shabd-logo

ઘેલછા

23 June 2023

1 જોયું 1

ઘેલછા
અસામાન્ય બનાવ બને એટલે તે સાર્વજનિક બની જાય છે. વીણાએ સામાન્ય રીતે — જગતમાં સાધારણ બને છે એવી રીતે– લગ્ન કર્યું હોત તો તેથી સમાજને હાલી ઊઠવાનું કારણ ન મળત. જોકે વીણા સરખી ભણેલી, સંસ્કારી અને પોતાને બંડખોર કહેવરાવતી તથા પુરુષવર્ગની નિર્દયતા માટે આખા વર્ગને કઠોર વાક્યો સંભળાવતી એ જાજ્વલ્યમાન યુવતી લગ્ન કરે એ જ બનાવ સહુને ચોંકાવે એવો હતો. એટલે વીણાએ લગ્ન કર્યું, અને તે લગ્ન કેદમાંથી તાજા છુટેલા ગુનેગારની જોડે કર્યું એ પ્રસંગ અત્યંત નવાઈનો, ચર્ચાસ્પદ અને સમાજને વ્યાકુળ બનાવી દે એવો હતો. ઘર ઘરમાં, શેરીએ શેરીએ, ચૌટે ચકલે, કચેરીઓમાં અને સમાજમાં વીણાનું લગ્ન મુખ્ય ચર્ચાનો વિષય થઈ પડયું હતું. વર્તમાનપત્રો એટલે નવા યુગનો ચોતરો. ભણેલાઓનું નિંદાખાનું. કુટુંબમાં ક્લેશ કંકાસ દાખલ કરનાર. જૂના સમયમાં ચુગલીખોર સ્ત્રીપુરુષોની અતિશય સુધરેલી અને અનેક ગણી વધારી દીધેલી આવૃત્તિ. વર્તમાનપત્રો આવાં લગ્નની ચર્ચા ન કરે તો તેમને જીવવાનો હક્ક નથી. ચોરાને – ગુનેગારને સુધારવાનો પ્રત્યેકને હક્ક છે. તેને સારે રસ્તે ચડાવવો એ સહુની ફરજ છે. પરંતુ એ હક્ક અને એ ફરજ શું લગ્ન કરીને બજાવાય? વીણાની રસિકતાં ક્યાં ગઈ? વીણાના સંસ્કારો ક્યાં ઢંકાઈ ગયા? વીણાનું બંડખોરપાણું ક્યાં અલોપ થઈ ગયું? લગ્ન જે સ્ત્રીપુરુષનો પવિત્ર નહિ તો અંગત સહચાર વીણા સરખી સુંદરી એક કેદ ભોગવી આવેલા પુરુષની સાથે માંડે એ નવાઈ નહિ તો બીજું શું ? કંઈક ભણેલા, રૂપાળા, સંસ્કારી, વાચાળ, ભાવનાશીલ સ્ત્રીઓને સ્વરાજ્ય અપાવવા મથતા યુવાનો વીણાનો સહચાર સેવવા આતુર હતા. એ સર્વને વહેતા મૂકી વીણા એક શિક્ષા પામી તાજા છુટેલા કેદીની સાથે પરણી ગઈ ! આખો સમાજ નિરાશ થયો - એકલા યુવકો જ નહિ. સમાજે વીણા પાસે આજીવન કૌમારવ્રતની આશા રાખી હતી; સહુ સંસર્ગમાં આવનાર યુવાનોએ મોડાં વહેલાં લગ્નની આશા રાખી હતી, પરંતુ કેદી સાથે લગ્ન ?

વળી એ રાજદ્વારી કેદી હોત તો જુદી વાત હતી. રાજદ્વારી કેદમાં પ્રતિષ્ઠા રહેલી છે, ઉચ્ચ ભાવના રહેલી છે, દેશને માટે દુઃખ વેઠવાની મર્દાનગી રહેલી છે. પિકેટિંગ કરતાં, દિલ ઉછળતું રાજદ્રોહી ભાષણ કરતાં, મીઠાના અગર ઉપર હુમલો લઈ જતાં અગર પ્રભાત ફેરી કરતાં પકડાઈ સજા પામેલા કેદી સાથે વીણાએ લગ્ન કર્યું હોત તો તે સાર્થક ગણાત- કદાચ બોમ્બ બનાવતાં અગર ફેકતાં પકડાઈ ગયેલા બહાદુર યુવક તરફ વીણા આકર્ષાઈ હોત તો તે સ્વાભાવિક લાગત. પણ આ તો સામાન્ય કાયદાની કલમોને આધારે પકડાયેલા ચોરની સાથે વીણાએ લગ્ન કર્યું. માનવસ્વભાવની – કે સ્ત્રીસ્વભાવની વિચિત્રતા નહિ તો બીજું શું ?

પીયૂષ ભણેલો હતો એની નહિ ના નહિ ; પરંતુ એનું સામાન્ય ભણતર વીણાની તેજસ્વી કારકિર્દી આગળ કશા હિસાબમાં ન હતું. વીણાના પિતાને આશ્રયે ભણેલો પીયૂષ ઘરના આશ્રિત સરખો હતો. તે ભણી રહી નોકરીની શોધમાં ફરતો હતો. નોકરી મળે ત્યાં સુધી વીણાના પિતાએ તેને પોતાના સેક્રેટરીનું કામ સોંપ્યું હતું. વ્યાપારમાં ભારે ખોટ જવાથી વીણાના પિતાએ ઘણી સાહેબી ઓછી કરી નાખી હતી, છતાં તેમનો બંગલો, મોટરકાર અને સેક્રેટરી કોઈથી ઝૂંટવી લેવાયાં નહિ. પીયૂષ કાગળ લખતો, વર્તમાનપત્રો વાંચતો, વીણા સાથે ક્વચિત ચર્ચા કરતો. અને વીણા વાંચી રહે તે છેલ્લામાં છેલ્લી ઢબનાં રશિયન ક્રાન્તિની ફિલસૂફી કે ખૂબી સમજાવતાં પુસ્તક વાંચતો.

એક કીમતી હીરો ચોર્યાનું પીયૂષને માથે તહોમત આવ્યું. એ તહોમત તેણે માન્ય કર્યું. અદાલતમાં તેની સામે કામ ચાલ્યું. ગુનાનો સ્વીકાર અહીં પણ પીયુષે કર્યો. શા કારણે તેણે હીરો ચોર્યો તે તેણે જાહેર ન કર્યું. બેકારીનો ભય, ગરીબીની ભીતિ, ભણેલાઓનું શિથિલ ચારિત્ર્ય અને મહેનત કરવાની અશક્તિ વગેરે અનેક કારણે સામા પક્ષના વકીલને સહજ જડે એમ હતાં. એ કારણોનો વિરોધ પીયૂષે કર્યો નહિ. વિરોધ વગરનો આરોપ માન્ય ગણાય છે. ન્યાયાધીશે પીયૂષને સખત કેદની સજા કરી. ભણેલા મનુષ્યે આદર્શ વર્તન રાખવું જોઈએ; તેનામાં જવાબદારી સમજવાની શક્તિ હોય છે જ; છતાં તે ગુનો કરે તો બીજાઓ ધડો લે એવી ભારે શિક્ષા તેને કરવી જોઈએ; આવી ન્યાયાધીશથી વિચારસરણીને પરિણામે પીયૂષે ત્રણ વરસની કેદ ભોગવી.

આવો મનુષ્ય કેદમાંથી છૂટે અને વીણા સરખી યુવતી જોતજોતામાં તેની સાથે લગ્ન કરે એ સહુને માટે અસહ્ય હતું. પીયૂષ અને વીણા વચ્ચે પહેલાં પ્રેમ હતો એવું કોઈથી કહેવાય તેમ ન હતું. વીણાની વીજળી આગળ પીયૂષની આંખ પણ ઊઘડે એ અશક્ય હતું. પીયૂષ પાસે પૈસો ન હતો; પીયૂષ બહુ રૂપાળો ન હતો; રૂપ વધારવા માટે બબ્બે હાથ જેટલી પહોળી બાંયના પાટલૂન પહેરવા જેટલી ફૅશનસેવા તેનામાં ન હતી. તેનામાં ભારે ચબરાકી હોય એમ પણ દેખાતું ન હતું. પછી આ ઘેલછા વીણામાં ક્યાંથી આવી ? વીણા અને પીયૂષના લગ્નની વાત બહાર આવી કે તરત જ કોઈ વિગ્રહ કે ધરતીકંપના કાવનારા સમાચારની માફક વર્તમાનપત્રોમાં મોટા મોટા અક્ષરે એ વાત બહાર પડી અને પત્રકારોનો કાફલો એ લગ્ન કરનાર ઉપર તૂટી પડ્યો.

પત્રકારોની સાથે લાંબી વાત કરવાની પીયૂષે તો ના જ પાડી. તે એક જ જવાબ આપતો :

'વીણા લગ્નની માગણી કરે અને તેને ના કહે એ મૂર્ખ પુરુષ જગતમાં હોઈ શકે નહિ. મારા જેવાની સાથે વીણાએ લગ્ન કરવાનું કેમ ઈચ્છયું તે વીણાને પૂછો. મને પોતાને પણ એમાં સમજ પડતી નથી.

રવિ અને કવિ બન્ને જ્યાં ન પહોંચી શકે તે ગુપ્ત સ્થળે પહોંચી જનાર ખબરપત્રીઓએ વીણા ઉપર પ્રશ્નોની ઝડી વરસાવી.

'તમે લગ્ન કર્યું એ વાત ખરી ?' પત્રકાર પૂછતો.

'હા જી !' વીણા જવાબ આપતી.

'પીયૂષ સાથે આપનાં લગ્ન થયાં એમ કહેવાય છે એ ખરું છે?'

'હા, જી.'

'પીયૂષ કેદમાં હતો એ વાત ખરી ?'

'હા, જી'

'એ કેદની સજા ચોરીના ગુના માટે થઈ હતી ને ?'

'હા, એ જાણીતી વાત છે.'

'આપનાં જેવાં આગેવાન યુવતી એક ગુનેગાર સાથે લગ્ન કરે એ શું ઈચ્છવા યોગ્ય છે?'

'મને ઈચ્છવા યોગ્ય લાગ્યું માટે મેં લગ્ન કર્યું.'

'શા કારણે તમને એ લગ્ન ઈચ્છવા યોગ્ય લાગ્યું ?'

'એ મારો અંગત પ્રશ્ન હોઈ શકે; બીજાથી પૂછી શકાય નહિ.'

'આપ કેળવાયેલાં સન્નારી છો, આગેવાન છો, આપનું જીવન સાર્વજનિક હોઈ શકે, આપનું પ્રત્યેક કાર્ય સાર્વજનિક ગણાય.'

'તે ભલે; પણ મારું લગ્ન સાર્વજનિક બનાવવા હું માગતી નથી.'

'ગુનેગાર સાથેનાં લગ્નથી આપ સુખી થશો એમ ધારો છો?

'હું સુખી થવાની આશા તો રાખું છું.'

'પીયૂષના ક્યા ગુણથી આપ તેની તરફ આકર્ષાયાં?'

'એક તો હું મારી નવલકથા કે જીવનકથા લખીશ તેમાં વર્ણવી શકીશ.'

'આપનો એ જવાબ શું ઉડાવનારો નથી ?'

'કોણ જાણે ! પણ ભાઈ ખબરપત્રી, હું એક પ્રશ્ન આપને પૂછું ?'

'આપ પરણેલા છો ?'

'ના, જી.'

'ત્યારે આપને પીયૂષની અદેખાઈ તો નથી આવતી ને ?'

'આ પ્રશ્ન મને અને મારા પ્રતિષ્ઠિત ધંધાને અપમાન આપનારો છે.'

'બરાબર હું તમને અને તમારા પ્રતિષ્ઠિત ધંધાને અપમાન આપવાની અભિલાષા રાખું છું. આપની અને આપના ધંધાની મારફત હું એટલું જાહેર કરવા માગું છું કે પારકાં લગ્નની ચકચાર કરનાર્ પુરુષ પરણેલા હોય તો અસંતોષથી દાઝી ઊઠે છે. આપ જગતને જણાવી શકો છો કે મારાં થયેલાં લગ્નમાં હાલ હું કશો ફેરફાર કરવા માગતી નથી !'

ખબરપત્રીઓ કડવું મુખ કરી ચાલ્યા જતા, અને વીણાના વૈચિત્ર્ય વિષે, તેની નફટાઈ વિષે, રીતભાતની ખામી વિષે તીખાં વિવેચનો બહાર પાડતા. એ વિવેચનો વાંચી વીણા હસતી; પરંતુ પીયૂષને એ બધી ટીકા અસહ્ય બની જતી. તે અસ્વસ્થ બનતો, વ્યાકુળ બનતો અને ક્રોધ કે શોકને વશ થતો. એક દિવસ એક વર્તમાનપત્રમાં આવેલી ચર્ચા અડધી વાંચતા તેણે પત્ર વાળી દૂર ફેંકી દીધું. વીણા પાસે જ બેઠી હતી. તેણે પૂછયું :

'પીયૂષ! ટીકા ન ગમી, ખરું ?'

'જરાય ચ નહિ.'

'હજી ન ટેવાયો?'

'ટેવ નથી પડતી.'

'હમણાં તું વર્તમાનપત્રો વાંચે જ નહિ તો કેવું?'

'તું કહીશ તેમ કરીશ.'

'હું જુલમી છું, ખરું !'

'હા.'

'કેમ ? શા ઉપરથી?'

'મારી નાને તેં ગણકારી જ નહિ.'

'એટલે ?'

'મેં ના કહી છતાં તેં લગ્ન કર્યા જ.'

'તને મારો અણગમો હતો ?'

'જરા ય નહિ.'

'મારી સાથેનાં લગ્નનો અણગમો હતો ?'

'ના.'

'ત્યારે ?'

'લગ્નથી તારી ટીકા થાય એ લગ્ન મુલતવી રખાયાં હોત તો આ ઝેર પીવું ન પડત ને ?'

'ઝેર ઢાળી નાખતાં તને આવડે છે. એ દિવસ તું ભૂલી ગયો?'

એ દિવસ વીણાથી તેમ જ પીયૂષથી ભુલાય એવો ન હતો. વીણા તે દિવસે પિતાની ઓરડીમાં ખુરશી ઉપર બેઠી બેઠી કાંઈ જોતી હતી. બારણું ખુલ્લું હતું, તેથી પીયૂષે ખબર આપ્યા વગર ઓરડીમાં ઉતાવળો પ્રવેશ કર્યો. વીણા ચમકી; તેણે હાથમાંની કોઈ વસ્તુ પોતાની બૅગ-ઝોળીમાં સંતાડી દીધી એવો પીયૂષને ભાસ થયો. વગર પરવાનગીએ પોતાની ઓરડીમાં ધસી આવેલા આશ્રિત સરખા પીયૂષને ધમકાવવાની તક મળે તે પહેલાં તો પીયૂષે કહ્યું :

'વીણા ! પોલીસનાં માણસો આવ્યાં છે'

'પોલીસ? શા માટે?' ભયભીત બની વીણાએ પૂછ્યું. તેના મુખ ઉપરની સઘળી લાલાશ પોલીસના નામ સાથે જ શોષાઈ ગઈ.

'કોણ જાણે ! પણ તારું નામ દે છે.'

'મારું નામ? શા માટે ? '

'તારી અને ઘરની કાંઈ તપાસ કરવા માગે છે.'

વીણા ક્ષણ બેક્ષણ સ્થિર બની ગઈ. તેણે હાથમાં રહેલી ઝોળી તરફ અને ઓરડીના એક નાનકડા કબાટ તરફ જોયું. હસતું મુખ કરી તેણે પીયૂષને કહ્યું :

'પીયૂષ ? જરા ચોક્કસ ખબર કાઢ ને.'

'એ લોકો રોકાયા રોકાતા નથી, તારી ઓરડી જોવા માગે છે.'

'હરકત નહિ. પણ તું જરાઈને પૂછ તો ખરો કે શી વાત છે?'

પીયૂષે વીણાની શાન્તિમાં અને હાસ્યમાં કોઈ ભયાનક તત્ત્વ જોયું. તે ક્ષણભર તેના સામું જોઈ રહ્યો. અને ઝડપથી ઓરડીની બહાર નીકળી ગયો. બહાર નીકળતાં તેણે ઓરડીનાં બારણાં બંધ કર્યાં.

પરંતુ બારણાં બંધ કરી તે ત્યાં જ ઊભો રહ્યો. પોલીસને પૂછવા જવાની તેણે જરા ય આતુરતા બતાવી નહિ. પીયૂષના ચારિત્ર્યમાં આજ સુધી કોઈએ ખામી કાઢી ન હતી, બંધ બારણા પાછળ બનતા બનાવ જાણવાની કે જોવાની તેણે કદી તજવીજ કરી ન હતી; છતાં અત્યારે તે બારણાની તડમાંથી વીણાની ઓરડીમાં તીક્ષ્ણ દૃષ્ટિ નાખી રહ્યો. દરેક ક્ષણ આમ વીતી. એકાએક પીયૂષે બારણાને હડસેલી અંદર ધસારો કર્યો અને ફાળ ભરી તેણે વીણાનો હાથ પકડી લીધો.

વીણાના એક હાથમાં સુંદર ચમકતું જવાહીર હતું, અને બીજા હાથમાં લાલ પ્રવાહી પદર્થથી ભરેલો એક મેઝરગ્લાસ–પ્યાલો હતો. એ પ્યાલો વીણાના હોઠે અડકતો હતો એટલામાં જ પીયૂષે વીજળીની ઝડપે એ હાથ ઝાલી લીધો.

'શું કરે છે તું, વીણા ?' પીયૂષે મોટેથી પૂછ્યું.

'તારે શું કામ છે? તું અહીંથી ચાલ્યો જા. જે કામને માટે મોકલ્યો તે કરીને આવ.' વીણાએ આજ્ઞા કરી. તેના મુખ ઉપર વધારે સફેદી ફેલાતી હતી.

'તું પહેલાં આ પ્યાલો મૂકી દે.'

'નહિ મૂકું. એ મારી દવા છે.'

'જુઠી ! હું ઊભો હોઈશ અને તને આયડિન પીવા દઈશ?'

'તું મારો માલિક છે કે નોકર?.'

'ગમે તે હોઈશ તો ય આ દવા તારે પીવાની નથી.'

'છોડ, હાથ છોડ, નહિતર હું બૂમ પાડીશ.'

પીયૂષે વીણાના હાથને સહજ મચકોડ આપી અને બળપૂર્વક પ્યાલો ઢોળી નાખ્યો. પ્યાલામાં ભરેલું આયોડિન સ્વચ્છ મેજ ઉપર, સુંદર પાથરણાં ઉપર, પુસ્તકો ઉપર અને કેટલીક મોંઘી વસ્તુઓ ઉપર છંટાયું. વીણા અતિ રસિક હતી, વ્યવસ્થિત હતી, ગોઠવણની કળામાં પ્રવીણ હતી અને કલામયતા ઘટે એવું કશું જ થવા દેતી ન હતી. આયોડિને બગાડેલી વસ્તુઓ તરફ તેણે દુ:ખભરી દષ્ટિ ફેરવી. એક ક્ષણમાં જ આ બધું બની ગયું. પીયૂષે કહ્યું.

'હવે ભલે બૂમ પાડ.'

પરંતુ તે બૂમ પાડે તે પહેલાં તો વીણાના પિતા અને પોલીસના માણસોથી વીણાની ઓરડી ઉભરાઈ ગઈ.

'ચાલો, જુઓ, ફાવે તે તપાસ કરો. મારી આબરૂ ઉપર હુમલો થાય છે તેનો હું જવાબ લઈ શકીશ.' વીણાના પિતાએ કહ્યું. તેમને ક્રોધ માતો નહતો.

'ફોજદાર સાહેબ, વીણાના હાથમાં શું છે એ જ જુઓ અને પછી હું મારા મિત્રની આબરૂ લઉં છું કે કેમ તે આપને સમજાશે.' પોલીસના માણસોની વચ્ચે ઊભેલા એક ગૃહસ્થે કહ્યું. વીણાના દેહ માંથી પ્રાણ નીકળી જતો હોય એવી તેને વેદના થઈ આવી. તેનું હૃદય બંધ પડશે જ એવી તેને ભીતિ લાગી. તેણે મેજ ઉપર હીરો મૂકી દીધો. સહુએ એ સુંદર જવાહીર જોયું. એ જવાહર ખોવાયાની અને તે વીણાએ ચોરી લીધાની ફરિયાદ ઉપરથી તત્કાળ પોલીસનાં માણસોને આવવું પડ્યું અને વીણાના પિતા સરખા સદ્ગુહસ્થને ત્યાં તપાસ કરવી પડી.

'કેમ સાહેબ, હવે શું કહો છો?' ફોજદારે પૂછ્યું.

'એમને કશું ન પૂછશો. જે પૂછવું હોય તે મને પૂછો.' પીયૂષ વચ્ચે બોલી ઊઠ્યો.

'તમે કોણ છો?' ફોજદારે પૂછ્યું.

'હું આ ઘરમાં સેક્રેટરી છું.'

'તે હશો. આ કામ સાથે તમારો સંબંધ નથી.'

'આ કામ સાથે મારે જ સંબંધ છે. બીજા કોઈને પૂછવાનો કોઈ અર્થ નથી.'

'કેમ?'

'કેમ? આ હીરા મેં ચોર્યો છે માટે.' પીયૂષે કહ્યું.

'શું ?' ફોજદાર તથા સિપાઈઓ અને બધાંએ ચમકીને પૂછ્યું.

'ફરી કહું છું કે આ હીરો મેં ચોર્યો છે.”

સ્તબ્ધ બની ગયેલી વીણા પીયૂષની સામે જ જોઈ રહી. વીણાના પિતાનું મુખ સહજ નમ્ર બન્યું.-કુમળું બન્યું. નવા આવેલા ગૃહસ્થ–જે હીરાના માલિક હતા તેમનું મુખ ઝાંખુ પડ્યું. તેમણે કહ્યું :

'મારે તો મારા હીરા પૂરતો સવાલ છે. કોણ ગુનેગાર છે તેની ચકચાર મારે કરવાની નથી.' 'તમે શા માટે આ હીરો ચોર્યો ?' ફોજદારે પીયૂષને પૂછ્યું.

'કંઈક કારણ તો હશે જ ને.' પીયૂષે કહ્યું.

'શુ કારણ હતું ?'

‘મારે જે કહેવાનું હશે તે હું અદાલતમાં જણાવીશ. તમારો હીરો જડ્યો છે, અને ગુનેગાર પકડાયો છે, એટલું બસ નથી?' પીયુષે કહ્યું.

'તમને પહેરામાં રાખવા પડશે.' ફોજદાર બોલ્યા.

'હું જાણું છું. મારી તૈયારી છે.' પીયુષે કહ્યું.

'તમે હવે અમારા પહેરામાં જ છો એમ માનજો.'

'ઠીક.' કહી પીયૂષ અદબ વાળી ઊભો રહ્યો.

ફોજદારે ચોરાયેલો હીરો કબજામાં લીધો, પંચ દ્વારા પંચક્યાસ કરાવ્યો અને પીયૂષને લઈ સહુ પાછા ફર્યા. વીણા બધો વખત પીયૂષ સામે જોયા જ કરતી હતી, પરંતુ પીયૂષની આંખ ક્ષણ માટે પણ વીણા તરફ વળી નહિ. ઓરડીની બહાર પીયૂષ નીકળ્યો અને વીણાથી બૂમ પાડી દેવાઈ.

'પીયૂષ !'

ફોજદાર અટક્યા. આરોપીએ ગુનો કબૂલ્યો હોવાથી, મુદ્દામાલ મળી આવેલ હોવાથી, તેમ જ વીણાના પિતાને ખોટું લગાડવાનો પ્રસંગ ટળી જવાથી, સભ્ય આરોપીને બનતી સગવડ આપવા તેઓ આતુર હતા. તેમણે પીયૂષને કહ્યું :

'તમારે કોઈને મળવું છે?'

'ના, જી.' પીયૂષે જવાબ આપ્યો.

'પેલાં બહેન તમને બેલાવે છે.'

'ભલે. એ મને હિંમત આપવા માગે છે; પણ મારું હૃદય સ્થિર છે. મારે કોઈને મળવું નથી.'

અદાલતમાં કામ ચાલ્યું. કામ બહુ સરળ હતું. હીરો ચોરાયો હતા, પીયૂષ એ ચોર્યાનો ગુનો કબૂલ કરતો હતો, શા માટે ચોરી કરી અને શી રીતે ચોરી કરી તેની વિગત પૂરતી ન હતી. હઠીલો આરોપી તે સંબંધમાં કશી પણ સ્પષ્ટતા કરતો ન હતો, એટલે કેટલોક ભેદ વણઉકેલ્યો રહેતો હતો. હીરો મૂળ વીણાના પિતાની માલિકીનો હતો. વ્યાપારમાં ખોટ જવાથી વીણાના પિતાએ તે હીરો એક વર્ષ ઉપર ફરિયાદીને વેચ્યો હતો. ફરિયાદીને અને વીણાના પિતાને સારો સંબંધ હતા. હીરો ચોરાયો તે દિવસે ફરિયાદીની પત્નીએ સ્ત્રીઓની એક મિજલસ ભરી હતી અને તેમાં વીણાને બોલાવી હતી. ફરિયાદીની એક નાની છ વરસની દીકરીના કંઠમાં મોતીની એક સેર સાથે હીરો લટકાવેલો હતો. સ્વાભાવિક રીતે છોકરી એક સ્થળે બેસી રહેતી ન હતી, પરંતુ તેની સાચવણી માટે એક ભરોસાદાર બાઈ સાથે જ ફર્યા કરતી હતી.

વીણા સહુથી પહેલી ઊઠી. તે ગાડીમાં બેઠી નહિ હોય એટલામાં ફરિયાદીની દીકરીએ મિજલસ વચ્ચે આવી રડતે રડતે કહ્યું.

'મારી સેર તૂટી ગઈ.'

સહુ ચમક્યાં. હીરો એ સેરમાં પરોવેલો હતો તે બધાંએ જોયું હતું. ફરિયાદીની પત્નીએ બાળકીને ગળે જોયું તો સેર તૂટેલી લટકતી દેખાઈ. તેણે પૂછ્યું :

'હીરો ક્યાં ?'

'મને ખબર નથી.' બાળકીએ કહ્યું.

'શાથી સેર તૂટી ?'

'મને ખબર નથી.'

'ક્યાં તૂટી?'

'મને ખબર નથી.'

'મને ખબર નથી.' ના આ વર્તનથી સહુને ગભરાવતી બાળકીને કોઈએ પૂછ્યું.

'તારી સેર કોઈએ જોવા લીધી હતી ?'

'હા, જતાં જતાં વીણાબહેન જોતાં ગયાં, એમણે કહ્યું કે સેર તૂટી ગઈ હતી.'

બારીએથી જોતાં વીણાની ગાડી ચાલી જતી દેખાઈ. વીણાની સામે એક પુરુષ બેઠેલો હતો. તે ઘણું કરીને પીયુષ હતો. સ્વાભાવિક રીતે વીણા ઉપર સહુને શક ગયો. વીણા એ હીરો તેને પિતાની માલિકીના સમયમાં બહુ વખત પહેરી ફરતી હતી. વીણાને તે બહુ ગમે છે એમ કહી તેના પિતાએ ફરી પોતાને વેચવા માગણી પણ કરી હતી.

લાખે લેખાતી કિંમતવાળા હીરાની ચોરી જતી કરાય એમ ન હતું. ફરિયાદીએ બધી હકીકત પોલીસમાં જાહેર કરી. બન્ને ધનિકોના યુદ્ધમાં ભાગ લેવા માટે પોલીસ આતુર હતી. વીણા ઉપર આરોપ મુકાયો અને પોલીસ તેની તપાસ માટે નીકળી પડી.

વીણાની ઓરડીમાં જ - વીણા પાસેથી હીરો મળી આવ્યો. પરંતુ હીરાની ચોરી પીયૂષે કરી હતી એમ કબુલાત થઈ. કામ ચાલતા દરમિયાન વીણાની સ્થિતિ એટલી નાદુરસ્ત હતી કે તેનાથી અદાલતમાં આવી જુબાની આપી શકાય એમ હતું જ નહિ. આરોપી પીયૂષ ગુનો કબૂલ કરતો હતો. વીણાની ઓરડીમાં વીણા પાસે જ તે તપાસ વખતે ઊભો હતો. હીરો છોકરી પાસેથી ચોરાયો તે વખતે પણ વીણાની ગાડીમાં પીયૂષ હતો એવો પુરાવો પડ્યો હતો. વીણાની પ્રતિષ્ઠા, તેનું ચારિત્ર અને તેના પિતાની સંપત્તિનો વિચાર કરતાં વીણા ઉપર શક લેવાનું કારણ રહ્યું ન હતું. પીયૂષની સ્થિતિ સાધારણ કરતાં પણ નીચી કોટિની હતી. ચોરી કરતાં તેને કોઈએ જોયો ન હતો એ ખરું; તથાપિ તેણે ચોરી નથી કરી એવો બચાવ પણ કરવામાં આવતો ન હતો. વીણાની જુબાની એ કામે સારો પ્રકાશ પાડી શકત; પરંતુ તેને અદાલતમાં લવાય એમ હતું નહિ. પીયુષે જ બાળકીની રમતનો લાભ લઈ સેર તોડી હીરો લીધો હતો; વીણાએ સેર જોવા માગી ત્યારે તે તુટેલી હતી એમ તેણે જ કહ્યાનું બાળકીએ જણાવ્યું હતું : આમ પીયૂષની કબૂલાત મુજબ ગુનો સાબિત માનવાનાં કારણો મળવાથી પીયૂષને ગુનેગાર ઠરાવી તેને સખ્ત કેદની શિક્ષા કરવામાં આવી.

કેદખાનામાં પીયુષ અને વીણા વચ્ચે પત્રવ્યવહાર થયાનું કોઈ જાણતું ન હતું. કેદમાંથી બહાર નીકળતાં પીયૂષે વીણાને જોઈ ત્યારે તેને નવાઈ લાગી. વીણાને તે ઓળખાતો હોય એવો તેણે દેખાવ પણ કર્યો નહિ. કેદખાનાનાં કપડાં બદલી તે નીચે મુખે બહાર નીકળ્યો. ક્યાં જવું તેના વિચારમાં તે દરવાજા બહાર સહજ ઊભો રહ્યો. વીણાએ પાછળથી બૂમ પાડી.

'પીયૂષ !'

પોલીસને સ્વાધીન થતાં તેણે એ જ બૂમ સાંભળી હતી. પીયૂષે પાછળ જોયું.'

'કેમ ઓળખતો નથી કે શું?' વીણાએ પૂછ્યું.

'મારા જેવો ગુનેગાર તને ન ઓળખે એમાં ખોટું શું ?' પીયૂષે કહ્યું.

'બહુ સારું. તારે મારી સાથે આવવાનું છે.'

'ક્યાં ?'

'આપણે ઘેર. વળી બીજે ક્યાં ?'

'તમારે ઘેર ? હવે કેમ અવાય ?'

'હવે જ અવાય. બાપાજીએ તને લેવા મને મોકલી છે. ચાલ ગાડીમાં બેસી જા.'

'પણ...'

'પણ બણ નહિ.' વીણાએ પીયૂષનો હાથ ઝાલી બળજબરાઈથી તેને ગાડીમાં બેસાડી દીધો. વીણા તેની જોડમાં બેસી ગઈ. ગાડી ચાલી, અડધા રસ્તા સુધી કોઈ કશું બોલ્યું જ નહિ, વીણા અબોલ હતી તે અકળાઈ. તેણે પૂછયું :

'આ ત્રણ વરસમાં વીણા યાદ આવી હતી એકે વખત ?'

પીયૂષે સહજ હસી બાજુએ જોયું. 'બોલ તો ખરો. આખી જિંદગી મૂંગો રહ્યો.' વીણાએ ચિડાઈને કહ્યું.

'અને બાકીની જિંદગી વગર બોલ્યે પૂરી થાય એમ ઈચ્છું છું.' પીયૂષે કહ્યું. એ ઉચ્ચારણ કરતાં તેના મુખ ઉપર કોઈ મહાવિષાદની છાયા પથરાઈ, તે વીણાએ નિહાળી.

'તેમ થશે, પણ તે એક શરતે.' વીણા બેલી.

'કઈ શરત?'

'તારું બોલવાનું કામ કરે એવી એક સ્ત્રીને પરણે તો એમ થાય.'

'વીણા ! હું તો જડ છું. પરંતુ મશ્કરી આવે વખતે ક્રૂર ન લાગે?'

'અલબત્ત, મશ્કરી હોય તો જરૂર ક્રૂર લાગે'

‘ત્યારે તું શા માટે આવી વાત કરે છે ?'

'કેવી વાત ?'

'મારે પરણવાની. કેદમાં જઈ આવનારને કોણ પરણે?'

'હા, શા માટે નહિ?'

'શું તું યે ઘેલછાભર્યું બોલે છે?'

'સાચી વાતમાં તને ઘેલછા ભલે લાગે. હું તો ખરું કહું છું.'

'ઠીક.'

'શું ઠીક ?'

'મને કોઈ પરણનાર મળશે ત્યારે જોઈશ.'

'ધાર કે તને અબઘડી કોઈ પરણનાર મળે તો?'

'તો હું વિચાર કરીશ.'

‘ત્યારે હવે વિચાર કરવા જ માંડ.'

'કેમ?'

'તને પરણનાર કોઈ મળી છે માટે.'

'કોણ?'

'હું.' વીણા બોલી. પીયૂષ ગાડીમાં ને ગાડીમાં ઊભો થઈ ગયો. તેને લાગ્યું કે કેદખાનામાં જ તેને આવું વીણાસ્વપ્ન આવ્યું છે, વીણાએ તેને હાથ ખેંચી નીચે બેસાડ્યો ત્યારે જ તેને લાગ્યું કે એ સ્વપ્નમાં નહિ, પણ જાગૃત સ્થિતિમાં હતો.

ઘેર આવતાં વીણાના પિતાએ તેનો સત્કાર કર્યો. પરંતુ તે જ રાત્રે વીણાનાં લગ્ન પીયુષની સાથે અત્યંત શાન્ત અને સાદી રીતે થવાનાં છે એવું તેણે જાણ્યું ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. તે વીણાના પિતા પાસે દોડી ગયો.

'સાહેબ, આ હુ શુ સાંભળું છું?' તેણે પૂછ્યું.

'તમે જે સાંભળો છો એ ખરું છે.' વીણાના પિતાએ કહ્યું.

'એમાં ભારે ભૂલ થાય છે.'

'કેવી રીતે ?'

'હું ક્યાં અને વીણા ક્યાં ? મારી પાત્રતા...'

‘એ તો વીણાની મરજીની વાત છે.'

'તમે એને સમજાવો.'

'બહુ સમજાવી.'

‘હું એને સુખી કરી શકીશ નહિ.'

'એ હું નથી માનતો. આ ત્રણ વરસનો ભોગ...'

'પીયૂષ !' બહારથી વીણાનો સાદ આવ્યો.

'જુઓ, મેં તો વીણાને સમજાવી. તમારી ઈચ્છા હોય તો તમે હવે સમજાવો.' વીણાના પિતાએ કહ્યું અને એારડાની બહાર તેઓ ચાલ્યા ગયા. વીણા અંદર આવી.

'શું કરે છે તું ?' વીણાએ પૂછ્યું.

'તારી મૂર્ખાઈ અટકાવવા મથું છું.'

'તારું મંથન નિરર્થક છે.'

'કેમ?'

'પીયૂષ, તને પુરુષ થતાં આવડે તો મને સ્ત્રી થતાં નહિ આવડે ?' 'હું ગુમાર છું. રસભાષા મને નહિ સમજાય.

'ત્યારે સાંભળ, ગમાર ! તે દિવસે તારું પૌરુષ જોયું અને હું મનથી તને વરી ચૂકી.'

'અરે, પણ મારો ઉપકાર વસતો હોય તો મને માનપત્ર આપ, મારા તરફ પૂજ્યભાવ રાખ; પણ આમ...'

'મને તો ઉપકારે વસતો નથી. અને પૂજ્યભાવે વસતો નથી, મને તો એક જ ભાવ આવે છે.'

'કે ?'

'કે તું મારો છો.'

વાદવિવાદ વૃથા હતો. પીયૂષના ભીષણ પ્રયત્નો છતાં વીણાનું લગ્ન તે જ રાત્રે પીયૂષ સાથે થઈ ગયું એટલું જ નહિ, એની જાહેરાત પણ થઈ ગઈ.

બીજે દિવસે આખા દેશમાં હાહાકાર થઈ રહ્યો. વર્તમાનપત્રોના પ્રતિનિધિઓને જવાબ આપતાં બન્ને જણને થાક લાગ્યો. રાત્રે મુલાકાત બંધ થઈ. પીયુષ અગાસીમાં ઊભો ઊભો વિચાર કરતો હતો. પાછળથી વીણા આવી તેનો પણ એને કશો ખ્યાલ રહ્યો નહિ. વીણા બહુ વાર ઊભી રહી. ધીમેથી છેવટે પીયૂષને ખભે તેણે હાથ મૂક્યો. ચમકીને પીયૂષે પાછળ જોયું.

'કેમ ચમકે છે ? ' વીણાએ પૂછ્યું.

'અમસ્તો જ.’

'તારી આંખમાં કાંઈ ગભરાટ છે.'

'ના.'

‘હું નથી માનતી.'

'એક વાત મને ગૂંચવે છે.'

'શી ?'

‘તને ખોટું લાગશે. આજ નહિ પૂછું.'

'મને ખોટું લગાડવાનો તને અધિકાર છે. આજ નહિ પૂછે તો હું કદી જવાબ આપીશ નહિ.'

'હીરો તેં ચોર્યો હતો ?'

'હા.'

'શા માટે ?'

વીણાએ પીયૂષનો હાથ પકડી તેને નીચે બેસાડ્યો અને હીરો ચોર્યાની વાત કહી સંભળાવી;

વીણાને નાનપણથી બધાં બાળકોની માફક ચમકતી અને સુંવાળી વસ્તુઓ પ્રત્યે અતિશય પ્રેમ હતો. બાળપણમાં તેણે પથરા અને કાચનો એક ભંડાર ભેગો કર્યો હતો. બીજાં બાળકોને મોહ ધીમે ધીમે ઓછો થતો જાય છે, પરંતુ વીણાનો મોહ એક પ્રબળ આવેશ બનતો ગયો અને પથરા તથા કાચને બદલે જવાહીરો પ્રત્યે તે વળ્યો. મોતી નીલમ, હીરાને જોતાં અને અડકતાં તેને અવર્ણનીય કંપ થતો.

વીણા ભણીગણીને મોટી થઈ તો ય તેનો આવેશ એવો ને એવો જ પ્રબળ રહ્યો. એ જ આવેશમાં તેણે પિતા પાસે એ અતિ મૂલ્યવાન હીરો ખરીદ કરાવ્યો. એ હીરા પાછળ તે ઘેલી બની ગઈ હતી. હીરાને આંખે જોવો, તે ઉપર હાથ ફેરવવો, અગર તેને જુદાં જુદાં આભૂષણો દ્વારા પહેરવો એ તેનું પરમ સુખ બની ગયું.

પરંતુ એ સુખ અસ્ત પામ્યું. હીરો વેચવાની તેના પિતાને ફરજ પડી. વીણાએ હીરો ભહુ ખુશીથી પિતાને આપી દીધો, પરંતુ તે દિવસથી તેનો દેહ અને તેનું મન વ્યગ્ર બની ગયાં. એ દુઃખ ભૂલવા તેણે અથાગ પ્રયત્ન કર્યો, પરંતુ તેને હીરાની ઝંખના થતી ચાલી. કેટલીક વખત તો તેને લાગતું કે હીરા વગર તેનાથી જીવાશે જ નહિ. હીરો ક્યાં વેચાયો હતા તેની તેને ખબર ન હતી. માત્ર તેના પિતાએ તેને આશ્વાસન આપેલું કે એ હીરો તો પાછો મેળવી શકાશે.

અકસ્માત એક મિજલસમાં પેલી બાળકીને કંઠે તેણે હીરો જોયો. પોતાનું ખોવાયલું બાળક જડ્યું હોય એવા હર્ષથી તેણે હીરા પ્રત્યે નજર નાખી, બાળકી બધે ફરતી હતી. એ હીરો તેને મળવાનો નથી એવી લાગણી થતાં તેને અકથ્ય વિષાદ ઊપજ્યો. મિજલસમાંથી તે વહેલી ઊઠી. બારણાં પાસે જતાં એક ખૂણામાં બાળકી રમતી હતી. બાઈ અને દરવાન વાતો કરતાં બહાર ઊભાં હતાં. બાળકીને તેણે કહ્યું : 'જોઉં બહેન, તારી સેર?'

ઘણાંએ એ પ્રમાણે હીરો ભરેલી મોતીસેર જોઈ હતી. બાળકીએ ગર્વ પૂર્વક સેર ઉપર વીણાને હાથ ફેરવવા દીધો. એકાએક વીણાએ બૂમ પાડી :

'જો જો. તારી સેર તૂટેલી છે.'

કોઈ ભયાનક આંતરધક્કો વાગ્યો અને વીણાએ અજબ સિફતથી સેર તોડી હીરો લઈ લીધો. ઝડપથી તે ઘર બહાર નીકળી અને ઘરે આવી.

એટલામાં પોલીસ આવ્યાની તેને ખબર પડી. આત્મઘાત સિવાય તેને બીજો માર્ગ ન હતો. પીયૂષ સમજ્યો, તેણે વીણાને આત્મઘાતમાંથી બચાવી લીધી, એટલું જ નહિ — વગર વિલંબે તેણે વીણાની ચોરી પોતાને માથે લીધી.

'બીજું કાંઈ પૂછવું છે?' વીણાએ કહ્યું.

'ના.' પીયૂષે કહ્યું.

'ફરીથી આવી ઘેલછા મારામાં નહિ ઊપડે એની ખાતરી શી?'

'તેં ઊભા કરેલા પ્રશ્નનો જવાબ તું જ આપ.'

'હવે એ ઘેલછા ફરી નહિ ઉપડે.'

'કેમ ?'

'એકને બદલે મને બે હીરા મળ્યા છે,’ કહી વીણાએ પીયૂષનું મસ્તક પકડી તેની બન્ને વ્યાકુળ આંખે ચુંબન કર્યું.

પીયૂષને સંપૂર્ણ ખાતરી થઈ કે વીણાની ઘેલછામાં તેનું ભાવિ જીવન સુરક્ષિત છે. 

17
લેખ
પંકજ
4.0
ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એમાં પણ અજબ રોમાંચ થાય છે. 'પણ આપણે વ્યાપારના જ સટ્ટામાં પડી રહીશું? કાંઈ બીજો સટ્ટો કરીએ તો ?' મધુકરે પૂછ્યું. 'હા. લગાવ બીટ. એબિસીનિયા જીતશે કે ઈટલી? હજારથી દસ હજાર રૂપિયા સુધીની મારી તૈયારી છે. ચાલ.' મેં કહ્યું. મધુકર જરા હસ્યો. તેનું હાસ્ય કેટલીક વખત અમને અપમાન ભર્યું લાગતું. અમારા બધાથી જાણે તે ઘણો મોટો માણસ હોય એવો એ હાસ્યમાં ભાવ હતો. 'શાને હસે છે? તારું જિગર ક્યાં ચાલે છે?' 'જિગર તો ચાલે છે, પણ તમારી ઢબે નહિ.' મધુકરે કહ્યું. 'હજી બીજા પાંચ હજારની મારી તૈયારી છે. બોલ, શું કહે છે?'
1

ખરી મા

23 June 2023
0
0
0

ખરી મા નાનકડો કુસુમાયુધ આજે મુંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી, સારાં કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેનાં માતાપિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબું પણ નવા

2

ખરી મા

23 June 2023
0
0
0

ખરી મા નાનકડો કુસુમાયુધ આજે મુંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી, સારાં કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેનાં માતાપિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબું પણ નવા

3

લગ્નની ભેટ

23 June 2023
0
0
0

લગ્નની ભેટ ૧ 'સુરભિ ! જો ને બહાર કોણ ઘર પૂછે છે?' નિસ્તેજ અને જીર્ણ લાગતા ઘરની ઓસરીમાં ખાટલા ઉપર સૂતેલી એક રોગગ્રસ્ત સ્ત્રીએ પોતાની દીકરીને ધીમેથી પૂછ્યું. સુરભિ અંદરના ખંડમાં દીવો સળગાવતી હતી.

4

પુનર્મિલન

23 June 2023
0
0
0

પુનર્મિલન ૧ બહુ થોડા શિક્ષકોના ભાગ્યમાં વિદ્યાર્થી પ્રિય થવાનું લખાયું હોય છે. મોટે ભાગે શિક્ષકો હસવા માટે અગર ક્વચિત ભયની લાગણી અનુભવવા માટે કામમાં આવે છે. પરંતુ વિનોદરાય અપવાદ બની વિદ્યાથીઓના આદ

5

મૂર્તિપૂજા

23 June 2023
0
0
0

મૂર્તિપૂજા ૧ સુરેન્દ્ર ઘેલો થઈ જશે એમ મને લાગે છે.' 'શા ઉપરથી ?' 'સાંભળતા નથી, અંદર એકલો બોલ્યા કરે છે તે ?' 'કોઈ ડોકટરને બતાવીએ.' 'જરૂર. કાંઈ રસ્તો કાઢવો પડશે.' 'વર્ષ થઈ ગયું છતાં હજી પરણવાન

6

ગુનાની કબૂલાત

23 June 2023
0
0
0

ગુનાની કબૂલાત ૧ હું ગુનો કબૂલ કરું છું. મને મારવાની જરૂર નથી; અંગૂઠા પકડાવવાની જરૂર નથી; અદ્ધર ટીંગાડવાની જરૂર નથી; મારા નખ નીચે ટાંકણીઓ ભોંકવાની જરૂર નથી. ગુનો કબૂલ ન કરવો એટલે શું તે હું જાતઅનુભવ

7

આંસુના પાયા

23 June 2023
0
0
0

આંસુના પાયા ૧ જયરામ મિસ્ત્રીનું નામ બધે જાણીતું હતું. મોટા રસ્તા કરવા હોય, નદી ઉપર પૂલ બાંધવા હોય, મોટાં મોટાં મકાનો બાંધવાં હોય તેમાં જયરામ મિસ્ત્રી ખરા જ. પહેલા વર્ગના એ કોંટ્રાક્ટર. ગોરા ઈજનેરો

8

ધનિક હૃદય

23 June 2023
0
0
0

ધનિક હૃદય ૧ મન્મથ અને હું કૉલેજમાં સાથે ભણતા. એ ભણતો ત્યારથી જ ઘણો ઉડાઉ હતો. ઔદાર્ય અને ઉડાઉપણા વચ્ચેનો ભેદ ભાગ્યે જ સમજી શકાય એવો હોય છે. એ બહુ સ્વચ્છ, ડાઘ વગરનાં અને સહજ દમામદાર વસ્ત્રો પહેરતો.

9

માનવતા

23 June 2023
0
0
0

માનવતા ૧ સનતકુમાર એક કવિ હતા. કેટલાક તેમને મહાકવિ કહેતા હતા. જે તેમને મહાકવિ કહેતા ન હતા તે પણ એમ તો કહેતા જ કે તેમનામાં મહાકવિ બનવાની શક્યતા તો છે જ. બહુ નાની ઉંમરથી તેમણે કવિતા લખવાની શરૂઆત કરી

10

વૃદ્ધ સ્નેહ

23 June 2023
0
0
0

વૃદ્ધ સ્નેહ ૧ બહુ જ સંભાળથી પુત્ર અને પુત્રવધૂએ પ્રભાલક્ષ્મીને પથારીમાં બેઠાં કર્યાં; તેમનો દેહ કૃશ બની ગયો હતો. મોટા તકિયાને અઢેલાવી તેમને બેસાડ્યાં. ચારેપાસ તેમણે વાત્સલ્યભરી દૃષ્ટિ ફેરવી. કુટું

11

કીર્તિ કેરા કોટડા

23 June 2023
0
0
0

કીર્તિ કેરા કોટડા ૧ 'વંદે માતરમ્ ! મહાત્મા ગાંધી કી જય ! જયંતકુમાર કી જય !' સ્ટેશને ગાડી ઊભી રહી, અને લોકોનું મોટું ટોળું જયનાદ કરી ઊઠ્યું. ગાડીની બારીઓ પાસે બેઠેલા ઉતારુ ટોળાં તરફ જોવા લાગ્યા. અંદર

12

ચંદા

23 June 2023
0
0
0

ચંદા ૧ ગામડાં શહેરો કરતાં વધારે કદરૂપાં છે એમ કહેનારે ગામડાંને ચાંદની રાત્રે નીરખવા જોઈએ. સરકારી કામકાજ સાંજે પૂરું કરી ચોરાની આગળના ચોગાનમાં હું આરામખુરશી ઉપર પડ્યો અને ચંદ્ર ઊગ્યો. ઊગતાં બરોબર ચ

13

ઘેલછા

23 June 2023
0
0
0

ઘેલછા અસામાન્ય બનાવ બને એટલે તે સાર્વજનિક બની જાય છે. વીણાએ સામાન્ય રીતે — જગતમાં સાધારણ બને છે એવી રીતે– લગ્ન કર્યું હોત તો તેથી સમાજને હાલી ઊઠવાનું કારણ ન મળત. જોકે વીણા સરખી ભણેલી, સંસ્કારી અને પો

14

સમાન હક્ક

23 June 2023
0
0
0

સમાન હક્ક સહશિક્ષણના અનેક લાભો છે, તેમાં મુખ્ય લાભ તો એ છે કે યુવક–યુવતીને પરસ્પર પિછાનની પૂર્ણ તક મળે છે, સ્નેહલગ્ન માટે સુંદર ક્ષેત્ર તૈયાર થાય છે, અને માબાપની પસંદગીના પ્રણાલિકાવાદનો ભંગ કરી બંડખો

15

ભાઈ હિંદુઓ સાથે

23 June 2023
0
0
0

ભાઈ હિંદુઓ સાથે  લગ્નસંબંધમાં જોડાવાથી મુસ્લિમ રાજસત્તા સ્થિર અને વ્યાપક બનશે એવી અકબર ભાવના હજી લુપ્ત થઈ ન હતી. અમીનાબાદના યુવાન નવાબ અહમદખાને જોયું કે પાડોશના ઠાકોર રાજસિંહને વફાદાર રાખવા માટે એક જ

16

ખૂન

23 June 2023
1
0
0

ખૂન પોલીસથાણામાં દોડતો શ્વાસભર્યો માણસ આવી ઊભો રહ્યો, અને પોલીસ અમલદારે ધાર્યું કે કોઈના ખૂનની ખબર આવી. 'સાહેબ ! સાહેબ ! ' માણસથી આગળ બોલી શકાયું નહિ. 'અરે પણ છે શું? આટલો ગભરાય છે કેમ ? ' અમલદારે

17

પંકજ

23 June 2023
1
0
0

પંકજ ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એ

---

એક પુસ્તક વાંચો