પુનર્મિલન
૧
બહુ થોડા શિક્ષકોના ભાગ્યમાં વિદ્યાર્થી પ્રિય થવાનું લખાયું હોય છે. મોટે ભાગે શિક્ષકો હસવા માટે અગર ક્વચિત ભયની લાગણી અનુભવવા માટે કામમાં આવે છે. પરંતુ વિનોદરાય અપવાદ બની વિદ્યાથીઓના આદર્શ રહી શક્યા હતા. તેમનું સુંદર છટાદાર શિક્ષણ, હસમુખો સ્વભાવ, ક્રિકેટ-ટેનીસ રમવા – રમાડવાનો શોખ અને વિદ્યાર્થીઓ માટેની કાળજી તેમને વિદ્યાર્થીવર્ગની પૂજ્યમૂર્તિ બનાવી રહ્યાં હતાં. શહેરની હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક તરીકે બે માસથી તેઓ બદલાઈએ આવ્યા હતા. એટલામાં તો વિદ્યાર્થીઓ તેમને માટે ઘેલા બની ગયા.
સાંજને પહોર ક્રિકેટ રમી ઘેર આવી વિનોદરાય ઘડી બેઠા. આવતી કાલે એક મૅચ રમવાની હતી અને તે માટે રમનારાઓની છેવટની પસંદગી કરવા વિદ્યાર્થી ખેલાડીઓ ટોળે વળી તેમને ઘેર પહોંચ્યા. વિનોદરાયને વિદ્યાર્થીઓ વીંટાઈ વળે એની નવાઈ નહોતી. તેમણે પોતાની અંતિમ પસંદગી જાહેર કરી જે સહુને યોગ્ય લાગી. વિદ્યાર્થીઓને ઝડપથી જવાની ટેવ નહોતી. મૅચનો દિવસ એ વિદ્યાર્થીઓને મન મોટું પર્વ ગણાય છે. વાતે ચડેલા વિનોદરાયે એકાએક પૂછ્યું :
'અત્યારે ટાઢ છે કે શું?'
'ના રે, સાહેબ!' એક વિદ્યાર્થીએ કહ્યું.
'ત્યારે મને થોડી વારથી કમકમી કેમ આવ્યા કરે છે?'
'તાવ તો નથી આવ્યો, સાહેબ ?'
'શું બોલે છે તું ?' કાલે તમારી મૅચ અને આજે મને તાવ આવે? એ બને જ નહિ.' હસતાં હસતાં વિનોદરાયે કહ્યું અને પોતાનો હાથ કપાળ ઉપર, બીજો હાથ છાતી ઉપર ફેરવી તેઓ બોલ્યા :
'કાંઈ શરીર ઊનું લાગતું નથી.'
છતાં ટાઢથી શરીર કંપી ઊઠતું અટક્યું ન હતું. તેમણે હાથ લાંબો કરી એક વિદ્યાર્થીને પૂછ્યું :
'જો, તને કેમ લાગે છે?'
'સાહેબ તાવ જ છે. હાથ ગરમ લાગે છે.'
'ડૉક્ટરને બોલાવું?' બીજા વિદ્યાર્થીએ કહ્યું.
એ તો તરત ઊતરી જશે. હમણાં ક્વિનીન લઉં છું.' કહી વિનોદરાય પથારી પથરાવી અને સૂતા. બરોબર ત્રણેક ગોદડાં ઓઢી લીધાં.
'હવે તમે બધાં જાઓ.' વિનોદરાયે કહ્યું.
'સાહેબ ! કહો તો રાત્રે આવીએ.' એકબે વિદ્યાથીઓ જતાં જતાં બોલ્યા.
'ના રે, એમાં શી મોટી વાત છે?' કહી વિદ્યાર્થીઓને વિદાય કરી સૂતેલા વિનોદરાય સવારમાં વિદ્યાર્થીઓ તેમની ખબર જોવા આવ્યા ત્યાં સુધી તો ઊઠ્યા જ નહોતા.
શિષ્યોની વફાદારી સૈનિકો સરખી જ હોય છે. શિક્ષકના ઘણા દોષ તેઓ ચલાવી લે છે. શિક્ષકો માટે તેમને કદી વેર વસતું નથી. શિક્ષાનો બદલો લેવાની તેઓ ભાગ્યે જ ઈચ્છા કરે છે. શિક્ષકોની વિચિત્રતા તેઓ સહી લે છે. અપ્રિય શિક્ષક માટે તેઓ આટલું કરે તો પછી પ્રિય શિક્ષક માટે તેઓ શું ન કરે? સવાર થતાં તે વિદ્યાથીઓનું એક નાનું ટાળું વિનોદરાયની ખબર લેવા ભેગું થયું.
વિદ્યાથીઓ કલાક થોભ્યા, બે કલાક થોભ્યા; પરંતુ વિનોદરાય જાગ્યા નહિ. નોકરે તેમને જગાડવા પ્રયત્ન કર્યો તે નિષ્ફળ ગયો. એકબે મોટા વિદ્યાર્થી ધીમી બૂમે તેમને જગાડવા મથ્યા :
'સાહેબ ! સાહેબ !'
પરંતુ વિનોદરાયે આંખ ન ઉઘાડી; અને જ્યારે આંખ સહેજ ઉઘાડી ત્યારે તે આંખ કોઈને ઓળખાતી ન હોય એવી વિકળ અને ખાલી દેખાઈ.
ગભરાયેલા વિદ્યાર્થીઓ બીજા શિક્ષકને ત્યાં દોડી ગયા. મુખ્ય શિક્ષકને બેભાની અર્પતો સખત જ્વર આવ્યો સાંભળી બીજા શિક્ષકે ડૉકટરને સાથે લાવવાનું ડહાપણ વાપર્યું. ડોકટર આવતાં બરાબર ચિડાઈ ઊઠ્યા :
'માંદા માણસની આસપાસ આટલાં વાંદરાં કેમ ભેગાં કર્યા છે?'
દર્દીના હિત માટે માત્ર કડવી દવા જ નહિ, પરંતુ કડવા બોલ પણ વાપરવાનો ડોક્ટરને પરવાનો મળેલો હોય છે. વિનોદરાયના મદદનીશે કશો જવાબ દીધો નહિ. ડૉકટરે ઝીણવટથી દર્દીને તપાસી ડોકું ધુણાવ્યું.
'ગંભીર સ્થિતિ છે. ત્રિદોષ લાગે છે.'
'હવે ?'
'ઘરમાં કોઈ બૈરી છે કે નહિ ?'
'મને ખબર નથી.'
'તમને ખબર નથી? કેવા અતડા માણસ છો ? મા, બહેન, પત્ની કોઈ પણ છે નહિ?' ડોકટરે વધારે ચિડાઈને પૂછ્યું.
સ્ત્રીજાતિમાંથી વિનોદરાયનું કોઈ સગું હતું કે નહિ તેની ભાગ્યે જ કોઈને ખબર હતી. સારા શિક્ષક તરીકે તેમની શિક્ષકવર્ગમાં પણ સારી નામના હતી. પરંતુ તેમના નામોચ્ચાર સાથે તેમના કૌટુમ્બિક જીવનની અગમ્યતાને સહુને ભાસ થતો. કેટલાક માનતા કે તેઓ પરણ્યા જ નહોતા; કેટલાક એમ ધારતા કે તેઓ વિધુર છે; વળી કેટલાક એમ પણ સૂચવતા કે તેમની પત્ની નાસી ગઈ છે; અને કેટલાક એમ ખબર લાવતા કે તેઓ જાતે જ તેમની પત્નીથી નાસી છૂટ્યા છે ! આ હકીકતો છૂટી છૂટી અગર ભેગી મળી વિનોદરાયના ગાર્હસ્થ્યને એક ભેદ બનાવી મૂકતી. વિદ્યાર્થી સિવાય તેમને કોઈ મિત્રો નહોતા. અને મૈત્રી વગર આ ભેદનો ઉકેલ કોઈથી થઈ શકે એવો નહોતો. વિનોદરાય પરણેલા છે કે નહિ તે જાણવાની વિદ્યાર્થીઓને બહુ ઓછી દરકાર રહેતી. તેમનું આછું કુતૂહલ વિનોદરાયમાં દોષ જોવા પ્રવૃત્ત થતું નહિ.
એમના માણસને પૂછીએ. એને ખબર હશે. શિક્ષકે કહ્યું અને ધીમે ધીમે રહી તેમણે વિનોદરાયના રસોઈયાને બોલાવ્યો.
'રવિશંકર ! તું સાહેબ પાસે કેટલાં વરસથી છે?'
'પંદરેક વરસ થયાં સ્તો.' રસોઈયાએ જવાબ દીધો.
'સાહેબને મા કે બહેન છે?'
'ના જી.'
'સાહેબને વહુ છે?' !
રસોઈયો ચમક્યો. તેણે શિક્ષક તેમ જ ડૉક્ટરની સામે વિચિત્ર મુખ કરી જોયું અને પૂછ્યું :
'શું કામ છે?'
'અરે શું કામ છે ? જોતો નથી ? સ્ત્રીની સારવાર વગર મટવું મુશ્કેલ છે. ચાલ, તાર કરીને બોલાવો હમણાં અને હમણાં.” ડૉક્ટર ગર્જ્યા.
વિનોદરાયની બેભાની ચાલુ જ હતી. શિક્ષકે તાર લખવા એક કાગળ લીધો અને રસોઈયાને કહ્યું :
'સાહેબનાં વહુનું સરનામું લખાવ.' રસોઈયો ફરી અટક્યો. તેણે વિનોદરાય તરફ જોયું અને ડૉક્ટર તરફ જોયું.
'ચાલ જલદી કર, ફાંફાં કેમ મારે છે?' ડૉક્ટરે ધમકાવ્યો
ધમકીની અસર નીચે રસોઈયાએ સરનામું આપ્યું. અને શિક્ષકે એક શિષ્ય સાથે વિનોદરાયની ગંભીર સ્થિતિની ખબર આપતો તાર મોકલાવ્યો.
સહુને ખાતરી થઈ કે વિનોદરાયનાં પત્ની છે. વિદ્યાર્થીઓ, શિક્ષક અને ડૉક્ટર તેમની આવવાની રાહ જોતાં બને એટલી સારવાર કરવા લાગ્યાં.
વિદ્યાર્થીઓની ક્રિકેટ મેચ તે દિવસે બંધ રહી.
૨
'રમાબહેન ! આ તાર આવ્યો છે.' રસોડાની વ્યવસ્થામાં રોકાયેલી રમાને તેની ભોજાઈએ કહ્યું.
'કોનો છે? બધાં ખુશીમાં છે ને?” તારનું નામ સાંભળી અગમ્ય ચિંતાથી વ્યગ્ર બની રમાએ પૂછ્યું.
'વિનોદરાય છે.' ભાભીએ કહ્યું.
'શું તમે યે આ ઉંમરે મારી મશ્કરી કરો છો?' રમાએ અણગમો બતાવ્યો. રમાને માટે મશ્કરીની ઉંમર વીતી ગઈ હતી. તે તંદુરસ્ત હતી. દેખાવડી હતી, પરંતુ તેની વયનાં પાંત્રીશે વર્ષ તેના મુખ ઉપર ઊઘ્ડી આવતાં હતાં.
'હું ખરું કહું છું; તમને ત્યાં બોલાવ્યાં છે.' ભાભીએ કહ્યું. ભાભીને ખબર હતી કે વિનોદરાય સંબંધી વાત રમાના હૃદયમાં ક્લેશ ઉપજવતી હતી. ભાઈભાભીની રમા આશ્રિત હતી એ ખરું, પરંતુ તેણે પોતાની અંગમહેનત અને શાંત સ્વભાવ વડે પોતાના ગુજરાનનું ભાઈભાભીને માથે પડતું ભારણ ક્યારનું ભરપાઈ કરી આપ્યું હતું. રમા વગર તેના ભાઈના ઘરની વ્યવસ્થા અટકી પડતી એ ભાભી સારી રીતે જાણતી હતી.
પંદર વર્ષે આજ બોલાવવાનું ક્યાંથી સૂઝયું ?' રમાએ પ્રશ્ન કર્યો.
'આ તાર આવ્યો છે, વાંચો.' ભાભીએ કહ્યું. તાર સારી રીતે વાંચી શકાય એટલું અંગ્રેજી રમા ભણી હતી. તાર વાંચતાં વાંચતાં રમાનું મુખ ગંભીર બની ગયું. તારમાં લખ્યું હતું કે,
'રમાબહેનને પ્રથમ મળતી ગાડીએ મોકલો. વિનોદરાય
ગંભીર માંદગીમાં છે. સારવાર વગર બચશે નહિ.
ડૉકટર.'
રમાએ ત્રણ વાર તાર વાંચ્યો. તેના મુખ ઉપર અનેક પ્રકારના ભાવ અંકિત થયા; તેના મુખ ઉપર મૂંઝવણ દેખાઈ.
'ભાભી ! શું કરું ?' છેવટે રમાએ પૂછયું.
'જવું જોઈએ. તૈયારી કરો.'
'હું ત્યાં જઈને શું કરીશ? મને તે ઓળખશે પણ નહિ.'
'એ ન ચાલે. કહો તો હું સાથે આવું.'
'તમને લઈ જઈ શું કરીશ? સહેજ માંદગી તો તમારાથી જોવાતી નથી.'
'તમારા ભાઈને લઈને જાઓ.'
'એને આજ ને આજ રજા કોણ આપે ?'
'ત્યારે હવે ?'
'હું જાઉં, પણ પગ પાછા પડે છે.'
'ગમે તેમ હોય તો ય હવે ન જ ચાલે. વગર બોલાવ્યે તો જતાં નથી ?'
'મને તો ડૉક્ટર બેલાવે છે.'
'આ વખતે ન જવાય તો કાળી ટીલી લાગે.'
'કાળી ટીલી બાકી રહે છે?'
રમા અને તેની ભાભી વચ્ચે લાંબી ચર્ચાને અંતે નક્કી ઠર્યું કે રમાએ એક માણસને લઈ જવું, અને બીજે દિવસે રજા મળ્યે ભાઈભાભીએ આવવું. પંદર વર્ષે અણગમતે, પગ પાછો પડવા છતાં રમા પતિ પાસે જવા નીકળી. તેના હૃદયે બહુ વિચિત્ર ભાવ અનુભવ્યા, અને ઊતરવાના સ્થળે તો લગભગ તેને એમ જ થયું કે તેનાથી આગળ ડગલું ભરાશે નહિ ! ભાઈને ઘેર પાછાં નાસી જવાની તીવ્ર ઈચ્છા રમાને થઈ આવી.
વિચારમાં સ્ટેશને ઊભી રહેલી રમાને રાત્રિના આછા અજવાળામાં કોઈએ પૂછ્યું :
'આપ ક્યાંથી આવો છો?”
રમાએ જે શહેરથી પોતે આવી હતી તે શહેરનું નામ કહ્યું.
'આપનું નામ રમાબહેન ને ?'
'હા.'
'હું આપને લેવા માટે આવ્યો છું. વિદ્યાર્થી સરખા દેખાતા એ પૃચ્છકે કહ્યું.
'ઠીક.' કહી રમાએ આગળ ચાલવા માંડ્યું. વિદ્યાર્થીને સમજ ન પડી કે રમા તે નિષ્ઠુર છે કે પતિની માંદગી સાંભળી ભયગ્રસ્ત બની ગઈ છે.
ઘોડાગાડીમાં વિદ્યાર્થીએ અતિશય અબોલ રહેલી રમાને બોલાવવાનો પ્રયત્ન કર્યો.
'સાહેબની તબિયત એવી થઈ ગઈ છે!'
'મને ખબર પડી છે.'
'આપ આવ્યાં એ બહુ સારું થયું.'
'કેમ ?'
'અમારાથી કાંઈ જોઈએ તેવી સારવાર થાય? આખી રાત અમે બધાં બેસીએ, પણ તમારા વગર શું થાય ?'
જે પતિને પંદર વર્ષ સુધી રમા વગર ચાલ્યું તે પતિના વિદ્યાર્થીને રમાની આટલી બધી જરૂર કેમ દેખાતી હતી તેનો મનમાં વિચાર કરતી રમા અનેકાનેક કલ્પના કરી રહી હતી.
'મને ઓળખશે ? ઓળખશે તો બોલાવશે ખરા ? બોલાવશે તો મારાથી જવાબ અપાશે?...હું અહીં આવી જ શા માટે ?... પાછી જાઉં તો ?... વિદ્યાર્થીઓ અને ડૉક્ટરો મારા કરતાં ઓછી સારવાર કરશે?...મેં ક્યાં આવવાની હા પાડી ?...' એકાએક ગાડી અટકી અને રમાને લાગ્યું કે તેનું હૃદય પણ અટકી ગયું.
'ઘર આવી ગયું.' વિદ્યાર્થી બોલ્યો.
'કોનું ઘર?... પતિના ઘરમાં રમાને હક છે?' વગર બોલ્યે તે નીચે ઊતરી. ઘરમાં પેસતાં જ તેનું બંધ પડી ગયેલું હૃદય જોરથી ધડકવા માંડ્યું. હવે પાછા ફરાય એમ હતું જ નહિ. તેણે વિદ્યાર્થીને બહુ જ ધીમેથી સંકોચ સહ પૂછ્યું.
'અત્યારે જાગતા તો નહિ હોય !'
'ના રે ! તદ્દન બેભાનીમાં છે.'
પતિ ઓળખશે નહિ, તેની સાથે બેસવું પડશે નહિ. એ વિચારે રમાના મનમાં સહજ હિંમત આવી. બહારના ખંડમાં એકબે શિક્ષકો અને સંખ્યાબંધ શિષ્યો તદ્દન શાંત બની બેસી રહ્યા હતા.
રમાને સ્ટેશને લેવા આવેલ શિષ્ય તેને અંદર લઈ ગયો. ઝાંખો દીવો બળતો હતા. એક ખાટલા ઉપર એક આકૃતિ લાંબી પડેલી હતી. રમા તેને ઓળખી શકી નહિ.
'આવી ગયાં? બહુ સારું થયું. તમારી સારવાર વગર ચાલે એમ હતું જ નહિ.' ડોકટર એક સ્થળેથી બોલી ઊઠ્યા.
થરથરતા પગે રમા ખાટલા પાસે ગઈ. તે કોની પાસે જતી હતી? ડોકટરને ખબર હતી કે વિનોદરાયને તેની પત્ની વગર પંદર વર્ષ સુધી ચાલ્યું હતું !
'જુઓ, ગભરાશો નહિ. યોગ્ય સારવાર હશે તો આરામ થયો જ સમજો. એકલાં છો એમ માનશો નહિ. ગમે ત્યારે મને બોલાવશો એટલે હું હાજર થઈશ.' ડૉક્ટરે અત્યારે જીભમાં મીઠાશ આણી રમા ખાટલા પાસે ગઈ અને યંત્રવત ખાટલા ઉપર જ બેસી ગઈ. ખાટલા ઉપર બેસતાં તેને ખૂબ અતડું અને અજાણ્યું લાગ્યું, પરંતુ હવે એ ક્રમ વગર છૂટકો જ નહોતો.
'બરફ આખી રાત માથે મૂકવો પડશે.' ડૉક્ટરે સલાહ આપી અને તે ઉપરાંત પણ ઘણી સુચનાઓ આપી.
એક કે બે માણસ કરતાં વધારે પાસે ન રાખશો. પેલા વિદ્યાર્થીઓને તે અંદર આવવા જ ન દેશો. ડોકટરને ખબર નહોતી કે વિદ્યાર્થીઓને વિનોદરાય કેટલા વહાલા હતા. ડૉક્ટર અને શિક્ષક ચાલ્યા ગયા. ધરમાં આવતા ચાર વિદ્યાર્થીઓ અને રસોઈયો એટલાં જ ઘરમાં રહ્યા. રસોઈયાએ રમાને જમવાનો આગ્રહ કર્યો. તેના પરિપક્વ થયેલા હૃદયમાં પણ અત્યારે તોફાન મચ્યું હતું હૃદયનાં તોફાનમાં સુધાતૃષા અદૃશ્ય થઈ જાય છે.
રસોઈયાએ બેઠેબેઠે ઊંઘવા માંડ્યું. રમાએ તેને સૂવાની આજ્ઞા આપી. રસોઈયાને માથેથી ભારણ હવે ઊતરી ગયું હતું. તેણે ગૃહિણીની આજ્ઞા માની.
પરંતુ વિદ્યાથીઓ એમ ઝડપથી ગૃહિણીની આજ્ઞા માને એવા ન હતા. તેમણે આખી રાત ગુરુની શુશ્રષામાં ગાળવાનો નિશ્ચય કર્યો હતો. મધરાત થઈ તો ય વિદ્યાર્થીઓ સૂતા નહિ. પાછલી રાત થઈ તો ય વિદ્યાથીઓ એવાને એવા જાગૃત હતા. છેવટે રમાએ તેમને કહ્યું :
'હવે તમે સૂઈ જાઓ. આવો સતત ઉજાગર કરશો તો મારે તમને અહીં આવવાની ના પાડવી પડશે.'
'પણ અમને ઊંઘ આવતી નથી.'
'તો ય હવે સૂઈ જાઓ.'
'તમે થાકેલાં છો. તમે સુઈ જાઓ તો કેવું ?'
'મને થાક લાગશે એટલે હું તમને જગાડીશ, મારું એટલું કહેવું માનો.' વિદ્યાર્થીઓ વિનવણીને તાબે થયા અને આગલા ખંડમાં જઈ સૂતા. રમા એકલી પડી. માંદાની સારવાર કરવા તે ટેવાઈ ગઈ હતી. પતિએ ત્યજેલી પત્નીને ઘણી બાબતોમાં કૌશલ્ય મેળવવું પડે છે.૩
એકલી પડેલી રમાએ વ્યાધિગ્રસ્ત વિનોદરાયના દેહ તરફ હવે સ્વતંત્રતાથી દૃષ્ટિ ફેરવી. બહુ બદલાયા નથી. તેને વિચાર આવ્યો. પંદર વર્ષે દીઠેલા પતિના મુખને તે નિહાળી રહી. મુખ ઉપર વ્યાધિની બેચેની અને અભાન ફેલાઈ રહ્યાં હતાં.
'કેવી દયાપાત્ર અવસ્થા ?' રમાના હૃદયમાં લોકલાજ ઉપરાંત દયાએ ક્યારનો યે છુપો પ્રવેશ કર્યો હતો તે હવે સ્પષ્ટ પ્રગટ થયો. તેણે વિનોદરાયના નિચેષ્ટ પડેલા હાથ ઉપર બીતે બીતે, ચારે પાસ જોઈને, પોતાનો હાથ મૂક્યો.
'બાપ રે ! કેટલો તાવ છે !' એકાએક રમા ભયભીત બની ગઈ. શા માટે તેણે ભયભીત બનવું જોઈએ? માંદા માણસ પ્રત્યે સહુને દયા આવે એ ખરું; પરંતુ વરની અતિશયતા અતિનિકટ સબંધીને જ ભય પમાડે છે. શું રમા વિનોદરાયની નિકટની સંબંધી હતી? તે તેમની પત્ની હતી... પણ ... પણ શું તેણે કદી નિકટતા અનુભવી હતી ? શા માટે અત્યારે તેનું હૃદય જ્વર દેખી ભય પામ્યું?
'હું ન આવી તો આ વિદ્યાર્થીઓથી કેમ સારવાર થાત ?' રમાને પોતાનું આગમન છેક નિરર્થક ન લાગ્યું.
‘પણ આ પહેલાં આમ તાવ કદી નહિ આવ્યો હોય એમ શી રીતે મનાય ? બિચારા !' પતિનો વિચાર આવતાં જે માનિનીનું હૃદય વધારે કઠણ બનતું તે માનિનીનું હૃદય પતિના એકલવાયાપણા ઉપર અત્યારે પીગળી જતું હતું.
'તેવે વખતે મને બોલાવી હોત તો ?' પતિને બારણે પગ પણ ન મૂકવો, એવો નિશ્ચય કરી ચૂકેલી પત્ની શા માટે ભૂતકાળની ગયેલી તકને સંભારતી હશે ? તેને બોલાવી હોત તો તે આવત ખરી ? તેને હૃદયની મૃદુતાના અનેક પ્રસંગો યાદ આવ્યા. પતિએ સહજ ઈશારો કર્યો હોત તો તે પાછી દોડતી આવત એવી પણ માનસિક સ્થિતિ તેણે અનુભવી હતી. એટલું જ નહિ, પોતાને બોલાવવાની વિનંતિ કરતો પત્ર તેણે પતિ ઉપર એક વખત લખી પણ રાખ્યો હતો. કેટલા દિવસ સુધી એ પત્રને રાખી મૂકી છેવટે તેણે તે પત્ર ફાડી નાખ્યો હતો.
તેણે વિસારે પાડેલો ભૂતકાળ આજ પતિની સારવાર કરતાં આખો યે તેની પાછળ ઊઘડી ગયો. કેટલી હોંશથી વિનોદરાય સાથે લગ્ન કર્યા હતાં ? કેટકેટલા કોડ તેણે લગ્ન પછી સેવ્યા હતા? ઊંચી કેળવણી પામેલો યુવક વિનોદરાય અને સંસ્કારી, છટાભરી યુવતી રમાનાં લગ્ન એ બધાંએ આદર્શ લગ્ન તરીકે વધાવી લીધાં હતાં. અને પરિણામમાં પંદર વર્ષનો વિયોગ ! બંનેએ તે સ્વેચ્છાએ સ્વીકારી લીધો ! એ વિયોગનો ગાળો એટલો હૃદયના સ્નેહઝરાનો કઠોર સૂકા રણમાં પ્રવેશ ! સ્નેહઝરો અદૃશ્ય થઈ ગયો હતો.
પરંતુ લોક્લાજે, ન છૂટકે ડૉક્ટરની આજ્ઞાને અનુસરી યંત્ર માફક ખેંચાઈ આવેલી રમાને લાગ્યું કે અદૃશ્ય સ્નેહઝરો શુષ્ક બેદરકારીના રણની રેતીને ભીની તો બનાવતો ન હતો ?
પ્રભાત થયું. ચીં ચીં કરી ઊડતી ચકલીને તેણે ઓરડાની બહાર કાઢી વિનોદરાયના મુખ ઉપર અજવાળું ન આવે એવી રીતે તેણે બારીઓનાં બારણાં બંધ કર્યા. છતાં આછા અજવાળામાં તે જોઈ શકી કે વિનોદરાયના ખાટલાની સામે ગોઠવેલા એક મેજ ઉપર કોઈ સ્ત્રીની છબી મૂકેલી હતી. વિનોદરાય જાગૃત થાય તો પ્રથમ જ તે છબી ઉપર નજરે પડે એવી ગોઠવણ હતી.
પંદર વર્ષથી પતિનો સંબંધ ટાળનારી રમાને હૃદય ઉપર ઘા વાગ્યા સરખી લાગણી થઈ આવી. વિનોદરાય સંબંધી કંઈક વાતો તેણે સાંભળી હતી. અનિચ્છાએ પણ તેનાથી એમની વાતો તરફ ધ્યાન આપી દેવાતું. પરંતુ વિનોદરાય કોઈ પણ સ્ત્રીનો સંબંધ કે મૈત્રી સેવતા હતા એવી વાત તેણે તેમના દુશ્મનોને મુખે પણ સાંભળી નહોતી. એ કોની છબ્બી હશે ?
'મારે શું ? જેની હશે તેની !' કહી રમા મુખ ફેરવી બેઠી.
જિજ્ઞાસા તૃપ્તિ માગે છે. રમાના હૃદયમાં જિજ્ઞાસાએ ખટકારો શરૂ કર્યો. એ ખટકારો છેવટે અસહ્ય બન્યો.
‘લાવ, જોઉં તો ખરી? મારી ખોટ પૂરનાર કોઈ હતું એમ જાણીશ તો – તે – મને સુખ થશે.'
રમાએ ઊઠીને છબી નિહાળી. છટાભરી, રૂપાળી, મદભર, કોડ ભરી, એ કોણ યુવતી હશે? ક્ષણભર રમાએ સંશયભરેલી દૃષ્ટિએ જોયું અને એકદમ તે પાસે પડેલી ખુરશી ઉપર બેસી ગઈ. તેનો વિચારવમળ એટલા બળથી ફરી રહ્યો હતો કે તેને તમ્મર આવ્યાં, અને તેણે આંખ ઉપર હાથ મૂકી દીધા.
થોડી ક્ષણો પછી તેણે આંખ ઉપરથી હાથ ખસેડ્યા. તેનાથી બોલી જવાયું :
'આ છબી તો મારી !'
ફરીથી ખાતરી કરવાને તે મેજ પાસે ગઈ. પોતાની છબી એ ન હોય એમ માનવા તેણે સહેજ મંથન કર્યું, પરંતુ છબી તેને જૂઠું બોલવા દે એમ નહોતી. અલબત્ત, એ છબી પંદર વર્ષ ઉપરની હતી એ ખરી; પરંતુ એ છબી રમાની પોતાની હતી એમાં તો રમાથી યે ના પાડી શકાય એમ નહોતું.
વળી એ છબીની આગળ એક બે દિવસનું કરમાયલું ગુલાબનું ફૂલ પડ્યું હતું.
'શું એ છબીને રોજ ફૂલ ચડાવતા હશે ?' રમાનું હૃદય પ્રશ્નનો સ્થિરતાથી જવાબ મેળવે તે પહેલાં એક વિદ્યાર્થીએ ઓરડામાં પ્રવેશ કરી કહ્યું: 'ડોકટર સાહેબ આવે છે.'
રમા ખાટલાની એક બાજુએ મૂકેલી ખુરશી ઉપર બેસી ગઈ. ડૉકટરે આવી બીજી પાસની ખુરશી ઉપર સ્થાન લીધું, અને વિનોદરાયના મુખને ધારી ધારીને થોડી વાર જોયું.પછી ડૉકટરે દર્દીના કપાળ ઉપર હાથ મૂક્યો, અને હાથ પકડી નાડીના ધબકારા ગણ્યા. ડૉકટરના મુખ ઉપર સ્મિત રમી રહ્યું. તેઓ બોલ્યા :
‘તાવ ઘણો ઓછો થયો.'
'પણ હજી ભાન આવ્યું નથી ને ?' રમાએ બોલાવાની શરૂઆત કરી. તેના બોલવામાં કંઈક ઊંડા દુઃખનું ભાન હતું.
'દર્દી તો ચોખ્ખી નિદ્રા લે છે. દર્દનું એ ઘેન ન હોય.' ડૉક્ટરે કહ્યું.
'એમ ?' રમાએ સહેજ ઉત્સાહથી પૂછ્યું:
એકબે દિવસ આમ ને આમ કાળજી રહેશે તો આરામ થઈ જશે. પણ તમે આખી રાત ઉજાગરો કર્યો લાગે છે; દિવસે તમે કોઈને બેસાડી સૂઈ શકશો.' ડૉક્ટરે સગવડ બતાવી.
'પૂરું મટ્યા વગર મને ઊંધ નહિ આવે.'
એકાએક વિનોદરાયે આંખ ઉઘાડી. તેણે ડૉક્ટરને, એક શિક્ષકને અને બેચાર વિદ્યાર્થીઓને જોયા. તેમને સમજ ન પડી.
'કેમ...બધા...અહીં...?” ધીમેથી બોલતા વિનોદરાયને વચમાંથી રોકી ડૉક્ટરે કહ્યું:
'તમને તાવ આવ્યો છે. વધારે બોલશો નહિ.'
વિનોદરાયે એકાએક પાસું બદલ્યું. જાણે કોઈ નિત્યનિયમ તૂટતો હોય એવી તેમની ઝડપ હતી. પાસુ ફેરવી તેમણે તીક્ષ્ણ દૃષ્ટિ કરી જોયું. તેમની અને છબી મૂકેલા મેજની વચ્ચે કોણ પડદો પાડી રહ્યું હતું ? સહેજ અણગમા સાથે તે વ્યક્તિના મુખ સામે તેમણે જોયું.
વિનોદરાયને લાગ્યું કે તેઓ હજી સ્વપ્નમાં જ હતા, એ મુખ કેમ હજી પણ ઓળખાતું ન હતું ? શું એ રમા હતી ?'
તેમણે આંખ મીંચી દીધી. છબી વિસ્તૃત બની ગઈ હશે શું ? કે નિત્ય છબીનાં દર્શનમાંથી રમાએ નિહાળવાનો ભ્રમ ઉત્પન્ન થયો?
રમાનાં અંગેઅંગ અને રોમેરોમ કંપી ઊઠ્યાં. પાંત્રીસ છત્રીસ વર્ષની સ્થિર–સંયમશોભન વયમાં આ કંપ શો ? તે અવાચક તો બની જ હતી. તે હવે શૂન્યતા અનુભવી રહી.
ક્ષણભરમાં તેને સ્વભાન આવ્યું. સ્વભાન સાથે સ્વમાન પણ જાગૃત થયું. શા માટે તે ફક્ત ડૉક્ટરની બોલાવી આવી હતી ? બેભાનીમાં રહેલા વિનોદરાયે ભાગ્યે જ તેને બોલાવી હોય. તેનાથી પાછું ન જવાય ?
એકાએક વિનોદરાયે આંખ ઉઘાડી, એ આંખ રમાની આંખ ખોળતી રમાના મુખ ઉપર સ્થિર થઈ. મૂંઝવણ અનુભવતી રમાએ આંખ વેગળી ખસેડી લીધી; પરંતુ રમાનો ખાટલામાં જ મુકાયેલ હાથ અશક્ત વિનોદરાયના હાથ નીચે આવ્યો. તે ખસેડી લેવાની ઘણી ઈચ્છા છતાં તેનાથી કેમે ખસેડી શકાયો નહિ. તેને સંકોચ થયો. ત્રાહીત મનુષ્ય આ ચર્ચા જોતા હતા ! તેનાથી વિનોદરાય તરફ ફરી જોવાઈ ગયું. પોતાના હાથ ઉપર હાથ મૂકી સૂતેલા વિનોદરાયની આંખમાંથી આંસુ રેલાતાં હતાં. રમાનું હૃદય પણ ઊછળી રહ્યું હતું. તેણે મન કઠણ કર્યું અને બીજે હાથે એક રૂમાલ વડે વિનોદરાયનાં આંસુ લૂછી નાખ્યાં.
વિનોદરાયે એ જ હાથ પકડી માથા નીચે મૂકી દીધો. તેમને નિદ્રા આવી ગઈ, રમાએ પોતાનો હાથ ત્યાં જ રહેવા દીધો. ડોકટ૨, શિક્ષક અને શિષ્યએ આ નાનકડી અસભ્યતા માટે કાંઈ વાંધો લીધો નહિ.૪
વિનોદરાયની તબિયત ઝડપથી સુધારા ઉપર આવી ગઈ. તેઓ ખાટલામાં તકિયે અઢેલી બેસી શકતા, બધાંની સાથે વાતો કરી શકતા, પરંતુ તેમની અને રમાની વચ્ચે ઓછામાં ઓછી વાત થતી.
'દવા પીશો?' રમા પૂછતી.
'હા.' વિનોદરાયનો જવાબ મળતો.
'ચા લાવું?' રમાનો પ્રશ્ન થતો.
'હા.' વિનરાયનો એકાક્ષરી જવાબ મળતો.
'શું જમશો?' રમા પૂછતી.
'ડૉક્ટરે કહ્યું હોય તે.' વિનોદરાય કહેતા.
'ડોકટરે બધું જમવાની રજા આપી છે.'
'તો રવિશંકર જે ફાવે તે કરે.'
'તમારી રસોઈ રવિશંકરને કરવાની નથી.'
‘ત્યારે ?'
'હું બનાવું છું.'
વિનોદરાયે નીચું જોઈ કહ્યું :
'તું જે બનાવીશ તે ફાવશે.'
આવી જરૂર સિવાયની બીજી કશી જ વાત થતી નહોતી. માત્ર પરસ્પરની આંખ ચૂકવીને બંને જણ એકબીજાનું મુખ જોઈ લેતાં. એમ કરતાં બંનેની દૃષ્ટિ ક્ષણભર મળી જાય તો આંખમાંથી ઊંડુ દુઃખ વરસી રહેતું. પશ્ચાત્તાપના પડછાયા પડતા, અને વાણીમાં ન ઊતરી શકતા ભાવ પ્રદર્શિત થઈ જતા. વાણી ઘણું યે મથતી છતાં તેની ભાવપ્રદર્શનની શક્તિ તદ્દન ઘટી ગઈ હતી. બન્નેને ઘણું ય બોલવાનું હતું અને સમજતાં પણ હતાં કે ઘણું ઘણું બેલવાનું રહે છે. પંદર વર્ષના સ્વેચ્છાએ સેવેલા વિયોગના અણધાર્યા અંતે શું શું બોલવાનું ન હોય?
ખાટલા પાસેની આરામ ખુરશી ઉપર સવારનું છાપું વાંચતા વિનોદરાય વધતી જતી તન્દુરસ્તીની સ્કૂર્તિ અનુભવતા હતા. દૂર એક ખૂણા ભણી બેસી રમા વાળ ઓળતી હતી. તેને ખબર ન પડી કે આરામ ખુરશીમાં સૂતેલા વિનોદરાય ક્યારે તેની પાસે આવીને બેસી ગયા હતા. પરંતુ નજીક બેઠેલું માનવી ભાગ્યે જ લાંબો વખત છૂપું રહી શકે. તેણે બાજુએ જોયું તો પોતાની નાની શેતરંજી ઉપર વિનોદરાય પણ બેઠા હતા. તે ચમકી, આઘી ખસી અને શેતરંજીની નીચે બેઠી.
'લાવ, હું વાળ ઠીક કરી આપું.' વિનોદરાય બોલ્યા. રમાના હાથમાંથી કાંસકી તેમણે લઈ લીધી. રમાની આંખ વિસ્તૃત બની. તેણે કહ્યું:
'મને એમ નહિ ફાવે.'
પરંતુ વિનોદરાયે કાંઈ પણ જવાબ ન આપતાં, રમાના મસ્તકને સ્પર્શ કરી આગલા ભાગમાં વાળને એક સુઘડ વળ પાડી આપ્યો.
'આમ જ રાખજે.' કહી વિનોદરાયે કાંસકી પાછી આપી અને રમાની સામે જોતા બેઠા.
રમાનો હાથ આગળ ચાલ્યા નહિ. પંદર વર્ષના વિયોગનું મૂળ શું આ વાળનો વળ – કર્લ Curl નહોતો ? પંદર વર્ષ ઉપરનો તે દિન તેની આંખ આગળ આવીને ઊભો. વાળની, પોશાકની કે વાણીની અવનવી છટાભરી યુવતીઓને છકેલ કહેવાની જગતને ટેવ પડી ગઈ છે. સ્ત્રીની કલામયતા સારી લાગ્યા છતાં માનવીઓ તેમાં અમર્યાદાનું ભૂત નિહાળે છે. યૌવનભરી રમા વાળના કર્લ–ગુચ્છ–વળ પાડતી. એના યુગમાં એ નવીનતા હતી. નવીનતા એટલે સ્વછંદતા એમ માનનારા સમાજે રમાની બહુ ટીકા કરવા માંડી. વિનોદરાયની સાથે તેનો વિવાહ પ્રથમથી મળી ચૂક્યો હતો. બન્ને પરસ્પરને સહુ જ યોગ્ય હોવાથી તેમનાં લગ્ન પણ થઈ ગયાં.
પરંતુ યુવાન વિનોદરાય માની ટીકા સાંભળી નૈતિક આવેશમાં આવી ગયા હતા. ઘણા નવવિવાહિત પતિઓ પત્નીને સુધારવાની, સંસ્કારી બનાવાની ઘેલછા સેવે છે. વિનોદરાયે નિશ્ચય કર્યો કે રમાની સમાજને દેખાતી અમર્યાદ ઢબ ઉપર અંકુશ મૂકી દેવો. સુંદર શણગાર સહ હસતે મુખે પતિની મીઠી નજર મેળવવા પતિ પાસે જઈ રમા ઊભી રહી. પતિને રમાનો દેખાવ ઘણો ગમ્યો છતાં મુખ ઉપર અણગમો બતાવી યુવાન વિનોદે કહ્યું :
'રમા ! આવા – વળ –કર્લ – પાડવા મૂકી દે.'
'કેમ ?'
'મને ગમતું નથી.'
'લોકોની ટીકાથી બીઓ છો ?”
'હું કોઈની ટીકાથી બીતો નથી. વાદવિવાદ ન કરતાં હું કહું તેમ કર.'
'અને હું તેમ ન કરું તો ?'
વિનોદના હૃદયમાં ક્રોધ વ્યાપ્યો. લોકો રમાને સ્વચ્છંદી કહેતા હતા એમાં શું ખોટું હતું ?
'હું કહુ તેમ ન કરવું હોય તો મારી સાથે રહેવાશે નહિ.' વિનોદ બોલ્યો. તેને ખબર નહોતી કે તેનો વગર જરૂરને તાત્કાલિક ક્રોધ પંદર વર્ષના વિયેગનું પરિમાણ પામશે. રમાનું હૃદય પણ દૃઢ હતું. માનભંગ થઈને પતિગૃહમાં રહેવું એ એના યૌવનભર્યા અભિમાનને જરા ય રુચ્યું નહિ.
'સારું.' કહી રમાએ પાછાં પગલાં ભર્યા.
'ક્યાં જાય છે ?'
'મારા બાપને ઘેર.'
'ત્યાં જઈશ તો પછી હું તને બોલાવવાનો નથી.'
'તે તમારા બોલાવ્યા વગર હું પણ પાછી આવવાની નથી. એ નિશ્ચય માનજો.'
આમ કહી રમા પિયર ચાલી ગઈ. બન્નેનાં ડંખતાં હૃદયે પરસ્પર મળવા માટે ઘણાં ય મંથન કર્યા; પરંતુ આત્મઘમંડ તેમને મળવા જ દેતા નહિ. વિયેગ એ સ્થાયી સ્થિતિ બની ગઈ, અને આમ જીવનનાં પંદર વર્ષ પ્રેમના ભગ્ન ખંડેર સમાં બની રહ્યાં. રમાને એ બધું યાદ આવ્યું. તેની આંખ આગળ એ પ્રસંગનું દ્રશ્ય ચીતરાઈ રહ્યું. વિનોદરાય શું એ જૂનું ઝેરભર્યું સૂચન કરતા હતા ? કે જીવને ભગ્ન કરનાર પ્રસંગ માટે પશ્ચાત્તાપ કરતા હતા ? રમા એકદમ ઊઠી બીજા ઓરડામાં ચાલી ગઈ. મન મોકળું મૂકી તે રડી. તેના હૃદયમાં એક કરાલ નિશ્ચય જાગ્યો. તેણે પોતાનાં કપડાં પહેરી લીધાં અને વિનોદરાય પાસે આવી કહ્યું :
'ત્યારે હું હવે જાઉં છું.’
'કયાં?' ચમકીને વિનોદરાયે પૂછ્યું.
'મારા પિતાને ઘેર.' રમાં દૃઢતાથી બોલી; છતાં તેનું હૈયું કંપતું હતું.
વિનોદરાયના મુખ ઉપર એકદમ આવી ગયેલી ફિક્કાશ રમાએ જોઈ. અપમાન વેઠીને પણ પતિની પાસે રહેવાનું તેને એક ખૂણે મન થયું. પરંતુ પતિના કહ્યા વગર–બોલાવ્યા વગર રમા આવી હતી. એ પ્રસંગ અનિવાર્ય હતો. શા માટે તે પોતાનો પંદર વર્ષનો નિશ્ચય તોડે ?'
'મારી સારવાર કરી મને જીવંત રાખ્યો તે બદલ આભાર માનું છું.'
આમ આભાર માનવાની કૃત્રિમતાએ રમાના નિશ્ચય ઉપર એક વળ ચડાવ્યો.
'ગાડીનો વખત થવા આવ્યો છે.' રમા બોલી.
'તું જઈશ તે મને ગમવાનું નથી.' વિનોદરાયે કહ્યું.
'કામ હોય ત્યારે બોલાવજો.' રમાએ સહેજ વક્ર વાક્ય કહ્યું અને આગળ ડગલું ભર્યું. પગમાં બ્રહ્માંડનો ભાર આવી ગયો. પગલાં ભરાતાં ન હતાં. તેને કોઈ અહીં બેડીથી બાંધી રાખે તો કેવું સારું? તેને ખેંચી જતા અભિમાનને કોઈ કચરી નાખે તો તેને કેટલું ગમે?
તેણે પતિ સામે ફરી કહ્યું :
'જાઉં છું.' 'તું જાણે.' વિનોદરાય બોલ્યા.
અને રમાના પગમાં વેગ આવ્યો. તેણે ઝડપથી એારડો છોડવા માંડ્યો. ઓરડાનું બારણું ઓળંગી ગઈ.
પરંતુ તેને કોણ ખેંચતું હતું ? તેનું લૂગડું કશે ભરાયું હતું કે શું ? તેણે પાછળ જોયું. પાછળ જોતાં બરોબર તેના દેહ ઉપર બે વિશાળ હાથ વીંટળાઈ વળ્યા. વિનોદરાય રમાને દબાવી રહ્યા હતા.
'શું કરો છો? છોડો !' રમણીય મૂંઝવણ અનુભવતી રમાએ સહજ જોરથી કહ્યું.
'શા માટે છોડું ?' વિનોદરાય બોલ્યા.
'મારે જવું છે.'
'મારા હાથમાંથી છુટાય તો ચાલી જા....જોતી નથી હું મૃતજીવન ગાળું છું તે?' કહી વિનોદરાયે હાથ વધારે બળથી ચપસ્યા.
રમાનો નિશ્ચય એકદમ ઓસરી ગયો. તેણે પોતાની નાની પોટલી ઓરડાના ઊંબરા ઉપર પડવા દીધી; એટલું જ નહિ રમાએ પોતાનો દેહ વિનોદરાય ઘસડે તેમ ઘસડાવા દીધો. પતિની બળજબરાઈમાં તેને પંદર વર્ષના વિયોગનો બદલો મળતો લાગ્યો.
પચ્ચીશીની આસપાસ ફરતાં યુગલોની ઘેલછાને ભલે કોઈ જુએ અને હસે. ચાલીશીની આસપાસનાં પ્રગલ્ભ પ્રેમીઓની ઘેલછા ગંભીર એકાન્ત માગે છે. તેને કોઈથી હસાય નહિ.