shabd-logo

પંકજ

23 June 2023

7 જોયું 7

પંકજ

ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એમાં પણ અજબ રોમાંચ થાય છે.

'પણ આપણે વ્યાપારના જ સટ્ટામાં પડી રહીશું? કાંઈ બીજો સટ્ટો કરીએ તો ?' મધુકરે પૂછ્યું.

'હા. લગાવ બીટ. એબિસીનિયા જીતશે કે ઈટલી? હજારથી દસ હજાર રૂપિયા સુધીની મારી તૈયારી છે. ચાલ.' મેં કહ્યું.

મધુકર જરા હસ્યો. તેનું હાસ્ય કેટલીક વખત અમને અપમાન ભર્યું લાગતું. અમારા બધાથી જાણે તે ઘણો મોટો માણસ હોય એવો એ હાસ્યમાં ભાવ હતો.

'શાને હસે છે? તારું જિગર ક્યાં ચાલે છે?'

'જિગર તો ચાલે છે, પણ તમારી ઢબે નહિ.' મધુકરે કહ્યું.

'હજી બીજા પાંચ હજારની મારી તૈયારી છે. બોલ, શું કહે છે?'

'આપણા ગુજરાતી મારવાડી વ્યાપારીઓને સટ્ટો ખેલતાં આવડતો જ નથી. ઈટલી અને આબિસીનિયા લડે. આપણે ન એક બંદૂક પકડવી, ન મેદાન જોવું, ન ઘા ખમવા, અને છતાં પંદર પંદર હજાર ઘેર બેઠે આપવા-લેવાનો સોદો આપણે કરી શકીએ છીએ.

'એમાં શુ ? એનું જ નામ સટ્ટો.' મેં કહ્યું.

'નામર્દોનો સટ્ટો ! '

'તું મર્દાઈનો સટ્ટો બતાવ.'

'તૈયારી છે? જોજે ફરી જતો.'

'બોલી નાખ. ફરી જનાર હું નહિ.'

તું જા ઇટાલીના લશ્કરમાં હું જાઉં એબિસીનિયાના લશ્કરમાં. પછી લગાવ આંકડો. ઈટલી જીતે તો હું પંદર હજાર આપું. એબિસીનિયા જીતે તો તું પંદર હજાર આપ.

'શાનાં ગપ્પાં મારે છે ? આપણને તે કોઈ લશ્કરમાં રાખે?' એક સટોડિયા શેઠિયાએ કહ્યું.

'માટે તો કહું છું આપણા સટ્ટા નામર્દોના છે.'

'ધારો કે આપણને હબસી લશ્કરમાં રાખે પણ અહીંથી આપણને સરકાર જવા દે ખરી? '

'એ નામર્દાઈ અંક બીજો.' મધુકર બોલ્યો.

'એમાં આપણે શું કરીએ ?' મેં કહ્યું.

'પેલા બેલ્જીયનોને એબિસાનિયા રાખી શકે, પણ હિંદીઓને હિંદ બહાર જવાનો પણ ક્યાં અધિકાર છે ?' મધુકરે કહ્યું.

'તો તું સટ્ટાબજારમાં શું કરવા આવ્યો ? એવું હતું તો ગાંધી મહાત્માના આશ્રમમાં જઈ બેસવું હતું.'

'મારા મનમાં એમ કે સટોડિયાઓ પાસેથી હું ખરું સાહસ શીખી લાવું.' મધુકર બોલ્યો.

અમારી તકરાર વધી પડી. ચા પીતે પીતે અમે બધા ખૂબ ગરમ થઈ ગયા. મધુકરને બજારમાંથી હાંકી કાઢવાની પણ કેટલાકની ઈચ્છા થઈ. પરંતુ એના જેવા ગુલાબી સટોડિયાને બજારમાંથી દૂર કરવામાં અમને ફાયદો ન હતો. એણે અમને જે નાચરંગ બતાવ્યા છે, એણે જે ઊંચી જાતના શરાબ...શરબતો અમને પાયાં છે એનો વિચાર કરતાં મધુકરને બજારમાંથી કાઢવો એ બેવફાઈ અમને ગોઠી નહિ.

અંતે એક તાજા દાખલ થયેલા યુવાને મધુકરના આહ્‌વાનને સ્વીકારી લીધું.

'ચાલ. હુ તૈયાર છું. પણ આપણે ઈટલી ભણી નહિ.' તેણે કહ્યું.

'આપણે બંને એબિસીનિયા તરફ જઈએ. તું ઉત્તર મોખરે જા. હું દક્ષિણ મોખરે જઈશ. ઉત્તર તરફથી એબિસાનિયા જીતે તો હું પંદર હજાર તને આપું. દક્ષિણ બાજુએથી જીતે તો તારે મને એ રકમ આપવી.' મધુકરે કહ્યું.

‘પણ એબિસીનિયા જીતે જ નહિ તો?' મેં પૂછ્યું.

'તો જીવતાં પાછા ન ફરવું. જગતભરની કાળી પ્રજાને તૈયાર કરી ગોરાઓની સ્વાર્થી ગીધવૃત્તિનો સામનો કરવો.' મધુકરે કહ્યું.

'ક્યારે જાઓ?' એક જણે આંખ મીચકારી પૂછ્યું.

'અબઘડી.' મધુકરના સામાવળિયાએ કહ્યું. મધુકર વિચારમાં પડી ગયો. ક્ષણભર વિચાર કરી તેણે કહ્યું :

'આજ નહિ. ત્રણ દિવસ પછી.'

'કેમ શેઠ, ઠંડા પડ્યા? ' કોઈએ મધુકરની મશ્કરી કરી.

'કારણ છે માટે' મધુકરે કહ્યું

'આપણે શરત રમીએ. મધુકર આજ જશે કે ત્રણ દિવસ પછી? આજ જાય તો હું પાંચ રૂપિયા મૂકુ. કોઈએ કહ્યું.

'હું ત્રણ દિવસ પછી જવાનો એ ચોકકસ.' મધુકર બોલ્યો

'ત્યારે આપણે એ રમતમાંથી બાતલ. આપણે તો આજ અને અબઘડી જવાનું હોય તો તૈયાર. પછી નહિ.' મધુકરના હરીફે કહ્યું. બોલતાં બોલાઈ ગયું તે પાછું ખેંચી લેવાની તક કોઈ ભાગ્યે જવા દે'

કંઈક રૂના ભાવમાં ફેરફાર થયાના સમાચાર મળતાં અમે બધા આપ્યા–લીધાના ધાંધલમાં પડ્યા, અને મધુકરની વાતને ભૂલી ગયા.

પરંતુ મધુકર બીજે દિવસે બજારમાં ન આવ્યો એટલે મારો જરા ઊંચો જીવ થયો. બધાએ મધુકર કેમ ન આવ્યો તે વિશે ચર્ચા પણ કરવા માંડી. મધુકરને માટે મને વધારે લાગણી હતી. એની વિચિત્રતા ઘણી વખત સહુને અણગમતી થઈ પડતી હતી; એની ટીકાઓ ઘણાંને પ્રજાળતી હતી; અને તેનો સંસ્કારધમંડ સહુને ખૂંચતો હતો. છતાં તેમાં એક પ્રકારની એવી સરળતા હતી કે તેના અન્ય દોષ ભૂલી જવાનું બધાને મન થતું. મધુકરની ઉદારતા અદ્‌ભૂત હતી. તે રંગરાગનો શૉખીન હતો, અને અમને ખૂબ મોજ કરાવતો. પૈસાનો તેને હિસાબ ન હતો. છતાં ઊંડે ઊંડે જાણે તે બધા રંગરાગથી પર હોય એમ અમને ભાન થતું એની રીસ પણ ચડતી, અને તે ગામે મધુકર માટે એક જાતનો પક્ષપાત પણ ઉદ્ભવતો.

ત્રણ વર્ષમાં મારે અને મધુકરને વધારેમાં વધારે પરિચય થયો હતો. સટ્ટો ખેલનાર મોજ પણ ખૂબ કરી શકે છે. પૈસા હાથમાં હોય ત્યારે અમે મોજશોખમાં માથાબોળ ઊતરી શકીએ છીએ. એવા પ્રસંગે મધુકર સાવધ જણાતો અને રંગરાગથી અલિપ્ત અને ઊંચે રહેતો દેખાતો. વચમાં વચમાં તે કાંઈ ફાળા કરતો અને અજાણ્યા મંડળોમાં મોકલાવતો આવાં કારણોને લીધે તે આકર્ષક બનતો.

વળી તેની એક વિશિષ્ટતા હતી. તે ઘણી વખત મને તેના ઘર નજીક લઈ જતો. પરંતુ ત્રણ વર્ષમાં તેણે કદી મને ઘેર બોલાવ્યો ન હતો. ઘર આવતાં તે ગમે તેમ કરી અમને છૂટા મૂકી દેતો. મોજશૉખ બધો તેના ઘરની બહાર થતો. તેના ઘરનું દ્વાર પણ અમે જોયું ન હતું. આ પરિસ્થિતિ તેના ગૂઢ આકર્ષણને વધારી રહી હતી. છતાં તે દિવસે તો હું ઘર તરફ દોડ્યો, અને ઘરનું બંધ બારણું ઠોક્યું.

'કોણ છે?' અંદરથી જવાબ આવ્યો. એ અવાજ સ્ત્રીનો હતો.

'જરા બારણું ખોલો ને !' મેં કહ્યું.

'કેમ?' અંદરથી જ તે બાઈએ પૂછ્યું.

'મધુકરનું કામ છે.'

'એ તો નથી.' એક સ્ત્રીએ બારણું ઉઘાડી કહ્યું. સ્ત્રી રૂપરૂપનો અંબાર હતી. મને આશ્ચર્ય થયું. એ કોણ હશે? મધુકરની શી સગી હશે? એક અનુમાન થઈ શકે તે મેં કર્યું : કાં તો પત્ની હોય કે કાં તો...વધારે વિચાર કરું એટલામાં એ સ્ત્રીની પાસે એક નાની બાળકી આવીને ઊભી રહી. બાળકી એ બાઈની નાનકડી પ્રતિમા લાગતી હતી.

'ક્યારે આવશે?' મેં પૂછ્યું.

'ત્રણેક દિવસમાં.' એ યુવતી બહુ વાત કરવાની ઈચ્છા ધરાવતી લાગી નહિ.

'ક્યાં ગયા છે?'

સ્ત્રીએ ગામનું નામ તો આપ્યું, પણ પછી જાણે ભૂલ કરી હોય એમ તેના મુખ ઉપરથી લાગ્યું, અને તરત તેણે બારણું બંધ પણ કર્યું .

હું જરા ઝંખવાણો પડ્યો. છતાં મધુકરના જીવનનું રહસ્ય શોધવા હું લલચાયો યુવતીને કશું પુછાય એમ ન હતું. શું મધુકર સ્વાર્થી અને ક્રૂર પતિ હતો ? કે અદેખો અને ઈર્ષાભર્યો પ્રિયતમ હતો? શું આ રૂપવતી યુવતી તરફ કોઈની નજર ન પડે એ માટે એણે ધર સહુ સામે બંધ રાખ્યું? મેં ફરી બારણાને ધક્કો માર્યો, બહારની સાંકળ ખખડવી, ટકોરા માર્યા. પરંતુ હવે બારણું ઊઘડ્યું નહિ.

કદાચ પેલી યુવતીએ કહ્યું તે પ્રમાણે એ બહારગામ ગયો હોય તો? ગામનું નામ તો તેણે દીધું હતું. જતાં આવતાં ખરેખર ત્રણ દિવસ થાય એમ હતા. ભાવતાલ અને વાયદાનું કામ એકાદ મિત્રને પણ સોંપી શકાય. વિચાર થતાં બરાબર તેનો તત્કાળ અમલ કરવો એ અમારા લોકોનો સ્વભાવ જ છે. એ બાજુએ ગાડી જવાને હજી બે કલાકની વાર હતી. મધુકર ત્યાં પહોંચી ગયો હશે. નાનું ગામ છે એટલે એને શોધતાં વાર નહિ લાગે. આપવા જેવી સૂચનાઓ આપી હું ગાડીમાં બેઠો. કોઈ ઓળખીતો માણસ મળ્યો નહિ, એટલે મધુકર મળશે કે નહિ એ વિષે શરત લગાવવાની મારી તીવ્ર વૃત્તિ સંતોષી શકાઈ નહિ.૨

ખરે બપોરે ગાડીએ મને ધારેલી જગાએ પહોંચાડ્યો. આવા ગામમાં મધુકર શા માટે આવ્યો હશે? મેં ધાર્યું હતું એવું નાનું એ ગામ ન હતું. છતાં ઝબકતી બુદ્ધિવાળા મધુકરને આ ગામ આકર્ષી શકે એ નવાઈ જેવું તો હતું જ. શહેરની રોનક અહીં ન હતી. પરંતુ સ્વચ્છતા અને વ્યવસ્થાનો વિચાર કરતાં આ ગામ હિંદનાં બીજાં ગામથી ઘણું જુદું પડતું હતું. ગાંધીયુગે દાખલ કરેલી પોશાકની સરળતા અને સ્વચ્છતા આ ગામે જાળવી રાખી હતી. આંગણાં સ્વચ્છ અને રોનકભર્યા સાથિયાવાળાં હતાં બાળકો ફરતાં આનંદ કરતાં હતાં. એક મંદિર પાસે મોટા વડ નીચે યુવકો ભેગા થઈ કોઈનું ભાષણ સાંભળતા હતા. ગામડિયણ સ્ત્રીઓ પણ કેટલીક બેઠેલી દેખાઈ.

ઉતાવળા આવતા એક યુવકને મેં પૂછ્યું :

'આજે ગામમાં કાંઈ ઉત્સવ છે?'

'ઉત્સવ? હા, એવું જ કાંઈ ખરું.' સહજ મુંઝાઈ યુવકે જવાબ આપ્યો.

'શાનો ઉત્સવ છે?'

'ઉત્સવ? હા...હા. અમે એક મરણતિથિ ઊજવીએ છીએ.' 'મરણતિથિ ? કોની ?'

'તમને ખબર નથી ?'

'ના, ભાઈ, હું દૂરથી આવું છું અને પહેલી જ વાર આ ગામે આવું છું.

'કોને ઘેર જવું છે ?'

'કોઈને ઘેર નહિ.'

'ત્યારે આવ્યા શા માટે ?'

'મારો એક મિત્ર છે તેને જોવા આવ્યો છું. '

'એમનું નામ શું ?'

'મધુકર.'

'એ તમારા મિત્ર થાય ? '

'હા.'

'અને આ ઉત્સવ શાનો છે તે તમે જાણતા નથી ? હું ના માનું.' કહી જરા તે આગળ ચાલ્યો.

'પણ મને કહો તો ખરા કે મધુકર ક્યાં છે ?' મેં પૂછ્યું.

'મધુકર અહીં રહેતા નથી. એ તો ત્રણ વર્ષથી ચાલ્યા ગયા છે.'

'આજે એ અહીં આવ્યો છે.'

'અમને ખબર પડ્યા વગર રહે જ નહિ.' કહી તે ઝડપથી ચાલ્યો ગયો.

હું વડ નીચેના ટોળામાં દાખલ થયો. સામ્યવાદ વિશે એક યુવક ભાષણ આપતો હતો એ સાંભળી મને નવાઈ લાગી. સામ્યવાદના ભણકારા ગામડે પણ પડવા લાગ્યા. મધુકર કોઈ વાર સામ્યવાદ વિશે કાંઈ કાંઈ બકી જતો. રશિયામાં ખાનગી મિલકત કાઢી નાખી છે અને સામ્યવાદી રાજબંધારણ થયું છે. એવી અચોક્કસ માહિતી કરતાં મને વધાર જ્ઞાન સામ્યવાદ વિશે નહોતું. મને તેની પરવા પણ નહોતી. સામ્યવાદમાં પણ સટ્ટો થઈ શકે કે કેમ એટલી જ મને કાળજી હતી. મારો દ્રઢ નિશ્ચય થઈ ગયો હતો કે સ્વર્ગમાં ય સટ્ટો રમી શકાય. પછી સામ્યવાદનો હિસાબ શો? છતાં મને ન સમજાતા પ્રશ્નો ગામડામાં ચર્ચાય એ મને ચમકાવનારું તો લાગ્યું જ.

મેં એક બીજા માણસને પૂછ્યું :

'મધુકર ક્યાં મળી શકશે ?'

'મધુકરભાઈ ? એ તો અહીં રહેતા નથી.

'અહીં આવ્યો છે.'

'આવ્યા હોય તો મળ્યા વગર રહે નહિ'

'મધુર ખરેખર નહિ આવ્યો હોય ? કોને પૂછવું ? હું પરગામી છું એવું બધાંયને લાગ્યું હતું. મારા તરફસહુની દ્રષ્ટિ ફરતી. હું તેની પાસેથી પ્રસંગ જોઈ ઉત્સવની માહિતી મેળવતો. મને લાગ્યું કે કોઈ આદર્શ બાઈ ત્રણેક વર્ષ પહેલાં અહીં ગુજરી ગયેલી તેની આજ મૃત્યુતિથિ હતી. એ તિથિએ ગામલોકો નવી ઢબની જયંતી ઊજવતા. એ બાઈનાં મેં બહુ વખાણ સાંભળ્યાં. ગામલોકો એને દેવી તરીકે માનતા હોય એમ લાગ્યું. ગાંધીયુગમાં કંઈક દેવીઓ, જાગી, કંઈક સિંહણો ગર્જી, અરે કંઈક ચંડીકાઓએ છુટે વાળે–અગર બૉબ્ડ વાળ સાથે મહિષાસુરમર્દનના ખેલ કર્યા ! મને એ દેવીઓ. સિંહણો અને ચંડીકાઓમાંથી ખૂબ રમૂજ મળતી. એ બધી વીરાંગનાઓ જોતજોતામાં બાળકનાં હાલરડાં ગાતી બેસવાની છે એવું મેં ભાખેલું ભવિષ્ય હવે તો ખરું પડેલું નિહાળું છું. એટલે એ બાઈની મૃત્યુતિથિમાં મને રસ પડ્યો નહિ. હું ત્યાંથી પાછા ફરવાની તૈયારી કરતો હતો. મધુકરને સહુ ઓળખતા લાગ્યા. પરંતુ તે આવ્યો હોય એમ કોઈ કહેતું નહોતું. મધુકર ન મળે તો મારે ગાડી પકડવી હતી.

ખૂણામાંથી એક વૃદ્ધ મારી પાસે આવ્યો, અને મને પૂછવા લાગ્યો :

'મધુકરભાઈને ખોળો છો ? '

'હા.'

'કોઈને કહેશો નહિં. મારી પાછળ ચાલ્યા આવો.' મને જરા આશ્ચર્ય લાગ્યું, છતાં હું તેની પાછળ ચાલ્યો. ખરે તડકે હું એકાદ ગાઉ તેની સાથે ગયો હોઈશ, નિર્જન સ્મશાન સરખી જગામાં એક તળાવ દેખાયું.

'તમારે ખરેખર મધુકરભાઈનું કામ છે?' મારા સાથીદારે પૂછ્યું.

'તે સિવાય હું અજાણી જગાએ આવું ?' મેં કહ્યું.

'તો પેલા તળાવને કિનારે જાઓ.' એટલું કહી તે માણસ ચાલ્યો ગયો.૩

અજાણી એકાન્ત જગામાં હું આગળ વધ્યો. શહેરમાં રહેનારને ગામડાંમાં જવું એ પણ એક સાહસ બની જાય છે. શહેરમાં આવી બહાવરો ફરનાર ગામડિયો શહેરીઓના હાસ્યનો વિષય બને છે. ગામડાંમાં આવનાર શહેરી ગામડાંમાં એ જ બહાવરો અને હાસ્યપાત્ર બની જાય છે.

તળાવ ઉપર આશોપાલવના ઝાડ હતાં. ઝાડની ઘટા નીચે નાની નાની દેરીઓ હતી. દેરીઓની આગળ છેક તળાવની પાળ ઉપર આવેલા એક ઝાડના થડને અડી તળાવમાં પગ લટકાવી બેઠેલી એક મનુષ્યાકૃતિ મેં જોઈ. એ જ મધુકર હતો !

મધુકર અહીં શું કરતો હતો ?

હું ચુપકીથી તેની નજીક ગયો. તળાવમાં એક સ્થાન ઉપર તે અનિમેષ જોઈ રહ્યો હતો. તે એક કમળના ફૂલ ઉપર ત્રાટક કરી રહ્યો હતો ?

મને યાદ આવ્યું કે મધુકર કમળના ફૂલને ભારે શૉખ ધરાવતો હતો. ઘેલછા દેખાય છતાં તે હાથમાં ઘણી વખત કમળનું ફૂલ લઈ સટ્ટાબજારમાં આવતો. ગુલાબ, ચંપો મોગરો લઈ ફરનાર મેં દીઠા છે. પણ આમ કમળને લઈ ફરનાર મધુકર એકલો જ હતો. અમે તેની મશ્કરી પણ કરતા. કમળનો આવો ઘેલછાભર્યો શોખ? શું ફૂલ તરફ સવારથી જોતો મધુકર બેઠો હશે ?'

મધુકર તરફ હું જોઈ રહ્યો હતો, પરંતુ તેની નજર મારા તરફ પડી નહોતી. એકાએક તેની આંખોમાંથી આંસુની સેર ચાલી. હું ચમક્યો. એકાન્તમાં આવી હૃદય ખાલી કરનાર મધુકર અને દુઃખમાત્રને હસી કાઢતો અમારો મધુકર. એ બે શું જુદા હતા? હું તેનાં આંસુ જોઈ શક્યો નહિ. સટ્ટાને અને ભાવનાને જરા ય બનતું નથી. છતાં મારાથી બોલાઈ ગયું :

'મધુકર !'

મધુકર ચમક્યો. ચમક્યો અને તેણે મારી સામે જોયું. મારી સામે જોઈ તેણે આંસુ લૂછ્યાં. અને પછી સહજ હસી તે બોલ્યો :

'સુધાકર, તું ક્યાંથી? આવ.'

'હું તારી પાછળ આવ્યો. ગઈ સાલ પણ તું ત્રણ દિવસ ક્યાંક નાસી ગયો હતો. આ સાલ મારે જોવું હતું કે તું ક્યાં જાય છે !' મેં તેની પાસે જઈ કહ્યું.

'હું દર વર્ષે અહીં આવું છું. એક દિવસ અને એક રાત અહીં રહું છું, અને પછી પાછો મારા કામે લાગી જાઉં છું.'

'પણ અહીં આવવાનું કારણ ?'

'કારણ એટલું જ કે આ મારું યાત્રાધામ છે.'

'યાત્રા? તારે?' મધુકર મોટો નાસ્તિક હતો, અમે બધા શુકન, મંગળ, જ્યોતિષ બધામાં માનતા. મધુકરને એમાં જરા પણ શ્રદ્ધા નહોતી. એ તો ઘણી વખત ઈશ્વરનો પણ ઈનકાર કરતો.

'હા. વર્ષમાં ત્રણ દિવસ હું ભાવિક બનું છું.' તેણે કહ્યું.

'અને તે આ સ્થળે?'

'આ સ્થળ મારે મન પવિત્રમાં પવિત્ર છે.' એટલું કહેતાં બરોબર ફરી પાછી તેની આંખ આંસુથી ઊભરાઈ. મધુકરની આંખમાં અશ્રુ જોવાં એ આશ્ચર્યને જોવા બરાબર હતું. હું શાન્ત રહ્યો. મેં તેણે આગળ પ્રશ્ન કર્યો નહિ. જરા રહી તેણે કહ્યું :

'મારે તને કાંઈ કહેવાનું જ હતું. પણ તું અહીં આવ્યો શી રીતે ?'

'એ પણ સટ્ટો.'

'હું મારી બહેન, અને ગામના પટેલ સિવાય કોઈ જાણતું નથી કે હું અહીં આવું છું.'

મને આ સ્થળ બતાવનાર ગામનો પટેલ હતો એમ મેં હવે જાણ્યું. પરંતુ મધુકરની બહેન કોણ?

'હું સ્નેહલગ્નમાં માનતો છતાં મારું લગ્ન થઈ ગયું હતું તે કન્યા મારી પસંદગીની નહોતી.' મધુકરે કહ્યું.

'આપણે ત્યાં વળી સ્નેહલગ્ન શાં ? સ્નેહ જોઈએ તો ઘર બહાર જવાનું.' મેં કહ્યું.

'અને છતાં મને મારા ઘરમાં જ સ્નેહ મળ્યો. હું ભાગ્યહીન હતો એટલે મને તેની ખબર ન પડી હવે એ સ્નેહનાં સંભારણામાં હું ઝૂરું છું.'

સ્થળનું વાતાવરણ એવું હતું કે મારાથી તેની મશ્કરી થઈ શકી નહિ. અમારી જિંદગીમાં ભાવના અને અશ્રુને સ્થાન નથી. છતાં મને લાગ્યું કે મધુકર કોઈ અકથ્ય માનસિક ખેંચાણમાં વહ્યો જાય છે. તેનું જીવન જાણવાની મને પૃચ્છા થઈ.

'હું આદર્શોમાં રાચતો. પરંતુ મને લાગતું કે મારી પત્ની મારા આદર્શો ઝીલી શકે એવી નથી. તે બહુ ઠંડી હતી. તેનામાં ઉત્સાહ જ ન હોય એવો મને ભાસ થતો.'

'પત્ની કદી stimulating-ઉત્તેજક હોતી જ નથી.' મેં કહ્યું.

'એમ માનવામાં મેં મોટી ભૂલ કરી. આર્થિક સ્થિતિ કંઈક સારી હોવાથી હું દેશોદ્વારના કાર્યમાં પડ્યો હતો. ગાંધીજીની અસર વ્યાપક હતી. હું આ ગામે આશ્રમ રાખી રહ્યો. લોકોએ સારો સહકાર આપ્યો. અને આ ગામને હું આદર્શ બનાવી શક્યો.' ફરી મધુકરની દૃષ્ટિ કમળ તરફ વળી. તેની આંખ ફરી ભીની થઈ. તેણે વાત આગળ ચાલુ રાખી :

'પણ એક અસંતોષ રહ્યો. મારી પત્ની કદી ઝબકી નીકળી નહિ. ન તેનાથી ગીત ગવાય, ન તેનાથી સરઘસની આગેવાની લેવાય. મેં તેને જરા પણ દુઃખ નથી દીધું એટલો મારા મનને સંતોષ છે. પરંતુ હું તેનાથી પૂર્ણપણે રીઝ્યો નથી એટલું તે સમજી શકી હતી. ત્રણ વર્ષ ઉપરની આ વાત છે. મારે પરગામ જવું હતું, અઠવાડિયું ત્યાં રહેવું પડે એમ હતું. મારી ગ્રામોદ્ધારની યોજના પ્રમાણે બીજાં ગામોમાં થોડું કાર્ય આરંભવું હતું એટલે મારી હાજરી આવશ્યક હતી. મારી નાની બાળકીને મેં જરા રમાડી અને મારી પત્નીને કહ્યું :

'હું અઠવાડિયું જઈ આવું છું.'

'હા, તબિયત સંભાળજો.' મારી પત્નીએ કહ્યું. તે કદી મારા વિચાર કે યોજનાની વિરુદ્ધ જતી નહિ. તેના અવાજમાં મને કંપ લાગ્યો. મેં તેની સામે જોયું, અને તે હસી. મેં પૂછ્યું :

'તને કાંઈ થાય છે ?'

'ના.'

'તાવ તો નથી લાગતો ને?'

'સહજ હોય તો ય શું ? ઋતુફેર થાય ત્યારે એમ બને પણ ખરું. તમે વગર ચિંતાએ જાઓ.'

'હું ગયો, અને સાત દિવસ રહ્યો. સાતમે દિવસે મને તાર મળ્યો કે મારી પત્નીની માંદગી ગંભીર બની હતી. હું વહેલી તકે પાછો ફર્યો. મને મારી પત્નીનો અણગમો જરા ય ન હતો. પરંતુ તે જ ક્ષણથી મને લાગી આવ્યું કે એ તો મારા જીવનનો એક મુખ્ય વિભાગ બની ગઈ હતી. ચોવીસે કલાકની દિનચર્યામાં મારી પત્નીનું સ્થાન ન હોય એમ હું કલ્પી શક્યો નહિ. મને તો તે ક્ષણે લાગ્યું કે હું તેને ચાહતો હતો !

'ગામમાં આવતાં બરોબર હું મારા ઘર તરફ દોડ્યો. પત્નીની પથારી પાસે જતાં બરોબર તેણે આંખ ઉઘાડી મારી સામે જોયું. મેં તેને કપાળે હાથ મૂક્યો. મારા હાથ ઉપર તેણે હાથ મૂક્યો. તે ફિક્કું હસી, અને હસતું મુખ રાખી મારી સામે જોઈ રહી.'

કોઈએ કહ્યું ત્યારે મને ખબર પડી કે તેનો પ્રાણ ઊડી ગયો હતો. ત્યાર પછીની વિગતમાં હું ઊતરતો નથી. પરંતુ ત્યાર પછી મને મારી પત્નીનું મૂલ્ય સમજાયું. મારા જીવનની ક્ષણે ક્ષણને તે એની શાન્ત ઢબે આવરી રહી હતી, એટલું જ નહિ, પણ આખા ગામના જીવનને તેણે બાથમાં લીધું હતું.

'એક માણસે કહ્યું :

'એ તો દેવી હતાં. મને અને મારી પત્નીને બનાવ થયો તે એમનો પ્રતાપ.'

'બીજા માણસે કહ્યું :

'એમને તો હું કેમ ભૂલું? મારી ગરીબીમાં મને દાણા ન આપ્યા હોત તો મારું શું થાત ?'

'ત્રીજા માણસે કહ્યું :

'મારી દીકરીને બળિયા નીકળ્યા ત્યારે કોઈ પાસે બેસે નહિ. બહેન વગર મારી દીકરી બચત કેમે ?'

'ચોથા માણસની વાત સાંભળી :

'એમને બદલે પ્રભુએ મને ઉપાડી લીધો હોત તો કેવું સારું થાત ! વ્યસનમાં ચડી ગયેલો હું આજ ઘરબારવાળો થયો. એમના વગર એ બનત શી રીતે ? મારા ગામમાંથી જોગમાયા પધાર્યાં !'

'અને આશ્રમમાંથી ચોરી કરી, તે પકડાઈ, છતાં મને એક અક્ષર પણ ન કહી એમણે પોતાની વીંટી મને આપી ! એ પળથી હું ચોર મટી ગયો. મારા મનની રખવાળી એ જગદંબા વગર હવે કોણ કરશે ?' મને આશ્વાસન આપવા આવેલા એક માણસે રોતાં રોતાં કહ્યું.

'પહેલાં કારકુને લાંચ માગી. મારી પાસે પાઈ ન મળે. હું બહેન પાસે લેવા આવ્યો. એમણે મને રોક્યો ત્યારથી આખું ગામ લાંચ આપતું અટકી ગયું. એ દુ:ખ દેવી વગર કોણ ટાળે ?' વળી કોઈકે મારી પત્નીને સંભારી કહ્યું.

'જ્યાં પુરુષો જ રોતા હતા ત્યાં સ્ત્રીઓનું શું પૂછવું ! કોઈ યુવતી પોતાને મળેલા શિક્ષણને સંભારતી; કોઈ વૃદ્ધા પોતાની નિષ્કાળજીવાળી પુત્રવધૂને સુધારી દીધાની વાત કરતી; તો કોઈ સ્ત્રી પોતાને માર મારતા રાક્ષસ પતિમાંથી દેવ સરખા સ્નેહી પતિને વિક્સાવનાર મારી પત્નીને યાદ કરતી. અને જ્યારે એક બાળકે મારી પત્નીનો ઉલ્લેખ કરી પોતાની માતાને પૂછ્યું કે : "મા, હવે બહેન અમને નહિ રમાડે?” ત્યારે એ બાળકની બહેન બનેલી મારી પત્નીની યાદમાં મારાં નયન પણ અશ્રુથી ઉભરાયાં.'

અશ્રુભર્યા નયને ગામમાં પ્રત્યેક રત્રીપુરુષ મારી પત્નીના ઉપકારનું કાંઈ અને કાંઈ વર્ણન આપતાં ચાલ્યાં ત્યારે મને સંશય થયો કે મારા ગ્રામોદ્ધારની સફળતા મારી બુદ્ધિમાં હતી ? કે મારી પત્નીના હૃદયમાં હતી ?

'શું મેં તેને ઓળખી નહિ? ભાષણ કરતાં સરઘસ કરતાં, સંગીત કરતાં તેણે શું વધારે મહત્ત્વનું કાર્ય કર્યું ન હતું ? ગ્રામજીવનને તેણે યથાર્થ માતૃત્વ સમર્પ્યું હતું એ હું હવે સમજ્યો. એના મૃત્યુથી હું જ નહિ, હું જ નહિ, આખું ગામ રડી રહ્યું.'

'મારા જીવનમાંથી ઉત્સાહ ઓસરી ગયો, પત્નીની ચિતા પાસે આવી હું બેઠો. અને તેમાંથી ભસ્મ લીધી. આ જ તળાવને કિનારે આ જ સ્થળે તેના દેહને દાહ દીધો હતો. મારા હાથમાંથી ભસ્મ થોડી પાણીમાં પડી. પાણીમાં પડતાં બરોબર એક કમળ પાણીમાં વિક્સી આવી મારી સામે જોઈ રહ્યું. મારી પત્નીનું શું એ મુખ ન હતું ? નહિ, નહિ. ક્યાં એ મુખ ? અને ક્યાં એ કમળનું પુષ્પ?' 'મારી પત્નીએ કદી ભાષણ આપ્યું ન હતું, પરંતુ ભાષણ કરવાનાં સાધનો તેણે મને કેવાં સરળ કરી આપ્યાં હતાં ? મારાં પુસ્તકો, મારા કાગળો, મારી કલમ એ બધું સુઘટિત રીતે કોણ ગોઠવી રાખતું હતું ? મારી પત્ની.'

'અને કઠોર, કર્કશ ખેંચાઈ ગયેલા અવાજે ભાષણ આપી મગરૂર થનાર મારા સરખા ઘમંડી દેશસેવક કરતાં મીઠા ઝીણા, ઋજુતા ભર્યા કંઠથી અજ્ઞાન સ્ત્રીપુરુષો સાથે સમભાવભરી વાત કરતી મારી પત્ની શું લોકસેવા ઓછી કરતી હતી? ચોરને, વ્યસનીને મારી ગર્જનાએ સુધાર્યો કે મારી પત્નીની મીઠી વાણીએ?'

'મોટી મોટી યોજનાઓ કરી, મોટાં મોટાં સરઘસ કાઢી, અમલદારશાહીને મૂંઝવી હું ઘેર આવતો, ત્યારે મને અસંતોષ રહેતો કે મારી પત્ની મારા કાર્યને સમજી શકતી નથી. જૂની ઢબની સ્ત્રી માફક તે મારું માથું દાબતી મને આરામ આપતી. મારે માટે રસોઈ તૈયાર રાખતી, સ્વચ્છ પથારી પાથરી રાખતી; એ બધું મને ગમતું પણ... પણ એણે એકાદ વ્યાખ્યાન આપ્યું હોત તો મને એથી પણ વધારે ગમત એમ હું માની બેઠો હતો. તેના મૃત્યુએ મને સમજાવ્યું કે તે તો પતિને ખાતર-પતિની પ્રતિષ્ઠા વધ્યા કરે એવી સંભાળ રાખવા ખાતર-પાછળ અને પાછળ રહેતી હતી.

'પણ શું એ ખરેખર પાછળ રહેતી હતી ? હવે મને લાગે છે કે હું જે યોજનાઓ ઘડીને, સરઘસો કાઢીને, અમલદારોને ગભરાવીને કરી શક્યો નહિ તે એણે પાછળ રહીને સિદ્ધ કર્યું. સરઘસ કાઢવા કરતાં બળિયાપીડિત બાળકની સારવાર કરવી એ શું વધારે મહાન કાર્ય નથી ? કાગળ ઉપર યોજનાઓ ઘડવા કરતાં સાસુવહુનાં જીવનઘર્ષણ ઘટાડવાં એ શું ઓછું મુશ્કેલ કાર્ય હતું ? અમલદારોની લાંચ વિરુદ્ધ જેહાદ જગાવવી એના કરતાં એક શ્રમજીવીને નિર્ભય બનાવી લાંચ આપવાની વૃત્તિ નિર્મૂળ કરવી એ શું વધારે આવશ્યક નથી ?' 'હું શ્રેષ્ઠ કે મારી પત્ની ? એક ભયંકર વિચાર મારા મનમાં એકાએક ઊઠ્યો :

'શું એણે મારે ખાતર પોતાના જીવનને ઘસી નાખ્યું ન હતું ?

'એ વિચાર હજી મને મૂકતો નથી. મેં મારા ઘમંડમાં મારી પત્નીનો ભોગ આપ્યો. એના સ્નેહને હું પારખી શક્યો નહિ. મારા પાપનો પડઘો પાડતા એ ગામમાં મારાથી શી રીતે રહેવાય ? મારું મન રુંધાઈ ગયું.

'ગામમાંથી હું નાસી ગયો. પત્નીને આપેલો અન્યાય મને અહીં રહેવા દે એમ હતું જ નહિ. છતાં ગામના લોકોની સાથે હું પણ છાનોમાનો એની મૃત્યુતિથિ ઊજવું છું. કોઈ ન જાણે એમ અહીં આવી બેસું છું. આ જ સ્થળ મને મારી પત્નીના મુખની સ્મૃતિ આપે છે તેને સંભારું છું અને રડવું આવે એટલું રડું છું.'૪

મધુકરની કથની સાંભળી મને દુ:ખ થયું. મધુકરનો આ બધો ઈતિહાસ જાણે મારી નજર આગળ બન્યો હોય એમ મને ભાસ થયો. કેટલીક વારે મેં તેને પૂછ્યું :

'પણ તું સટ્ટા જેવા ધંધામાં કયાંથી પડ્યો ?'

'મને મારી જિંદગી હવે નિરર્થક લાગે છે. મારે તેને વેડફી નાખવી છે. તમારા ધંધામાં એમ બનશે એમ લાગ્યું માટે હું તેમાં પડ્યો.' મધુકરે કહ્યું.

'તું તો ફરી પરણ્યો હોઈશ ને?' શહેરમાં તેને ઘેર દીઠેલી સ્ત્રીનો વિચાર આવતાં મેં પૂછ્યું. મધુકરે મારી સામે તીક્ષ્ણ નજર ફેંકી. પછી સહજ હસીને બોલ્યો :

'એ પ્રશ્ન નિરર્થક છે. પુરુષ ફરી પરણે માટે પાપી છે એમ માનવાની જરૂર નથી. તે ફરી ન પરણે એટલે તે સાધુ છે એમ માનવાને પણ કારણ નથી, સંજોગ માનવીને ઘડે છે,' મને લાગ્યું કે મેં એને મૂંઝવનારો પ્રશ્ન કર્યો. પરંતુ મારી જિજ્ઞાસા હજી અતૃપ્ત હતી. મેં તેને કેટલીક વારે પૂછ્યું :

'તારે ઘેર હું ગયો ત્યારે આ ગામની ખબર એક બાઈએ આપી હતી. એ કોણ?'

મધુકર મારા પ્રશ્નનો મર્મ સમજી ગયો. તે હસ્યો, અને હસતાં હસતાં બોલ્યો :

'તું ન ઓળખી શક્યો ? એ મારી–બહેન–સગી બહેન છે. મારી પુત્રીને સંભાળે છે અને ભણે છે. મારું અને તેનું મુખ પણ તું સરખાવી શક્યો નહિ ?'

તત્કાળ મને લાગ્યું કે મધુકર, મધુકરની બહેન અને મધુકરની પુત્રીનાં મુખ બહુ જ મળતાં આવતાં હતાં.

'પાછો ક્યારે ફરીશ ?' મેં પૂછ્યું.

'કાલે આવીને તરત એબિસીનિયા ચાલ્યો જઈશ. મારી શરત છે ને ?'

'એવી તે શરત હોય? વળી તે સ્વીકારાઈ નથી.'

‘મેં તો સ્વીકારી જ છે. જો સટ્ટા કરતાં યુદ્ધમાં જિંદગી વહેલી વેડફાશે. જિંદગીનો હવે ખપ રહ્યો નથી.'

'જા, જા. એમ જિંદગી સોંઘી કરી નખાય?' મેં કહ્યું.

'જિંદગી સોંઘી છે એ માટે નહિ. પણ મારી પત્ની વગરનું જીવન અસહ્ય–અશક્ય છે માટે.’ મધુકરે કહ્યું.

'એની સ્મૃતિ તો તું ઊજવે છે !' મેં તેના વિરહને શાંત પાડવા કહ્યું.

'મને એક શ્રદ્ધા છે – નાસ્તિક છું તોપણ.' ગાંભીર્યથી મધુકરે કહ્યું.

'શાની ?'

'કુદરત પ્રેમ સરખા વ્યક્તિગત ભાવે વિક્સાવે છે. એ વ્યક્તિ અને એ પ્રેમ દેહની સાથે જ નષ્ટ થાય એ કેવું બેહુદું લાગે છે?'

'મને ન સમજાયું.'

'દેહની પાર જઈને પણ એ પ્રેમ જીવતો રહી શકે કે નહિ ? કુદરત એક દેહ ભલે લઈ લે. પણ એ દેહમાં વિક્સેલો પ્રેમ તો ન જ લઈ લે. એને વ્યક્ત કરવાનું – પ્રેમીઓને મળવાનું મૃત્યુની પાર કંઈક સાધન તો કુદરતે રાખ્યું જ હોવું જોઈએ.'

હું કાંઈ બોલ્યો નહિ. જિંદગી વિષે – કુદરત વિષે હું કદી ચર્ચા કરતો નથી. મારી ચર્ચાનો વિષય માત્ર સટ્ટો છે. મધુકર ઘેલછામાં આત્મઘાત ન કરે એટલું જ જોવાની મારી ફરજ હતી. તેને એકલો મૂકી હું તળાવને કિનારે ફરી રહ્યો.

રાત્રે અમે બન્ને સાથે પાછા ફર્યા. ગાડીમાં મધુકર આરામથી સૂતો હતો. તેને સ્ટેશનેથી ઘેર પહોંચાડવા હું સાથે જ ગયો. તેની બહેને બારણાં ઉઘાડ્યાં. જતાં જતાં મધુકરે હસીને મને કહ્યું :

'જો, સુધાકર, આ મારી બહેન છે. ખાતરી કરી છે કે અમારા બેઉનાં મુખ મળતાં આવે છે કે નહિ ?'

હું જરા લજવાયો, અને કાંઈ પણ જવાબ આપ્યા વગર પાછો ફરી ઘેર આવી સૂતો.

સવારમાં મધુકરની બૂમથી હું જ જાગ્યો. મધુકર મને ઢંઢોળી ઉઠાડતો હતો.

'અલ્યા, અત્યારમાં? જરા સૂતો પણ નહિ ?' મેં કહ્યું.

'આજ તો જવું છે ને ?' મધુકરે હસીને કહ્યું.

'ક્યાં ?'

'એબિસીનિયા.'

'તું તો પાગલ થઈ ગયો છે. તને જવા કોણ દેશે ?'

'એ જ હું તને બતાવવા માગું છું. ચાલ. ઝડપથી ચા પી લે.'

અમે બન્નેએ સાથે ચા પીધી. હું આશ્ચર્યમૂઢ બની ગયો હતો.

મધુકર સરખો વિચિત્ર માણસ કોણ જાણે કેવી યે યોજના કરી જશે ખરો એમ મને લાગ્યું. મોટરમાં અમે સાથે બહાર નીકળ્યા, અને એક મેદાનમાં આવ્યા. મોટર ઊભી રાખી અને નીચે ઊતર્યા.

'હવે હું તને સમજવું કે હું કેમ એબિસીનિયા જઈ શકીશ. જો, પેલું શું છે ?'

'એ તો ઍરોપ્લેન પડેલું લાગે છે.' મેં ચમકીને કહ્યું.

'એ મારી માલિકીનું છે. અને તે ચલાવતાં મને આવડી ગયું છે.'

'તારી પાસે પરવાનો છે?'

'હા. ઍરોપ્લેન રાખવાનો અને ઉડાડવાનો. ઊંચે ઊડ્યા પછી હું ફાવે ત્યાં જઈ શકીશ.'

'પણ તારે બહેન છે, પુત્રી છે, એમનું શું કરીશ?' મેં તેને વારતાં કહ્યું.

'એ માટે તો હું સટ્ટામાં પડ્યો. પૈસો ખૂબ થયો છે. તેથી ઍરોપ્લેન પણ ખરીદી શક્યો, અને બહેન તથા પુત્રી માટે રકમ જુદી મૂકી શક્યો.'

'પણ એકલા પૈસાથી સંભાળ લેવાશે?'

'આ કાગળો તને સોંપુ છું. તું સાચો મિત્ર રહી શકે એમ લાગે છે. જરૂર પડ્યે તેમને આપજે.'

મારું મન ચણચણી ઊઠયું. મધુકરને જવા દેતાં મને દુઃખ થયું. મેં તેને કહ્યું:

‘મધુકર, આ તો આત્મહત્યા કરવા સરખું છે.'

'નહિ, હું મારે હાથે મરું એવો બીકણ નથી. મારી પત્નીએ એટલું તો શીખવ્યું જ છે કે મરવું તો કોઈ આદર્શ ખાતર; અને તે યે બહાદુરીથી. આજ એક જ આદર્શ મરવા માટે યોગ્ય છે; અને તે એ જ કે ગોરાઓની ચળકતી બેડીમાંથી કાળાઓને છોડાવવા. આ એક જ સ્થળ મરવા માટે યોગ્ય છે : તે હબસી દેશ. અને મરીશ એટલો વહેલો એને મળી શકીશ.' 'પણ ધાર કે તું જીવતો રહ્યો તો ?' મેં હજી પણ દલીલ કરી તેને રોકવા મંથન કર્યું.

'તો...તો...યાત્રાએ પાછો આવીશ જ ને ?'

'શાની યાત્રા?'

'પેલા સ્મશાનની–જ્યાં મારી પત્નીની સ્મૃતિ હજી જીવતી છે તે સ્થાનની.'

તેના હાથમાં કમળનું ફૂલ હતું. તેની પાંદડીઓ તોડી તેણે જમીન ઉપર વેરવા માંડી.

'તું બહુ ક્રૂર છે.' મેં કહ્યું.

'કેમ ?'

'આ બિચારા કમળને તું તોડી નાખે છે.'

'સુધાકર, મારી પત્નીનું નામ શું હતું તે તું જાણે છે?'

'ના.'

'એનું નામ પંકજ હતું. મને કમળની ઘેલછા કેમ છે તે તું હવે સમજ્યો.'

મારી દ્રષ્ટિ સમીપ એક સુંદર યુવતીની મૂર્તિ ઊપસી આવી.

ઊંડો ઊતરી ગયો. મને લાગ્યું કે હું મધુકરની પંકજને જ નિહાળું છું. મારાથી કાંઈ બોલાયું નહિ.

'એ નામ મને એટલું પ્રિય થઈ પડ્યું છે કે હું ચોવીસે કલાક કમળનાં પુષ્પ મારી પાસે રાખું છું.' મધુકરે કહ્યું.

'પણ તું તો પાંદડીઓ તોડી નાખે છે !'

'જે મેં મારી પંકજનું કર્યું તે આ નામધારી પંકજનું પણ કરું છું...અને એમ જ આ મારા દેહની પાંદડીઓ તૂટશે એટલે પાછી મને પંકજ મળશે નહિ?'

આવેશ અને ઉગ્રતાથી તે ઍરોપ્લેન તરફ જોઈ રહ્યો.

'હું તને પાછો મૂકી જાઉં.' કહી મારો હાથ ઝાલી તેણે મને મોટરકાર તરફ ઘસડ્યો , અને અમે બન્ને પાછા અમારે સ્થળે ગયા. પણ બપોરે અમારા સટ્ટાબજાર ઉપરથી એક વિમાન ઊડી જતું અમે બધાએ જોયું. વિમાન બહુ નીચું ઊતર્યું હતું અને તેમાંથી એક માણસ અમારા તરફ રૂમાલ હલાવતો દેખાયો. મેં સહુને કહ્યું :

'મધુકર એબિસીનિયા જાય છે.'

સહુ હસ્યાં. અને એ વાક્ય ઉપર શરતે ચઢ્યાં. માત્ર પંકજ નામ ઉચ્ચારતાં મધુકરના મુખ ઉપર આવેલા ભાવ મારી આંખ આગળથી ખસ્યો નહિ. વારંવાર એક પ્રશ્ન મને પીડી રહ્યો :

સત્ય શું ? ભાવના કે મૂર્તિ ? મૂર્તિ ભાંગ્યા પછી યે ભાવના જીવે. એ ભાવના બીજો અવતાર પણ કેમ ન આપે ?


♦ ♦ ♦ 

17
લેખ
પંકજ
4.0
ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એમાં પણ અજબ રોમાંચ થાય છે. 'પણ આપણે વ્યાપારના જ સટ્ટામાં પડી રહીશું? કાંઈ બીજો સટ્ટો કરીએ તો ?' મધુકરે પૂછ્યું. 'હા. લગાવ બીટ. એબિસીનિયા જીતશે કે ઈટલી? હજારથી દસ હજાર રૂપિયા સુધીની મારી તૈયારી છે. ચાલ.' મેં કહ્યું. મધુકર જરા હસ્યો. તેનું હાસ્ય કેટલીક વખત અમને અપમાન ભર્યું લાગતું. અમારા બધાથી જાણે તે ઘણો મોટો માણસ હોય એવો એ હાસ્યમાં ભાવ હતો. 'શાને હસે છે? તારું જિગર ક્યાં ચાલે છે?' 'જિગર તો ચાલે છે, પણ તમારી ઢબે નહિ.' મધુકરે કહ્યું. 'હજી બીજા પાંચ હજારની મારી તૈયારી છે. બોલ, શું કહે છે?'
1

ખરી મા

23 June 2023
0
0
0

ખરી મા નાનકડો કુસુમાયુધ આજે મુંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી, સારાં કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેનાં માતાપિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબું પણ નવા

2

ખરી મા

23 June 2023
0
0
0

ખરી મા નાનકડો કુસુમાયુધ આજે મુંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી, સારાં કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેનાં માતાપિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબું પણ નવા

3

લગ્નની ભેટ

23 June 2023
0
0
0

લગ્નની ભેટ ૧ 'સુરભિ ! જો ને બહાર કોણ ઘર પૂછે છે?' નિસ્તેજ અને જીર્ણ લાગતા ઘરની ઓસરીમાં ખાટલા ઉપર સૂતેલી એક રોગગ્રસ્ત સ્ત્રીએ પોતાની દીકરીને ધીમેથી પૂછ્યું. સુરભિ અંદરના ખંડમાં દીવો સળગાવતી હતી.

4

પુનર્મિલન

23 June 2023
0
0
0

પુનર્મિલન ૧ બહુ થોડા શિક્ષકોના ભાગ્યમાં વિદ્યાર્થી પ્રિય થવાનું લખાયું હોય છે. મોટે ભાગે શિક્ષકો હસવા માટે અગર ક્વચિત ભયની લાગણી અનુભવવા માટે કામમાં આવે છે. પરંતુ વિનોદરાય અપવાદ બની વિદ્યાથીઓના આદ

5

મૂર્તિપૂજા

23 June 2023
0
0
0

મૂર્તિપૂજા ૧ સુરેન્દ્ર ઘેલો થઈ જશે એમ મને લાગે છે.' 'શા ઉપરથી ?' 'સાંભળતા નથી, અંદર એકલો બોલ્યા કરે છે તે ?' 'કોઈ ડોકટરને બતાવીએ.' 'જરૂર. કાંઈ રસ્તો કાઢવો પડશે.' 'વર્ષ થઈ ગયું છતાં હજી પરણવાન

6

ગુનાની કબૂલાત

23 June 2023
0
0
0

ગુનાની કબૂલાત ૧ હું ગુનો કબૂલ કરું છું. મને મારવાની જરૂર નથી; અંગૂઠા પકડાવવાની જરૂર નથી; અદ્ધર ટીંગાડવાની જરૂર નથી; મારા નખ નીચે ટાંકણીઓ ભોંકવાની જરૂર નથી. ગુનો કબૂલ ન કરવો એટલે શું તે હું જાતઅનુભવ

7

આંસુના પાયા

23 June 2023
0
0
0

આંસુના પાયા ૧ જયરામ મિસ્ત્રીનું નામ બધે જાણીતું હતું. મોટા રસ્તા કરવા હોય, નદી ઉપર પૂલ બાંધવા હોય, મોટાં મોટાં મકાનો બાંધવાં હોય તેમાં જયરામ મિસ્ત્રી ખરા જ. પહેલા વર્ગના એ કોંટ્રાક્ટર. ગોરા ઈજનેરો

8

ધનિક હૃદય

23 June 2023
0
0
0

ધનિક હૃદય ૧ મન્મથ અને હું કૉલેજમાં સાથે ભણતા. એ ભણતો ત્યારથી જ ઘણો ઉડાઉ હતો. ઔદાર્ય અને ઉડાઉપણા વચ્ચેનો ભેદ ભાગ્યે જ સમજી શકાય એવો હોય છે. એ બહુ સ્વચ્છ, ડાઘ વગરનાં અને સહજ દમામદાર વસ્ત્રો પહેરતો.

9

માનવતા

23 June 2023
0
0
0

માનવતા ૧ સનતકુમાર એક કવિ હતા. કેટલાક તેમને મહાકવિ કહેતા હતા. જે તેમને મહાકવિ કહેતા ન હતા તે પણ એમ તો કહેતા જ કે તેમનામાં મહાકવિ બનવાની શક્યતા તો છે જ. બહુ નાની ઉંમરથી તેમણે કવિતા લખવાની શરૂઆત કરી

10

વૃદ્ધ સ્નેહ

23 June 2023
0
0
0

વૃદ્ધ સ્નેહ ૧ બહુ જ સંભાળથી પુત્ર અને પુત્રવધૂએ પ્રભાલક્ષ્મીને પથારીમાં બેઠાં કર્યાં; તેમનો દેહ કૃશ બની ગયો હતો. મોટા તકિયાને અઢેલાવી તેમને બેસાડ્યાં. ચારેપાસ તેમણે વાત્સલ્યભરી દૃષ્ટિ ફેરવી. કુટું

11

કીર્તિ કેરા કોટડા

23 June 2023
0
0
0

કીર્તિ કેરા કોટડા ૧ 'વંદે માતરમ્ ! મહાત્મા ગાંધી કી જય ! જયંતકુમાર કી જય !' સ્ટેશને ગાડી ઊભી રહી, અને લોકોનું મોટું ટોળું જયનાદ કરી ઊઠ્યું. ગાડીની બારીઓ પાસે બેઠેલા ઉતારુ ટોળાં તરફ જોવા લાગ્યા. અંદર

12

ચંદા

23 June 2023
0
0
0

ચંદા ૧ ગામડાં શહેરો કરતાં વધારે કદરૂપાં છે એમ કહેનારે ગામડાંને ચાંદની રાત્રે નીરખવા જોઈએ. સરકારી કામકાજ સાંજે પૂરું કરી ચોરાની આગળના ચોગાનમાં હું આરામખુરશી ઉપર પડ્યો અને ચંદ્ર ઊગ્યો. ઊગતાં બરોબર ચ

13

ઘેલછા

23 June 2023
0
0
0

ઘેલછા અસામાન્ય બનાવ બને એટલે તે સાર્વજનિક બની જાય છે. વીણાએ સામાન્ય રીતે — જગતમાં સાધારણ બને છે એવી રીતે– લગ્ન કર્યું હોત તો તેથી સમાજને હાલી ઊઠવાનું કારણ ન મળત. જોકે વીણા સરખી ભણેલી, સંસ્કારી અને પો

14

સમાન હક્ક

23 June 2023
0
0
0

સમાન હક્ક સહશિક્ષણના અનેક લાભો છે, તેમાં મુખ્ય લાભ તો એ છે કે યુવક–યુવતીને પરસ્પર પિછાનની પૂર્ણ તક મળે છે, સ્નેહલગ્ન માટે સુંદર ક્ષેત્ર તૈયાર થાય છે, અને માબાપની પસંદગીના પ્રણાલિકાવાદનો ભંગ કરી બંડખો

15

ભાઈ હિંદુઓ સાથે

23 June 2023
0
0
0

ભાઈ હિંદુઓ સાથે  લગ્નસંબંધમાં જોડાવાથી મુસ્લિમ રાજસત્તા સ્થિર અને વ્યાપક બનશે એવી અકબર ભાવના હજી લુપ્ત થઈ ન હતી. અમીનાબાદના યુવાન નવાબ અહમદખાને જોયું કે પાડોશના ઠાકોર રાજસિંહને વફાદાર રાખવા માટે એક જ

16

ખૂન

23 June 2023
1
0
0

ખૂન પોલીસથાણામાં દોડતો શ્વાસભર્યો માણસ આવી ઊભો રહ્યો, અને પોલીસ અમલદારે ધાર્યું કે કોઈના ખૂનની ખબર આવી. 'સાહેબ ! સાહેબ ! ' માણસથી આગળ બોલી શકાયું નહિ. 'અરે પણ છે શું? આટલો ગભરાય છે કેમ ? ' અમલદારે

17

પંકજ

23 June 2023
1
0
0

પંકજ ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એ

---

એક પુસ્તક વાંચો