shabd-logo

કાનિયો ઝાંપડો

16 October 2023

13 જોયું 13

કાનિયો ઝાંપડો

હારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એકસામટી સો સો બંદૂકો સાથે સુદામડા ભાંગવા ચાલ્યું આવે છે.

સાંભળીને દરબાર શાદૂળ ખવડના માથામાં ચસકો નીકળી ગયો. આજ એને પોતાની આબરૂ ધૂળ મળવાનું ટાણું આવ્યું લાગ્યું. એના તમામ કાઠીઓ ગામતરે ગયા હતા. ગામમાં ઘરડાં-બુઢ્ઢા વિના કોઈ લડનારો ન મળે. હથિયાર હતાં નહિ, તેમ હથિયાર બાંધી જાણે તેવી વસ્તીયે નહોતી. ઘડીક વાર તો લમણે હાથ દઈને શાદૂળ ખવડ બેસી રહ્યા.

'પાળ આવે છે ! મિયાણાનું મોટું પાળ આવે છે !' એવા પોકાર આખા સુદામડામાં પડી ગયો, અને એ પોકાર સાંભળ્યા ભેળા તો લોકો ઘરમાંથી ધમાકા દેતાં બહાર આવ્યાં. કાઠિયાણીઓ સાંબેલાં લઈ લઈને ઉંબરે ઊભી રહી. છોકરાં તો પા'ણાની ઢગલી કરી શત્રુઓની સામે ધીંગાણું મચાવવા ટોળે વળ્યાં.

કોઈએ કહ્યું કે, “બાપુ મૂંઝાઈને બેઠા છે : હથિયાર નથી, માણસ નથી, ગામ લૂંટાશે. બાઈયુંને માથે તરકડાઓના હાથ પડશે. એટલે બાપુ તલવાર ખાઈને મરશે !”

“અરે માર્યા ! માર્યા ! અમે શું ચૂડિયું પે'રી છે ?” નાનાં નાનાં ટાબરિયાં અને ખોખડધજ બુઢ્ઢા બોલી ઉઠ્યાં. ​“અને અમે ચૂડલિયુંની પે'રનારિયું શું તાણી કાઢેલ છીએ તે એમ અમારે માથે પારકા હાથ પડવા દેશું ? અમારો ચૂડલો જેને માથે ઝીંકશું એની ખોપરીનાં કાચલાં નહિ ઊડી જાય ? જાવ, બાપુ પાસે, અને એને હરમત આપો. ”

વસ્તીના જે દસ-વીસ માણસો હતા તે શાદૂળ ખવડની ડેલીએ ગયા; જઈને હોંકારા કરી ઊઠ્યા કે, “એ આપા શાદ્દળ ! એલા શાદૂળો થઈને આમ ક્યારનો વિચાર શું કરછ ? અમારાં ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી બાપડા મિયાણા શું સુદામડાનો ઝાંપો વળોટી શકે ? અરે, હથિયાર બાંધ્ય. તારા ગામની બાયડિયું કછોટા વાળીને ઊભી થઈ ગઈ છે."

ત્યાં એક વાઘરણ બોલી : “અરે બાપ શાદૂળ ખવડ ! અમે બધાંય તો સુદામડાનાં ધણી છયેં. તે દી લાખા કરપડાએ નીંભણી નદીને કાંઠે ગામ બધાંને શું નહોતું કહ્યું કે, 'સુદામડા તો સમે માથે !' તે દીથી આખી વસ્તી ગામની સરખી ભાગીદાર થઈ છે. તારી ડેલી અને અમારા કૂબા વચ્ચે ફરક નથી રહ્યો. સુદામડાને માથે માથાં જાય તોય શું ? ધણી છૈંયેં !”

'હા ! હા ! અમે બધાં સુદામડાનાં સરખે ભાગે ધણી છીએ.' – એમ આખી વસ્તી ગરજી ઊઠી.

સંવત ૧૮૦૬ની અંદર આખું ગામ એક શત્રુ સામે લડ્યું હતું. તે દિવસ થી જ 'સમે માથે સુદામડા' ના કરાર થયેલા. એટલે કે આખી વસ્તીને સરખે ભાગે ગામની જમીનની વહેંચણી થઈ હતી તે વાત ગામની વાઘરણ પણ નહોતી વીસરી.

એક ઝાંપડો પણ એ વખતે ત્યાં ઊભો હતો. 'એલા, છેટો રે'! છેટો રે !' એમ સહુ એને હુડકારતાં હતાં, ત્યાં તો ​ એની સામે આંગળી ચીંધીને એની વહુ કહેવા લાગી: “અને એ શાદુળ બાપુ ! આ મારો ધણી કાનિયો તમને શુરાતન ચડાવવા બૂંગિયો વગાડશે. ઈ યે સુદામડાનો ભાગીદાર છે. અને રોયા ! સુદામડા સારુ જો તું આજ મરીશ નહિ ને, તો હું તને ઘરમાં નહિ ગરવા દઉં !'

ઝાંપડો હસ્યો, કાંઈ બોલ્યો નહિ, પણ ગળામાં કોટી જેવડો ઢોલ ટાંગીને પોતાના રાઠોડી હાથ વડે તરઘાયો વગાડવા માંડ્યો. એની જોરાવર દાંડી પડી, એટલે જાણે કે આસમાન ગુંજવા લાગ્યું. એનું નામ કાનિયો ઝાંપડો.

“એલા, ગાડાં લાવો, ઝટ ગાડાં ભેળાં કરો.” એવી હાકલ પડી. કાનિયાને તરઘાયે કાયરને છાબડે પણ હરિ આવ્યા.

હડેડાટ કરતાં ગાડાં આવી પહોંચ્યાં. ધબાધબ ગામના ઝાંપા બંધ થયા, અને ઝાંપા આડાં આખા ગામનાં ગાડાં ઠાંસી દીધાં. એની આડા દસ દસ માણસો તલવાર લઈને ઊભા રહ્યા. ઝાલર ટાણું થઈ ગયું. ગામનો બાવો ધ્યાન ધરીને ઠાકર મા'રાજની આરતી ઉતારવા મંડ્યો. પાંચ શેર પિત્તળની એ ઊજળી આરતીમાંથી દસ દસ જ્યોતના ઝળેળાટ ઠાકર મા'રાજના મોઢા પર રમવા મંડ્યા. ટપૂડિયાં છોકરાં હાંફતાં હાંફતાં એ ચોરાના તોતિંગ નગારા ઉપર ડાંડીના ઘા દેવા લાગ્યાં. અને બીજી બાજુ ઝાંપા બહાર આછા આછા અંધારામાં નીંભણી નદીને કાંઠે દુશ્મનોની બંદૂકની જામગરીઓ ઝબૂકવા માંડી.

ઓલી વાઘરણનો કૂબો બરાબર ઝાંપાને પડખે જ હતો. એના ઘરમાં શિકાર કરવાની બંદૂકમાં દારૂગોળી ધરબીને જામગરી ઝેગવી વાઘરણે પોતાના ધણીના હાથમાં દીધી અને કહ્યું : “એય રોયા ! તેતર ને સાંસલાં તો રોજ ​ મારછ. તંઈ આજ એકાદ મોવડીને મારીને ગામનું ધણીપણું તો સાચું કરી દેખાડ્ય !”

વાઘરીને ચાનક ચડી. હાથમાં બંદૂક લઈને ગાડાના ગૂડિયા વચ્ચે ગોઠવાઈને એ બેસી ગયો. મિયાણા આવી પહોંચ્યા. મોખરે એનો સરદાર લખો પાડેર ચાલ્યો આવતો હતો. લખા પાડેરના હાથમાં જે જામગરી ઝગતી હતી તેના અજવાળામાં એની રાક્ષસી કાયા બરોબર ચોખ્ખી દેખાતી હતી. એને દેખતાં જ કૂબાને એાટે ઊભાં ઊભાં વાઘરણે વાઘરીને ચીસ પાડી:

“ એય પીટ્યા ! જોઈશું રિયો છો ? દે, દે, ઈ મોવડીના કપાળની ટીલડીમાં નેાંધીને કર ભડાકો ! ને કાંચલા કરી નાખ્યા એની ખોપરીના. દે ઝટ, ચાર જુગ તારું નામ રેશે.”

પણ વાઘરીના હાથ કંપવા માંડ્યા. બંદૂક ફોડવાની એની છાતી ન ચાલી. માથે વીજળી પડી હોય એવો એ ત્યાં ને ત્યાં સજ્જડ થઈ ગયેા. તે વખતે એક સુતાર હાથમાં હાથલો લઈને ઊભો હતો. કાનિયાએ તરઘાયા ઢોલ પર ડાંડી નાખી, ત્યાં સુતારનું સત જાગી ગયું. એના મનમાં અજવાળું થઈ ગયું કે, 'હાય હાય ! હુંય સુદામડાનો સરખો ધણી ! અને આવો લાગ જાય !”

એણે દોટ દીધી. વાઘરીના હાથમાંથી ઝૂંટવીને એણે બંદૂક ખભે ચડાવી લખા પાડેરના કપાળ સામે નેાંધી, દાગી, અને હુડુડુડુ દેતી ગોળી છૂટતાં વાર જ લખાની ખાપરીમાં 'ફડાક!' અવાજ થયો. હરદ્વારના મેળામાં કોઈ જોરદાર હાથની થપાટ વાગતાં દૂબળા સાધુડાના હાથમાંથી સવાશેર ખીચડી સોતું રામપાતર ઊડી પડે તેમ લખાની ખાપરી ઊડી પડી. જીવતરમાં પહેલી જ વાર હાથમાં બંદૂક ઝાલનારા એ સુતારે રંગ રાખી દીધો.

અને પછી તો 'દ્યો ! દ્યો !' એમ દેકારો બેાલ્યો. ​પાડેર પડ્યો અને અંધારામાં મિયાણા આકુળવ્યાકુળ થયા. મનમાં લાગ્યું કે ઝાંપામાં કોણ જાણે કેટલા જોદ્ધા બેઠા હશે. ગેાકીરો પણ કાળા ગજબનો થઈ પડ્યો. પથરા છૂટ્યા. મિયાણાએાની જામગરીઓ બંદૂકોના કાનમાં ચંપાવા લાગી. ભડાકા થયા. પણ ગોળીઓ ઠણણણ દેતી ગાડા સાથે ભટકાઈને ભેાંયે પડવા માંડી. તોય એ તો મિયાણાની બંદૂકો ! કંઈકને ઘાયલ કરીને લખા પાડેરની લાશ લેતા કે મિયાણા ૨વાના થયા.

ઝાંપા ઉપર તો રંગ દાખી દીધો. પણ કાનિયો ઢોલી ગેાતે છે કે, 'આપો શાદુળ કયાં ?' ઝાંપે ડંકતા ડંકતા જે ઘાયલો પડ્યા હતા તે કહે : “કાનિયા ! આપા શાદૂળને ગેાત, એને બચાવજે.”

કાનિયો ઢોલી ધણીને ગોતવા લાગ્યો.

હાથમાં ઉઘાડી તલવાર લઈને આપો શાદૂળ ગઢની રાંગે રાંગે અંદરથી તપાસતા તપાસતા ચાલ્યા જાય છે. બીજું કોઈ આદમી એની પાસે નથી. એને ફડકેા હતેા કે ક્યાંક શત્રુઓ ગઢ ઉપરથી ઠેકીને ગામમાં પેસી જાશે.

મિયાણા પણ બહારને રસ્તે બરાબર ગઢની રાંગે રાંગે ચાલ્યા જતા હતા, એવામાં તેઓએ ગઢની દીવાલમાં એક નાનકડું ગરનાળું દીઠું. લાગ જોઈને મિયાણા અંદર પેસવા લાગ્યા, અને પડખે હાડકાંનો એક મોટો નળો પડ્યો હતો, એ ઉપાડીને મિયાણાએ આપા શાદૂળને માથે ઝીંક્યો. મિયાણાના પ્રચંડ ઘાએ આપો શાદૂળ બેહોશ બનીને ધરતી ઉપર ઢળી પડ્યા.

પણ ત્યાં તો ' ધડ ! ધડ ! ધડ ! ! ' – એમ કોણ જાણે એકસામટી કેટલી તલવારના ઝાટકા મિયાણાઓને માથે તૂટી પડ્યા. ભૂતનાથના ભેરવ જેવા કદાવર અને ખૂની મિયાણા, મોટા પહાડને માથેથી પથરા પડે તેમ ધરતી ​ઉપર પડવા લાગ્યા. આ કોની તલવારો ઝીંક બોલાવે છે તે જોવા ઊંચી નજર કરવાનીયે વેળા નહોતી. 'આ લે ! આ લે ! લેતો જા !' – એમ ચસકા થાતા જાય છે ને તલવારના ઝાટકા પડતા જાય છે શત્રુઓનો સોથ વળી ગયો. સામસામી તલવારોની તાળી બોલી ગઈ પણ કોણ કોને મારે છે તેની અંધારે ગમ ન પડી. મિયાણા ભાગ્યા, અને ભાગ્યા તેટલા પણ દ્વારકાના જાત્રાળુની જેમ સુદામડાની જાત્રાનાં એંધાણ તરીકે તલવારના ઝાટકાની દ્વારકાછાપ લેતા ગયા.

એ છાપો દેનારી ભુજા કોની હતી? એ અંધારામાં કોણ, કેટલા જણા વારે આવી પહોંચ્યા હતા ? બીજું કોઈ નહિ એકલો કાનિયો જ હતેા. કાનિયો બાપુને ગોતતો હતો. બરાબર ટાણે એ આવી પહોંચ્યો. બાપુનો બેહોશ દેહ પટકાઈને પડ્યો હતો. તેની જ કમરમાંથી કાનિયે તલવાર ખેંચી લીધી. અને અંધારામાં એની એકલી ભુજાએ પંદર પંદર ઝાટકા સામટા પડ્યા હોય એટલી ઝડપથી તલવાર આછટી. એણે એકલાએ દેકારો બોલાવ્યો. સુદામડાને સહુથી વધુ બચાવનાર એ કાનિયેા હતેા.

આપા શાદૂળની કળ ઊતરી, એણે આંખો ઉઘાડી. પડખે જુએ ત્યાં પચીસ-પચીસ ઘામાં કટકા થઈ ગયેલો કાનિયો પડ્યો છે.

“બાપુ ! સુદામડા – ” એટલું જ એ બોલી શક્યો. પછી એના પ્રાણનો દીવો ઓલવાઈ ગયો.

સવારે ચોરામાં ડાયરો ભરાણો. મરેલાઓને દેન દેવાની તૈયારી થતી હતી. બધી લાશો સામે પડી હતી. એ ટાણે માણસોનો અફસોસ ઉડાડવા માટે ગઢવીએ પોરસનાં વેણ કાઢ્યાં :

“ખમા ! ખમા તને, આપા શાદૂળ ! આજે તેં ​કાઠિયાણીની કૂખ ઉજાળી ! જોગમાયાએ સુદામડાનું નાક રાખ્યું. વાહ રણના ખેલણહાર !”


છોહડાં રણભડાં કે' એમ સાદો,
લોહ ઝડાકા બેસલડાં,
ભડ ઊભે ઝાંપો ભેળાયે,
(તો) ભઠ છે જીવન એહ ભડાં.

શાદૂળ ખવડ કહે છે : “ હે બળવાન જોદ્ધાઓ, હે તલવારોના સાધેલા નરો, તમે હાજર હો છતાં જો ગામના દરવાજામાં દુશ્મનો દાખલ થઈ જાય, તો એવા શુરવીરોનું જીવતર ધૂળ મળ્યું.”


એમ મરદ લુણાઓત આખે,
સણજો ગ૯લાં નરાં સરાં,
નર ઊભે ભેળાય નીગરું,
તો નાનત છે એહ નરાં.

લૂણા ખવડનો પુત્ર શાદૂળ કહે છે કે, “હે પુરુષો, સાંભળજો, કે જો મરદ ઊભો હોય છતાં ગામ લૂંટાય, તો તો એવા મરદને લાંછન હજો.”


વળગ્યા ગઢે માળિયાવાળા,
માટીપણારા ભરેલ મિંયા,
પાતે ચકચૂર થિયો ૫વાડે,
એમ કેક ભડ ચકચૂર કિયા,માળિયાવાળા મિયાણા લૂંટારા, કે જે મરદાનગી ભરેલા હતા, તે સુદામડાના ગઢ ઉપર તૂટી પડ્યા. એ વખતે બહાદુર શાદુળ ખવડ મરણિયો બન્યો અને બીજા કંઈકને એણે શુરાતન ચઢાવ્યાં. ​


સાદે ગઢ રાખ્યો સુદલપર,
દોખી તણો ન લાગે દાવ,
એમ કરી કસળે ઊગરિયો,
રંગ છે થાને, ખવડારાવ.

સુદામડાનો ગઢ શાદૂળ ખવડે એવી રીતે બચાવી દીધો. દુશ્મનોને લાગ ફાવ્યો નહિ. એ રીતે શાદૂળ ખવડ, તુંયે ક્ષેમકુશળ ઉગરી ગયો. ખવડોના રાજા, રંગ છે તને.

પોતાના પરાક્રમનું ગીત સાંભળી શાદૂળ ખવડે ઉદાસ મુખે ડોકું હલાવ્યું.

ચારણ પૂછે છે : “કાં, બાપ ! કાંઈ મોળું કહ્યું ?”

“ગઢવા ! કવિની કવિતાયે આભડછેટથી બીતી હશે કે ?”

“કાંઈ સમજાણું નહિ, આપા શાદૂળ!”

“ગઢવા ! તમારા ગીતમાં મારો કાનિયો ક્યાં ? કાનિયાના નામ વિનાની કવિતાને હું શું કરું ?”

ચારણને ભેાંઠામણ આવ્યું. એણે ફરીથી સરસ્વતીને સાદ કર્યો. બે હાથ જોડીને એણે દિશાઓને વંદના દીધી, ત્યાં એની જીભમાંથી વેણ ઝરવા માંડ્યાં –[ ગીત - જાંગડું ]


અડડ માળિયો કડડ સુદામડે અાફળ્યો,
ભુજ નગર વાતનો થિયો ભામો,
કોડ અપસર તણા ચૂડલા કારણે,
સુંડલાનો વાળતલ ગિયો સામોમાળિયાના મિયાણા સુદામડા ઉપર તૂટી પડ્યા, જાણે કે ભુજ ભણી નગર વચ્ચે યુદ્ધ મંડાયું. એ વખતે રણક્ષેત્રમાં મરીને અપ્સરાઓને પરણવાના કોડથી એક ઝાડુ કાઢનાર ભંગી શત્રુઓ સામે ગયો. ​


વરતરિયા તણો નકે રીઓ વારીઓ,
ધધુંબ્યો પાળ ને ચડ્યો ઘોડે,'
ઢોલના વગડાવતલ કેમ નવ ધડકીઆ,
ઢોલનો વગાડતલ ગિયો ધોડે.

પોતાની બાયડીનો વાર્યો પણ એ ન રહ્યો. લશ્કર તૈયાર થયું. પોતેય ઘોડે ચડ્યો, અને એની પાસે ઢોલ વગડાવનારાઓ – શૂરવીરોને તો હજી શૌર્ય ચઢતું રહ્યું. ત્યાં તો ઢોલ વગાડનાર પોતે જ રણઘેલો બનીને દોડ્યો.


વીભડા તણાં દળ કરમડે વાઢીઅાં,
સભાસર આટકે લોહી સૂકાં,
અપસરાં કારણે ઝાટકે આટકી,
ઝાંપડો પોળ વચ થિયો ઝૂકા.

શત્રુઓનાં ટોળાંને એણે તલવારથી કાપી નાખ્યાં. અપ્સરાએાને વરવાનો ઉત્સાહી એ કાનિયો ભંગી લડીને આખરે શેરી વચ્ચે મર્યો. 


ભડ્યા બે રખેહર જેતપર ભોંયરે,
વજાડી આગ ને, આગ વધકો,
રંગે ચડ્યો ગામને, સામે કસળે રિયા,
એટલો કાનિયાનો મરણ અધકો.

અગાઉ પણ બે અછૂતો લડેલા હતા : એક જેતપુરમાં ચાંપરાજ વાળાના યુદ્ધ વખતે ને બીજો ભેાંયરગઢની લડાઈમાં. તે બન્નેએ પણ પોતાના ગામને ખાતર ખડ્‍ગ વાપર્યા. પણ કાનિયાનું મરણ તો એથીયે અધિક છે, કેમ કે એક તો એણે ગામને વિજયનો રંગ ચડાવ્યો, ને વળી પોતાના માલિકને એણે કુશળ રાખ્યા.

24
લેખ
સૌરાષ્ટ્રની રસધાર ૩
0.0
"આ આવૃત્તિમાં પણ વધુ પુનઃ સંસ્કરણ કરવાનું ચાલુ રહ્યું છે. દરેક વાર્તાને ફરી તપાસી, શૈલીની કઠોરતા તેમ જ વિચારની અતિશયતા દૂર કરી છે. પ્રવેશકમાંથી પણ આવેશીલા લાગતા કેટલાક ફકરા બાદ કર્યા છે. સનાળીવાળી ચારણ - સ્નેહી શ્રી ગગુભાઈને મેં સદાને માટે ગુમાવ્યા છે. પણ આમાંની કેટલીક વાર્તાઓ ફરી તપાસતાં એમનું સ્મરણ ફરી લીલુંછમ થાય છે. ઝવેરચંદ મેઘાણી.રાણપુર : ૮-૭-૪૧
1

દિલાવર સંસ્કાર

15 October 2023
0
0
0

દિલાવર સંસ્કાર [પ્રવેશક] ભાતીગળ ફાલબગીચામાં રંગબેરંગી ફૂલો ખીલતાં હોય છે પણ કોઈ કોઈ ફૂલોની પાંખડીએ પાંખડીએ એકસામટા સાત સાત રંગોની ભાત પડેલી દીસે છે તેનું કારણ શું હશે ? પુષ્પોનાં વિધવિધ પુંકેસરો ઊડી

2

ઘોડી ને ઘોડેસવાર

15 October 2023
0
0
0

ઘોડી ને ઘોડેસવાર ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર

3

કલોજી લૂણસરિયો

15 October 2023
0
0
0

કલોજી લૂણસરિયો ગોંડળના કોઠા ઉપર 'ધ્રુસાંગ ! ધ્રસાંગ ! ધ્રુસાંગ !' એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને 'ઘેાડાં ! ઘોડાં ! ઘેાડાં !” પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા

4

વેર

15 October 2023
0
0
0

વેર કુંડલાના થડમાં અરઠીલા[૧] ગામ છે. તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે, અને કાંકચ ગામમાં વેસૂર ગેલવેા નામે સોનરા બાટીનો સાળો રહે. બન્નેનો સારો ગરાસ હતેા. સાળા-બનેવીને હેતપ્રીત પણ રૂડી હતી. એક વાર સ

5

પાદપૂર્તિ

15 October 2023
1
0
0

પાદપૂર્તિ કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તે રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે; કસૂંબાના ઘૂંટડા બીજી કોઈ ભુજાની અંજળિમાંથી એને

6

હજાર વર્ષ પૂર્વે

15 October 2023
0
0
0

હજાર વર્ષ પૂર્વે એક હજાર વર્ષ પૂર્વે, એક દિવસ સાંજે, પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાએાએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી, વિસામો ખાવા બેઠા. હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભુજ-દંડ હતા. લો

7

ઘોડાંની પરીક્ષા

15 October 2023
0
0
0

ઘોડાંની પરીક્ષા ઘણું કરીને તો એંસી વરસ પહેલાંની આ વાત છે. જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે. તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો. માણસો આવીને રોજરોજ એની પાસે વાત ઉચ્ચારે : “બાવાજી, આપા લૂણાની લખીની ત

8

કાઠિયાણીની કટારી

15 October 2023
0
0
0

કાઠિયાણીની કટારી કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બેય પડખે બે ભાલાળા વોળાવિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસપહાણના પોઠિયા જેવા ધોળા ન

9

આલેક કરપડો

15 October 2023
1
0
0

આલેક કરપડો ભાડલામાં લાખા ખાચરની ડેલીએ એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો. કસૂંબાના રંગ દેવાતા હતા. એ વખતે આપા લાખાના બે કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે સાદે વાતે વળગ્યા હતા. “જસા ગીડા !” વીકા ગીડાએ કહ્ય

10

દુશ્મન

16 October 2023
0
0
0

દુશ્મન મોતી જેવાં નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું. એક દિવસ સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે. અંગ ઉપર પાણકોરાની

11

રાઠોડ ધાધલ

16 October 2023
0
0
0

રાઠોડ ધાધલ સોરઠમાં મેાટી મેાટી લડાઈઓનો જુગ આથમી ગયેા હતેા. ભાવેણાનો બંકો રાજા આતાભાઈ, જેતપુરનો કાળઝાળ કાઠી રાજા દેવો વાળો, નગરની બાદશાહી બાંધનાર મેરુ ખવાસ અને ગોંડળના ડંકા વગાડનાર ભા'કુંભો એવા કં

12

આઈ !

16 October 2023
0
0
0

આઈ ! ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખે

13

આઈ !

16 October 2023
0
0
0

આઈ ! ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખે

14

મહેમાની

16 October 2023
0
0
0

મહેમાની ભડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે. ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતક જોઈ રહ્યો. બધા

15

ધણીની નિંદા !

16 October 2023
0
0
0

ધણીની નિંદા ! ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?” “બાપુ ! ભેાજ ખાચરનાં પડના

16

હનુભાઈ

16 October 2023
0
0
0

હનુભાઈ લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. એવા ઘાટા એ શેરડીના થર સંધા

17

ભાઈ!

16 October 2023
0
0
0

ભાઈ! ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આાયર મરી ગયા, અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ એાથ રહી હતી.

18

કાનિયો ઝાંપડો

16 October 2023
0
0
0

કાનિયો ઝાંપડો મહારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એકસામટી સો સો બંદૂકો સાથે સુદા

19

ચમારને બોલે

16 October 2023
0
0
0

ચમારને બોલે વાંકાનેરના દરબારમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢમાં માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. એારડામાં વડારણોનાં ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને

20

ઝૂમણાની ચોરી

17 October 2023
1
0
0

ઝૂમણાની ચોરી પચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખાચર નામના એક કાઠી રહેતા હતા. આપા કાળાને ઘેરે આઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને

21

અભો સોરઠિયો

17 October 2023
0
0
0

અભો સોરઠિયો સોરઠ દેશને દખણાદે કિનારે, માલણ નદીના કાંઠા ઉપર, મહુવા નામનું બંદર આવેલું છે. અરબી સમુદ્રનાં આસમાની મોજ રાતદિવસ મહુવાની ધરતીનાં વારણાં લીધા કરે છે. દરિયાની ગુંજારવ આઠે પહોર એ નગરીના લોકો

22

મેર જેતમાલ

17 October 2023
0
0
0

મેર જેતમાલ લખનાર : સ્વ. જગજીવનદાસ કા. પાઠકઆજે આસો સુદ નોમનો દિવસ છે. પાણકોરાના ચોરણા, પાસાબંધી આંગડીઓ ને માથે બાંધેલાં ભોજપરાંથી શોભતા હજારો રબારીઓ આજે બળેજમાં મમાઈને મઢે મેળે આવેલ છે. તેલમાં ભીંજાવ

23

ભાઈબહેન

17 October 2023
0
0
0

ભાઈબહેન ચોટીલાથી ત્રણ ગાઉ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે બે બાળકો છે : એક આંગળીએ વળગેલું અને બીજુ ક

24

પિંજરાનાં પંખી

17 October 2023
0
0
0

પિંજરાનાં પંખી સં.૧૯૬૭ના અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી*[૧] તાલુકાના કોઈ પણ તુંબેલ ચારણ જયારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી

---

એક પુસ્તક વાંચો