shabd-logo

ભૂતકાળ જોઈએ

13 June 2023

6 જોયું 6

ભૂતકાળ જોઈએ

૧નાનકડા પણ સુસજજ ખંડમાં કાંઈ ઊનનું ભરત ભરતી કપિલા એકાએક થોભી ગઈ. હાથમાંનો સોયો અને ભરાતું વસ્ત્ર એમનાં એમ હાથમાં જ રહી ગયાં. વચ્ચે ઊનનો દોરો લટકી રહ્યો. એની આંખ ખુલ્લી હતી. પરંતુ એ ખુલ્લી આંખની દષ્ટિ પાસે પડેલી વસ્તુઓને નિહાળતી જ ન હતી. એ કોણ જાણે શું ય જોતી હશે ? ભૂતકાળના કોઈ ચમકતા પડદા ઉપર તેની નજર ઠરી હતી ? વિસારી દેવા યોગ્ય કોઈ કાળો ખૂણો તેની સમક્ષ આવી ખુલ્લો થતો હતો ? આવી સુંદર, સુઘડ, નિર્દોષ યુવતીની આંખ ખાલી અવકાશમાં કઈ સૃષ્ટિ નિહાળતી હતી ?

'કપિલા !'

કપિલાની સાસુએ ખંડમાં પ્રવેશ કર્યો, છતાં ખુલ્લી આંખે જોતી કપિલાએ સાસુને નિહાળી ન હતી. અંતે સાસુને સાદ કરવો પડ્યો !

કપિલા એક સૃષ્ટિમાંથી બીજી સૃષ્ટિમાં ઊતરી પડી હોય તેમ ચમકી ગઈ, અને જાગૃત થઈ. ઊનનું ઝબલું તેણે બાજુએ મૂકયું, સોયો બાજુ મુક્યો અને એકાએક તે ઊભી થઈ બોલી : 'કેમ, મા?'

'પણ તું ચમકે છે શાને ? કશું થાય છે, દીકરી ? કે કાંઈ ઓછું આવ્યું?' સાસુએ પૂછ્યું. કપિલાની સાસુ અપવાદરૂપ હતી. દીકરાની વહુને તે સાચેસાચ લક્ષ્મી માનતી હતી.

‘ના, ના. અમસ્તું જ એ તો. મને આ ઘરમાં તે કાંઈ ઓછું આવે?' કપિલાએ જવાબ આપ્યો; છતાં વાક્યને અંતે કપિલાના ઉચ્ચારણમાં થડકાર આવ્યો અને એની આંખમાં પાણી ભરાઈ આવ્યું. સાસુએ એ થડકાર ઓળખ્યો અને આંખમાંનું પાણી નિહાળ્યું – જોકે કપિલાએ પાસે સૂતેલી બાળકીને વસ્ત્ર ઢાંકવાનો પ્રયત્ન કરી થડકાર અને આંસુ સંતાડવાનો પ્રયત્ન કર્યો ! બાળકી ઉપર વસ્ત્ર ઢાંકેલું જ હતું. એ કાંઈ હાલી ન હતી, જાગવાનો પ્રયત્ન કરતી ન હતી, એના મુખ ઉપર ફરતું સ્મિત પૂર્વજન્મના કોઈ સુખનું સંભારણું લાવી રહ્યું દેખાતું હતું ! છતાં આંસુ સંતાડતી કપિલાએ ઓઢણ ઠીક કર્યું.

'ચાની તૈયારી કરવા માંડ. હમણાં વિજય આવતો હશે. બેબી પાસે હું બેઠી છું.' સાસુને 'બેબી' શબ્દ ગમતો નહિ, તેમની ખાતરી હતી કે 'બેબી' કરતાં 'બબી' શબ્દ જરા પણ ખોટો ન હતા. અંગ્રેજોને બરાબર બોલતાં આવડતું ન હોવાથી જ તેમણે 'બબી' ની 'બેબી' કરી નાખી, અને અંગ્રેજોનું આંધળું અનુકરણ કરનારાં ભણેલાં કહેવાતાં માતાપિતાએ 'બબી' ને બગાડી 'બેબી' શબ્દ કરી નાખ્યો છે ! એમની માન્યતા અડગ હતી.

વિચારમાંથી કાર્યમાં પરોવવાનું કાપિલાને ગમ્યું. હજી વિજયને આવવાની સહજ વાર હતી. એણે રસોડામાં બધું રાચ ગોઠવી દીધું. પ્યાલારકાબી સાફ હતાં, છતાં તે ફરી સાફ કર્યા. ચમચા વધારે ચમકતા બનાવી દીધા, અને સ્ટવ સળગાવી પાણી ગરમ થવા મૂક્યું. સ્વટના ધમધમાટમાં તેણે બારણાનો આછો ખખડાટ સાંભળ્યો નહિ. બારણે ટકોરા માર્યા વગર વિજય ઘરમાં પ્રવેશતો ન હતો. આજે તે બહારના ખંડમાં બેઠી ન હતી, અને સ્ટવના અવાજથી વીંટળાયેલી હતી, એટલે તેણે વહેલા આવેલા વિજયનું આગમન રોજ માફક પરખ્યું નહિ. ખિસ્સામાંથી તેણે એક વાળેલો કાગળ કાઢ્યો, ઉઘાડ્યો, વાંચ્યો અને પાછી વિચારમાં નિમગ્ન બની ગઈ. તેની ખુલ્લી એકીટસે નિહાળતી આંખોએ જોયું પણ નહિ કે પાણી ઊકળતું હતું અને વિજય પાછળ આવી ઊભો રહ્યો હતો. અંતે ઉકળતું પાણી ઉભરાયું, સ્ટવ ચીસ પાડી શ્વાસ લઈ બંધ થયો, અને પાસે જ ઊભેલી કપિલાએ જાગૃત થઈ સ્ટવની ચાવી બંધ કરી. આછા ગભરાટ સહ તેણે પાછળ જોયું : એનો પતિ વિજય આછું હસતો એની પાછળ બારણામાં ઊભો હતો !

કપિલાના હાથમાં જ કાગળ હતો ! તેનું મુખ લેવાઈ ગયું. કાગળ સંતાડવો કે બતાવવો તેની સમજ કપિલાને પડી નહિ.

'તું ક્યારનો આવ્યો છે?' કપિલાએ પૂછ્યું. બીજી કાંઈ સમજ ન પડવાથી કપિલાએ આ સાહજિક પ્રશ્ન કર્યો.

'ક્યારનો યે.' વિજયે જવાબ આપ્યો.

'ક્યાં હતો ?'

'અહીં જ ! તારી સમાધિ નિહાળતો હતો.'

'હં !' કહી હાથમાંના કાગળને કપિલાએ વાળવા માંડ્યો.

'મારો કંઈ ગુનો થયો છે?” વિજયે પૂછ્યું.

'કેમ? ગુનો શાનો?'

'મા મને લડે છે. કહે છે કે હું તારી કાળજી રાખતો નથી, તારું મન મનાવતો નથી. શું છે બધું?'

'મને કંઈ ખબર નથી. માને એમ કેમ લાગ્યું હશે ?'

'આજ તો મને પણ એમ લાગ્યું. તારી તબિયત કેમ છે ? ડૉકટરને બોલાવું ?'

'તું જ કહે છે ને કે ડૉક્ટરના બજારમાં કાળામાં કાળું બજાર પણ ધોળું બની જાય છે !' કહી સહજ હસી કપિલા એકાએક રડી પડી. તેણે મુખ ઉપર સાડીનો છેડો ઢાંકી દીધો.

વિજય તેની પાસે ગયો. તેને વાંસે હાથ ફેરવી તેને રડવા દીધી. કપિલા અને વિજયને આ સ્થિતિમાં નિહાળી વિજયની માતા પણ ત્યાં આવેલાં પાછાં ખસી ગયાં – પોતે ત્યાં આવ્યાં હતાં એની ખબર પણ પડવા દીધા સિવાય. જરા રહી, પડતાં અશ્રુ પડવા દઈ સહજ હસી કપિલા બોલી : 'વિજય ! તું આટલો બધો સારો કેમ છે?'

'આવાં પ્રમાણપત્રો કદી કદી આપતી રહે તો મારો પગાર પણ વધે. પણ તું આમ આજે રડે છે કેમ?'

'મને ખરેખર રડવું એમ આવે છે કે તારા જેવા સારા પતિ...'

'જો પાછી ! મારા સારાપણાની માળા પછી જપજે. હમણાં તો તને હિસ્ટીરિયાની અસર લાગે છે. તું બેસ; હું ચા કરી આપું.' કહી વિજયે કપિલાને એક ખુરશી ઉપર બેસાડી પોતે ચા બનાવવા માટે જરા ખસ્યો – પરંતુ કપિલાએ તેને હાથ પકડી રાખ્યો હતો, અને વિજય સામે જોઈ હસી રહી હતી.

'કેમ ? મારા ઉપર કવિતા લખવાનો વિચાર છે?' વિજયે પૂછ્યું.

'વિજય ! કવિતા કરતાં પણ વધારે સારું, વધારે રૂપાળું લખાતું હોત તો હું તારે માટે લખત. તું મને પૂછતો કેમ નથી કે આ કાગળમાં શું છે?' કપિલા બોલી.

‘મારે તારી સાથે નિસ્બત, તારા કાગળ સાથે નહિ !' વિજયે જવાબ આપ્યો.

'ભલે; છતાં આ વાંચ.'

'નહિ ચાલે?'

'ના, તારાથી મારે કાંઈ જ છૂપું રાખવું નથી.'

'જો. કપિલા ! આપણે લગ્ન કર્યું ત્યારે તારી પહેલી શરત શી હતી?' 'મને યાદ નથી.'

'તો કહું. મારે તારો ભૂતકાળ જોવો નથી.'

'પણ આ તો ભૂતકાળ નજીકનું ભવિષ્ય બની, મારી પાસે, આજે અત્યારે જ વર્તમાન બની જાય છે.'

'તારી ફિલસુફીમાં મને સમજ નહિ પડે. લાવ, હું વાંચું !' કહી કપિલાના હાથમાંથી વિજયે કાગળ લીધો.

એ કાગળમાં તારના સમાચાર હતા. વાંચતાં એક ક્ષણ, અર્ધી ક્ષણ માટે વિજયના મુખ ઉપર સહેજ કઠોરતાની છાયા ફરી વળી, જે કપિલાને જ સમજાય એવી હતી. મુખ ઉપરની સ્વાભાવિક મૃદુતા પાછી જોતજોતામાં આવી અને વિજયે કહ્યું : 'ઓહો ! એ જ ને ? ભલે આવે ! હરકત શી છે? સુધાકર તો તારો જૂનો અંગત મિત્ર ! એને જમવા માટે રોકીશું....'

'વિજય ! તું યોગી છે કે પ્રેમી?' આશ્ચર્યભર્યા નયને કપિલાએ પૂછ્યું.

'એનો જવાબ તો કલાપી જેવો કોઈ કવિ આપે. જો તું સોગન ઉપર સવાલ પૂછતી હો તો હું ઈશ્વરને માથે રાખી કહું છું કે હું તો માત્ર એક શિક્ષક છું. નથી યોગી કે નથી પ્રેમી !'

'વિજય ! મારો આધાર !' કહી કપિલાએ વિજયના હાથને દબાવી છોડી દીધો.

'અત્યારે ચા સરખો મારે કે તારે બીજો એકે આધાર નથી. તું જો, હું કેમ બનાવું છું તે !' કહી વિજયે ફરી સ્ટવ સળગાવવા માંડ્યો; વિજયને કાંઈ ફાવ્યું નહિ. એક વખત તો ભડકો થતાં વિજય દાઝી જાત એમ લાગતાં કપિલા ઊઠી અને સ્ટવ રીતસર સળગાવી તેણે ચા તૈયાર કરી.

'કહે ! હું તારો આધાર કે તું મારો આધાર ?' વિજયે પૂછ્યું.

કપિલા કાંઈ પણ બોલી નહિ અને નીચું મુખ રાખી આગલા ખંડમાં સાસુ પાસે આખો ચાનો સરંજામ લઈ આવી. સહજ થોભી વિજય પણ આગલા ખંડમાં આવી ચા પીવા બેઠો. માએ દીકરા અને વહુના મુખ ઉપર ઠીકઠીક છૂપી નજર પણ રાખી. રોજના સરખી સ્વાભાવિકતા આજે કપિલામાં ન હતી. અંતે તેમણે પૂછ્યું : 'કપિલા ! પેલો તાર કોનો આવ્યો હતો?'

'એ તો, મા ! મારા એક મિત્રનો હતો. એ આજે જ વિમાનમાં ઊડીને અહીં આવે છે.' વિજયે કપિલાને બદલે જવાબ આપ્યો.

'વિમાનમાં ઊડીને આવવા જેવું શું છે અહીં ?' માતાએ પૂછ્યું.

વિજયે કપિલા સામે જોઈ આછો ઇશારો કરી કહ્યું : 'એટલો પૈસો છે એની પાસે ! વિમાન એનું પોતાનું છે !'

'તેથી કપિલા ગૂંચવાઈ છે કે ? આવા મોટા મહેમાનની મહેમાનગીરી કેમ કરવી એ જરા ભારે લાગ્યું હશે ! પણ એમાં શું ? આપણાથી બને તે આપણે કરવું. એનું વિમાન ઓછું આપણા ઘરમાં મુકાય એમ છે?' કહી માતા ચા પી રહી બીજા ઓરડામાં ચાલ્યાં ગયાં.૨

'વિમાન સંભળાય છે એટલે સુધાકર જ આવતો હશે.' ખાલી આંખે જોતી કપિલાથી કહેવાઈ ગયું.

'પણ તેને આ ગભરાટ શો ?' વિજય બોલ્યો.

'એને આવતાં રોકાય એમ નથી ?'

'ભલે આવે.'

'એ મારું જીવન ઝેર કરવા આવે છે.'

'તારું જીવન ઝેર કરવાની તાકાત કોઈનામાં નથી – સિવાય કે તું અગર હું એમ કરીએ !'

કપિલા અસ્થિર ચિત્તે ઊભી થઈ અને બારીએ જોવા લાગી. વિજય પણ અંદરની ઓરડીમાં ગયો. બાળકી ઊઠી રમવા લાગી હતી. તે માતા પાસે ગઈ. માતા પાસે ભારે આવકાર ન મળતાં તે પિતા પાસે ગઈ. જરા વાર રહી વિજય કપડાં પહેરી બહાર આવ્યો. પાછળ છોકરી પણ સજજ બનેલી હતી : નાનકડી, ત્રણેક વર્ષની !

'તું ક્યાં જાય છે ?' કપિલાએ વધારે ગભરાટથી પૂછ્યું.

'હું જરા ગામમાં જઈ આવું. સુધાકરને જમાડવા માટે કાંઈ ચીજો પણ લાવવી પડશે ને?'

'મને એકલી મૂકીને તું ન જઈશ.'

'કપિલા ! શું છે આ બધું ? તને સુધાકરનો આ ડર શો ? કૉલેજ યુગનો તારો આત્મા ક્યાં ગયો? જો સુધાકર આવે તો તેને બેસાડજે. એને અહીં જમાડવાનો પણ છે. હું આવું છું.' કહી બાળકીને સાથે લઈ વિજય બહાર ગયો.

થોડી વારે સાસુએ પણ આવી કહ્યું : 'કપિલા ! હું જરા કથામાં જાઉં છું. તબિયત સારી ન હોય તે સુઈ રહેજે.' કહી તેઓ પણ બહાર નીકળી ગયાં. કપિલા એકલી પડી. આમતેમ ફરતાં બેસતાં તેને ચારપાંચ વર્ષ ઉપરનું કૉલેજ જીવન યાદ આવ્યું.

કેવી મસ્તી, મુક્ત આઝાદ, તે ફરતી હતી ! એને લગ્ન કરવું ન હતું ! એને પુરુષોની ગુલામી ઉઠાવવી ન હતી ! લગ્ન અને કુટુંબસંસ્થાને તોડીફાડી સંસ્થા રહિત સમાજ બનાવવાનાં સ્વપ્ન સેવતી હતી. સહચાર માગતા આકર્ષણને તે માત્ર દૈનિક ભૂખ જેટલાં જ તુચ્છ ગણતી હતી – સેવન કરી ફેંકી દેવા પાત્ર !

સુધાકર પણ એ જ વિચારને હતો; માટે કપિલાને તેની મૈત્રી ખૂબ ગમતી હતી. કપિલાની મૈત્રી સુધાકર માટે ભારે અભિમાનનો વિષય હતો. એ ચપળ, ટાપટીપ ભરેલો, ઝમકદાર યુવક, અંગ્રેજી નવલકથાઓ વાંચી ચબરાકીભર્યું અંગ્રેજી બોલતો. અરે ! પોતે ઘણો રમૂજી, સહુને હસે એવી બુદ્ધિવાળો, મહાન બનવાને સર્જાયેલો–નિદાન સહુને તુચ્છકારવાનો અધિકારી માનતો હતો. આશ્ચર્ય જેવું તો એ હતું કે એના નિર્માલ્ય સોબતીઓ પણ એના જ મતને ટેકો આપતા હતા.

યુવકો અને યુવતીઓ એવા પણ યુગમાંથી પસાર થાય છે કે જયારે તેમને ચારિત્ર્યશૈથિલ્યમાં દોષ દેખાતો નથી. એટલું જ નહિ; એમાં જ હિમ્મત, બહાદુરી, સાહસ અને બંડખોરપણાનો અર્ક હોય એમ લાગે છે. જૂના નીતિશાસ્ત્રને કે નીતિરૂઢિને અમે ગણકારતાં જ નથી. અને એમાં જ અમારા યૌવનની સાચી ખુમારી સમાયલી છે, એમ માની અનેક સાહસોમાં તેઓ ઊતરી પડે છે. અનિવાર્ય, લોખંડી કુદરત આવાં યૌવનોને હસતી તેમનો ભોગ લેતી જ જાય છે અને અંતે બંડખોર–યુવાન યુવતી મોટે ભાગે બંધન મનાતા લગ્નમાં પરોવાઈ જાય છે.

બી.એ.ની પરીક્ષા પસાર કર્યાનો આનંદ માણતી કપિલાને સુધાકર ઘણું એકાંત આપતો. એક દિવસ તેણે કપિલાને એકાંતમાં કહ્યું : 'કપિલા ! મને હવે સમજાય છે કે મારે અને તારે લગ્ન કરી નાખવાં !'

'મને પણ એમ લાગવા માંડ્યું છે. મને વાંધો નથી. તું કહે તે રીતે સિવિલ મેરેજ અગર આર્ય...'

'તું મને બરાબર સમજી નહિ. હું અને તું લગ્નમાં સાથીદાર નહિ બની શકીએ.' સુધાકરે કહ્યું.

'એટલે ?' ચમકીને કપિલાએ પૂછ્યું.

'એટલે એમ કે...વગર લગ્નના પ્રેમમાં ભારે જોખમ....એટલે કે “પ્રિવેન્ટિવ”..સંતતિનિરોધનાં સાધનો વધી ગયાં છતાં..'

'સુધાકર ! તું શું બકે છે? '

'ભૂલ સુધારવી રહી ને?'

'કોઈ છોકરી સાથે લગ્ન કરવું જ પડે એવો તેં સંજોગ ઊભો કર્યો છે, નહિ ?'

'લગભગ એમ જ...અને હું તજવીજ તો કરું છું કે વગર લગ્ને એ ભય પતી જાય...જો ત્યાં સુધી તું થોભી જાય તો સંભવ છે કે હું તારી સાથે લગ્ન કરું...પણ... હું તને એટલો ચાહું છું કે લગ્ન ગમે ત્યાં કરીશ તો ય..'

'સુધાકર, તું તારા મહત્ત્વના કામમાં રોકાઈ જા. મને હવે મળવાની જરૂર નથી.' કડક મુખ કરી કપિલા બોલી.

'મળ્યા વગર તો રહેવાશે જ નહિ.'

'આજ સુધી હું તારું રમકડું હતી, નહિ?'

'પુરુષ અને સ્ત્રી એ કુદરત દીધાં પરસ્પરનાં રમકડાં જ છે.'

'મારે કોઈનું પણ રમકડું બનવું નથી.' કહી ઊભી થઈ કપિલા ત્યાંથી ચાલી ગઈ. જતે જતે માત્ર એણે સુધાકરના શબ્દો સાંભળ્યા : 'ભૂલ ન કરીશ. તું યે લગ્ન કરી નાખ.'

કપિલાનો દેહ કંપી ઊઠ્યો. સુધાકર તો ત્યાંથી ચાલ્યો ગયો, પણ કપિલાના હૃદયમાં એક મહા ભય મૂકતો ગયો. ધનિક માતા- પિતાનો સુધારક ગમે તે રસ્તો–પૈસો ખર્ચીને, લગ્ન કરીને પણ બચી જાય. સુધાકરની ધમકી સાચી પડે તો કપિલાએ ક્યાં જવું ? શું કરવું ? સામાન્ય સ્થિતિની માતા પણ દોઢ વર્ષની તેને એકલી મૂકી સ્વર્ગવાસી થઈ હતી ! હવે?

સ્ત્રીનું માનસ ભારે કલ્પનાઓનું સર્જક હોય છે. આઝાદી ચાહતી કપિલા, આઝાદીનો અવતાર બની ફરતી કપિલા કલ્પનાની ઉગ્રતાને લીધે જ પોતે આઝાદ બની ચૂકી એમ માનતી હતી. સુધાકરે કહેલો ભય તેના હૃદયમાં પ્રવેશ્યો, તે સાથે જ તેના તંગ માનસમાં અનેકાનેક સ્વપ્નો તરી આવ્યાં ! અને એ સ્વપ્નોની પરંપરાએ તેને મૂર્છિત બનાવી દીધી.

તંગ માનસને એક મૂર્છાએ કળ વળતી નથી. પછી તો એ ટેવ બની જાય છે.અતિ વિચાર દેહને વારંવાર પટકી નાખે છે. એના મિત્રો અને સહચારીઓએ એને વારંવાર મૂર્છિત બનતી નિહાળતાં તેને ડોકટર પાસે જવાની સલાહ આપી. એક બાનુ ડૉકટર પાસે કપિલા ગઈ. તેને તપાસી એ અનુભવી અને મધ્યવયી બાનુએ સલાહ આપી : 'દવાની કોઈ જરૂર નથી. છતાં આપું છું; પણ મારી સલાહ છે કે તું પરણી જા.'

કપિલાને વધારે ભય ઉત્પન્ન થયો. ડૉકટર પણ એ જ સલાહ આપે છે ! એનો શો અર્થ? તેણે પૂછ્યું : 'ડોક્ટર ! તમે ક્યાં પરણ્યાં છો ? તમે પણ “મિસ" છો !'

'ચાવળી ન થા. તું ડૉકટર છે?'

'જેને પરણવા માગતી હતી તે ના કહે છે.'

'એને નાખ બાજુ ઉપર. તને ના કહેનાર નાલાયક તને ન પરણે એ જ સારું અને તારા જેવી રૂપાળી છોકરી...જેને તું કહીશ તે તને પરણી જશે.' હસમુખી બાનુ ડૉક્ટરે હસતે હસતે કહ્યું.

ગંભીરતા વધારી કપિલાએ પૂછ્યું : 'બીજો ઇલાજ નથી ?'

‘પહેલી હા પાડનારને જ પરણી જા.' ડોકટરની મજાક પણ દવા જેવી જ તીખી હોય છે – કડવી ન હોય ત્યારે. પછી એ ડૉકટર પુરુષ હોય કે સ્ત્રી !

કપિલાને આ સલાહમાં અને મજાકમાં ગૂઢાર્થ દેખાયો. તેની કલ્પનાએ તેને લગભગ ઘેલી બનાવી દીધી. તેના મૂર્છિત બનતા માનસે તેનામાં એક જાતનો ભયંકર નિશ્ચય જન્માવ્યો. જેના પ્રેમ ઉપર વિશ્વાસ હતો એણે જોખમમાં પડવાની ના પાડી ! અને કપિલા — એકલી બનેલી કપિલાને ભાગે કેટલું જોખમ ? ડૉકટરે કહ્યું તેમ કોઈ પરણનાર ન નીકળે તો ? જનતાને મુખ કેમ બતાવાય ? આઝાદીનાં શોખીન સ્ત્રીપુરુષો જનતાની નિંદાથી જેવાં ડરે છે એવાં બીજાંથી ભાગ્યે જ ડરતાં હશે !

સંધ્યાકાળે એકાંત સાર્વજનિક બગીચાની એક ઘટા નીચે બેસી કપિલાએ એક લાંબો પત્ર લખ્યો. પત્ર ફરી ફરી વાંચ્યો. વાંચતે વાંચતે તેની આંખમાં આંસુ આવ્યાં. આંસુ આવતાં બરાબર તે બેભાન બની ઢળી પડી. અકસ્માત વિજય ત્યાંથી પસાર થતો હતો. એણે આ મૂર્છિત યુવતીને જોઈ, ઓળખી, તેને પવન નાખી શુદ્ધિમાં લાવવા પ્રયત્ન કર્યો. એનું તાણ વધી રહ્યું એટલે તેણે તેના હાથમાં દબાઈ ફાટી જતા કાગળને કાઢી જોઈ ઝડપથી વાંચ્યો, પાછો તેના હાથમાં મૂક્યો અને તેને સુવાડી એક વેલના પડદા પાછળ તે સંતાયો.

કપિલાની મૂર્છા વળી. તે પૂરી શુદ્ધિમાં આવી; જરાં ફાટેલો ચૂંથાયલો કાગળ પણ તેના હાથમાં જ હતો એ જાણી તેને સંતોષ ઊપજ્યો. તેના મુખ ઉપર ઘેલછાભરી દ્રઢતા ફેલાઈ. પાસે પડેલી બૅગમાંથી તેણે શીશી કાઢી, સૂંઘી, તેને હોઠ પાસે લઈ જતાં બરોબર પાછળથી તેના હાથને કોઈએ મજબૂતીથી પકડી લીધો. કપિલા ચમકી. એણે પાછળ જોયું. સ્વસ્થ, હસતું મુખ રાખી ઊભેલો વિજય તેની દ્રષ્ટિએ પડ્યો.

'વિજય ! છોડી દે હાથ. બધા દુશ્મનો કેમ પાક્યા છો ?' કપિલાએ કહ્યું.

'ત્યારે તું મને ઓળખે છે ખરી. તારાથી બેત્રણ વર્ષ હું આગળ ભણતો હોઈશ.'

'તું યે મને ઓળખે છે, એમ ? '

' જરૂર. આખું નગર તને ઓળખે છે. તું કપિલા ! આખી કૉલેજની માનીતી...'

'વારુ, મારી દવા મને પી લેવા દે.'

'તારી દવા મારે ચાખી જોવી છે. એ દવા હશે તો પીવા દઈશ.'

'શી ઘેલી વાત કરે છે ? મારી દવા તે તારાથી પિવાય?'

'તારાથી પિવાય એ બધી જ દવા મારાથી પિવાશે.'

'મારો કાગળ – તે વાંચી લીધો શું ?'

'તારો કાગળ ? કયો ? હું શા માટે વાંચું ?'

'ત્યારે તું મને મારી દવા પીતાં કેમ અટકાવે છે ? તને કદાચ ખબર નહિ હોય...મને તાણનું દરદ શરૂ થયું છે. એટલે આ દવા વારંવાર પીવી પડે છે.'

'કપિલા ! તાણના દર્દીઓ આમ એકાંતમાં આવે જ નહિ અને આમ શીશીઓ સાથે ફેરવે જ નહિ. મને ભય છે કે એમાં ઝેર ભર્યું છે.'

'તો ય તેમાં તારે શું ?'

'મારો હક્ક છે કે મારે તને ઝેર પીતાં રોકવી.'

'તારો કયો હક્ક ? નથી તું મારો સગો; નથી તું મારો મિત્ર; માત્ર આછું ઓળખાણ...'

'તું કહે તો તારો મિત્ર થાઉં ! તું કહે તો તારો સગો બનું ! તારો ભાઈ....?'

'તું મને પરણી શકશે?'

'એ ખરું ! જરા વિચારપ્રેરક પ્રશ્ન છે ! કદાચ મને પણ તાણનું દર્દ એમાંથી થાય !' સહેજ ચમકીને વિજયે જવાબ આપ્યો.

'તો પછી તું તારે માર્ગે જા. વિચાર કરીને આવજે.'

'પણ ત્યાં સુધી તું આ શીશી નહિ વાપરે એવું વચન આપીશ ?'

'હું એ વચન આપતી ય નથી; અને આપું છું તો તે પાળતી પણ નથી.'

'કપિલા ! તેં મને ભારે મૂંઝવણમાં નાખ્યો. કાં તો પરણ, નહિ તો હું ઝેર પીઉં : આ તારી શરત ને?'

આ ઢબે મુકાયેલી પરિસ્થિતિ કપિલાના માનસને સહેજ હળવું બનાવી શકી. તેણે મુખ મલકાવી કહ્યું : 'હા, એમ જ.'

'એની વિરુદ્ધ દલીલ ચાલે ખરી ? '

'ના.'

'તારી શરત કબૂલ. તારે ઝેર ન પીવું, અને મારે તારી સાથે લગ્ન કરવું.’ 'વિજય ! તું શું કહે છે?' કદી નહિ ધારેલા સ્વીકારથી ચકિત બનેલી કપિલાએ કહ્યું:

'હું હું વચન આપતો નથી; પણ આપું છું ત્યારે પાળું છું.'

‘વિજય ! તું મને ઓળખતો નથી. હું ઝેર પીવા કેમ તૈયાર થઈ હતી તે તું જાણતો નથી છતાં...!'

'જો, કપિલા ! હવે વધારે લાંબી વાત નહિ. અત્યારે મારામાં ઉદારતા ઉભરાય છે. તું કહે તો હું એક જાહેરખબર છપાવું કે ઝેર પીવા કરતાં મારી સાથે લગ્ન કરવું. જે જે ઝેર પીતી છોકરીને ફાવતું હોય તેણે મને ખબર આપવી.

કપિલા હવે ખરેખર હસી પડી. તેણે શીશી બાજુએ મૂકી અને કહ્યું : 'વિજય ! જરા બેસ.'

'હવે જે કંઈ થાય તે લગ્ન પછી...'

'પણ તારે કાંઈ વિરુદ્ધ દલીલ કરવી હતી ને?' વિજયનો હાથ ઝાલી તેને નીચે બેસાડી કપિલાએ કહ્યું.

'હવે દલીલનો ઉપયોગ નથી.'

'ધાર કે હું તને તારા વચનથી મુક્ત કરું તો?'

'તો પેલી શીશી મને આપી દે અને એક જ વચન આપ કે તું ઝેર કદી નહિ પીએ.'

'હું કદી ઝેર નહિ પીઉં. લે આ શીશી...' કહી કપિલાએ શીશી તેને આપી. વિજયે દૂર ફેંકી તેને ઢોળી ફોડી દીધી.

'તો હું તને હવે તારે ઘેર પહોંચાડું ?'વિજયે કહ્યું.

'કેમ ?'

'તેં મને મારા વચનથી મુક્ત કર્યો....'

'ના, ના, ના. એ તો માત્ર ધારવાનું. તારી દલીલો યોગ્ય લાગે તો કદાચ મુક્ત કરું; તે પહેલાં નહિ. કહે, શી દલીલ છે ?'

'એક નહિ, અનેક દલીલ છે.’

'કહે તો ખરો ? ' 'એક તો એ કે તું મને પરણીશ તો તારે સાસુનું મોટું સાલ ઊભું થશે. મારે મા છે તે મારી જોડે જ રહે છે.'

'સાસુને હુ મનાવી લઈશ.'

'ઇતિહાસમાં એ હજી એક દાખલો બન્યો નથી. વિચાર કર.'

'વિચાર કર્યો. એ દલીલ ગ્રાહ્ય નથી.'

‘વારુ. બીજી દલીલ એ કે હું માત્ર સામાન્ય શિક્ષક જ છું. હું નથી અમલદાર, નથી વકીલ, નથી મિલમાલિક, નથી નેતા. લોકો મને “માસ્તર” “માસ્તર” કહી બોલાવે છે. પરણ્યા પછી એ તને જરા ય ગમવાનું નથી.'

'એની મને હરકત નથી. હું જાણું છું તું શિક્ષક કેમ થયો છે તે. એક વખત હું પણ તારા એ શિક્ષક બનવાના નિશ્ચયને હસતી હતી; હવે હું નહિ હસું. બીજા હસશે તેની મને પરવા નથી.'

'અને મને જિંદગીભર પૈસો મળવાનો નથી.'

'હું પૈસા વગર ચલાવીશ.'

'હવે, બીજી એક દલીલ રહી. પણ એ સાચી હોવા છતાં કહીશ તો મારી નીચતા દેખાશે.'

'કહે, મારા સોગન !'

'હું અને તું એકબીજાને દૂરથી ઓળખીએ. તેં મારામાં રસ લીધો નથી, મેં તારામાં રસ લીધો નથી. મારે અને તારે કશી મૈત્રી નથી. સ્નેહની જેમાં ખાતરી નથી એવા લગ્નનું જોખમ તું ઉઠાવે એ કેમ બનવા દેવાય ?'

'તેં બાળલગ્ન કર્યું હતું એમ માનજે; હું ગળે પડી તને પરણી છું એમ માનજે. એ સિવાય બીજી કોઈ દલીલ ?'

'બીજી દલીલ તો હવે તું શોધી કાઢે ત્યારે !' કહી માથે હાથ દઈ વિજય બેઠો.

કપિલા વિજય સામે જોઈ રહી, તેનું હૃદય હાલી ઊઠ્યું. આવા સજજન તરીકે ઓળખાતા સજ્જન તરીકે પુરવાર થઈ ચૂકેલા યુવાનને તે ભારણરૂપ બનતી હતી, તેની સજ્જનતાનો એ દુરુપયોગ કરતી હતી એમ તેને લાગ્યું. એણે ભારે હૈયે, ચિરાતા હૃદયે કહ્યું : 'વિજય ! એક દલીલ છે. એ દલીલ તને માન્ય હોય તો હું તને તારા વચનથી મુક્ત કરું છું.'

વિજયે કપિલાની સામે જોયું. અત્યાર સુધી વિજય એક યુવતીનું જીવન બચાવવાની રમત કરતો હતો. આ ક્ષણે જ તેને લાગ્યું કે કપિલા તરફ તેને કોઈ અકથ્ય ભાવ ઉદ્ભવ્યો છે કપિલા તેને વચનથી બાંધી રાખે એમ જ તેને ઈચ્છા થઈ. તેણે સહજ કહ્યું : 'તો એ દલીલ જ જવા દે ને ?'

'એ દલીલ જતી કરું તો મારી નીચતા વધી જાય, વિજય ! મારો ભૂતકાળ તને ખબર છે?'

'કપિલા ! તારો ભૂતકાળ મારે ન જોઈએ. તારું ભવિષ્ય પણ મારે જોવું નથી. તારો વર્તમાન હું ચલાવી લઈશ. સહુના ભૂતકાળ ઝેર પીવા જેવાં જ હોય છે, માટે એની વાત જ ન કરીશ.'

'એ હું કહીશ નહિ ત્યાં લગી...'

કપિલાના મુખ ઉપર વિજયે હાથ મૂકી દીધો...અને લગ્ન ન કરવાનો નિશ્ચય કરી શિક્ષણને સર્વસ્વ સોંપી બેસનાર વિજયે કપિલા સાથે લગ્ન કર્યું. બન્નેને લાગ્યું કે તેમણે આઝાદીનો જરા ય ભોગ આપ્યો નથી.૩

આ આખી સૃષ્ટિ કપિલાની આંખ આગળ પુનરાવર્તન પામી, અને મોટર કારનું ભૂંગળું સંભળાયું. કપિલાનું હૃદય ધડકી ઊઠ્યું. જેને મળવું ન હતું, જેને મળવાની કદી ઈચ્છા પણ રાખી ન હતી, તે જ સુધાકર તેને મળવા આવતો હતો ! બેશરમ !

પરંતુ કપિલાનું ઉગ્ર તેજ શાન્ત પડી ગયું હતું. એક સમય હતો કે જ્યારે તે વણ ઈચ્છયા પુરુષને ધક્કો મારી કાઢી મૂકવાની તાકાત ધરાવતી હતી. આજે તેનું જ હૃદય ધબકી ઊઠતું હતું. અને બહારથી વિજય આવ્યો ત્યારે સુધાફર સામે જરા ય નજર નાખ્યા વગર રસહીન વાત કરતી કપિલા કાંઈ ચાના પ્યાલા અને નાસ્તો મૂકી રહી હતી. વિજયની પાસે બાળકી હતી તે પોતાની માતા પાસે દોડી ગઈ, અને વિજય કહ્યું : 'માફ કરજે, સુધાકર ! ઘર નાનું છે, અને બીજો ખંડ નથી; એટલે અહીંથી જવું પડે છે. મજામાં છે ને?

'જરૂર ! કપિલાને મળવા તો હું વિમાનમાં આવ્યો. શોફરને તારું ઘર જ ન જડે એટલે જરા વાર થઈ...પછી તું તો માસ્તર જ રહ્યો, નહિ ?' સુધાકરે છટાબંધ, ધનસંપત્તિની છાલકો વાગતી દેખાય એવી ઢબે જવાબ આપ્યો.

'જો ને સુધાકર ! બધા જ વિમાન અને કાર માણે તો કોઈએ તો માસ્તર થવું રહ્યું જ ને ?'

'ભાઈ ! તું તો પહેલેથી જ આદર્શવાદી...ધૂની ! એ ધૂન હવે મટી હોય તો મને કહેજે, હું તને આંખ મીંચી ઉઘાડતામાં લખપતિ બનાવી દઉં !' કહી સુધાકરે ગર્વથી કપિલા સામે જોયું.

'એવું હશે તો કહીશ. પણ હજી ધૂન મટી નથી, અને આંખ મીંચી ઉઘાડતાં બરાબર લખપતિ બની જવાય એવો જાદુ હજી ગમતો નથી...'

'તારી વાત તું જાણે ! પણ તેં આ કપિલાને કેવી બનાવી દીધી છે?'

'એટલે ? કોલેજમાં હતી એના કરતાં વધારે રૂપાળી લાગે છે, મને તો !'

'પણ એનો જુસ્સો ક્યાં ગયો ? એની આગ ક્યાં ગઈ? એનું તેજ ક્યાં જતું રહ્યું ? '

'તેં લે હજી પૂછ્યું નહિ? તું આવ્યો ક્યારે ?' 'મારે આવ્યે તો કલાક થવા આવ્યો, પણ એ પૂરું બોલે છે જ ક્યાં ? એને શું થઈ ગયું છે એ જ સમજાતું નથી. તેં તો એને જૂની ઢબની વહુ બનાવી દીધી લાગે છે ! ઘરરખુ ગૃહિણી, નહિ?' કહી સુધાકરે ખડખડ હાસ્ય કર્યું અને કપિલ સામે નિહાળ્યું.

વિજયે પણ તેની સાથે વિવેકભર્યું હાસ્ય કર્યું અને કપિલા સામે જોઈ કહ્યું : 'કેમ કપિલા ! સુધાકરને આવી ફરિયાદ કેમ કરવી પડે છે?'

'એની સાથેની વાત તો વર્ષો પહેલાં પૂરી કરી દીધી છે.' કપિલાએ જરા બાજુએ જોઈ કહ્યું :

'જો ને સુધાકર ! બહુ વર્ષે તું દેખાયો એટલે જરા કપિલા શરમાતી હશે તમારી મૈત્રી તો કેટલી ગવાતી હતી !'

સુધાકર સહેજ ખમચ્યો. પણ તેને પ્રત્યેક સંજોગ ઉપર વિજય મેળવતાં આવડતું હતું. તેણે પોતાની ચબરાકીને તેજસ્વી બનાવી કહ્યું; 'હું જે કપિલાને ઓળખાતો એ કપિલા કદી શરમાતી નહિ. તું માસ્તર ! તારી સાથે પરણીને એ ' સભ્ય, શિષ્ટ, સુશીલ બની ગઈ છે. મારાથી તો આ કપિલા ઓળખાતી જ નથી.'

'જેને કોઈ ન પરણે એને બિચારો માસ્તર પરણે ! શું થાય ? પણ જો, તારે અહીં જમવાનું છે. તને સમય પણ મળશે અને કપિલાની શરમ પણ ઊઘડી જશે.' વિજયે કહ્યું. વિજયનું મુખ હસતું હતું છતાં કપિલા જોઈ શકી કે એમાં કાંઈ અવનવું તત્ત્વ પણ દેખાઈ રહ્યું હતું.

'ના ના, એ તો અશક્ય છે ! તેં વાંચ્યું નહિ આજના છાપામાં, કે મારા માનમાં એક જમણ રાત્રે ગોઠવાયું છે?' સુધાકરે કહ્યું.

'ના ભાઈ ! ક્યાં ?

'રોટરી કલબમાં. શું તું યે ! માસ્તર તો માસ્તર જ રહ્યો !

'તારું ભાષણ પણ હશે—' 'હા. વાતચીત.'

'શાના ઉપર ?'

'નવી દુનિયાનું આર્થિક ઘડતર...'

'દુનિયા કાંઈ નવી લાગતી નથી ! હશે, તો કાલે આવજે.'

'કાલ તો રહેવાય એમ છે જ નહિ; હું ક્યારનો કપિલાને વિનવી રહ્યો છું કે એ મારાં મહેમાન તરીકે આજના જમણમાં મારી સાથે આવે.'

'ભલે, જઈ આવ. બહુ વર્ષે તમે મળો છો. તારે જવું જોઈએ, કપિલા !' વિજયે કહ્યું.

'છોકરી નાની છે. એને કોણ રાખે?' કપિલાએ જવાબ આપ્યો.

'અરે ! હું રાખીશ. હું પરણ્યો છું શા માટે ?' વિજયે કહ્યું.

'સાચું. હવે તો બાળઉછેરમાં પતિએ પણ ભાગ લેવાનો છે.' સુધાકર બોલ્યો.

'હું વિજયના સાથ વગર ક્યાંયે જતી નથી.' કપિલા બોલી.

'અરે ! સુધાકર; આ તારી કપિલા તો એટલી પતિવ્રતા બની ગઈ છે કે શું કહું ! મને ઘણી વાર મુશ્કેલીમાં મૂકી દે છે.' વિજયે કહ્યું.

'એમ? કોણ કહી શકે કે જે કપિલા લગ્નમાં માનતી ન હતી તે આવી અંધ—પતિભક્ત બની જશે?' સુધાકરે સહેજ નિઃશ્વાસ નાખ્યો.

વિજયાના મુખ ઉપર સહેજ કડવાશ આવી – જોકે તેણે પોતાનો હાથ મુખ ઉપર ફેરવીને કડવાશને જાણે ખસેડી નાખી.

કપિલાના મુખ ઉપર સહજ ભય દેખાયો. સુધાકર એના, એટલે કપિલાના ભૂતકાળમાં ન જાય તો વધારે સારું એમ તેને લાગવા માંડ્યું. પરંતુ સુધાકરને રોકવો કેમ? એ પોતે જ કપિલાના ભૂતકાળનો એક ટૂકડો હતો ! 'કદાચ કપિલા તને પરણી હોત તો પતિભક્ત ન પણ બની હોત ! સંજોગો માનવીને ઘડે છે.' વિજયે કહ્યું, અને તેણે મુખ ઉપર સ્મિત ફેલાવ્યું.

સુધાકરની પણ આંખ ચમકી. આ એક ત્રણ ટકાનો 'માસ્તર' તેના ભૂતકાળની કીર્તિ સમી કપિલાને ઝૂંટવી બેઠો છે એની બડાશ માર્યે જ જાય છે ! એમ? આજ નહિ તો આવતી કાલ : એ કૈંક કપિલાઓ અને કૈંક વિજયોને ખરીદી શકે એમ છે ! છતાં વિજયના અભિમાનને હવે ફટકો મારવાનો સમય આવી ચૂક્યો છે એમ માની તેણે મોરચો બદલ્યો અને કહ્યું : 'બાળકી બહુ મિઠ્ઠી છે!'

'છોકરીઓ બધી જ મિઠ્ઠી હોય – સ્વાભાવિક છે.' વિજયે કહ્યું.

'એનું નામ શું પાડ્યું ?'

'કાંઈ નહિ. હજી તો “બબી” “બબી” કહીએ છીએ.'

'શું તું યે વિજય છે? “બેબી” પણ કહેતો નથી?'

'કોણ એક માત્રાનો ભાર વધારે ?'

'હલો ! બેબી ! રમકડાં આપું કે ચોકલેટ? પાસે આવો !' કહી સુધાકરે મેજ ઉપરથી એક ચોકલેટનું પાકીટ લઈ આગળ ધર્યું.

બાળકી એની સામે જોઈ રહી. અજાણ્યા માણસ પાસે જવું કે કેમ? અને જવું તો ચોકલેટનું પડીકું લેવું કે કેમ એ મહત્ત્વના પ્રશ્નોમાં ગૂંચવાયલી બાળકી ત્યાં જ ઊભી રહી.

'જાઓ, પાસે જાઓ !' વિજયે કહ્યું.

છતાં આગળ ન વધતી બાળકી તરફ નિહાળી કાઈને પણ સંબોધન કર્યા વગર સ્વગત ઉદ્ગાર કાઢતો હોય એમ સુધાકર બેલ્યો : 'બિલકુલ મળતી આવે છે !'

'શું ? કોણ? કોને મળતી આવે છે?' કપિલાએ વિહ્વળ બની પ્રશ્ન કર્યો–તેનાથી પ્રશ્ન પૂછાઈ ગયો.

'મારી એક બહુ નાનપણની છબી છે; કદાચ મેં તને બતાવી પણ હશે. “બેબી ” શું બરાબર એવી નથી લાગતી?' સુધાકરે છેલ્લું ઝેર રેડ્યું.

કપિલાના અંગેઅંગમાં થડકાર વ્યાપી ગયો. વિજયે બાળકીને પોતાની પાસે લીધી અને હસતે મુખે સુધાકરની સામે ધરી પૂછ્યું :

'બહેન ! જો તને ચોકલેટ આપે. તું માગીશ તે તને આપશે. કારમાં બેસાડશે ! જાઓ, એમની પાસે બેસો !'

સુધાકરે હસતું મુખ કરી સામે સમર્પાતી બાળકીને લેવા પ્રયત્ન કર્યો. ગૂંચવાયેલી બાળકીને કાંઈ સમજ ન પડી. પિતાને જાણે ઝૂંટવી લેતા સુધાકરના મુખ ઉપર નાનકડા હસ્તે એક લપડાક લગાવી વિજયના હસ્તમાં તે પાછી લપાઈ ગઈ.

સુધાકર ઝાંખો પડ્યો છતાં વધારે ઝેરભર્યો ડંખ દેતો હોય તેમ તે બોલ્યો :

'આ તો કૉલેજની કપિલા જ બાળકી બની આવી જાણે !'

'સુધાકર ? કપિલાના ભૂતકાળમાં ન જવાનું મેં પણ લીધું છે; તને ખબર ન હોય તો જાણી લે !' વિજયે મુખ ઉપર સખ્તાઈ લાવી કહ્યું.

હાર્યા જુગારીના બેફામ સાહસથી સુધાકરે જવાબ વાળ્યો :

'એ તે બરાબર પણ લીધું છે ! તને કપિલાના ભૂતકાળની શી ખબર? સોમપાન સહુને લભ્ય નથી.'

બાળકીને નીચે મૂકી વિજયે બંને હાથની બાંહ્ય ઊંચી ચડાવી. કૉલેજ યુગમાં વિજયની એક અજેય કસરતબાજ તરીકેની ખ્યાતિ હતી તે સુધાકર તેમ જ કપિલાને યાદ આવી. બન્નેનાં હૃદય ધડકી ઊઠ્યાં. વિજયે સુધાકરના સફાઈદાર કોટને ગળા આગળથી પકડી એક જ ઝપાટે સુધાકરને ઊભો કરી દીધો, અને તેની સામે એકી ટશે નિહાળી કહ્યું : 'સુધાકર ! કપિલાનો ભૂતકાળ હું જાણું છું. તને સંભળાવું : કપિલા એક રંગીન, રોમાંચક, આકર્ષક, તેજસ્વી યુવતી હતી; ખરું ? ભૂલ હોય તો કહેજે.' 'બરાબર.' સુધાકરે સહજ ભય પામી જવાબ આપ્યો.

'તારી સાથે એને પરમ મૈત્રી હતી–ગાઢ સ્નેહ હતો; નહિ?'

'પછી તું એવી સ્થિતિમાં આવી પડ્યો કે કપિલા સાથે લગ્ન થઈ શક્યું નહિ.'

'એનો તો હું જીવનભર શોક કરી રહ્યો છું.'

'એ શોક દૂર કરવાનો સમય તારી મુઠ્ઠીમાં આવી ગયો છે હવે.’

'એટલે ?'

'એટલે એમ કે તારી અને કપિલાની વચ્ચે આવેલી એક કમનસીબ યુવતી અને તેના સંતાનને તું વગે કરી શક્યો છે.'

'વિજય ! સંભાળીને બોલ; બદનક્ષી થાય છે.'

'બદનક્ષી? તારો આખો નકશો જ બદનક્ષીથી રંગાયલો છે.'

'તું શું કહેવા માગે છે?'

'હું પૂરી વાત સંભળાવીશ. ઉતાવળ ન કર. તારી અને કપિલાની વચ્ચે હું આવી રહ્યો છું... આંખ દૂર ન કરીશ. મારી સામે બરાબર જો... હાં, એમ ! અને મને દૂર કરવા તું વિમાન લાવ્યો, કાર લાવ્યો, કપિલાને લલચાવવા અલંકાર લાવ્યો, અને તારી મોહક વાણી લાવ્યો...?'

'તારો એ વહેમ છે, વિજય !' સુધાકરે આર્જવપૂર્વક કહ્યું.

'મારો નહિ, એ તારો વહેમ છે. તે ધાર્યું હતું કે કપિલા એથી લલચાઈ જશે. પણ એમાં તું સફળ ન થયો...'

'કપિલા ! કહે, સાચું કહે..' સુધાકરે જરા ભય પામી કહ્યું.

'એને ન પૂછીશ. એનું જીવન ઝેર કરવામાં તે કાંઈ જ બાકી રાખ્યું નથી. હવે એક પાસો બાકી હતો તે તેં નાખી જોયો. બાળકીનું મુખ તારા જેવું છે, ખરું ? બોલ જવાબ આપ. બાળકીએ તો તને સચોટ જવાબ આપ્યો. ઓ ઝેરી નાગ ! તારું ઝેર કપિલા અને હું કયારનાં યે પી-પચાવી ગયા છીએ. હવે રમત કરવી હોય તો બીજે કરજે, અહીં નહિ ! છોકરીની ધોલ ખાનાર ઉપર હું હાથ ઉપાડતો નથી. નહિ તો...ઉઠાવ પગ? પાજી !' કહી વિજયે જબરદસ્ત ધક્કો માર્યો અને સુધાકર પડતો આખડતો ઝડપથી દાદર ઊતરી ચાલ્યો ગયો.

મોટરનું ભૂંગળું વાગતાં બાળકી બારી પાસે દોડી ગઈ.

કપિલાએ પાણીને પ્યાલો વિજય પાસે ધર્યો. પાણી પીતે પીતે વિજયે પૂછ્યું : 'કપિલા ! હવે તને શાન્તિ થઈ?'

'શાન્તિ શી બાબતની ?'

'તારો ભૂતકાળ કહેવા તું બહુ આતુર હતી. મારે તો સાંભળવો ન હતો, છતાં તે કહેવાઈ સંભળાઈ ગયો. હવે કાંઈ બાકી નથી ને?' વિજયને મસ્તકે હાથ ફેરવી તેને માટે ચાનો પ્યાલો તૈયાર કરી કપિલાએ વિજય પાસે મૂક્યો અને તે સહેજ દૂર જઈ એક પત્ર લખવા બેઠી. વિજય કાંઈ બોલ્યો નહિ. કાગળ લખી રહી કપિલાએ પૂછ્યું : 'વિજય ! કોને પત્ર લખતી હોઈશ?'

'સુધાકરને.'

'એમાં શું લખ્યું હશે?'

'ફરી આવવાનું.'

'તારામાં દિવ્ય દૃષ્ટિ છે ! ખરેખર એમ જ લખ્યું છે, અને વધારામાં એને ધન્યવાદ પણ આપ્યો છે કે એ મને છોડી ન ગયે હોત તો હું મારા વિજય સરખો જીવનસાથી ક્યાંથી પામી હોત?'

કપિલાના મુખ ઉપર શાંતિભર્યો પ્રકાશ છવાયેલો હતો.

'એની નીચે હું પણ સહી કરી આપું!' વિજયે કહ્યું.

'લે, સહી કર...વાંચીને.' કપિલાએ પાસે આવી પત્ર વિજય પાસે મૂક્યો.

વિજયે પત્ર વાંચ્યો, અને તે હસ્યો. હસીને કપિલા સામે તેણે જોયું. કપિલા વિજયના મુખ સામે તાકીને જોતી હતી. 'તું શું જોયા કરે છે મારા મુખ સામે?' વિજયે પૂછ્યું.

‘તારા સરખા પુરુષનું મુખ જોતાં હું ધરાતી નથી... પણ તું કેમ મારી સામે મીટ માંડી રહ્યો છે?' બાળકી હજી બારીએ જ ઊભી ઊભી રસ્તાની અવરજવર નિહાળતી હતી. પતિ અને પત્ની પરસ્પર મુખ સામે જોતાં હોય ત્યારે કોઈ ત્રીજાએ ત્યાં આંખ માંડવી જ નહિ ! સાસુ સીડી ચઢી ધીમે ધીમે આવતાં હતાં તે પાંચ પગથિયાં પાછાં ઊતરી ગયાં, અને જરા રહીને બોલતાં બોલતાં પાછાં ધીમે ધીમે ચઢ્યાં : 'હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખેતિ !'

પ્રભુના નામોચ્ચાર સાથે જ વિજય અને કપિલાની આંખો અને મુખ છૂટાં પડ્યા ! 

17
લેખ
કાંચન અને ગેરુ
4.0
Kanchan ane Geru is a Gujarati language novel written by Ramanlal Desai in 1949. Ramanlal Vasantlal Desai (12 May 1892 - 20 September 1954) was a Gujarati writer from India. He is considered as an important figure of the Gujarati literature as well as Gujarati novel writing. He wrote 27 novels, among which, Bharelo Agni and Gramalakshmi is considered to be his magnum opus. His other notable and massive work is Apsara, a essays divided in five volume which is based on the life of prostitutes. He was awarded Ranjitram Suvarna Chandrak in 1932
1

છેલ્લી વાર્તા

13 June 2023
6
0
0

છેલ્લી વાર્તા ૧ સુનંદ એક મહાકવિ થવાની આગાહી આપતો કવિ હતો. હવેના મહાકવિઓ મહાસાહિત્યકાર પણ બની શકે છે – એટલે કે સુનંદ નાનીમોટી વાર્તાઓ પણ લખતો, નાટકો પણ લખતો અને ઊર્મિપ્રેરક લેખો પણ લખતો. એની નાનકડ

2

સુલતાન

13 June 2023
3
0
0

સુલતાન  ૧ કહે છે કે વકીલનો કોઈને વિશ્વાસ નહિ ! જે પક્ષ પૈસા વધારે આપે એ પક્ષ તરફથી સાચું ખોટું લડનાર વર્ગ પ્રતિષ્ઠિત ભલે હોય; છતાં સમાજ તેની તરફ કતરાતી આંખે જુએ એ સહજ છે. ભાડૂતી યુદ્ધોમાં પણ વફાદ

3

પ્રભુ છે ?

13 June 2023
0
0
0

પ્રભુ છે ?   ૧ અશોકનું બાળપણ બહુ સુખમાં વીત્યું.તેના પિતા એક આશાસ્પદ વકીલ હતા અને તેમની મધ્યમ પ્રકારની આર્થિક સ્થિતિ ત્યારે તો સહ્ય અને ભવિષ્ય માટે ઉપકારક બનતી. એ મધ્યમ સ્થિતિમાં આજની ભયંકરતાનુ

4

ભૂતકાળ જોઈએ

13 June 2023
0
0
0

ભૂતકાળ જોઈએ ૧નાનકડા પણ સુસજજ ખંડમાં કાંઈ ઊનનું ભરત ભરતી કપિલા એકાએક થોભી ગઈ. હાથમાંનો સોયો અને ભરાતું વસ્ત્ર એમનાં એમ હાથમાં જ રહી ગયાં. વચ્ચે ઊનનો દોરો લટકી રહ્યો. એની આંખ ખુલ્લી હતી. પરંતુ એ ખુલ્લી

5

ઘુવડ

13 June 2023
0
0
0

ઘુવડ આઝાદ હિંદ ફોજમાં કોઈ ગુજરાતી હતો જ નહિ એવી માન્યતા ભૂલભરેલી છે. બર્મા–મલાયાના ગુજરાતીઓએ માત્ર પૈસા આપી આઝાદ હિંદ ફોજથી છૂટાછેડા મેળવ્યા એમ કહેનારને હું મારું દ્રષ્ટાંત આપું છું. હું યુદ્ધ ખેલતાં

6

રખવાળ

13 June 2023
0
0
0

રખવાળ 'એકોહં બહુસ્યામ્' એ ઈશ્વરસંકલ્પની જાણે સાબિતી મળતી હોય એમ એક વ્યક્તિ યુદ્ધ અને યુદ્ધ પછીના યુગમાં 'જુજવે રૂપે અનંત' સ્વરૂપ ધારણ કરી ડગલે ને પગલે આપણી નજર સામે આવ્યા કરે છે. કઈ વ્યક્તિ? કાંઈ

7

બાલહત્યા

13 June 2023
0
0
0

બાલહત્યા દવાખાનામાં ભારે ઉશ્કેરાટ ફેલાઈ ગયો. નર્સો રૂપાળી રૂપાળી દેખાવાનો પ્રયત્ન ચાલુ રાખીને પણ દોડધામ કરતી હતી. સ્ત્રી ડૉક્ટરો સાથે પુરુષો ડૉક્ટરો પણ આવતા જતા અને ગંભીરતાપૂર્વક ચર્ચા કરતા દેખાતા

8

ઝેરનો કટોરો

13 June 2023
0
0
0

ઝેરનો કટોરો પૂનમચંદ હતો ગામડાના નિવાસી. પરંતુ તેના પિતાએ શહેરમાં મોકલી તેને ભણાવ્યો. તેના પિતા પાસે ઠીક ઠીક પ્રમાણમાં જમીન હતી, અને એવી જમીન ધારણ કરનાર ખેડૂત ગામડામાં જમીનદાર ગણાઈ સહુનું માન પામે છે.

9

સત્યના ઊંડાણમાં

13 June 2023
0
0
0

સત્યના ઊંડાણમાં જ્ઞાનની સીમા એક પાસ વધતી જાય છે અને બીજી પાસ અજ્ઞાનના કિનારા પણ એટલા જ આગળ ધસી આવે છે. વિજ્ઞાનની પકડમાં જે ન આવે એને ન માનવું એ સારુ છે, સાચું છે, પણ તે અમુક હદ સુધી જ. વિજ્ઞાન પ

10

નિશ્ચય

13 June 2023
0
0
0

નિશ્ચય હજી સાધન અનુસાર કુટુંબ રચવાની જવાબદારી હિંદ સમજ્યું નથી. રમાનો જન્મ ઠીક ઠીક મોટા કુટુંબમાં થયો હતો. તેને બે મોટી બહેનો હતી અને બે નાના ભાઈઓ હતા. પિતામાતા હતાં અને કેટલાંક સગાંવહાલાંનાં બા

11

નવલિકામાંથી એક પાન

13 June 2023
0
0
0

નવલિકામાંથી એક પાન મારી વાત તમારે જાણવી છે? સાધારણ જીવન સહુ જીવે છે એવું મારું જીવન. એમાં રોમાંચક કશું ન જ હોય. હા, હું મારી પત્નીને એક વખત ચાહતો ન હતો એ વાત સાચી છે. પ્રેમ અને પ્રેમલગ્ન ભાવનામાં ઊછર

12

વેરભાવે ઈશ્વર

13 June 2023
0
0
0

વેરભાવે ઈશ્વર સુખનંદનની જાહોજલાલીનો પાર ન હતો. વ્યાપારમાં પ્રભુએ તેમને સારી બરકત આપી હતી. મોટાં મોટાં મકાન બાંધવાના કૉન્ટ્રેક્ટમાંથી તેમણે સારી કમાણી અને પ્રતિષ્ઠા મેળવ્યાં. એથી આગળ વધી તેમણે ઈંટનાં

13

ડબામાંની ગાય

13 June 2023
0
0
0

ડબામાંની ગાય હું સામાન્ય સ્થિતિનો માનવી. મારું નાનકડું ઘર; પણ આસપાસ થોડી ખુલ્લી જમીન ખરી. સામાન્ય માનવીને પણ પોતાના નાનકડા શોખ તો હોય જ ને? ઘર આસપાસની ખુલ્લી જમીનમાં હું કૂલઝાડ રોપું છું, ક્યારીઓ બના

14

વણઊકલી વાત

13 June 2023
0
0
0

વણઊકલી વાત માતાપિતા સાથે મેજ ઉપર ચાનાસ્તો લેતાં રશ્મિએ કહ્યું : 'કેટલીક તો એવી સરસ કવિતા હતી ! કાનમાં ગુંજ્યા કરે અને મનમાં રમ્યા જ કરે. તમે કદી ચન્દ્રાનન કવિને સાંભળ્યા છે?' 'ચંદ્રાનન ? હા !... ક

15

સિનેમા જોઈએ

13 June 2023
0
0
0

સિનેમા જોઈએ મારે અને વીણાને ખૂબ ઝઘડો થયો. પતિપત્ની વચ્ચે ઝઘડો થાય એમાં બહુ નવાઈ નહિ. પતિ સહેજ મશ્કરી કરે એમાં પત્નીને ખોટું લાગી જાય ! પત્ની કહે કે, ક્લબમાં બહુ વાર ફરો છો, તો પતિને ખોટું લાગી જાય. પ

16

મને વખત નથી

13 June 2023
0
0
0

મને વખત નથી આ એક રસિક વાર્તા નથી. ટૂંકી નોંધ માત્ર છે. એક સાચા બનેલા પ્રસંગની નોંધ છે. અને એમાં નાયક છે એટલા પૂરતી એને વાર્તા કહો તો જુદી વાત ! લોકશાસનમાં પત્રકારોને અને નેતાઓને પરસ્પર સ્નેહ, સબંધ,

17

કાંચન અને ગેરુ ૧

13 June 2023
0
0
0

કાંચન અને ગેરુ૧ આનંદ અને જયંત બન્ને ગુરુના પ્રિય શિષ્યો. બીજા શિષ્યોને જે પાઠ શીખતાં મહિનો લાગે તે આનંદ અને જયંત એક દિવસમાં શીખી જતા. આશ્રમમાં આગેવાન પણ આનંદ અને જયંત. વેદ, વેદાન્ત, ષડ્દર્શન પૂરાં કર

---

એક પુસ્તક વાંચો