છેલ્લી વાર્તા
૧
સુનંદ એક મહાકવિ થવાની આગાહી આપતો કવિ હતો.
હવેના મહાકવિઓ મહાસાહિત્યકાર પણ બની શકે છે – એટલે કે સુનંદ નાનીમોટી વાર્તાઓ પણ લખતો, નાટકો પણ લખતો અને ઊર્મિપ્રેરક લેખો પણ લખતો. એની નાનકડી કવિતા સામયિકમાં આવતાં સામયિકના તંત્રીઓ પોતાને ધન્ય માનતા; અને એના નામ નીચેના લેખો વાંચવા જનતા તલપી રહેતી. જનતા માત્ર નહિ, પણ વિદ્વાનની ભમ્મર પણ સુનંદનો લેખ વાંચતાં જરા સ્થિરતા ધારણ કરતી — તેમની ભમ્મરો ચઢી જતી નહિ.
પૈસા? ગુજરાત હજી વિદ્વતા કે કલાને પૈસા આપી શકતું નથી. છતાં સુનંદને અપવાદના પડછાયા તરીકે ગણી શકાય. તેની હિમ્મત ચાલે તો તે લખાણમાંથી ગુજરાન પણ મેળવી શકે એવો સંભવ ખરો ! સુનંદ તેવા અખતરા કરવા પોતાની નોકરીમાંથી લાંબી રજાઓ પણ લેતો, અને લેખોમાંથી કેટલું દ્રવ્ય મળી શકે તેનો અંદાજ પણ કાઢતો.
પરંતુ દ્રવ્ય એને મન મહત્ત્વની વસ્તુ હતી જ નહિ. એને મન પોતાનો લેખનશોખ બદલો માગતો શોખ હતો જ નહિ. શોખ કુરબાની માગે અને આપે. શોખના ભાવ કે તોલ ઠરાવાય નહિ અને એની કિંમતનાં પાટિયાં ચોડાય નહિ, કાવ્ય લખ્યાનો સંતોષ એ જ સુનંદને પૂરતો બદલો હતો. વાર્તા કે કવિતા લખીને તેને જેવો નશો ચડતો તેવો કોઈ મદ્યપીને મદ્યપાનથી પણ નહિ ચઢતો હોય. એક સંપૂર્ણ અણિશુદ્ધ લેખ લખીને તે જે ઠંડક અનુભવતો તે ઠંડક એને તાલવાળા મુગટધારી શહેનશાહના સિક્કાઆંક્યા રૂપિયાની ઢગલીઓ જોઈને પણ વળતી નહિ.
મહાવિદ્વાનોની તો નહિ, પરંતુ મધ્યમ વિદ્વાનોથી માંડી વાચકો સુધી સહુને ખાતરી થઈ કે સાહિત્ય પરિષદની પ્રમુખ ખુરશી માટે સુનંદ જ લાયક છે. અલબત્ત, જે ત્રણચાર મહાવિદ્વાનો તેની તત્કાલીન લાયકાત વિશે મૌન સેવતા તે એમ તો કહેતા જ હતા કે તેમને પોતાને પ્રમુખપદ મળ્યા પછી જરૂર સુનંદને પ્રમુખ સ્થાન મળે. ખુરશી એક અને ઉમેદવારો વધારે હોવાથી હજી ત્રણચાર મહાવિદ્વાનો પરિષદના પ્રમુખસ્થાનથી વંચિત રહ્યા હતા !
સુનંદને તેની દરકાર હતી જ નહિ. પ્રમુખસ્થાન મળે કે ન મળે એ બદલ એના મનમાં વિચારનો બુદ્દબુદ્ પણ પ્રગટ્યો ન હતો. એ એની કલ્પનાસૃષ્ટિમાં મસ્ત હતો. એની ઊર્મિસૃષ્ટિમાં આવાં છિલલ્લાં, ઝપથી ભુલાઈ જવા સર્જાયેલા પ્રમુખસ્થાનને અવકાશ જ ન હતો. એ પોતાની સૃષ્ટિને સાથે જ લઈ ફરતો; એટલે કાવ્ય, વાર્તા કે લેખ લખવા માટે તેને એકાંત દરિયાકિનારો કે શિખરનિવાસની ખાસ જરૂર પડતી જ નહિ. એના શબ્દો જ વસ્તુનું વાતાવરણ રચી દેતા. એનું લગ્ન વૈશાખના ભર તાપમાં થયું હતું. એણે વૈશાખ માસનું એવું સુંદર વર્ણન આપ્યું કે એ વાંચનારને વૈશાખી તાપની ખબર જ પડતી નહિ અને કાશ્મીર-મસૂરી જવાની ઇચ્છા જ થતી નહિ ! કેટલાંય તો એ વર્ણન વાંચીને ઊટી-મસૂરીથી પાછા ચાલ્યા આવ્યા ! એની પત્નીનું નામ એણે જ આશ્લેષા પાડ્યું હતું. પતિ–પત્ની પરસ્પપરને બહુ જ જુદી દ્રષ્ટિથી નિહાળે છે. બંન્નેનાં એક બની ગયેલાં જીવન તદ્દન નવી જ સૃષ્ટિ રચે છે. નવીન સૃષ્ટિમાં પ્રવેશ નવીન નામ આપ–લે એ બહુ સ્વાભાવિક કહેવાય. પત્નીને તો સુનંદનું નામ ગમ્યું હતું એટલે એ બદલવાની તેને ઈચ્છા થઈ જ નહિ. આશ્લેષા સુનંદને બહુ ગમતી હતી, સુનંદ આશ્લેષાને બહુ ગમતો હતો.
કવિઓ અને સાહિત્યકારો પરણે છે પણ ખરા. એ નવાઈ ઉપજાવતો વર્ગ જે કાંઈ કરે તે નવાઈ ઉપજાવતું જ બની જાય ! રખે કોઈ એમ માને કે લગ્નની સામાન્યતા કવિઓનાં લગ્નને પણ સામાન્ય બનાવતી હશે. સહુ કોઈને ખાતરી જ હતી કે આ કવિ સુનંદ અને લાવણ્યવતી આશ્લેષાનું લગ્ન કઈ નવાઈભર્યા જીવનની આગાહી આપતું હતું. સુનંદ શબ્દોના સૌન્દર્યમાં આશ્લેષાના જીવનની આસપાસ સ્વર્ગ રચશે; આશ્લેષા સૌંદર્યનું સતત વાતાવરણ સરજી સુનંદને અનેક સ્વર્ગો રચવાની સમૃદ્ધિ આપશે એવી માન્યતા પરસ્પરને તેમ જ સુનંદના પ્રશંસકોને પ્રસન્ન કરી રહી હતી.
પછી તે કવિહૃદય એટલું ખીલ્યું કે તેની શબ્દસ્વર્ગ–રચનાને નોકરીનું જડ કામ રોધવા લાગ્યું. તેણે નોકરીને લાત મારી, પરંતુ તે કલામય રીતે – જેમ પ્રાચીન નાટકોની નાયિકાઓ દોહદક્રિયા કરતી હતી તેમ ! પદ્મિનીની લાત પુષ્પરહિત વૃક્ષવેલીને એકાએક કુસુમિત બનાવી દે છે. સુનંદને પણ નોકરીનો ત્યાગ અનેક કાવ્યવાર્તા-કુસુમોનો સર્જક નીવડ્યો. સાથેસાથે કોઈ પણ ગુજરાતી સાહિત્યકારને પ્રાપ્ત ન થયો હોય એવો આર્થિક લાભ પણ તેને થવા લાગ્યો.ર
'જો, આશ્લેષા ! આ કવિતા. હજી આ કલ્પના જગતભરના કોઈ કવિને આવી નથી.' સુનંદે કહ્યું.
'પણ આ ચા ઠંડી પડી જાય છે. પીધા પછી વાંચો તો ?' આશ્લેષાએ કહ્યું.
'તું જાણે છે કે હુ ઠંડી ચા પીઉં છું... જો—
સુવર્ણરંગ્યા પગલે રમંતી !
વિદ્યુત જો ચીરતી મેઘહૈયું...'
ચા કરતાં કવિતા સુનંદને વધારે માનીતી હતી.
'ઘણી સરસ કલ્પના છે. જ્યાં વીજળી અને વરસાદ વધારે હોય ત્યાં જ આ કલ્પના આવી શકે. ચેરાપુંજીનાં લોકગીત મંગાવને?'
'લોકગીતમાં એ કલ્પનાનો સંભવ નથી. જરા ઊંચા સંસ્કાર એ કલ્પના માગે.'
`સુનંદ ! તું ધારે છે તેના કરતાં લોકો વધારે રસિક હેાય છે.`
`શા ઉપરથી ?'
`તારી કવિતા નહિ તો આટલી વંચાય કેમ?..ચા નવી મૂકી આવું?`
કવિની કલ્પનાને ચાની ભાગ્યે જ પરવા હોય છે. ભૌતિક ખટરસ કરતાં માનસિક નવરસ ઓછા સ્વાદિષ્ટ ન જ કહેવાય. એ તફાવત કવિ જ સમજે.* * *
`સુનંદ ! આજે ચાંદની બહુ સરસ છે.` આશ્લેષાએ કહ્યું.
`હું તેનું જ એક ગીત રચી રહ્યો છું. સાંભળ....`
`એના કરતાં આપણે જરા બહાર નીકળી ચાંદનીમાં નાહીએ તો?`
વાહ, તને અને મને સરખો જ ભાવ આવ્યો. જો....
ચંદન ઘોળ્યા કો તેજસાગરે,
તરતી ચંદાનો દેહ ઊતર્યો જી રે !
સાગરમાં વસ્ત્રો સરી ગયાં...'
'શું તમે પુરુષો છો ! તમારી કલ્પના યે વિષયવાસનાથી ભરેલી. ચંદ્રમાં યે સ્ત્રીત્વ કલ્પી દેહને વિચારવાનો ! તારા જેવો કવિ હોય તો દુનિયાની સ્ત્રીઓને બુરખો જ ઓઢવો પડે ને?' ‘ઢંકાયેલું રૂપ કવિઓને બહુ ઊત્તેજક થઈ પડે.'
'ચંદ્રને પણ બુરખો પહેરાવીશું અને એનાં સરી ગયેલાં વસ્ત્ર સમાં કરીશું ! પણ હમણાં ચાલ તો ખરો...'
‘શું આશ્લેષા ! તું યે? આવી સરસ કલ્પના આવી છે તેને પૂરેપૂરી કવિતામાં ઉતારવા દે.’
'એટલામાં તો વસ્ત્રો જ નહિ, ચંદા યે સરી ગઈ હશે !'
'જરા મને શાન્તિથી લખવા દે તો '* * *
‘સુનંદ!' આશ્લેષાએ સુનંદ પાસે જઈ સહેજ શરમાઈને સંબોધન કર્યું.
'હં.', સુનંદે નીચેથી ઊંચું જોયા વગર જ કહ્યું. એ કાંઈ લખતો હતો.
'શું કરે છે તું આખો દિવસ? '
'હું ફૂલરાણીનું એક શબ્દચિત્ર દોરી રહ્યો છું.'
'મારી સામે જોઈશ તો તારે શબ્દચિત્રની જરૂર નહિ પડે.'
ખરેખર આશ્લેષા જાતે જ ફૂલરાણી બનીને આવી હતી. યૌવનાઓને ફૂલરાણી બનવું બહુ જ ગમે છે. પ્રેમીને સાચી આંખ હોય તો સુંદરી સર્વદા અપ્સરાનો જ સ્વાંગ ધારણ કરે છે.
'હા, હું હમણાં જોઉં છું. બેસ ને આ ખુરશી ઉપર ! જરા સરખો વિચાર બાકી છે તે લખી ફૂલરાણીનું ચિત્ર પૂરું કરી લઉં.' સુનંદે કાગળ ઉપરથી સહેજ પણ નજર ખસેડ્યા વગર કહ્યું. મોહક ફૂલરાણીનું ચિત્ર જલદી પૂરું થાય એવું ન હતું. જેમ જેમ એ વિગત ખીલવતો ગયો તેમ તેમ તેની વિગતો વધવા માંડી. ફુલરાણીને મસ્તકે તો ફૂલશૃંગાર હોય જ; પરંતુ એને હાથે પણ ગજરા અને બાજુબંધ જોઈએ જ. એની કટિમેખલા પુષ્પની હોય જ, પરંતુ પગ કયાં પુષ્પથી શણગારવા? વળી ગળામાં વૈજયંતી તો હોય; પરંતુ હથેલીમાં પુષ્પકંદુક રાખવો કે દાંડીવાળું કમળ ? ઊર્મિ ઊછળતી ચાલી અને એની લિખિત ફૂલરાણી થોડી વારમાં એક પુષ્પનું પ્રદર્શન બની ગઈ.
'જો આશ્લેષા ! આ વર્ણન સંભળાવું.' કહી સુનંદે બાજુની ખુરશી ઉપર જોયું. આશ્લેષા ત્યાં ન હતી,
'અરે એટલામાં ક્યાં ચાલી ગઈ ? ચાલ, હું ફૂલરાણીના પ્રિયતમ પુષ્પકનું મિલન લખી કાઢું.'
પુષ્પકનું વર્ણન અને તેના મિલનનો પ્રસંગ પૂરો થતાં પહેલાં કવિ સુનંદ કંટાળી ગયો. મહાકવિઓ પણ કૈંક વાર લેખ લખતાં– કવિતા લખતાં કંટાળે છે એ ભૂલવું ન જોઈએ. વળી પુરુષનું વર્ણન સ્ત્રીના વર્ણન સરખું વિસ્તૃત, પ્રલંબ, ભરચક, સૂચક અને રોચક બની શકતું નથી. આશ્લેષાને શોધતો સુનંદ આશ્લેષાના શૃંગારખંડમાં ગયો. આશ્લેષા એક આયના સામે ઊભી ઊભી પોતાના દેહ ઉપર ધારણ કરેલા પુષ્પશણગાર તોડતી હતી.
'શું કરે છે, આશ્લેષા ?'
'પુષ્પઆભૂષણ તોડી નાખું છું.' કહેતાં કહેતાં કમરેથી પુષ્પકટિમેખલા તોડી ઢગલો કરેલાં પુષ્પોમાં આશ્લેષાએ ફેંકી.
'કારણ આ ઘેલછાનું ?'
'તને જીવંત ફૂલરાણી ગમતી નથી!'
'કોણે કહ્યું તને ?'
'તેં.'
'મેં? ભૂલ થાય છે. કદાચ તને જોઈને જ ફૂલરાણીનું ચિત્રણ મને સ્ફૂર્યું હોય.
'જુઠ્ઠો !'
'કેવી રીતે ? '
' તારી ફૂલરાણી ચીતરતી વખતે મારી સામે એક પલક પણ તેં માંડી ન હતી !'
આશ્લેષાની હકીકત સાચી હતી. સુનંદ જોતો રહ્યો અને આશ્લેષાએ દેહ ઉપરથી એકેએક પુષ્પ દૂર કરી નાખ્યું - જાણે તે જોગણની સાદાઈ સજતી ન હોય?* * *
અતિબારીક, અતિસુઘડ, અત્યંત મોહક, આછાં વસ્ત્ર પહેરી- વિખેરી આશ્લેષા પલંગ પર સૂતી હતી. સુનંદ રાતના અગિયાર વાગ્યે વાર્તાનું એક પ્રકરણ પૂરું કરી આવ્યો. આશ્લેષાએ આંખ મીંચી દીધી અને નિદ્રાનો અભિનય કર્યો. પ્રિયતમાની નિદ્રા સાચી હોય જ નહિ એ મૂર્ખમાં મૂર્ખ પ્રેમી પણ જાણે ! અને સાચી હોય તો ય તે નિઃશંક જગાડવાપાત્ર નિદ્રા જ હોય ! મહર્ષિઓને પણ મોહ ઉપજાવે એવું નિદ્રિત પદ્મિનીનું સ્વસ્થ, આકર્ષતું શયન ક્ષણભર સુનંદ નિહાળી રહ્યો.
'આશ્લેષા તો સૂઈ ગઈ છે. લાવ, એક નવું પ્રકરણ શરૂ કરી દઉં.' કહી સુનંદ પાસે પડેલાં ખુરશીમેજ ઉપર બેસી ગયો, અને તેણે વાર્તાનું એક નવું પ્રકરણ લખવા માંડ્યું. પ્રકરણમાં નિંદ્રિત સુંદરીનું જ વર્ણન લખાઈ રહ્યું હતું, અને એ વર્ણનને સત્ય, આબેહૂબ,વાસ્તવતાભર્યું બનાવવા સુનંદ વારંવાર આશ્લેષા તરફ જોતો પણ હતો.
આશ્લેષાએ પાસું બદલ્યું. સુનંદને ચિત્રની બીજી સુંદર બાજુ મળી. રાતનો એક વાગ્યો, અને સુનંદનું પ્રકરણ પણ પૂરું થયું. હસ્તલિખિત પુસ્તકનાં પાનાં ગોઠવીને સુનંદે મૂક્યાં; પોતાની વહાલી 'પેન' ને પણ ઠેકાણે મૂકી; દીવો હોલવી નાખ્યો; અને તે શયનાર્થે પર્યંક ઉપર ગયો. આશ્લેષા મુખ ફેરવીને પલંગની ઈસ ઉપર સૂતી હતી. તે જાગતી હતી છતાં તેણે નિંદ્રિત હોવાનો ઢોંગ કર્યો. સુનંદે એ ઢોંગને સત્ય માન્યો. એને પોતાને પણ ખૂબ નિદ્રા આવતી હતી. વાર્તાની સુષુપ્ત નાયિકાને જગાડવા માટે કયા કયા ઉપચારો કરવા તેની યાદી ઘડતો ઘડતો સુનંદન પોતે નિદ્રાવશ બની ગયો.
વહેલી સવારે સુનંદની આંખ ઊઘડી. તેણે આશ્લેષાને અડકવા માટે હાથ લંબાવ્યો. આશ્લેષા ત્યાં ન હતી. તેણે મસ્તક ઊંંચકી શયનગૃહમાં આંખ ફેરવી. આશ્લેષા દૂર એક બીજા પલંગ ઉપર સંકોચાઈને સૂતી હતી !૩
આજે આખા દિવસમાં આશ્લેષા દેખાઈ ન હતી. ચા પીતી વખતે સાથે ન હોય એ તો સમજી શકાય; કદાચ કામને અંગે રોકાઈ હશે. પરંતુ જમતી વખતે તેણે માત્ર પીરસેલી થાળી જ સુનંદના લેખનખંડમાં મૂકી દીધી હતી. સુનંદ લખવામાં રોકાયો હતો એ સાચું; અને તેને મદદરૂપ થવા તે આમ મૂકી પણ જાય. પરંતુ ત્રીજા પહોરની ચા અને રાતના જમવા વખતે પણ એ સાથે બેઠી નહિ ! લખતી વખતે એ સાથે ન હોય એ પણ સારું; વગર હરકતે લખી શકાય. આશ્લેષા આમ તો ઘણી સારી; પરંતુ એને બોલવાનું બહુ જોઈએ. વગર બોલ્યે એ પાસે બેસતી હોય તો કેવું ? કદી નહિ અને આજે સુનંદને મૂકીને એ સિનેમા જોવા પણ રાત્રે ચાલી ગઈ!
'હુ પિકચર જોવા જાઉં. આવવું છે?' આશ્લેષાએ પૂછ્યું.
'જો ને, આટલો લેખ પૂરો કરી કાલે ટપાલમાં એ...'
સુનંદનું વાક્ય પૂરું થાય તે પહેલાં આશ્લેષાએ જવાબ આપ્યો: 'વારુ, લેખ પૂરો કર. હુ મોડી આવીશ.' કહી આશ્લેષાચિત્ર જોવા ચાલી જ ગઈ ! અને રાત્રે આવી પણ ઘણી મોડી ! સુનંદ ત્યારે જાગતો હતો અને કરોળિયાની માફક કલ્પનામાં વણેલા તાંતણા કાગળ ઉપર ઉતારતો હતો.
'બહુ મોડી આવી ! ' સુનંદે કહ્યું
'હા. એક નહિ પણ બે ચિત્ર મેં જોયાં.'
'પણ હું અહી એકલો...'
'એકલો ? મેં તને કદી એકલો જોયો જ નથી. તારી કલ્પના, ઊર્મિ, લેખિની, એ તો સતત તારી આસપાસ હોય છે જ.' આશ્લેષાએ કહ્યું. હમણાં હમણાં તે સુનંદને પૂરું વાક્ય પણ બોલવા દેતી નહિ – જ્યારે બન્ને વચ્ચે વાતચીત થતી ત્યારે. હમણાંની એ વાતચીત ઘણી ઓછી થઈ ગઈ હતી. સુનંદને લાગ્યું કે તેની સ્નેહાળ પત્ની તેને લેખનકાર્યમાં સરળતા કરી આપતી હતી. છતાં આમ બિલકુલ તેનો બહિષ્કાર થાય એ તો સુનંદને ન જ ગમે ને?
'કયું પિક્ચર હતું ? બેમાં સારું કયું? ' સુનંદે પૂછ્યું.
'તું તારું પુસ્તક લખ. તારો સમય હુ લેવા માગતી નથી.'
'હવે લખવું નથી, સૂવું છે.'
'ભલે, સૂઈ જા.'
'પણ તે...આમ...પાસે આવવું પણ નથી?'
'ના. તું સૂતે સૂતે પણ લખે છે.'
'ઊંઘમાં પણ ?'
'હા'. આશ્લેષાએ કહ્યું.
સુનંદ ખડખડ હસી પડ્યો – જાણે આશ્લેષા તેનાં સાચાં વખાણ કરતી હોય !
'તારી વાત સાચી છે. મારી કૈંક વાર્તાઓના “પ્લૉટ" મને નિદ્રામાંથી જ મળ્યા છે. Sub-conscious mind...ડોકિયાં કરી જતી માનસ સ્ફૂર્તિ !'
આશ્લેષાને વધારે લાંબી વાત કરવી જ ન હતી. દૂર પડેલા એક પલંગ ઉપર તે આંખ મીચી સૂતી.
પ્રભાતમાં તે ફરીથી સુનંદ પાસે ચાનો પ્યાલો મૂકી ચાલી ગઈ. રોજ સાથે બેસી ચા પીતી પત્ની બે દિવસથી સુનંદને એકલો મૂકી દેતી હતી. રિસાઈ હશે ? સુનંદે કવિતામાં અને વાર્તામાં અગણિત પ્રેમ કલહો ગોઠવી તેમને ઉકેલ્યા હતા અને હજારો વાર્તામાં હૈયાં હર્યા હતાં ! આશ્લેષાને જોતજોતામાં મનાવી લેવાશે–જો તે રિસાઈ હશે તો ! અનેક પ્રેમી યુગલોના સર્જકને એકાદ સર્જન વ્યવહારમાં મુકી દેતાં શી વાર લાગવાની હતી ?
સુનંદની ટપાલ પણ ભારે હતી. કાં તો લેખ, કવિતા, વાર્તા પ્રગટ કરતાં પત્રોનો થોકડો આવ્યો હોય; કાં તો લેખ મોકલ્યા બદલ આભારના પત્રો હોય; અગર નવા નવા લેખ માટેના આગ્રહભર્યા વિનતિપત્ર હોય. વળી કેટલાક પત્રોમાં વિવેચન ને ચર્ચા પણ આવ્યાં હોય અને તેના જવાબોની ઝડીઓ વરસતી હોય. આજે તો સુનંદના કાવ્ય ઉપર તેમ જ તેની એકબે વાર્તાઓ ઉપર પ્રશસ્તિઓનાં પુષ્પો વરસી રહ્યાં હતાં. પોતાનાં વખાણ થાય ત્યારે રાજી થવું અને ખુશાલીનું પ્રદર્શન કરવું એ સારી રીતભાત ગણાય નહિ. કવિઓ અને સાહિત્યકારોએ તો ખાસ કરી પ્રશંસા તેમ જ ટીકા બન્નેમાં ઉદાસીનતા જ કેળવવી જોઈએ, અને સાચા સ્થિતપ્રજ્ઞની કક્ષાએ પહોંચવું જોઈએ. છતાં પ્રશસ્તિની ખુશાલી પત્ની સમક્ષ પ્રદર્શિત કરનારનો ગુનો પ્રભુ માફ કરે છે એમાં સંશય નહિ.
'આશ્લેષા, આશ્લેષા ! જો, આ વાંચી જો ને?' સુનંદે જરા મોટેથી બૂમ પાડી કહ્યું. આશ્લેષા તેની પાસે બેઠી ન હતી. પાસેના જ ખંડમાં તે બેઠી હશે એમ ધારી સુનંદે જરા મોટે ઘાટે કહ્યું. કવિઓ પણ મોટેથી બોલે ખરા. તે સિવાય કવિતા બધે સંભળાય પણ કેમ ?'
આશ્લેષાએ જવાબ પણ ન આપ્યો, અને તે પાસે આવી પણ નહિ. આનંદ એ એવી ઊર્મિ છે કે જેમાં ભાગીદાર હોય તો તે દ્વિગુણિત થાય. પ્રશસ્તિના આનંદમાં પત્નીને ભાગ આપવાની ઈચ્છા તીવ્ર બનતાં સુનંદ ઊભો થયો અને આશ્લેષાના ખંડમાં ગયો.
'આશ્લેષા ! વાંચ આ મારી કવિતા ઉપરનું વિવેચન.' ઉત્સાહભર્યા સુનંદે કહ્યું.
'મારે નથી વાંચવું.' આશ્લેષાએ કહ્યું.
‘કેમ? એ શું ?'
'મને એમાં રસ નથી.' 'મારી કવિતામાં કે કવિતાના વિવેચનમાં?'
'બન્નેમાં'
‘ત્યારે તો મારામાં પણ તને રસ નહિ રહ્યો હોય !' કવિતાનું અપમાન અસહ્ય બનતા સુનંદે પૂછ્યું.
‘ના; મને કવિ સુનંદમાં તલપૂર પણ રસ નથી.'
'કવિ સુનંદ તરીકે જ હું તને ગમ્યો હતો.' સુનંદને નવો જ અનુભવ થતો હતો.
'જિંદગીમાં એવી ભૂલ થાય છે ખરી.’
'શું ? તું શું કહે છે? ભૂલ થઈ લાગતી હોય તો...'
'સુધારી લઉં, એમ ને ? વારુ, એ ભૂલ સુધરી જાણો.'
આશ્લેષાએ મુખ ઉપર આછો તિરસ્કાર દર્શાવી કહ્યું. કવિ સુનંદન મસ્તકમાં શૂળ ભોંકાતી હતી. છતાં તે શાન્ત રહ્યો–જોકે કવિઓને ભભૂકી ઊઠવાનો પૂર્ણ અધિકાર હોય છે.
'શી રીતે સુધારીશ?'
'એક જ રસ્તો છે; હવે આજે છેલ્લી પસંદગી કરી લે. કાં તો કવિતા કે કાં તો હું !'
'કવિતા તો મારો શ્વાસ છે, આશ્લેષા !'
'તો આજથી–અત્યારથી જ મારે અને તારે છૂટાછેડા.'
'આશ્લેષા ! કેટલી યુવતીઓના પ્રેમપત્ર મારા ઉપર આવ્યા છે તે તું જાણે છે. મેં તને બતાવ્યા છે.'
'પસંદ કરી લેજે, એ પ્રશ્ન મારો નથી. આપણે આજથી જુદાં !'
સુનંદે હાથ ઉપર હાથ પછાડ્યો અને જમીન ઉપર પગ પછાડી તે ઓરડાની બહાર નીકળી ગયો. એને આખો દિવસ વ્યગ્રતામાં ગયો. લેખની પ્રશસ્તિ ફરી એણે વાંચી નહિ. તેનાથી આજે કવિતા પણ લખાઈ નહિ, વાર્તામાં પણ તે આગળ વધી શક્યો નહિં અને લેખ લખતાં વિષયાંતર થઈ તેને આશ્લેષા સાથે ઝઘડો જ યાદ આવ્યા કર્યો. જમતી વખતે નોકર થાળી લઈ આવ્યો–આશ્લેષાને બદલે. સાંજે ચાનો પ્યાલો પણ નોકર આપી ગયો. પ્યાલો લઈ તે આશ્લેષાના ગયો. આશ્લેષાએ સામે પણ ન જોયું અને કાંઈ વાત પણ ન કરી.
'તું શા માટે મને જમાડે છે. અને ચા પાય છે, જો આમ જ અલગતા રાખવી હોય તો...' સુનંદે પૂછ્યું-ગુસ્સામાં.
'તારા ઘરમાં છું ત્યાં લગી હું મારી છેલ્લી ફરજ બજાવું છું. આશ્લેષાએ કહ્યું.'
'મારા ઘરમાં કયાં સુધી છે ? '
'આજની રાત. કાલ સવારથી મેં બીજું મકાન ભાડે રાખી લીધુ છે.'
'આપણા બેમાંથી કોઈ ઘેલું બની ગયું હશે?'
'તે હું નહિ.'
'છોકરી ! તું બહુ મિજાજી છે.'
'તારા જેવા મહાકવિ પતિ હોય એટલે મિજાજ તો હોય જ ને?'
સુનંદ ઓરડાની બહાર ચાલ્યો ગયો. રાત્રે પણ તેને જમવાનું મળ્યું ખરું. પરંતુ રાત્રે તેને નિદ્રા ન આવી. એ તો ઠીક, પણ જાગૃતાવસ્થામાં યે તેની વાતના “પ્લોટ ” આગળ ઊકલ્યા નહિ.
'કાંઈ નહિ આશ્લેષા જરા રિસાઈ છે. કાલ સવારે મનાઈ જશે. જરા ઓછી કવિતા લખીશ અને એને વધારે પાસે બેસાડીશ...એની તબિયત કેવી હશે? મેં ભૂલ કરી. લાવ, એની તબિયત પૂછી આવું.'
અસ્વસ્થ બનેલ સુનંદ ઊઠ્યો અને આશ્લેષા સૂતી હતી એ ઓરડા પાસે ગયો. બારણું ઠોકી તેણે બૂમ મારી : -'આશ્લેષા !'
આશ્લેષાએ જવાબ ન આપ્યો. સુનંદે ફરી બૂમ મારી. એકાએક બારણું ઊઘડ્યું. કુપિત આશ્લેષા બારણામાં આવી ઊભી રહી અને કહેવા લાગી : 'શા માટે બારણાં ઠોકે છે અને બૂમ મારે છે ?' 'હું તારી તબિયત પૂછવા આવ્યો છું.'
'છેડો છૂટો થયા પછી તને એ પૂછવાનો અધિકાર નથી. જા.' કહી આશ્લેષાએ બારણું બંધ કરી દીધું.૪
સુનંદે ધાર્યું કે પ્રભાતનાં અજવાળા સાથે આ બુદ્ધિ અને ઊર્મિના ઘટ્ટ બનેલાં ધુમ્મસ ઓગળી જશે. નિદ્રા ન કહી શકાય એવી નિદ્રામાંથી એ પ્રભાતે ઊઠ્યો. નિયમાનુસાર તેની ચા આવી નહિ અને હૃદયનો થડકાર સહેજ વધી ગયો. નોકરને બૂમ મારી, પૂછ્યું : 'ચા કેમ નથી લાવ્યો?'
'લાવું સાહેબ, તૈયાર કરીને.'
'બાઈ ક્યાં છે?'
'એ તો, સાહેબ, કોણ જાણે ! ઘરમાં તો નથી. હું એ જ જોતો હતો.'
સુનંદે આખું ઘર શોધ્યું. આશ્લેષા ક્યાં ચાલી ગઈ હશે? એ તેજસ્વી સ્ત્રી આપઘાત તો ન જ કરે ! પણ શું કહેવાય ? ઊર્મિલ સ્ત્રીનું શું પૂછવું ? પોતે એવો ભારે દોષ શો કર્યો હતો ? સ્વદોષ કદી સમજાતો જ નથી.
પાસેના નાનકડા મકાનની બારીમાં કોણ ઊભું હતું ? આશ્લેષા? જીવંત તો છે ! ભલે એ ગઈ. આજ નહિ તો કાલ પાછી આવશે. પણ...પણ...આ છાપું શું બોલતું હતું ? ભડકા જેવા અક્ષરે એ સુનંદના નામને અગ્રપૃષ્ઠ ઉપર કેમ ચીતરતું હતું ? સુનંદની અને આશ્લેષાની છબીઓ શી ? એક જ નહિ, ત્રણચાર છાપાંમાં એની એ જ વાત ! | |
'જાણીતા મહાકવિ અને લેખકનાં
પત્નીએ કોર્ટમાં માગેલા છૂટાછેડા !'
‘સુવિખ્યાત સાહિત્યકાર સુનંદ અને
તેમનાં પત્નીનો કોર્ટે ચડેલો મામલો !”
'સમાજને હૈયે વસી રહેલા કવિ સુનંદ ઉપર તેમનાં પત્નીએ
મૂકેલો ક્રૂરતાનો આરોપ અને માગેલી લગ્નવિચ્છેદની રાહત.'
સુનંદે આંખ ઉપર હાથ ફેરવ્યો, કપાળ ઉપર હાથ ફેરવ્યો, સામે આવેલી પાસેના ઘરની બારી સામે જોયું. આશ્લેષા જ બારીએ ઊભી ઊભી તેના હૃદયમંથનને નિહાળતી હતી શું ? છેવટે એણે આ જ માર્ગ લીધો ? હરકત નહિ. કોર્ટમાં પુરવાર કરી શકાશે કે સુનંદે કદી ક્રૂરતા કરી જ ન હતી ! આખું ગુજરાત એકસાથે બોલી ઊઠશે કે મહાકવિ સુનંદના હૃદયમાં ક્રૂરતા હોઈ શકે જ નહિ !
બેત્રણ છાપાંઓના તંત્રીઓ આવ્યાં, આઠદસ સાહિત્યમત્રો આવ્યા, આઠદસ સાહિત્યહરીફો આવ્યા; અને સહુએ સહાનુભૂતિ નીતરતી વાણીમાં આ અવનવા સમાચારનું રહસ્ય પૂછ્યું. સુનંદે સહુને એક જ જવાબ આપ્યો : 'મને કંઈ જ ખબર નથી.'
'આશ્લેષાબહેનને અમે કાંઈ પૂછી શકીએ ?'
'એ ઘરમાં નથી.'
'એ...મ. ત્યારે કાંઈ મતભેદ, ઝઘડો...'
'કાંઈ જ જાણતો નથી.'
'કેસ લડશો તો ખરા ને ? '
'શા માટે? આશ્લેષાની મરજી છૂટાછેડા લેવાની હોય તો હું શા માટે ક્રૂર બનીને લડું ?'
'હાં...ત્યારે...કાંઈ છે ખરું.'
સલાહકારો, પત્રકારો અને જિજ્ઞાસુઓ સામે અંતે તેણે બારણાં બંધ કર્યાં. પરંતુ કોર્ટ તરફથી આવેલા સંદેશવાહકને તો આવવા દીધા વગર ચાલ્યું જ નહિ. સુનંદ ઉપર ક્રૂરતાનો આરોપ મૂકી લગ્નવિચ્છેદની માગણી કરતી આશ્લેષાની અરજીનો જવાબ દિન આઠમાં સુનંદને આપવા કોર્ટે ફરમાન કાઢ્યું હતું. ફરમાન તેણે લઈ લીધું. 'સાહેબ ! જમવાનું કાંઈ કરવું છે?' નોકરે પૂછ્યું.
'કેટલા વાગ્યા? એક તો વાગી ગયો. મારે જમવું નથી. તને આવડતું હોય તો તું તારી મેળે કરી લે. કહી તે આખા ઘરમાં પાછો ફરી આવ્યો. ઘરમાં કાચું કોરું ખાવાનું આશ્લેષાએ મૂકયું હતું તે તેણે ખાઈ લીધું. પરંતુ એની જીભમાંથી સ્વાદ ઊડી ગયો હતો. માનવજાતને શિક્ષણ આપવા સર્જાયેલો એ કવિગુરુ પત્નીનો જ અપરાધી બની રહ્યો શું? એની કવિતા કોણ વાંચશે? એની વાર્તામાં પ્રસંગો ક્યા આવી શકશે ? તેની પત્નીએ જ એક ક્ષણમાં તેને શિખરેથી ઊંચકી જમીન ઉપર પટકી દીધો ! તેણે કવિતા લખવી શરૂ કરી. સ્ત્રીવિરુદ્ધ, સ્ત્રીની નિર્બળતા વિરુદ્ધ, સ્ત્રીના સ્વાર્થની વિરુદ્ધ, સ્ત્રીની અદેખાઈ વિરુદ્ધ તેને એકાએક શબ્દચનાઓ અને પ્રસંગ પરંપરાઓ સ્ફુરવા લાગી. અઠ્ઠાણું લીટીઓનો પૃથ્વીછંદ તેણે જોતજોતામાં રચી કાઢ્યો સાત ધ્વનિતોમાં વહેંચાયેલો ! પરંતુ તે પછી તેને થાક લાગ્યો. તે જમ્યો ન હતો ! કલ્પના અને ઊર્મિ ઉપર જીવનારને આવા ભૂખતરસ સરખાં પાર્થિવ બંધન શાં?
'સાહેબ ! આ ચિઠ્ઠી અને થાળ આવ્યાં છે.' દુઃખી થતા નોકરે કહ્યું.
'થાળ ? કોણે મોકલાવ્યો ? લાખો પ્રશંસકોમાંથી કોઈને... અરે ! આ તો આશ્લેષાના અક્ષર !'
સુનંદે ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું :
"સુનંદ!તું આજ જમ્યો જ નથી. પાડોશીહક્કથી હું આ સાથે થાળ મોકલું છું. અંદર ઝેર નથી એટલી હું ખાતરી આપું છું.
આશ્લેષા."
સુનંદને આશ્લેષાના અક્ષર ગમ્યા અને ન પણ ગમ્યા. આશ્લેષાએ બજાવેલો પાડોશહક્ક તેને ગમ્યો અને ન પણ ગમ્યો. આશ્લેષાને બોલાવી પાસે બેસાડવાનું પણ મન થયું. અને મનમાં પોતાની નિર્બળતા નિહાળી એ ભાવને તેણે દૂર પણ કર્યો.
ચિઠ્ઠીની નીચે જ તેણે જવાબ લખ્યોઃ
'આશ્લેષા !
હું આજ જમ્યો નથી એ સાચી વાત છે. પરંતુ હું પત્નીની રસોઈથી ટેવાયો છું – પાડોશીની નહીં. એટલે થાળ હું સાભાર પાછો મોકલું છું. એમાં ઝેર નથી એવી ખાતરી આપવાની જરૂર ન હતી. બીજે ક્યાં ક્યાં ઝેર છે તે હું આજથી શોધતો બની ગયો છું.
સુનંદ
ચિઠ્ઠી સાથે તેણે થાળ પાછા મોકલાવ્યો, અને હીંચકા ઉપર જ તેણે દેહને લંબાવ્યો. આશ્લેષા બારીમાંથી અને હીંચકા ઉપર હોય એવો ભાસ થયો. સુનંદે પોતાની બારી પણ બંધ કરી અને આંખ મીંચી.
સામે આશ્લેષા આવી ઊભી હતી શું ?
'આશ્લેષા ! છેવટે તેં છૂટાછેડા જ માગ્યા?’
'બીજો મારે ઇલાજ શો હતો ? કવિતાના ધુમાડામાં તું કાળો પડી ગયો છે. એક મહારાણીની છટાથી આશ્લેષા બોલી.
પણ...પણ...આશ્લેષા હતી જ ક્યાં ? આંખ ઉઘાડીને જોયું તો સુનંદને ઓરડો ખાલી લાગ્યો.
આજે ભ્રમણામાં પણ આશ્લેષા જ દેખાયા કરતી હતી. એની છટા ખરેખર મહારાણી અને તે આજની છિછલ્લી મહારાણી નહિ, પરંતુ મધ્યકાલની રૂપસત્તાભરી મહારાણીની યાદ આપતી હતી. નહિ?
'હું મહારાણી પણ છું અને ફૂલરાણી પણ છું.' ફૂલફૂલનાં ઘરેણાં પહેરી આશ્લેષા ઓરડામાં પ્રવેશ કરતી હતી.
'મને તારાં ઘરેણાં અને તારો દેહ બરાબર નિહાળવા દે.' સુનંદે કહ્યું. 'નહિ. તું તારી વાર્તાની ફૂલરાણીને જો. મને જોવાની આંખ તે ખોઈ નાખી છે.' આશ્લેષાએ કહ્યું.
'મારી વાર્તાની ફૂલરાણી તારા જ નમૂના ઉપર રચાઈ હશે તો ?'
'જુઠ્ઠો ! તને મારી સામે જોવાની ફુરસદ જ ન હતી.'
'આજ ફુરસદ લઉં તો ?'
'હવે મને ફુરસદ નથી !' કહી આશ્લેષા અદ્રશ્ય થઈ ગઈ, અને સુનંદ ભયભીત બની બેસી ગયો.
આશ્લેષા વગર કેમ રહેવાશે ? સુનંદ ખરેખર ભયભીત બન્યો. ઘરનો ખૂણેખૂણો અને કણેકણ તેને આશ્લેષાની સ્મૃતિ આપવા લાગ્યા. જ્યાંથી ને ત્યાંથી આશ્લેષાની જ મૂર્તિ ઊંચકાઈ આંખ આગળ આવી ઊભી રહેતી.
એ આશ્લેષા ઘરમાં જ ન હોય ? સુનંદ ભયથી કંપી ઊઠ્યો. આશ્લેષા તો ઘર સાથે. જીવન સાથે જડાઈ ગઈ હતી !
આશ્લેષા વગર કવિતા પણ અદ્રશ્ય થઈ ગઈ હતી. સાચું શું ? આશ્લેષા કે કવિતા ?
એકાએક સુનંદના હૃદયમાં પ્રકાશ પડ્યો:
'મને સાચું ઝેર જડ્યું.'
ઈશ્વરી પ્રેરણા પીતા કોઈ પયગંબર સમી–ઈશ્વરી કૃપા સર્વત્ર અનુભવતા ભક્ત સરખી ચમક તેની આંખમાં ચમકી ઊઠી.૫
આશ્લેષાએ સુનંદને ખબર ન પડે એમ અલગ ઘર પણ રાખ્યું અને કૉર્ટમાં લગ્નવિચ્છેદની માગણી પણ કરી. ઘર પાસે જ હતું, પડોશમાં જ હતું. એક ઘરની અગાશીમાંથી બીજા ઘરમાં જઈ શકાય એમ હતું. તેનો અસંતોષ તદ્દન સાચો હતો. પત્નીને ખસેડી કવિતાને પંપાળતા પતિ પાસે જીવનભર રહેવાય જ કેમ ? તે દ્રઢતાથી ખસી ગઈ. પણ તેના હૃદયમાં એક માતૃત્વ અંશ ચમકતો જળવાઈ રહ્યો હતો.
'મારા વગર સુનંદ બિચારો નિરાધાર બની રહેશે. એને જમાડશે કોણ? ફરી લગ્ન કરી તે નૂતન પત્નીને લાવે ત્યાં સુધી એ શુ કરશે ?'
આશ્લેષાએ થાળ મોકલ્યો. પડોશી તરીકે મોકલેલો થાળ પાછો આવ્યો. સુનંદની ચિઠ્ઠી વાંચી તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. રાત્રે ફરી થાળ મોકલ્યો–પરંતુ તે પડોશી તરીકે નહિ, તેની કવિતાની એક પ્રશંસક તરીકે !
સુનંદે ફરી એ થાળ પાછો ફેરવ્યો અને તેમાં સ્પષ્ટ લખ્યું કે તે પ્રશંસકના હાથનો પણ નહિ – પત્નીના હાથનો થાળ માગે છે !
આશ્લેષાની આંખમાંથી બેત્રણ અશ્રુબિંદુ ટપકી પડ્યાં, બીજું તો ઠીક, પણ એ ચોવીસ કલાકનો ઉપવાસી છે ! તોફાન વધારે પડતું થઈ ગયું ! તેની હરકત નહિ. પરંતુ સુનંદ આમ ભૂખ્યો સતત રહેશે એવી કોને ખબર ? પત્ની સિવાય કોઈના હાથનું જમવું નહિ એનો શું અર્થ ? આશ્લેષાના છૂટાછેડા સામેનું આહ્વાન? કે પત્નીને અર્પાયેલું ક્ષમાસ્તોત્ર !
જે હોય તે ! પરંતુ...
'અરે ! અરે ! સુનંદના ખંડમાંથી ધૂણી શાની નીકળે છે? ભડકો પણ દેખાય છે !'
આશ્લેષાના હૃદયમાં અને દેહમાં પણ કંપ વ્યાપી ગયો. શું હશે ? બેઈજ્જતીને કારણે એ આપઘાત તો નહિ કરતો હોય ?
આશ્લેષા એકાએક ઝડપથી ઊતરી પોતાના જૂના મકાનમાં પેસી ગઈ. બારણાં ખુલ્લાં હતાં, પરંતુ નોકર ચાલ્યો ગયો હતો. ઘર જાણીતું જ હતું. બહાર રાત્રિનો અધિકાર હતો. ઘરમાં બીજે બધે દીવા બંધ હતા – માત્ર સુનંદના અભ્યાસખંડ સિવાય બધા દીવાઓ ખોલતી આશ્લેષા સુનંદ બેઠો હતો તે ખંડમાં પહોંચી ગઈ. ખંડના બારણાંમાં પગ મૂકતાં બરાબર આશ્લેષાએ બન્ને ગાલ ઉપર ચપ્પટ હાથ મૂકી દીધા અને તેનાથી બૂમ પડાઈ ગઈ : '
'સુનંદ ! શું કરે છે ? શું બાળી રહ્યો છે?'
'મારા જીવનનું ઝેર હું બાળી રહ્યો છું
'અરે ! પણ આ તો પુસ્તકો છે !'
એક મોટી મીણબત્તી સળગાવી સામે બેસી સુનંદ કોઈ પુસ્તકો બાળતો હતો. બાળેલાં પુસ્તકનું કાજળ ચારે પાસે ઊડી રહ્યું હતું; અને જમીન ઉપર બળેલા કાગળનો થોકડો પણ પડ્યો હતો. એ બળેલા કાગળોની જ ધૂણી આશ્લેષાએ નિહાળી હતી અને નિહાળતા બરાબર સુનંદ પાસે દોડી આવી હતી.
'હા, એ જ ઝેર !'
‘તારી કવિતાઓ, વાર્તાઓ, લેખો ! આ શી મૂર્ખાઈ તું કરી રહ્યો છે?'
'જેને બાળતાં મારી આશ્લેષા ઘરમાં પાછી આવે એને બાળવામાં મૂર્ખાઈ ક્યાંથી?'
'સુનંદ ! રહેવા દે. તારી સરસમાં સરસ અપ્રસિદ્ધ કવિતાઓ.'
'હવે મારી પ્રસિદ્ધ કવિતા તું જ.'
'એટલે?'
'એટલે એમ કે હું હવે કવિતા, વાર્તા કે સાહિત્ય લખવાનો જ નથી, અને લખ્યું છે તેને બાળી નાખવા બેઠો છું.'
'કારણ.....'
'કારણ એટલું જ: કવિતા વગર ચાલશે, આશ્લેષા વગર નહિ.'
'પણ તેમાં આ લેખેલું બધું બાળવાની શી જરૂર ?'
'એ હવે ક્ષણ પણ રાખી શકાય નહિ. એ ઝેરમાંથી મેં આશ્લેષાને ગુમાવી... '
'નથી ગુમાવી... એ અહીંથી હવે ખસવાની જ નથી.'
'પણ કૉર્ટમાં છૂટાછેડાની માગણી...'
‘કૉર્ટ કંઈ કરે તે પહેલાં આપણે છેડો ફરી એવો બાંધીએ કે તે મરતાં સુધી છૂટે જ નહિ! ' કહી આશ્લેષાએ બંને હાથ સુનંદના ગળામાં ભેરવ્યા, અને તે એટલી વાર સુધી કે સુનંદને કહેવું પડ્યું : 'આશ્લેષા ! કોઈ આવતું સંભળાય છે.'
‘ભલે આવે. મારું નામ તો તેં જ પાડ્યું છે ને ? આશ્લેષા હવે છૂટશે નહિ.”૬
સુનંદે કહ્યું “તંત્રી સાહેબ ! આપ મારી પાસે કવિતા કે વાર્તા માગો છો. પણ એ દિવસથી મેં કવિતા, વાર્તા, લેખ, નાટક, કાંઈ પણ લખવાનું છોડી દીધું છે. દશેક વર્ષ થવા આવ્યાં; હું કાંઈ પણ લખતો નથી.'
'મને એ જ નવાઈ લાગે છે. લેખન વ્યવસાયમાં આટલી બધી કીર્તિ મેળવનાર સાહિત્યકાર લગભગ ભુલાઈ જવાની સ્થિતિએ આવે એ તંત્રીઓને તો ન જ ગમે. માટે મારી વિનંતિ છે કે એકાદ લેખ, વાર્તા કે કવિતા મને આપો જ આપો. તંત્રી સુનંદ પાસે લેખ માગવા ગયા હતા, તેમણે કહ્યું.
'તંત્રી સાહેબ ! હવે હું કવિતા કે વાર્તા લખતો નથી. હું કવિતા-વાર્તા જીવું છું.'
'હું તંત્રી; મારી માગણીને નિષ્ફળ બનાવતો જ નથી. તમે કહી એ જ વાર્તાને છાપું તો ?'
આશ્લેષા તંત્રી તથા સુનંદ માટે શરબત લઈ આવી.
સુનંદે તેને પૂછયું : 'આશ્લેષા ! આ તંત્રીસાહેબ આપણી ફજેતી છાપવા માગે છે. તારે કશી હરકત છે?'
'ભલે છાપે ! ફજેતી તારી હતી : મારી જરાયે નહિ. કહી – કહીને થાકી તો ય હવે કાંઈ લખતો નથી ! એટલે તારા ભવાડા જ લોકો લખશે ને ?' આશ્લેષાએ કહ્યું. આશ્લેષાની બધી જીદ સુનંદ પૂરી કરતો માત્ર એક સિવાય. તે લખવાને આગ્રહ કરતી તેને તે હસી કાઢતો. એ તો કહેતો જ કે એ બાળી નાખેલું ઝેર ફરી જીવનમાં પ્રવેશ નહિ પામે.
'તંત્રીસાહેબ ! ભલે તમે એ અમારી વાત છાપો ! એ વાંચીને લેખકો લખવાનું બંધ કરે તો સારું. ! માત્ર એક શરત : એ મારી છેલ્લી જ વાર્તા હશે !' સુનંદે કહ્યું.
'ક્રમાંક છેલ્લો રાખવો કે પહેલો એ તંત્રી ઉપર છોડી દો, સુનંદભાઈ ! તમે તંત્રીઓને નહિ પહોંચો. આશ્લેષાબહેને જે પ્રયોગ ન લખવા માટે કર્યો તે લખવા માટે કરશે તો ?' તંત્રીએ ધમકી આપી આશ્લેષા સામે જોયું.
ત્રણે જણે સ્મિત કર્યું.
[૧]
[૨]
[૩]
[૪]
[૫]
[૬]
[૭]
[૮]
[૯]
[૧૦]
[૧૧]
[૧૨]
[૧૩]
[૧૪]
[૧૫]
[૧૬]
[૧૭]
[૧૮]
[૧૯]
[૨૦]
[૨૧]