કાંચન અને ગેરુ૧
આનંદ અને જયંત બન્ને ગુરુના પ્રિય શિષ્યો. બીજા શિષ્યોને જે પાઠ શીખતાં મહિનો લાગે તે આનંદ અને જયંત એક દિવસમાં શીખી જતા. આશ્રમમાં આગેવાન પણ આનંદ અને જયંત. વેદ, વેદાન્ત, ષડ્દર્શન પૂરાં કર્યા અને આશ્રમમાંથી પાત્રતા મેળવી વિશ્વના ચોગાનમાં ઊતરવાની ક્ષણે ગુરુએ આનંદ અને જયંત બન્નેને બોલાવી પૂછ્યું : 'કહો વત્સ ! જીવનમાં શું કરશો?'
'ગુરુજી ! દિગ્વિજયની તૃષ્ણા જાગી છે.' આનંદે કહ્યું.
'હું પણ એ જ દિગ્વિજય ચાહું છું, ગુરુજી !' જયંતે કહ્યું.
'તમારું કલ્યાણ થાઓ. દિગ્વિજયની શક્તિ જરૂર તમારામાં છે,' ગુરુએ શિષ્યોની મહત્ત્વાકાંક્ષાને ઉત્તેજન આપતાં કહ્યું.
'માત્ર – અમારી બન્નેની વચ્ચે એક સ્પર્ધા જાગી છે.' આનંદે વચ્ચે ઉમેર્યું.
'શાની સ્પર્ધા ?'
'દિગ્વિજયના; માર્ગની. આનંદને લાગે છે કે એ સઘળું ત્યાગીને દિગ્વિજય મેળવશે. મને લાગે છે કે હું સધળું મેળવીને દિગ્વિજય કરીશ.' જયંતે કહ્યું.
'બહુ સારું. જીવન એક પ્રયોગ છે; કરી જુઓ તમારા પ્રયોગ. હું તો માત્ર તમને આશીર્વાદ આપું.' કહી ગુરુએ શિષ્યોને સ્નેહભરી વિદાય આપી. બન્ને સાથે જ આશ્રમમાંથી બહાર નીકળ્યા. રસ્તે જતાં જયંતે આનંદને પૂછ્યું : 'કયે રસ્તે જઈશું ? '
'હુ પર્યટન કરીશ.' આનંદે કહ્યું.
'પર્યટન તો હું પણ કરીશ. ધનિકો, શ્રેષ્ઠીઓ, વિષ્ટિકારો અને નૃપાલોની બાજુએ હું ડગલાં ભરીશ.' જયંતે કહ્યું.
'હું હજી આશ્રમો શેાધીશ, ગુફાઓ ખોળીશ અને ભિખ્ખુઓનો માર્ગ શોધી વળીશ.’ આનંદે જવાબ આપ્યો.
'આનંદ ! મને એક સત્ય દેખાયું છે.'
'હરકત ન હોય તો મને પણ એ સત્ય બતાવ.'
'ધન એ જ સાચી સત્તા છે. સર્વ દિગ્વિજ્યની ચાવી ધન છે. ધનને કશું જ મેળવવું અશક્ય નથી.' જયંતે કહ્યું.
'તું ધનિક થાય અને મેળવવા યોગ્ય બધું મેળવે તે દિવસે મને યાદ કરજે.'
'અરે તું? વગર મેળવ્યે જ તારો દિગ્વિજ્ય થાય તો તું પણ મને યાદ કરજે.'
'વર્ષે, બે વર્ષે, આપણે મળીને એકબીજાને આપણે સરવૈયું બતાવતા રહીશું.' આનંદે કહ્યું.
બન્ને શિષ્યોએ ધબકતા વિશ્વમાં હસતે મુખે પ્રવેશ કર્યો.૨
વારાણસી સરખી પવિત્ર નગરી અને ગંગા સરખી પાપમોચની સરિતા. બન્ને વિદ્યાર્થીઓ ગંગાસ્નાન માટે ગંગાધાટનાં પગથિયાં ઊતરતા હતા. અને તેજસ્વી કિશોરો તરફ જનારા આવનારનું સહજ લક્ષ્ય ખેંચાતું. પાણી ઉપર એક વહાણ તરતું હતું. વહાણવટીઓ વહાણને ઉપાડવા તત્પર હતા, પરંતુ વહાણનો માલિક એક પગથિયે ઊભો ઊભો વિકળતાભર્યો કોઈની રાહ જોતો હતો. એની પાસે જ એનો એક મિત્ર ઉતાવળ કરતો વાતચીતમાં પડ્યો હતો.
'બહુ મોડું થાય છે, લક્ષ્મીનંદન ! બીજાં વહાણો તો એ... આગળ ચાલી નીકળ્યાં.'
'શું કરું? કર્મકાણ્ડી જડસાઓનું કાંઈ ઠેકાણું છે? ચાર કંકુના છાંટા અને ચાર ફૂલ ગંગાજીને ચઢાવ્યા એટલે બસ. પણ હજી કોઈ આવ્યું નથી.' લક્ષ્મીનંદને કહ્યું.
‘પેલા બે વિદ્યાર્થીઓને પૂછી જોઈએ; તાજા ભણેલા લાગે છે. અરે ઓ બ્રહ્મકુમાર ! જરા આમ પધારો.'
બન્ને વિદ્યાર્થીઓ પાસે આવ્યા.
'તમારામાંથી કેાઈ ગંગાપૂજન કરાવશે ?'
'હા જી.'
'કેટલીવાર કરશો ?’
'જરા ય નહિ. સ્નાન સંધ્યા કરી લઈએ.' આનંદે કહ્યું.
'મને એટલો વખત નથી. બહુ જ ઝડપથી વહાણ ઉપાડવું છે...'
'જો ને, આનંદ ! સ્નાન કરીને તો આપણે નીકળ્યા છીએ. પૂજા કરાવી લઈએ; પછી નિરાંતે ગંગાસ્નાન કરીશું.' જયંતે કહ્યું.
'હા હા; તમે મને બહુ કામ લાગશો... અને પછી ક્યાં જશો?' લક્ષ્મીનંદને પૂછ્યું.
'નક્કી કાંઈ નથી. હમણાં જ ગુરૂઆશ્રમ છોડીને આવીએ છીએ.' પાસે પડેલા કંકુના પડિયા તથા પુષ્પને હાથમાં લેતાં જયંતે કહ્યું, અને ઝડપથી ગંગાપૂજન થઈ ગયું.
'આવવું છે મારી સાથે?' લક્ષ્મીનંદને જયંતને પૂછ્યું.
'આપ ક્યાં ક્યાં જશો?' જયંતે સામે પૂછ્યું.
'વ્યાપાર જ્યાં લઈ જાય ત્યાં, અત્યારે સાગરસંગમ સુધી; પછી સાગર પાર.' 'હું તૈયાર છું.' જ્યંતે કહ્યું.
'ક્યાં પાછાં માણસો વધારો છો?' મિત્રે જયંત આવે તે સામે અણગમો દર્શાવતાં લક્ષ્મીનંદને કહ્યું.
'તું ન સમજે. એક કર્મકાણ્ડીને પણ સાથે રાખ્યો સારો. જે તે સ્થળના પૂજારીઓથી આપણે સ્વતંત્ર રહી શકીએ.' લક્ષ્મી નંદને એક કર્મકાણ્ડીનો ઉપયોગ સમજાવ્યો, અને વહાણને ચલાવવા હુકમ આપ્યો.
'બેસી જાઓ, સાથે આવવું હોય તો...તુર્ત !' મિત્રે જયંતને કહ્યું. જયંતે જરા બાજુ ઉપર જોયું. આનંદ ગંગાજીના પાણીમાં ડૂબકી મારતો હતો.
'આનંદ ! હું આ વહાણ સાથે ચાલ્યો જાઉં છું.' જયંતે કહ્યું.
'શુભ કાર્યમાં વાર શી? ભલે !' આનદે તેને સંમતિ આપી, અને પોતે સ્નાન કરી ઘાટના પગથિયાને એક ખૂણે ધ્યાનમાં બેઠો.
આનંદે આંખ ખોલી ત્યારે જયંતનું વહાણ દ્રષ્ટિમર્યાદાની બહાર ચાલ્યું ગયું હતું; પરંતુ એની સામે જ ધાટ ઉપર એક તરાપો તરી રહ્યો હતો. તરાપાને પકડી કેટલાંક માણસો સ્નાન કરતાં હતાં અને કેટલાંક ઘાટ ઉપર ધ્યાનમગ્ન બેઠા હતાં. એક ધીર ગંભીર પ્રૌઢ પુરુષે આનંદને પૂછ્યું : 'વત્સ ! વારાણસી વાસી છો?'
'ના જી. ગુરૂઆશ્રમથી નીકળી જગતમાં આવ્યો છું. ગંગાસ્નાન કર્યા પછી... શું કરવું એનો નિશ્ચય હજી કરવો છે.' આનંદે કહ્યું.
'સ્નાનથી તો તું પરવાર્યો, નહિ?'
'જી હા. '
'મારી સાથે આવવું છે?'
'આપ ક્યાં પધારશો ? '
'હમણાં તો સમુદ્રસંગમ સુધી–પછી સમુદ્ર પાર.'
'વ્યાપાર કાંઈ...'
'વ્યાપાર એક જ કે જ્ઞાન મળે તે લેવું અને પાસે હોય તે આપવું.'
'હું આપની સાથે આવવા તત્પર છું.’
'ભાઈ ! મારી પાસે વહાણ નથી; આ વાંસનો તરાપો છે.'
'મને ફાવશે.'
'આપણે હાથે હલેસાં મારવાનાં છે - કોઈ ખલાસી સાથમાં નથી.'
'હું શીખી લઈશ.'
'વૈભવ, વિલાસ કે સત્તા ઈચ્છતો હો તો આ તરાપામાં ન આવીશ. કોઈ વ્યાપારીના વહાણમાં જા.’
'વ્યાપારીના એક વહાણને તો મેં જતું કર્યું.'
'હજી બીજા ઘણાં આવશે.’
'આપની સાથે આવવામાં ભૂલ થઈ છે એમ લાગશે તો હું તરાપો છોડી દઈશ.'
'પછી મોડું થયું ને લાગે !'
'એમ લાગશે તો ય હું આપની સાથે જ આવીશ.'
તરાપામાં આનંદ બેઠો. એની સાથે સાધુઓ, આશ્રમવાસીઓ અને વિદ્યાવ્યાસંગીઓનો સમૂહ હતો. યાત્રાના સ્થળે તરાપો રોકાતો; એક સ્થળના વિદ્વાનો તપસ્વીઓ અને સાધુઓ સાથે સહુના વાર્તાલાપ થતા, અને તરાપો બીજે સ્થળે જઈ રોકાતો. તરાપામાં પણ ઠીકઠીક ચર્ચા થતી; કદી ભજનકીર્તન પણ થતાં અને એક દિવસ પૂરતું સાદુ અન્ન મળી રહે તો બીજા દિવસનો કોઈ વિચાર પણ કરતું નહિ. જનતાને જેમ મિષ્ટાન્નનો વિચાર ઉત્સાહ પ્રેરતો તેમ આ સમૂહને ઉપવાસનો વિચાર ઉત્સાહપ્રેરક બનતો.
આમ ને આમ વર્ષ વીત્યું. ગંગાસાગર છોડી આ તરાપો સમુદ્રમાં ઝૂકી ચૂક્યો હતો. કિનારે આવતાં નગરો, ગ્રામ અને નિવાસમાં ઊતરી આ સમૂહ ફરતો. લોકોમાં ભળતો. અને જ્યાં જ્યાં એ સમૂહ જતો ત્યાં ત્યાં જનતાનો પોશાક, જનતાનાં ખાણાંપીણાં, જનતાની ભાવના, અને જનતાનાં પૂજાવિધિ બદલાઈ જતાં. ટોળાંમાંથી કોઈ કોઈ માણસો ત્યાં જ રહી જતાં; કદી કદી કિનારાથી દૂર અંદર આવેલા પ્રદેશમાં પણ જતાં અને કેટલાક જતાં તે પાછી તરાપામાં આવતાં પણ નહિ. પ્રૌઢ પુરુષની નેતાગીરી સર્વમાન્ય હતી. કિનારે ઊતરતા શિષ્યોને તેઓ કહેતા : 'વત્સ ! ધ્યાનમાં રાખજો ! આપણે વસ્તુના વ્યાપારી નથી; જ્ઞાનના, સંસ્કારના વ્યાપારી છીએ. આપણે મિલક્ત ભેગી કરવાની નથી, પણ આપણે જે મિલક્ત હોય તે લૂંટાવવાની છે. જેટલું વાપરશો એટલું વધશે.'
આનંદનો પણ તરાપામાંથી ઊતરવાનો વારો આવ્યો, નેતાને– ગુરુને નમન કરી તે પણ પરદેશની જનતામાં અદૃશ્ય થઈ ગયો. એને પોતાના ગુરુનું એક વાક્ય બહુ ગમી ગયું હતું : 'જ્યાં જયાં આર્યો પગ મૂકે ત્યાં ત્યાં આર્યાવર્ત ઊભું થાય.'
પણ આર્યોના પગ એટલે? ગુરુએ સમજાવ્યું હતું કે પૂજવાને પાત્ર, સાચવી રાખવાને પાત્ર, જનતાને પ્રેરણા આપે એવા પગ તે આર્યોના. ભય, ભક્ષણ, શોષણ, ચૂસણ જ્યાં હોય ત્યાં આર્યોની આર્યતા વટલાઈ જાય. એવા પગ પૂજવા લાયક નહિ, કાપવા લાયક.
આર્યપગ લઈ આનંદ સમુદ્ર છોડી જમીન ઉપર ચાલ્યો. એ પ્રદેશે ભરતખંડ નહિ; ભરતખંડ બહારની એ ભૂમિ.૩
વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, પાંચ વર્ષ વીતી ગયાં. ગામડે ગામડે, ખેતરે ખેતરે, ઝૂંપડીએ ઝૂંપડીએ આનંદ ફરતો અને દીન, દરિદ્ર અને દુઃખી જનતામાં તે ધૈર્ય, ઉત્સાહ અને શાંતિ ફેલાવતો. ધનિકોને ત્યાં એનું સ્થાન ન હતું, પરંતુ ગરીબમાં તો એનો પગ પ્રભુના પગ સરખો આવકારપાત્ર બની જતો. માંદાની એ માવજત કરતો; અભણને એ શિક્ષણ આપતો; અને સુખ તથા દુઃખની સામાન્ય વ્યાખ્યાઓને સ્થાને એ એવી વ્યાખ્યા કરતો કે જેથી બાહ્ય દ્રષ્ટિએ સાધનરહિત દેખાતાં માનવીઓને ભરપૂરપણાને ભાસ થાય. 'તારે ખુલ્લામાં પડી રહેવું પડે છે? રહેવાને હવેલી જોઈએ? હું પણ ખુલ્લામાં જ પડી રહું છું. હવેલીમાં રહેનારને પૂછી જોજે : એને તારા દેખાય છે? સૂર્યદર્શન એ કરી શકે છે? ચાંદનીમાં એ કદી નાહી શકે છે ખરો ? તારો એ વૈભવ હવેલીમાં રહેનાર પાસે નથી જ.'
આમ ઝૂંપડીમાં રહેનારને તે ઝૂંપડીનું મહત્વ સમજાવતો.
સ્વાભાવિક છે કે ગરીબને પકવાનની ઈચ્છા થાય. આનંદ તેને કહેતો : 'સ્વાદ જીભમાં છે; વસ્તુમાં નથી. ધનિકને શા માટે ખટરસની વાનીઓ વધારવી પડે છે એ તું જાણે છે? એના આખા યે છપ્પન ભોગમાંથી એને કશો સ્વાદ મળતો જ નથી. અને તારો રોટલો અને ચટણી ? કેવાં સ્વાદપ્રેરક બની રહે છે ! તારી રસના જીવંત છે. ધનિકની રસના મરવા પડેલી છે.'
એ પછી ગરીબોને પોતાનો રોટલે વધારે ભાવતો. આનંદને સાંભળવાની, આનંદને મળવાની ધનિકો કે સત્તાધીશોને તે ફૂરસદ મળતી જ નહિ. સત્તા અને ધનમાં મળતો આનંદ તેમને માટે બસ હતો.
ફરતો ફરતો આનંદ એક વાર ચંપાપ્રદેશની ચંપાનગરીમાં આવી ચડ્યો. શહેરોને સાદા ધર્મપુરુષો ગમતા નથી. ધન મેળવવાની ધમાલમાં અને સત્તાપ્રદર્શનની યોજનામાં આનંદ પ્રત્યે નિહાળવાની કોઈને જરૂર ન જ હોય એ સમજી શકાય; છતાં ભરતખંડથી આવતા કેટલાક વિચિત્ર સાધુઓ પ્રત્યે પગે ચાલતી જનતાને કુતૂહલ થતું ખરું. ગરીબીમાં સંતોષ મનાવતા, શૂન્યને સ્વર્ગ બનાવતા, પોતાનાં જ દ્રષ્ટાંતોથી એ વસ્તુ સાબિત કરતા એ ત્યાગનાં સંદેશવાહકો જનતાને ગમતા જરૂર. આનંદે એક વિશાળ મહાલય નિહાળ્યો. છલકાઈ જતી રિદ્ધિ સિદ્ધિના સંગ્રહસ્થાન સરખા એ સ્થળે અનેક પાલખી આવતીજતી અને સૈનિકો, વ્યાપારીઓ, કલાકારો તથા મજૂરોની ભીડ એક સરખી ચાલુ રહેતી આનંદે નિહાળી. 'કોનો મહાલય આ ?' જવાબ આપવાની નવરાશ છે એમ એક રસ્તે જનારાના મુખ ઉપરથી સમજતાં આનંદે પૂછ્યું.
'મહારાજ ! એટલું ય જાણતા નથી ?' નવાઈ પામી રસ્તે જનારે જવાબ આપ્યો.
'નહિ, ભાઈ ! હું અજાણ્યો છું આ સ્થળથી.'
'આખા ચંપાપ્રદેશના ધનનું અને પ્રદેશની સત્તાનું કેન્દ્ર આ સ્થળ. સમજી લો કોણ એનો માલિક હશે તે.'
'ચંપાના રાજવી તો અહીં ન હોય. એ બીજે સ્થળે રહે છે; હું ત્યાંથી આવું છું. રાજા વગર બીજુ કોણ હોઈ શકે ?'
'ભરતખંડનો એક મહાન શ્રેષ્ઠી છે. એનાં સેંકડો વહાણ સમુદ્રમાં ફરે છે; હજારો માનવીઓની એની વણજાર દેશ પરદેશ કર્યે જાય છે; મહા ધર્મિષ્ઠ ને દાનેશ્વરી છે. જો આપને મળવાનો લાગ આવી જાય તો ! રાજ્યોનાં રાજ્યો એના હાથમાં રમે છે.'
'એનું નામ ?'
'શ્રેષ્ઠી જયંત.'
'મારા પ્રદેશનો જ એ શ્રેષ્ઠી. એને મળવું જ છે.' સહજ વિચાર કરી આનંદે નિશ્ચય જાહેર કર્યો.
'આજ ને આજ ભાગ્યે મળાય. કરી જુઓ પ્રયત્ન. એને પ્રત્યક્ષ મળતાં તો મહિનો વીતી જાય.' કહી રસ્તે જતો માણસ ચાલતો થયો.
આનંદે આંગણામાં પ્રવેશ કર્યો. એક આંગણરક્ષકે તેને રોકી પૂછ્યું : 'કોનું કામ છે, સાધુ ?'
'શ્રેષ્ઠી જયંતનું.'
'એ તમને ન મળી શકે.'
'કેમ ? સાધુઓને એ મળતા નથી ?'
'સાધુઓને માટે સદાવ્રત તેમણે કાઢ્યાં છે. તમારા દેશના કૈંક સાધુઓ એમાં રહે છે. બતાવું આપને ?' 'નહિ; મારે તો એમને જ મળવું છે.'
'ઠીક. તો પેલા છોટા મુનીમના ઓરડામાં તપાસ કરો.' કહી રક્ષકોએ છોટા મુનીમનો ઓરડો દૂરથી બતાવ્યો.
છોટા મુનીમ ભલે છોટા કહેવાતા હોય પરંતુ એ એક જગતવિખ્યાત શ્રેષ્ઠીના છોટા મુનીમ હતા. તેમની આસપાસ ચાર રક્ષકો ફરતા હતાઃ એક એકથી ચઢિયાતા. સાધુને સદાવ્રત ઉપરાંત દાનદક્ષિણાની પણ આશા આપવામાં આવી. સાધુને કાંઈ જોઈતું ન હતું. એને તો માત્ર જયંત શ્રેષ્ઠીનાં દર્શન કરવાં હતાં. મહા મુશ્કેલીએ કેટલી વારે મળેલા છોટા મુનીમે કંટાળીને આનંદને મોટા મુનીમ પાસે મોકલ્યો.
હસતે મુખે આનંદ મોટા મુનીમ પાસે ગયો. મોટા મુનીમને આસપાસ આઠ રક્ષકોની દીવાલ હતી. તેમની દીવાલ ભેદતાં રાત પડી, અને કંટાળેલા મુનીમ મશાલચીઓની પાછળ ઘેર જેવા બહાર નીકળ્યા ત્યારે સાધુની મુલાકાત શક્ય બની.
'મહારાજ ! આર્ય સાધુ હો તો મંદિર બંધાવી આપું; બૌદ્ધ સાધુ હો તો ગુફા કોતરાવી આપું. પરંતુ શ્રેષ્ઠીને અત્યારે મળવાનો લોભ જતો કરો.' વડા મુનીમે આનંદને સલાહ આપી.
'બધા લોભ જતા કર્યા છે, પરંતુ શ્રેષ્ઠીને મળવાનો લોભ જિતાય એમ નથી.' આનંદે કહ્યું.
'ઈશ્વર કૃપા કરે તો તેમને મળાય. બહુ જ કામમાં છે. અને અત્યારે તો એ મળે જ નહિ.'
'અહીં આંગણામાં બેસી રહીશ. આપની માફક એ બહાર નીકળશે, ત્યારે મળીશ.'
'પણ કામ શું છે આપને? મને કહો. માગો તે આપવા તૈયાર છીએ. ધનની અમારા ભંડારમાં ખોટ નથી. પછી મળીને શું કરશો ?'
'શ્રેષ્ઠીને કેમ મળવા માગું છું એનું કારણ શ્રેષ્ઠી વગર કોઈ સમજી શકે એમ નથી...' વડા મુનીમની અક્કલ ખૂલી. કદાચ કોઈ મહત્વની જાસૂસી ખબર તો આ સાધુ નહિ લાવ્યા હોય ?
‘ચીનથી આવો છો?' મુનીમે પૂછ્યું. હમણાં ચંપા અને ચીન વચ્ચે ઝઘડો ઊભો થવાનો સંભવ હતો, અને તેમાં શ્રેષ્ઠી જયંત બહુ મહત્ત્વનો ભાગ ભજવતા હતા.
‘ના જી; ભરતખંડથી આવું છું.' આનંદે કહ્યું.
જાસૂસ હોય તો મુનીમને પણ સાચી હકીકત ન જ કહે. આનંદના મુખ ઉપરની શાંતિ અને સ્મિત તેને સાચો સાધુ કે સાચો જાસૂસ બનાવવા માટે પૂરતાં હતાં. શ્રેષ્ઠીએ સાધુઓમાંથી આખી એક જાસૂસમાળા દેશ પરદેશ ઊભી કરી હતી તેની મુનીમને ખબર હતી, અને પ્રભાતથી હઠ કરી શ્રેષ્ઠીને મળવા માગતો સાધુ જરૂર કોઈ મહત્ત્વનો રાજદ્વારી જાસુસ નેતા હશે એમ એને ખાતરી થઈ.
'મહારાજ ! આપને ખબર નહિ હોય. પણ અત્યારે તો ચંપાના મહારાજા પોતે જ શ્રેષ્ઠી પાસે આવી કાંઈ ગુપ્ત ચર્ચા કરી રહ્યા છે.' મુનીમે કહ્યું.
'ચર્ચા પૂરી થવા દો. પછી ખબર આપો.' આનંદે કહ્યું.
એટલે મુનીમને ખાતરી થઈ ચૂકી કે મહત્ત્વની હકીકત કહેવા આવેલા આ સાધુને પાછા મોકલવાનું જોખમ તેમણે તો ન જ ખેડવું.
મુનીમ પાછા બેઠા અને સાધુને બેસાડ્યા. થોડીવારમાં જ છુપી ખબર આવી કે ચર્ચા કરીને મહારાજા મહેલમાં પાછા પધારી ગયા. એ જ ખબર આપનારની સાથે મુનીમે સંદેશો કહાવ્યો કે સાધુ આનંદ અત્યારે જ શ્રેષ્ઠીને મળવા માગે છે.૪
'સાધુ આનંદ? કોણ હશે એ ? ખ્યાલ આવતો નથી.' સુખા- સનમાં બિરાજેલા શ્રેષ્ઠી જયંતે સમાચાર આપનારને પૂછ્યું. ચંપાના મહારાજા જાતે આવી તેમની સલાહ લઈ ગયા હતા, એ મહત્ત્વની છાપ શ્રેષ્ઠીના મુખ ઉપરથી ખસતી ન હતી.
'ભરતખંડથી આવે છે, અને આપને મળ્યા વગર જવાની ના પાડે છે.
‘એવી હઠ શા કામની ?'
'પ્રભાતથી આવી હઠ લઈ એ સાધુ બેસી રહ્યા છે...'
'હાં...હાં. કદાચ જેને ઓળખું છું તે આનંદ તો ન હોય? બોલાવો, બોલાવો !'
અનેક વ્યવસાયમાં ભૂતકાળની ક્ષુલ્લક વાતો અને ક્ષુલ્લક માનવીઓને વીસરી જતા ધનિકોની સ્મૃતિમાં કદી વીજળી ચમકી જાય છે અને કેટલાક ક્ષુલક પ્રસંગો ઉપર પ્રકાશ પાડે પણ છે. શ્રેષ્ઠી જયંતને પોતાનો આશ્રમવાસ અને વિદ્યાભ્યાસ યાદ આવ્યાં.
વ્યાપારી વહાણમાં કર્મકાણ્ડી યુવક તરીકે ઊંચકાઈ આવેલા જયંતે કેટલી ઝડપથી વ્યાપારનાં ઉત્તંગ શિખરો સર કરી દીધાં, કેવી ત્વરાથી તેણે અઢળક ધનસંપત્તિ ભેગી કરી, એ સંપત્તિના બળ વડે કેવી કેવી સત્તા પ્રાપ્ત કરી અને કીર્તિની ટોચે તે કેવી સિફતથી ચડી ગયો, એની વિગતો વિચારતાં એને થયેલ સ્મૃતિ- દોષ સહુ કોઈ માફ કરે જ. તે એવા પ્રકાશવર્તુલમાં ઊભો હતો કે તેને જરૂર પોતાનો ભૂતકાળ એક અંધારા ઊંડાણ સરખો જ લાગે.
છતાં તેને આનંદ અંતે યાદ આવ્યો એ જરૂર એની માણસાઈનું જ પરિણામ ગણાય.
આનંદ આવી તેની સામે ઊભો. ભગવું વસ્ત્ર, સહેજ કૃશતાનું ભાન કરાવતો દેહ અને શીળું સ્મિત વેરતું મુખ, આનંદને જરૂર ઓળખાવી શક્યું.
પરંતુ જ્યંત ? દેહમાં વધારે પડતું માંસલપાણું, વધારે પડતી લાલાશ, હીરા મોતી અને સોને શણગારેલાં અંગઉપાંગ અને ચારે પાસ ચમકી રહેલો વૈભવ, વિદ્યાર્થી જયંતની એક રેખા પણ રાખી રહ્યાં હતાં કે કેમ તેની આનંદના મનમાં શંકા ઉપજી. 'આ જયંત હશે ?' તેને મનમાં પ્રશ્ન થયો.
'આનંદ ! તું ક્યાંથી ?' જયંતે મુખ ઉપર સહેજ પ્રસન્નતા લાવી પૂછ્યું.
'તને જ શોધતો આવ્યો. એકે વર્ષ આપણે આપણા જમાખર્ચનું સરવૈયું એકબીજા આગળ મૂકયું નહિ.' આનંદે કહ્યું.
'ઓહો ! એ જૂની વાત હજી યાદ છે?'
'જૂની વાત? બહુ વર્ષ થયાં નથી. થોડાં વર્ષમાં તું સંપત્તિને શિખરે બેઠો છે.'
'સંપત્તિ અને સત્તા બન્ને કહે. એ તો ઠીક પણ આનંદ ! તું આવ્યો ક્યારે ? મને ખબર કેમ ન આપી? તારા ઉતારાની શી વ્યવસ્થા છે ? હવે ભોજન મારી સાથે લેજે.'
'હું રાત્રિભોજન કરતો નથી; એકભુક્ત બની ગયો છું. !
'ફળ લેજે. પણ મારી સાથે તો બેસ !' કહી સુવર્ણપાત્રમાં પકવાન્ન અને દાળ બન્ને મિત્રોએ સાથે જ આરોગ્યાં.
'કહે, કુશળ છે?' આનંદે પૂછ્યું.
'સંપૂર્ણ રીતે.'
'ધન કેટલું ?'
'ફેકી દેતાં ખૂટે નહિ એટલું.'
'ધર્મમાં વાપર્યું કેટલું કેટલું ?'
'આનંદ ! હું ધર્મકાર્ય ચૂક્યો નથી. પંદર દેવસ્થાનો, પચાસ સદાવ્રત, સો પાઠશાળા, હજાર ધર્મશાળા...'
'ઓહો ! આટલાં પુણ્યે તો માનવીને મુક્ત મળે.'
'અરે, એક નહિ, અનેક આચાર્યોએ મારો મુક્તિમાર્ગ સરળ કરી આપ્યો છે. ઈંદ્ર, શંકર અને વિષ્ણુલોક પણ મારે માટે ખુલ્લા છે.'
'વાહ ! આચાર્યોએ તને મોક્ષની હુંડીઓ આપી પણ દીધી ?'
જયંત જાણે સ્વર્ગ, કૈલાસ અને વૈકુંઠ પ્રત્યે કૃપા કરતો એમ હસ્યો. 'બીજું કાંઈ ? સરવૈયામાં ?' આંનદે આગળ પૂછ્યું.
'કોઈને કહીશ નહિ પરંતુ ચંપાનું રાજ્ય મારે ત્યાં ગીરો મુકાયું છેઃ ' જયંતે કહ્યું.
'એટલે ? મને ન સમજાયું.'
'ચીન અને ચંપા વચ્ચે યુદ્ધ જાહેર થઈ ચૂક્યું જાણજે.'
'એ મને વધારે ગૂંચવનારું કથન.'
'તને યાદ છે મેં આશ્રમ બહાર જતાં શું કહ્યું હતું તે ?'
'ફરી કહે.'
'ધન એ જ સાચી સત્તા છે...સર્વ દિગ્વિજયની ચાવી ધન છે.'
'યાદ આવ્યું.'
'આ ધન સિવાય ચંપાના રાજવીથી ચીન સામે યુદ્ધ થાય એમ નથી. હું તેમને ધન આપી તેમનું રાજ્ય અને તેમની સત્તા ગીરવી લઉં છું.'
'એમ? સંભવ છે કે તું ચંપાનો રાજવી પણ બની જાય.'
એ જ માર્ગે હું જાઉં છું, તું ફરી આવીશ ત્યારે કદાચ જયંતને જ તું ચંપાધિપતિ નિહાળીશ.'
'તેં ધન પણ મેળવ્યું; ધર્મ પણ સાધ્ય કર્યો, સત્તા પણ મેળવી. જયંત, તું શર્તમાં જીતે એમ લાગે છે.' આનંદે સ્મિત ચાલુ રાખી કહ્યું.
જયંતના મુખ ઉપર પ્રફુલ્લતાનો બગીચો ખીલી નીકળ્યો. વિજયનું અટ્ટહાસ્ય તેના કંઠમાં આવી અટકી ગયું. અત્યંત હલકા દેખાવાના ભયે એ હાસ્યને જયંતે જરા રોકી રાખ્યું.
'પણ તું તો કહે ત્યાગથી તેં કઈ પ્રાપ્તિ મેળવી ?' જયંતે પોતાની પ્રફુલ્લતાને વિખરાવા-વેરાવા દઈ પૂછયું.
કદાચ હતું તે પણ ખોયું ! પ્રથમ વસ્ત્ર અને ઉપવસ્ત્ર બે હું ધારણ કરતો; હવે આ ગેરુરંગ્યો એક જ અંચળો મારે પહેરવા માટે રહ્યો છે.' ‘હું તને મઠાધિપતિ સ્થાપું. જોઈએ એટલા મઠ, પીઠ સ્થાનક...'
'કોઈને પૈસે સ્થપાયેલો મઠ હું કદાચ ગુમાવી બેસીશ; હું તો ત્યાગ અને સમૃદ્ધિ સાથે સાથે જોઉં છું ને ?'
'હજી સુધી ?' મને, મારા વૈભવને, મારી સત્તાને જોયા પછી પણ?'
'શર્ત તો પાળવી જ રહી; જીવતાં સુધી !'
'હજી તને આશા છે કે આ અરણ્યનિવાસ, આ તપ અને આ ત્યાગ તને સમૃદ્ધિ આપશે?'
‘આશા ખરી...હજી દિગ્વિજય ઝંખું છું.'
'દિગ્વિજય? હજી હું કાંચનના શિખર ઉપર બેસીને પણ દિગ્વિજ્ય શબ્દ બોલતાં અચકાઉં છું અને તું, આ ગેરુભર્યા અંચળામાં દિગ્વિજય શબ્દનું ઉચ્ચારણ કરે છે?' જયંતે જરા તિરસ્કારપૂર્વક આનંદને કહ્યું.
'દિગ્વિજ્યની બહુ નજીક તું છે, જયંત ! નહિ ?'
'હા. આવતી કાલે સવારે જો તું મળ્યો હોત તો તને મારાં દિગ્વિજ્યની કથા સંભળાવત. ભરતખંડનો એક વિદ્યાર્થી પરદેશ જાય, પરદેશમાં જઈ જગવિખ્યાત શ્રેષ્ઠી બને, ચીન અને ચંપા જેવાં રાજ્યોને હલાવી નાખે, અને એ રાજ્યોની માલિકી સુધી પહોંચે, એનાથી મોટો દિગ્વિજ્ય ઇતિહાસમાંથી તું શોધી કાઢજે !'
'તો અત્યારે જ દિગ્વિજયની વાણી કેમ ઉચ્ચારતો નથી ?'
'ઉચ્ચારી શકું એમ છું... પણ... કોઈને કહેતો નહિ...એક જરા સરખો રહી ગયેલો ગાળો આજ રાતમાં પૂરો થશે.'
'હું કોઈને જ નહિ કહુ, જયંત ! એ ગાળો ક્યો બાકી છે?'
'ચંપાનરેશની કુંવરીનું મારી સાથે લગ્ન નક્કી છે. અત્યારે ચંપાનરેશે આવી એ જ વાત કરી..અને, અંહ...જરૂર પડશે તો બળજબરીથી પણ કુંવરી મને સોંપી દેશે...તે સિવાય સૈન્ય માટે પૈસા રાજાને મળશે નહિં જ.' ‘એ...મ ! ત્યારે તારા ધનની એક અશક્તિ તો અત્યારે જ દેખાઈ આવી.' આનંદે કહ્યું.
'શી અશક્તિ?'
'કુંવરીનો પ્રેમ તારા ધનથી ન જીતી શકાયો તે.'
'દેહની પાછળ પ્રેમ આપોઆપ આવશે.'
'એ હું માનતો નથી. અને...કદાચ કુંવરીનો દેહ પણ તારા હાથમાં નહિ આવે !'
'શું ? શું કહે છે તું ?.' જયંતે ચમકીને પૂછ્યું. અને સ્મિતભર્યો આનંદ કાંઈ જવાબ આપે તે પહેલાં જ જયંતનો મુખ્ય મુનીમ અંદર ધસી આવ્યો, અને ભર્યે શ્વાસે બોલી ઊંઠ્યો : શ્રેષ્ઠીજી ! બાજી ઊંધી વળી.'
'થયું શું?'
'રાજકુંવરીએ આજ સવારે ભિખુણીની દીક્ષા લઈ મઠપ્રવેશ કર્યો છે.' મુનીમે કહ્યું.
'અને એ દીક્ષા મેં આપી છે, એ કહેવા માટે તો હું અહીં સવારનો રખડું છું.' આનંદે વચ્ચે જ હકીક્ત કહી.
'આનંદ? તું? મારા માર્ગમાં? પેલી તલવાર લાવો, મુનીમજી !' જયંતે કહ્યું. એના મુખ ઉપર નિરાશાએ પ્રગટાવેલો ક્રોધ પ્રજળી રહ્યો.
'તને ખબર નહીં હોય, જયંત ! પણ હું તો અહીં આવ્યો છું ત્યારથી મારું મસ્તક હાથમાં જ રાખીને આવ્યો છું !' આનંદે કહ્યું.
'તને મૃત્યુનો ભય નથી શું ?'
'ના, મૃત્યુનો ભય શા માટે? જીવનનું અંતિમકાર્ય એટલે મૃત્યુ. આજ નહિ આવે તો ગમે ત્યારે જીવન તે મેળવશે જ ! નહિ?' આનંદે કહ્યું.
'અને બીજા સમાચાર, શ્રેષ્ઠી ! રાણીજીએ અહિંસાધર્મ સ્વીકાર્યો અને મહારાજને તે સ્વીકારવા વિનવી રહ્યાં છે...કદાચ ચંપા અને ચીન વચ્ચેનું યુદ્ધ બંધ પણ રહે.' ‘આનંદને મારી નજર આગળથી દૂર કરો ! લઈ જાઓ ! ધક્કો મારો !' જયંતે વધારે ઉશ્કેરાઈને બૂમ પાડી.
'તારા ધનથી બે દિગ્ ન જિતાઈ ! સમજી લે, જયંત ! ધનથી બધું જિતાશે; પણ ધનથી પ્રેમ અને મોત જિતાશે નહિ. તારું ધન એ બન્ને જીતે તે દિવસે હું પાછો આવીશ અને આપણે આપણી પ્રાપ્તિનું સરવૈયું કાઢીશું.' આનંદે કહ્યું અને તે પાછો ફર્યો.૫
સાધુ આનંદથી વાણી, પ્રતિષ્ઠા મહારાણી સુધી પહોંચ્યાં. તેમણે ત્રણેક દિવસથી આનંદનાં વ્યાખ્યાનો સાંભળ્યાં. કુંવરીને એ વ્યાખ્યાનો સાંભળી આવેલો વિરાગ એટલો તીવ્ર બન્યો કે આનંદની અનિચ્છા છતાં તેને સાધ્વીની દીક્ષા આપવી પડી. આનંદે એ પણ જાણી લીધું હતું કે ધનમત્ત જયંત કુંવરીની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરવા માગે છે અને ચીન જીતવાની ધનસગવડમાં ચંપાના રાજવીને યુદ્ધમાં પ્રેરે છે. જયંત તેનો મિત્ર હતો. પરંતુ...આખું જગત તેનું મિત્ર હતું. કુંવરીને દીક્ષા આપવામાં એક પ્રેમવિહીન લગ્ન એણે અટકાવ્યું અને અર્થવિહીન ચીન ચંપાનો સંહાર અટકાવ્યો.
શ્રેષ્ઠીના મહાલયની દીપમાળા, ઘુમ્મટ અને શિખરોના સુવર્ણ કળશને ઝગારો આપી રહી હતી. સુવર્ણ કળશને આંખો આવી ! એક ગેરુભર્યો અંચળો વિજય પગલાં પાડતો મહાલયના દરવાજા બહાર ચાલ્યો જાય છે એ કળશે જોયું.
સુવર્ણ ઝાંખું પડ્યું. કાંચનને ગેરુની અદેખાઈ આવી.