પ્રભુ છે ?
૧
અશોકનું બાળપણ બહુ સુખમાં વીત્યું.તેના પિતા એક આશાસ્પદ વકીલ હતા અને તેમની મધ્યમ પ્રકારની આર્થિક સ્થિતિ ત્યારે તો સહ્ય અને ભવિષ્ય માટે ઉપકારક બનતી. એ મધ્યમ સ્થિતિમાં આજની ભયંકરતાનું ભાન ન જ હોય.
પરંતુ અશોકના પિતાનું આશાસ્પદ જીવન બહુ વહેલું અસ્ત પામ્યું. અશોક પાંચછ વર્ષનો થયો એટલામાં તો તેના પિતાનું અવસાન થયું. ત્યારથી અશોકની માતા સુનંદા એકલી તેના જીવનને દોરી રહી. સુનંદાએ પતિશોકનો અગ્નિ હૃદયમાં ભાર્યો અને પુત્રની સામે શક્ય એટલી જીવનની ઊજળી બાજુ રજૂ કરી. અશોક સારું અને પૂરું ભણે એ જ સુનંદાનું ધ્યેય બની રહ્યું.
તેમ કરવામાં તેનું એક ઘરેણું ગયું, બીજું ગયું, અને જે ઘરેણાં હતાં તે બધાં જ ગયાં. થોડા ઘણા પૈસા હતા તે પણ ગયા: રાચરચીલું અદ્રશ્ય થયું અને અંતે ઘર ચલાવવા માટે તેમ જ અશોકના ભણતર માટે સુંનદાને પ્રતિષ્ઠિત દેખાતી મહેનત પણ કરવી પડી. જ્યાં સુધી અશોકની સમજણ ઓછી હતી ત્યાં સુધી તેને ખબર ન પડી કે તે ગરીબ છે. પરંતુ એ સમજણ અનેક દાખલાઓમાંથી એવી સ્પષ્ટ ઊગી નીકળે છે કે ગરીબી એટલે શું તે અશોક જાણી શક્યો.
સંતોષની શિખામણ સહુને સંતોષ આપતી નથી. પૂર્વ જન્મનાં કર્મફળ આ જન્મ ભોગવવાનાં હોય છે એમ કહેવા અને માનવાથી આ જીવનમાં કષ્ટની સચોટતા ઘટતી નથી. કિસ્મત, નસીબ, ભાગ્ય જેવી ભાવનાનો ટેકો પ્રત્યેક ઠોકરે માનવીને ઊભો રાખી શકતો નથી. સહુ સરખાં ન હોય; બધાં પાલખીએ બેસે તો પાલખી ઊંચકે કોણ ? એવી ફિલસૂફી અસમાનતાના ઘાવને ભાગ્યે જ રુઝાવે.
જીવનની અસમાનતા ડગલે ને પગલે સહુને વાગે એમ પ્રદર્શિત થયા જ કરે છે. સોળ કલાક પતંગ ચગાવતાં કે ભમરડા ફેરવતાં સઘન બાળકને નિહાળતાં અશોકને જરૂર લાગે જ કે તેની બેચાર પતંગ અને તૂટેલી આર વાળો ભમરડો તેને પૂરતાં થઈ પડે નહિ જ. સરસ કપડાં પહેરી આવતો ધનવાનનો બાળક વિદ્યાર્થી જરૂર સહુને પિતાનાં કપડાંની રોનક બતાવે જ, અને અન્ય ગરીબ વિદ્યાર્થીઓ પ્રત્યે મોટાઈ દર્શાવી અશોક સરખા જીવંત વિદ્યાર્થીના હૃદયમાં અસૂયાની આગ જગાડે જ. સાઈકલ કે ગાડી ઉપર ચઢી આવતા ધનવિજયી વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓમાં કાં તો ખુશામત પ્રેરે અગર ન સમજાય એવું વેર પ્રેરે. ડબ્બામાં ખાવાનું લઈ આવતા વિદ્યાર્થીઓ સઘળા વિદ્યાર્થીઓમાં એ સ્વાદિષ્ટ વાની વેરતો હોય તો કાંઈ ઊર્મિજ્વાલા ઊછળે નહિ. પરંતુ તેમ બનવું અશક્ય હતું, એટલે એકલાં એકલાં સ્વાદતૃપ્તિ અનુભવતાં બાળકો અજાણે તેમનાં માતાપિતાની મોટાઈનાં પ્રદર્શન સાથે ચારે પાસ ઝેર વેરતાં થાય છે.
'મા, પેલો યશવંત એવા સરસ બૂટ પહેરીને આવે છે ! મને એવા બૂટનું મન થયું છે.' અશોક કહેતો: અને મા તેને જવાબ આપતી : 'આવતી કાલ તું પૈસા લઈ જજે અને એવા જ બૂટ કરાવજે.' બાળક સંતુષ્ટ થતો.
'કિશોર તો રોજ ચોપડીઓની થેલીમાં ખાવાનો ડબ્બો લઈ આવે છે. રોજ તો મને આપતો; આજ મને અંગૂઠો બતાવ્યો ! હરામખોર !' અશોક કદી કદી કહેતો.
'અશોક ! ભૂખ લાગતી હોય તો તું યે કાંઈ લઈ જા. પણ કોઈને ગાળ ન દઈએ' માતા કહેતી. બાળકને સંતોષ થતો. પરંતુ અંગૂઠો દેખાડતા ધનિક પુત્રને ગાળ કેમ ન દેવાય એની સ્પષ્ટતા માની આજ્ઞા કરી શકતી નહિ. અપમાનજનક અંગૂઠો અશોકને મન કાપી નાખવાને પાત્ર લાગતો હતો.
અશોકને ક્યાંથી ખબર હોય કે તેની પ્રત્યેક માગણી પૂરી પાડતી વખતે વિધવા માતાનું એક પછી એક ઘરેણું અદ્રશ્ય થતું હંતું !
અને છતાં કેટલીક એવી પણ માગણીઓ હતી કે જે માતા પૂરી કરી શકતી નહિ, અને પૂરી ન કરી શકવાના કારણે તેની આંખમાં આંસુ વહેતાં.
'મા ! સરયુ તો સાઈકલ લઈને આવે છે ! મને સાઈકલ કેમ નહિ ?'
'ભાઈ ! બધાં તો સાઈકલ નથી લાવતાં ને ?' મા જવાબ આપતી.
'ના.'
'મોંઘી વસ્તુ બધાંને ક્યાંથી હોય ?'
'બધાંને કેમ ન હોય ?'
અશોકને ક્યાંથી ખબર પડે કે તેની માતા સ્ત્રી હોવાથી તેની આર્થિક ગુંજાયશ સમાજમાં નજીવી જ હોય ! સાઈકલમાં પૈસા વપરાઈ જાય તો ભણતર માટે – અરે જીવન ગુજારવા માટે પણ પૈસા ક્યાંથી ૨હે ? છતાં–છતાં વિધવા માતાએ કેટલા ય ટંકનું ભોજન જતું કરી દીકરાને ઓછું ન આવે એ માટે થોડા માસ પછી અશોકને માટે સાઈકલની સગવડ કરી ! એ વપરાયેલી સાઇકલ હતી, છતાં અશોકને એ ગમી.
પરંતુ જ્યારે અશોકે કહ્યું કે 'મા ! આપણે આવું નાનું ઘર કેમ ? રશ્મીકાન્તનો બંગલો એવો સરસ છે ! અને પેલા બુદ્ધિધનનો બગીચો?..વાહ ! મા ! આપણે બંગલો યે નહિ અને બાગે નહિ, એમ કેમ?' ત્યારે માતાની આંખમાંથી ચોધાર આંસુ વહ્યાં ! માતાએ અનેક આંસુ પાડ્યાં હશે, પરંતુ પુત્રની નજર સામે નહિ જ ! પુત્રે માતાની આંખમાં અશ્રુ નિહાળવા આ પ્રશ્ન પૂછ્યો પણ ન હતો ! અશોકને આ જગતમાં મા સિવાય કોઈ સગુંવહાલું અગર મિત્ર હતું જ નહિ. એનું ઊર્મિજગત અશોકની આસપાસ જ ફરતું રહેતું હતું, માને રોતી નિહાળી અશોકને પોતાનું હૃદય ચીરી નાખવાનું મન થયું.
'મારી કાંઈ ભૂલ થઈ ? મા, હું હવે તને બંગલાની કે બગીચાની વાત કદી પૂછીશ જ નહિ !' અશોકે માતાની બહુ જ પાસે બેસી કહ્યું.
'તારી ભૂલ કેમ કહું, દીકરા ? ભૂલ મારી ! મેં તને ગરીબ ઘરમાં જન્મ આપ્યો.' માએ ઝડપથી આંસુ લૂછતાં કહ્યું, અને પુત્રને પાસે લીધો !
પુત્રને ખ્યાલ આવ્યો કે આજ સુધી સર્વ શક્તિમાન લાગતી સુનંદા ગરીબી આગળ લાચાર હતી. એને સમજ પણ આવી અને એને આંખ પણ આવી. એના મુખ ઉપર કોઈ નિશ્ચય પ્રગટી નીકળ્યો.
'પણ જો, અશોક ! પ્રભુ ધારશે તો તને બંગલા અને બગીચા બધું જ આપશે.' માતાએ કહ્યું.
સુનંદા અતિ ધર્મનિષ્ઠ હતી. તેનો દીવો, ગીતાપાઠ, કૃષ્ણમૂર્તિની પૂજા : એ તેના જીવનનું આવશ્યક અંગ બની રહ્યાં હતાં.
અશોકે પૂછ્યું : 'ભગવાન કેટલા વખતમાં બંગલો આપે ?'
‘ધારે તો આ ક્ષણે આપે. ન ધારે તો આખા જીવનભર ન આપે. ધ્રુવને છ માસમાં પ્રભુ પ્રત્યક્ષ થયા. જેવી જેની ભક્તિ !' માએ ફિલસૂફી સમજાવી.
અશોકે નિશ્ચય કર્યો કે એ પણ છ માસ ધ્રુવની માફક જ એકચિત્ત બની પ્રભુ પાસે બંગલો ને બગીચો માગશે. માની સાથે અશોકે પણ દેવસેવામાં ચિત્ત લગાડ્યું, અને છ માસ અત્યંત શ્રદ્ધા અને આગ્રહપૂર્વક દેવની પૂજા કરી તેણે માને માટે બંગલો અને બગીચો માગ્યા કર્યા.
છ માસ વીત્યા, સાત વીત્યા, આઠ વીત્યા, છતાં અશોકના ક્ષિતિજમાં એકે બંગલો કે એકે બગીચો દેખાયાં નહિ.
એક દિવસ તેણે દેવસેવા કરતાં પૂછ્યું : 'મા ! હજી સુધી ભગવાને કાંઈ આપ્યું નહિ !'
'શું ? ભગવાને શું ન આપ્યું ? તે શું માગ્યું હતું ?' માએ પૂછ્યું.
'મેં માગ્યું હતું કે માને એક બંગલો અને બગીચો મળે.'
માતા હસી, પછી તેણે કહ્યું : 'આપણી ભક્તિ ઓછી હશે. પણ પ્રભુ પાસે આવું આવું ન માગીએ.'
'તો શું માગું ?'
'આ બધા ય લોકોનું કલ્યાણ થાય એવું માગવું.'
'માગ્યા વગર જ એ કેમ ન આપે ?'
'તો..ભગવાનની મરજી ઉપર બધું છોડી દેવું.'
કેટલીક વાર બાળકની દલીલો બહુ સાચી હોય છે, માબાપની દલીલ ખોટી હોય છે. બાળકોની દલીલમાં તેમને હારવું પડે છે. અશોકે આજ્ઞા માની; છ માસ પ્રભુને પોતાની માગણી ગ્રાહ્ય કરવાની તક આપી; અને અંતે રીસ ચઢાવી પ્રભુની ભક્તિ કરવી તેણે છોડી દીધી. બાળકો માગે અગર કહે તે ન આપવું એવી હઠ લઈ બેઠેલા વડીલો જેવા ભગવાન પણ અવળચંડા હશે એમ તેણે કલ્પના કરી.૨
ધીમે ધીમે તેને લાગવા માંડ્યું કે દુનિયાનાં કાર્યોમાં લોકો કહે છે એટલો સીધો સંબંધ પ્રભુને હોવો ન જોઈએ. સુર્ય ચંદ્ર ઊગતાં કે આથમતાં પ્રભુની આજ્ઞા લેતા લાગ્યા નહિ. પ્રભુને પ્રાર્થના કરીએ કે બહુ વરસાદ પડે અને શાળામાં રજા પડે ! ત્યારે સૂર્યનારાયણ બધો જ વખત તપે. ક્રિકેટ મેચ લીધી હોય અને પ્રભુને કહીએ કે બે દિવસ સુધી વરસાદને રોકી રાખ પ્રભુ એ કદી માને નહિ, અને ખરે વખતે વરસાવી આખી રમત બરબાદ કરી નાખે. પ્રાર્થના કર્યાથી સ્લેટ ઉપર આખો દાખલો ગણાઈ જાય એમ બનતું નથી. એ તો પાછી જાતમહેનત જોઈએ જ. પરીક્ષા વખતે શિક્ષકોની આંખે અંધારપટ આવે એવી વિદ્યાર્થીની વિનંતિનો ઈશ્વરે કદી સ્વીકાર કર્યો જાણ્યો નથી. શિક્ષક વારંવાર એક વાક્ય કહેતા : 'જે પોતે જાતે પોતાને સહાય કરે તેને ઈશ્વર સહાય કરે છે.'
જાતે સહાય કર્યા પછી ઈશ્વરની સહાય તદ્દન નિરુપયોગી થઈ પડે છે ! મા પાસે પૈસા નથી; બંગલા બગીચા તો ઠીક; પણ ચોપડી સુદ્ધાં પ્રભુ આપતો નથી ! એ ચોપડી કેમ આવતી હતી તે ધીમે ધીમે અશોકે સમજી લીધું. બીજી સ્ત્રીઓ જેવાં ઘરેણાં- લૂગડાં મા પહેરતી નહતી એ તો ઠીક; પણ કોઈ કોઈ વાર ઘરેણું લઈ તેને પડોશના ગિરિધર શેઠને ઘેર જવું પડતું અને ત્યાંથી 'ફી'ના કે કપડાંના પૈસા લાવવા પડતા હતા ! આવા વધારે પ્રસંગો તેણે જોયા નહિ, એ ખરું; છતાં ઘરનું બધું ય કામ મા કરતી હતી, કદી દયણું દળતી હતી અને આસપાસના લોકોનાં નાનાં નાનાં કપડાં પણ તે શીવી આપતી હતી તે તેની નજર બહાર જાય એમ ન હતું, કદી કદી માતા ખાલી આકાશમાં જોઈ રહેતી; કદી કદી પ્રભુસેવામાં પ્રભુની મૂર્તિ સામે એકી નજરે નિહાળ્યા કરતી હતી; રાત્રે તેની નિદ્રા કેટલી ય વાર ઊડી જતી હતી. આ બધાં ચિહ્નો તેની ગરીબી તથા લાચારીનાં સૂચક હતાં તેનો ખ્યાલ અશોકને સ્પષ્ટ થતો ગયો.
જેમ જેમ તેની દુનિયા તેની નજર આગળ સ્પષ્ટ થતી ચાલતી તેમ તેમ તેનું હૃદય ખરું બનતું ચાલ્યું. અભ્યાસમાં આગળ આવવું એ જ તેને મન સાચો રસ્તો દેખાયો, એટલે વર્ગમાં ઊંચો ક્રમ રાખી તે શિક્ષકોમાં પ્રિય થઈ પડ્યો, અને શિક્ષકોએ પણ તેનું જ્ઞાન વધારવા તેને વાચન માટે પુસ્તક આપવા માંડ્યાં. શિક્ષકો બીજું આપી પણ શું શકે ?
એક પ્રગતિશીલ ગણાતા શિક્ષકે તેને વાંચવા માટે આપેલાં પુસ્તકોમાં એક મૂર્તિપૂજાનું વિરાધી પુસ્તક અશોકને મળી આવ્યું, અને અશોકનું માનસ એ પુસ્તકની–દલીલને વળગી પડ્યું. વિશ્વવ્યાપી પ્રભુ મૂર્તિમાં સમાઈ શકે જ નહિ. પૂજા-અર્ચા એ નિરર્થક વ્યવસાય છે સાચા પ્રભુને બદલે પથ્થર કે ધાતુનાં રમકડાંની પૂજા કરવાનું પાપ એમાં થાય છે. વેદમાં મૂર્તિ પૂજા નથી; મૂર્તિ કોઈનું રક્ષણ કરી શકતી નથી અને કોઈનું માગ્યું આપી શકતી નથી. મૂર્તિનાં તો કેટલાયે સુધારકોએ 'પેપરવેટ’ બનાવ્યાં; કેટલાં યે દેવલાંને સમજદાર માણસોએ કૂવામાં પધરાવી દીધાં; છતાં મૂર્તિથી કાંઈ થઈ શક્યું નહિ, અને ઈશ્વરે તેમને કશી સજા પણ કરી નહિ !
અશોકનું મન માગતું હતું તે તત્ત્વ તેને મળી ગયું !'
'મા ! આ દેવદેવીની પૂજામાં વખત બગાડવો નિરર્થક નથી ?' એક વાર તેણે પૂછ્યું.
'ના. તને કોણે કહ્યું? ' માએ પૂછ્યું. મારી પાસે એક ચોપડી છે; તું વાંચી જોજે. મા ! તારી ખાતરી થશે કે મૂર્તિપૂજા સાચી નથી.'
'એ પુસ્તક તો વર્ષો પહેલાં મેં વાંચ્યું હતું.'
'છતાં તું આ બધી પૂજા કરે છે? મૂર્તિઓએ આપણને કાંઈ નથી આપ્યું ' માએ ઊદાર સ્મિત કરી જવાબ આપ્યો : 'તને શ્રદ્ધા ન હોય તો તું પૂજા–પ્રાર્થના ન કરીશ.'
અને ખરેખર, અશોકે ત્યારથી માને રાજી રાખવા ખાતર પણ ઘરના દેવની પૂજા કે દર્શન બંધ કરી દીધાં.
જેમ જેમ ભણતર વધતું ચાલ્યું તેમ તેમ તેની મુશ્કેલીઓ પણ વધતી ચાલી. સુનંદા તેને મુશ્કેલી દેખાવા દેતી નહિ; પરંતુ અશોકની યે આંખ ઉઘડતી હતી. માનું ઘસાતું શરીર તે જરૂર જોઈ શકતો હતો, અને તે પોતે પણ ગરીબી ઘટાડવા બનતો પ્રયત્ન કરતો હતો. એક દિવસ તેણે માતાના હાથમાં વીસ રૂપિયા લાવીને મૂક્યા.
'ક્યાંથી લાવ્યો, દીકરા ? ' માતાએ પૂછ્યું.
'ચોરી કરીને.' સહજ મુખ પર સ્મિત અને આંખમાં ઉજાસ લાવી અશોકે કહ્યું.
ક્ષણ બે ક્ષણ માએ તેની સામે જોયું.
'હું ન માનું કે મારો દીકરો ચોરી કરે.'
'મા, મને બહુ થાય છે કે...'
‘શુ ?'
'બધા પૈસાદારોને લૂંટી લઉં !'
'ચોરી કે લૂંટનો પૈસો મારા હાથમાં કદી ન મૂકીશ.'
'મા ! આ પૈસા તો "ટ્યુશન” ના છે. મેં એક પૈસાદારના બાળક પુત્રને ભણાવવાનું એક માસથી શરૂ કર્યું છે.'
‘મને કહ્યું કેમ નહિ ?'
'મનમાં એમ થયું કે તારા હાથમાં પહેલો પગાર મુકી પછી જ તને કહું.'
માતાએ કાંઈ જવાબ ન આપ્યો. માત્ર તેની આંખમાંથી આંસુની સેર છૂટી ચાલી.
અશોકનું ખરું બનતું હૃદય માતા પાસે તો ખારાશ ટાળીને જ આવતું. પરંતુ માતાથી દૂર થતાં એની ખારાશમાં તમતમતી તીખાશ ઉમેરાતી.
'તું એવા નિર્ભાગી ઘરમાં અવતર્યો કે તારે અભ્યાસને બદલે મજુરી કરવી પડે છે ! ' આંખ લૂછતાં માતાએ કહ્યું. અને ત્યારથી તેણે વ્રત, જયંતી ચાતુર્માસ, ચાંદ્રાયણ વગેરે સખતાઈથી કરવા માંડ્યાં
અશોક હવે માતાની સ્થિતિ ન સમજે એવડો ન હતો.
માતા બધું જ પુત્ર માટે કરતી હતી, પુત્રના ભણતર માટે સંઘરતી હતી, પુત્રને ઓછું ન આવે એ માટે જાત ઘસી નાખતી હતી. પરંતુ તે જરા ય દુઃખ વગર. ફરિયાદ વગર માનું હૃદય બંડ કેમ નહોતું ઊઠાવતું એની અશોકને સમજ પડતી નહિ. અશોક સરઓ ભારણરૂપ પુત્ર એણે કેમ જિવાડ્યો અને ઉછેર્યો? હજી પણ એને ફેંકી દઈ એ કેમ સુખી થતી ન હતી તેવી પણ કલ્પના તે કરતો હતો !
ઉચ્ચ ભણતરની શરૂઆતમાં તેણે એક પ્રખર વક્તાને સાંભળ્યો. એ વક્તાએ નિરીશ્વરવાદનું બહુ જ સચોટ સમર્થન કર્યું. અને ઈશ્વર જેવી વ્યક્તિ, સત્તા કે વ્યાપકતા છે જ નહિ અને હોઈ શકે જ નહિ, એમ તેણે અસરકારક રીતે પ્રતિપાદન કર્યું. અશોકને એ જ જોઈતું હતું. વક્તાને એ મળ્યો અને તેની પાસેથી નિરીશ્વરવાદને ટેકો આપતાં પુસ્તકો માગી વાંચ્યાં; અને એને લાગ્યું કે જગતમાંથી હવે ઈશ્વર અદ્રશ્ય થઈ ગયો.
મા એક વખત ઈશ્વરનું પ્રાર્થના ગીત ગાતી હતી. એને હવે આવી અંધ શ્રદ્ધાવાળી માતા પ્રત્યે સહજ અભાવ ઉત્પન થયો !
શી આ ધર્મ ઘેલછા ? શી આ શ્રદ્ધાની વેવલાશ ? શી આ માનસિક નિર્બળતા? અશોકથી રહેવાયું નહિ. એણે પૂછ્યું : 'મા ! પ્રભુએ મને કે તને કાંઈ આપ્યું નહિ. આવી દુનિયામાં ઈશ્વર હોય જ નહિ.'
'એટલે ? '
'ઈશ્વરને માનવો એ હવે પાપ બનતું જાય છે, મા !'
‘આટલાં પાપ થાય છે. એક વધારે થવા દે, ભાઈ ! '
'ઈશ્વરની માન્યતાને લીધે જ ઘણાં પાપ થાય છે. પાપનું મૂળ ઈશ્વર છે.'
'હશે ! તને કૉલેજમાં આવું આવું ભણાવે છે?'
'કૉલેજ આવું ભણાવતી થશે ત્યારે દુનિયા વધારે સુખી હશે. આપણે ત્યાં તો કૉલેજો સરખું પ્રત્યાઘાતી માનસ બીજે ઉત્પન્ન જ થતું નથી.'
‘વારુ, '
‘વારુ નહિ; એ માન્યતા જ છોડી દે.'
'એ છોડીને હું ને તું શું કરી શકીશું ?'
`સમાજરચનાને તોડી નાખીશું. ઈશ્વરની માન્યતાને આધારે રચાયેલો સમાજ પોતાની જાતનો જ દુશ્મન છે !`
સુનંદા અશોક સામે જોઈ રહી. તેના હૃદયમાં ભણતરના કિનારે આવી ચુકેલા પુત્રના આવા બંડખોર વિચાર માટે સુખ ઊપજ્યું કે દુઃખ એ અશોકથી કળી શકાયું નહિ. પરંતુ અશોક હવે સમજવાળો બન્યો હતો, સરસ અભ્યાસી તરીકે પંકાયો હતો અને ઈશ્વર નથી એવી માન્યતાથી આગળ વધી જૂની સમાજરચનાને ધરમૂળથી ઉખેડી નવીન સર્વસામાન્ય હક્ક અને ફરજ ઉપર રચાયેલી સામ્યવાદી સમાજ રચવાનો હિમાયતી બન્યો હતો. જીવનની પળેપળ અન્યાય, અસમાનતા અને શોષણનો ભોગ બનનાર જીવંત માનવીને બંડખોર કે સમાજવાદી બન્યા વગર બીજો માર્ગ રહ્યો દેખાતો નથી. અશોકનું મોટામાં મોટું દુઃખ એ હતું કે તેના જ ઘરમાં તેની પોતાની માતા ધર્મ અને ઈશ્વર સરખા માનવસમાજના ભારે નશાનો ભોગ બની ગઈ હતી !
માતાને એ બોધ કરે, માતાને એ દલીલોથી મહાત કરે, માતાને સુમાર્ગે વાળે, એવી શક્તિ તેનામાં આવી ગઈ હતી અને વખતોવખત એ શક્તિનો અશોક ઉપયોગ પણ કરતો હતો. છતાં માની ઈશ્વરસેવા હળવી બની નહિ. એમાં એ પ્રત્યાઘાતી માનસની જડતા નિહાળતો હતો. બી.એ.ની પરીક્ષા ઊંચી કક્ષામાં અશોક પસાર થયો ત્યારે માતાથી બોલાઈ ગયું : 'હે પ્રભુ ! તેં મારી લાજ રાખી. દીકરા ! ભગવાનને પગે લાગી આવ.'
'મા ! હું ભગવાનમાં માનતો નથી. એ રમકડાંને પગે લાગવાનું પાપ મારાથી નહિ થાય.'
માએ કાંઈ જવાબ ન આપ્યો.
પુત્ર હવે કાંઈ ધંધે લાગશે એટલે માતાનું જીવન સાર્થક થશે એવી આશામાં તેણે પુત્રનો ભગવાન પ્રત્યેનો અભાવ ચલાવી લીધો. પુત્રમાં બીજો કાઈ દોષ ન હતો એમાં એણે પ્રભુની વધારે કૃપા માની.
પરંતુ આસપાસનાં પાડોશીઓ પાસેથી જ્યારે સુનંદાએ સાંભળ્યું કે અશોક બહારવટિયા જેવી છુપી પ્રવૃત્તિમાં પડ્યો છે અને એને પોલીસ પકડવાની છે ત્યારે એણે અશોકને પૂછ્યું : 'ભાઈ ! નોકરીનો પ્રયત્ન કરવો નથી ?'
'મા ! મારી નોકરી આખી માનવજાતને મેં સમર્પી છે.'
'પણ એમાં તને મળવાનું શું ?'
'માનવજાતની મુક્તિ ! અગર કેદખાનું, દેશવટો કે ફાંસી!' અશોકે કહ્યું. અર્ધભણેલી, સામ્યવાદને ન સમજનારી માતા સમજી શકે એવી શૈલીમાં એણે સામ્યવાદ સમજાવ્યો, અને સાચું પુણ્ય એમાં જ રહેલું છે એવી અસરકારક દલીલ પણ એણે કરી.
માતાને જેટલી સમજ પડી એટલાનો જવાબ એણે વાળ્યો : 'અશોક ! તારા પિતા જતાં મેં તને સોંપ્યો છે પરમાત્માને ! તું જ્યાં હો ત્યાં એ તારું રક્ષણ કરે !'
'મા ! એમાં પ્રભુનું મરણ કે પ્રભુનું રક્ષણ હોય જ નહિ. એ માર્ગ પ્રભુવિરોધી છે.' અશોકે વધારે સમજ પાડી.
'વેરભાવે ભજનારને પણ પ્રભુએ મુક્તિ આપી છે, ભાઈ ! આ તો કાંઈ પ્રભુવિરોધી માર્ગ લાગ્યો નહિ. આખી માનવજાતને મુક્તિ મળે એ જ ભગવાનનો માર્ગ !'
મા સુધરે એમ પુત્રને લાગ્યું નહિ. વ્યક્તિ માટે કાંઈ માનવસંચલનો રસળતાં રહી શકે? દીકરાએ મોડાં વહેલાં, રાત બેરાત, જવા આવવા માંડ્યું. કાંઈ ગુપ્ત પ્રવૃત્તિ આદરી હોય એમ તેના મુખ ઉપરની રેખાઓ કહેવા લાગી. ઘેર રહે ત્યારે પુત્ર કાંઈ ને કાંઈ લખતો જ રહેતા હોય એમ માતાએ જોયું. પરગામ જતો ત્યારે ચાર છ દિવસ સુધી તે ક્યાં હતો તેની માતાને ખબર પડતી નહિ. મા કદી પૂછતી ત્યારે અશોક સહજ મોટાઈભર્યું હસી કહેતો: 'મા! તું એક ક્રાન્તિકારીની માતાનું માન પામનારી છો !'
એ માન જયારે સુનંદાને મળવું હોય ત્યારે મળે. માન મળે કે ન મળે છતાં બાળક અશોકનું જેમ એ પાલન કરતી હતી તેમ જ એ ગ્રેજ્યુએટ ક્રાન્તિકારી અશેકનું પોષણ કરતી ચાલી. એક ફેરફાર તે અશોકમાં જોઈ શકી : માની માફક અશોક પણ જાણે વ્રત કરતો હોય તેમ ઓછું જમતો, મિષ્ટ વસ્તુઓને બાજુએ મૂકતો અને ઘરકામની પોતાની બાબતો તે હાથે જ આગ્રહપૂર્વક કરી લેતો. પહેલાં માતા તેનાં વસ્ત્રો ધોતી, પથારી સાફ કરતી, તેનાં વાસણ માંજતી; હવે અશોકે એ કાર્ય પણ હાથે જ કરવા માંડ્યાં–દેખાવ ખાતર નહિ; પણ મનથી જ. અને જરા ય ધાંધલ વગર.
માએ એક દિવસ પૂછ્યું : 'અશોક ! તું શું કરે છે આ?'
'કેમ, મા? તારું આટલું ભારણ તો હળવું કરું?'
'ધર્મિષ્ઠ બનતો જાય છે શું ?' 'ધર્મિષ્ઠ ? જરા ય નહિ.'
'અમારો ધર્મ પણ કહે છે કે સહુએ પોતપોતાનું કામ કરી લેવું.'
'પણ એમાં ઈશ્વરની બીક નહિ અને ધર્મની આજ્ઞા નહિ.'
એ જ દિવસે એક સરકારી છાપવાળો પત્ર અશોકને મળ્યો. અશોકે ખોલી વાંચ્યું અને માને પૂછ્યું: “મા ! આપણા એક પ્રાન્ત પ્રધાન હરિશ્ચંદ્રરાય આપણા કાંઈ ઓળખીતા છે?’
'બહુ વર્ષો પહેલાં – ખરા.'
'મને કેમ બોલાવે છે?’
'કાંઈ નોકરી આપવી હોય.',
'નોકરી તો લેવી જ નથી.'
'એ તો ભાઈ તું જાણે. પણ બોલાવતા હોય તે મળી આવવું સારું. મારા ઈશ્વર કરતાં એ વધારે અસરકારક હોય !' અશોકની ઈશ્વર સંબંધી મશ્કરીમાંથી માએ ઈશ્વરત્વના બચાવ માટે પણ મશ્કરીનો આશ્રય લીધો.
અને ખરેખર માની ધારણા પ્રમાણે હરિશ્ચંદ્રરાય પ્રધાન ઈશ્વર કરતાં વધારે અસરકારક નીવડ્યા !
અશોકને તેમણે પોતાની કચેરીમાં બોલાવી કહ્યું : 'અશોક તને કદાચ ખબર નહિ હોય, પણ હું અને તારા પિતા અંગત મિત્રેા હતા.'
'જી.'
'બહુ શક્ય ગણાય કે તેઓ આજ જીવતા હોત તો પ્રધાન બન્યા હોત.' સાથે જ નહિ, પણ મારે સ્થાને તેઓ પ્રધાન બન્યા હોત.'
'મા એમની બહુ વાત કહે છે.'
'તું હવે અમારો સંબંધ જાણી ચૂક્યો. મારી ઈચ્છા છે કે તને હું યોગ્ય નોકરીએ વળગાડુ.'
'હું આપનો બહુ આભારી છું. પણ...નોકરી ન કરવાનો મેં સંકલ્પ લીધો છે.'
'વકીલાતનું ભણી લે. તારી ઈચ્છા હોય તો મારે ત્યાં રહી "ટર્મ્સ" ભર.'
'પહેલાં વિચાર હતો; હવે એ વિચાર છોડી દીધો.'
'હવે તારી ફરજ એ રહી કે તારે તારી માને આરામ આપવો. એ મહાન માતાએ તારે માટે શું કર્યું છે. એનો તને કે મને કાંઈ જ ખ્યાલ આવે એમ નથી.'
'સાચું છે, સાહેબ ! પણ વ્યક્તિ કરતાં સમાજ મોટો; જનેતા કરતાં જનતા વધારે મહાન; નહિ ? હું જનતાની સેવા માટે સર્જાયો છું.'
'તું જાણે. પણ એમાં ભારે જોખમ છે. કદાચ મારી પાસેથી બહાર નીકળીશ એટલામાં જ એ જોખમ તને સમજાશે. તારી પ્રવૃત્તિઓ સરકારને ભયજનક લાગી છે.'
'એ હું જાણું પણ મારો માર્ગ નિશ્ચિત છે.'
સરકારનો માર્ગ પણ નિશ્ચિત હતો. ઓળખીતા પ્રધાનને નોકરીની ના પાડી બહાર નીકળેલા અશોકને પોલીસે પકડ્યો એના ઉપર કામ ચાલ્યું અને એને સરકાર વિરુદ્ધનાં કાવતરાં માટે ત્રણેક વર્ષની સજા થઈ. ઓછી સજામાં તેની ઉંમર અને પ્રધાન હરિશ્ચંદ્રરાયની છૂપી લાગવગ કારણરૂપ હતાં.
અશોકનું એક વર્ષ તો સરકાર સત્તા અને મૂડીવાદ સામેના ગુસ્સામાં ઠીક ઠીક વ્યતીત થયું અને કેદખાનાની મુશ્કેલીઓ તથા બંધન બહુ લાગ્યાં નહિ. પરંતુ બીજે વર્ષે તેનું ઊર્મિજીવન આછું આછું બહાર આવવા માંડ્યું. સાથીદારો, મિત્રો અને માતા ઊતરતી ચડતી કક્ષાએ તેને યાદ આવવા લાગ્યાં. ચોપડી વાંચતાં, પાણી ભરતાં જમતાં, કોટડી સાફ કરતાં, તેની સ્મૃતિમાં ભૂતકાળ આવીને ઊભો રહેતો. પોતાનો ક્રાન્તિકારી નિશ્ચય કદી કદી હલી જતો અને કાયરતાનાં ડરામણાં મોજાં હૃદય ઉપર પથરાઈ જતાં; છતાં એ સર્વ ઊર્મિલોલકોને અશોક પાછાં સ્થિર કરી દેતો, અને રશિયા તથા જર્મનીના ક્રાંતિકારીઓનાં જીવન નજર સમક્ષ લાવી તેવી જ સ્થિરતાપૂર્વક જીવનમરણને હથેળીમાં રાખવાનો નિશ્ચય તે સૂતા પહેલાં કરી શકતો. આછું વાચન તેને વિચાર માટે ખૂબ ખૂબ સમય આપતું હતું. કેદખાનાની મહેનત પણ નિત્યજીવનની સરળતા પ્રાપ્ત કરી ચૂકી હતી, એટલે તેની ભાવિ યોજનાઓ બહુ નિશ્ચિત બનતી ચાલી.
છતાં એક ઊર્મિ–નિબળતા તેને સતાવ્યા કરતી હતી. પ્રેમ, જાતીય આવેગ, કામને તો એ પ્રથમથી જ તુચ્છકારપૂર્વક દૂર કરી શક્યો હતો. સ્ત્રી સૌન્દર્ય હજુ સુધી તેના હૃદયને ચોટ લગાવી શક્યું ન હતું. માત્ર તેની માતાનો વિચાર આવતાં તેના હૃદયમાં મેઘની આર્દ્રતા આવી જતી. નિષ્ક્રિયતા વિચારસૃષ્ટિને ઝડપથી વસાવે છે. એની નિષ્ક્રિયતાની સૃષ્ટિ મા વડે ઊભરાઈ જતી હતી. માએ એની ખાતર શું શું કર્યું હતું, અને શું શું નહોતું કર્યુ? માના ઉપવાસ, માના ઉજાગરા, માની મહેનત, એક પછી એક દૃષ્ટાંતોસહ તેની વિચારસૃષ્ટિમાં વસી જતાં.
એક પુત્રને ઉછેરતાં માતાનું જીવન ઘસાઈ ગયું ! ક્રાન્તિને ઉછેરતાં, ક્રાન્તિને ફલિત કરતાં કેટલી માતાઓનાં જીવન ન ઘસાય ? અશોકને લાગ્યું કે ક્રાન્તિપોષણમાં પણ તેની માતા જ દ્રષ્ટાંત બની રહેતી ! ક્ષણે ક્ષણે જીવન ઘસાતું નિહાળતી છતાં પુત્રનું પોષણ તે કર્યે જ જતી. માતા ક્રાન્તિપોષણની પ્રતીક શું ન હતી ? એણે ન બદલો માગ્યો, ન ભાવિની ખાતરી માગી; એણે અંગત સુખને તાળાં વાસી દીધાં !
ઘણી વાર નિરાશા સામે અથડાતાં એ સુનંદાની માનસિક મૂર્તિમાંથી આશ્વાસન અને ઉત્સાહ મેળવતો. ઘણી યે વાર એને માતાનાં સાચાં તેમ જ જાગૃત સ્વપ્ન આવ્યા કરતાં એક વાર ભારે નિરાશા અનુભવી. એણે માતાના દેહનું આહ્વાન કર્યું અને માતા એની વિચારસૃષ્ટિમાં પ્રગટ થઈ પુત્ર સાથે વાતો પણ કરવા લાગી ! 'મા, તું મારી પ્રેરણામૂર્તિ છો ! ગુરુ છો!'
'ગુરુ ! દીકરા ! એ પ્રપંચમાં તું પાછો ક્યાં પડ્યો?' માતાએ સહજ આંખ ઝીણી કરી સ્મિતભર્યા મુખે પૂછ્યું. માની મૂર્તિમાં એણે સતત સૌમ્યતા જ નિહાળી હતી.
એ સૌમ્યતાની પાછળ કેટલો પ્રચંડ ત્યાગ હતો તેની અત્યારે અશોકને ખાતરી થઈ. માતાની સૌમ્યતા પાછળ વર્ષોનાં કષ્ટ, વર્ષોની તપશ્ચર્યા, વર્ષોની નિષ્ફળતા અને અંતિમ નિરાશાનો ભડભડ બળતો અગ્નિ તેણે નિહાળ્યો. પુષ્પો દેખાય છે સુંવાળાં, રમણીય અને હોય છે સુવાસિત. પરંતુ ભયાનક પૃથ્વીપેટાળ અને ગૂંગળાવતા પાણીના ધોધને સહીને છોડ પુષ્પને ખીલવે છે. માતાનું સૌમ્ય સ્મિતપુષ્પ કેટકેટલી મૂંઝવણમાંથી જાગ્યું હશે?
'મા, તેં ધર્મપ્રપંચ છોડ્યો?' અશોકે પૂછ્યું.
'ના. મારે મન એ પ્રપંચ નથી.'
'અને છતાં તું મને સહી લે છે? આ ઉદારતાનો ભંડાર....'
'તમારે બહાર નીકળવાનું છે.' વિચારસ્રુષ્ટિમાંથી તેને કેદખાનાના એક અમલદારે ખેંચી કાઢતાં કહ્યું.
'ક્યાં? કેમ?' અશોકે પૂછ્યું. માતા સાથેની માનસીક વાતચીતનો અણગમતો અંત આવ્યો એ અશોકને ગમ્યું નહિ.
'સરકારનો હુકમ છે કે તમને પંદર દિવસ છોડવા.'
'કેમ?'
'હું દિલગીર છું: પણ્ તમારાં માતાની માંદગીના સમાચાર આવતાં સરકારનો એવો હુકમ આવ્યો છે.'
અશોક્ જમીન ઉપર બેસી ગયો. કદી એણે માથે હાથ મૂકી નિર્બળતા દર્શાવી ન હતી. આજ એણે બન્ને હાથ ઉપર મસ્તકને ટેકવ્યું.
'તમે જલદી તૈયાર થાઓ તો અત્યારે જ ગાડી પકડી શકાશે. અમલદારે કહ્યું અને અશોકના દેહમાં વેગ આવ્યો. તેણે ગાડી પકડી. ગાડી કરતાં પણ વધારે ઉછાળા, વધારે ધબકારા અને વધારે વેગ અનુભવતો અશોક બે વર્ષે પાછો પોતાના નાનકડા ઘરમાં આવ્યો. ઘર શાંત અને નિરવ હતું. ક્રાન્તિ સફળ થઈ હોત અને જે ધબકાર એણે અનુભવ્યો હોત, એના કરતાં પણ વધારે પ્રચંડ ધબકાર તેના હૃદયે અનુભવ્યો.
અસ્વસ્થ ચિત્તે એણે ઘરમાં પ્રવેશ કર્યો.
હાડપિંજર બની ગયેલી મા સફેદ વસ્ત્ર ઓઢી પથારીમાં આંખ મીંચી સુતી હતી ! એનું મુખ દેખાતું ન હોત તો પથારી ખાલી ખાલી જ લાગતી.
પાસે પડોશમાંની કોઈ બાઈ આવીને બેઠી હતી. એક કકડા વડે સુનંદાના મુખ ઉપર કદી કદી ઝડપી જતી માખીને ઉડાડતી હતી.
અશોકની આંખ આંસુથી ઊભરાઈ ગઈ. વર્ષોથી લોખંડી હૃદય બનાવી બેઠેલો અશોક આછું ડૂસકું ખાઈ ગયો.
સુનંદાએ થાક ભરેલી આંખો સહજ ઉઘાડી. દેહને પાંપણનો ભાર પણ ભારે લાગતો હતો. બે હાથ જેટલે દૂર પણ ન સંભળાય એવા સાદે સુનંદા બોલી : ' ભાઈ ! આવ્યો ? '
અશોક માને અડકીને પાસે બેઠો. માતાનો હાથ ઊપડતો ન હતો, છતાં પુત્રના મુખ ઉપર પ્રસરવા તે લંબાયો. પડી જતા હાથને અશોકે પોતાના હાથમાં લીધો. સુનંદાના થાકેલા મુખ ઉપર સહજ શાન્તિ વળી. સ્વસ્થ શ્વાસ લેવા સુનંદાએ આંખો મીંચી. થોડી વારે સુનંદાએ કહ્યું : 'અશોક ! ચાર છ માસ...તને હરકત...ન પડે... એટલું ઘરમાં છે...હું જઉં તો... બીશ નહિ...ગભરાઈશ નહિ... રડીશ નહિ....'
અશોક તો ક્યારનો યે રડી રહ્યો હતો. મરતે મરતે પણ મા પુત્રને છ માસ નિર્ભય કરતી હતી ! એની પાછળ માના કેટલા ઉપવાસ હશે ?
'ભગવાન !... મારા પ્રભુ !...' સુનંદાએ ધીમે ધીમે પ્રભુનું નામસ્મરણ શરૂ કર્યું.
'મા ! તને થાક લાગશે. હું તને પ્રભુનામ સંભળાવું... હે નાથ ! હે ગોવિંદ ! હે નારાયણ !...' અશોકે સ્પષ્ટતાપૂર્વક પણ ધીમે ધીમે પ્રભુનાં તેને આવડતાં નામ ઉચ્ચારવાનું શરૂ કર્યું.
જરા રહી સુનંદાએ પુત્રનો હાથ પાસે લીધો અને આછું હસતાં ધીમેથી પૂછયું : 'અશોક ! તું તો પ્રભુમાં માનતો નથી ને?'
'મા ! પ્રભુમાં માનું છું.’
'કેમ ?... શું એવું બન્યું ?'
'મા | તારા જેવી મા મને પ્રભુ સિવાય કોણ આપે?' કહેતાં અશોકનો અવાજ બેસી ગયો.
'દીકરા ! મા કરતાં યે પ્રભુ...વધારે ઉદાર..છે...પ્રભુ.. તને ...' કહેતાં કહેતાં સુનંદાના મુખ ઉપર સ્મિત રમી રહ્યું અને એ સ્મિતભર્યુ મુખ રાખી દેહમાંથી તેનો જીવ ઊડી ગયો !
અશોક એક બાળક માફક રડ્યો.
એને ઈશ્વર ભલે જડ્યો નહિ. માના મૃત્યુમાં તેને એક પરમ વસ્તુ સાધ્ય થઈ. કોઈ અકથ્ય, અદ્ભુત, વ્યાપક ઉદારતા !
જેનું પ્રતીક મા હતી ! કદાચ એ જ ઈશ્વર હેાય તો? ઈશ્વરનું એક અગમ્ય પાસું!
ક્રાન્તિમાં પણ મા સરખી ઉદારતા, મા સરખી ક્ષમા વિકસે એમ અશોક પણ તે ક્ષણથી માનતો બની ગયો !
મા સરખી ક્ષમા અને અનુકંપા વગર ક્રાન્તિ પણ જંગલી બને તો? ક્રાન્તિને માતૃત્વની ભસ્મ તો જરૂર લગાડવી પડશે.
માની ચિતા પાસે બેઠો બેઠો અશોક વિચાર કરી રહ્યો :
ઈશ્વર ભલે ન હોય ! અગમ્ય સૌન્દર્ય, અગમ્ય ઊર્મિવિપુલતા, અગમ્ય ઉદારતા તો છે જ ! માના હૃદયની ! 'એ ન સમજાય એને ભલે લોકો ઈશ્વર કહે ! ' માની ભસ્મ કપાળે લગાડતાં અશોકે વિચાર્યું.