૨ : સમર્પણ
⚜️ ⚜️ ⚜️
વરવહુના એકાન્તની વાતો જગતને કહેવાતી હશે ? દંપતીના એકાન્ત પવિત્ર છે; ત્ય્હાં ડોકિયું કરવા પરાયાં કોઈને અધિકાર નથી.
ત્હો ય ઘેર-ઘેર નિજમન્દિર છે, ને સહુના યે સાળુ ભાતીગર છે. એટલે જરાક પડદા ઉઘાડી અમારા રંગઢંગ-કંઈક આછાઅધૂરા યે-સહિયરોને દાખવવાની મ્હને ટેવ પડી ગઈ છે. કેટલીક સાહેલીઓ સાંભળે છે; કેટલીક હસે છે. પોતાનાં યે નિજમન્દિરની એવી એવી વાતોનાં સ્મરણોનાં તેજકિરણો કેટલીકની આંખડીઓમાં વણબોલ્યે ચમકી ઉઠે છે.
સહુના યે એકાન્ત તો સરખા ને ?
ત્ય્હારે એક પ્રભાતની વાત કહું છું.
કોયલને ટહુકે જાગી ને મોરને ટહુકે નાથ જાગ્યા. જાગીને જોયું તો અજવાળાં ઉગતાં હતાં, પણ મ્હોંસૂજણું નહોતું થયું. એક ભરથરી રાવણહથ્થાને છેડી મોરને ઘેરે ઘેરે પ્રભાતિયું ગાતો હતો.
એ રોજ કહેતા કે અમારૂં ગામ કાલિદાસની ઉજ્જ્યની નથી. ગામને પાદર ક્ષિપ્રા યે નથી કે સારસે નથી :
સારસના કલરવે અમે જાગીએ ને કમળવનના સુગન્ધ કળાયે અમે પુનશ્ચેતના પામીએ. રોજ તો અમે એલારામના ઘણઘણાટથી જાગતાં.
અને જાગીને યે અમે તન્દ્રામાં પડતાં.
હૈયા ઉપર હૈયું પાથરી હું પડી હતી. નાથના કરતલની કમળપાંખડીઓ દેહદેશને પંપાળતી, રોમાંચ જગાડી, દેહમાંનાં રૂધીર વધુ વેગે વહેવડાવતી હતી.
કેટલાંક તરનારાં જાણે જલપથારીમાં પોઢે છે ને નિશ્ચેષ્ટ શા પડ્યા રહે છે : એમ હું કેટલોક સમય પડી રહી. બારીની વેલીમાં થઈને આવતો મન્દ મન્દ પ્રભાતી પવન શીતળતા ઢોળતો. શીતળતાનાં એ શીતાસવ પી પીને ઠરી ગયાં સમાં અમે પડ્યાં હતાં.
અમને જીવનનાં ઘેન ચ્હડ્યાં હતાં. यतो वाचो निवर्तन्ते એવી કો સમાધિદશામાં અમે જાણે રસસમાધિસ્થોમાં પડ્યાં હતાં.
જગતમાં કેટલાંક મનસ્વીઓ છે. કોઈની વાટ નથી જોતાં, કોઈનો વિચારવિવેક નથી કરતાં, પ્રસંગની યોગ્યા-યોગ્યતા જોઈને નથી વર્તતાં. આગગાડી, ઘડીઆળ, સૂરજ એવાં છે. મનસ્વીઓ સહુ સાચાબોલાં પણ વિવેકશૂન્ય હોય છે.
અમારા નિજમન્દિરમાં જાણે પેલા માતા કહાડનારા વળાદરાઓની થાળી રણકી ઉઠી. એ અમારા ઘડીઆળનું એલારામ હતું.
સ્વપ્નાં યે ખૂટે છે ને સાચને યે સીમા છે. અમારી તન્દ્રા ઓસરી ગઈ. જોયું તો જગતમાં રૂપાની રેલો રમતી. સૂર્યે હજી સોનાથી ધરતીને મઢી સુવર્ણા કીધી નહોતી.
હું ઉઠી, ને કહ્યું : જાઉ છું.
એમણે કહ્યું : અજબ છે તમ સ્ત્રીઓનાં સમર્પણ. અંગને આત્મા પુરુષના પૌરુષને સમર્પો છો : ને એમની કઠોરતાની કણીઓ યે ખૂંચતી નથી ! પુરુષ નઠોર છે, નગુણો છે. માતાનાં ને પત્નીનાં હૈયાનાં હીર પી પીને પુરુષ પુરુષ થાય છે. ત્હો ય-
મ્હેં કહ્યું : ત્હમે જ શીખવ્યું-સંભળાવ્યું છે ને કે
वज्रादपि कठोराणि, मृदुनि कुसुमादपि.
પુરુષ કાળમીટથી યે કઠ્ઠણ છે, પુરુષ પાંદડીથી યે પાણીપોચો છે. નદીને પત્થરની ભેખડે હોય, નદીને વેળુની પથારી યે હોય. પુરુષના પૌરુષ વચ્ચે અમે વહીએ છીએ, પુરુષની સુકુમારતામાં ઝીલીએ ને ઝીલાઈએ છીએ.
મ્હારી મહુવર બોલ્યે જ રહી:-ને પુરુષનાં સમર્પણે કય્હાં ઓછાં છે જે ? સારો યે દિવસ પ્રાણનો પરસેવો કરો છો, દુનિયાની દીવાલો વચ્ચે અથડાઓ છો, જનતાના ખડકો ઉપર પછડાઓ છો. ત્હમને વાગતાં હશે કે નહિ વાગતાં હોય દેહને દેહીને સંસારના ઘા ? ઉપાર્જી ઉપાર્જીને ધનના ઢગલા ધરો છો અમારે ચરણે. અમને સોનવેલે મઢો છે, અમને શણગારો છો.
એમણે કહ્યું : એ તો ત્હમને માણવાને અમે શણગારિયે છીએ.
વાતની વચ્ચેનો એ ટહુકો મ્હારાથી ન ખમાયો. હું તો ગાજી ઉઠી.
ને સ્ત્રીઓ તો ત્હમને નાંખી દેવાને નચાવતી હશે ? પુરુષ જેવું અજ્ઞાની પ્રાણી મ્હેં દીઠું નથી-એક ત્હમારા શિવાય. પુરુષ સ્ત્રીને માણે છે બોલનાર અજ્ઞાની કે જૂઠડો છે. સ્ત્રી પુરુષને નચાવે છે ને એ નાચ નિરખી નિરખી રાચે છે એ શું જગત નથી જાણતું ? નાચતો નાચતો મોર ઢેલના પગમાં પડે છે એ સમર્પણ નહિ કાં ? પુરુષનાં સમર્પણ શાં ઓછાં છે જે ? અમારૂં સર્વસ્વ ત્હમને સમર્પીએ છીએ એ ખરૂં. ત્હમે ત્હ્મારૂં સર્વસ્વ અમને સમર્પતા નથી શું ? આયુષ્યનાં માખણ ઉતારી ઉતારીને તો ભાગો છો અમારી ભૂખ.. પરસેવામાં પ્રાણ નિતારો છો. કિયા કોડ અણપૂર્યા રાખ્યા અમારા ? પડળ પડ્યાં હશે કો રૂપગર્વિલીને રૂપનાં, તે પેખતી નહિ હોય પુરુષોનાં સમર્પણ. વસાવોને ઘડીક જૂદાં ગામ એવી રૂપગર્વિલીઓનાં કે વરનાં મૂલ સ્હમજે. એક હોય પુરુષશૂન્ય સ્ત્રીનગરી. યક્ષને યક્ષેશ્વરે- ત્હમે પેલી કાલિદાસની અલકાની વાત કહેતા હતા ને એમ -યક્ષને યક્ષેશ્વરે કીધી'તી વર્ષભરના પત્ની વિયોગની સજા : એમ પુરુષદ્રોહી સ્ત્રીઓને પુરુષશૂન્ય સ્ત્રીનગરીમાં વર્ષભર રહેવાની સજા ફરમાવો. પછી જૂવો મઝા એ રૂપગર્વિલીઓની તાલાવેલીની. એમનાં રૂપને ત્ય્હાં જોશે યે કોણ ? તરત સ્હમજાય પુરુષનાં મૂલ. જાવ, જાવ : દુનિયાં નાટક ભજવે છે -નાટક. અન્તર ઉઘાડીને વાત કોક જ કરે છે.-ને જગત કને થાયે કય્હાંથી ? અંહી નિજમન્દિરમાં બોલું છું એવું જગતમાં કંઈ બોલાય ? સારનો સાર એ : હું તો આ અજવાળાં જેવાં પેખું છું મુજ કાજેનાં મ્હારા નાથનાં સમર્પણ.
નાથે કહ્યું : તું યે હૈયાં ઠાલવ છ ને હું યે પ્રાણ પાથરૂં છું : એ સૌ આપણે આપણાંને કાજે. આપણો દિવસ ઉગે છે હો ! જો ! ત્હારાં દર્શને સૂર્યનારાયણ પધાર્યા.