shabd-logo

૧૬ : સર્વમેધ યજ્ઞ

22 June 2023

1 જોયું 1



૧૬ : સર્વમેધ યજ્ઞ

(૨૦મી સદ્દીના ગુજરાતની એક ઇતિહાસકથા.)

⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️



⁠કઠોપનિષદમાં કથા છે કે પૂર્વે વાજશ્રવ અરુણી ઋષિના પુત્ર ઉદ્દાલક ઋષિએ સર્વમેધ યજ્ઞ આરંભ્યો હતો. ભરી ભરી કથરોટ ઠાલવે એમ ઘર ઠાલવ્યું ને પુત્ર નચિકેતાને યે યમદેવને સમર્પ્યો.

⁠આજના ગુજરાતીઓ અને ગુજારાતણો! વીસમી સદ્દીમાં ગુજરાતે સર્વમેધ યજ્ઞ ઉજવાયા છે. જાણો છો? કથા કહું? સાંભળશો? વૈરાગ્યની રસકથા હોય ભીષ્મવર્ણાઓને કાજ.

⁠હવેલીઓ ઠલવાતી દીઠી કે સાંભળી છે?૨

⁠નિર્જન વગડે સરોવરિયું લહેરિયાં લેતું હતું. પાળે પુરાણો પુરાણો વડલો, જોગી જેવો જટાની અલકલટો લહેકાવતો, ઉભો હતોઃ જાણે વનવૃક્ષોનો વનરાજ!

⁠ફરતી ન્હાની પણ ગાઢ ઝાડી હતી. 'ઝાડી'ના સાદા નામથી રણવગડાની એ કુંજને જગત ત્ય્હારે ઓળખતું ને આજે ઓળખે છે.

⁠'આજે દેવશયની એકાદશીઃ આજે ચાતુર્માસ બેઠો. યાત્રાનાં આદર્યાં પરિયાણે અધૂરાં રહેશે. આ ધરતી બોલાવતી હશે. અહીં જ અડીંગા હવેઃ આ નિર્જનતાની જનતાને ખોળે.'

⁠એ એક ખાખી હતોઃ વૈરાગ્યનાં ને ભસ્મનાં આભૂષણે શોભતો એ એક અવધૂત ખાખી હતો.

⁠જટાધારી વડલાના થડને અઢેળીને જોગીએ ઠાકોરસેવા પધરાવી. સરોવરમાં સ્નાન કરી જળભર્યું કમંડળું ને ખાલી ખપ્પર ઠાકોરજીનાં ચરણોમાં ધર્યાં, અન્તરમાં કોક બોલતું હતું 'એ ભરાશે ને ઉભરાશે.'

⁠'જવું હતું શહેરમાં ને વસાવ્યો વગડો. જેવા અદૃષ્ટના લેખ આ ચાતુર્માસ તો આ વડલાની છાયામાં જ, આ સરોવરિયાની પાળે જ થશે.'

⁠વનવેર્યાં ઇંધણાં વીણીને જોગીએ ધૂણી ધખાવી, ને અગ્નિની શિખાઓ વચ્ચે અગ્નિદંડ સમો ચીપિયાનો વજ્રદંડ રોપ્યો.

⁠એ વગડાને ખોળે જોગીના અડીંગા પડ્યા.૩

⁠ગુજરાતની ઝાડીઓ ઢોળાઈ જઈ વગડાનો સાગર પાળે ઉછાળા મારે છે, ને વગડાનાં ઝાંખરાં યે ધરતીમાં ડૂબી જઈ ધૂળઢગલા ને ખારાપાટના રણપગથારનો સમુદ્ર પથરાય છે એવા ગુજરાતને ઉત્તરઆરે એ સરોવરિયું હતું. દ્વીપ ફરતી જળરેખા દોરી હોય એવી સરોવર ફરતી ઝાડી હતી. ઝાડી ન્હાની હતી, પણ ઝુંડ ઘેરાં હતાં. ઝુંડ વચ્ચે સિંહાસન સમો વડલો હતો. એ વડછાયામાં રમતા રામ સમા જોગી પધાર્યા, પડેલાં ઇન્ધન વીણી ધૂણી ધખાવી, વનચોકમાં ચીપિયાનો વજ્રદંડ રોપ્યો. વગડાની પાળના એ ઝુંડમાં ચાતુર્માસ ગાળવાનો જોગીએ સંકલ્પ કીધો.

⁠જોગીને પગલે વગડામાં હવેલીઓ મંડાશે એનાં જગતને ત્ય્હારે સ્વપ્નાં યે નહોતાં.

⁠ખાલી ઝોળી, વજ્રવર્ણો ચીપિયો, વજ્રકછોટા શો લંગોટ, ખપ્પર ને ઠાકોરજીઃ જોગીની એ રિદ્ધિસિદ્ધિ હતી. પાનાંપુસ્તક એકતારો રાવણહથ્થો માળા કે આરતી - સહુ સાધનસૂનો એ ખાખી હતો. ખાલી હાથ એના કલ્પલતા જેવા હતા, ઉઘાડી આંખો એની ભરી વાદળી જેવી ઘેરાતી. એ સૂનો જોગી જોનારને ભર્યો ભર્યો ભાસતો.

⁠જોગીએ સ્નાન કીધું, ગોપીચન્દનની અર્ચા કીધી, બાહુએ ભાગ્યદેશે વક્ષસ્થળે તિલક કીધાં. ઠાકોરજીનું ધ્યાન ધર્યું, ચીપિયો ખખડાવ્યો, ને જોગી ઉઠ્યાઃ જાણે નિશ્ચયની શિલા ઉઠી! ધૂણાની ધૂણી વડલા નીચે સળગતી મૂકી, ખાલી ઝોળી ખભે ભરાવી, ખાખી વિજનતામાં મહાલવા ચાલ્યા.

⁠તે દિવસે જોગી ત્રણ ગામ ફર્યા. અધૂરી ઝોળીએ જોગી મધ્યાહ્‌ને પાછા આવ્યા.

⁠આવીને જોયું તો આંખડલીમાં જ્વાળા જલતી એવી ધૂણી ધખધખતી હતી. બેએક વટેમાર્ગુ તાપતા બેઠા હતા, ઇંધણાં લાવી લાવી ધૂણીને સંકોરતા હતા.


⁠વનવગડામાંના અગ્નિ એ અગ્નિહોત્ર હતા.

⁠એ વટેમાર્ગુઓ અજાણ્યા હતા, ને એમની ભાગ્યમુદ્રા ઉપર અજાણતાનાં અંબર આચ્છાદાયેલાં હતાં.

⁠પણ જોગીને જાણ્યાં શાં? ને અજાણ્યાં શાં?

⁠ત્રિકાળના અણઓળખીતા વર્તમાનની મહેમાનીએ આવ્યા હતા.

⁠જોગીએ એમને આદર કીધા; ઠાકોરજીનાં ચરણામૃત આપ્યાં; વડલાનાં પાનની પત્રાવળ કીધી ને પીરસી; વડલાની કુંપળોના દ્રોણ કીધા ને જળ પાયાં. 'મ્હારે તો વ્રતની એકાદશી છે' કહી જોગી એ દિવસે અનશન રહ્યા. તડકા નમ્યે આશીર્વાદ ઉચ્ચરતા વટેમાર્ગુઓ વાટે વળ્યા.

⁠વાટે વાટે જોગીના યશ વેરતા વટેમાર્ગુઓ વિચરતા.

⁠રાજચંપાનો છોડ રોપાય ને ફરતી ફોરમ ફોરી ઉઠે એવી જોગીના જોગની ફોરમ પછી ફરતાં ગામોમાં ભભૂકી ઉઠી.

⁠વર્ષો વીત્યે જોગીએ ચેલાઓ કીધા ત્ય્હારે એ બે વટેમાર્ગુઓ જોગીના પ્રથમ ચેલા હતા.૪

⁠પછી તો જોગી રોજ સાત-સાત ગામ ફરતા, ને ઝોળી ભરી લાવી વટેમાર્ગુને-સાધુસન્તને જમાડતા. મહિનામાં પંદર દહાડા તો ઝોળી એટલી ભરાતી કે જોગીથી એ ઉપડતી નહિ, ને માર્ગે ભીખારીને ને કૂતરાંને ને વાંદરાંને રોટલા વેરતા જોગી આવતા.


⁠જોગીનો જોગ વખણાયો, જોગી સિદ્ધિવન્તા ગણાયા, જોગીની માનતાઓ મનાતી થઇ .

⁠પછી તો એકદા વર્ષા વર્ષી, ને જોગી નિત્યને ગામોતરે ગયા હતા ત્ય્હાં પાછળ મેઘછાંટી ધૂણી હોલવાયા જેવી થઇ રહી. જોગી ભીંજવાઇને આવ્યા, શીત ચ્‍હડ્યાં, ચેતન ચેતવતી ધૂણી યે ધૂંધવાતા જેવી હતી. બે દિવસ જોગી માંદા રહ્યા. સાતે ગામના મુખીઓ જોવા આવ્યા. ભવિષ્યનાં ઝાપટાંઓમાંથી જાળવવા જોગીની ધૂણી ઉપર ઝૂંપડી છવાઇ.

⁠માનવજાતે પહેલા મહેલ ન્હોતા બાંધ્યા, પર્ણકૂટીઓ બાંધી હતી.

⁠પછી જોગીની ઝૂંપડીએ ભજનમંડળી જામવા માંડી.

⁠પછી એકદા શિયાળો હતો ને હેમાળુ વા વાતો હતો. વ્હેલી સ્‍હવારે ઉઠી, ધૂણી સંકોરી, જોગી સરોવરે ન્હાવાને ગયા. પ્રભાતી પવન જોરથી ફૂંકાતો હતો. ધૂણીના તણખા ઉડ્યા, ન્હાનકડો દવ લાગ્યો, ઝૂંપડી સળગી ગઈ. જોગીએ આવીને જોયું તો ઝૂંપડીના દેહવશેષ સમો ભસ્મનો ઢગલો પડેલો હતો.

⁠જોગીએ મનમાં કહ્યું: 'નવાં આપશે; ક્ય્હાં જશે?'

⁠થોદેક દહાડે જોગીને ધૂણીને કાજે ઝૂપડીને સ્થાને પાકો ઓરડો બન્ધાયો. ને હૂનાળો બેસતાં ત્ય્હાં પરબ બેઠીને વિસામો મંડાયો. હવે તો સારો તાલુકો જોગીની પરબનાં પાણી પીતો, જોગીને વિસામે વિસામો ખાતો.

⁠પછી ઓરડાનો બંગલો થયો; ને જોગીએ ગાયું કે


બંગલા ખૂબ બન્યા, મહારાજ!
કે વામે નારાયન બોલે.

⁠ને પછી બંગલાની ચાર માળની જોગીની હવેલી ચણાઇ. ઝરૂખે બેસી માળા ફેરવતા, અગાસીમાં બેસી જોગી ત્રિભુવન નિરખતા.

⁠છેવટે જોગીની હવેલી ફરતી કોટકાંગરાની ઓનકદાર દુર્ગની દિવાલ ચણાઇ.

⁠એમ વનમાં મહેલ મંડાયા.

⁠ત્‍હોય જોગીની ખાખને સોનવેલ ચ્‍હડી ન હતી.

⁠અજ્ઞાન લોકસંગ એને જોગીનાં જાદું કહેતો. સ્ત્રીઓ કહેતી કે દાભડીમાંથી દોલત કહાડે છે. બાળકો કહેતા કે સરોવરે ન્હાતાં ન્હાતાં જોગી આસ્માનને ન્હોતરે છે. અધૂરિયાં કહેતાં કે વડના થડમાંથી ભોરીંગનું ભોંયરૂં જડ્યું છે. અર્ધશ્રદ્ધાળુઓ કહેતા કે પાંદડાંનો રસ પાઇ ત્રાંબાનું સોનું કરવાનો જોગી કીમિયો જાણે છે.

⁠જોગી કને તો હતાં જોગનાં જાદુ ને પરમારથનાં ઇલ્મ.

⁠એ મહેલાત મંડાઇ એને જોગી જીવનનો જય ન્હોતા માનતા. એમને તો જોગનો ઝુંડો ફરકાવવો હતોઃ એમને તો કળિયુગમાં સત્‌યુગ સ્થાપવાના અભિલાષ હતા.

⁠વ્હેલ્લી સ્‍હવારે જોગી ઉઠતા, સાત ગામની શેરીઓ જોગી ફરી આવતા, છલોછલ્લ ઝોળી ભરી લાવતા, ને સરોવરપાળે વગડામાં વટેમાર્ગુઓને જમાડતા.


⁠નિર્જનતામાં જોગીએ જોગનાં સદાવ્રત માડ્યાં હતાં.

⁠ખાખીના જોગી થયા. જોગીના જોગીરાજ કહેવાયા. જોગીઓની જમાત જામી એટલે મહન્ત નામ પડ્યું, ને પછી ઠાકોરની ઠકરાત જેવો વૈભવ મ્હોરતાં જોગી મહન્ત સાહેબની કીર્તિને પામ્યા. ઠાકોરજીનાં ચોઘડિયાં યે બેઠાં.

⁠જોગને યે લોક બિરદ દઇ બિરદાવે છે ને.

⁠એમ તો વર્ષો વીતી ગયાં, ને દેહી ફરતો દેહ બન્ધાય છે એમ જોગી ફરતી માયાની મહેલાતો ચણાઇ.૫

⁠એમ વર્ષો વીતી ગયાં: પોપચાંના પલકારાની પેઠે એમ વર્ષો વીતી ગયાં.

⁠ને એ વગડાની વિજનતામાંથી જોગીના જોગ એ જીલ્લો ભરી ફોરી રહ્યા. કમળભર્યા સરોવરને તીર જાણે રાજચંપો મ્હોર્યો.

⁠પરજીલ્લામાંથી લોક વન્દવા આવતું, પણ થોડું થોડું.

⁠પણ એ માયાના મહેલના જોગીને ભાર ન હતા.

⁠એકદા ત્ય્હાં પ્રભાતનાં ચોઘડિયાંનો ડંકો વાગ્યો.

⁠આજનો ડંકો અનોખો હતો; આજ જોગીનો જીવન મહોત્સવ હતો.

⁠ગગનને ગજાવતો, જગતને જગાડતો ચોઘડિયાંનો ઘોર વરસાદની ધારાઓ જેવો વરસતો. જગત સાનન્દ એ ઝીલતું.


⁠પ્‍હરોડનાં એ ચોઘડિયાંની પૂર્વે, ચન્દ્રની ચન્દની અન્ધકારને અજવાળતી હતી ત્ય્હારે, જોગી આજ ઉઠ્યા હતા. સરોવરજળમાં જોગીએ સ્નાન કીધું, ચન્દ્રની ચન્દનીમાં અંગ અજવાળ્યાં, વડલાની છાયામાં ધ્યાનસિંહાસને વિરાજ્યા. જીવનપન્થની વટાવેલી વર્ષોની વાટ સમાધિમાં નિહાળી ત્ય્હાં આજનો સૂર્ય આંખડીમાં આવીને ઉભો. વળી વળી આન્તર્‍ચક્ષુઓ સન્મુખ એ દિવસો ખડા થયા, કે જ્ય્હારે માયાનિર્લેપ પોતે ખાખી હતા. હવેલી ન્હોતી, બંગલો ન્હોતો, પર્ણકુટીરે ન્હોતી. ત્ય્હારે ભસ્મ એમની લક્ષ્મી હતી, ગોપીચન્દન એમનું ધન હતું, ઠાકોરસેવા એમની સમૃદ્ધિ હતી, ઝાડીનું ઝુંડ જોગીનો મહેલ હતો. જગત્‌જગાડતાં ચોઘડિયાંના ઘોષથી જોગી જાગી ગયા. સમાધિમાં દીઠાં હતાં તે ત્‍હેમનાં નયણાંમાં તરતાં હતાં.

⁠જોગીને પૂર્વાશ્રમનો જોગ સાંભર્યો. લક્ષ્મીના ભાર ન્હોતા, શરીર ફૂલ જેવું હળવું રમતું, આત્મા પાંખ જેવો હળવો ઉડતોઃ એ પૂર્વાશ્રમ સાંભર્યો. જોગીને જોગનાં જોમ ચ્‍હડ્યાં.

⁠નિર્ધાર કીધા શો પગ ઠમકારી જોગી ઉઠ્યા. 'માયાની ખાલી ચ્‍હડી છે. આજે મેઘ વરસાવું'

⁠જોગીના ઉત્સાહ ને આનન્દ આજ ઓર હતા.

⁠જોગીને ડંકે જગત જાગ્યું. ધીરે ધીરે લોકમેદનીની ભરતી ઉભરાઇ. વરસાદનાં ફોરાં જેવાં પહેલાં તો છૂટાંછવાયાં જનફોરાં વરસવા લાગ્યાં. પછી જનતાની નીકો વહી. પછી સરિતાનાં પૂર જેવી માનવતા ધસતી આવી. પછી તો મનુમેદનીનો સાગર હિલોળે ચ્‍હડ્યો. ભરતી મધ્યાહ્‌નના જેવી ડોલતી. સરોવરની ચારે પાળોને ઘેરીને માનવજાતનાં મોજાંઓ ઉછળી રહ્યાં. ચંચુ ચંચુ ભરતાં યે રખેને સરોવરિયાંનાં ભર્યાં જળ ખૂટી જાય એટલી લોકમેદની જામી હતી.

⁠મહેલાતમાં મઢી હતી, ને એ મઢીનાં નિત્ય ઉઘાડાં દ્વાર આજ ભીડેલાં હતાં.

⁠સૂર્ય નારાયણે જાણે જોગીનાં દર્શનને કાજ ધીરે ધીરે આભને ઝરૂખે આવી બેઠા.

⁠પ્રથમ પહોરનો ડંકો વાગ્યો. ડંકાનો મધુરો મધુરો ગુંજારવ મધુરપની પાંખોને પીંછે ચ્‍હડી નભોમંડળમાં ઘૂમતો ઘૂમતો દિશાઓની વનવિટપોમાં આથમી ગયો. જગતભરમાં આજ મધુરપ મહેકતી.

⁠અન્તે મઢીના દુર્ગદ્વારની ભોગળો ખડખડી. કાળમીટની ભેખડ સમા દરવાજા સંકેલાયા. પર્વતછાટના પડદાઓ ઉઘડતાં મંહીથી સાક્ષાત્‌ શંકરનાં દર્શન થાય એવા એ અવધૂત મઢીમાંથી નીકળી મહેલાતના દુર્ગદ્વારમાં આવી ઉભા.

⁠જમણા હાથમાં ચીપિયો હતો; દેહે લંગોટ હતો; માથે ઠાકોરજી હતા. સ્કન્ધે ખપ્પર લટકાવેલું હતું. અંગે ખાખ ચોળેલી હતી. ડાબા હાથમાં કમળ સરિખડું કમંડળું હતું. પૂર્વાશ્રમના ખાખી આજે પૂર્વજન્મે ખડા હતા. પડખે બે પાંખો સમા પટશિષ્યો હતા. વર્ષો પૂર્વેના વગડાના સંગાથી જીવનયજ્ઞને અવસરે આજ જોગીના સંગાથીઓ હતા.


⁠મહન્તના પટશિષ્યોએ શંખ વગાડ્યોઃ જોગીની જમાત સચેત થઇ. સાગરની છોળ જેવી જનમેદની ડોલી ઉઠી.

⁠દુર્ગના દરવાજા વચ્ચે ગજરાજ આવીને ઉભે એવા જોગી હવેલીના દુર્ગદ્વાર વચ્ચે ઉભા હતા. મુખડે એક મન્ત્ર જપતા હતાઃ અહાલેક! અહાલેક!

⁠કોઇકે વન્દન કીધાં, કોઇકે ગન્ધાક્ષત ચ્‍હડાવ્યા, કોઇકે પુષ્પોના અભિષેક કીધા. એકે ચરણવન્દના કીધી, જોગીએ સ્‍હામી ચરણવન્દના લીધી. એકે આવી આરતી ઉતારી ત્ય્હારે જોગીએ ઠાકોરસેવાને સન્મુખ ધરી.

⁠ઠાકોરઆરતી પૂરી થયે પટશિષ્યોએ ફરી શંખ પૂર્યો. ગજરાજ સમી ગર્જના કરી પછી જોગીરાજ ગાજી ઉઠ્યાઃ

⁠'આવો ને ઉદ્ધારોઃ મ્હને લૂંટો. સન્તજન! હરિજન! આવો, જોગીનાં ન્હોતરાં છે. આવો, ને મૂકાવો માયાપાશથી. સહુનું છે ને સહુ લેઇ જાઓ. શું લઈને આવ્યો'તો જગતમાં? ને શું લઈને જગતમાંથી જશે જીવ? લૂંટી જાવ. જોગીની સારી યે સાહ્યબી લૂંટી જાવ, ઠાકોરજીની મહેલાત લૂંટી જાવ. જેને જે જોઇતું હોય તે ત્‍હેનું છે. બ્રહ્માર્પણ! સર્વ બ્રહ્માર્પણ! બ્રહ્માંડવાસીઓ! ત્‍હમે બ્રહ્મપૂત્રો છો. બધું ત્‍હમારા બાપનું છેઃ બધાંનાં ત્‍હમે વારસ છો! આવો, લૂંટો, ને લ્યો. સર્વસ્વ બ્રહ્મસમર્પણ હો!'

⁠જોગીનો જોગ જનમેદનીમાં ગાજી રહ્યો.


ब्रह्मार्पण ब्रह्महवि र्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्,
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिन.


⁠ગીતાજીનો શ્લોક ભણતા ભણતા જોગી દુર્ગદ્વારમાંથી નીકળ્યાઃ જાણે જોગીએ સૂર્ય સમીપે પગલાં ભર્યાં! આકાશફેડતી જમાતે ગર્જના કીધીઃ અહાલેક!

⁠પા સદ્દી પૂર્વે વ્રતની એકાદશીને પર્વે એકાકી આવ્યા હતા ને જે વડલાછાયે વિરાજ્યા હતા ત્ય્હાં સરોવરપાળે જઇને જોગી વિરાજ્યા. વડના થડની સમીપે ઠાકોરસેવા માંડી; વડના ચોકમાં ચીપિયાનો વજ્રદંડ રોપ્યો; ઇંધણાં વીણી લાવી ધૂણી ધખાવી. કમંડળું ભરી લાવી ઠાકોરસેવામાં ધર્યું, ખાલી ખપ્પરમાં ક્ષણેક નિહાળી રહ્યા.

⁠એ ક્ષણમાં પચ્ચીસ વર્ષો ભૂંસાઈ ગયાં, એ એક ક્ષણમાં પા સદ્દીનો પૂલ ઓળંગી આત્મા પૂર્વાશ્રમને આરે ઉભો.

⁠ભર્યાભર્યા મેઘના જેવું ગંભીર જોગીને મુખડે હાસ્ય હતું. વરસતા સૂર્યની ધારાઓ જેવાં જોગીને મુખડેથી કિરણો વરસતાં.

⁠પ્‍હણે જનતાનું પૂર, ભરતીનાં મોજાંની પેઠે, દુર્ગદ્વારમાં પેઠું. લક્ષ્મીપૂત્રો યે જોગીની મઢી લૂંટવાને આવ્યા હતા; કારણ કે યત્કિંચિતે લીધે તે પુણ્યસ્મરણ તરીકે કુલધામે દેવપૂજામાં પધરાવવાનું હતુ. વરઘોડામાં વાડી લૂંટાય છે એમ ઘડીકમાં જોગીની મહેલાત લૂંટાઈ ગઈ, સમૃદ્ધિસૂની થઇ રહી.

⁠એમ જોગીના માયાના અંચળ ઉતર્યાં.


⁠જોગીઓ જ લૂંટાવે જોગીની મહેલાતોને.

⁠એ જોગીએ ઝાડીની જાયગા લૂંટાવી દીધીઃ જીવનની ત્રણ ઋતુઓની પેઠે ત્રણ ત્રણ વેળા લૂંટાવી દીધી. ને કલિમાં ઉપનિષદ્‍યુગ પ્રવર્તાવ્યો.

⁠તે દિવસે જોગીએ નિજ જોગનાં પારખાં લીધાં.

⁠તે દિવસે જનતાએ દિગન્ત ગજાવી જાહેર કીધું કે ભારતવર્ષમાં આજે યે ઉપનિષદ્‍કાળ સજીવન છે.૬

⁠સર્વમેધ યજ્ઞ એટલે લોકયજ્ઞમાં સર્વસ્વની આહૂતિ.

⁠ખરેખર! જગત જોગીની ઝાડી જેવું છે. ઘણાખરા લૂંટે છે, વિરલાઓ લૂંટાવે છે. 

ન્હાનાલાલદ્વારા વધુ પુસ્તકો

16
લેખ
પાંખડીઓ
0.0
આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. ⁠આ તેજ નથી, તેજ‌અણુઓ છે. યજ્ઞકુંડની યજ્ઞશિખાઓ ઉછળે છે ત્ય્હારે મંહીથી કોઇ કોઇ સ્ફુલિંગો ઉડે છે: એથી ઝીણેરા આ અણુકિરણો–Electrones છે. કોઈક હોલવાઈ જઈને કોઇક ઉડીને કો ઉરની કર્પુરઆરતીને પ્રગટાવે પણ ખરા. ⁠હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પું છું. આ હીરા નથી, હીરાની કરચો છે.
1

૧: બોરસળીનો પંખો

22 June 2023
0
0
0

૧: બોરસળીનો પંખો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠મ્હોરની હું માળા ગૂંથતી હતી. ⁠ઉપર વિશાળું વૃક્ષ હતું. ઝીણી ઝીણી પવનલહરીમાં ધીમું ધીમું તે ડોલતું ને મ્હારા ઉપર મ્હોર વરસાવતું. એની નાચતી-અસ્થિર છાયામાં નીચે હું બેઠી

2

૨ : સમર્પણ

22 June 2023
0
0
0

૨ : સમર્પણ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠વરવહુના એકાન્તની વાતો જગતને કહેવાતી હશે ? દંપતીના એકાન્ત પવિત્ર છે; ત્ય્હાં ડોકિયું કરવા પરાયાં કોઈને અધિકાર નથી. ⁠ત્હો ય ઘેર-ઘેર નિજમન્દિર છે, ને સહુના યે સાળુ ભાતીગર છે.

3

૩ : ઇતિહાસના અક્ષરો

22 June 2023
0
0
0

૩ : ઇતિહાસના અક્ષરો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠'રાખ, રાખ હવે. ટાઢો પહોર છે : ને રાતના આઠ વાગ્યા છે. ત્‍હારા સંસ્કૃત સાહિત્યમાં બધું હતું : રેલ્વે યે હતી ને તારે હતા ! પ્યાલામાંથી પાણી ઢોળે ને ટીપુ યે ન રહે, એમ

4

૪ : વીજળીની વેલ

22 June 2023
0
0
0

૪ : વીજળીની વેલ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘ત્હમે પુરુષોએ જ ચ્હડાવી મારી છે સ્ત્રીઓને; ને પછી કહો છો કે માથે ચ્હડી ભાગી. સુન્દરી, સુન્દરી, સુન્દરી; કવિતા લખો તો સુન્દરી, વાર્તા માંડો તો સુન્દરી, નાટક રચો તો સુ

5

૫ : એનું પ્હેલ્લું પુષ્પ

22 June 2023
0
0
0

૫ : એનું પ્હેલ્લું પુષ્પ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜ ⁠₩৳વનની તે મહારાણી હતી. ⁠વનમાં હરિણી વિચરે એવી એ વિચરતી. ડાળખીએ ડાળખીએ કો પંખિણી ઉડે એવી એ ઉડતી. ⁠ચન્દ્રમા ઉગેને આકાશની કુંજોમાં અજવાળાં પથરાતાં. પાંદડ

6

૬ : કુંવારો કે બ્રહ્મચારી ?

22 June 2023
0
0
0

૬ : કુંવારો કે બ્રહ્મચારી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘જો ! પેલો પ્રમોદ : બ્રહ્મચારી છે.’ બે ત્રણ વિદ્યાર્થિણીઓ સંગાથે પ્રમોદને જતો જોઇને મ્હેં મ્હારા મિત્રને ઓળખાવ્યો. ⁠અમારી કોલેજમાં આજ Inter-Collegiate La

7

૭ : વટેમાર્ગુ

22 June 2023
0
0
0

૭ : વટેમાર્ગુ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠લોક કહે છે કે પન્થીની પ્રીત શી ? પણ એને તો પન્થીનાં કામણનાં બાણ હૈયાં સોંસરાં વાગ્યાં હતાં, ને એણે પન્થીની પૂજા આદરી હતી. ⁠ગામની તે ગોપિકા હતી. ⁠માર્ગે જતાં-આવતાં તે

8

૮ : વીણાના તાર

22 June 2023
0
0
0

૮ : વીણાના તાર ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠તારલા કંઈ તારલાને તેજમટકે મટમટે; ⁠તો આત્મ કાં નવ સૂક્ષ્મ તત્ત્વથી આત્મના અનુકમ્પ દે ? ટેનીસન ⁠ઉંડા વનમાં એક નદી હતી ને નદી ઉપર કાળી ભમ્મર છાયા ડોલતી. નદીનાં પાણી,

9

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ?

22 June 2023
0
0
0

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘સંસારનો આજનો આદર્શ કિયો ?-સતી કે સુન્દરી ?’ ⁠અમે બે મિત્રો એક કન્યામહાવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં જતા હતા. ⁠મ્હેં કહ્યું : ‘અઢારમી સદ્દીનો હજી

10

૧૦ : હું તો નિરાશથઈ

22 June 2023
0
0
0

૧૦ : હું તો નિરાશથઈ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠હું તો તે દિવસે નિરાશ થઈને આવી. ⁠કોર્ટમાં જેમ ચોર ને ડાકુને ગુનેહગારો આવે છે એમ દવાખાને તાવલા પરૂવાળા કુદરતના ગુનેહગારો આવે છે. કોર્ટમાં સાચો કોક ફરકે, એમ દવાખાને

11

૧૧ : બ્રહ્મચારી

22 June 2023
0
0
0

૧૧ : બ્રહ્મચારી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️  તે બ્રહ્મચારી હતા. ⁠વસ્તી વચ્ચે દેવમન્દિર હતું ને એ દેવમન્દિરમાં તે રહેતા. સ્હવારે ને સ્હાંજરે નગરમાર્ગો ઉપર થઈ નદીએ તે ન્હાવા જતા ત્ય્હારે ભરવસ્તીમાં એની આંખે ઉંચી થત

12

12 : સતીનાં ચિત ગગ્ન

22 June 2023
0
0
0

12   : સતીનાં ચિત ગગ્ન (વીસમી સદ્દીની ગુજરાતણની એક ન્હાનકડી કાદંબરી) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ૧ગિરિછાયામાં ⁠ગુજરાતના ગિરિવરોમાં એ ઉછરતી હતી. નિત્યનિત્ય ગિરિરાજનાં દર્શન કરીકરીને એનો આત્મા ગિરિરાજ શો અચલ

13

૧૩ : ફૂલની ફોરમ

22 June 2023
0
0
0

૧૩ : ફૂલની ફોરમ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠એ માર્ગે નગરલોક ઘણાં જતાં-આવતાં. ⁠ચન્દનીના વ્હેણ જેવો માર્ગ ઉજળો હતો; પણ વચ્ચે વચ્ચે વૃક્ષછાયાના અન્ધકારના ઢગલા પડેલા હતા. પડછાયા શા ડોલતા એ ઢગલાઓ ખૂંદીને લોક એ

14

૧૪ : વ્રતવિહારિણી

22 June 2023
0
0
0

૧૪ : વ્રતવિહારિણી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠આઠે પહોરના અમૃતરૂપ એ સમય હતો. જગતશોભન સૂર્યસુવર્ણ આભમાં યે ન્હોતાં પથરાયાં, અને અન્ધકારના ઓછાયા પણ અન્તરિક્ષમાં ન્હોતા ઉડતા. રાત્રી આથમી હતી. તેજેતેજશીતળ રજતવર્ણું પ્

15

૧૫ : સાગરની સારસી

22 June 2023
0
0
0

૧૫ : સાગરની સારસી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠સાગરની તે સારસી હતી. સાગરનાં વન એનાં ઉડવાનાં વન હતાં, સાગરતીરની દીવાદાંડી એનો માળો હતાં. ⁠આજ હિમના વાયુ વાતા હતા. ⁠કુંજ જેવડું આજ આભ હતું. આભને નિરખી લઈ તે ઉતરી. ⁠

16

૧૬ : સર્વમેધ યજ્ઞ

22 June 2023
0
0
0

૧૬ : સર્વમેધ યજ્ઞ (૨૦મી સદ્દીના ગુજરાતની એક ઇતિહાસકથા.) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠કઠોપનિષદમાં કથા છે કે પૂર્વે વાજશ્રવ અરુણી ઋષિના પુત્ર ઉદ્દાલક ઋષિએ સર્વમેધ યજ્ઞ આરંભ્યો હતો. ભરી ભરી કથરોટ ઠાલવે એમ ઘર

---

એક પુસ્તક વાંચો