઘરો, કૂવા, વાવ, તળાવ વગેરે સ્થાપત્યને લગતા ઘણા આકારો બનાવે છે. એક દીવાલ બનાવવામાં કેટલીય જાત રચે છે. ઉપરાંત ઈંટો કે ઘનોને જમીન પર ગોઠવી જાતજાતની આકૃતિઓ ઉપજાવે છે. બાળક આ પેટી વાપરવામાં ખૂબ મજા લે છે. તેનો આત્મા નાના રૂપે છતાં સંપૂર્ણ કલ્પનાથી રચનાઓ રચે છે. કલાત્મક સર્જન માટે આ પ્રવૃત્તિ સુંદર અને ઉપકારક છે. એક અથવા બે કે તેથી વધારે બાળકો ભેગાં મળી આ સાધનો વાપરે છે. ઈંટોની એક પેટી અને ઘનોની એક પેટી બાળકને પાથરણા સાથે આપવી.


: ૪ :


ચિત્રો : જોવાં અને કાઢવાં

⁠બાળકોને લાંબો વખત પ્રવૃત્તિ આપે એવાં કામોમાં ચિત્રો જોવાં અને કાઢવાં એ છે. દરેક ઘરમાં થોડાંએક ચિત્રો વસાવવાં. તેમાં પોસ્ટકાર્ડ ચિત્રો ખાસ હોય. આ ચિત્રોમાં બાળકોને ગમે તેવા વિષયો પસંદ કરવા: જેમ કે પશુપક્ષીનાં કાર્ડો, પતંગિયાનાં, બજારનાં, તેમ જ હંમેશ આસપાસ બનતા બનાવોનાં ચિત્રો, માબાપો ચિત્રો ખરીદી ન શકે તો તેઓ રખડતાં રઝળતાં છાપાંઓનાં પૂંઠાંઓ પરથી તેમજ અંદરથી ચિત્રો મેળવી શકે છે. આ ચિત્રો બરાબર જોઈએ તેવાં તો નથી હોતાં, પણ બાળકોને ચાલી શકે તેવાં હોય છે. નહિ મામા કરતાં કહેણો મામો શો ખરાબ ? એવો હિસાબ આમાં છે. આપણે ચિત્રો એકઠાં કરવાની બાબતમાં જરાએક નજર કેળવીએ તો ઘણું ઘણું મળી રહેશે. કોઈ  સ્થળેથી રંગીન આકાશ તો કોઈ સ્થળેથી રંગીન દેખાવો; જાહેરખબરનાં કાગળિયામાંથી પણ કાપી કોરીને ચિત્રો ભેગાં કરી શકાય. આ બધાં ચિત્રોનાં આલ્બમ કરી રાખ્યાં હોય તો વધારે સારું. બાળકો ચિત્રો જોઈ ઉડાડી દે અગર તેને ગમે તેમ ફેંકે તેના કરતાં તે ન જુએ એ જ સારું. કલાનું અપમાન કરીને માણસ કલાની દૃષ્ટિ ન જ મેળવી શકે. આપણે બાળકોને ચિત્રો આપીએ તેની સાથે જ તે માટેની કાળજી અને માન આપીએ. માટે જ ચિત્રો સાથે તેને રાખવાની જગા આપવી. ભલે મફત મળેલા કે રસ્તે ઊડતા કાગળોમાંથી ચિત્રો મેળવ્યાં હોય, પણ આપણા અને બાળકના મને તે કલાકૃતિઓ છે એમ રહેવું જોઈએ. પૈસા આપીએ તે કલા, ને ન આપીએ તે ચીંથરું, એવું ઘણી વાર કલા તરફની આપણી વર્તવાની રીત પરથી લોકો અને બાળકો સમજે છે. એ રીત કલાનું ખૂન કરનારી છે, માટે તે આપણામાં ત્યાજ્ય જોઈએ.

⁠ચિત્રોનું સાહિત્ય સંપત્તિ પ્રમાણે વસાવીએ. પરંતુ તે સઘળું બાળકોને એકાએક ન આપવું; થોડું થોડું આપવું. રસ વધતો જાય તેમ આપવું; ફરી ફરીને આપવું. બાળક તે જુદે જુદે વખતે જુદી જુદી અને નવી નવી દૃષ્ટિથી જોશે.

⁠ચિત્રો જોવાની આ વાત સાથે સ્ટીરીઓ સ્કોપનાં ચિત્રો ગણી લેવાનાં છે.

⁠જેમ ચિત્રો જોવાની એક આનંદદાયક અને વિકાસક પ્રવૃત્તિ છે તેમ જ ચિત્રો કાઢવાની પ્રવૃત્તિ પણ તેવી જ છે. બાળકો પણ ચિત્રો કાઢી શકે છે; પરંતુ તે ચિત્રો તેમને હિસાબે છે, મોટા ચિત્રકારોના હિસાબે નહિ જ. પણ જો એ બાલચિત્રો બાળકોને રોકી રાખે, એમને આનંદ આપે અને એક પગલું આગળ વધારે તો તે મહામૂલ્ય કૃતિઓ જ છે. મનુષ્ય પોતાના વિકાસની કક્ષાએ આછું-પાતળું જે સર્જન કરે છે તે જ તેને માટે અદ્ભુત અને ભવ્ય, સંપૂર્ણ અને સુંદર સર્જન છે. આ દષ્ટિએ બાળકોના લીટા એ ચિત્રો છે. બાળકોનાં ઢંગધડા વિનાનાં કાગડા અને ગાયનાં બે લીટા અને ટપકાંથી કાઢેલાં ચિત્રો પણ ચિત્રો જ છે.

⁠બાળકોને કાળું પાટિયું ને ધોળા અગર રંગીન પરંતુ સારા અને હાથ ન બગડે તેવા ચાક આપવા. આગળ જતાં રંગીન પેન્સિલો અને કાગળના ટુકડા આપવા.

⁠ગરીબ ઘરમાં બાળકો ગાર કરેલી જમીન પર ચાકથી લીટા કાઢે. મા વખત લઈને બે ચાર દિવસે જમીન લીંપી નાખે.

⁠ચાક, પાટિયું, કાગળ અને પેન્સિલો એવું કશુંય ન મળે ત્યાં બાળકોને ફળિયામાં ધૂળમાં લીટા અને ચિત્રો કાઢવાની અવશ્ય છૂટ જોઈએ. ગામડાંઓમાં ધૂળમાં લીટાથી ઘણી જાતનાં ચિત્રો થાય છે; જેમ કે હાટડી, સાથિયા વગેરે વગેરે.

⁠બાળકોને સાહિત્ય આપવું. તેઓને જે કાઢવું હોય તે કાઢવા દેવું. ભૂલ ન કાઢવી. કાઢેલાં ચિત્રો ભેગાં કરી કોઈ નજીકની ચિત્રશાળા અગર શિક્ષણ સંસ્થા પર મોકલવાં અને અભિપ્રાય માગવા. સૂચનાઓ મળ્યા પ્રમાણે કામ આગળ લેવું.


: પ :


માટીનાં રમકડાં

⁠બાળકોને માટીનાં રમકડાં રમવાની છૂટ આપવી. ચોમાસામાં ગારો તૈયાર હોય છે; બીજી ઋતુઓમાં ખેતરની ને છેવટે શેરીની કે ફળિયાની ધૂળનો ગારો વાપરવા દેવો. જરા ખર્ચ કરીને ભૂતડો કે લાલ પીળી માટી પણ આ કામમાં વાપરી શકાય.

⁠જેઓ પૈસા ખર્ચી શકે છે તેઓ રીતસરની માટી (clay) જ મંગાવે; તેઓ પ્લેસ્ટીસીન પણ મંગાવે.


⁠બાળકોને એકાદ વાસણ માટી ભરવા આપવું. રમકડાં બનાવવા માટે એક પાટિયું, હાથ ધોવા માટે બાલદી ભરી પાણી ને લૂગડાનો એક કટકો એટલાં વાનાં આપવાં.

⁠તેમને પહેરણની બાંયો કેમ ચડાવવી, કેમ બેસવું, હાથ કેમ ધોવા તે પણ કરી બતાવવું.

⁠તેઓ જેવાં રમકડાં બનાવે તેવાં બનાવવા દેવાં. તેઓ ઘણી જાતના આકારો કરશે જ. તેઓ પોતાને ગમતી વસ્તુઓ બનાવશે; ને કેટલીએક વસ્તુઓનાં ગારામાં બીબાં પણ પાડશે. (impress કરશે.)

⁠ગારાથી ઈંટો પાડવાનો રસ્તો પહેલી તકે બતાવવો. સુતાર પાસે લાકડાનું એક ચોકઠું કરાવી શકીએ. જે ઘરોને મોટું કમ્પાઉન્ડ હોય ત્યાં ઈટો પાડવાનું કામ બાળકો કરે.

⁠ગારાનો કરેલો બધો સામાન આપણે નીંભાડો નાખી કોઈ કોઈ વાર પકવી દઈએ.

⁠બાળકોએ કરેલાં ગારાનાં મામૂલી રમકડાંઓને આપણે ખંતથી બાલસંગ્રહસ્થાનમાં મુકાવીએ. માટીકામ એક સર્જકપ્રવૃત્તિ છે. તેનાથી હાથના સ્નાયુઓ ખાસ કરીને કેળવાય છે. બાળકનું અવલોકન કેવા વિષયોમાં છે તે જણાય છે. બાળકો પોતાની મનોવૃત્તિ પોતાની કૃતિઓ અને રમતોમાં પ્રગટ કરે છે, તે આપણે અહીં પણ જોઈ શકીશું.


: ૬ :


ટાંકણીઓ અને કાગળ

⁠બાળકો ટાંકણીઓથી જાતજાતની પ્રવૃત્તિઓ કરે છે. પીનકુશન-ટાંકણી ભરાવવાની ગાદીમાંથી ટાંકણીઓ કાઢીને તેને પાછી ભરાવી દેવાનું સૌથી નાનાં બાળકોને ખાસ રુચે છે. જરા મોટાં બાળકો ટાંકણીઓથી કાગળમાં કાણાં પાડી તેમાં આકારો બનાવે છે.

⁠ટાંકણીઓથી ગણવાનું કામ પણ ચાલે છે. ટાંકણીઓને જુદી જુદી રીતે ગોઠવી તેની ઘટનાઓ (designs) પણ થઈ શકે છે.

⁠એક પ્યાલો, પીનકુશન ને જરા જાડા કાગળ, આટલાં વાનાં બાળકને આપવાં.


: ૭ :


લૂગડાના ટુકડા

⁠નાનાં બાળકોને ખાસ કરીને નાના નાના લૂગડાના કટકા આપવાથી તેઓ તેને રૂમાલ પેઠે સંકેલવાનું કામ ઘણો લાંબો વખત કરે છે. હાથે કરવાની બીજી ક્રિયા જેટલો જ તેનાથી પણ તેમને લાભ થાય છે. કેટલાએક કટકા એક પેટીમાં કે પોટકીમાં આપવા. કટકા રંગબેરંગી હોય તો વધારે સારું. કટકા રૂમાલના કદના જોઈએ. કટકા ગંદા તો ન જ જોઈએ; ગંદા થતાં તે ધોવાઈ જવા જોઈએ.


: ૮ :


મંદિરની પેટી અથવા દેવઘર

⁠બાળકોને ઘર ઘર રમવું ગમે છે એમ જોવામાં આવે છે. તે રમતમાં આજનાં સામાજિક અનિષ્ટો પેસી જાય છે: જેમ કે રડવું, કૂટવું, સંસારજીવન વગેરે; માટે તેને બદલે તેમની રમતની વૃત્તિને તૃપ્તિ મળે તથા તેમને પ્રવૃત્તિ મળે તે માટે મંદિરની પેટી આપવી. આ મંદિરની પેટી એટલે સુંદર કલાપૂર્ણ ગોઠવણ થઈ શકે તેવાં સાધનો. જેમ કે નાનાં નાનાં તાંબાપીતળનાં વાસણ, છબીઓ, ગાદીઓ, મહુવાનાં કે એવાં લાકડાનાં કે દાંતનાં સારાં રમકડાં વગેરે વગેરે. આ બધું બાળક ગોઠવે. વચ્ચે ઠીક લાગે તો દેવ રૂપે કંઈ મૂકે. ત્યાં ધૂપ કરે, દીવો કરે, ફૂલો પાથરે. શાંતિથી બેસે, સૌને બોલાવે બેસારે, પ્રાર્થના કરે અને કરાવે. આ એક રીતે દેવઘરની રમત પણ કહેવાય. આમાં ધાર્મિકતા વધારવાનો હેતુ ન જ હોય. કોઈ અમસ્તી ગોઠવણ પણ કરે. માબાપ જરાયે આડાં ન આવે કે સૂચના ન કરે; બાળકોને મરજી હોય તો પ્રાર્થના કરે; ગમે તે કરે. ભલે કરે. બાળકો આ જગાએ ઘર ઘરની કે ઢીંગલી ઢીંગલીની રમત બેસારે તો માબાપ તેનો નકાર કરે.

⁠એક પેટી કે ટાંકું હોય તેમાં આ બધી ચીજો રહે. એક અથવા એકથી વધારે બાળકો આ પ્રવૃત્તિ કરે.


: ૯ :


બાગકામ

⁠નાનાં બાળકોની એક મહત્ત્વની પ્રવૃત્તિ તે ઝાડ ઉછેરવાની છે. તેઓ નાની ઉમરે પોતાનાં કૂંડાં સાચવી શકે. ફળિયામાં ક્યારા કરી આપ્યા હોય તો બી રોપવાથી માંડી છોડને ઉછેરી શકે. તેઓ મોટાં ઝાડોને પાણી પાઈ શકે.

⁠તેમને માટે પાણી પાવાનાં તથા ખોદવા માટેનાં તેમના હાથમાં રહે તેવાં ને ફાવે તેવાં હથિયારો આપવાં. તેમને ઘરના આંગણામાં થોડીક છૂટી જગા આપવી; થોડાએક ઘઉં, જુવાર અને મળે તો ફૂલઝાડનાં ને એવાં બિયાં આપવાં. તેમને તેમની ઢબે ભાગ કરવા દેવો. આમ વાવશે તો ઊગશે ને નહિતર નહિ ઊગે વગેરે જાતની પડ્ય ન કરતાં આપણી દૃષ્ટિએ થોડાંએક બિયાં બગડે તો બગડવા દેવાં. જેમ જેમ અનુભવ થશે તેમ તેમ તેઓને તે કામમાં સમજ પડશે. તેમનું વાવેલું એક બિયું પણ ઊગશે તો પણ તેમને મન તે ઉત્સવ સમાન થશે.


⁠તેઓ ઉત્સાહથી કામે લાગ્યાં હશે ત્યારે મજા આવશે. નાના હાથો નાની પ્રવૃત્તિને પૂર્ણ ગંભીરતાથી – સંપૂર્ણ ક્રિયાબળથી કરી રહ્યા હશે. તેમના મ્હોં પર પરસેવાનાં ટીપાં અથવા લાલી દેખાશે. તેઓ એકાગ્ર ને પ્રસન્ન હશે. જેમ આપણે આપણી કોઈ ઈષ્ટ પ્રવૃત્તિમાં તલ્લીન હોઈએ છીએ ત્યારે જેવાં દેખાઈએ છીએ તેવાં તેઓ દેખાશે.

⁠હથિયારો કેમ વાપરવાં, ક્યાં મૂકવાં ને વ્યવસ્થા ને સ્વચ્છતા કેમ રાખવી વગેરે તેમને આગમચથી બતાવવું.


: ૧૦ :


પ્રાણીઓ પાળવાં

⁠બાળકો માટે આ કામ સરસ છે. શેરીમાં બાળકો કૂતરાંને અને કુરકુરિયાંને રમાડે છે – તે આપણે જાણીએ છીએ. તેઓને તેમાં ગમ્મત આવે છે તેનો આપણને જાતઅનુભવ છે. બાળકોને કુરકુરિયાં, બચોળિયાં, નાનાં ભાઈબહેન, એ બધાં જીવન્ત મિત્રોની ઉપર બહુ પ્રેમ આવે છે. તેઓ તેમને ખવડાવે પિવડાવે છે, રમાડે છે, છાતી સરસાં રાખે છે, તેમને ભેગાં સુવાડે છે, તેમની સાથે હસે બોલે છે, ને તેમના સુખે સુખી અને તેમના દુઃખે દુઃખી થાય છે. બાળકોની એ જીવન્ત સૃષ્ટિ છે. બાળકો તેમની સાથે ઊછરે છે. તેમની વચ્ચે રહી પ્રેમ કેળવે છે. તેમના પરિચયથી ઘણો અનુભવ મેળવે છે. પોતે તેમને ખવરાવવા પિવરાવવામાં ઉદ્યોગી રહે છે. બાળકોને આ જીવન્ત્ત વાતાવરણ તેમના વિકાસ માટે અવશ્ય મળવું જોઈએ.

⁠જો આપણે ગાયો ને વાછરડાંની મૈત્રી બાળકોને આપી શકતા હોઈએ તો પ્રાણી પરિચય માટે તે સર્વોત્તમ સાધન થાય. તેના અભાવે કૂતરું બિલાડું આપણે પાળીએ. ઘરમાં કોઈ પક્ષી રાખી શકાય તો વધારે સારું. મતલબ કે બાળકને પ્રાણીપરિચય લાભદાયક છે, ને તે સ્વતઃ એક પ્રવૃત્તિ છે. બાળક તેને સાચવવામાં, તેને ખવરાવવા પિવરાવવામાં ને તેની સાથે જીવન જીવવામાં ઘણું રોકાય છે.


: ૧૧ :


નાટકો કરવાં

⁠કદાચ આપણામાંનાં ઘણાંઓએ નાનપણમાં નાટકો કર્યા હશે. એમાંનાં કોઈ કોઈએ એ કામ સાથે કાયમનો સંબંધ બાંધ્યો હશે; કોઈ નાટક કંપનીના મેનેજર, કોઈ ઍક્ટર, કોઈ ગાયક, કોઈ લેખક, કોઈ નાટકવિવેચક, કોઈ ઍમેચ્યોર નટ, કોઈ સિનેમા ઍક્ટર, કોઈ સિનેમા ફિલ્મ લેનાર, વગેરે બન્યા હશે. મતલબ કે નાટક કરવાનું બાળકોને ગમે છે. નાટક કરીને પ્રમુખત: બાળકો પોતાની અભિનય કરવાની વૃત્તિને વેગ અને સંતોષ આપે છે. અભિનય એ કલા છે; મનુષ્યનો કલાપ્રિય સ્વભાવ એ દ્વારા પ્રગટ થાય છે. આ વૃત્તિ સહજ છે, ને તેને વિકાસમાં સ્થાન છે.

⁠બાળકોનાં નાટકો એટલે જે જે જોયું તે ભજવવું-કરી બતાવવું. છેક નાનાં બાળકો ઘર ઘર રમવામાં એક જાતનું નાટક જ કરે છે; પરંતુ તેની સાથે જ્યારે અનિષ્ટ અંશો જોડાય છે ત્યારે આપણે આજે ઘર ઘરની રમતોનો નિષેધ કરીએ છીએ.

⁠બાળકોએ નાટકો જોયાં હશે એટલે તેઓ તેવાં નાટકો કરવા જશે. ત્યાર પછી તો વાંચેલાં નાટકો પણ ભજવવાની મરજી કરશે. આપણે તેમને નિર્દોષ નાટકો બતાવીએ તો નાટકની પ્રવૃત્તિને અનુકૂળતા મળે.

⁠આપણે ઘરમાં નાટક કરવાની મના કરીએ છીએ, કારણ કે ઘણાંઓ નાટક કરવાનું ખરાબ ગણે છે. તેમાં કશું ખરાબ નથી. દુનિયામાં નાટક કરનારા અને નાટકનું વસ્તુ (પ્લૉટ) ખરાબ હોઈ શકે છે; નાટક જોનારાંઓ નાટકનો ખરાબ ઉપયોગ કરી શકે છે. પરંતુ નાટક સ્વતઃ ઉપર કહ્યું તેમ એક કલા છે ને તેથી તે નિર્મળ છે, એટલું જ નહિ પણ મનુષ્યને ગતિ આપનાર છે. તે જ્યારે હલકા માણસના હાથમાં પડે છે ત્યારે જરૂર ત્યાજ્ય છે. અને તેવું તો બધી સારી બાબતો પરત્વે છે. એટલે આપણે નાટક કરવાની ના ન પાડીએ, પણ ઊલટું તેમાં આપણે જાતે ભાગ લઈને નિર્દોષ અને બળવાન નાટકો કેવાં થાય છે તે બતાવીએ. બાળકો નાટક કરે; ભલે કરે. તેમનાં નાટકોનું વસ્તુ જોતા રહેવું. તેમના વિનોદો બહારના કારણે ગ્રામ્યતા (vulgarity) તરફ ન જાય તે જોવું; તેમનાં યુદ્ધો શેરીમાંથી મળેલ વાતાવરણને લીધે ગુંડાની મારામારી ન બને તે જોવું. તેમનાં નાટકો એટલે અભિનયને બદલે સીનસિનેરી ન થાય તે જોવું. એટલે તે માટે તેવું સારું વસ્તુ તેમને બતાવવું. સારું વસ્તુ બતાવવું અને અયોગ્ય વસ્તુનો અભાવ પેદા કરવો.

⁠ઘરમાં નાટક કરવાને માટે ઓશરી એ રંગભૂમિ છે. ઘોળા દિવસે તડકો કે ચાંદની એ રોશની છે. અંધારી રાતે એક બત્તી તે કિટસન કે વીજળીનો પ્રકાશ છે. ઘરનાં બારણાં એ પડદાઓ છે. ઘરમાંથી બહાર જવું ને બહારથી ઘરમાં જવું; અગર અગાશીમાંથી દીવાનખાનામાં ને દીવાનખાનામાંથી અગાશીમાં જવું. ઘરમાં જે હંમેશનાં વપરાશનાં સાધનો છે તે પાત્રોના ડ્રેસ છે. બાનો સાડલો ઘડીકમાં સાફો, ઘડીકમાં દુશાલો, ઘડીકમાં ખેસ ને ઘડીકમાં કેડે બાંધવાની ભેટ થઈ જાય; બાપાની લાકડી એક વાર શેઠની લાકડી, બીજી વાર પોલીસની બંદૂક, ત્રીજી વાર મહેતાજીની સોટી અને ચોથી વાર લડાઈની તલવાર બની રહે. પોતાનાં લૂગડાં જુદી જુદી રીતે પહેરીને નવા નવા વેશો દેખાડી શકાય. ખરાબ રીતે કપડાં પહેર્યા એટલે ગાંડા બન્યા; ફાટલતૂટલ ઢસરડા દેખાય એમ પહેર્યા એટલે ભિખારી ને બરાબર તાલમેલથી પહેર્યાં એટલે છેલબટાઉ. એ સિવાય ઘરમાં રસોડાનાં વાસણો ને એવું ઘણું હોય છે; તેમાંથી કેટલાંયે સાધનો થઈ પડે. શરીરની ચામડીનો રંગ બદલવા આછી જાડી રાખ ભૂંસી એટલે બધા પાઉડરો આવી ગયા !

⁠આમ કરતાં શીખવાથી સીનસિનેરી ગૌણ છે એમ સમજાય છે. સીનસિનેરી ગમે તેમાંથી ઉપજાવી લેવામાં બુદ્ધિનું કૌશલ કેળવાય છે. આમ કરવામાં હાજરજવાબી (resourcefulness) છે. ખરી વાત અભિનય છે; અભિનય નવ્વાણું ટકા બરાબર થયો એટલે તે તેના બળથી ડ્રેસ વગેરેને અનુકૂળ બનાવી દેશે. વળી નાટકોની કિંમત આપણે આત્મબળથી આંકવી છે એટલે તેને કદી પણ બહારનાં સીનસિનેરીથી ઢાંકવાં નહિ. નાટક ઘરમાં ચલાવવાં. કશું નવું વસાવવું નહિ; કશું ખાસ કરવું નહિ. નાટક કરવાનું મન થયું એટલે નાટક ચાલે. બાળકો નક્કી કરે કે કયું નાટક કરવું છે. સૌને પ્લૉટ ધ્યાનમાં હોય. તેઓ કોઈ નાટક ગોખી રાખે જ નહિ. નાટક ગોખ્યા વિના થાય એવું જાણતાં બાળકોને ભારે ગમ્મત આવશે. માથાઝીંક મટી જશે; ચાલતે નાટકે થાય છે તેવો ટેબલો નહિ થાય; પ્રૉમ્પ્ટર અને રિહર્સલ ઊડી જશે; ને ગમે તે વખતે ભળતું, બંધબેસતું, વધતું ઘટતું બોલીને પતાવવાની અને વખતસરની ખૂબી ઊભી કરવાની તક મળશે. નાટકના શબ્દોના ગોખેલાં ચોકઠાંમાં જ ચાલવાથી અભિનયને રોકાઈ રહેવું પડે છે તે નહિ બને.

⁠ઘરમાં આ રીતે બાળકો નાટક કર્યા કરે. આપણે સાંભળવું જ જોઈએ એમ કોઈ ન માને. ઘરમાં ચલાવવા જેવી આ એક મજાની પ્રવૃત્તિ છે.




: ૧૨ :


મિકેનો વગેરે

⁠મિકેનો અને એવી રમતો કે સાધનો કે જે વાપરવાથી બાળકોમાં યાંત્રિક બુદ્ધિ અને આવડત વધે છે, તેવાં સાધનો ઘરમાં વસાવવાં. આવાં સાધનો મધ્યમ વર્ગ માટે મોંઘાં પડે તેમ હોય તો તેમણે તે જતાં કરવાં. અથવા બે ચાર પાડોશીઓ મળી એવાં સાધનો સૌને માટે ભેગાં વસાવે અને અમુક એક ઘરમાં તે રાખે, ને ત્યાં બાળકો આવીને તે વાપરે. જોકે બાળકો તો ભેગાં રહીને વાપરશે અને તેનો આનંદ લેશે, પરંતુ માબાપો તેમાંથી લડવાનું નહિ શોધે એની ખાતરી નથી. ભેગાં ચાલી શકે તેમ હોય તો જ આ પ્રયોગ કરવો.

⁠મિકેનો કે એવાં સાધનો સાથે જોઈતી એકાંત જગા અને બેઠક પૂરાં પાડવાં. ખાસ કરીને જે બાળકને આવી બાબતનો શોખ છે તે તો આ પ્રવૃત્તિને મીઠા ભોજન રૂપે સ્વીકારશે.


: ૧૩:


ફૂલો અને પાંદડાં એકઠાં કરવાં

⁠બાળકોને શોધવું, એકઠું કરવું અને મૂકવું ગમે છે. અર્થાત્ બાળકમાં સંગ્રહ–સંચય કરવાની વૃત્તિ (collecting spirit) સારી છે. એ વૃત્તિ એટલે મ્યુઝિયમ સ્પિરિટ-વસ્તુસંચય વૃત્તિ. બાળકો પોતે પોતાની આસપાસની દુનિયામાંથી પદાર્થોમાંથી જે જ્ઞાન મેળવે છે તે જ્ઞાન એવું ને એવું પોતાની સામે મૂકવા પણ સંગ્રહો કરે છે. એમ પણ કહેવાય છે કે આમાં બાળકની પ્રાથમિક કાળની પરિગ્રહ (possessive) વૃત્તિની સદ્‌ગતિ કે ઉચ્ચ ગતિ રહેલી છે.

⁠બાળકોને પોતાની આસપાસની દુનિયા જોવા અને તેમાંથી ઠીક લાગે તે ભેગું કરવા છોડી મૂકવાં. તેઓ જે એકઠું કરે તે વધાવી લઈએ. તેમાં બકરાની લીંડીઓ અને કાચના કટકા પણ આવશે. પરંતુ આજે જે વસ્તુઓ સામે જોઈને આપણે હસીએ છીએ તે જ વસ્તુઓ આપણે નાનપણમાં ધારી ધારીને જોઈ છે; તે કેવી છે તે બધી ઇન્દ્રિયોથી જાણવા મહેનત કરી છે; વખત ગાળી તેને વિષે જ્ઞાન મેળવ્યા પછી જ આજે તેને નકામી કરી દીધી છે. પણ એમ તો જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ નકામું છોડતાં જઈએ છીએ; અને તેથી પાછળનાંઓ નકામું પડતાં છોડી દેશે એવી જાતઅનુભવની ખાતરીથી જ તેમને તે લેવા-એકઠું કરવા દઈએ.

⁠ભેગું કરેલું સરસ રીતે ગોઠવી તેઓ કલાદૃષ્ટિ કેળવશે. ભેગી કરેલી વસ્તુઓને સાચવીને મૂકવાની અનુકૂળતા આપણે તેમને કરી આપીએ.

⁠ફૂલો અને પાંદડાંને ખાસ રીતે એકઠાં કરવાનું બતાવી શકીએ. બાળકો ફૂલો અને પાંદડાં લાવીને ચોપડીમાં દબાવીને મૂકી દે. તેઓને વનસ્પતિનો આ રીતે પણ ઠીક પરિચય થશે. ચિત્ર માટે આ નમૂના કામમાં આવે; શણગાર રૂપે આ નમૂનાને વાપરી શકાય.


: ૧૪ :


રેતીનો ઢગલો

⁠આંગણા સામે રેતીનો ઢગલો એટલે પ્રવૃત્તિઓની શાળા. બાળકોને ત્યાં જવા દેવાં. કૂવા, બાગ, રસ્તા, ગઢ, ડુંગરા વગેરે છૂટથી કરવા દેવાં. માથામાં રેતી ન ભરાય તે બતાવવું. રેતીવાળા હાથ ધોવાને માટે પાણીની જગા આપી દેવી. રેતીમાં રમવાથી કપડાં મેલાં થતાં હોય તો માત્ર ચડી જ પહેરાવવી. રેતીની અંદર ઘણું કામ બાળકો કરે છે તેની ખાતરી નજરે જોઈને કરવી. રેતીનો ઢગલો ફળિયું હોય તો અને પોસાય તો જરૂર આપો. બે ગાડાં રેતી બસ છે, એટલે દોઢ રૂપિયો બેસશે. જોકે શહેરમાં આ નહિ બની શકે.

ઉપર વર્ણવેલી પ્રવૃત્તિઓ જેવી જ બીજી ઘણી પ્રવૃત્તિઓ છે જેવી કે સિક્કા સાફ કરવા, રંગોળી પૂરવી, તકલી ચલાવવી, વાળવું ચોળવું, વાસણ માંજવાં, કપડાં ધોવા, વાંચવું, લખવું વગેરે વગેરે. એવી બધી પ્રવૃત્તિઓને ઘરમાં સ્થાન છે.


⁠આપણે ઉપલી યાદી વાંચીને તે પ્રમાણે ઝટઝટ પ્રવૃત્તિ ગોઠવી દેવાથી નહિ ચાલે. તે બાબતમાં થોડોએક વિચાર કરી લેવો પડશે. આપણે બાળકોની રમતો (games) અને પ્રવૃત્તિઓ (activities) બેને જુદાં સમજવાં. ઘરમાં બાળકો ઘણી જાતની રમતો રમી શકે, જેમ કે ચલકચલાણું, ગણગણ બોશલો, ગંજીપો, ચોપાટ વગેરે. બાળક એકલું પણ રમે ને બીજા સાથે પણ રમે. રમતો બધી આનંદ-આરામ માટે છે; એનો મુખ્ય હેતુ આનંદ કરવાનો છે. જ્યારે ઉપર વર્ણવેલી બધી પ્રવૃત્તિઓ છે, ને પ્રવૃત્તિઓનો પ્રધાન આત્મા સર્જન(creativity) છે. તે કરવાનું બાળકને મન રમતરૂપ છે; છતાં તે રમત (game) નથી. રમતમાં કંઈક કરવાનું હોય છે; ક્રિયા છે. સાત ટાપલિયા દાવમાં દોડવાનું છે, છતાં દોડવું એ એનો ઉદ્દેશ નથી; દોડીને હાથ ન આવવું કે ન પકડાવું એ ઉદેશ છે. આથી ક્રિયા રમતમાં અંતર્ગત છે. ઝાડને પાણી પાવું એ ક્રિયા છે; તેનો હેતુ તે ક્રિયા જ કરવાનો છે, અર્થાત્ ઝાડને પાણી પાવાનો છે. ત્યાં ક્રિયા અને હેતુ એક છે. અહીં ઝાડને પાણી પાવાને એક ક્રિયા અર્થાત્ પ્રવૃત્તિ કહેલ છે. આ લેખ આ અર્થમાં રમતો અને પ્રવૃત્તિમાં તફાવત પાડે છે. ‘ઘરની રમતો’ એ વિષય જુદો લખી શકાય. આ તફાવત સમજીને જ ઘરની જુદી જુદી પ્રવૃત્તિઓ ગોઠવવી.

⁠બીજી વાત એ સમજવા જેવી છે કે બાળકો માટે દરેકેદરેક ઘરમાં આવી બધી પ્રવૃત્તિઓ વસાવવાની ન હોય. બધાં ઘરો બધી પ્રવૃત્તિ દાખલ ન જ કરી શકે. માટે સાધન, સંપત્તિ, સગવડ વગેરે ધ્યાનમાં લઈ બને તેટલી પ્રવૃત્તિઓને માટે ગોઠવણ કરી આપવી. શ્રીમંત ઘરોમાં બધી જાતની પ્રવૃત્તિઓ શક્ય કરી શકાય; પરંતુ તેમ શક્ય કર્યા પછી તે બધી બાળકે કરવી જ જોઈએ એ વહેમમાં ન પડવું, બાળકને માટે શ્રીમંતને ત્યાં ખોરાકના ઢગલેઢગલા હોય તેથી જેમ તેણે કાંઈ બધું ખાઈ ન નખાય, તેમ પ્રવૃત્તિઓની બાબતમાં છે. આજે જ્યાં તે અત્યંત વધી પડે ત્યાં બાળકને તેનું અજીર્ણ ન થવું જોઈએ. બાળકને માટે પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિને માટે બાળક નથી. બાળકને પ્રવૃત્તિ વિના પડ્યું રહેવું પડતું નથી; તેને બીજું ઘણું કરવાનું છે જેથી આમાંનું ઘણું તે કરે તો કશી ફિકર નથી. મતલબે પ્રવૃત્તિ કરવા માટે બાળકને અનુકૂળતા કરી આપવાની છે તે કરવાની ફરજ મૂકવાની નથી. બાળક જે કરે તે રાજીખુશીથી કરે.

⁠જે જે પ્રવૃત્તિની આપણે બાળકને વ્યવસ્થા કરી આપીએ તે તે પ્રવૃત્તિ બાળક શાંતિથી કરે, વચ્ચે દખલગીરી વગેરે ન થાય, તે ખાસ જોવું. તે માટે અલાયદી જગા અપાય તો સારું. ઘણી પ્રવૃત્તિઓ રાખીને એકેયને માટે વ્યવસ્થા ન હોય, તેને બદલે એક જ-માત્ર એક જ વ્યવસ્થિત પ્રવૃત્તિ ઘણી ઉપકારક થશે.

⁠પ્રવૃત્તિઓ ગોઠવવામાં ઉપરની યાદી માર્ગદર્શક છે. જેઓ વૈજ્ઞાનિક બાબતમાં કે વનસ્પતિના વિષયમાં સમજતા હોય તેઓ તે તે વિષયમાંથી ઉપરને ધોરણે પ્રવૃત્તિઓ યોજી શકે. મારા ટૂંકા અનુભવ અને અલ્પ જ્ઞાનમાંથી ઉપલી યાદી મેં ઉપજાવી કાઢી છે.

⁠બાળક જ્યારે જ્યારે કંઈ કરે ત્યારે ત્યારે તેને આપણે અવલોકીએ તો આપણને અને તેને લાભ છે. આપેલી પ્રવૃત્તિઓમાંથી બાળક કઈ લે છે ને કઈ નથી લેતું, કઈ તેને અત્યંત ગમે છે ને કઈ સાવ નથી જ ગમતી, તે ઉપરથી તેનું કઈ બાબતમાં વલણ છે તેનો કંઈક ક્યાસ કાઢી શકીશું.

⁠હરકોઈ પ્રવૃત્તિ જો બાળકને એકાગ્ર રાખે નહિ, બાળક તેનાથી કંટાળી જાય, બાળક બાળક વચ્ચે માત્ર તે કજિયો કરાવનાર થાય, વારંવાર તે આપણી મદદ વિના ચાલી ન શકે તેવી લાગે, તો કાં તો બાળક તે માટે લાયક નથી અગર એ પ્રવૃત્તિ બાળકને માટે હમણાં ઉપયોગી નથી. એટલે તે બાજુએ મૂકી દેવી. એ પ્રવૃત્તિ સાચી ગણવી કે જે બાળકને રોકે, પ્રસન્ન રાખે, એકાગ્ર રાખે, બાળક તે કરતું કરતું હસે, ગાય ને બીજાને તેમાં ભેળવવા દોડે.

⁠બાળક પોતાને ઉપકારક એવી પ્રવૃત્તિથી પણ ઘણી વાર થાકી જાય છે. જ્યારે તેઓ એક વાર અત્યંત ગમતી અને એકાગ્ર કરનારી પ્રવૃત્તિ સામે લડે છે, ને બરાબર નથી કરી શકતાં તેથી ખિજાય કે ચિડાય છે. જાતે કરી શકતાં હતાં ત્યાં પણ બા બાપાને બોલાવી કરાવવા માગે છે, ત્યાં સમજવું કે હવે બાળક પ્રવૃત્તિથી થાક્યું છે; હવે પ્રવૃત્તિ તેને સુખ અને આરામ નહિ આપે. એટલે તે તેની પાસેથી આઘાત ન લાગે તેવી રીતે છોડાવવી. જેઓને અનુભવ હશે તે કહેશે કે “હા, વાત સાવ સાચી છે. થાકેલ બાળકને હળવેથી લઈ સુવારી દઈએ છીએ કે તરત જ તે ઊંધી જાય છે.”


⁠ઘણી વાર બે ચાર બાળકો એકઠાં થઈ પ્રવૃત્તિ ચલવે છે. આ વખતે ઘણી વાર તે સરસ ચાલે છે, તો ઘણી વાર મુશ્કેલી પડે છે. પ્રવૃત્તિ બરાબર ચાલતી નથી; એકેયને સંતોષ થતો નથી. કોઈ કોઈ વાર તો બાળકો લડી પણ પડે છે. આમાં જુદાં જુદાં કારણો પ્રવર્તે છે. આ બધાંની અહીં વિગતમાં ચર્ચા નથી થઈ શકતી. પણ આપણે કારણ જોઈ તેનો ઉપાય કરવો. સામાન્ય રીતે બાળકોને જાતે ગોઠવાઈ જવા દેવાં. ચાલે જ નહિ ત્યારે વચ્ચે પડી નિકાલ કરવો, અને તે કરવો ત્યારે ખૂબ ડહાપણથી અને સૌને-ઘણાંને સાચો લાગે તેવો સંતોષકારક કરવો.

⁠ઘણી વાર બાળકો માંદાં હોય છે, અગર આપણે વઢ્યાં કર્યાં હોઈએ છીએ ત્યારે તેમના મનની સ્વસ્થતા નથી હોતી. આથી પ્રવૃત્તિ વ્યવસ્થિતપણે ચાલતી નથી. પ્રવૃત્તિ તેમને કાયર કરે છે ને તેઓ આપણને કાયર કરે છે. પરિણામે આપણને થાય છે કે પ્રવૃત્તિ જ નકામી છે. આપણી નજરે પ્રવૃત્તિની કેળવણી વિષયક કિંમત ઘણી વાર ચડતી ઊતરતી આવાં બહિર્‌ કારણોને લીધે થવા સંભવ છે. ત્યાં આપણે ચેતીએ, અને પ્રવૃત્તિની નિંદા કે વિરોધ ન કરતાં એકંદરે દોષ કયાં રહેલો છે તે શોધીએ. 

10
લેખ
માબાપોને
0.0
આ નાનકડી ચોપડી આપને ખોળે મૂકતાં મને ઘણો આનંદ થાય છે. આ ચોપડીના લેખો જુદે જુદે વખતે આપને જ ઉદ્દેશીને લખેલા છે. એ લેખોમાં મેં આપની પાસે બાળકોની વકીલાત કરી છે. બાળકોનાં દુઃખો સંબંધે ફરિયાદ કરી છે. બાળકોનાં સુખો માટે માગણી કરી છે. બાળકોને સમજવાને માટે યાચના કરી છે. હું આશા રાખું છું કે આપ તે ધ્યાનમાં લેશો. ⁠બાળકોનો પક્ષ ખેંચતાં કોઈ વાર આપને શિખામણ દેવાઈ ગઈ હોય, વધારે પડતું કહેવાઈ ગયું હોય તો માઠું ન લગાડતાં. છેલ્લાં અઢાર વર્ષોમાં બાળકોની જે કંગાલ હાલત અને તેમના પ્રત્યેનું જે બેહૂદું વર્તન જોયું છે તેનું દુઃખ હું મારા હૃદયમાં છુપાવી શક્યો નથી, એટલે કોઈ કોઈ વાર આકરા શબ્દો લખાઈ ગયા છે, તો તે બદલ માફી માગું છું. ⁠બાળકો સંબંધ મારે એટલું બધું કહેવાનું છે કે કેટલાંયે પુસ્તકોમાં હું તે કહી ન શકું. આ તો મેં તેની શરૂઆત માત્ર કરી છે. બાળકો અને આપણા ભાગ્યે હું થોડા જ વખતમાં મારા બીજા અનુભવો આપની સેવામાં રજૂ કરીશ. ⁠‘બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો’ એ લેખ અંગ્રેજી ઉપરથી છે. તે ઉપાયો સમજણપૂર્વક અજમાવી જોવા જેવા છે.
1

લગ્નજીવનની ધન્યતા ક્યારે સમજાશે ?

5 July 2023
1
0
0

લગ્નજીવનની ધન્યતા ક્યારે સમજાશે ? ⁠જેમ બીજમાં વૃક્ષ છે, તેનાં ફૂલો અને ફળો છે, તેમ જ બાળકમાં સંપૂર્ણ મનુષ્ય છે. ⁠યુવાવસ્થા એ બાલ્યાવસ્થાનો વિકાસ માત્ર છે. બાળક અવસ્થાનો મધ્યાહ્‌ન એટલે યુવાવસ્થા. મ

2

બાળક – મહિમા

5 July 2023
0
0
0

બાળક – મહિમા બાળક પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે.બાળક કુદરતની સુંદરમાં સુંદર કૃતિ છે.બાળક સમષ્ટિની પ્રગતિનું એક આગળ પગથિયું છે.બાળક માનવકુળનો વિશ્રામ છે.બાળક પ્રેમનો પયગમ્બર છે.બાળક માનવશાસ્ત્રનું મૂળ છે

3

આપણાં બાળકોને ખાતર

5 July 2023
0
0
0

આપણાં બાળકોને ખાતર ⁠આપણે આપણાં બાળકો ખાતર શું કરીશું ? ⁠આ વળી એક નવો પ્રશ્ન. બાળક માટે આપણે શું નથી કરતાં કે વળી આવો પ્રશ્ન પુછાય છે ? ⁠આપણે તેને ખવરાવીએ પિવરાવીએ છીએ. આપણે તેને રમાડીએ જમાડીએ છીએ

4

બાળકનું ઘરમાં સ્થાન કયું ?

5 July 2023
0
0
0

બાળકનું ઘરમાં સ્થાન કયું ? ⁠રોજ રસોઈ કોને પૂછીને થાય છે ? ⁠બાળકને આ વસ્તુ ભાવશે કે નહિ, તેને આ પચશે કે નહિ, એવો વિચાર રાંધતી વખતે કેટલી માતાઓ કરે છે ? ⁠બાળકોને કંઈ ભાવે નહિ તો આપણે કહીએ કે તેને ખ

5

ઘરમાં બાળકે શું કરવું ?

5 July 2023
0
0
0

ઘરમાં બાળકે શું કરવું ? ⁠ઘણી વાર પૂછવામાં આવે છે કે “અમારું બાળક બાલમંદિરમાં અગર શાળામાં જાય છે ત્યાં સુધી તો તે પ્રવૃત્તિમાં રહે છે; પરંતુ ઘેર આવ્યા પછી તેણે શું કરવું ? ઘરમાં ચાલે તેવાં તેને લાયક

6

માબાપોએ શું કરવું ?

5 July 2023
0
0
0

માબાપોએ શું કરવું ? એક પત્ર ⁠બાલમંદિરમાં આપનાં બાળકોને દાખલ કરવાના આપના ઉત્સાહને હું પ્રેમપૂર્વક વધાવું છું. બીજી શાળાઓ કરતાં આ મંદિર આપને વધારે સારું લાગ્યું છે તે હું જાણું છું. આ શાળામાં લાંબ

7

માતાઓને

5 July 2023
0
0
0

માતાઓને : ૧ : ⁠જ્યારે અમારું બાલમંદિર શરૂ થયું ત્યારે આ બાલમંદિરમાં આવનારાં બાળકોને તેમનાં માબાપોએ કેમ રાખવા તથા તેમની સાથે કેવી જાતનું વર્તન રાખવું એ વિષે છાપેલ સૂચનાઓ તમને બધાંને મોકલવામાં આવે

8

શ્રીમંતોને

5 July 2023
0
0
0

શ્રીમંતોને ⁠હું આ લેખ ખાસ કરીને શ્રીમંતો માટે લખું છું. છતાં એનો અર્થ એવો નથી કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના માણસો આનો લાભ ન જ લઈ શકે. આ લેખ શ્રીમંતોને માટે એટલા માટે છે કે આમાં કરેલી સૂચનાઓનો મોટે ભ

9

બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો

5 July 2023
0
0
0

બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો ⁠સામાન્યતઃ કોઈ પણ આદર્શ વર્ગમાં કે શાળામાં જતાં સાધારણ બાળકો કામ કરે છે ત્યાં બાળકોની વ્યવસ્થા અથવા નિયંત્રણનો પ્રશ્ન ઊભો જ થતો નથી. જ્યારે શિક્ષકને બાળકો ઉપર પોલીસ

10

બાળકોની ગંદી રમતો

5 July 2023
0
0
0

બાળકોની ગંદી રમતો ⁠હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં માબાપો તરફથી મને આ પ્રશ્ન પૂછવામાં આવે છે: “કોઈ કોઈ વાર અમારું બાળક ગંદી રમતો રમે છે, અને જ્યારે ટોકીએ છીએ કે મારીએ છીએ ત્યારે એ ઊલટું છાનુંમ

---

એક પુસ્તક વાંચો