shabd-logo

ઘોડી ને ઘોડેસવાર

15 October 2023

32 જોયું 32

ઘોડી ને ઘોડેસવાર

ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા,
(કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા

એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે ? જવાબ મળે છે કે, બીજે ક્યાં જાય ? – બેમાંથી એક માર્ગે : કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કાં સંગ્રામમાં ખડગ વીંઝવા; કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે.


કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર,
સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર.

પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સરજ્યાં છે : કોઈ તેજી ઘેાડો, કોઈ શુરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણી નારી. ત્રણેનો મેળ પ્રભુ જ મેળવી શકે છે.


ભલ ઘોડા, વલ વંકડા, હલ બાંધવા હથિયાર,
ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર.

ભલા ઘોડા સવારી કરવાના હોય, શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય, પછી બહોળા શત્રુ-ઘોડેસવારો પર ત્રાટકવાનું હોય, તો પછી ભલે મોત આવે – મરવું તો એક જ વાર છે ને !


મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાતો મંડાણી હતી : કોઈ માણકીનાં વખાણ કરતું હતું, તો કોઈ તાજણનાં પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ​ફૂલમાળ, રેશમ, વાંદર્ય...વગેરેની વાતો નીકળી. એક જણે ડુંઘાની ઘૂંટ લેતાં લેતાં કહ્યું, “એ બાપ ! જે ઘડીએ જાતવંત ઘોડાને માથે એવા જ જાતવંત અસવાર ચડે, તે ઘડીએ જાતા આભનેય ટેકો દ્યે, હો !”

એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકતા હતા.

"કાં બા, હસો કાં ? મેાટા અસવાર દેખાઓ છો !”

“અસવાર હું તો નથી, પણ એવા એક અસવાર અને એવી જ જોડીદાર ઘોડી મેં જોયેલ છે!”

“ત્યારે, બા, કહો ને એ વાત ! પણ વાતમાં મોણ ન ઘાલજો ! જોયું હોય એવું જ કહી દેખાડજો.”

ખોંખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું. પછી એણે ડાયરાને કહ્યું : “ બા, જોયું છે એવું જ કહીશ, મોણ ઘાલું તો જોગમાયા પહોંચશે, પણ ચારણનો દીકરો છું, એટલે શૂરવીરાઈને લાડ લડાવ્યા વગર તો નહિ રહેવાય.”

હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી.

વધુ નહિ, પચીસેક વરસ વીત્યાં હશે. સોરઠમાં ઈતરિયા ગામે સૂથો ધાધલ નામનો એક કાઠી રહેતો હતો. પચીસેક વરસની અવસ્થા. ઘરનો સુખી આદમી, એટલે અંગને રૂંવાડે રૂંવાડે જુવાની જાણે હિલોળા લ્યે છે. પરણ્યાં એકાદ-બે વરસ થયાં હશે. કાઠિયાણીને ખોળો ભરીને પિયરિયામાં સુવાવડ કરવા લઈ ગયાં છે. દીકરો અવતર્યો છે. બે મહિના સુવાવડ પહેલાંના, અને બે મહિના સુવાવડ પછીના – એમ ચાર- ચાર મહિનાના વિજોગ થયા એની વેદના તો આપા સૂથાના અંતરજામી વિના બીજું કોણ સમજી શકે ?

એમ થાતાં થાતાં તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઇંદ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડૂકવા મંડ્યો. ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આભ-જમીનનાં ​વારણાં લેવા માંડી. સાત-સાત થર બાંધીને કાળાંઘોર વાદળાં આસમાનમાં મંડાઈ ગયાં.

પછી તો, વાંદળાંનાં હૈયાંમાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશનાં કાળજા ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી. કોણ જાણે કેટલાયે આઘેરા સાગરને કાંઠે દિલડાંનાં સંગી બેઠાં હશે, તેને સંભારી સંભારીને વિજોગી વાદળાંઓ મનમાં મનમાં ધીરું ધીરું રેાવા માંડ્યાં. પાતાની સાંકળ (ડોક)ના ત્રણ-ત્રણ કટકા કરીને મોરલા 'કે હૂ...ક! કે હુ...ક !' શબ્દ ગેહકાટ કરવા મંડ્યા; ઢેલડીઓ 'ઢેકૂક !... ઢેકૂક!' કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી. વેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઊંચે ચડવા મંડી. આપા સૂથાએ આભમાં નીરખ્યા જ કર્યું . એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો. એક રાત તો એણે પથારીમાં આળોટી આળોટીને કાઢી. સવાર પડ્યું ત્યાં એની ધીરજની અવધિ આવી રહી. પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઈને આપો સૂથો સસરાને ગામ મેંકડે રવાના થયા.

મેંકડે પહેાંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી. પણ સાસરિયામાં જમાઈરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય ! એ પોપટનો છુટકારો એકદમ તો શી રીતે થાય ? એમાંય વળી વરસાદ આપાનો વેરી જાગ્યો : દિવસ અને રાત આભ ઇંદ્રાધાર વરસવા લાગ્યો. હાથીની સૂંઢો જેવાં પરનાળાં ખોરડાંનાં નેવાંમાંથી મંડાઈ ગયાં. એ પાણીની ધારો નહોતી વરસતી. પણ આપાને મન તે ઇંદ્ર મહારાજની બરછીએા વરસતી હતી ! સાસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાની તો શું, પણ એાઢણાનો છેડોયે નજરે ન પડે ! એમ ત્રણ ​દિવસ થયા. આપાનો મિજાજ ગયો. એણે જાહેર કરી દીધું કે, “મારે તો આજે જ તેડીને જાવું છે.”

સાસુ કહે : “અરે બાપ ! આ અનરાધાર મે' મંડાણો છે... એમાં ક્યાં જશો ?”

“ગમે ત્યાં – દરિયામાં ! મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે. મારે વાવણી ખેાટી થાય છે."

આપાને શાની વાવણી ખેાટી થાતી હતી ! – હૈયાની વાવણી !

ગામનો પટેલ આવ્યો. પટેલે કહ્યું : “આપા ! તમને ખબર છે? આડી શેત્રુંજી પડી છે. આજ ત્રણ-ત્રણ દિવસ થયાં શેત્રુંજીનાં પાણી ઊતરતાં નથી. ચારેકોર જળબંબાકાર થઈ ગયું છે અને તમે શી રીતે શેત્રુંજી ઊતરશો ?”

“ત્યાં વળી થાય તે ખરું, પણ આંહીંથી તો નીકળ્યે જ છૂટકો છે.”

“ઠીક, આજનો દિવસ જાળવો. આંહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મે' વરસતો હોય તો પણ મારા છ બળદ જોડીને તમને ઈતરિયા ભેળા કરી દઈશ.”

તે દિવસ આપો રોકાણા. બીજે દિવસે છ બળદ જોડીને પટેલ ગાડું લઈ હાજર થયો. વરસાદ તો આભમાં તેાળાઈ રહ્યો હતો. બધાંએ જમાઈના મોં સામે જોયું, પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણીએ માથાબોળ નાહીને ધૂપ[૧] દીધેલાં નવાં લૂગડાં પહેર્યાં. માથું ​એાળીને બેય પાટી ભમરાની પાંખ જેવો કાળો, સુગંધી સોંધો લગાવ્યો. સેંથામાં સુગંધી હિંગળો પૂર્યો. માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠાં.

મેંકડા અને ઈતરિયા વચ્ચે, મેંકડાથી અઢી ગાઉ ઉપર, ક્રાંકચ ગામને પાદર, શેત્રુંજી નદી ગાંડીતૂર બને છે. ઠેઠ ગીરના ડુંગરમાંથી શેતલ (શેત્રુંજી)નાં પાણી ચાલ્યાં આવે એટલે આઠ-આઠ દિવસ સુધી એનાં પૂર ઊતરે નહિ. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઊતરવી પડે.

ગાડું અને માણકીનો અસવાર શેત્રુંજીને કાંઠે આવીને ઊભાં રહ્યાં. માતેલી શેતલ ઘુઘવાટા કરતી કરતી બે કાંઠે ચાલી જાય છે. આજ એને આ જોબનભર્યા કાઠી જુગલની દયા નહોતી. નદીને બેય કાંઠે પાણી ઊતરવાની વાટ જોતાં વટેમાર્ગુઓની કતાર બંધાઈને બેઠી હતી. હું ય તે દી શેતલને કાંઠે બેઠો હતો, ને મેં આ બધું નજરોનજર જોયું. ત્રાપાવાળાઓ ત્રાપા બાંધીને ચલમ ફૂંકતા હતા. બધાંય વટેમાર્ગુ આ કાઠિયાણીની સામે જોઈ રહ્યાં – જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યાં હોય ! જોગમાયાના સમ શું એ રૂપ ! નદીને જો આંખ્યું હોત તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત !

આપા સૂથાએ ત્રાપાવાળાને પૂછ્યું : “ સામે કાંઠે લઈ જશે ?”

કોળીઓ બોલ્યા : “દરબાર, આમાં ઊતરાય એમ નથી. જુઓ ને – બેય કાંઠે આટલાં માણસો બેઠાં છે !”

“પાણી ક્યારે ઊતરશે ?” ​ ”કાંઈ કહેવાય નહિ.

ગાડાવાળા પટેલે આપાને કહ્યું : “આપા ! હવે ખાતરી થઈ? હજીય માની જાવ તો ગાડું પાછું વાળું.”

“હવે પાછાં વળીએ તો ફુઈ (સાસુ) ત્રણ તસુ ભરીને નાક કાપી લ્યે ! પાછાં તો વળી રિયાં, પટેલ !”

આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાઉં' – એવા ઉછાળા એ મારી રહી હતી. નદીના મસ્ત ઘુઘવાટાની સામે માણકી પણ હણહણાટી દેવા લાગી. ઘડીક વિચાર કરીને ઘોડેસવાર ત્રાપાવાળા તરફ ફર્યો. “ કોઈ રીતે સામે પાર ઉતારશો ?”

“કેટલાં જણ છો ?” લાલચુ ત્રાપાવાળાએાએ હિંમત કરી.

“એક બાઈ ને એક બચ્યું. બોલો, શું લેશો ?”

“રૂપિયા સોળ હોય તો હમણાં ઉતારી જઈએ.”

“ સોળના કાકા !” કહી આપાએ કમરેથી વાંસળી છોડીને “ખડિંગ....ખડિંગ” કરતા સોળ રૂપિયા ગણી દીધા. જાણે એ રણકારમાં આપાની આજની આવતી મધરાતના ટકોરા વાગ્યા. એણે હાકલ કરી “ઊતરો હેઠાં.”

કાઠિયાણી નીચે ઊતરી. બે મહિનાનું બાળક બે હાથે હૈયાસરસું દાબીને બાઈ એ ધરતી ઉપર પગ માંડ્યા. શું એ પગ ! જાણે પગની પાનીએામાંથી કંકુની ઢગલી થાતી જાય. કસૂંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું માં દેખાતું હતું. કાળાં કાળાં વાદળાંનું કાજળ ઉતારીને આંજેલી જાણે એ બ આંખો : અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતીચોળ ચટકી : હેમની શરણાઈઓ જેવી એના હાથની કળાયું : માથે લીલાં લીલાં છૂંદણાં : બંસીધારી ​કા'ન અને ગોપીનાં એ મોરાં : અને હેમની દીવીમાં પાંચ- -પાંચ જ્યોત સળગતી હોય તેવી, ડાબા-જમણા હાથની પાંચ-પાંચ આંગળીઓ : મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી. બધાંય બોલી ઊઠ્યાં : “આપા, ગજબ કાં કરો ? આવું માણસ ફરી નહિ મળે, હો ! આવું કેસૂડાના જેવું બાળક કરમાઈ જાશે. આપા, પસ્તાશો; પોક મૂકીને રેાશો.”

“જે થાય તે ખરી, ભાઈઓ ! તમારે કાંઈ ન બોલવું.” આપાએ જરાક કોચવાઈને ઉત્તર દીધો, કાઠિયાણીને કહ્યું : “બેસી જાઓ.”

જરાયે અચકાયા વિના, કાંઈ યે પૂછપરછ કર્યા વિના, “જે માતા !” કહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી. પલાંઠી વાળી ખેાળામાં બાળક સુવાડ્યું. ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો. ચાર તૂંબડાં, અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો ! મોઢા આગળ ધીંગું રાંઢવું બાંધેલું હોય. એ રાંઢવું ઝાલીને બે તરિયા એ ત્રાપાને તાણે. એ રીતે ત્રાપો તણાવા લાગ્યો. આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે. ત્રાપો સામે પાર પહેાંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું, અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં – એવા અડગ વિશ્વાસથી એ ઊભેા હતેા. માણકીને તો એણે આવાં કેટલાંયે પૂર ઉતરાવ્યાં હતાં. અને માણકી પણ જાણે પોતાની સમોવડ કાઠિયાણી પોતાની આગળ પાણી તરી જાય છે એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પછાડવા લાગી. જાણે એના પગ નીચે લા બળતી હોય એમ છબ્યા-ન-છબ્યા પગે એ ઊભી છે.

ત્રાપો શેતલની છાતી ઉપર રમવા લાગ્યો. નાનું બાળક ​નદીની લીલા નિહાળીને ઘુઘવાટા દેતું ઊછળવા લાગ્યું. માતાએ ત્રાપાની સમતોલતા સાચવવા બાળકને દબાવ્યું, ત્યાં તો મધવહેણમાં પહોંચ્યાં.

"ભૂંડી થઈ!" એકાએક આપાના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો.

"ગજબ થયો !” બેય કાંઠાના માણસો એ જાણે પડઘો દીધો.

આશરે એક સો આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી; વાંભ એક લાંબો, એક કાળોતરો સાપ મૂંઝાતો મધવહેણમાં. ઉડતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઈ ગયેલો. પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા. એ ઊગરવાનું સાધન ગોતતો હતો. એણે ત્રાપો દેખ્યો. અર્જુનના ભાથામાંથી તીર જાય તેમ આખું શરીર સંકેલીને નાગ છલાંગ મારી ત્રાપા ઉપર જઈ ચડ્યો, બરાબર કાઠિયાણીના મોં સામે જ મંડાણો. સૂપડા જેવી ફેણ માંડીને “ફૂં...” અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા ઉપર ફેણ પછાડવા લાગ્યો. પણ એ તો કાઠિયાણી હતી ! એ ન થડકી. એનાં નેત્રો તેા નીચે બાળક ઉપર મંડાણાં છે. એના મુખમાંથી “જે મા !... જે મા ! ”ના જાપ ઊપડ્યા.

“આપા, ગજબ કર્યો !” માણસો એકશ્વાસે બોલી. ઊઠ્યા. આપા તો એકધ્યાન બની રહ્યા છે. એણે જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું, રાંઢવા ઉપર શરીર લાંબુ કરીને એ ચાલ્યો. આપાએ બૂમ પાડી :

“ એ જુવાનો ! સામા કાંઠા સુધી રાંઢવું ન છોડજો, હો ! સો રૂપિયા આપીશ.”

ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા : આ શી તાજુબી ! સો રૂપિયા બીજા ! પાછું ફરીને જુએ ત્યાં તો કાળને અને એના હાથને એક વેંતનું છેટું ! 'વોય બાપ !' ​ચીસ નાખીને એમણે હાથમાંથી રાંઢવું મૂકી દીધું; “ ઢબ - ઢબ - ઢબાક ! ” ઢબતા ઢબતા બેય જણા કાંઠે નીકળી ગયા.

રાંઢવું છૂટ્યું, અને ત્રાપો ફર્યો. મધવહેણમાં ઘૂમરી ખાધી.... ઘરરર ! ઘરરર ! ત્રાપો તણાયો. “એ ગયો.... એ ગયો... કેર કર્યો આપા ! – કેર કર્યો” એવી રીડિયારમણ બેય કાંઠે થઈ રહી. રાંઢવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો, બાઈની સામે મંડાણો. બાઈની નજરના તાર તો બીજે ક્યાંય નથી – એના બાળક ઉપર છે; અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે. ત્રાપો ઊભે વહેણે ઘરેરાટ તણાતો જાય છે. 'જે જગદમ્બા 'નો મૃત્યુ-જાપ જપાતો જાય છે.

આપો જુએ છે કે કાઠિયાણી ચાલી ! એક પલકમાં તો એણે અસ્ત્રી વિનાને સંસાર કલ્પી લીધો, અને –


ડુંગર ઉખર દવ બળે, ખન-ખન ઝરે અંગાર,
જાકી હેડી હલ ગઈ, વો કા બુરા હવાલ.

અને –


કંથા પહેલી કામની, સાંયા , મ માર્યે,
રાવણ સીતા લે ગયો, વે દિન સંભાર્યે.

– એવા એવા ધ્રાસકા પડી ગયા. પણ વિચારવાનું વેળું ક્યાં હતું ?

કાઠીએ માણકીની વગ ઉતારીને કાઠાની મૂંડકી સાથે ભરાવી. મોરડેાય ઉતારી લીધો. ઊગટાને તાણીને માણકીને ત્રાજવે તોળે તેમ તોળી લીધી, ઉપર ચડ્યો. નદીને ઊભે કાંઠે હેઠવાસ માણકીને વહેતી મૂકી. મણીકા-મણીકા જેવડા માટીના પિંડ ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર પલક વારમાં પહેાંચી. આ બધું વીજળીને વેગે બન્યું.

“બાપ માણકી! મારી લાજ રાખજે !” કહીને ઘોડીના ​પડખામાં એડી લગાવી. શેત્રુંજીના ઊંચા ઊંચા ભેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીંકી. “ ધુખાંગ” દેતી દસ હાથ ઉપર માણકી જઈ પડી. ચારે પગ લાંબા કરીને એ પાણીમાં શેલારો દેવા લાગી, પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડેસવારની છાતી એટલો જ ભાગ દેખાતા હતા. માણકી ગઈ બરાબર મધવહેણમાં ત્રાપા આડી ફરી. ત્રાપો સરી જવામાં પલક વાર હતી. આપાના હાથમાં ઉઘાડી તલવાર હતી. બરાબર ત્રાપો પાસે આવતાં જ આપાએ તલવાર વાઈઃ “ડુફ ” દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડયું. પલક વારમાં આપાએ રાંઢવું હાથમાં લઈ લીધું.

“ રંગ આપા ! વાહ આપા!” નદીને બેય કાંઠેથી લેાકેાએ ભલકારા દીધા. મસ્તીખોર નદીએ પણ જાણે શાબાશી દીધી હોય તેમ બેય ભેડામાંથી પડછંદા બેાલ્યા.

ચારે દિશામાં રાક્ષસ જેવા લોઢ ઊછળી રહ્યા છે ! કાઠિયાણી અને બાળક પાણીમાં તરબોળ છે : મા-દીકરાનાં મોંમાં પણ પાણી જઈ રહ્યું છે. આપો ઉપરવાસ નજર કરે ત્યાં તેા આરો અર્ધો ગાઉ આઘે રહી ગયેલો; સામે પાણી- એ ઘોડી ચાલી શકશે નહિ. સન્મુખ નજર કરે ત્યાં નદીના બેડા માથેાડું-માથેાડું ઊંચા! કેવી રીતે બહાર નીકળવું ?

“બાપ માણકી! બેટા માણકી !” કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી. ઘોડી ચાલી.

“કાઠિયાણી, હવે તારું જીવતર રાંઢવામાં છે, મા બરાબર ઝાલજે.” કાઠીએ કહ્યું.

કાઠિયાણીએ બાળકને પલાંઠીમાં દબાવ્યો : બે હાથે રાંઢવું ઝાલ્યું, રાંઢવાના છેડા આપાએ કાઠાની મૂંડકીમાં ​ભરાવ્યેા. માણકી કાંઠા પાસે પહોંચી, એના પગ માટી ઉપર ઠેરાણા.

“કાઠિયાણી ! ઝાલજે બરાબર !” કહીને આપાએ માણકીના પડખામાં પાટું નાખી. ચારે પગ સંકેલીને માણકીએ એ માથોડું-માથોડું ભેડા ઉપર છલાંગ મારી... પણ ભેડા પલળેલા હતા, માટીનું એક ગાડા જેવડું ગાંદળું ફસક્યું. માણકી પાછી પાણીમાં જઈ પડી. ત્રાપો પણ, એ બાળક અને માતા સોતો, પાછો પછડાણો. મા-દીકરા મૂંઝાઈને પાછાં શુદ્ધિમાં આવ્યાં.

“બાપ માણકી !” કહીને ફરી વાર ભેખડ પાસે લઈને આપાએ માણકીને કુદાવી. ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી. ભૂતાવળ જેવાં મેાજાં જાણે ભેાગ લેવા દોડ્યાં આવ્યાં.

ત્રીજી વખત જ્યારે માણકી પડી, ત્યારે કાઠિયાણી બોલી : “કાઠી, બસ ! હવે ત્રાપો મેલી દ્યો ! તમારો જીવ બચાવી લ્યો. કાયા હેમખેમ હશે તે બીજી કાઠિયાણી ને બીજો છોકરો મળી રહેશે. હવે દાખડો કરો મા.”

“બોલ મા ! – એવું વસમું બોલીશ મા ! નીકળીએ, તો ચારે જીવ સાથે નીકળીશું; નીકર ચારે જણાં જળસમાધિ લેશું. આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે – કાં ઈતરિયાને એારડે, ને કાં સમદરના પાતાળમાં.”

“માણકી ! બાપ ! આંહી અંતરિયાળ રાખીશ કે શું ?” કહીને ચોથી વાર એડી મારી. માણકી તીરની માફક ગઈ. ભેડાની ઉપર જઈ પડી. કૂવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમખેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો. “રંગ આપા ! રંગ ઘોડી !” એમ કિકિયારી કરતાં માણસો ટેાળે વળ્યાં, આપા માણકીને પવન નાખવા ​મંડ્યા. પણ માણકીને હવે પવનની જરૂર નહોતી : એની આંખો નીકળી પડી હતી, એના પગ તૂટી ગયા હતા, એના પ્રાણ છૂટી ગયા હતા.

માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો ફેંટો બાંધ્યેા હતો તે ઉતારીને સૂથા ધાધલે માણકીના શબ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બથ ભરીને પોતે પોકે પોકે રોયો. “બાપ માણકી ! મા માણકી !” – એવા સાદ પાડી પાડીને આપાએ આકાશને રોવરાવ્યું, ત્યાં ને ત્યાં જળ મૂકયું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું. કાઠિયાણીનાં નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલ્યાં જતાં હતાં.

એંસી વરસનો થઈને એ કાઠી મર્યો. પોતાના ભાણેજ દેવા ખાચરની ઘોડારમાં બાર-બાર તો જાતવંત ઘોડાં હતાં : પણ પોતે કદી કોઈ ઘોડે નહોતો ચડ્યો.

“ રંગ ઘેાડી - ઝાઝા રંગ !” એમ કહીને આખા ડાયરાએ કાન પકડ્યા.

[ ઘોડી ઠેકાવતી વખતે ત્રાપો અને તે પર બેઠેલાં બાળક માતા ત્રણ. -ત્રણ વાર શી રીતે સાથે રહી શકે એવી શંકા મિત્રોએ ઉઠાવી છે. એનું સમાધાન કરવા માટે પેલો નજરે જોનાર વાર્તાકાર આજે હાજર નથી, એટલે આપણે સુખેથી સમજી લઈએ કે અસવારે કાઠિયાણીને બાળક સોતી ઘોડી ઉપર બેલડ્યે ( પાછળ ) બેસાડી લઈ પરાક્રમ કર્યું હશે. ]

  1.  અસલી કાઠિયાણીઓ અને ચારણ્યો આ સુગંધી ધૂપ જુદી જુદી સુગંધી વનસ્પતિમાંથી પોતાને હાથે જ બનાવતી, અને ધોયેલાં વસ્ત્રોને એનો ઘુમાડો દઈ સ્નાન કર્યા પછી પહેરતી. એકેક મહિના સુધી ખુશબો ન જાય તેવો એ ધૂપ હતો, સોંઘા નામનો 'પોમેટમ' જેવો જ ચીકણો. પદાર્થ પણ તે સ્ત્રીઆ જાતે તૈયાર કરતી. એાળેલા વાળ ઉપર એનું લેપન થતું તેથી વાળ કાળા, વ્યવસ્થિત અને સુગંધી રહેતા. પણ એ સોપો ભરીને સ્ત્રીએ સુંદર કમાનો કોરતી. ગાલ ઉપર પણ એની ઝીણી ટપકી કરીને સૌંદર્ય વધારતી.
24
લેખ
સૌરાષ્ટ્રની રસધાર ૩
0.0
"આ આવૃત્તિમાં પણ વધુ પુનઃ સંસ્કરણ કરવાનું ચાલુ રહ્યું છે. દરેક વાર્તાને ફરી તપાસી, શૈલીની કઠોરતા તેમ જ વિચારની અતિશયતા દૂર કરી છે. પ્રવેશકમાંથી પણ આવેશીલા લાગતા કેટલાક ફકરા બાદ કર્યા છે. સનાળીવાળી ચારણ - સ્નેહી શ્રી ગગુભાઈને મેં સદાને માટે ગુમાવ્યા છે. પણ આમાંની કેટલીક વાર્તાઓ ફરી તપાસતાં એમનું સ્મરણ ફરી લીલુંછમ થાય છે. ઝવેરચંદ મેઘાણી.રાણપુર : ૮-૭-૪૧
1

દિલાવર સંસ્કાર

15 October 2023
0
0
0

દિલાવર સંસ્કાર [પ્રવેશક] ભાતીગળ ફાલબગીચામાં રંગબેરંગી ફૂલો ખીલતાં હોય છે પણ કોઈ કોઈ ફૂલોની પાંખડીએ પાંખડીએ એકસામટા સાત સાત રંગોની ભાત પડેલી દીસે છે તેનું કારણ શું હશે ? પુષ્પોનાં વિધવિધ પુંકેસરો ઊડી

2

ઘોડી ને ઘોડેસવાર

15 October 2023
0
0
0

ઘોડી ને ઘોડેસવાર ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર

3

કલોજી લૂણસરિયો

15 October 2023
0
0
0

કલોજી લૂણસરિયો ગોંડળના કોઠા ઉપર 'ધ્રુસાંગ ! ધ્રસાંગ ! ધ્રુસાંગ !' એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને 'ઘેાડાં ! ઘોડાં ! ઘેાડાં !” પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા

4

વેર

15 October 2023
0
0
0

વેર કુંડલાના થડમાં અરઠીલા[૧] ગામ છે. તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે, અને કાંકચ ગામમાં વેસૂર ગેલવેા નામે સોનરા બાટીનો સાળો રહે. બન્નેનો સારો ગરાસ હતેા. સાળા-બનેવીને હેતપ્રીત પણ રૂડી હતી. એક વાર સ

5

પાદપૂર્તિ

15 October 2023
1
0
0

પાદપૂર્તિ કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તે રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે; કસૂંબાના ઘૂંટડા બીજી કોઈ ભુજાની અંજળિમાંથી એને

6

હજાર વર્ષ પૂર્વે

15 October 2023
0
0
0

હજાર વર્ષ પૂર્વે એક હજાર વર્ષ પૂર્વે, એક દિવસ સાંજે, પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાએાએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી, વિસામો ખાવા બેઠા. હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભુજ-દંડ હતા. લો

7

ઘોડાંની પરીક્ષા

15 October 2023
0
0
0

ઘોડાંની પરીક્ષા ઘણું કરીને તો એંસી વરસ પહેલાંની આ વાત છે. જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે. તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો. માણસો આવીને રોજરોજ એની પાસે વાત ઉચ્ચારે : “બાવાજી, આપા લૂણાની લખીની ત

8

કાઠિયાણીની કટારી

15 October 2023
0
0
0

કાઠિયાણીની કટારી કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બેય પડખે બે ભાલાળા વોળાવિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસપહાણના પોઠિયા જેવા ધોળા ન

9

આલેક કરપડો

15 October 2023
1
0
0

આલેક કરપડો ભાડલામાં લાખા ખાચરની ડેલીએ એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો. કસૂંબાના રંગ દેવાતા હતા. એ વખતે આપા લાખાના બે કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે સાદે વાતે વળગ્યા હતા. “જસા ગીડા !” વીકા ગીડાએ કહ્ય

10

દુશ્મન

16 October 2023
0
0
0

દુશ્મન મોતી જેવાં નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું. એક દિવસ સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે. અંગ ઉપર પાણકોરાની

11

રાઠોડ ધાધલ

16 October 2023
0
0
0

રાઠોડ ધાધલ સોરઠમાં મેાટી મેાટી લડાઈઓનો જુગ આથમી ગયેા હતેા. ભાવેણાનો બંકો રાજા આતાભાઈ, જેતપુરનો કાળઝાળ કાઠી રાજા દેવો વાળો, નગરની બાદશાહી બાંધનાર મેરુ ખવાસ અને ગોંડળના ડંકા વગાડનાર ભા'કુંભો એવા કં

12

આઈ !

16 October 2023
0
0
0

આઈ ! ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખે

13

આઈ !

16 October 2023
0
0
0

આઈ ! ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખે

14

મહેમાની

16 October 2023
0
0
0

મહેમાની ભડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે. ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતક જોઈ રહ્યો. બધા

15

ધણીની નિંદા !

16 October 2023
0
0
0

ધણીની નિંદા ! ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?” “બાપુ ! ભેાજ ખાચરનાં પડના

16

હનુભાઈ

16 October 2023
0
0
0

હનુભાઈ લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. એવા ઘાટા એ શેરડીના થર સંધા

17

ભાઈ!

16 October 2023
0
0
0

ભાઈ! ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આાયર મરી ગયા, અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ એાથ રહી હતી.

18

કાનિયો ઝાંપડો

16 October 2023
0
0
0

કાનિયો ઝાંપડો મહારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એકસામટી સો સો બંદૂકો સાથે સુદા

19

ચમારને બોલે

16 October 2023
0
0
0

ચમારને બોલે વાંકાનેરના દરબારમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢમાં માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. એારડામાં વડારણોનાં ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને

20

ઝૂમણાની ચોરી

17 October 2023
1
0
0

ઝૂમણાની ચોરી પચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખાચર નામના એક કાઠી રહેતા હતા. આપા કાળાને ઘેરે આઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને

21

અભો સોરઠિયો

17 October 2023
0
0
0

અભો સોરઠિયો સોરઠ દેશને દખણાદે કિનારે, માલણ નદીના કાંઠા ઉપર, મહુવા નામનું બંદર આવેલું છે. અરબી સમુદ્રનાં આસમાની મોજ રાતદિવસ મહુવાની ધરતીનાં વારણાં લીધા કરે છે. દરિયાની ગુંજારવ આઠે પહોર એ નગરીના લોકો

22

મેર જેતમાલ

17 October 2023
0
0
0

મેર જેતમાલ લખનાર : સ્વ. જગજીવનદાસ કા. પાઠકઆજે આસો સુદ નોમનો દિવસ છે. પાણકોરાના ચોરણા, પાસાબંધી આંગડીઓ ને માથે બાંધેલાં ભોજપરાંથી શોભતા હજારો રબારીઓ આજે બળેજમાં મમાઈને મઢે મેળે આવેલ છે. તેલમાં ભીંજાવ

23

ભાઈબહેન

17 October 2023
0
0
0

ભાઈબહેન ચોટીલાથી ત્રણ ગાઉ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે બે બાળકો છે : એક આંગળીએ વળગેલું અને બીજુ ક

24

પિંજરાનાં પંખી

17 October 2023
0
0
0

પિંજરાનાં પંખી સં.૧૯૬૭ના અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી*[૧] તાલુકાના કોઈ પણ તુંબેલ ચારણ જયારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી

---

એક પુસ્તક વાંચો