shabd-logo

ખરી મા

23 June 2023

17 જોયું 17

ખરી મા

નાનકડો કુસુમાયુધ આજે મુંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી, સારાં કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેનાં માતાપિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબું પણ નવાઈભર્યું પાડ્યું હતું. પરંતુ માતા એ પુત્રને લાડ લડાવવા જીવી નહિ; તેને ચાર વર્ષનો મૂકી તે સ્વર્ગ વાસી થઈ અને ત્યાર પછી બે વર્ષ વીતી ગયાં, છતાં તેની માતા પાછી આવી નહિ.

'મા ક્યાં ગઈ ?' એ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો.

કોઈ કહેતું: ‘એ તો પ્રભુના ધામમાં ગઈ.' કોઈ કહેતું : 'મામાને ઘેર ગઈ.' કોઈ કહે: ‘એ તો જાત્રા કરવા ગઈ છે.' નોકર કહેતો : 'એ તે મરી ગઈ.'

'પણ મને લીધા વગર એ કેમ ગઈ ?' કુસુમાયુધની એ આંસુ ભરી ફરિયાદ સૌની આંખમાં આંસુ લાવતી હતી. એક વર્ષ સુધી એ ફરિયાદ કરી કરી થાકેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો : ‘પણ મા પાછી તો આવશે જ ને?'

એ પ્રશ્ન સાંભળી સૌ કોઈ તેની સામે જોઈ રહેતું. ક્વચિત આંખ ઉપર લૂગડું ઢાંકી દેતું, અને કોઈ વખત થડકતે કંઠે જવાબ આપતું :

'હા હા, આવશે હો ! જાઓ, રમો.'

એટલો જવાબ બાળકના અંગેઅંગમાં સ્ફુર્તિ પ્રેરતો. તે દોડતો, રમતો, હસતો. ચારપાંચ દિવસે વળી પાછો એને એ પ્રશ્ન પુછાતો. છેવટે તેણે એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. આસપાસનાં સર્વ મનુષ્યોએ કાવતરું કરી તેને તેની માથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં જન્મી અને તે એકલો એકલો રમવા લાગ્યો. માત્ર રાત્રે ઊંધમાં તે કઈ વાર લવી ઊઠતો : 'મા ! મા !'

તેનો પિતા ઝબકીને જાગી ઊઠતો અને તેને શરીરે હાથ ફેરવતો.

એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મથતો. માના સરખુ લૂગડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારીધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો.

બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. આ સ્ત્રી તો પછી બધાંની માફક નાસી નહિ જાય? એ વિચારે તેને ગભરાવ્યો, સૌની માફક આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો. તેણે બેત્રણ પેટીઓ પોતાના સૂવાના ઓરડામાં ગોઠવાવી, તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહિ જાય. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું : 'તમે અહીં રહેશે કે જતાં રહેશો?'

પેલી યુવતીને હસવું આવ્યું. તેણે સામે પ્રશ્ન કર્યો : 'તમને શું ગમશે? હું રહું તે કે જાઉં તે?'

'અહીં રહો તે જ ગમે.' કુસુમાયુધે જવાબ આપ્યો. તેને સમજ પડી નહિ કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબંધે છે.

તે સ્ત્રીએ કુસુમાયુધને થોડાં રમકડાં આપ્યાં, સારાં કપડાં પહેરાવ્યાં, માથું ઓળી આપ્યું. પિતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. આવી સ્ત્રી કોણ હશે? કેમ આવી હશે? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો.

તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી છે ખરી. પરંતુ પિતાની આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી ? આવું કેમ જોયા કરતી હતી ? આછું આછું હસતી કેમ હતી ? આ સ્ત્રી ઘરમાં રહ્યા જ કરે તો કેવું સારું ? મા પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી ?

કુસુમાયુધથી રહેવાયું નહિ એટલે સૂતાં પહેલાં તેણે પૂછ્યું : 'તમે મારા સગાં થાઓ કે નહિ ?'

'હા.'

'શા સગાં થાઓ ?'

યુવતી સહેજ અટકી. તેની આંખ સ્થિર થઈ. તેને સગપણની સમજ નહિ પડી હેાય કે શું ?તત્કાળ સ્થિર થઈ તેણે જવાબ આપ્યો : 'હું તમારી મા થાઉં.'

'મા?’

કુસુમાયુધના હૃદયમાં અનેક વિચાર આવી ગયા. સગપણ સાંભળતાં બરાબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે બાઝી પડે. પરંતુ કેણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહિ. છતાં તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાના બે હાથ વડે દાબ્યો. મા કહેવરાવવા માગતી સ્ત્રી જરા હસી; પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય ? શા માટે તે પોતાને ખોળામાં લઈ વહાલ નથી કરતી? કુસુમાયુધે શંકા પૂછી : 'તમે મારાં ખરાં મા થાઓ ?'

બાળકની બુદ્ધિ મોટાંને તાવે છે. પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે; તે જાણીને જ તેણે પોતાનાં લગ્ન થવા દીધાં હતાં. પરંતુ બાળઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપરમાને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો એની તેને પૂરી ખબર નહોતી. છતાં તેણે જવાબ આપ્યો : 'હા ભાઈ ! હું તમારી ખરી મા થાઉં, હો !'

'ત્યારે તમે મને “તું” કહીને કેમ બોલાવતાં નથી?'

'એમ કરીશ.'

'અને હું તમને શું કહું ?'

'બહેન કહેજો.'

મા કે બા જેવો શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેના કંઈ કંઈ કોડ તેને પૂરવાના હતા. “મા” કે “બા” શબ્દ તો બહુ ઘરડો પડે એમ તેને લાગ્યું.

બાળક હતાશ થયો. એ તેની ખરી મા નહોતી. નિઃશ્વાસ નાખી તે ઊંઘી ગયો.


બીજી વાર લગ્ન કરનાર પુરુષને લોકો હસે છે, મહેણું મારે છે. ક્વચિત તેનો હળવો તિરસ્કાર પણ કરે છે. મોટે ભાગે સ્ત્રીઓ અને પત્નીસુખ ભોગવતા પુરુષો આ વૃત્તિ ધારણ કરે છે. સ્ત્રીઓની એ વૃત્તિ સકારણ છે. સ્ત્રીઓને સંસારસુખ વગર ચાલશે અને તેમણે ચલાવવું જ જોઈએ એવી પ્રથા પાડનાર પુરુષો સંસારસુખ વગર ક્ષણ પણ ચલાવી ન લે તો તેઓ સ્ત્રીઓના તિરસ્કારને પાત્ર છે જ. પરંતુ પત્નીસહ સંસારસુખ અનુભવતા પુરુષો પણ એ તિરસ્કારવૃત્તિ દેખાડવામાં સામેલ થાય ત્યારે તેમને કોઈ જરૂર કહી શકે કે એ હક તમારો નથી.

બાળક કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાળ સ્વીકાર થયો અને તેનાં લગ્ન થયાં. પુરુષ સમજણો હતો; તેણે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે. યુવતીએ તે કબૂલ કર્યું : એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું. અને ઘરમાં આવી માતૃભાવભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાને પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો.

'કુસુમાયુધ હવે ઊઠશો કે ? સાત વાગી ગયા.' ધીમેથી તે બાળકને જગાડતી.

'હવે માથામાં ધુપેલ નાખવું જોઈએ.' બાળક તેની પાસે બેસી વાળ ઓળાવતો.

'હવે નાહી લ્યો.' કુસુમાયુધ નાહી લેતો.

'ભાઈ હવે ઊઠી જાઓ. બે કરતાં વધારે રોટલી ન ખવાય, માતાની આજ્ઞા પાળી બાળક ઊઠી જતો.

'બહુ દોડવું નહિ, હો !' બાળકના પગ આજ્ઞા થતાં અટકી જતા.

'અને ચીસ પાડીને બોલાય જ નહિ.' બાળકના અણુઅણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો.

બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપરમામાં જાગૃત થઈ ગઈ. બાળક સુખી અને સારો થાય એ માટે તેણે ભારે મહેનત લેવા માંડી.

બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો; પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી : 'મા આવી હોય ?'

આકાશમાં ઊડતું કલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે તે સ્થિરતા કુસુમાયુધની થઈ. તેનાં કપડાંમાં સ્વચ્છતા આવી; તેની ગતિમાં સ્થિરતા આવી; ગૂંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે ડહાપણભરી શાંતિનો એણે સહુને અનુભવ કરાવ્યો; અને આખો દિવસ પગ ન વાળતો ધાંધલિયો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગ્યો.

માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું. 'આ કુસુમાયુધ બિલકુલ લોહી લેતો નથી. ડૉક્ટરને પૂછો ને ?' અપરમાને ચિંતા થઈ.

પિતાને વધારે ખાતરી થઈ કે મા પોતાની ફરજ બરાબર બજાવે છે. તેણે સારા ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટરે કુસુમાયુધને જોઈ મત આપ્યો : 'કાંઈ ખાસ વિક્રિયા નથી. કૉડલીવર આપો.'

માએ કૉડલીવર કાળજીપૂર્વક પાવા માંડ્યું. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં માંદા રહેવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ તેણે પોતાના મતને કચરી નાખ્યો.

'ભાઈ ! આટલી દવા પી લ્યો; પછી રમવા જાઓ.' મા કહેતી.

'બહેન ! એ તો નથી ભાવતી.'

'ન ભાવે તો ય એ તો પીવી પડે.'

'કેમ ?'

'ડૉક્ટરસાહેબે કહ્યું છે.'

‘એમના કહ્યા પ્રમાણે કરવું જોઈએ ?'

'હાસ્તો !'

'તે બધાંયના કહ્યા પ્રમાણે કરવું જોઈએ?'

'મોટાં કહે તે પ્રમાણે નાનાએ કરવું જ જોઈએ.’

'ન કરીએ તો ?'

'માંદા પડાય.'

'હું માંદો પડ્યો છું ?'

'હા; જરાક.'

'દવા ન પીઉં તો?'

'તો મરી જવાય.'

અપરમાએ બીક બતાવી. બાળકને તે ધમકાવતી નહિ. બાળઉછેર વિષે તેણે ઘણું વાંચ્યું હતું એટલે ધમકાવવા કરતાં વાદવિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. આટલી લાંબી વાત ક્વચિત જ થતી; પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થતો. જો કે બાળકનો મત એ વિષે જુદો જ હતો.

'મરી જવાય તો શું ખોટું?' શાન્ત બની કૉડલીવર પી જતાં બાળકના હૃદયમાં પ્રશ્ન થયો.

'મા મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું.' તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભુલાઈ જવા આવેલી વાત યાદ આવી.

'હું પણ મરી જાઉં તો માને મળાય, નહિ? ' તેના મને તર્ક કર્યો. એ તર્ક તેને પ્રમાણરૂપ લાગ્યો.

કૉડલીવર અને કાળજી છતાં કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો.૩

'ભાઈ ! તમને શું થાય છે?' નિત્યનિયમ પ્રમાણે નાહીને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું.

'કાંઈ નહિ, બહેન !' કુસુમાયુધે જવાબ આપ્યો.

'અરે, પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે !'

'મને ખબર નથી.'

'અને આ શરીર ઉપર રૂવાં ઊભાં થઈ ગયાં છે.'

'જરા ટાઢ વાય છે.'

‘ત્યારે તમે નહાયા શું કરવા?’

'નહાયા સિવાય જમાય નહિ, અને જમ્યા સિવાય તો નિશાળે કેવી રીતે જવાય ?' કુસુમાયુધે પોતાના જીવનને ઘડતા એક ગૃહનિયમનું પ્રમાણ ટાંક્યું. એમ કરતાં બાળક વધારે કંપી ઊઠ્યો. માતાએ જોયું કે કુસુમાયુધના દાંત કકડી ઉઠતા હતા. તેણે બૂમ પાડી : 'અરે બાઈ ! જો ને, ભાઈને તાવ તો નથી આવ્યો?'

નોકરબાઈએ આવી બાળકના શરીરને હાથ અડાડ્યો અને કહ્યું: 'બા સાહેબ ! શરીર તો ધીકી ઊઠ્યું છે!'

'આમ એકદમ શાથી થયું ?'

'હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ઊનું લાગ્યું હતું.'

‘ત્યારે તેં નવરાવ્યો શું કામ ?'

'મારા મનમાં કે અમસ્તું જ હશે.'

‘જા જા, પથારી પાથરી ભાઈને સુવાડી દે. બરાબર ઓઢાડજે. હું ડૉક્ટરને બોલાવું.'

'પણ બહેન ! મારી નિશાળનું શું ?' નોકરબાઈના હાથમાં ઉંચકાતા કુસુમાયુધે પૂછ્યું.

માતાને આ બાળકની નિયમભક્તિ જોઈ દયા આવી. તે બોલી ઊઠી :

'મોઈ નિશાળ ! આવા તાવમાં જવાય ? જઈને સૂઈ જાઓ, ભાઈ, હું આવું છું હો.'

નોકરબાઈ બાળકને ઊંચકી લઈ ગઈ. માતા બબડી ઊઠી : 'ભાડૂતી માણસો ! એમને શી કાળજી? શરીર ઊંનું હતું ત્યારે નવરાવ્યો જ શું કામ ? પણ નોકરને શું ?'

થોડી વારમાં ભાડૂતી ડૉક્ટર પણ આવી પહોંચ્યા. ભાડૂતી બાઈના હવાલાને બદલી નાખી તે ક્ષણ પૂરતો બાળકનો હવાલો અપરમાએ લીધો. બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીક્ત તેણે ડૉક્ટરને કહીં. સૂવા મથતા બાળકની આંખના પોપચાં ડૉક્ટરે ખેંચી ઉઘાડ્યાં; તેની બગલમાં થર્મોમીટર ખોસી દીધું બાળકને તેમણે ચતું કર્યું, ઉંધું સુવાડ્યું, અને તેની છાતી, પેટી તથા વાંસામાં તડિંગ ડિંગ આંગળાં ઠોકાયાં. ઊથલાઊથલી પૂરી કરી ડૉક્ટરે દવા લખી આપી; અને જરૂર પડ્યે ફરી બોલાવવાનું ધીરજપૂર્વક સૂચન કરી તેઓ ચાલ્યા ગયા.

બાળકનો તલખાટ વધી ગયો. તેનો દેહ આમતેમ તરફડતો હતા. માતાએ ડોક્ટરને ફરી બોલાવ્યા. બાળકના પિતાને પણ કચેરીમાંથી બોલાવ્યા. પતિપત્ની બાળકની પાસેથી ઊઠ્યાં નહિ. રાત્રે માએ જમવાનું પણ માંડી વાળ્યું.

બાળકના માથા ઉપર સતત બરફ મૂકવાનો ડૉક્ટરનો હુકમ હતો. ડૉક્ટરો હુકમ આપતી વખતે હુકમ પળાવાની શક્યતાનો ભાગે જ વિચાર કરે છે. નોકરો બરફ મૂકી કંટાળ્યા, અને બાળકના માથા ઉપર જ ઝોકાં ખાવા લાગ્યા. માતાએ નોકરોને સુવાડી દીધા અને બરફ ફેરવવાનું પોતે શરૂ કર્યું. ફરજ બજાવવા મથતી માતાને એમાં કાંઈ ભારે કામ લાગ્યું નહિ. રાતના બાર વાગતાં સુધી તેણે વગર આંખ મીંચે બાળકને માથે બરફની થેલી ફેરવ્યા કરી. પછી તેના પતિએ આગ્રહ કરીને તેને સુવાડી. અને તે પોતે પુત્રની શુશ્રષામાં રોકાયો.

માતાને કોણ જાણે કેમ ઊંઘ ન આવી. જરા વાર થઈ અને બાળકે ચીસ પાડી : 'ઓ મા !'

અપરમા પથારીમાંથી એકદમ ઊડીને બેઠી થઈ ગઈ. અણઘડ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી અને તે પછી પોતે બાળક પાસે બેઠી.

રાત્રિના એકાન્તમાં ફરી બાળક લવી ઊઠ્યો: 'મા!'

'ઓ દીકરા !' એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહિ; તેને જરા શરમ આવી. તેણે માત્ર એટલું જ પૂછ્યું :

'કેમ ભાઈ ! શું છે?'

બાળકે આંખ ઉઘાડી અને અપરમા સામે જોયું.

'તમે નહિ.' કહી બાળકે આંખ મીંચી દીધી.

'બૂમ પાડી ને ?'

'એ તો માને બૂમ પાડી.' આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું.

'તે હું જ મા છું ને !' માતાએ કહ્યું.

બાળકે ફરી આંખ ઉઘાડી માતા તરફ તાકીને જોયું.

'હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું.' અપરમાનું હૃદય ધડકી ઊઠ્યું, તેના હૃદયમાં ચીરો પડ્યો. 'હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી ?'

તેણે કહ્યું : 'તે હું જ વળી ખરી મા છું.'

'ખરી મા મને તું કહેતી હતી : તમે નહિ.'

'મેં ક્યારે તને 'તમે' કહીને બોલાવ્યો ?' માતા જૂઠું બોલી.

‘પણ મારી ખરી મા તો મરી ગઈ છે ને ?'

'તે હું આવી, જોતો નથી ?'

'કેમ ?'

'ઓ દીકરા, તારે માટે !'

અપરમા ખરી મા બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વને પાતાળકૂવો ફૂટી નીકળ્યો. બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો લીધો.

બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહતી. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરખો ચાંપીને ખરી મા જ સૂએ. ખરી માને બાઝીને કુસુમાયુધ ગાઢ નિદ્રામાં પડ્યો: તેના દેહને બાળતો અગ્નિ શાન્ત પડી ગયો.

હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી. આજે તે માની અમૃતભરી સોડ પામ્યો હતો 

17
લેખ
પંકજ
4.0
ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એમાં પણ અજબ રોમાંચ થાય છે. 'પણ આપણે વ્યાપારના જ સટ્ટામાં પડી રહીશું? કાંઈ બીજો સટ્ટો કરીએ તો ?' મધુકરે પૂછ્યું. 'હા. લગાવ બીટ. એબિસીનિયા જીતશે કે ઈટલી? હજારથી દસ હજાર રૂપિયા સુધીની મારી તૈયારી છે. ચાલ.' મેં કહ્યું. મધુકર જરા હસ્યો. તેનું હાસ્ય કેટલીક વખત અમને અપમાન ભર્યું લાગતું. અમારા બધાથી જાણે તે ઘણો મોટો માણસ હોય એવો એ હાસ્યમાં ભાવ હતો. 'શાને હસે છે? તારું જિગર ક્યાં ચાલે છે?' 'જિગર તો ચાલે છે, પણ તમારી ઢબે નહિ.' મધુકરે કહ્યું. 'હજી બીજા પાંચ હજારની મારી તૈયારી છે. બોલ, શું કહે છે?'
1

ખરી મા

23 June 2023
0
0
0

ખરી મા નાનકડો કુસુમાયુધ આજે મુંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી, સારાં કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેનાં માતાપિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબું પણ નવા

2

ખરી મા

23 June 2023
0
0
0

ખરી મા નાનકડો કુસુમાયુધ આજે મુંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી, સારાં કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેનાં માતાપિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબું પણ નવા

3

લગ્નની ભેટ

23 June 2023
0
0
0

લગ્નની ભેટ ૧ 'સુરભિ ! જો ને બહાર કોણ ઘર પૂછે છે?' નિસ્તેજ અને જીર્ણ લાગતા ઘરની ઓસરીમાં ખાટલા ઉપર સૂતેલી એક રોગગ્રસ્ત સ્ત્રીએ પોતાની દીકરીને ધીમેથી પૂછ્યું. સુરભિ અંદરના ખંડમાં દીવો સળગાવતી હતી.

4

પુનર્મિલન

23 June 2023
0
0
0

પુનર્મિલન ૧ બહુ થોડા શિક્ષકોના ભાગ્યમાં વિદ્યાર્થી પ્રિય થવાનું લખાયું હોય છે. મોટે ભાગે શિક્ષકો હસવા માટે અગર ક્વચિત ભયની લાગણી અનુભવવા માટે કામમાં આવે છે. પરંતુ વિનોદરાય અપવાદ બની વિદ્યાથીઓના આદ

5

મૂર્તિપૂજા

23 June 2023
0
0
0

મૂર્તિપૂજા ૧ સુરેન્દ્ર ઘેલો થઈ જશે એમ મને લાગે છે.' 'શા ઉપરથી ?' 'સાંભળતા નથી, અંદર એકલો બોલ્યા કરે છે તે ?' 'કોઈ ડોકટરને બતાવીએ.' 'જરૂર. કાંઈ રસ્તો કાઢવો પડશે.' 'વર્ષ થઈ ગયું છતાં હજી પરણવાન

6

ગુનાની કબૂલાત

23 June 2023
0
0
0

ગુનાની કબૂલાત ૧ હું ગુનો કબૂલ કરું છું. મને મારવાની જરૂર નથી; અંગૂઠા પકડાવવાની જરૂર નથી; અદ્ધર ટીંગાડવાની જરૂર નથી; મારા નખ નીચે ટાંકણીઓ ભોંકવાની જરૂર નથી. ગુનો કબૂલ ન કરવો એટલે શું તે હું જાતઅનુભવ

7

આંસુના પાયા

23 June 2023
0
0
0

આંસુના પાયા ૧ જયરામ મિસ્ત્રીનું નામ બધે જાણીતું હતું. મોટા રસ્તા કરવા હોય, નદી ઉપર પૂલ બાંધવા હોય, મોટાં મોટાં મકાનો બાંધવાં હોય તેમાં જયરામ મિસ્ત્રી ખરા જ. પહેલા વર્ગના એ કોંટ્રાક્ટર. ગોરા ઈજનેરો

8

ધનિક હૃદય

23 June 2023
0
0
0

ધનિક હૃદય ૧ મન્મથ અને હું કૉલેજમાં સાથે ભણતા. એ ભણતો ત્યારથી જ ઘણો ઉડાઉ હતો. ઔદાર્ય અને ઉડાઉપણા વચ્ચેનો ભેદ ભાગ્યે જ સમજી શકાય એવો હોય છે. એ બહુ સ્વચ્છ, ડાઘ વગરનાં અને સહજ દમામદાર વસ્ત્રો પહેરતો.

9

માનવતા

23 June 2023
0
0
0

માનવતા ૧ સનતકુમાર એક કવિ હતા. કેટલાક તેમને મહાકવિ કહેતા હતા. જે તેમને મહાકવિ કહેતા ન હતા તે પણ એમ તો કહેતા જ કે તેમનામાં મહાકવિ બનવાની શક્યતા તો છે જ. બહુ નાની ઉંમરથી તેમણે કવિતા લખવાની શરૂઆત કરી

10

વૃદ્ધ સ્નેહ

23 June 2023
0
0
0

વૃદ્ધ સ્નેહ ૧ બહુ જ સંભાળથી પુત્ર અને પુત્રવધૂએ પ્રભાલક્ષ્મીને પથારીમાં બેઠાં કર્યાં; તેમનો દેહ કૃશ બની ગયો હતો. મોટા તકિયાને અઢેલાવી તેમને બેસાડ્યાં. ચારેપાસ તેમણે વાત્સલ્યભરી દૃષ્ટિ ફેરવી. કુટું

11

કીર્તિ કેરા કોટડા

23 June 2023
0
0
0

કીર્તિ કેરા કોટડા ૧ 'વંદે માતરમ્ ! મહાત્મા ગાંધી કી જય ! જયંતકુમાર કી જય !' સ્ટેશને ગાડી ઊભી રહી, અને લોકોનું મોટું ટોળું જયનાદ કરી ઊઠ્યું. ગાડીની બારીઓ પાસે બેઠેલા ઉતારુ ટોળાં તરફ જોવા લાગ્યા. અંદર

12

ચંદા

23 June 2023
0
0
0

ચંદા ૧ ગામડાં શહેરો કરતાં વધારે કદરૂપાં છે એમ કહેનારે ગામડાંને ચાંદની રાત્રે નીરખવા જોઈએ. સરકારી કામકાજ સાંજે પૂરું કરી ચોરાની આગળના ચોગાનમાં હું આરામખુરશી ઉપર પડ્યો અને ચંદ્ર ઊગ્યો. ઊગતાં બરોબર ચ

13

ઘેલછા

23 June 2023
0
0
0

ઘેલછા અસામાન્ય બનાવ બને એટલે તે સાર્વજનિક બની જાય છે. વીણાએ સામાન્ય રીતે — જગતમાં સાધારણ બને છે એવી રીતે– લગ્ન કર્યું હોત તો તેથી સમાજને હાલી ઊઠવાનું કારણ ન મળત. જોકે વીણા સરખી ભણેલી, સંસ્કારી અને પો

14

સમાન હક્ક

23 June 2023
0
0
0

સમાન હક્ક સહશિક્ષણના અનેક લાભો છે, તેમાં મુખ્ય લાભ તો એ છે કે યુવક–યુવતીને પરસ્પર પિછાનની પૂર્ણ તક મળે છે, સ્નેહલગ્ન માટે સુંદર ક્ષેત્ર તૈયાર થાય છે, અને માબાપની પસંદગીના પ્રણાલિકાવાદનો ભંગ કરી બંડખો

15

ભાઈ હિંદુઓ સાથે

23 June 2023
0
0
0

ભાઈ હિંદુઓ સાથે  લગ્નસંબંધમાં જોડાવાથી મુસ્લિમ રાજસત્તા સ્થિર અને વ્યાપક બનશે એવી અકબર ભાવના હજી લુપ્ત થઈ ન હતી. અમીનાબાદના યુવાન નવાબ અહમદખાને જોયું કે પાડોશના ઠાકોર રાજસિંહને વફાદાર રાખવા માટે એક જ

16

ખૂન

23 June 2023
1
0
0

ખૂન પોલીસથાણામાં દોડતો શ્વાસભર્યો માણસ આવી ઊભો રહ્યો, અને પોલીસ અમલદારે ધાર્યું કે કોઈના ખૂનની ખબર આવી. 'સાહેબ ! સાહેબ ! ' માણસથી આગળ બોલી શકાયું નહિ. 'અરે પણ છે શું? આટલો ગભરાય છે કેમ ? ' અમલદારે

17

પંકજ

23 June 2023
1
0
0

પંકજ ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એ

---

એક પુસ્તક વાંચો