shabd-logo

કલોજી લૂણસરિયો

15 October 2023

7 જોયું 7


કલોજી લૂણસરિયો

ગોંડળના કોઠા ઉપર 'ધ્રુસાંગ ! ધ્રસાંગ ! ધ્રુસાંગ !' એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને 'ઘેાડાં ! ઘોડાં ! ઘેાડાં !” પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા લાગ્યો. એટલામાં એક ડેલીમાંથી એક જુવાન બહાર દોડ્યો આવે છે, અને ચોપદારને પૂછે છે, “ભાઈ, શું છે ? શેનો ઢોલ વગડે છે?”

“કલાજીભાઈ!” ચોપદાર ચાલતો ચાલતો કહેતો ગયો: “કુંડલાના હાદા ખુમાણે આપણો માલ વાળ્યો છે, પણ તમે ચડશો મા.”

"કાં ?"

“બાપુએ ના પાડી છે : હજી તમારી ચાકરી નોંધાણી નથી."

“એમ તે કાંઈ હોય ! રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નેાંધાવીને પછી જ અવતરે છે.”

એટલું કહીને કલાજી નામના અસવારે હથિયાર હાથ કરી ઘોડી છોડી.

લૂણસર નામે વાંકાનેરનું એક ભાયાતી ગામ છે. ત્યાંનો ગરાસિયો કલોજી પોતાના ભાઈએાને લઈને ગોંડળ ભા' કુંભાની પાસે નેાકરી કરવા આવ્યો હતો. ત્રીસ વરસની અવસ્થા હતી. આજ સવારથી એની ચાકરી નેાંધવાની હતી, પણ મળસકામાં જ હાદો ખુમાણ નામે કુંડલાનો ​કાઠી પોતાનાં દોઢસો ઘોડાં લઈને ગોંડળની સીમમાં ત્રાટક્યો અને એણે પહરમાંથી પરબારાં ઢોર વાળ્યાં.

ભા' કુંભાનો પગાર ખાનાર બીજા રજપૂત બહાર નીકળે-ન-નીકળે ત્યાં તો કલોજી પોતાના બે રજપૂતોની સાથે ચડી નીકળ્યો. દોઢસો કાઠીએાએ પોતાની પાછળ ડાબલા ગાજતા સાંભળ્યા, પણ પાછળ નજર કરતાં ત્રણ અસવારો દેખ્યા. કંડોલિયાને પાદર કલાજીએ ઘેાડાં ભેળાં કરી દીધાં. આપાઓ એકબીજાને કહેવા માંડ્યા કે 'એ બા, ઈ તો, ભણેં વષ્ટિ કરવા આવતા સે, વષ્ટિ કરવા.' સહુને વિશ્વાસ બેઠો. ત્યાં તે રજપૂતો આંબી ગયા.

“આપાઓ ! આમાં હાદો ખુમાણ કોને કહીએ ?”

“ એ, ભણેં, મોઢા આગળ હાલ્યા જાવ – મોઢા આગળ એ... ઓલ્યા બાવળા ઘોડાનો અસવાર : માથે સોનેરી છેડાનો મેકર બાંધ્યો : સોનાની કુંડળ્યે ભાલો અને સોનાને કૂબે ઢાલ : ઈજ આપો હાદો. ભણેં, બા, મારગ દ્યો, મારગ ! રજપૂતના દીકરા વષ્ટિ કરવા આવતા સેં, મારગ દ્યો.”

પોણેાસો પોણોસો ઘેાડાં નોખાં પડી ગયાં, વચ્ચે થઈને ત્રણ રજપૂતો આગળ વધ્યા.

જે ઘડીએ આ ત્રણે ઘોડેસવાર હાદા ખુમાણની નજીક ગયા, તે ઘડીએ હાદા ખુમાણે જુવાનોની આંખ પારખી : એ આંખમાં વષ્ટિ નહોતી, વેર હતું. હાદા ખુમાણે ઘોડો. દાબ્યો. કલોજી વાંસે થયો; પણ કલોજી આંબે નહિ. એણે પોતાની ઘોડીના તરિંગમાં બરછી ભરાવી. ઘોડી જાગી ગઈ. હાદા ખુમાણની સાથે ભેટભેટા કરાવી દીધા. કલાજીએ તલવાર ઉઘાડી કરી. પેગડામાં ઊભા થઈને એણે તલવાર ઝીંકી. હાદો ખુમાણ તો ઘોડાના પેટ નીચે નમી ગયો, ​પણ તલવારે ઘોડાની ઉપરનો ચોફાળ, એાછાડ અને કાઠાંનાં પાઠાં : એ બધું કાપીને ઘોડાના બે કટકા કરી નાખ્યા – નોખા નોખા બે કટકા !

હાદો ખુમાણ કૂદીને આઘે ઊભો. જ્યાં નજર કરે ત્યાં ઘોડે તો ગુડાઈ ગયો દીઠો, પણ કલોજીની આંખનાં બેય રત્નોને બહાર લબડી પડેલાં જોયાં. 'વાહ જુવાન ! રંગ જુવાન !' એવા ભલકારા દેતા દેતા હાદા ખુમાણ પોતાનો તરફાળ લઈને કલાજીને પવન ઢોળવા લાગ્યા. ત્યાં દોઢસો કાઠીઓ આંબી ગયા. કાઠીઓ કહેવા લાગ્યા કે “ભણે, આપા હાદા, ઈ ને ગુડુ નાખ્ય, ગુડુ નાખ્ય. દુશમનને આવાં લાડ કોણ સાટુ લડાવતો સે?”

હાદો ખુમાણ બેાલ્યા કે “ખબરદાર, એને કોઈ હાથ અડાડશો મા. દોઢસો કાઠીની વચ્ચે ત્રાટકી જેણે એક ઝાટકે મારો ગાડા જેવા ઘોડો વાઢી નાખ્યો, એને મારવાનો હોય નહિ, આમ જુઓ નિમકહલાલી : આંખનાં બે રતન બહાર નીકળી પડ્યાં છે.”

કાઠીઓ જોઈને દિંગ થઈ ગયા.

ત્યાં ગોંડળની વાર દેખાણી. ભાલાં 'સમ વરળક ! સમ વરળક !' કરતાં ઝબૂક્યાં. કલાજીને મૂકીને કાઠીઓ ભાગી છૂટ્યા. પણ ત્યારથી આજ સુધીયે, ખુમાણોના ડાયરામાં કસૂંબા લેવાય છે ત્યારે ત્યારે ડાહ્યા કાઠીઓ 'રંગ છે કલા લૂણસરિયાને!” એમ કહીને કસૂંબો લે છે.

ગોંડળ દરબારે કોઈ હકીમની પાસે કલાજીની આંખેા ચડાવરાવી, અને મોટી જાગીર આપીને એની ચાકરી નેાંધી.૨

ધંધુકા ગામમાં તે વખતે મીરાં અને દાદો નામના બે બળિયા મુસલમાનો રહે. બેય ભાઈઓ કાઠિયાવાડમાં ​ઘોડાં ફેરવે અને પૈસા આપે તેના પક્ષમાં રહી ધીંગાણાં કરે. મીરાં અને દાદો આજ પણ સૌરાષ્ટ્રના શૂરાઓ તરીકે પ્રખ્યાત છે. એક દિવસ મીરાંને ખબર પડી કે કલોજી લૂણસરિયો ધંધુકાને પાદર થઈને જાય છે. મીરાંએ સાદ કર્યો કે “અરે કલેાજી ધંધુકાને પાદરેથી પરબારા જાય ? દોડો, એને પાછો વાળો.”

નાનો ભાઈ દાદો માથામાં ખૂબ ખુમારી રાખીને ફરતો. એ બોલ્યો કે “ભાઈ, કલોજી તે એવો કયો હેતનો કટકો કે ઊલટો તું એને બોલાવવા માણસ દોડાવછ ?”

“દાદા, એ શૂરવીર છે; એને રામ રામ કર્યે પાપ ટળે."

કલોજી આવ્યો. મીરાંજી એને બથમાં ઘાલીને મળ્યા. પણ દાદાએ મેાંએથી આવકાર પણ ન દીધો. કલેાજીની બહુ સરભરા થવા માંડી, એ દેખીને દાદાને વસમું લાગ્યું. કલોજીને અપમાન લાગે તેવાં વેણ દાદાએ કાઢ્યાં, મીરાં બોલ્યો કે, “દાદા, આજ એ આપણો મહેમાન છે, નીકર આંહીં જ તને એના બળનું પારખું થાત. પણ તારા મનમાં ખુમારી રહી જતી હોય તો એક વાર લૂણસર જાજે.”

કલોજી હસીને બોલ્યો : “હાં હાં, મીરાંજીભાઈ ! દાદો તો બાળક કહેવાય. મારા મનમાં એનો કાંઈ ધેાખો નથી. અને દાદા, તું ખુશીથી લૂણસર આવજે ! હુંય મારા ગજા પ્રમાણે પાણીનો કળશો લઈ પાદર ઊભો રહીશ.”

કલોજી લૂણસર ગયો, પણ દાદાથી ન રહેવાયું. એને તો લુણસર જોવું હતું. એક દિવસ પોતાના સવારો લઈને બેય ભાઈ ચાલી નીકળ્યા. લુણસરને પાદર ઊભા રહીને કલોજીને ખબર આપ્યા કે દાદા ધીંગાણા માટે આવીને વાટ જુએ છે. કલોજીની આંખો દુઃખતી હતી. આંખેામાં ​ભરણ આંજીને એ સૂતો હતો. આંખો ધોઈને એક કાટેલી તલવાર સોતો એ સામાન પણ નાખ્યા વિના ઘોડી ઉપર ચડ્યો; પાદરે આવીને આઘેથી બેાલ્યો : “ મીરાં–દાદા, રામરામ ! બહુ સારું કર્યું' ! ભલે આવ્યા !”

મીરાંએ દાદાને કહ્યું : “ભાઈ, કલાજીનું પાણી તારે એકલાને જ જેવું છે : મારે એની સાથે વેર નથી અને આ બિચારા ઘોડેસવારો તે પેટ સારુ આવ્યા છે. માટે અમે ઊભા ઊભા જોશું, ને તમે બે સામસામા બાટકો. કાં તો અમે તને દફન કરીને જાશું, ને કાં એને બાળીને જાશું.”

બેય જણા વચ્ચે ધીંગાણું ચાલ્યું.

કલો કહે : “દાદા, પહેલે ઘા તારો.”

“લે ત્યારે, પહેલો ઘા સવા લાખનો....” કહીને દાદાએ ભાલું ઝીંક્યું. કલોજીની ઘેાડી ગોઠણભેર બેસી ગઈ: ઉપર થઈને ભાલું ખાલી ગયું.

“દાદા, એમ ન હોય : જો આમ ઘા કરાય” એમ બોલીને કલોજીએ કાટેલ તલવાર લઈને ઘોડીને દાબી, દાદાને માથે જનોઈવઢ ઘા કર્યો : દાદો પડ્યો.

મીરાં એના અસવારેાને કહે : “ભાઈયું ! કલાજીના હાથ તો જોયા ને? હવે એનું હૈયું જેવું હોય તો હાલો ભાગી નીકળો !”

અસવારોને લઈને મીરાં ભાગ્યો.

કલાજીએ વિચાર્યું : “ હાય હાય, એનો સગો ભાઈ એને મૂકીને ભાગ્યો ! પણ, દાદા, ફિકર નહિ, હું ય તારો ભાઈ છું,” એમ કહી, દાદાને ઘોડી પર નાખી, રજપૂત પોતાને ઘેર લઈ ગયા. માને કહ્યું કે “માડી, પેટનો દીકરો માનીને આ દાદાની ચાકરી કરજો.”

બે મહિના દાદાને પડદે નાખીને સુવાણ થયા પછી કલોજી ધંધુકે મૂકી આવ્યો. ​ મીરાં કહે: “કાં દાદા, કલાજીને એાળખ્યો ?”

દાદો દાંત ભીંસીને બોલ્યો : “એાળખ્યો, પણ એક વાર એના લૂણસરને માથે ગધેડાંનાં હળ હાંકીને મીઠાં વવરાવું તો જ હું દાદો !”

અમાસની અંધારી ઘોર અધરાત ભાંગી ગઈ હતી. મોટું ભળકડું થવા આવ્યું હતું. તે વખતે ગોંડળને દરવાજે બ્રાહ્મણે આવીને સાદ પાડ્યો કે, “ભાઈ દરવાણી ! ઝટ દરવાજો ઉઘાડ.”

“દરવાજો અત્યારે ન ઊઘડે, કૂંચિયું કલાજીભાઈને ઘેર રહે છે.” દરવાને જવાબ દીધો.

“મારે કલાજીભાઈનું જ કામ છે. એને માથે આફત તોળાઈ રહી છે. ભાઈ દરવાણી ! મારા ધણીને ઝટ ખબર દે.”

કલાજીને ઘેરથી દરવાજાની કુંચીઓ આવી. બ્રાહ્મણને કલાજીની પાસે લઈ ગયા. એાળખીને કલોજી બેલી ઊઠ્યો : “એાહો, ગામોટ ! તમે અટાણે ક્યાંથી ? લૂણસરમાં સહુ ખુશીમાં છે ?”

“બાપુ, કાલ સવારે લૂણસર હશે કે નહિ હોય. આજ બપોરે અહીંથી ત્રીસ ગાઉ ઉપર મને એક કટક ભેટ્યું. આંબરડીથી હાદો ખુમાણ, અને ધંધુકેથી મીરાં-દાદો : સાથે સાડાત્રણસો ઘોડેસવાર : કહ્યું કે 'લૂણસર ઉપર કાલે સવારે મીઠાં વાવશું.' સાંભળીને મેં ગોંડલનો રસ્તો લીધો. તમારે પુણ્યે જ મારા પગમાં જોર આવ્યું. આથી વહેલું તો પહોંચાય તેમ નહોતું; મરતો મરતો પહોંચ્યો છું."

આકાશમાં મીટ માંડીને કલોજી વખત માપવા મંડ્યો. સવાર આડા ઝાઝો વખત નહોતો રહ્યો. લૂણસર ત્રીસ ગાઉ આઘે હતું, સવાર પડશે ત્યાં પોતાની જનમભોમકા ઉપર શાં શાં વીતકો વીતશે ! બે રજપૂતાણીઓ અને બાર વરસની ​નાની દીકરીની કેવી દશા થઈ હશે ! વિચાર કરીને કલોજી ધ્રુજી ઊઠ્યો.

પોતાના ભાણેજને બોલાવીને એણે ભલામણ કરી : “બાપ, આજ સવારે ભા' કુંભાને કસૂંબાનાં નોતરાં દીધાં છે પણ હું સવાર સુધી રહું તો તો મારે કસૂંબાને સાટે ઝેરની તાંસળી પીવી પડે. તું દરબારને કસૂંબો પાઈને પછી ચડી નીકળજે. ભા'કુંભાને મારી વાત કહેજે. ફરી મળીએ તો હરિની મહેર, નીકર છેલ્લા રામરામ છે.”

એટલું કહીને કલેાજી એકલો ઘોડી ઉપર ચડ્યો. ઘોડીની ગરદન ઉપર હાથ થાબડીને કહ્યું : “બાપ, તાજણ ! આજ સુધી મારી આબરૂ તેં જ રાખી છે, માટે આજ છેલ્લી ઘડીએ મારું મોત બગાડતી નહિ, હો ! આપણું લૂણસર લૂંટાય છે, બેટા !”

લૂણસરના સીમાડા ઉપર સૂરજ મહારાજનો ઝળહળાટ કરતો મુગટ દેખાયો તે વખતે શ્યામ મોઢાં લઈને વસ્તીનાં લોકો પાદરમાં ઊભાં હતાં. વીસ-વીસ વરસના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડ્યા પડ્યા ડંકતા હતા. પડખે લેાહીનાં પાટોડાં ભર્યા હતાં.

થોડાક લોકોએ એકસામટી ચીસ પાડી : “ એ... એ કલોજી બાપુ આવે.”

કોઈ કહે : “અરે, ગાંડા થાઓ મા ! ક્યાં ગોંડળ, ને ક્યાં લૂણસર ! અત્યારે કલેાજી બાપુ કેવા ?”

“અરે, ન હોય શું ? આ એનો જ ભાલો ઝબકે. આ તાજણ બીજાની ન હોય. નક્કી કલોજી બાપુના રુદિયામાં રામના દૂત કહી આવ્યા.”

“અરરર ! કલેાજી બાપુને મોઢું શું બતાવશું ?” એમ બોલીને ઘાયલ પડેલા જુવાનો પડખું ફર્યા, અને સદાને માટે આંખો મીંચી ગયા. ​ કલોજી આવ્યો: જાણે સીમાડેથી સૂરજ આવ્યો. આખી રાતના ઉજાગરાથી આંખો રાતીઘૂમ થયેલી: મોઢાના દેવાંગી નૂર ઉપર હાલારની માટીના થર જામી ગયેલા : ઘોડીના મોમાંથી ફીણ ચાલ્યાં જાય છે.

“બાપુ, જરાક જ મોડું થયું.” માણસો બેાલ્યા.

કલાજીના મોંમાંથી નિસાસો નીકળ્યો – જાણે એનો જીવ નીકળ્યો.

“પણ, બાપુ, કાંઈ લૂંટાણું નથી, હો !” કોઈએ. દિલાસો દીધો.

“સાચું, બાપુ ! કાંઈ નથી લૂંટાણું, ફક્ત આબરૂ !”

“દરબારગઢમાં કોઈ જીવતું છે ?”

“એક પંખીડું પણ નથી ઊડ્યું.”

" શી રીતે ?"

“ દાદો તો ગઢના લબાચા વીંખવા આવ્યો, પણ એના મોટેરા ભાઈ મીરાંજીએ કહ્યું : “ ખબરદાર ! કલાજીની ઘરવાળિયું મારી બેન્યું છે. આજ કલેાજી ગામતરે હોય ને જો એના ઓરડા ચૂંથાય, તો તે પહેલાં મીરાંને માથે માથું ન રહે' એમ કહીને એણે પોતાનાં દોઢસો ઘોડાં નોખાં તારવ્યાં, અને દરબારગઢ ફરતાં ઉઘાડી તલવારે વીંટી દીધાં હતાં, બાપુ !”

“એક જ માના બે દીકરા ! વાહ મીરાંજી ! ભલે ભાંગ્યું લુણસર – તને ઓળખ્યો !” કલોજી બોલી ઊઠ્યો.

કલોજી એારડે ગયો. લોકોએ માન્યું કે બાપુના મનની વેદના હેઠી બેસી ગઈ. ઓરડાની ઓસરીની કોર પર રજપૂત બેસી ગયો. બાર વરસની નમણી અને કાલી કાલી બોલી બોલતી દીકરી બહાર આવીને બાપુને નીરખતી નીરખતી ઊભી રહી. પોતાની ઘોડીના હનામાંથી કાંસાની તાંસળી કાઢીને કલાજીએ દીકરીને કહ્યું : ​ “બેટા, આ તાંસળીમાં ગોરસ લાવજે.”

દહીં આવ્યું : અંદર મૂઠી ભરીને સાકર નાખી : સાકર ને દહીં ઘોળીને કલેાજી પોતે પી ગયો. બીજી તાંસળી કાઢી : એમાં અફીણ વાટ્યું : દીકરીની પાસે રોટલો માગ્યો: રોટલાનાં બટકાંમાં અફીણ ભરી ભરીને તાજણને ખવરાવ્યું. બે ભાર અફીણનું અમલ તાજણના પેટમાં ગયું, એટલે થાકેલી તાજણ પાછી થનગનાટ કરવા લાગી, બાપુના પેટમાં ઠંડક થઈ. પછી એણે દીકરીને કહ્યું :

“લે બેટા, હવે મારાં દુખણાંં લઈ લે, બાપ !”

દીકરીની આંખમાંથી આંસુ વહેતાં થયાં.

“રજપૂતાણિયું ! બેય જણિયું ઘરમાં શું કરી રહ્યાં છો ? આપણું બાળક આમ રોવા બેસે તો સાત પેઢીને ખોટ લાગે, હો ! છાની રાખો ગીગીને. સારો જમાઈ ગોતીને પરણાવજો ! કરિયાવરમાં કચાશ રાખશો મા ! કિરતાર તમારાં રખવાળાં કરશે. લે, બેટા ગીગી, દુખણાં લઈને સારા શુકન દે, કે ઊજળે મોઢે બાપનું મોત થાય !”

દીકરીએ એના નાના રૂપાળા હાથનાં વારણાં લીધાં: દસે આંગળીના ટચાકા ફૂટ્યા. બાપુને માથે આંસુનો અભિષેક કર્યો.

તાજણનો અસવાર બહાર નીકળ્યો. દુશમન કઈ તરફ ગયા તે રસ્તો પૂછીને છાનોમાનો એકલો વહેતો થયો.

ભળકડામાં લૂણસર ભાંગીને હાદા ખુમાણ અને મીરાંદાદો બેફિકર બની ચાલ્યા જતા હતા. આખી રાતનો ઉજાગરો હોવાથી અસવારે બધા ઝોકાં ખાતા ખાતા ધીરી ગતિએ ઘોડાં હાંક્યે જતા હતા. વચ્ચે રખેાપા વિનાના ઊભા મોલમાં ઘેાડાં બાજરાનાં ડૂંડાં કરડતાં હતાં. એને કોઈની બીક નહોતી. ​ “એલા, ભણેં. કલોજી!” એક કાઠીએ ઓચિંતી ચીસ પાડી.

“કલોજી ! કીસેથી ! એલા, કલોજી નહિ, આપણો કાળ !” એમ કહીને કાઠીઓ ભાગ્યા. મીરાં-દાદો પણ ઊભા ન રહી શક્યા. વાંસેથી કલાજીનો પડકાર ગાજ્યો કે "માટી થાજો !”

રજપૂતની હાકલથી પણ શત્રુઓનું અર્ધું કૌવત હણાઈ ગયું. ભેટંભેટા થઈ. જેને માથે કલાજીની તલવારનો ઘા પડ્યો તે બીજો ન માગે. એમ ઘણાને સુવાડ્યા, અને પોતે પોતાના શરીર ઉપર એંશી એંશી ઘા ઝીલ્યા. ઘોડી પણ ઘામાં વેતરાઈ ગઈ. કલોજી પડ્યો. ઘોડી એના ઉપર ચારે પગ પહોળા કરીને ઊભી રહી. પોતાના લોહીના ધારોડામાં તાજણે ધણીને નવરાવી નાખ્યો. ત્યાં તો “માટી થાજો ! લૂણસર ભાંગનારા, માટી થાજો !” એવી ગર્જના થઈ. ગોંડળની વહાર ધરતીને ધણધણાવતી આવી પહોંચી.

“ ભાગો ! ભણેં, ભાગો !” કહેતા કાઠીઓ ભાગ્યા. ભાગતાં ભાગતાં ગોંડળની ફોજના એક મોવડીને ઘા કરીને પાડતા ગયા. કલોજી અને એનો ભાણેજ પડ્યા રહ્યા. જેમ વંટોળિયો જાય તેમ બેય કટક ગયાં – આગળ દુશમનો ને પાછળ ગોંડળિયા.

પચીસ વરસની અવસ્થાએ કલાજીએ સંકલ્પ કરેલો હતો કે ચાળીસ વરસે શંકરને માથે કમળપૂજા ખાવી. આજ મોતની ઘડીએ કલાને એ પ્રતિજ્ઞા સાંભરી. આજ એને પાંત્રીસ વરસ થયાં છે. હજી પાંચ વરસની વાર છે. મનમાં આજ વિચાર ઊપડ્યો કે કમળપૂજાની હોંશ હૈયામાં રહી જશે તો અસદ્દગતિ પામીશ.

ઊભા થવાની તો તાકાત નહોતી, એટલે ઘોડીનું પેંગડું ઝાલ્યું: ઝાલીને ટિંગાણો: ટિંગાઈને ઊંચો થયો. ​કાઠાની મૂંડકી સાથે ભંભલી બાંધી હતી. ભંભલીમાંથી પાણી ભોંય ઉપર ઢોળ્યું : પાછો નીચે પછડાણો : હાથ લંબાવીને ધૂળ-પાણી ભેગાં ચોળ્યાં : ગારો કરીને એમાંથી શિવલિંગનો આકાર બનાવ્યો : હાથમાં તલવાર લીધી : પીંછી જમીનમાં ભરાવી: મૂઠ હાથમાં ઝાલી – ને ધાર ઉપર ગળાનો ઘસરકો દીધો. આખુંય માથું ઊતરી ગયું ત્યાં સુધી ભીંસ દીધી. ગારાના શંકર ઉપર પોતાનું ગળું રાખ્યું, એટલે લોહીની જાણે જળાધારી વહેવા લાગી. પૂજા મહાદેવને માથે પહોંચી ગઈ: પાંચ વરસ વહેલી પહોંચી.


બેઠો બે વીસાં તણી, જડધર વાટ્યું જોય,
(પણ) કલિયો વેધુ કેાય, પાંત્રિસે પોગાડિયું.

શંકર તો બે વીસુ (ચાળીશ) વરસ પૂરાં થવાની વાટ જોઈને બેઠો હતો, પણ કલોજી ચાડીલો – આગ્રહી હતો. એણે તો પાંત્રીસ વરસે જ મહાદેવને પહોંચાડી દીધું.

24
લેખ
સૌરાષ્ટ્રની રસધાર ૩
0.0
"આ આવૃત્તિમાં પણ વધુ પુનઃ સંસ્કરણ કરવાનું ચાલુ રહ્યું છે. દરેક વાર્તાને ફરી તપાસી, શૈલીની કઠોરતા તેમ જ વિચારની અતિશયતા દૂર કરી છે. પ્રવેશકમાંથી પણ આવેશીલા લાગતા કેટલાક ફકરા બાદ કર્યા છે. સનાળીવાળી ચારણ - સ્નેહી શ્રી ગગુભાઈને મેં સદાને માટે ગુમાવ્યા છે. પણ આમાંની કેટલીક વાર્તાઓ ફરી તપાસતાં એમનું સ્મરણ ફરી લીલુંછમ થાય છે. ઝવેરચંદ મેઘાણી.રાણપુર : ૮-૭-૪૧
1

દિલાવર સંસ્કાર

15 October 2023
0
0
0

દિલાવર સંસ્કાર [પ્રવેશક] ભાતીગળ ફાલબગીચામાં રંગબેરંગી ફૂલો ખીલતાં હોય છે પણ કોઈ કોઈ ફૂલોની પાંખડીએ પાંખડીએ એકસામટા સાત સાત રંગોની ભાત પડેલી દીસે છે તેનું કારણ શું હશે ? પુષ્પોનાં વિધવિધ પુંકેસરો ઊડી

2

ઘોડી ને ઘોડેસવાર

15 October 2023
0
0
0

ઘોડી ને ઘોડેસવાર ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર

3

કલોજી લૂણસરિયો

15 October 2023
0
0
0

કલોજી લૂણસરિયો ગોંડળના કોઠા ઉપર 'ધ્રુસાંગ ! ધ્રસાંગ ! ધ્રુસાંગ !' એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને 'ઘેાડાં ! ઘોડાં ! ઘેાડાં !” પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા

4

વેર

15 October 2023
0
0
0

વેર કુંડલાના થડમાં અરઠીલા[૧] ગામ છે. તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે, અને કાંકચ ગામમાં વેસૂર ગેલવેા નામે સોનરા બાટીનો સાળો રહે. બન્નેનો સારો ગરાસ હતેા. સાળા-બનેવીને હેતપ્રીત પણ રૂડી હતી. એક વાર સ

5

પાદપૂર્તિ

15 October 2023
1
0
0

પાદપૂર્તિ કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તે રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે; કસૂંબાના ઘૂંટડા બીજી કોઈ ભુજાની અંજળિમાંથી એને

6

હજાર વર્ષ પૂર્વે

15 October 2023
0
0
0

હજાર વર્ષ પૂર્વે એક હજાર વર્ષ પૂર્વે, એક દિવસ સાંજે, પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાએાએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી, વિસામો ખાવા બેઠા. હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભુજ-દંડ હતા. લો

7

ઘોડાંની પરીક્ષા

15 October 2023
0
0
0

ઘોડાંની પરીક્ષા ઘણું કરીને તો એંસી વરસ પહેલાંની આ વાત છે. જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે. તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો. માણસો આવીને રોજરોજ એની પાસે વાત ઉચ્ચારે : “બાવાજી, આપા લૂણાની લખીની ત

8

કાઠિયાણીની કટારી

15 October 2023
0
0
0

કાઠિયાણીની કટારી કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બેય પડખે બે ભાલાળા વોળાવિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસપહાણના પોઠિયા જેવા ધોળા ન

9

આલેક કરપડો

15 October 2023
1
0
0

આલેક કરપડો ભાડલામાં લાખા ખાચરની ડેલીએ એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો. કસૂંબાના રંગ દેવાતા હતા. એ વખતે આપા લાખાના બે કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે સાદે વાતે વળગ્યા હતા. “જસા ગીડા !” વીકા ગીડાએ કહ્ય

10

દુશ્મન

16 October 2023
0
0
0

દુશ્મન મોતી જેવાં નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું. એક દિવસ સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે. અંગ ઉપર પાણકોરાની

11

રાઠોડ ધાધલ

16 October 2023
0
0
0

રાઠોડ ધાધલ સોરઠમાં મેાટી મેાટી લડાઈઓનો જુગ આથમી ગયેા હતેા. ભાવેણાનો બંકો રાજા આતાભાઈ, જેતપુરનો કાળઝાળ કાઠી રાજા દેવો વાળો, નગરની બાદશાહી બાંધનાર મેરુ ખવાસ અને ગોંડળના ડંકા વગાડનાર ભા'કુંભો એવા કં

12

આઈ !

16 October 2023
0
0
0

આઈ ! ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખે

13

આઈ !

16 October 2023
0
0
0

આઈ ! ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખે

14

મહેમાની

16 October 2023
0
0
0

મહેમાની ભડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે. ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતક જોઈ રહ્યો. બધા

15

ધણીની નિંદા !

16 October 2023
0
0
0

ધણીની નિંદા ! ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?” “બાપુ ! ભેાજ ખાચરનાં પડના

16

હનુભાઈ

16 October 2023
0
0
0

હનુભાઈ લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. એવા ઘાટા એ શેરડીના થર સંધા

17

ભાઈ!

16 October 2023
0
0
0

ભાઈ! ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આાયર મરી ગયા, અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ એાથ રહી હતી.

18

કાનિયો ઝાંપડો

16 October 2023
0
0
0

કાનિયો ઝાંપડો મહારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એકસામટી સો સો બંદૂકો સાથે સુદા

19

ચમારને બોલે

16 October 2023
0
0
0

ચમારને બોલે વાંકાનેરના દરબારમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢમાં માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. એારડામાં વડારણોનાં ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને

20

ઝૂમણાની ચોરી

17 October 2023
1
0
0

ઝૂમણાની ચોરી પચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખાચર નામના એક કાઠી રહેતા હતા. આપા કાળાને ઘેરે આઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને

21

અભો સોરઠિયો

17 October 2023
0
0
0

અભો સોરઠિયો સોરઠ દેશને દખણાદે કિનારે, માલણ નદીના કાંઠા ઉપર, મહુવા નામનું બંદર આવેલું છે. અરબી સમુદ્રનાં આસમાની મોજ રાતદિવસ મહુવાની ધરતીનાં વારણાં લીધા કરે છે. દરિયાની ગુંજારવ આઠે પહોર એ નગરીના લોકો

22

મેર જેતમાલ

17 October 2023
0
0
0

મેર જેતમાલ લખનાર : સ્વ. જગજીવનદાસ કા. પાઠકઆજે આસો સુદ નોમનો દિવસ છે. પાણકોરાના ચોરણા, પાસાબંધી આંગડીઓ ને માથે બાંધેલાં ભોજપરાંથી શોભતા હજારો રબારીઓ આજે બળેજમાં મમાઈને મઢે મેળે આવેલ છે. તેલમાં ભીંજાવ

23

ભાઈબહેન

17 October 2023
0
0
0

ભાઈબહેન ચોટીલાથી ત્રણ ગાઉ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે બે બાળકો છે : એક આંગળીએ વળગેલું અને બીજુ ક

24

પિંજરાનાં પંખી

17 October 2023
0
0
0

પિંજરાનાં પંખી સં.૧૯૬૭ના અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી*[૧] તાલુકાના કોઈ પણ તુંબેલ ચારણ જયારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી

---

એક પુસ્તક વાંચો