shabd-logo

લગ્નની ભેટ

23 June 2023

2 જોયું 2

લગ્નની ભેટ


'સુરભિ ! જો ને બહાર કોણ ઘર પૂછે છે?'

નિસ્તેજ અને જીર્ણ લાગતા ઘરની ઓસરીમાં ખાટલા ઉપર સૂતેલી એક રોગગ્રસ્ત સ્ત્રીએ પોતાની દીકરીને ધીમેથી પૂછ્યું.

સુરભિ અંદરના ખંડમાં દીવો સળગાવતી હતી. સંધ્યાકાળનો સમય થયો હતો. બહારના ચૉગાનમાં એક ગાડી ખખડી અને ગાડીવાનનો મોટો અવાજ સંભળાયો :

'રામરાયનું ઘર કયું?'

સુરભિએ તેમ જ તેની માતા નીલમગૌરીએ આ પ્રશ્ન સાંભળ્યો. ગાડીવાળો નવો હોવો જોઈએ, નહિ તો રામરાયનું ઘર પૂછે જ નહિ. એ ઘર આખા ગામને જાણીતું હતું.

સુરભિ દીવો કરી બહાર આવી. માતાએ નિઃશ્વાસ નાખ્યો.

'પાંચ સાત વર્ષમાં પણ લોકો આપણને ભૂલી જાય છે!' તેના મનમાં વિચાર આવ્યો. રામરાય સાતેક વર્ષ ઉપર સંતાનમાં માત્ર એક પુત્રીને મૂકી મરણ પામ્યા હતા. મરતાં સુધી તેમણે ગામની આગેવાની કરી હતી. પ્રજાવર્ગમાંથી અંદર અંદરના ઝઘડાનું નિરાકરણ તેઓ જ કરતા, અને તેમને લીધે ગામની એવી પ્રતિષ્ઠા જામી હતી કે ગામનો એક પણ ઝઘડો અદાલતે જ નહિ. તેમના મૃત્યુથી આખા ગામ ઉપર શોકની છાયા પથરાઈ ગઈ હતી.

પરંતુ જીવતું જગત મૃત મનુષ્યને ઝડપથી વીસરી જાય છે. ગાડીવાળો એકબે વર્ષથી ગામમાં આવ્યો હતો. તેની ઉમ્મર પણ નાની હતી, એટલે તેને રામરાયના મહત્ત્વની ખબર નહોતી. રામરાયના જીવતાં તો અનેક મહેમાનો તેમને ત્યાં આવતા; પરંતુ બેત્રણ વર્ષથી ભાગ્યે કોઈ મહેમાન પણ તેમને ઘેર આવ્યો હોય.

સુરભિએ એટલે આવી પૂછ્યું : 'કેમ ભાઈ ! કોનું કામ છે?'

'આ સાહેબ આપને ત્યાં આવ્યા છે.' ગાડીવાળાએ કહ્યું. ગાડીવાળાએ સાહેબ તરીકે ઓળખાવેલા મહેમાન નીચે ઊતાર્યા. તેમના હાથમાં એક બૅગ હતી. સંધ્યાકાળના આછા અંધકારમાં પણ એ મહેમાન કોઈ ખૂબસૂરત યુવાન હોય એવો સુરભિને ભાસ થયો. તેમની પાછળ એક નોકર ઊતર્યો.

સુરભિએ તે યુવકને ઓળખ્યો નહિ. યુવકે સુરભિને અટકળથી જ ઓળખી અને તેને નમસ્કાર કર્યા. તે ઓટલા ઉપર ચડ્યો. સુરભિએ અંદર આવવાનો માર્ગ દાખવી કહ્યું :

'આવો.'

એાસરીમાંથી નીલમગૌરીએ પૂછ્યું :

'બહેન કોણ આવ્યું ?'

સુરભિ જરા મૂંઝવણમાં પડી. જવાબ આપવાને બદલે તે યુવક સામે જોઈ મીઠું હસી. યુવક સમજ્યો અને બોલ્યો :

'નીલમકાકી ! એ તો હું છું, રશ્મિ.'

'રશ્મિ ! તું ક્યાંથી? આવ, આવ દીકરા ! '

ખાટલા પાસે એક જૂની ખુરશી પડી હતી. તેના ઉપર રશ્મિ બેઠો.

'રશ્મિ ! તું તો બહુ મોટો થઈ ગયો.' નીલમગૌરીએ ખાટલામાં સૂતે સૂતે ધારીને રશ્મિને જોયો અને પછી કહ્યું. રાત્રે પણ તેમની આંખો સતેજ હોય એમ લાગ્યું.

જેનો શબ્દમાં જવાબ ન અપાય તેનો સ્મિતમાં જવાબ હોઈ શકે. રશ્મિએ સ્મિત કર્યું. માના પગ પાસે બેઠેલી સુરભિ આડી આંખે રશ્મિને જોયા કરતી હતી. યુવતીઓ યુવકની પરીક્ષા નથી કરતી એમ કહેવાય નહિ; પરંતુ કોઈ પણ યુવકે એમ ધારવાનું નથી કે તીરછી આંખે જોતી યુવતી તેને પરીક્ષામાં પસાર કરી દે છે.

'મારે આવવું જોઈતું હતું, પણ હું શું કરું? મારું શરીર અશક્ત–ભારરૂપ.' નિઃશ્વાસ નાખી નીલમગૌરી બોલ્યાં. કેટલાંક વર્ષના સંધિવાને લીધે તેમનો દેહ અટકી પડ્યો હતો. જરા રહી વળી તેમણે કહ્યું : 'બહુ ખોટું થયું. સો જજો, પણ સોનો પાળનાર ન જજો.'

રશ્મિના પિતા બારેક માસ ઉપર ગુજરી ગયા હતા તેનો ઉલ્લેખ આ શબ્દમાં હતો. મૃત મનુષ્યો માટે તેમના સ્નેહી આગળ કેવી રીતે દુઃખ પ્રદર્શિત કરી સમભાવ દર્શાવવો એ સંસારનો એક કોયડો છે. જૂની હિંદુ જનતામાં એ આવડત સારી હતી.

'ઈશ્વરે એટલું સામું જોયું કે તારા સરખો દીકરો પાછળ મૂક્યો છે. બાપનું નામ રાખે અને માને સુખ આપે. બીજું તો શું ? માણસ ગયું તેની કાંઈ જગા પુરાય છે?'

રશ્મિને જવાબ દેતાં આવડ્યું નહિ. સ્વર્ગસ્થ પિતાનો ઉલ્લેખ તેના હૃદયને સ્વાભાવિક રીતે હલાવતો હતો.

'સુરભિ ! તું રશ્મિને ક્યાંથી ઓળખી શકે ? મેં દસ વર્ષ જોયો. રશ્મિ ! વિલાયત ત્રણેક વર્ષ રહ્યો, ખરું ?'

'હા કાકી.'

'તારાં માનું શરીર સારું છે ને ?'

'હા. જી.'

'બિચારા ! ગયે વર્ષે તો તારાં લગ્ન કરવાનું ધારતાં હતાં, તેમાં આમ થયું. પ્રભુને ગમે તે ખરું. સુરભિ, બેટા ! આ રશ્મિ માટે ચા કરી લાવ અને પછી એને ઈચ્છા હોય તે વખતે જમાડી લે.' નીલમગૌરી બોલ્યાં.

માના પગ ઉપર ધીમે ધીમે હાથ ફેરવ્યા કરતી સુરભિ ઊઠી અંદરના ભાગમાં ગઈ. રશ્મિને લાગ્યું કે સુરભિની આંગળીઓ ઘણી ઘાટીલી છે.૨

સુરભિના પિતા રામરાય અને રશ્મિના પિતા રણજિતરાય એ બંને મિત્રો હતા. બંનેના માર્ગ જુદા હતા. રામરાયે જમીન જાગીર સાચવી સ્થાનિક પ્રતિષ્ઠા મેળવી સંતોષ મેળવ્યું, પરંતુ સાહસિક રણજિતરાયે ભારે અભિલાષાઓ સેવી હતી. રણજિતરાયે જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે તેમની સ્થિતિ અત્યંત ગરીબ હતી. તે વખતે તેમને એવી ઈચ્છા હતી કે દસપંદર હજાર રૂપિયા ભેગા થાય તો બસ; પરંતુ દસ પંદર હજાર ભેગા થતાં બરાબર લાખ રૂપિયા એકઠા કરવાની વૃત્તિ જાગૃતિ થઈ. એ રકમ પણ તેમણે મેળવી, એટલે દસ લાખથી સંતોષ મેળવવાને નમ્ર નિશ્ચય તેમણે કર્યો. એ નિશ્ચય પણ ફળ્યો, એટલે તેમની દૃષ્ટિ એથી પણ વધારે વિશાળ બની.

પરંતુ ધનસંપાદન કરવામાં સુખનો ભારે ભોગ આપવો પડે છે. કોઈ પણ સુખ ભોગવવા માટે એક પ્રકારની માનસિક શાંતિ અને શારીરિક આસાયેશ જરૂરનાં છે. સંપત્તિ મેળવવામાં શરીર અને મન બંનેને દોડતાં રાખવાં પડે છે. ધનિક બનવાની તમન્નામાં પત્નીના સુંદર મુખ સામે જોતાં જોતાં મન આગળ મિલનું ભૂંગળું આવી ઊભું રહે છે, અને બાળકને રમાડતા રમાડતાં દલાલોનું ટોળું દેખાઈ આવે છે.

આવી સ્થિતિમાં રામરાય અને રણજિતરાય પરસ્પરથી વિખૂટા પડી ગયા હતા. શરૂઆતમાં તો બંને એકબીજાને મળ્યા વગર રહેતા નહિ, પરંતુ સમય જતાં રામારાયને લાગ્યું કે તેના મિત્ર તેના વગર ચલાવી શકે એમ છે. તેમણે મિત્રને ત્યાં જવું મૂકી દીધું. પરંતુ વ્યાપારની ગડમથલથી કંટાળી જતાં રણજિતરાય વર્ષે બે વર્ષે ચારપાંચ દિવસ રામરાયને ગામ આવી તેમની સાથે ગાળતા. પાછલા ભાગમાં તે પણ ઓછું થઈ ગયું. આબુ, મહાબળેશ્વર, મસૂરી અને કાશ્મીરના પ્રવાસો ગોઠવતા રણજિતરાયના કુટુંબનો રામરાયના કુટુંબ સાથે પરિચય ઘસાઈ ગયા. બંને મિત્રો મિત્ર જ રહ્યા, પરંતુ બંને કુટુંબમાં નિકટતા ન આવી. રશ્મિ અને સુરભિ પરસ્પરને ઓળખતાં નહોતાં.

સુરભિ ચા લઈ આવી. ઉપરના એક ખંડમાં રશ્મિને ઉતારવાની સગવડ કરવા માતાની આજ્ઞા થતાં તે ઉપરનો ઓરડો ઠીક કરી. આવી. રાત્રે ઝડપથી તેણે પોતાને હાથે રસોઈ કરી. અનેક નોકરોને બૂમ મારવા ટેવાયેલો રશ્મિ વિચારમાં પડ્યો કે સુરભિને મુખેથી એક અક્ષર પણ કેમ નીકળતો નથી ? તે મૂંગી તો નહિ હોય? એટલા ઉપર ગાડીવાળાને પૂછેલા પ્રશ્નનું ઝાંખું સ્મરણ રશ્મિને ન હોય તો તે જરૂર માની લેત કે સુરભિની વાચા ઊધડી જ નથી.

'સુરભિ ! હવે રશ્મિને જમાડી લે.' નીલમગૌરીએ કહ્યું.

રશ્મિ જોડે આવેલો નોકર રશ્મિની કાળજી રાખવા મહેનત કરતો હતો એટલું જ નહિ, પણ સુરભિને સહાય આપવા પણ તે મથતો હતો; પરંતુ સુરભિને નોકરની સહાય જરૂર વગરની થઈ પડી. રશ્મિ એટલું તો જોઈ શક્યો કે આ ઘરમાં નોકર રસોઈયા નહોતા. સુરભિને જ માથે એ બોજો પડતો હશે? રશ્મિને અનુકંપા ઊપજી. એ અનુકંપાની સુરભિને જરૂર હતી કે કેમ એ બીજી વાત છે, પરંતુ નોકર અને રસોઈયા કરતાં વધારે સારી વ્યવસ્થા જીર્ણ દેખાતા ઘરમાં તે જોઈ શક્યો.

કોઈ પણ સુંદરીની હાજરીમાં જમવું એ યુવકે માટે વિકટ તપસ્યારૂપ છે. રશ્મિ નીચું જોઈ જમતો હતો; સુરભિ નીચું જોઈ પીરસતી હતી. બહારથી નીલમગૌરી બબ્બે ત્રણત્રણ ક્ષણે કૈંક કૈં વાક્યો ફેક્યે જતાં હતાં : 'સુરભિ ! બરાબર પીરસજે...એ શરમાય નહિ... પાટલો મોટો જ મૂક્યો હશે... દૂધમાં ખાંડ નાખવી ભૂલીશ નહિ...રશ્મિ સવારનો ભૂખ્યો હશે...'

તેમનાથી ખાટલો મૂકીને ખસાય એમ નહોતું. રશ્મિ અને સુરભિ બંને યુવાન હતાં; બેમાંથી કોઈ પરણ્યું નહોતું. પરણ્યાં હોય તો પણ આ ઉંમરે યુવકયુવતીને એકલા મૂકવાં ઇચ્છવા યોગ્ય નથી એમ તેઓ જાણતાં હતાં. એટલે બંને યુવાનોને ક્ષણે ક્ષણે ચોંકાવતા શબ્દ તેઓ સંભળાવતાં હતાં. તેમાં કોઈનું અપમાન થાય છે એવો ખ્યાલ કરવા જેટલાં તેઓ આગળ વધેલાં નહોતાં.

છેવટે રશ્મિથી ઊંચે જોયા વગર રહેવાયું નહિ.

'અરે, તમે તો પીરસ્યે જ જાઓ છે ! આ વધારે પડશે.'

રશ્મિનો બોલ સાંભળી સુરભિ ચમકી. તેના હાથમાંથી વાસણ પડી ગયું. ખણખણ થતા અવાજે આખા ઘરમાં વાસણ પડ્યાની જાહેરાત આપી દીધી. સુરભિએ રશ્મિ સામે જોયું અને તે હસી પડી.

'બહેન ! શું થયું ?' નીલમગૌરીનો પ્રશ્ન પાછળ દોડ્યો.

'કાંઈ નહિ, બા !' સુરભિ એક વાક્ય બોલી.

રશ્મિને લાગ્યું કે સુરભિનો કંઠ જીવંત છે એટલું જ નહિ, તે મીઠો પણ છે.'૩

નોકરે કહ્યું :

'ભાઈ ! હવે જવું નથી ? રાત રહી પાછા વળવાનું હતું તેને બદલે ત્રણ દિવસ થઈ ગયા.'

રશ્મિને લાગ્યું કે નોકરની સૂચના વાસ્તવિક હતી. ઘર આગળ હજી ઘણું કામ પડ્યું હતું. વૈભવ ભોગવતા રશ્મિને અહીં રહેવું કેમ ગમતું હતું ? ઘરનો દેખાવ બહારથી જીર્ણ લાગતો હતો, પરંતુ 'અંદર સ્વચ્છતા અને સફાઈ થોડાં નહોતાં, વળી રશ્મિના ઓરડામાં તો થોડો ગૃહશૃંગાર પણ ગોઠવાયો હતો. પિતાના સમયની ચીજો આજ લગી નિરુપયોગી પડી રહેલી તે સાફ કરી સુરભિ છાનીછાની રશ્મિવાળા ઓરડામાં ગોઠવી આવતી. ત્રણ દિવસમાં ભાગ્યે ત્રણ વાર સુરભિને બોલતાં તેણે સાંભળી હશે; તેને અહીંથી જવાનો વિચાર આવતો નહોતો. નોકરે સંભાર્યું એટલે તેણે કહ્યું :

'વાત ખરી છે. પણ કાકીનો આગ્રહ એટલો બધો છે કે મારાથી કશી વાત પણ થઈ નથી.'

'ત્યારે આજે હવે વાત કરી લ્યો.' નોકરે કહ્યું. નોકરો ઘણી વખત સલાહકારની ગરજ સારે છે.

સાંજે નીલમગૌરી પાસે બેસીને રશ્મિએ કહ્યું :

'નીલમકાકી ! હું કાલે સવારે જઈશ.'

'એટલામાં?' નીલમે સૂતે સૂતે પૂછ્યું. સુરભિએ પણ ઊંચું જોયું.

'ત્યાંથી તાર પણ આવ્યો છે અને કામ બાકી છે.'

‘વારુ, ભાઈ ! બીજું તો શું કહું? આમ આવીને મળી ગયો તે મને તો એવું સારું લાગ્યું બાકી આજ સંબધ કોણ તાજો કરે ?'

‘અહીં આવવામાં મારે એક કારણ હતું.'

નીલમગૌરી જરા ચમક્યાં. આજકાલના વંઠેલ છોકરાં પણ જાણે શું યે કારણ બતાવે !

'એમ કે ?' તેમણે એટલેથી જ પતાવ્યું, પરંતુ કારણ પૂછ્યું નહિ. ગૂંચવાતે ગૂંચવાતે રશ્મિએ કહ્યું.

'મારે થોડા રૂપિયા અહીં મૂકી જવાના છે.'

'કોઈ પેઢી ન મળી?' હસીને નીલમગીરીએ પૂછ્યું.

'એમ નહિ; આપને ત્યાં જ આપવાના છે.'

'આ ત્રણ દિવસ રહ્યો તેનું ભાડું આપવા ધારે છે?'

'ના જી, એમ તે હોય !' 'ત્યારે ભેટ આપવાના છે?' આંખો ચમકાવી હસતે મુખે નીલમગૌરી પૂછ્યે જતાં હતાં.

'ના જી, એ તો આપના લહેણા છે.'

“મારા લહેણા? મને ખબર નથી.'

'ભાઈના વસિયતનામામાં એ લખેલું છે.'

'રશ્મિએ એક દસ્તાવેજ જેવો લેખ કાઢ્યો. તેના પિતાએ પોતાનું વસિયતનામું કરેલું, તેમાં એક કલમ એવી પણ હતી કે :

'વીસ હજાર રૂપિયા રામરાયના માગણા પેટેના આપવા બાકી છે. તે વહેલી તકે તેમનાં પત્ની અગર જો તેની હયાતી ન હોય, અથવા તેઓ લેવાની ના પાડે, તો તેમની પુત્રી સુરભિને આપવા.'

સુરભિ શબ્દોનો ઉચ્ચાર કરતાં રશ્મિનો કંઠ થડક્યો. સુરભિ પગના અંગૂઠા તરફ નિહાળી રહી. નીલમગૌરી ધીમેથી બોલ્યાં :

'રશ્મિ ! અમારું લહેણું તો અમને મળી ગયું છે.'

'કેવી રીતે? આ લેખમાં તો લહેણું છે એમ નીકળે છે !'

નીલગૌરીએ પૂર્વ ઈતિહાસ ઉકેલ્યો.

રણજિતરાયને એક વખત પાંચ હજાર રૂપિયાની ખાસ જરૂર પડી; ધંધાની શરૂઆત હતી. જો એ પાંચ હજાર રૂપિયા તે વખતે ન મળ્યા હોત તો તેઓ ધંધો આગળ વધારી શકત નહિ. રામરાયે ખરા મિત્ર તરીકે ગમે તેમ સગવડ કરી પાંચ હજાર રૂપિયા તેમને આપ્યા.

બેત્રણ વર્ષે રામરાયને વ્યાજ સાથે એ રકમ રણજિતરાય પાછી આપવા આવ્યા. રામરાયે વ્યાજની રકમ લીધી નહિ. રણજિતરાય પિતાના મિત્રનો ઉપકાર ભૂલે એવા નહોતા. વ્યાજની રકમ તેમણે રામરાયના માગણા તરીકે વ્યાપારમાં રોકી, અને તેમાંથી સારી રકમ ઉભી કરી. રામરાયના જીવતાં એકબે વખત તેઓ દસબાર હજારની રકમ આપવા આવેલા; રામરાયે ત્યારે તેની ના પાડેલી. 'તું તો ઘેલો થયો છે. શા માટે તારા પૈસા આપી દેવા મથે છે?' રામરાય ઠપકો આપતા.

'અરે’ પણ તું ન હોત તો મારી સ્થિતિ કેવી થાત? અડધી રાતે તે વગર જામીને પાંચ હજાર જેટલી રકમ આપી એ હું ભૂલી જઈશ?'

'તેથી શું? તેં મને મારી માગતી રકમ આપી દીધી છે.'

‘ના; વ્યાજ બાકી છે.'

'મારે વ્યાજ ભરવું પડ્યું નથી એટલે હું વ્યાજ લેવાને નથી.'

'જો; એ તારા વ્યાજની રકમ જુદી કાઢી તેમાંથી આટલી રકમ કરી છે. એ લીધા વગર ચાલશે જ નહિ.'

'તું યે જાદુગર છે. પાંચ હજારનું વ્યાજ અને એ વ્યાજની રકમમાંથી દસ-બાર હજારની રકમ તું કરી લાવ્યો ! એ તારી આવડતનું ફળ હું ન લઈ શકું.'

'વેપારમાં તો એમ જ બને !'

'મેં ક્યાં વેપાર કર્યો છે?'

'તારી રકમનો તારે નામે મેં વેપાર કર્યો.'

'જો ખરી રીતે તારે મને બદલો આપવો હોય તો તારી આખી મિલકત મને લખી આપ. મેં એ રકમ આપી તેથી તું લક્ષાધિપતિ થયો, એટલે તું જે કમાયો તે બધું જ મારું છે.'

આ સાંભળી જતાં રણજિતરાયે મુનીમને બૂમ મારી અને દસ્તાવેજ મંગાવ્યો. મુનીમને હુકમ કર્યો :

'આપણી બધી મિલકત રામરાયને નામે કરી દ્યો.'

રામરાય હસ્યા. તેમણે મુનીમને કહ્યું :

'તમારા શેઠને ઉદારતાની આંકડી આવી છે. રખે એના કહ્યા પ્રમાણે કંઈ કરતા.'

આમ રામરાયે પોતાને નામે ચાલતી રકમ રણજિતરાયના ભારે પ્રયત્ન છતાં લીધી નહિ. રામરાય ગુજરી ગયા પછી નીલમગૌરીને તે રકમ આપવાનો રણજિતરાયે પ્રયત્ન કર્યો, પરંતુ પતિના અભિપ્રાય જાણતી વિધવાએ પૈસાની ભારે જરૂર છતાં રકમને અસ્વીકાર કર્યો.

છેવટે રણજિતરાયને એ રકમની શી વ્યવસ્થા કરવી તેનો વસિયતનામામાં ઉલ્લેખ કરવો પડ્યો. પિતાના મૃત્યુ પછી એ વસિયતનામાના આધારે રશ્મિને એ વ્યવસ્થા કરવાની હતી. રશ્મિની માતાએ વિવેક ખાતર રશ્મિને જાતે મોકલ્યો.

એ માટે તે નીલમગૌરીનો મહેમાન થયો હતો. તેને આ પૂર્વઇતિહાસની ખબર નહોતી.

'કહે, હવે મારાથી કે સુરભિથી એ રકમ કેમ લેવાય?' નીલમગૌરીએ છેવટે પૂછ્યું.

રશ્મિ ચમક્યો. ગ્રામ્યનિવાસી કુટુંબમાં સૌન્દર્ય તો હતું. પણ આવા ઉચ્ચ સંસ્કાર સુધ્ધાં હતા ! આટલી સુક્ષ્મ પૃથક્કરણશક્તિ દેવાલહેણામાં જે બતાવે એ કુટુંબમાં ભળવું એ પણ એક જાતનું માન હતું. એમ તેને લાગ્યું આખું ગૃહ જીર્ણને બદલે જાજ્વલ્યમાન લાગવા માંડ્યું. એ જાજ્વલ્યમાન ગૃહની છેલ્લી પ્રતિનિધિ સુરભિ એટલા માટે જ આવી જ્વલંત દેખાતી હતી ?'

'પણ કાકી ! એ વીલની કલમ હવે ફરે નહિ,' રશ્મિએ થોડી વારે કહ્યું.

'ત્યારે આપણે એમ કરીએ. આ રકમ મેં લીધી એમ ધાર. માત્ર તારા લગ્નની ભેટ તરીકે તને હું પાછી આપી દઉં છું; બસ?'

રશ્મિ વધારે ચમક્યો.

'પણ મારું લગ્ન ક્યાં થયું છે?'

'આવતે વર્ષે પણ થશે તો ખરું ! તે વખતે ભેટ ખાતે એ રકમ ફેરવી નાખજે.'

'પણ આ લેખમાં તો...તો સુરભિગૌરીનો પણ હક રાખ્યો છે.' રશ્મિએ કહ્યું. સુરભિનું નામ લેતાં ફરી રશ્મિ ગૂંચવાયો.

'સુરભિનું મન સુરભિ જાણે; હું શું કહું ? કેમ સુરભિ ?' ‘ના; બા ! મારે એ નથી લેવા. હું પણ એ એમને લગ્નભેટ આપું છું.' સુરભિ ત્રણ દિવસે આટલું લાંબું વાક્ય બોલી. રશ્મિનું રુધિર ઊછળી આવ્યું. એ કોકિલકંઠ સતત સાંભળ્યા કરવો હોય તો તે કંઠને પકડી રાખવો ન જોઈએ ? નીલમગૌરી ન હોત તે જરૂર એણે સુરભિનું ગળું બે હાથ વચ્ચે લઈ લીધું હોત.

આખી રાત જાગતાં પડી રહેલ રશ્મિને સવારે વહેલાં ઊઠી જવું ગમ્યું નહિ. પરંતુ સુરભિએ વહેલી બધી તૈયારી કરી રાખી હતી, અને ગાડીવાળાએ બહાર આવી બૂમ પાડી એટલે ગયા વગર છૂટકો નહતો.

બંને યુવક-યુવતી ઉપર પહેરો ભરવા માટે પાડોશનાં એક ગંગાકાકીને બે દિવસથી સતત હાજર રાખ્યાં હતાં, એટલે પહેલે દિવસે નીલમગૌરીને પડેલી મુશ્કેલી ઓછી થઈ ગઈ. વાત કરવાની જરા પણ તક કોઈને મળી નહિ.

પરંતુ વૃદ્ધોનાં કેદખાનાંની દીવાલમાં યુવકો ગાબડાં પાડી શકે છે. સરસામાન ગાડીમાં મુકાવવાની વ્યવસ્થાને બહાને સુરભિ ઓટલે ઊભી હતી. નીલમગૌરીને પગે લાગી રશ્મિ બહાર આવ્યો. સુરભિએ બહુ જ ધીમેથી નીચું જોતાં જોતાં કહ્યું :

'આવજો, હો !'

રશ્મિ ક્ષણભર થોભ્યો. એક કુશળ સેનાધિપતિની ત્વરાથી તેણે નિશ્ચય કર્યો, અને જવાબ આપવાને બદલે તેણે પ્રશ્ન કર્યો :

'સુરભિગૌરી ! આનો તોડ શી રીતે પડશે?'

'શાનો ?'

'આપને આપવાની રકમનો.'

'હવે એમાં બાકી શું રહ્યું ? અમે તો ભેટ આપી દીધી.'

'અને સીધી સીધી ભેટ હું લઈ લઉં એવો હલકો તમે ધારી લીધો, ખરું ?'

'ના ના.' 'મને લગ્નમાં ભેટ આપવાની છે ને?'

'હાં.' લાલ લાલ મુખ થયું અને સુરભિ બોલી.

'પણ તે સાથે મને સલાહ ન આપો?'

'શાની ?'

'મારે લગ્ન કોની સાથે કરવું ?'

સુરભિના દેહમાં કંપ ઊપજ્યો. તેને લાગ્યું કે તેનાથી બોલાશે જ નહિ. ખરે, તેના હોઠ બિડાઈ ગયા અને તે પૂતળાં માફક ઊભી રહી.

'તમે હા ન પાડો ?'

સુરભિએ પહેલી પહેલી વખત રશ્મિ સામે ધારીને જોયું :

'હું તો ગામડાંની છું; તમને ન શોભું.'

'એ ઠીક છે; તમે હા પાડી છે એમ માનીને જાઉં છું.'

'પણ મારી માને મૂકીને મારાથી ઘર કેમ છોડાય ?'

'હું અહીં આવીને રહીશ. પછી કાંઈ?' રશ્મિએ હસીને કહ્યું. ગાડીવાળાએ બૂમ પાડી : 'સાહેબ ! વાર થઈ જશે.'

રશ્મિએ ઘડિયાળ જોઈ અને એકદમ તે ગાડી તરફ ધસ્યો. તેને જવાની એકદમ ઉતાવળ આવી ગઈ.

ત્રીજે દિવસે રશ્મિની માતા હતાં જ. સુરભિને સમજ ન પડી કે ત્રણ દિવસમાં પાછાં મહેમાન કેમ આવતાં હશે. તેણે રશ્મિની માતાને ઘરમાં ઓળખી. બારણાં પાછળ સંતાઈ તે બંને વૃદ્ધ સ્ત્રીઓનો સંવાદ સાંભળી રહી હતી.

'હું તો મારો ખોળો પાથરવા આવી છું; હું માગું તે આપવું પડશે.' રશ્મિની માતાએ કહ્યું.

'બહેન ! એ શું બોલો છો ? બધું યે તમારું.' નીલમગૌરી બોલ્યાં.

'સુરભિ મને આપો. મારો રશ્મિ એના વગર જીવશે નહિ.'

'તમારા ધનાઢ્ય ઘરમાં આ છોકરી શી ?' 'કૃપા કરીને એ વાત બોલશો જ નહિ. અમે શાથી ધનાઢ્ય થયાં તે મને કહેવું પડે એમ નથી. રામરાય ન હોત તો...'

'તમે જાણો. છોકરી તમારી છે; હું તો અપંગ છું...'

પાડોશનાં ગંગાબહેન ત્યાં બેઠેલાં હતાં તેમણે કહ્યું :

'રશ્મિભાઈએ તો ઘરજમાઈ તરીકે રહેવા કબૂલ કર્યું છે.'

રશ્મિની માતા હસી. નીલમગૌરીએ કહ્યું : 'જા જા, તું શું જાણે?'

'ઓટલા ઉપર બે જણ વાત કરતાં હતાં તે મેં બારણાં પાછળથી સાંભળી છે.' ગંગાબહેને કહ્યું.

'એમ તે હોય? સુરભિ કદી વાત કરે નહિ !' નીલમગૌરી પુત્રીના સ્વભાવનો પરિચય આપતાં બોલ્યાં.

'હું ખરું કહું છું. બાને છોડીને ખસાય નહિ એવું સુરભિએ કહ્યું એટલે રશ્મિકાંતે અહીં આવી રહેવા જણાવ્યું.' ગંગાબહેને જ સાક્ષી પૂરી.

સુરભિના હાથમાંથી પાછું કઈ વાસણું પડી ગયું. આખું ઘર એ ખણખણાટથી ગાજી ઊઠ્યું 

17
લેખ
પંકજ
4.0
ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એમાં પણ અજબ રોમાંચ થાય છે. 'પણ આપણે વ્યાપારના જ સટ્ટામાં પડી રહીશું? કાંઈ બીજો સટ્ટો કરીએ તો ?' મધુકરે પૂછ્યું. 'હા. લગાવ બીટ. એબિસીનિયા જીતશે કે ઈટલી? હજારથી દસ હજાર રૂપિયા સુધીની મારી તૈયારી છે. ચાલ.' મેં કહ્યું. મધુકર જરા હસ્યો. તેનું હાસ્ય કેટલીક વખત અમને અપમાન ભર્યું લાગતું. અમારા બધાથી જાણે તે ઘણો મોટો માણસ હોય એવો એ હાસ્યમાં ભાવ હતો. 'શાને હસે છે? તારું જિગર ક્યાં ચાલે છે?' 'જિગર તો ચાલે છે, પણ તમારી ઢબે નહિ.' મધુકરે કહ્યું. 'હજી બીજા પાંચ હજારની મારી તૈયારી છે. બોલ, શું કહે છે?'
1

ખરી મા

23 June 2023
0
0
0

ખરી મા નાનકડો કુસુમાયુધ આજે મુંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી, સારાં કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેનાં માતાપિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબું પણ નવા

2

ખરી મા

23 June 2023
0
0
0

ખરી મા નાનકડો કુસુમાયુધ આજે મુંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી, સારાં કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેનાં માતાપિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબું પણ નવા

3

લગ્નની ભેટ

23 June 2023
0
0
0

લગ્નની ભેટ ૧ 'સુરભિ ! જો ને બહાર કોણ ઘર પૂછે છે?' નિસ્તેજ અને જીર્ણ લાગતા ઘરની ઓસરીમાં ખાટલા ઉપર સૂતેલી એક રોગગ્રસ્ત સ્ત્રીએ પોતાની દીકરીને ધીમેથી પૂછ્યું. સુરભિ અંદરના ખંડમાં દીવો સળગાવતી હતી.

4

પુનર્મિલન

23 June 2023
0
0
0

પુનર્મિલન ૧ બહુ થોડા શિક્ષકોના ભાગ્યમાં વિદ્યાર્થી પ્રિય થવાનું લખાયું હોય છે. મોટે ભાગે શિક્ષકો હસવા માટે અગર ક્વચિત ભયની લાગણી અનુભવવા માટે કામમાં આવે છે. પરંતુ વિનોદરાય અપવાદ બની વિદ્યાથીઓના આદ

5

મૂર્તિપૂજા

23 June 2023
0
0
0

મૂર્તિપૂજા ૧ સુરેન્દ્ર ઘેલો થઈ જશે એમ મને લાગે છે.' 'શા ઉપરથી ?' 'સાંભળતા નથી, અંદર એકલો બોલ્યા કરે છે તે ?' 'કોઈ ડોકટરને બતાવીએ.' 'જરૂર. કાંઈ રસ્તો કાઢવો પડશે.' 'વર્ષ થઈ ગયું છતાં હજી પરણવાન

6

ગુનાની કબૂલાત

23 June 2023
0
0
0

ગુનાની કબૂલાત ૧ હું ગુનો કબૂલ કરું છું. મને મારવાની જરૂર નથી; અંગૂઠા પકડાવવાની જરૂર નથી; અદ્ધર ટીંગાડવાની જરૂર નથી; મારા નખ નીચે ટાંકણીઓ ભોંકવાની જરૂર નથી. ગુનો કબૂલ ન કરવો એટલે શું તે હું જાતઅનુભવ

7

આંસુના પાયા

23 June 2023
0
0
0

આંસુના પાયા ૧ જયરામ મિસ્ત્રીનું નામ બધે જાણીતું હતું. મોટા રસ્તા કરવા હોય, નદી ઉપર પૂલ બાંધવા હોય, મોટાં મોટાં મકાનો બાંધવાં હોય તેમાં જયરામ મિસ્ત્રી ખરા જ. પહેલા વર્ગના એ કોંટ્રાક્ટર. ગોરા ઈજનેરો

8

ધનિક હૃદય

23 June 2023
0
0
0

ધનિક હૃદય ૧ મન્મથ અને હું કૉલેજમાં સાથે ભણતા. એ ભણતો ત્યારથી જ ઘણો ઉડાઉ હતો. ઔદાર્ય અને ઉડાઉપણા વચ્ચેનો ભેદ ભાગ્યે જ સમજી શકાય એવો હોય છે. એ બહુ સ્વચ્છ, ડાઘ વગરનાં અને સહજ દમામદાર વસ્ત્રો પહેરતો.

9

માનવતા

23 June 2023
0
0
0

માનવતા ૧ સનતકુમાર એક કવિ હતા. કેટલાક તેમને મહાકવિ કહેતા હતા. જે તેમને મહાકવિ કહેતા ન હતા તે પણ એમ તો કહેતા જ કે તેમનામાં મહાકવિ બનવાની શક્યતા તો છે જ. બહુ નાની ઉંમરથી તેમણે કવિતા લખવાની શરૂઆત કરી

10

વૃદ્ધ સ્નેહ

23 June 2023
0
0
0

વૃદ્ધ સ્નેહ ૧ બહુ જ સંભાળથી પુત્ર અને પુત્રવધૂએ પ્રભાલક્ષ્મીને પથારીમાં બેઠાં કર્યાં; તેમનો દેહ કૃશ બની ગયો હતો. મોટા તકિયાને અઢેલાવી તેમને બેસાડ્યાં. ચારેપાસ તેમણે વાત્સલ્યભરી દૃષ્ટિ ફેરવી. કુટું

11

કીર્તિ કેરા કોટડા

23 June 2023
0
0
0

કીર્તિ કેરા કોટડા ૧ 'વંદે માતરમ્ ! મહાત્મા ગાંધી કી જય ! જયંતકુમાર કી જય !' સ્ટેશને ગાડી ઊભી રહી, અને લોકોનું મોટું ટોળું જયનાદ કરી ઊઠ્યું. ગાડીની બારીઓ પાસે બેઠેલા ઉતારુ ટોળાં તરફ જોવા લાગ્યા. અંદર

12

ચંદા

23 June 2023
0
0
0

ચંદા ૧ ગામડાં શહેરો કરતાં વધારે કદરૂપાં છે એમ કહેનારે ગામડાંને ચાંદની રાત્રે નીરખવા જોઈએ. સરકારી કામકાજ સાંજે પૂરું કરી ચોરાની આગળના ચોગાનમાં હું આરામખુરશી ઉપર પડ્યો અને ચંદ્ર ઊગ્યો. ઊગતાં બરોબર ચ

13

ઘેલછા

23 June 2023
0
0
0

ઘેલછા અસામાન્ય બનાવ બને એટલે તે સાર્વજનિક બની જાય છે. વીણાએ સામાન્ય રીતે — જગતમાં સાધારણ બને છે એવી રીતે– લગ્ન કર્યું હોત તો તેથી સમાજને હાલી ઊઠવાનું કારણ ન મળત. જોકે વીણા સરખી ભણેલી, સંસ્કારી અને પો

14

સમાન હક્ક

23 June 2023
0
0
0

સમાન હક્ક સહશિક્ષણના અનેક લાભો છે, તેમાં મુખ્ય લાભ તો એ છે કે યુવક–યુવતીને પરસ્પર પિછાનની પૂર્ણ તક મળે છે, સ્નેહલગ્ન માટે સુંદર ક્ષેત્ર તૈયાર થાય છે, અને માબાપની પસંદગીના પ્રણાલિકાવાદનો ભંગ કરી બંડખો

15

ભાઈ હિંદુઓ સાથે

23 June 2023
0
0
0

ભાઈ હિંદુઓ સાથે  લગ્નસંબંધમાં જોડાવાથી મુસ્લિમ રાજસત્તા સ્થિર અને વ્યાપક બનશે એવી અકબર ભાવના હજી લુપ્ત થઈ ન હતી. અમીનાબાદના યુવાન નવાબ અહમદખાને જોયું કે પાડોશના ઠાકોર રાજસિંહને વફાદાર રાખવા માટે એક જ

16

ખૂન

23 June 2023
0
0
0

ખૂન પોલીસથાણામાં દોડતો શ્વાસભર્યો માણસ આવી ઊભો રહ્યો, અને પોલીસ અમલદારે ધાર્યું કે કોઈના ખૂનની ખબર આવી. 'સાહેબ ! સાહેબ ! ' માણસથી આગળ બોલી શકાયું નહિ. 'અરે પણ છે શું? આટલો ગભરાય છે કેમ ? ' અમલદારે

17

પંકજ

23 June 2023
0
0
0

પંકજ ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એ

---

એક પુસ્તક વાંચો