ધનિક હૃદય
૧
મન્મથ અને હું કૉલેજમાં સાથે ભણતા. એ ભણતો ત્યારથી જ ઘણો ઉડાઉ હતો. ઔદાર્ય અને ઉડાઉપણા વચ્ચેનો ભેદ ભાગ્યે જ સમજી શકાય એવો હોય છે. એ બહુ સ્વચ્છ, ડાઘ વગરનાં અને સહજ દમામદાર વસ્ત્રો પહેરતો. પરંતુ તે સાથે એ પણ કહેવું જોઈએ કે અમારા સરખા તેના મિત્રોમાંથી કોઈ પણ તેનાં કપડાં વગર પૂછ્યે પહેરી જાય તો મન્મથને કાંઈ જ લાગતું નહિ. એટલું જ નહિ, તેણે પોતે જ તે કપડાં પહેર્યાં હોય એવો તેને આનંદ થતો.
તેની ઓરડીએ કદી તાળું દીઠું નહોતું. મરજી ફાવે તેમ વિદ્યાર્થીઓને એની ઓરડીમાં આવવાની, એનાં પુસ્તક લઈ જવાની, એનાં કપડાં પહેરવાની, ચા બનાવી પી જવાની સંપૂર્ણ છૂટ હતી. તેને ટોપીની જરૂર પડે અને તે કોઈ ખેંચી ગયું હોય ત્યારે તે ત્રાહિત માણસની ગમ્મત થઈ હોય એમ હસતો. સ્ટવ ઉપર ચા મૂકી દૂધ લેવા જતાં તપેલી ખાલી જોવામાં આવે તો બે વહાલભરી ગાળ દઈ હસતે હસતે તે બૉર્ડિંગના નોકરને દૂધ વેચાતું લેવા મોકલતો. તે એકલો આનંદ લઈ શકતો નહિ. ચા પીતી કે વખતે, કે જમતી વખતે તેની જોડે ચારપાંચ વિદ્યાર્થીઓ તો હોયજ. અને સામાન્ય કામ ઉપરાંત બીજી સ્વાદિષ્ટ ચીજની ઈચ્છા થતાં વિદ્યાર્થીઓ મન્મથને જ ચડાવતા, એટલે તે ચીજ તૈયાર બનીને આવતી.
આનો અર્થ એમ નહિ કે તે વેવલો, ઢંગ વગરને ભોળો યુવક હતો. તે સૌને બરાબર ઓળખતો; તેની જીભ જરૂર પડ્યે કાતર સરખી ચાલતી; તેના કટાક્ષમાંથી ભાગ્યે જ કોઈ ઊગરતું; સૌને તેના પ્રત્યે માન ઉત્પન્ન થતું અને થોડો ભય પણ રહેતો. વિદ્યાભ્યાસમાં તે સૌથી આગળ રહેતો. રમતમાં પણ તેની આગેવાની હોય. પરંતુ તેની વાતચીત, ટીકા કે કટાક્ષમાં તે કદી પોતાની ઉદારતાને આગળ કરતો નહિ. તેણે અમુક વિદ્યાર્થીને અમુક વખત ચા પાઈ કે અમુક યુવકને તેણે પોતાનો નવો શૂટ પહેરવાને આપ્યો. એવી કશી જ વાત તેના મુખમાંથી નીકળતી નહિ; અને બીજાઓ તેવી વાત કરવા જાય તો વાત ફેરવી નાખવાની તેનામાં ભારે સિફત હતી. મન્મથ ઉડાઉ હતો, પણ તે ગૃહસ્થ હતો. તેના ઉડાઉપણાની સૌ કોઈ ટીકા કરતું; તે હલકો છે એમ કોઈથી કહેવાતું નહિ. તેની ગૃહસ્થાઈમાં હલકાઈને અંશ પણ નહોતો.
આ તેની ઉદારતા ભણ્યા પછી એવી ને એવી જ રહી. તે એક બાહોશ ધારાશાસ્ત્રી કે કાબેલ અમલદાર થઈ શક્યો હોત, પરંતુ તેમ ન કરતાં તેણે ધંધામાં – વ્યાપારમાં ઝંપલાવ્યું. મહત્ત્વાકાંક્ષી યુવકને વ્યાપારમાં પડવાની અનેક તક મળતી. જર્મન યુદ્ધ પછીના દસકા અડધા દસકામાં પૈસાની છોળો ઊડતી, નવી નવી વ્યાપારી યોજનાઓ ઊભી થતી, અને લાખો મનુષ્ય એ યોજનાઓના માત્ર નામના ભાગીદાર બની એક રૂપિયાના હજાર રૂપિયા કરવાના કીમિયામાં પડ્યા હતા. મન્મથે પણ એક સારા વ્યાપારીનો સાથ મેળવી અનેક વ્યાપારી યોજનાઓમાં પિતાને ફાળો આપ્યો હતો. વ્યાપારી જીવનમાં તે એટલો બધો ગૂંથાયો હતો કે કેટલાક દિવસોથી હું તેને મળી જ શક્યો નહતો.
રાતના દસ વાગ્યે એક દિવસ અચાનક મોટરનું ભૂંગળું વાગ્યું. મેં છજામાં અમસ્તુ જ ડોકિયું કર્યું. મન્મથને મોટરમાંથી ઊતરતાં મેં જોયો. ઉતાવળે ઉતાવળે તે આવી હીંચકે બેઠો, અને હું તેને આવકાર આપું તે પહેલાં તો એ બોલી ઊઠ્યો :
'લે, આ તારી રકમ ?'
‘મારી રકમ? મેં તને કશું આપ્યું નથી.' મેં કહ્યું.
'તને શી ખબર? તારા નામના મેં શેર રાખ્યા હતા. સારો ભાવ આવ્યો એટલે વેચી દીધા. હજારનો નફો પડ્યો.'
એક પાઈ પણ ખર્યા સિવાય હજાર રૂપિયા વગર મહેનતે હાથ લાગે એ બહુ રળિયામણો પ્રસંગ છે. નાની નોકરીમાં પૈસાની રેલમછેલ મેં કદી જોઈ નહોતી. એટલે હજાર રૂપિયા હાથમાં પડવાની તકે મને ઉત્સાહી બનાવ્યો.
સાથે સાથે કોઈ અણધારી બીક પણ લાગી. મફત મળતી બધી વસ્તુઓ ભયંકર હોય છે. દૂરથી – વગર દીઠે – એ હજાર રૂપિયા કોઈ બિહામણું હાસ્ય કરતા મને દેખાયા. મન્મથને મેં કહ્યું :
'મારે માટે શેર લેવાનું મેં તને કદી કહ્યું નહોતું.'
'તેથી શું થયું ? મારી પાસે સગવડ હતી. વળી કંપનીના ચાલક પાસે એવી વ્યવસ્થા હોય છે કે જેથી વગર પૈસે શેર ભરી તેમાંથી નફો મેળવી લેવાય.'
'મારે માથે કાંઈ જવાબદારી ખરી ?'
‘બીજા શેર રાખે તો ખરી. આ નફો લઈ બેસી રહે તે કાંઈ નહિ.'
'સાહસ તેં કર્યું અને પૈસા મને આપે છે એ કેવું કહેવાય?'
'બહુ થયું હવે. ડહાપણ રહેવા દે. તને એકલાને નથી આપતો.'
'પાછો બીજાઓને પણ કમાણી કરાવી આપવા નીકળ્યો? કોણ કોણ છે?'
'અરે કંઈક છે. લાગ છે, અને તે વખતે મિત્રો કે સગાંવહાલાંને ભૂલું તો કેવું કહેવાય ?' અમે કૉલેજમાં ભણતા ત્યારે મન્મથ ઘણી વાર કહેતો કે જો તેને ધનાઢ્ય થવાની ચાવી મળે તો તે બધા ય મિત્રોને ધનવાન બનાવી દે. અમે હસતા. ધન મળ્યે કોઈને તે યાદ પણ કરશે નહિ એવી ખુલી ટીકા કરતા. જવાબમાં અતિ ગાંભીર્ય પૂર્વક તે એટલું જ કહેતો : 'વખત આવ્યે બતાવીશ.'
ઉદારતાભર્યું સ્વપ્ન ખરું પડતાં આ મિત્રને હું સાનંદાશ્ચર્યથી જોઈ રહ્યો. તે જાતે અમારા શેરો– અમારી અજાણમાં અમને ધનિક બનાવવા માટે જ તેણે લીધેલા અમારા શેરો-લઈ શક્યો હોત; અરે, તે અમારા નામે ચાલતા શેરોના પૈસા પણ લઈ શક્યો હોત તેમ ન કરતાં તે અત્યારે મિત્રો અને સંબંધીઓને ધનવાન બનાવવા મથી રહ્યો છે !
‘પરંતુ આ શેરના ભાવ ગગડી જાય તો ?' મેં પૂછવું.
'તેમ થવાનો સંભવ જ નથી. એ તો સોના જેવા માનજે - As good as gold.'
સોનાના ભાવ પણ બેસી જાય છે એ વાત મને તે વખતે સૂઝી નહિ. આથી વધારે લાભ મળે એવા બીજા શેરોમાં આ રકમ મૂકવાની તેણે મને સલાહ આપી. પરંતુ કદી ન જોયેલી હજારની રકમ પાસે જ રાખવાનું મન થયું. એટલે આમ અણધાર્યા કમાવી આપેલા રૂપિયા આભાર માની મેં લઈ લીધા. જતે જતે તે બોલ્યો :
'બનશે તો બીજી આટલી રકમ તને આવતે અઠવાડિયે અપાવીશ.'
'પૈસાનું ઝાડબાડ ઉગાડ્યું છે કે શું ?' મેં હસીને પૂછ્યું.
'હિંમત હોય તો પૈસાનાં ઝાડ પણ ઉગાડી શકાય.'
પૈસાના ઝાડની કલપનામાં સારી નિદ્રા આવી. સવારે ઊઠીને સ્વકમાણી - અગર જે કહો તે – માંથી પહેલી જ વખત પત્નીના ઘરેણાંમાં અઢીસો રૂપિયા ખર્ચા, અને બાકીની પૂંજી સહીસલામત રીતે સરકારી બૅન્કમાંથી દાટી દઈ, આવતા અઠવાડિયામાં ફળનાર ધનવૃક્ષને મનમાં વિચારતો બેઠો. પરંતુ એ અઠવાડિયામાં વૃક્ષ ફળ્યું લાગ્યું નહિ. બીજે અઠવાડિયે જરા તાલાવેલી થઈ; છતાં ગાંભીર્ય ઘટે એ ઠીક નહિ. એમ વિચારી એ તાલાવેલી સહન કરી લીધી. પણ ત્રીજુ અઠવાડિયું વીતતાં મારું મન ઝાલ્યું રહ્યું નહિ. હું જાતે જ મન્મથને ત્યાં બપોરની ચા વખતે પહોંચી ગયો. મન્મથ ઘરમાં નહોતો. તેની પત્ની રસનાનું મુખ સહજ ઉદાસ લાગ્યું.
'કેમ રસનાબહેન ! અમારા શેઠસાહેબ કયાં ?' મન્મથને મોટર રાખી વ્યાપાર કરતા થયા પછી અમે બધા 'શેઠ' ઉપનામથી બાલાવતા અને ચીઢવતા.
'કોણ જાણે ! ત્રણેક દિવસથી રાતદહાડો ક્યાં ફર્યા કરે છે તે સમજાતું નથી.’
'એ તો પૈસાના ઝાડની પ્રદક્ષિણા કર્યા કરે છે. હવે ઘણું કમાયો. મોટર-બંગલો થઈ ગયાં. જપીને બેસે તે સારું.’ એમ મેં કહ્યું.
છતાં મને મારા બીજા હજાર રૂપિયા આપીને મન્મથ આરામ ભોગવે એવી અંતરમાં ઈચ્છા થઈ આવી. તેણે અપાવવા ધારેલા પૈસા મારા જરા ય ન હોવા છતાં તેમાં મને સંપૂર્ણ મમત્વ આવી ગયું હતું. સ્વાર્થ આટલો બધો આંધળો છે !
'કાંઈક શેરના ભાવ ઓછા થવાની વાત ચાલે છે. મને કશું કહેતા નથી એટલે સમજણ પડતી નથી.' રસનાએ કહ્યું અને મારો જીવ ઊડી ગયો. મારા હજાર રૂપિયા ગયા કે શું તેની મને પહેલી ચિંતા થઈ. રસના ચાની સરભરા કરવા માંડી તે જોઈ મને ઉપજેલી ચિંતા માટે શરમ આવી.
મફતના હજાર તો મળી ગયા. બીજા હજારની હું તૃષ્ણા સેવું છું. અને કંઈકને આવા હજાર રૂપિયા અપાવનાર મન્મથ માટે ઊંચા જીવ કરવાની પણ મને ફુરસદ નથી ! મારા મનમાં વિચાર આવ્યો અને વિવેકી, હેતાળ અને ઉદાર રસનાની મહેમાનગીરીનો સ્વાદ ચાખી ઘેર જતાં જતાં મારી ચિંતા મટી ગઈ. પરંતુ સાથે સાથે મન્મથ માટેની ચિંતા મારા મનમાં જાગી. એ ચિંતાને લીધે હું ફરી બેત્રણ વખત તેને મળવા ગયો પરંતુ તેનો મેળાપ મને થયો નહિ.
એક દિવસ રસ્તામાં એક સહજ ઓળખીતા માણસે મને ઊભો રાખ્યો અને પૂછ્યું :
'કેમ?' જાણ્યું ને તમે?'
હું કાંઈ સમજ્યો નહિ. પેલા માણસના મુખ ઉપર કાંઈ નવી આનંદભરી વાત કહેવાની ઈન્તેજારી હતી. મેં કહ્યું :
'ના, ભાઈ, શી વાત છે?'
‘આ તમારા મન્મથભાઈનાં ડોલચાં બેસી ગયાં.' અનિષ્ટ સમાચાર આનંદપૂર્વક કહેવામાં કેટલાક લોકો એક્કા હોય છે. એ માણસને ધોલ લગાવી દેવાનું મને મન થયું. પરંતુ આ જગતમાં મન મુજબ કરવાની છૂટ ભાગ્યે જ કોઈને મળે છે. મેં આશ્ચર્યથી પૂછ્યું :
'એમ? શું ખરું કહો છો?'
'આખું ગામ જાણે છે અને તમને ખબર નથી ?'
'ના, ભાઈ, બહુ ખોટું થયું.'
'એ તો જાણી મૂકેલું જ હતું. બહુ કરે તે થોડાંને માટે. બંગલો મોટર ગયાં.'
'આપ એના દુશ્મન કે હરીફ છો !'
'ના, જરા ય નહિ. એણે તો મને ઠીક ખટાવ્યો છે.'
'ત્યારે તમે આટલા આનંદથી કેમ વાત કરો છો ?'
આ પછી અમારી વચ્ચે ઝાઝી વાત થાય એમ હતું જ નહિ.
નોકરી ઉપર જવાને બદલે હું એકાએક મન્મથ પાસે દોડ્યો. તેનું મુખ સહજ ઝાંખું હતું. પરંતુ મને જોતાં જ તેણે હસીને મને બેલાવ્યો.
‘કેમ ? તું મને આશ્વાસન આપવા આવ્યો છે?'
‘તારા મુખ ઉપરથી તને આશ્વાસનની જરૂર દેખાતી નથી. પણ કહે તો ખરો કે શું થયું ? મારો ઉપયોગ થાય તો કરી લેજે.' 'થાય શું ?' શેરના ભાવ ઊતરી ગયા એટલે થોડી રકમ જોડવી પડી.'
‘પણ મેં તો સાંભળ્યું કે આ બંગલો અને...'
'અરે એ નહિ તો બીજો. મન્મથ બંગલા વગર રહેવાનો છે એમ તું માને છે ?'
મન્મથમાં હજી ઘણી હિંમત હતી, પરંતુ તેને શહેર છોડી બીજે જવું પડ્યું. ત્યાં પણ કાંઈ ભારે વ્યાપારની તજવીજ તેણે કરી હતી. પરંતુ પછી તો પાંચ-છ વર્ષ લગી અમે એકબીજાને મળી શક્યા નહિ. જુદાં જુદાં સ્થળોએ જુદી જુદી વ્યાપારી હિકમત અજમાવનાર એ સાહસિકનું ઠેકાણું બરાબર જડતું નહિ. એકબે વખત તેના નિવાસની ખબર પડતાં મેં તેને હજારની મને અપાવેલી રકમ ટપાલમાં મોકલાવી. તે તત્કાળ પાછી આવી. જવાબમાં તેણે એટલું જ લખ્યું હતું કે પૈસા મન્મથે મને અપાવ્યા એવી મૂર્ખાઈ ભરેલી માન્યતાવાળો હું એકલો જ હતો, તેને પૈસાની જરૂર નહોતી. અને જરૂર પડ્યે તે મારી પાસેથી માગ્યા વગર રહેશે પણ નહિ.
પછી તો તેનું નામનિશાન પણ જણાયું નહિ. કોઈક ઓળખીતાઓ કે સંબંધીઓ તિરસ્કારપૂર્વક તેની નિષ્ફળતા સંબંધી ટીકા કરી, નહિ જેવી ખબર આપતા. તેનાં કે રસનાનાં સગાં પણ તેની હિલચાલથી પૂરા વાકેફ નહોતાં. સહુએ મન્મથની ઉદારતા ઓછે વધતે અંશે અનુભવી હતી. છતાં વ્યાપારની બાજીમાં નિષ્ફળ નિવડેલા યુવકને માટે સહુને ઓછી દરકાર થતી જાય એ સ્વાભાવિક હતું. કોઈ સગાંને તેની ખબર હુ પૂછતો ત્યારે તે જવાબ આપતો :
'એ રખડેલનો પત્તો જ ક્યાં હોય ? મોટી ફાળ ભરે અને નીપજે કશું નહિ ! આપણે તો એની વાત જ કરવી મૂકી દીધી છે!'
તેના કોઈ મિત્રને હું પૂછતો ત્યારે તે પણ આવો જવાબ આપતો:
'જવા દ્યો એનું નામ ! કોણ જાણે ક્યાં યે હશે ! જ્યાં હશે ત્યાં લોકોને ખાડામાં ઉતારતો હશે.' અને હું જાણતો હતો કે આ સગાને અને આ મિત્રને મન્મથે એટલી કમાણી કરાવી આપી હતી કે તે કમાણીના આધાર ઉપર તેઓ સારી સ્થિતિ ભોગવતા. મન્મથ ઉડાઉ હતો એટલે કોઈની પણ કાળજીને પાત્ર નહોતો એવો દેખાવ સહુ કરતા. પરંતુ એના ઉડાઉપણમાંથી તેમણે સારી મિલકત ભેગી કરી હતી એ બધા ય ભૂલી જતા.
હું પણ મારી નોકરી અને ગૃહસંસારમાં ગૂંથાઈ ગયો હતો, એટલે મન્મથને બહુ યાદ કરવાની ફુરસદ મેળવી શકતો નહિ. દૃષ્ટિથી દૂર એ હૃદયથી પણ દૂર : એ કહેવત ખરી લાગે છે. જીવનમાં જુદે જુદે વખતે માનવીને જુદા જુદા સ્વાર્થ વળગે છે. નવા સ્વાર્થને પડખે જૂના સ્વાર્થ છેક વિસારે નહિ તો અંધારામાં તો પડી જ જાય છે. નોકરીમાં આગળ વધવાની, ઉપરીઓને ખુશ રાખવાની, પૈસા બચાવવાની અને બાળકોને ભણાવવાની જંજાળમાંથી હું ભાગ્યે જ ઊંચો આવતો, એટલે મન્મથની યાદ સ્વપ્ન સરખી ઊગી આથમી જતી.
એક દિવસ સંધ્યાકાળે હું બહુ ભીડ વાળે રસ્તે થઈ ચાલ્યો જતો હતો. મારે ઉતાવળનું કામ હતું. સામે આવતાં માણસનાં ટોળામાંથી મન્મથનું મુખ એકાએક દેખાયું હોય એવો મને ભાસ થયો. અને હું વિશેષ તપાસ કરું તે પહેલાં તો તે અદૃશ્ય થઈ ગયું. મારું હૃદય ધડકી ઊઠ્યું. આટલે વર્ષે દૃષ્ટિએ પડેલો મિત્ર વગર મળ્યે ગુમ થશે કે શું ? મારી આંખમાં તેજી આવી, અને પગમાં જોર આંવ્યું. ઝડપથી મેં ટોળાંને જોઈ લીધું, પાછાં ફરતાં માણસોને પણ હું જોઈ વળ્યો. નજીકના એક નાના ખાંચામાં કારણ વગર મેં નજર ફેંકી. ઝડપથી એકલો એકલો ચાલ્યો જતો પુરુષ મન્મથ તો નહિ હોય? ચાલ એની જ હતી. મોટો રસ્તો મૂકી એ ગલીમાં કેમ વળ્યો? મને પણ તેણે જોયો જ હોવો જોઈએ. શા માટે તે ઊભો રહ્યો ? એમ વિચાર કરતો હું બહુ જ ઝડપથી તેની પાછળ ગયો. સહેજ દૂર રહ્યો એટલે મેં બૂમ પાડી : 'મન્મથ !'
તે પુરુષ ઊભો રહ્યો. તેણે પાછું જોયું. ખરે, એ મન્મથ જ હતો !..કે મન્મથનું ભૂત !
તેનાં ઝમકદાર કપડાં ક્યાં ગયાં ! તેના મુખની ચમક કયાં જતી રહી ? સામાન્ય ટોળામાં આગળ પડી આવે એવો એનો રૂઆબ ક્યાં ગયો ? આંખની ચપળતા ક્યાં ઊડી ગઈ?
તેના બૂટ ઉપર કદી ડાઘ મેં જોયો નહોતો. આજ તેનાં બૂટ થીગડાંવાળાં દેખાયાં.
'તું ક્યાંથી?' તેણે મને પૂછ્યું.
'હું તો અહીનો અહીં જ છું. પણ તું ક્યાંથી તે તો કહે !'
'હું આવી ચડ્યો–કામને અંગે.'
'મારું ઘર તો તેં શાનું જોયું હોય? ક્યાં ઊતર્યો છે?'
'કામને અંગે ગમે ત્યાં ઊતરવું પડે. પણ તને મળ્યા વગર હું કાંઈ પાછો જવાનો હતો? કહે, ભાભી શું કરે છે? તને નોકરીમાં કેટલી બઢતી મળી ?'
'એ બધું ઘેર આવે તો કહું.'
'આવીશ તો ખરો જ, પણ ક્યારે તે કહી શકાય નહિ. મળ્યા વગર જઈશ નહિ.' જરા અટકીને, વિચાર કરીને તેણે કહ્યું. તેના મુખ ઉપર થાકનાં ચિહ્ન મને જણાયાં. તેને આરામની અને શાંતિની જરૂર હોય એમ મને દેખાયું. તે પગે ચાલીને ફરતો હતો, તેનાં કપડાં જૂની સફાઈથી રહિત હતાં, એ ઉપરથી જ તેનો ધંધો કેવો ચાલતો હતો તે વિષે પૂછવાનું મને મન થયું નહિ. મેં પૂછ્યું :
'અત્યારે ફુરસદ છે કે નહિ ?'
તેણે એકાએક હાથ ઊંચકવાનો કરેલો પ્રયત્ન રોકી રાખ્યો. ઘડિયાળ વારંવાર હાથ ઉપર જોવાની ટેવવાળા મન્મથના કાંડા ઉપર આજ ઘડિયાળ પણ નહોતું ! તે બોલ્યો :
'જો, આઠ વાગ્યે મારે એક ગૃહસ્થને મળવાનું છે.'
'હજી કલાકની વાર છે.' મેં કહ્યું, પરંતુ મને પસ્તાવો થયો. શહેરને છેવાડે રહેતા કોઈ ગૃહસ્થને મળવા મન્મથને ચાલીને જવું હોય તો સહજ કલાક લાગે એમ હતું. ગાડી, મોટર કે ટ્રામની સગવડ મન્મથ પાસે ન હોય તો !
'એટલામાં ક્યાં જઈશું ?' તેણે પૂછ્યું.
'ચાલ, પેલા જૂના રેસ્ટોરાંમાં બહુ દિવસે સાથે ચા પીઈએ.' મેં કહ્યું. કૉલેજના દિવસોમાં તેમ જ પછી પણ એ સ્થળે અમે કવચિત્ ભેગા બેસી 'ટી–ટોસ્ટ'નો ઘેર ન લેવાતો આનંદ લેતા હતા;
'ચાલ, તને ના નહિ કહું.' જરા ખમચીને તે બોલ્યો.
અમે બન્ને ગલીની બહાર નીકળી મોટા રસ્તા ઉપર આવી રેસ્ટોરાંમાં ગયા. ચાલતાં ચાલતાં તેણે તેની જૂની આકર્ષક ઢબે અનેક વાતો કરી નાખી. મારી, બીજા મિત્રોની, ઓળખીતાઓની ખબર પૂછી. એટલું જ નહિ, પણ એની જાણીતી રીત પ્રમાણે વિવિધ વાનીઓ મંગાવવા માંડી.
'હજી ટોસ્ટ તો ભાવે જ છે ને ?' તેણે પૂછ્યું.
'હા.' મારા શોખની તેને હજી યાદ રહી હતી.
પંદરેક મિનિટ સુધી મોજથી ખાઈ પી વાત કરતા અમે ઊઠ્યા. દરવાજા પાસે એક ઊંચે આસને બેસી પૈસા ગણી લેતાં રેસ્ટોરાંના માલિકે અમને બન્નેને ઓળખ્યા, અને સલામ કરી કહ્યું :
'સાહેબો, બહુ વર્ષે પધાર્યા !'
'હા. હું પરદેશ ગયો હતો. શેઠ ઠીક ચાલે છે ને?' મન્મથે મુરબ્બીપણુ દાખવી પૂછ્યું.
'હા જી, આપ જેવાની મહેરબાનીથી ઠીક ચાલે છે.'
'કેટલા પૈસા આપવાના છે ?' મન્મથે તેને પૂછ્યું.
હું ચમક્યો. મન્મથના પૈસા ખર્ચાવવા હું તેને અહીં લાવ્યો નહોતો. પૈસા મારે જ ચૂકવવા જોઈએ. મેં સખત વાંધો લઈ કહ્યું :
'શેઠ, પૈસા મારે આપવાના છે. એની પાસેથી લેશો નહિ.'
'શું ? તું શી વાત કરે છે? મન્મથ જોડે હોય અને તે પોતાના મિત્રોને પૈસા ખર્ચાવે ? જા, આગળ થા. હું આવું છું.' મન્મથે પોતાના મૂળ સ્વભાવ ઉપર કહ્યું :
'મારું અપમાન થાય છે, હો મન્મથ !' મેં કહ્યું.
'મારે ખાતર એટલું અપમાન સહી લે.' મન્મથ બોલ્યો.
'અરે સાહેબો ! ઘણે દિવસે આપ આવ્યા છો. આપની પાસેથી હું બહુ રળ્યો છું. આજ મારા મહેમાન બનો અને કશું ન આપશો.' રેસ્ટોરાંનો વૃદ્ધ માલિક બોલ્યો.
'હું કહું તેમ કર. બહાર જા. અને એક ટેક્સી ભાડે કરી લે. મારે ઉતાવળ છે.' મન્મથે કહ્યું.
મન્મથની જીદને પહોંચી વળાય એમ ન હતું. વસતિવાળાં રેસ્ટોરાંમાં પૈસા આપવાની હુંસાતુંસી કરવી એ હલકું દેખાય એમ લાગ્યું. હું આગળ ગયો અને પગથિયાં નીચે ઊતરી ટેક્સીને બોલાવવા લાગ્યો; ટેકસી આવી, મન્મથ બહાર નીકળ્યો.
'ચાલ, તને ઉતારતો જાઉં.' મન્મથે મને કહ્યું.
કોણ જાણે કેમ મારા હૃદયે તેની સાથે જવાની જોસભેર ના પાડી. હૃદયની આજ્ઞાને હુ આધીન થઈ બોલ્યો :
'ના, મારે બીજે જવું છે. હું ચાલ્યો જઈશ!'
'ઠીક ત્યારે, સાહેબજી !'
'પણ તું પાછો મળીશ ક્યારે?'
'હું ક્યારે મળીશ? અત્યારે કહી શકું નહિ.'
'વચન આપ કે તું મને મળ્યા વગર જઈશ નહિ.'
'હા, હા. મારું વચન છે. તને તે મળ્યા વગર જાઉં? તારાં છોકરાંને જોયા વગર ચાલે એમ નથી. પેલી ભૂરી આંખવાળી બાળકી જયા હવે મોટી થઈ હશે.'
આટલું કહી તેણે મોટર હંકાવી મૂકી. તેની બેસવાની ઢબ એવી ને એવી જ હતી. માત્ર તેનાં કપડાં તેના મનમાં સંકોચ ઉપજાવતાં હતાં એ હું જોઈ શક્યો.
મોટર ચાલી ગઈ અને હું વિચાર કરતો ફૂટપાથ ઉપર ઊભો. મારા હૃદયે કોણ જાણે કેમ એકાએક દોર્યો, અને હું રેસ્ટોરાંમાં પાછો ગયો. માલિક એકલો જ બેઠો હતો ત્યાં જઈ મેં પૂછ્યું :
'તમને પેલા સાહેબ શું આપી ગયા ?'
માલિક સહજ વિચારમાં પડ્યો, અને સત્ય કહેતાં અચકાયો. મેં તેને ઉત્તેજિત કરવા કહ્યું :
'મને એણે જ મોકલ્યો છે. તમારા પૈસા લઈ લ્યો. કેટલા આપવાના છે?'
'દસ. પણ કોઈને કહેવાની ના કહી છે ને?'
'તે મારે માટે નહિ. લ્યો આ દસની નોટ.'
મેં નોંટ આગળ ધરી એટલે તેણે એક સુંદર હીરાની વીંટી ધીમે રહી મારા હાથમાં મૂકી દીધી. આખા જન્મારામાં મને કદી ન થયેલી નવાઈ ચમક વીંટી જોતાં થઈ. વીંટી લઈ હું તત્કાળ બહાર નીકળ્યો. થોડી જ ક્ષણો થયેલી હોવાથી અને મન્મથ તથા મારી વચ્ચેનો સંબંધ જાણતો હોવાથી વગર શંકાએ માલિકે મને વીંટી પાછી આપી. કદાચ તેનો વિચાર ફરી જાય એ બીકે હું ઝડપથી ચાલી નીકળ્યો.
શું મન્મથ પાસે ચા પીવા-પાવાના પૈસા નહોતા ! માટે જ તે મને દેખીને પેલી ગલી ભણી ચાલ્યો જતો હતો ? મેં શા માટે એને રોક્યો ? મારું આતિથ્ય કરવા ખાતર મન્મથની ઘેલી ઉદારતાએ તેની પ્રિયમાં પ્રિય વીંટી પણ જતી કરવા તેને પ્રેર્યો ? હું એ વીંટીને ઓળખતો હતો. રસના ભાભીએ લગ્નમાં એ વીંટી હસ્તમેળાપ વખતે તેને પહેરાવી દીધી હતી. એ વીંટીને તે આજ મારી મહેમાનગીરી કરવામાં વિદાય આપતો હતો ! મન્મથ ઉડાઉ કે ઉદાર?
શોક, આશ્ચર્ય, માન એવી એવી લાગણીઓથી ઘેરાયેલો હું ઘેર પહોંચ્યો. મારી પત્નીને પણ મારા મુખમાં કાંઈ ગમગીની દેખાઈ. રેસ્ટોરાંમાં સારી રીતે જમ્યો હતો એથી કે પછી મારા મનથી, વ્યગ્રતાને લીધે હું જમ્યો નહિ. મને ઊંધ પણ ન આવી. સાડા દશ થયા અને મારું બારણું કોઈએ ખખડાવ્યું. મારી પત્નીએ પૂછ્યું : 'કોણ?'
'એ તો હું મન્મથ. ભાભી, જાગો છો કે ?'
મારી પત્નીએ દોડીને બારણાં ઉઘાડ્યાં. જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ હસતો વાતો કરતો મન્મથ ઘરમાં આવી બેઠો.
'કાલ સવારે જવું છે. તને મળવાનું વચન આપ્યું હતું અને બધાને જોવાં હતાં, એટલે મોડી રાત છતાં આવ્યો છું.'
'હજી કાંઈ એવું મોડું થયું નથી.' મારી પત્નીએ કહ્યું. બહુ વરસે પતિના મિત્રને જોતાં પત્ની પણ આનંદ અનુભવતી હતી. બાળકો માટે ફળ તથા રમકડાં લઈ આવેલા મન્મથ માટે મારી પત્ની કૉફી કરી લાવી અને થોડું ખાવાનું પણ અમારી બન્નેની સામે નાનકડા મેજ ઉપર મૂકી દીધું. ના પાડ્યા છતાં મન્મથે કૉફી પીવા માંડી.
એકાએક મારી પત્ની બોલી ઊઠી :
'પેલું શું ચમકે છે મેજને ખૂણા ઉપર ?'
મન્મથની નજર તે તરફ દોડી. તેના હાથમાંનો પ્યાલો હાલી ગયો; એટલો હાલ્યો કે તેમાંથી સહેજ કૉફી નીચે ઢોળાઈ.
'મન્મથને ભાન કયાં છે ? એની વીટી ક્યાં ગબડી જાય છે તેનો યે વિચાર નથી !' મેં હસતે હસતે કહ્યું.
મન્મથનો ચહેરો ગંભીર બની ગયો. તેણે વીંટી ઉપાડી જોઈ, ખાતરી કરી. મારી સામે મારા હૃદયમાં ઊતરી જાય એવી નજર ફેંકી તેણે વગર બોલ્યે વીંટી પહેરી લીધી. કૉફી પી રહી તેણે રજા માગી. હું તેને બારણાં સુધી વળાવવા ગયો. તેણે સહજ ગાંભીર્યથી કહ્યું :
'આટલો બધો વિવેક શા માટે કરે છે?'
' શા માટે ? તારા માટે.'
'પણ કાંઈ કારણ?'
'કારણ એ જ કે જગતમાં ઘણા ઉડાઉ જોયા, પણ તારા સરખું અમીરી ઉડાઉપણું શોધ્યું જડે એમ નથી.' મારો હાથ દબાવી મારું વાક્ય પૂરું સાંભળ્યા વગર મન્મથ ચાલ્યો ગયો!
કુદરત અસંખ્ય માનવીઓને સર્જે છે. પરંતુ આવી અમીર દિલી લાખે એકમાં પણ તેનાથી સરજી શકાતી નથી ! ધનિક થવું સહેલ છે; ધનિક હ્રદય હોવું મુશ્કેલ છે.