આંસુના પાયા
૧
જયરામ મિસ્ત્રીનું નામ બધે જાણીતું હતું. મોટા રસ્તા કરવા હોય, નદી ઉપર પૂલ બાંધવા હોય, મોટાં મોટાં મકાનો બાંધવાં હોય તેમાં જયરામ મિસ્ત્રી ખરા જ. પહેલા વર્ગના એ કોંટ્રાક્ટર. ગોરા ઈજનેરો અને કાળા ઈજનેરી મદદનીશોના તેઓ માનીતા હતા. નાનાં કામમાં તેઓ હાથ નાખતા જ નહિં; પરંતુ મોટી હરાજીઓમાં તે આગળ પડતા હોય જ. જે કામ તેઓ લેવા ધારે તે કામ બીજા કે કોંટ્રાક્ટરથી લઈ શકાતું નહિ. બીજા કોંન્ટ્રાક્ટરો તેમની દોસ્તી અને મહેરબાની જ શોધતા.
ઈજનેર સાહેબના ઘરમાં પણ તેમનું ભારે માન હતું. મેમસાહેબો અને બાઈસાહેબોનો ફિર્નિચરનો શૉખ બહુ ભારે હોય છે, એ નાનામાં નાનો કોંટ્રાકટર પણ જાણે છે, શૉખની વાત બાજુએ રાખીએ તોપણ ઘરસંસાર લઈ બેઠેલી સ્ત્રીઓને ઘરમાં શા વગર ચાલે? પછી તે સ્ત્રીઓ યુરોપિયન હોય કે હિંદવાણી હોય. ખીંટીઓની ફેરફારી. નકૂચા-કડીઓની અદલાબદલી, અભરાઈઓના સુધારાવધારા, નાનકડી ઘડોચી કે સાંગામાંચી : એ બધી સાહેબોના ઘરની કદી ન ખૂટે એવી ગડમથલ ઉકેલવાનું મહાભારત કામ જ્યરામ મિસ્ત્રી જ કરી શકે. તેમનું આ કામ એટલું ત્વરિત અને સંતોષકારક હતું કે મેમસાહેબો અને બાઈસાહેબોને જ્યરામ મિસ્ત્રી વગર ચાલતું જ નહિ.
જયરામ મિસ્ત્રીનું માન એક ઇજનેરી ખાતામાં જ હતું એમ માનવાની ભૂલ કરવી ન જોઈએ. મુલ્કી અને પોલીસ ખાતાની સત્તા ઈશ્વરની સત્તા સરખી સર્વવ્યાપક હોય છે, એની ખબર જયરામ મિસ્ત્રીને ન હોય એમ બને જ નહિં; એટલે કમિશ્નર, કલેક્ટર, ડીપોટી, મામલતદાર એ બધાંયને ત્યાં જયરામની અવરજવર તો ખરી જ. જાહેર ફાળામાં, અર્ધ જાહેર મિજબાનીઓમાં, ગાડીમોટરની સગવડમાં જયરામ મિસ્ત્રી અડધે શુકને અનુકૂળ થઈ જતા. એટલું જ નહિ, શાળા ખાતાના અમલદારો સાથે પણ તેઓ સારાસારી રાખતા હતા. બાળકોને પતાસાં કે ઇનામો વહેંચવાનાં હોય, અને મુખ્ય શિક્ષકને બીજું કોઈ દાદ દેતું ન હોય, ત્યારે જયરામ મિસ્ત્રી ખુશીથી મુખ્ય શિક્ષકનું માન રાખતા.
જયરામ મિસ્ત્રી લાખોની ઊથલપાથલ કરતા, અને હજારો માણસોને રોજી આપતા. તેમની ગણના એક ઉચ્ચ કોટીના ગૃહસ્થમાં થતી પરંતુ તેમની સાદાઈ એટલી ભારે હતી તે કે ઘણાને મતે ગ્રામ્યતા તરફ ઢળતી લાગતી. તેમનાં કપડાં સફાઈદાર નહોતાં. માથે એવી વિચિત્ર રીતનો સાફો વીંટતા કે તેમની ગ્રામ્યતામાં ઘણો વધારો થાય. સાહેબોના છોકરાંને તો તેઓ હસવાનું સાધન પૂરું પાડતા.
તેમની ઉદારતા સાહેબના બંગલાથી પણ આગળ ફેલાઈ કારકૂન પટાવાળાઓનાં ખિસ્સાં સુધી પહોંચતી. અને આમ છતાં તેમની છાપ એક બહુ જ પ્રામાણિક કોંટ્રાક્ટર તરીકેની પડી હતી. બધાંયને ઉપયોગી થઈ પડવા છતાં તેમણે કદી ગેરવ્યાજબી કે ગેરકાયદે કોઈનો પણ લાભ લીધો હોય એમ બન્યું નહોતું. તેમના કામમાં કદી ખામી આવતી ન હતી. તેમને હાથે થયેલા બાંધકામ મજબૂતીના નમૂનારૂપ હતાં. તેમનો સિદ્ધાંત હતો કે : “કામ બગાડીને પરમેશરનો ગુનેગાર નહિ થાઉં.૨
એક બહુ લોક પ્રિય કલેકટરને શહેરની સંકડાશનો ભારે કંટાળો હતો. ગરીબ શહેરનિવાસીઓના ફેફસાંને વિશુદ્ધ હવા મળે, એ માટે તેમને ઘણી કાળજી હતી. પરંતુ લશ્કરની સુગમતા સાચવતી રેલવે, ગોરાઓનાં નિવાસસ્થાન – કેમ્પ, સનદી નોકરો માટેના બંગલા અને તેમને ફરવા માટેના પાકા રસ્તામાં જ રોકાઈ રહેલી સરકાર પાસે શહેર કે ગામડાં સુધારવા માટે પૈસા બચતા જ ન હોવાથી સાર્વજનિક કામો શ્રીમંતો પાસેથી કરાવી લેવાનું વલણ સરકારી નોકરો અખત્યાર કરે છે તે ખાસ વખાણને પાત્ર છે. આ લોકપ્રિય કલેકટર લાંબી નોકરીને પરિણામે લોકોપયોગી કામો અને લોકોપયોગી શ્રીમંતોને શોધી કાઢવામાં પાવરધા બનેલા હતા.
એક ખુશનુમા પ્રભાતે બગીચામાં બેસી સુબાસાહેબ ચાનાસ્તો લેતે લેતે શહેરસુધારણાના ગંભીર વિચારમાં પડ્યા હતા. શ્રીમંતોની યાદી તેમને જીહ્વાગ્રે હતી. ક્યો શ્રીમંત હજી સુધી સરકારી અમલદારોની જાળમાં ફસાયો નહોતો, તેનો તેમણે વિચાર કરવા માંડ્યો. એવામાં એક નોકરે આવી અદબથી એક કાર્ડ મૂકેલી રકાબી સાહેબ પાસે ધરી. સાહેબે દબદબાથી આંખ ફેરવી કાર્ડ જોયું સાહેબને ત્યાં મુલાકાતે આવનાર ગૃહસ્થોમાંથી ઘણા તાબડતોબ પાછા કાઢવા જેવા હોય છે; કેટલાક કલાક બેસાડી રાખી મુલાકાત આપવા સરખા હોય છે; અને કવચિત્ કોઈ ભાગ્યશાળી જીવ તત્કાળ મુલાકાતનું માન પામે એમ હોય છે. તેમાં યે સાહેબ ચા પીતા હોય તે દરમિયાન બોલાવાય એવા સિદ્ધિશાળી તો 'સો લાખનમેં એક' હોઈ શકે.
સાહેબના મુખ ઉપર ચાંચલ્ય દેખાયું અને તેઓ બોલી ઊઠ્યા:
'બોલાવો.'
નોકર ચમક્યો. હુકમનો અર્થ તેને સમજાયો નહિ તેણે કહ્યું : 'હજૂર, અંદર બેસાડ્યો છે.'
'અહીં બોલાવ.' નોકરો જે ઢબની તોછડાઈને લાયક હોય છે તે ઢબથી સાહેબે હુકમ કર્યો.
નોકરને આશ્ચર્ય લાગ્યું. સાહેબે ચા પીતી વખતે આ પહેલાં જ દેશીને પોતાની હાજરીમાં બોલાવ્યો હતો. નોકર તેને લઈ આવ્યો.
'આવો, મિસ્ત્રી !' કલેક્ટર સાહેબે આવકાર આપ્યો.
જયરામ મિસ્ત્રીએ નીચા વળી સલામ કરી. ઊભા રહીને કહ્યું :
'કંઈ નહિ, સાહેબ ! મારે ઉતાવળ નથી. હું બહાર બેઠો છું.
'નહિ, નહિ, મિસ્ત્રી. બેસો આ ખુરશી ઉપર. હું તમને જ યાદ કરતો હતો.
મિસ્ત્રી ઘાસ ઉપર બેસતાં બોલ્યા :
'મારાં ધનભાગ્ય ! સેવક હાજર છે.'
‘મિસ્ત્રી, એમ નહિ. ખુરશી ઉપર બેસો. તમારા જેવા ગૃહસ્થને જેટલું માન અપાય એટલું ઓછું છે. બૉય; મિસ્ત્રીને માટે ચા તૈયાર કર.'
'ના. સાહેબ, હું ચા પીતો જ નથી. મને માફ કરો.' ખરે, મિસ્ત્રી સહુને ચા પાતા, પરંતુ તેમણે કદી ચા પીધી હોય એમ કોઈએ જોયું નથી.
'તમે જરા, આગળ પડતા વિચાર ધરાવતા હોત તો હું તમને ઝડપથી પ્રકાશમાં લાવી શકત.' સાહેબે કહ્યું.
'આપની મહેરબાની જ બસ છે. હું તો અભણ માણસ. આપ આટલો પાસે બોલાવો છો એ શું ઓછું માન છે ?'
'નહિ. મારી ઈચ્છા તો તમને રાવસાહેબ અગર રાવબહાદુર બનાવવાની છે. પણ મિસ્ત્રી, કાંઈ જાહેર કામ કરો.'
'ઇલકાબ તો મારે ન ખપે; પણ સાહેબબહાદુર ફરમાવે તે કામમાં હું ગજા પ્રમાણે ફાળો આપું.' 'ક્યાં સુધી તૈયારી કરી છે?'
‘એ તો જેવું કામ ! અને જેવું સાહેબનું ફરમાન.'
'બોલો ત્યારે મિસ્ત્રી, કયા કામે તમે મદદ આપશો ?'
'આપ જ ફરમાવો.'
'જુઓ, દવાખાનું તો છે જ. હાઈસ્કૂલનું મકાન થઈ ગયું. પ્રસુતિગૃહ બંધાય છે. ગામમાં શું નવું કરીશું?' સાહેબે પૂછ્યું. દરેક સાહેબને નવીનતાનો શોખ હોય છે. બીજાઓ જે કરી ગયા હોય તે કરતાં કંઈ નવીન કાર્ય કર્યા વિના પોતાનું નામ જળવાય નહિ, એવી સાહેબોને ભીતિ રહે છે. આ નવીનતાના અમલદારી શોખને લીધે શહેરને નવાં નવાં રમકડાં મળે છે, ધનવાનોને ઈલકાબ મળે છે, અને સાહેબને કીર્તિ મળે છે.
જયરામ મિસ્ત્રીની આંખ ક્ષણભર તીક્ષ્ણ બની. વિચિત્ર રીતે બેઠેલા મિસ્ત્રી જરા ટટાર થયા. તેમના અવાજમાં દ્રઢતા દેખાઈ, તેઓ બોલ્યા :
'સાહેબ, આમ તો શહેરમાં બધું યે છે. જેનાથી જે બન્યું તે કરાવ્યું. પણ એક ભારે ખોટ રહી ગઈ છે.'
'શી ?'
'સાહેબ, હું તો ગામડિયો. મકાનો અને રસ્તા બાંધી જાણું. બીજું ત્રીજું ન આવડે. મને ઘેલો ન ગણી કાઢો તો મને લાગતી ખામી કહું.'
'કહો, બહુ ખુશીથી કહો.'
'સાહેબ, ગામમાં બધું છે, પણ બગીચો નથી. આખું મોં છે. પણ નાક નથી.'
'તમારું કહેવું ખરું છે મિસ્ત્રી. શહેરમાં એકે સાર્વજનિક બાગ નથી. મને પણ એ જ વિચાર આવ્યો હતો.'
'તો સાહેબ, આપણે એક રૂપાળો બગીચો બનાવીએ, અને તેને આપનું મુબારક નામ આપીએ.' 'નામની તો મને કાંઈ પરવા નથી. નામને માટે કાંઈ પણ કરવું' તે મને પસંદ નથી. પણ એક બગીચો હોય તો કેટલા લોકોને સ્વચ્છ હવા અને હરવાફરવાનો લાભ મળે?' સાહેબે પોતાના નામને બદલે સાર્વજનિક કામને આગળ ધર્યું. પરંતુ નામની લાલસા વિનાનું એકે સાર્વજનિક કામ હશે ખરું ? '
'નહિ સાહેબ, નામ તો આપનું પહેલું. એ શરત હોય તોજ હું એક બગીચો આપ કહો ત્યારે ઊભો કરું.'
'મારા જ નામનો તમારે આગ્રહ હોય તો બીજી વાત. પરંતુ બગીચાની જરૂર તો શહેરને હોય જ. બાગ તો શહેરનું ફેફસું છે.'
'ફેફસું બન્યું જ જાણો. સાહેબ.'
'તમે જૂના વિચારના છો એમ હવે હું નહિ કહી શકું. વારુ, મિસ્ત્રી ! બગીચા પાછળ કેટલું ખરચશો ?'
'જે થાય તે.'
'તો પણ કાંઈ આંકડો?'
'લાખ...દોઢ...! પછી કાંઈ ?'
કલેક્ટર સાહેબ બેત્રણ ક્ષણ જયરામ સામે જોઈ રહ્યા. તેમને લાગ્યું કે રાવસાહેબી કરતાં ભારે ઈલકાબની પાત્રતાવાળી રકમ આગળ આવતી હતી.
'હું બહુ ખુશ થયો. તમારી ઉદારતા પ્રશંસાપાત્ર છે.' સાહેબ બોલ્યા.
'સાહેબ, બહુ દિવસથી બગીચાની ભાવના ઊપજી હતી. આપ જેવા કદરદાન વગર કોઈને કહેવાતું નહોતું.'
'ઠીક. પણ મિસ્ત્રી, જગા કઈ પસંદ કરીશું ?' ગામમાં તો જગા દેખાતી નથી.'
'આપ જ્યાં કહો. ત્યાં, પણ મને એમ મન ખરું કે ગામની વચમાં થાય તો સારું.'
'હું પણ એમ માનું છું. પરંતુ ગામની વચમાં જગા ક્યાં છે?' 'આપની નજર પડે ત્યાં જગા થાય. એમાં મોટી વાત નથી. આપણે ચાર રસ્તાને મોખરે કરીએ તો ?'
'પણ ત્યાં તો હરિવલ્લભ શેઠની હવેલી આવી છે.'
'સાહેબને બાગ બનાવવો હશે તો શેઠની હવેલી ઊડી જશે.'
'એ તો બહુ મુશ્કેલ. લાગવગવાળો માણસ છે, અને એની હવેલી આપતાં હજાર ઝઘડા ઊભા કરશે.?'
'સાહેબને કશું જ મુશ્કેલ નથી. સુધરાઈના સભ્યોને કહી દેવાનું, એટલે સુધરાઈનો ઠરાવ થશે. અને આપને ટેકો મળશે એટલે ઠેઠ ગવર્નમેન્ટ સુધી કોઈ બોલશે નહિ.'
'બીજી જગા પસંદ કરીએ તો?'
'મોખરો ન સચવાય. મેં બે લાખ કહ્યા તે એ હવેલીનો જ વિચાર કરીને. બીજે, સાહેબ, મારું મન ગોઠતું નથી. અને હજારો લોકોનો લાભ વિચારતાં એક શેઠિયાની લાગણીનો વિચાર જ ન થાય.
સાહેબને આ વાત ખરી લાગી. પરંતુ તે મુશ્કેલ પણ લાગી. આ જગા સિવાય બીજી કોઈ જગા માટે – આ કામ સિવાય બીજા કોઈ કામ માટે – જયરામ મિસ્ત્રી બે લાખ રૂપિયા જેવી ભારે સખાવત કરવા તૈયાર નહોતા. એ લાભ જાય તો ગામને બાગ મળે નહિ અને સાહેબનું નામ રહે નહિ. સાહેબે પણ નિશ્ચય કર્યો કે એ જગ્યાએ બાગ થવો જોઈએ. સાહેબોના નિશ્ચય ધ્રુવ સરખા અચળ હોય છે. બહુ ભલામણો થઈ, બહુ સિફારસો થઈ, બહુ કાલાવાલા સંભળાયા અને બહુ ધમકીઓ પણ સંભળાઈ. પરંતુ નદી પ્રવાહની કુમળી રમત અગર ભયાનક તાણને ન ગણકારતા ખડક સમા સાહેબ આ કામમાં અડગ રહ્યા. મ્યુનિસિપાલિટીએ એ જગા લેવાની જરૂર બતાવી, મુલકી અમલદારેએ પણ જરૂર બતાવી. એટલે હવેલીના માલિક હરિવલ્લભ શેઠ સિવાય આખું ગામ આ સ્થળે બાગ બનાવ્યા વગર જીવી શકશે નહિ એવી સૂચક સ્થિતિને તાબે થઈ કલેક્ટર સાહેબે સરકારમાં હવેલી લેવા ભલામણ કરી. કલેક્ટરની ઘણીખરી ભલામણો મંજૂર થાય છે તેમ આ પણ મંજૂર થઈ.૩
હરિવલ્લભ શેઠના ગુસ્સાનો પાર ન હતો. તેમણે હવેલી ન લેવાય એટલા માટે આકાશ પાતાળ એક કર્યાં. વકીલોની કાયદેસર સલાહ લીધી. કજિયા દલાલોની ભાંજઘડિયા સલાહ લીધી. પરંતુ તેમને કોઈએ સાથ આપ્યો નહિ. અલબત્ત, હરિવલ્લભ શેઠને પૈસે લડવાને સહુ કોઈ તૈયાર હતા. પરંતુ એ લડાઈનું પરિણામ જીતમાં આવે એવી કોઈને ખાતરી થતી નહિ. તેમની ભારે તજવીજ - જેને સામાવાળા ખટપટ કહેતા હતા તે - કદાચ આખા કામને ઉથલાવી નાખે એવા ભયથી તેમને બહુ સાથ ન મળે એવી તજવીજ - ખટપટ નહિ – સાહેબે રાખી જ હતી.
જમીન અને હવેલી લેવાનો હુકમ થતાં બરાબર હરિવલ્લભ શેઠે સરકાર સામે દાવો માંડવા સૂચના આપી. કલેક્ટરને લાગ્યું કે હવે તેમને સમજાવવાથી – અને સહેજ ધમકાવવાથી – શેઠ આગળ પગલાં લેવાનું બંધ રાખે એ પ્રયત્ન કરી જોવો. કલેક્ટર સાહેબે શેઠને ચા પીવા બોલાવ્યા. સાહેબ વિરુદ્ધ ઘણી કડવી ફરિયાદ હોવા છતાં તેમના આમંત્રણને પાછું ઠેલવાની બેઅદબી શેઠે કરી નહિ.
ઠરેલે વખતે શેઠ આવ્યા. સાહેબે બહુ વિવેકભર્યો આવકાર આપ્યો. એટલું જ નહિ, પણ પોતાના મંડળ સાથે શેઠની ઓળખાણ કરાવી. ચા પીને કલેક્ટર સાહેબે વાત શરૂ કરી :
'શેઠ સાહેબ ! તમે તો સાર્વજનિક કામમાં સારો ભાગ લેતા આવ્યા છો.'
'આપ એ જાણો છો આપની મહેરબાની.' શેઠ સાર્વજનિક કામનો ઉલ્લેખ સાંભળી છંછેડાયા.
'અને તમે સુધરાઈના સભ્ય પણ ઘણા વખતથી છો.'
'હા, જી. બની એટલી સરકારની અને લોકની સેવા કરી.' 'પછી તમે આ બગીચાની બાબતમાં કેમ દુરાગ્રહ પકડો છો?'
'સાહેબ ! મારી સાત પેઢીની હવેલી ખોવડાવો છો ને ને મારો દુરાગ્રહ ગણો છો?'
'લોકહિતના કામ માટે સુધરાઈના એક સભ્યે સહેજ ભોગ આપવો જોઈએ.’
પાણીપતના મેદાનને શોભે એવી વ્યૂહરચનાઓ રચી સુધરાઈમાં સભાસદ બનનાર ગૃહસ્થો આખા ગામનાં ઘર તોડી પાડવાની તૈયારી બતાવી શકે છે. માત્ર પોતાનાં કે પોતાનાં સગાંનાં ઘરનું એક નળિયું પણ આઘું પાછું કરવાનું હોય ત્યારે ખૂનખાર જંગ મચાવી મૂકે છે.
'લોકને માટે હું ઘર વગરનો થાઉં ?' શેઠ ખિજાયા. લોકને માટે ઘર વગરના થવાની તૈયારી સિવાય પણ સુધરાઈમાં પ્રવેશ કરવાની છૂટ સુધરાઈ નિયમ આપે છે, પરંતુ એ તૈયારીઓ વગર લોકસેવા થઈ શકે કે કેમ એ પ્રશ્નનું નિરાકરણ હજી નિયમે કર્યું નથી.
સહુને ફાયદો થતો હોય ત્યાં એકનો લાભ ન વિચારાય.
'કાયદો પણ એમ જ કહે છે.' અત્યાર સુધી શાંત બેઠેલા જયરામ મિસ્ત્રી બોલી ઊઠ્યા.
'કાયદો ! અરે રાખો તમારે કાયદો, મિસ્ત્રી ! સાહેબને ખોટું ખોટું ન સમજાવો. તમારે બાગ બનાવવાની હોંશ હોય તો જોઈએ એટલી બીજી જગા દેખાડું.' શેઠે કહ્યું.
'ત્યારે તમારી હવેલી માટે બીજી જમીન હું બતાવું તો?' મિસ્ત્રીએ કહ્યું.
'હું તો મરી જાઉં, પણ મારી હવેલી ખસવા ન દઉં.'
'અરે શેઠ સાહેબ. કોઈ મરતું એ નથી અને મારતું ય નથી. સરકાર ધારશે તો ઘડીના છઠ્ઠા ભાગમાં હવેલી પડાવી લેશે.' મિસ્ત્રી બોલ્યા. મિસ્ત્રી આટલું લાંબુ અને આટલું કડક બોલે એ નવાઈ ભરેલું હતું. સાહેબને પણ આશ્ચર્ય થયું. શેઠ ગુસ્સાથી થરથરતા બોલી ઉઠ્યા : 'તે સરકારને માથા વચ્ચે વાટ પાડવી હોય તો મુખત્યાર છે, પણ હજી દીવાની અદાલતો બંધ થઈ નથી.'
'સરકારનો ઈરાદો સમજવામાં તમે ભૂલ કરો છો, શેઠ ! બીજી હવેલી બંધાય એટલું તો તમને વળતર મળે છે.' સાહેબે શાંત પાડતાં કહ્યું.
'અરે, એ ઉપરાંત હું મારો નવો બંગલો શેઠને આપી દઉં, પછી કાંઈ?' જયરામ મિસ્ત્રી બોલી ઊઠ્યા.
હરિવલ્લભ શેઠ જરા વિચારમાં પડ્યા. હવેલી નાદુરસ્ત થતી જતી હતી. દસેક વર્ષથી વ્યાપારમાં મંદી ચાલતી. એકાદ વર્ષ આવી ને આવી સ્થિતિ ચાલુ રહે તો હવેલી ગીરો મૂકવાનો પ્રસંગ આવે એ શેઠ ચોક્કસ સમજતા હતા. શેઠ લડે નહિ એ અર્થે હવેલીની સારી કિંમત કલેક્ટરે મિસ્ત્રી પાસે વળતરમાં મુકાવી હતી. ઉપરાંત મિસ્ત્રીએ તાજો બંધાવેલો પચીસેક હજારની કિંમતનો બંગલો પડ્યો જડતો હતો. હવેલી – જીર્ણ હવેલીનો મોહ રાખ્યા કરવો? કે આવા લાભદાયક બદલાને સ્વીકારી લઈ કલેક્ટર સાહેબને ખુશ કરવા ? આ બે પ્રશ્નો શેઠના હૃદયમાં રમતા થઈ ગયા.
'નહિ નહિ, મિસ્ત્રી ! તમે અતિ ઉદાર ન થાઓ. જે આપવા ધાર્યું છે તે ઓછું નથી. બંગલો તે આપી દેવાય?' કલેક્ટર સાહેબ પણ મિસ્ત્રીની ઉદારતા જોઈ ખમચ્યા. મિસ્ત્રીને શિખામણ આપવાની ફરજ તેમને પણ વિચારવી પડી.
'અરે સાહેબ, આપની મહેરબાની હશે તો કાલે બીજો બંગલો તૈયાર કરી દઈશ. મારો બંગલો હરિવલ્લભ શેઠ વાપરે એમાં હરકત નહિ. એ કાંઈ પારકા ઓછા છે? પણ સાહેબ, બગીચો તો આપના નામનો થવો જ જોઈએ. શેઠ સમજે તો વહેલો પાર આવે.' મિસ્ત્રી બોલ્યા.
એ જ પ્રસંગે સાહેબના મદદનીશ, મામલતદાર, સુધરાઈના બે સભ્ય અને ગામના બે આગેવાનો આવી પહોંચ્યા. હરિવલ્લભ શેઠને સમજાવવા અગર દબાવવા આવી ગોઠવણ સાહેબે કરી રાખી હતી. મિસ્ત્રીએ વળતરની રકમ ઉપરાંત બંગલો આપી દેવાની બતાવેલી તૈયારી જોઈ તેમને પણ નવાઈ લાગી. સહુએ શેઠને આમતેમ લઈ જઈ સમજાવવા માંડ્યા. હવેલી માટેની લાગણી શેઠને ઓછી થવા માંડી. બધી યોજના પોતાને લાભકારક છે એમ તેમની વ્યવહારકુશળ બુદ્ધિએ જોઈ લીધું હવે તેઓ સમજવાને તૈયાર હતા, માત્ર પોતાની હવેલી જાય એ વિચાર તેમને ખૂંચ્યા કરતું હતું. છેવટે એક આગેવાને ધીમે રહીને કહ્યું.
'શેઠ ! સમજી જાઓ. આ તો લક્ષ્મી ચાંલ્લો કરવા આવે છે. આ તક જવા દીધી તો હવેલી યે જશે અને બંગલો યે જશે.'
'ઠીક ત્યારે. તમારી બધાંની મરજીને માન આપું છું, અને સાહેબનો બોલ માથે ચડાવું છું !'
શેઠ છેવટે મહામુસીબતે સમજી ગયા. જમીન પોતાની રાજીખુશીથી કબજો સોંપવાની તેમણે કબૂલાત આપી. સાહેબ પ્રસન્ન થયા. હરિવલ્લભ શેઠને શાબાશી આપવા એક હુકમ તેમણે ત્યાં ને ત્યાં જ લખી આપ્યો. જ્યરામ મિસ્ત્રીએ હરિવલ્લભ શેઠને ઘેર પહોંચાડવા પોતાની મોટર આપી. મોટરમાં શેઠને બેસાડી બારણું બંધ કરી બહાર ઊભેલા મિસ્ત્રીએ પૂછ્યું :
'શેઠ મને ઓળખો ખરા ને ?'
'તમને કોણ ન ઓળખે ? અને હવે તો હું વધારે ઓળખું, મારી હવેલી પડાવી લેનાર તરીકે’ શેઠે કહ્યું. હજી તેમની કરડાકી ઓછી થતી નહોતી.
'એ તો આજકાલની ઓળખાણ. પણ આપણે તો જૂની ઓળખાણ છે. આપ કદાચ ભૂલી ગયા હશો.'
'જૂની ઓળખાણ યાદ નથી.'
'આપણે તો, શેઠ સાહેબ, પાડોશી હતા.'
'સાંભરતું નથી !' 'ગોપાળ મિસ્ત્રી સાંભરે ખરા ?'
શેઠ ચમક્યા. તેમણે જયરામ ભણી જોયું. જયરામની આંખમાંથી અગ્નિ વરસતો હતો. તેણે દાંત કચકચાવ્યા અને કહ્યું :
‘ગોપાળ મિસ્ત્રીનો હું દીકરો, સમજ્યા ?...ચલાવ મોટર.'
હરિવલ્લભ શેઠ ફાટી આંખે જોઈ રહ્યા. તેઓ કાંઈ બોલે તે પહેલાં તો મોટર ઊપડી અને તેમને દૂર ઘસડી ગઈ. જયરામના મુખ ઉપર કોઈ અકુદરતી આનંદ છવાઈ રહ્યો. ઝડપથી તેમણે પગ ઉપાડ્યા. ચાલવાનો તેમને જરા યે કંટાળો નહોતો. તેઓ પાછા સાહેબના બંગલામાં આવ્યા.૪
'ચાલો, કામ સફળ થયું.' સાહેબ બોલ્યા.
'હવે બે વાતની પરવાનગી આપ સાહેબ પાસેથી લેવાની છે.'
'હવે શું છે ?'
'આપ સાહેબનું નામ આ બાગ સાથે જોડવા પરવાનગી મળવી જોઈએ.' મિસ્ત્રી બોલ્યા.
'એનો શા માટે આગ્રહ રાખો છો ?’
'એ સિવાય હું એક ડગલું પણ ભરવાનો નથી.'
'ઠીક, તમારી બધાની મરજી છે તો હું હા પાડું છું. બીજું શું છે ?'
'સાહેબ મારા બાપનું એક નાનું બાવલું બાગમાં મૂકવા મરજી છે.'
'ઓહો ! તમે તો બહુ પિતૃભક્ત છો ! એમાં હરકત નથી. એથી બાગની શોભા વધશે.'
સાહેબે બંને પરવાનગી આપી. જયરામના મુખ ઉપર અને આંખમાં અવર્ણનીય તેજી આવી ગઈ હતી. હરિવલ્લભ શેઠે કબૂલાત ફેરવી તોળવા ઘણાં ફાંફાં માર્યા, પરંતુ ગામના આગેવાનો સમક્ષ આપેલ સંમતિ ફેરવવા હવે માર્ગ રહ્યો નહોતો. બંગલાનો લાભ જતો કરવાની પણ તેમને મરજી હતી. કારણ કે જયરામ મિસ્ત્રીની જૂની ઓળખાણે તેમને બહુ ઉગ્ર બનાવી દીધા હતા. પરંતુ તેમના મોટી ઉંમરના પુત્રે, મળેલો લાભ જવા દેવાની ભૂલ પિતાને કરવા દીધી નહિ. ન છૂટકે તેઓ હવેલીનો કબજો સરકારને સોંપી નવા બંગલામાં ગયા.
કબજો સોંપાયાની ખબર પડતાં જ જયરામ મિસ્ત્રી કલેક્ટર સાહેબ પાસે પહોંચી ગયા. સાહેબે કહ્યું :
'મિસ્ત્રી! મકાન કબજે આવ્યું. હવે ફુરસદે કામ આગળ વધારો.'
'ફુરસદે ? મને તો ફુરસદ જ છે. આપ હુકમ કરો તે દહાડે હવેલી જમીનદોસ્ત હશે.'
'એકાદ માસની મુદતમાં ઉતારી નાખો.'
'માસ? આજ સોંપો તો કાલે આખી હવેલી ઉતારી નાખું.'
સાહેબ હસ્યા અને બોલ્યા :
'મિસ્ત્રી ! તમને તો બાગની ઘેલછા લાગી દેખાય છે.'
'હા સાહેબ. કરવું ધાર્યું તે કરી જ નાખવું.'
સાહેબે પરવાનગી આપી અને બીજે જ દિવસે સો મજૂરોએ લાંબા સમયનાં સંભારણાં જાળવતી હરિવલ્લભ શેઠની હવેલી ઉપર મારો ચલાવ્યો. છાપરાં, છજાં, બારીઓ, માળ ખોદાઈ ખોદાઈને નીચે પડવા લાગ્યાં; ઈંટોના ઢગલા અને ધૂળના કોટ થવા લાગ્યા. શેઠની પ્રસિદ્ધ હવેલી પર પડતા ઘાવ ઘણાંને ન ગમ્યા.
'અહીં બાગ ન કર્યો હોત તો શું બગડી જવાનું હતું !' લોકોમાંથી કોઈ કોઈ મનુષ્યોએ બડબડાટ કર્યો.
પરંતુ જે રાક્ષસી ઝડપે શેઠની હવેલી લુપ્ત થતી જતી હતી તેમાં લોકોના બડબડાટથી કાંઈ ફેર પડવાનો ન હતો. સાંજ પડતાંમાં તો એ રમણીય હવેલીનો ભૂકો થઈ ગયો.
'સહજ અંધારું થતાં મિસ્ત્રી જયરામ ત્યાં આવી પહોંચ્યા. અલબત્ત, તે પહેલાં હવેલી કેટલી ઝડપથી તૂટે છે તે જોવા તેઓ ત્રણ ચાર વખત આવી ગયા હતા. તેમનું ફરમાન હતું કે રાત પડતાં સુધીમાં હવેલીનો ભાગ જમીન સરસ થઈ જવો જોઈએ. મિસ્ત્રીએ બૂમ મારી :
'મુકાદમ !'
'જી, !' મુકાદમે કહ્યું.
'તમારે મફતના પૈસા ખાવા છે ખરું ને ?' કદી માણસો સાથે પણ ઊંચે સ્વરે ન બોલતા મિસ્ત્રીના મુખમાંથી આ શબ્દો સાંભળી મુકાદમ ગૂંચવાઈ ગયો.
'કેમ જયરામભાઈ ! આપે કરેલા હુકમ પ્રમાણે બધી હવેલી હવે ઉતારી પાડી છે.’ મુકાદમે કહ્યું.
'તમારા લોકોને આંખ ક્યાં હોય છે? લાવ પેલી સાંગ.' બહુ હર્ષથી હાથે કામ કરવાનું ભૂલી ગયેલા ધનિક કૉન્ટ્રાક્ટર જયરામે સાંગ લીધી અને પોતાની નજીક એક નાનો સરખો પગથિયાનો ભાગ જમીનથી બે ઈંટ ઉંચો રહેલો હતો તેને વેગપૂર્વક તેમણે ખોદી નાખ્યો. ત્રણચાર મિનિટમાં તો લગભગ બધી ઈંટો નીકળી ગઈ. માત્ર એક ઈંટ સહજ હઠીલી થઈ. જયરામ મિસ્ત્રીને પહેલી જ વાર ક્રોધનો આવેશ આવી ગયો. તેમણે મહાનબળથી ઈંટને એક લાત મારી. ઈંટ ગબડી આઘી પડી. આશ્ચર્યચક્તિ મજૂરો, સામે જોઈ તેઓ હસ્યા. મજૂરોના ટોળામાં એક ગૃહસ્થ ઊભેલો તેમણે ઓળખ્યો. મિસ્ત્રીના કાર્યને તે ક્યારનો ઉભો ઉભો જોયા કરતો હતો. તેને ઉદ્દેશી મિસ્ત્રીએ કહ્યું :
'હરિવલ્લભ શેઠ ! હું તમારા જેવો થયો નથી. તમને ઘર આપીને ઘર લીધું છે, સમજ્યા ?'
પોતાની પરંપરાની કીર્તિ સમી હવેલી આજ ને આજ ધૂળ ભેગી થઈ જાય છે એવી ખબર સાંભળી તેનાં છેલ્લાં દર્શન કરી લેવા હરિવલ્લભ શેઠ હવેલી પાસે આવી ફરતા હતા. મકાનો પ્રત્યે પણ જીવતાં માણસ સરખો પ્યાર જામે છે. હવેલીની છેલ્લી ઈંટને લાત વાગતી જોઈ હરિવલ્લભે નિસાસો નાખ્યો. મિસ્ત્રીનો કહેલો બોલ સાંભળી તેઓ પાછા ફર્યા, હવેલી તેમની આંખ આગળ રમવા લાગી પરંતુ હવેલીની સાથે સાથે એક નાનકડું ઝૂંપડા સરખું ઘર પણ તેમને ચોંટેલું જ દેખાયું.
એ ઘર તો ઘણા દિવસથી ઊખડી ગયું હતું. જયરામ મિસ્ત્રીએ પોતાના પિતાનું નામ હરિવલ્લભને કહ્યું ન હોત તો તેમને તે ઘર યાદ આવત જ નહિ ! કેવું નઠારું, બેડોળ, બદસૂરત ઘર ! શેઠની હવેલીનો અવતાર એ લજામણા મકાને બગાડી નાખ્યો હતો ! બે પેઢીથી એ સુતારની માલિકીનું ઘર ગણાતું. કોણે એ વસવાયાંની જાતને શેઠની હવેલી પાસે મકાન બાંધવા દીધું હશે.
યુવાન હરિવલ્લભે સુધરાઈની તાજી સ્થપાયેલી સંસ્થામાં આગળ પડતો ભાગ લેવા માંડ્યો હતો. ગ્રામસુધારણામાં હવેલીઓ સાથે એક જ હારમાં ઊભેલી ઝૂંપડીઓ માટે સ્થાન નથી એવી તેની માન્યતા સાથે આખી સુધરાઈ સંમત થઈ, અને રસ્તો પહોળો કરવા માટે, સુશોભિત કરવા માટે, ગંદકી દૂર કરવા માટે, જલદી સળગી જઈ નુકસાન ન થાય એ માટે ગોપાળ મિસ્ત્રીનું નાનકડું -ઝૂંપડા સરખું મકાન શહેરસુધરણાના હિમાયતીઓએ જૂજ જાજ વળતર આપી લઈ લીધું.
ગોપાળ મિસ્ત્રીની પાસે લડવા સારુ પૈસા નહોતા, ભલામણ કરવા સરખી પ્રતિષ્ઠા નહોતી અને ડરાવવા માટે સત્તા નહોતી. અધૂરામાં પૂરું વળી કામ કરતાં તે પાલખ ઉપરથી પડી જઈ આઠ દસ માસથી કામ કરવાને અશક્ત બની ગયો હતો. તેણે શેઠ હરિવલ્લભને કાલાવાલા કર્યા, સુધરાઈના સભાસદો આગળ પાઘડી ઉતારી, મુલકી અમલદારો આગળ આંસુ સાર્યા. પરંતુ તેને બધા ય તરફથી એક જ જવાબ મળતો :
'અમે દિલગીર છીએ. પણ બધાંના લાભ આગળ એકનું નુકસાન ગણાય નહિ...કાયદો પણ એમ જ કહે છે.'
ઘરનો કબજો આપતી વખતે તેણે ભારે કલ્પાંત કર્યું. તે જાતે અશક્ત હતો; તેનો દીકરો જયરામ નાનો હતો; જયરામની મા ગુજરી ગઈ હતી; તેનું કોઈ સગુંવહાલું નહોતું ઘર છોડતાં તેને આકાશનું એાઢણું અને પૃથ્વીનું પાથરણું કરવું પડે એમ હતું, પરંતુ એ દલીલો સાર્વજનિક કામમાં કેમ ચાલે? બધાંને ફાયદો થતો હોય ત્યાં એકનો લાભ વિચારાય નહિ.
'એ તો લોકને માટે ઘર વગરના થવું યે પડે.' હરિવલ્લભ શેઠે ગોપાળ મિસ્ત્રીને સમાજશાસ્ત્રનું એક સૂત્ર સમજાવ્યું. એ સૂત્ર અનુસાર અશક્ત ગોપાળ મિસ્ત્રીને તેના બાળક પુત્ર સાથે સહુએ ઘરની બહાર કાઢ્યો.
હરિવલ્લભ શેઠને આટલી વાત યાદ આવી. મિસ્ત્રીનું ઘર એક દહાડામાં ઉતારી નાખ્યું, અને રસ્તાની, મહોલ્લાની સગવડ તથા શોભા વૃદ્ધિ પામ્યાં. ગોપાળ મિસ્ત્રી ક્યાં રહેવા ગયો, તેનું અને તેના દીકરાનું શું થયું, તેની તપાસ રાખવાનું સાર્વજનિક સુખના કાયદામાં ધોરણ ન હતું.
કાયદામાં ધોરણ ન હોવા છતાં ઘરરહિત થયેલા ગોપાળ મિસ્ત્રી શહેરની એક નિર્જન, ભાંગીતૂટી ધર્મશાળામાં બાળક પુત્રને ભયાનક જગતમાં એકલા મૂકી ગુજરી ગયા. બેબાકળા બની ગયેલા જયરામને મરતી વખતે તેમણે પોતાની પાસે ગોદડી પર બેસાડ્યો અને માથે હાથ મૂક્યો, ક્ષણભર ગોપાળ મિસ્ત્રીની અશક્તિ દૂર થઈ. તેમણે લથડતા અવાજને સ્થિર કરી પુત્રને કહ્યું :
'દીકરા ! હું તો હવે ચાલ્યો. તારું શું થશે તે કિરતાર જાણે. એને ખોળે તને મૂકું છું. ભગવાન જીવતો રાખે તો એટલું કરજે...'
મિસ્ત્રીને શ્વાસ ચડી ગયો. રડતો બાળક સ્થિર બની ગયો. પિતાની ઈચ્છા જાણવા તેણે મન દૃઢ કર્યું. તેણે પૂછ્યું :
'કહો, બાપા ! શું કહેતા હતા ?' 'હરિવલ્લભ શેઠની હવેલી ભોંય ભેગી કરી નાખજે.' એટલી આજ્ઞા આપતાં બરોબર ગોપાળ મિસ્ત્રીનો આત્મા દેહ છોડી ચાલ્યો ગયો.
એકલવાયો જયરામ મજૂરીએ રહ્યો, નોકર તરીકે રહ્યો, નાનો કૉંટ્રાક્ટર બન્યો, અને મોટો લક્ષાધિપતિ કૉંટ્રાક્ટર પણ બન્યો. એ બધી ય પરિસ્થિતિમાં તેના હૃદયમાં કોતરાયેલી પિતાની આજ્ઞા જરા ય ઘસાઈ નહિ. તેને નિત્ય પિતાના બોલનો ભણકારો સંભળાયા કરતો હતો :
'હરિવલ્લભ શેઠની હવેલી ભોંય ભેગી કરી નાખજે.'
આ હકીક્ત હરિવલ્લભ શેઠને ક્યાંથી ખબર હોય? જયરામ મિસ્ત્રી સિવાય બીજું કોઈ પણ એ બાગનો પૂર્વ ઇતિહાસ આજ સુધી જાણતું નથી. હરિવલ્લભ શેઠની હવેલી ભુલાઈ ગઈ. બાગ કોણે બંધાવ્યો તે પણ લોકો ભૂલી ગયાં; કલેકટર સાહેબના ઘસાઈ જતા નામ સિવાય બાગની સાથેનો તેમનો સંબંધ વિસરાઈ ગયો: જ્યરામ મિસ્ત્રીએ પોતાના પિતાનું મૂકેલું બાવલું લોકોનું કુતૂહલ પણ જાગૃત ન કરે એવું બિનમહત્ત્વનું બની ગયું.
અને છતાં ય એ સાર્વજનિક બગીચાના પાયામાં એક ગરીબ કારીગરનું આંસુ અને નિઃશ્વાસ દટાયાં હતાં એ વાત સત્ય નથી, એમ કોણે કહેશે?
આપણાં સાર્વજનિક સુખસાધનના પાયામાં આવાં આંસુની ભીનાશ શોધનારને જડી આવે ખરી ?