shabd-logo

મને વખત નથી

13 June 2023

3 જોયું 3

મને વખત નથી

આ એક રસિક વાર્તા નથી. ટૂંકી નોંધ માત્ર છે. એક સાચા બનેલા પ્રસંગની નોંધ છે. અને એમાં નાયક છે એટલા પૂરતી એને વાર્તા કહો તો જુદી વાત !

લોકશાસનમાં પત્રકારોને અને નેતાઓને પરસ્પર સ્નેહ, સબંધ, સગપણ ઘણું વધી જાય છે. પત્રકારોને અને નેતાઓ અને નેતાઓ વડે પત્રકારો. અલબત્ત, નેતાઓ એમ માનતા નથી એ જુદી વાત છે.

નેતાઓ પોતાના નેતૃત્વને આધારે પોતાની સેવાવૃત્તિ ઉપર રહેલો માને છે. છતાં પોતાના ભાષણની લાંબી નોંધ, પોતાની સભાનો ઝળકતો અહેવાલ; પોતાની સુશોભિત છબી, પોતાના કાર્યક્રમના સમાચાર અને પોતાનાં નિવેદનો અમુક પાન ઉપર અમુક ઢબે જ આવે છે કે નહિ તેની બહુ જ કાળજી રાખતા હોય છે. એટલે નેતાગીરીએ પત્રકારોને છેક કાઢી નાખવા જેવા તો ન જ કહેવાય. તેમની ઈચ્છાનુસાર અહેવાલો ન આપીએ તો તેમને ખોટું પણ લાગે છે એ હું જતઅનુભવથી જાણું છું.

હું હજી પીઢ પત્રકાર નથી. પાંચછ વર્ષનો શિખાઉ પત્રકાર કહેવાઉં. છતાં નેતાઓ ઉપર અમારું ઘણું અવલંબન રહે છે – જાહેરખબરો બાદ કરતાં – એ હું બેધડક કબૂલ કરું છું. એમના વ્યાખ્યાનોથી અમારાં કૉલમો ભરાય છે, એમની છબીઓથી અમારી કલા પોષાય છે, એમની વાતચીતમાંથી નવનવા સમાચારો ઊભા થાય છે, એમના સ્મિતમાંથી મહાપ્રશ્નો ઉકેલાય છે અને એમના મૌનમાંથી ગહન પ્રશ્નો જન્મે છે. એટલે પત્રકારોને તો નેતાઓ વગર ચાલે જ નહિ.

જે પક્ષ જોરમાં એ પક્ષનો બહુબોલો સભ્ય એ અમારે મન નેતા. જોકે નિર્બળ પક્ષને હસવા માટે પણ અમે સ્થાન આપી અમારું ન્યાયીપણું સિદ્ધ કરીએ છીએ ખરા. જેને પક્ષ નહિ એનું પત્રકારિત્વમાં જ અસ્તિત્વ નહિ; સિવાય કે એ પક્ષહીન પુરુષ ગાંજો વેચતાં પકડાયેલો પુરબિયો હોય, ખૂન કરી ભાગી ગયેલ બહારવટિયો હોય, કોઈની પરણેતરને ભગાડી ગયેલો રસિક પડોશી હોય અગર તપાસ ન થઈ શકે એવા ગામમાં ગાય જેવા મુખવાળું બાળક જેના ઘરમાં અવતર્યું હોય એવો કોઈ ભાગ્યશાળી ગ્રામવાસી હોય !

અમારા શહેરના મહાન નેતા ભગવાનદાસથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હોય. એમના નેતૃત્વ નીચે ઘણી સભાઓ ભરાઈ, ઘણા સમારંભો ગોઠવાયા, ઘણી લડતો લડાઈ અને ઘણી જેલજાત્રાઓ પણ થઈ ચૂકી. સ્વરાજ્ય આવવામાં તેમનો સક્રિય ફાળો ઘણો મોટો. પ્રધાનપદ માટેની પૂરી લાયકાત છતાં રહી ગયેલા અનેક નેતાઓમાં તેમનું સ્થાન આગળ હતું. પરંતુ તેઓ પોતાના અસંતોષ આગળ કરી સેવાકાર્યમાં પાછળ પડી જાય એવા સ્વાર્થી ન હતા. આમ સ્વરાજ્ય આવ્યા છતાં, ઓછાં લાયક માણસો પ્રધાનની ખુરશીઓ ઉપર ઠસી જવા છતાં, ભગવાનદાસનું નેતૃત્વ તો ચાલુ રહ્યું જ. એમની હાજરી વગર જિલ્લાનું એક પણ કામ આગળ વધી શકતું નહિ, દેશને સ્વરાજ્ય મળ્યા છતાં હું અંગ્રેજી ભાષાનો અને અમલદારોનાં અંગ્રેજી હોદ્દાનામોનો મોહ હજી તલભાર પણ ઓછો થયો નથી એમ ટીકા રૂપે કહેનાર નેતાઓનો પણ મોહ સહુના સરખો જ હોય છે એટલે બ્રિટિશ અમલ દરમિયાન ઓળખાતા કલેક્ટરો અને ડેપ્યૂટી તથા એસીસ્ટન્ટ કલેક્ટરો હજી એ જ નામથી ઓળખાય છે. તેમને પોતાને તેમ જ પ્રજાજનોને પણ બીજા દેશી નામે અમલદારોને ઓળખાવવામાં ભારે અપમાન લાગે છે. એ કલેક્ટરો, ડેપ્યુટીઓ તેમ જ એસીસ્ટન્ટોની કાર્યપદ્ધતિનો ધ્રુવ ભગવાનદાસની ધોળી ટોપી જ હતો. અને ભગવાનદાસની વાતમાં પણ કમિશ્નર, કલેક્ટર, ડેપ્યૂટી કે કોઈનો હિસાબ હોય એમ લાગતું જ નહિ.

'એમાં શું ? કમિશ્નરને કહું !' 'કલેક્ટર ઉપર ચિઠ્ઠી લખી આપું !' 'મામલતદાર ?' એને પાંશરો કરવો છે? વાર શી !' આવા આવાં વાક્યોની ફૂલકણીઓ ફોડતા ભગવાનદાસભાઈનું આપણા લોકજીવનમાં કેટલું ભવ્ય મહત્ત્વ હશે તે સહેજ સમજી શકાય એમ છે. બ્રિટિશ અમલમાં કલેક્ટર કમિશ્નરની સાથે 'સાહેબ' શબ્દ લગાડવામાં આવતો હતો તે હવે અદ્રશ્ય થઈ ગયો છે, એટલો વિવેકમાં તેમ જ પ્રજાકીય હકના ભાનમાં વધારો થયો છે એ નોંધ જરૂર કરવી જોઈએ.૨

હું ઘણું ખરું ભગવાનદાસભાઈ પાસે જતો. એઓ પોતે ભગવાનદાસભાઈ કહેવાતા એ સ્વરાજ્યમાં કોઈએ ભૂલવું ન જોઈએ. બાજરીના ભાવ વધશે કે ઘટશે? સડેલા ઘઉં મળતા ક્યારે બંધ થશે ? ખાંડ મેળવવા શું કરવું ? અને મારે પત્રકાર તરીકેનું વધારે જોઈતું કેરોસીન ક્યાંથી લાવવું ? કાશ્મીર સંબંધી ભગવાનદાસભાઈનો શો મત છે? અને ડાંગની ભાષા ગુજરાતી છે કે મરાઠી એ વિષે ભગવાનદાસભાઈ શું માને છે? અંગ્રેજોનાં બાવલાં શહેરમાંથી ઉઠાવી લેવાની દેશાભિમાનથી ભરપૂર જેહાદનું અંતિમ પરિણામ કોઈ દિવસ ગાંધીજી કે જવાહરલાલની છબીઓ દૂર કરવામાં પણ આવે કે કેમ ? સૂરત નવસારીની જિલ્લા રચનામાં વલસાડ અંતે ફાવી જવાનું છે એમ લોકો કહે છે, એ વિશે ભગવાનદાસભાઈ કાંઈ પ્રકાશ પાડશે કે કેમ? વગેરે પ્રશ્નો પૂછવાના તો હોય જ. સ્વરાજ્ય આવ્યા પછી પ્રશ્નો ઠીક ઠીક વધી રહ્યા છે, એટલે ખબરપત્રી તરીકે મારે તેમની પાસે રોજ જવું – આવવું થાય જ. મારો અને તેમનો અંગત સંબંધ પણ વધતો જતો હતો. તેમનાં ઘરનાં સ્ત્રી-બાળક વર્ગ સાથે પણ મારો પરિચય ગાઢ બનતો જતો હતો.

સ્વરાજયની લડતમાં પરદેશીઓને સીધી ગાળ દઈ તાળીઓ પડાવતા ભગવાનદાસભાઈ હવે જવાબ આપવામાં કે પોતાનાં નિવેદનો ઘડાવવામાં ભવ્ય મુત્સદ્દીગીરીએ પહોંચી ગયા હતા એ પણ મારા ધ્યાનમાં આવતું જતું હતું. ડાંગની ભાષા ગુજરાતી જ છે એવાં ભાષણો કરી કરાવી, લેખ લખાવી, અભ્યાસો ઉકેલાવી અને મુંબઈ સરકારે ડાંગને મરાઠી ભાષાના ઝંડા નીચે ખેંચી બાંધી આણ્યું ત્યારે બેનમૂન અને અપૂર્વ સંયમ દર્શાવી ભગવાનદાસભાઈએ જે વાક્ અને કલમની શાન્તિ પકડી એ જોતાં, અને બહુ ખેંચપકડ થતાં તેમણે કોઈને પણ ન સમજાય એવું મારી પાસે લખાવેલું નિવેદન – જેની નીચે અલબત્ત એમણે સહી ન જ કરી – એ જોતાં, મારી ખાતરી થઈ કે હિંદનું રાજકીય ભાવિ આવા મુસદ્દગીરીઓના હાથમાં ઉજ્જવલ અને ઉજ્જવલ થતું જવાનું છે. ગાંધીજીની આકરી સત્યનિષ્ઠામાં એક જ ભયંકર ખામી હતી. એમાં મુસદ્દીગીરીનો સંપૂર્ણ અભાવ હતો. એ અભાવને લઈને ગાંધીજીએ પોતાનો પ્રાણ ગુમાવ્યો ! ગાંધીજીને પગલે ચાલતાં તેમના અનુયાયીઓએ ગાંધીજીની એ ભૂલ સુધારી સત્યને મુત્સદ્દીગીરીમાં વીટાળવા માંડ્યું છે. અરે ! એટલું જ નહિ, એના ઉપર પોલીસ પહેરો પણ બેસાડી દીધો છે ! એટલે હિંદના મુદ્રાલેખ અનુસાર 'સત્યનો જય' થવાનો જ છે. હવે પરદેશીઓ સામે રાજનીતિની પટાબાજી ખેલવાની સફળ રાજકલા હિંદને આવડી જશે. આ મુત્સદ્દીગીરી વર્તમાનપત્રોની દ્રષ્ટિએ બહુ આવકારદાયક હતી. ભગવાનદાસભાઈની આંખમાં પણ હવે મુસદ્દીગીરીના હોજ ભરેલા લાગતા હતા – અલબત્ત, અંગ્રેજોની માફક અગર હિંદના ગુંડા લફંગાઓ કે આઈ.સી.એસ. અમલદારોની માફક તેઓ આંખ મીચકારો ન જ કરે એ સમજી શકાય એમ હતું. એ જ મુત્સદીગીરીનાં મને વખતોવખત દર્શન થતાં, અને હું રાજી થતો કે આપણા સ્વરાજ્યની માફક આપણા નેતાઓના વર્તન પણ ધર્મના અંચળાને બાજુએ ફેંકી સાદી સમજનો આશ્રય લેતાં થઈ ગયાં હતાં. મારે ભગવાનદાસભાઈ પાસે નિત્ય જવાનું; એટલે તેમની મુત્સદ્દીગીરીના પરચા મને રોજ મળતા.

એક ગામમાં મુસ્લિમ તંગદિલી વધી ગઈ. મુસ્લિમોને કોઈની સલાહ જરૂરી હોતી જ નથી; પરંતુ હિન્દુઓની સલાહમસલત માટેની દોડાદોડી કોઈ પણ શાંતિપ્રિય પ્રજાને શોભાવે એવી હોય છે – સ્વરાજ્યમાં પણ ! અને સલાહ પણ ભગવાનદાસભાઈ વગર તો કોની લેવાય ? આઠદસ આગેવાનો એકાએક આવી પહોંચ્યા ભગવાનદાસભાઈ પાસે. ગામના કામ માટે એકલકલ માણસ ન જ આવી શકે.

'હા, બોલો ! તમારા ગામમાં તો કંઈ કોમી ઝઘડો સંભળાય છે..નહિ?' એક સર્વજ્ઞ જોષીની અદાથી ભગવાનદાસે પૂછ્યું.

'વાત ન કરશો, ભગવાનદાસભાઈ, અમારા દુ:ખની !' કહી ગામના આગેવાનોના આગેવાને દુઃખની વાત શરૂ કરી. આગેવાનોમાં પણ ચઢતી ઊતરતી શ્રેણી હોય છે એ હવે સહુને સમજાય એવી બિના છે. મુસલમાની વિરુદ્ધ ગામડાંમાં મુખ્યત્વે બે ફરિયાદ આગળ આવતી : એક તો તેઓ લીગવાદી પ્રવૃત્તિ કરે છે એ, અને બીજી ફરિયાદ કૂવાતળાવ ઉપર પાણી ભરવા જતી ગ્રામનારીઓની તેઓમાંના કેટલાક ગુંડાઓ છેડતી કરે છે તે.

આસપાસ મારા સિવાય બીજું કઈ બેઠું નથી એમ ખાતરી થતાં તેમણે ગામલોકોને કહ્યું : 'તે તમે શું બંગડીઓ પહેરી બેઠાં છો? ચાલ્યા આવો છો અહીં સુધી તે?' ભગવાનદાસભાઈની આ સૂચનામાં હિંસાનું નામ પણ ન હતું, છતાં ગામલોકો સમજ્યા કે ભગવાનદાસભાઈએ હિંસક સામનો કરવાની સલાહ આપી છે ! એક અઠવાડિયામાં એ ગામે રમખાણ થયું, મારામારી થઈ અને હિંદુ-મુસલમાન બને લતાઓ જોડાજોડ હોવાથી બન્નેમાં ભયંકર આગ લાગી—અલબત્ત, એમાં વધારે તો હિંદુઓનાં જ ઘર બળ્યાં એ જુદી વાત છે. પરંતુ ભગવાનદાસભાઈ એ ગામે પહોંચી ગયા; સામસામી ફરિયાદો કરાવી; તેના નિકાલ કરાવ્યા–જે પહેલાં આખા ગામમાં હતી એટલી મોસંબી ઉઘરાવી તેનો રસ મધ સાથે પી તેમણે ઉપવાસ જાહેર કર્યો.

કેટલાક લોકો ફરિયાદ લાવતા : અમારા ગામમાં ગોળ મળતો નથી ! કેટલાક લોકો ફરિયાદ લાવતા: અમારા ગામમાં ઢોરને ખવરાવવા કપાસિયા નથી. કેટલાક કહે : અમારે ત્યાં અનાજમાં જવ અપાય છે; અમે બાપજન્મારે જવ ખાધા નથી. કંટાળીને ભગવાનદાસભાઈ કહેતા : 'હું બધે ક્યાં આવી શકું? કહો તો ચિઠ્ઠી લખી આપું.'

'ચિઠ્ઠીથી નહિ માને.'

'એ ન માને તો આવજો..ચિઠ્ઠીને ન માનનારો એવો ક્યો પાક્યો છે?' કહી તેઓ મારી સામે જોતા.

આમજનતાને કોઈ પણ બાબતમાં સંતોષ ન જ હોય એવી વૃત્તિ ધારણ કરવાની દસેક વર્ષથી ટેવ પડી ગઈ છે. કુટિલ નીતિવાળી બ્રિટિશ સલ્તનતનું રાજ્ય હતું ત્યારે અમલદારોને ગભરાવવા માટે આ અસંતોષનો ઠીક ઉપયોગ થતો. પરંતુ સ્વરાજ્યમાં પણ આ ટેવ ચાલી આવે એ લોકશાહી દષ્ટિએ વાજબી કહેવાય નહિ. પરદેશી અમલમાં તો લગાર પણ દુઃખ પડે કે પડ્યાનો ભાસ થાય એટલે લોકોની બૂમાબૂમ આગેવાનો દ્વારા વૃદ્ધિ પામતી, પરંતુ સ્વરાજયમાં લોકો સહજ, દુઃખ વેઠે એમાં શા માટે તેમણે બૂમ પાડી ઊઠવું જોઈએ? પરદેશી રાજ્યમાં દુઃખ એ દુઃખ, નિર્ભેળ દુખ હતું ! સ્વરાજમાં દુઃખ એ પ્રજાઘડતરની કસોટી ગણાય.

'ભગવાનદાસભાઈ ! ગોળ તો મળ્યો, પણ “પરમિટ” મકનજીભાઈને મળી !' લોકોએ ફરિયાદ કરી.

'તમારે ગોળ સાથે કામ છે કે મકનજીભાઈ સાથે ?' ભગવાનદાસભાઈએ શિખામણરૂપે પ્રશ્ન કર્યો.

‘પણ તમે તો ઓળખો છો મકનજીભાઈને ! પરહદમાં અનાજ ચડાવી દેતાં પકડાયેલા અને તમે છેડાવેલા તે !... નફાખોરી વગર એનો ધંધો નહિ...'

'જુઓ, ગોળ આવે છે તે આવવા દો. નફાખોરી જણાય છે. સ્થાનિક સમિતિનું નામ ન લેશો. બધાય..' આગળ ઉચ્ચારણ ન કર્યા છતાં વ્યક્તિ અને સમિતિ બધાંયને માટે ભગવાનદાસે અભિપ્રાય વ્યક્ત કર્યો.

'સમિતિ ને મકનજીનો ઝઘડો લોકોને હેરાન કરશે, ભગવાનદાસભાઈ !' આગેવાને કહ્યું.

'વાંધો લાગે તો ફરી આવજો. હું પણ મકનજીને બોલાવી ખખડાવીશ. હમણાં તો મારે જરૂરી કામ છે...' કહી ભગવાનદાસે મારી સામે જોયું અને મેં હા પાડી ઉતાવળ કરવા વિનતિ કરી.

લોકોના ગયા પછી મેં જરૂરી કામ વિશે પૂછ્યું. અલબત્ત કામ હતું જરૂરી; પરંતુ તે બે કલાક પછી કરવાનું હતું.

એમણે કહ્યું : 'આમ ન કરીએ તે પાર પણ ન આવે ! મારે બીજાં કેટકેટલાં કામ કરવાનાં હોય છે, જાણો છો ને ? રાત્રે ઊંધ પણ નથી આવતી.'

'ખરું છે, ભગવાનદાસભાઈ ! થોડુંક કામ અને મુલાકાતો ઓછાં કરી નાખો.' મેં કહ્યું.

'હું તો બહુએ ઈચ્છું છું ! પણ લોકો ક્યાં છોડે છે મને?'

નિવૃત્તિ માગતા આગેવાનોની સ્થિતિ પણ નિવૃત્તિ પામતા અમલદારો જેવી જ બની રહે છે. લોકોની અવરજવર ઓછી થાય તો તેમને દિવસ એળે જતો લાગે છે. ભગવાનદાસની હરીફાઈ કરવા તૈયાર થયેલા એક આગેવાનને ઘેર કોઈ પણ ઇસમ સલાહ લેવા ન જાય એવી સફળ યોજનાઓ ભગવાનદાસે કંઈક વાર કરી હતી.

બદલાયેલા સંજોગોમાં – એટલે કે સ્વરાજ્યમાં – ભગવાનદાસનું કામ હતું એના કરતાં બમણું થઈ ગયું. પ્રાન્તિક, જિલ્લા, નગર, ગ્રામ, પોળ, ચકલો, શેરી વગેરે સમિતિઓમાં ભગવાનદાસ તો હોય જ;ઉપરાંત પુસ્તકાલય, સહકારી મંડળી, યુનિયન, ખેડૂતમંડળ,વ્યાપારી મંડળ, તપાસસમિતિ વગેરેમાં તો તેમના વગર ચાલે જ નહિ. સિવાયકોઈસભામાં પ્રમુખ થવું પડે; ઈનામોના મેળાવડાઓમાં ઈનામો આપવાં પડે; અને પ્રધાનની વધી પડેલી અવરજવરમાં જતાં આવતાં અને વચમાં હાજરી આપવી પડે એ જુદું.

'ભાઈ, હવે ચોવીસ કલાક મને ઓછા પડે છે.' અઠવાડિયા પછી મને મળો.' જેવા જવાબોને ઘોળી પી જનાર જનતા સામે કદી કદી ઘરમાં ભગવાનદાસ હોવા છતાં 'નથી' એમ કહેવડાવવાની પણ તેમને જરૂર પડવા માંડી–અલબત્ત મારી હાજરીનો કશો જ વાંધો ન હતો. હું તો તેમના અતિકામનાં કદી કદી વર્ણનો આપી આજના નેતાઓની વધી પડેલી મુશ્કેલીઓ જનતા પાસે રજૂ કરી તેમનું મહત્વ વધાર્યો જતો હતો.

એક મહારુદ્રના સમારંભમાં તેમને બોલાવવા આવેલી મંડળીને – જેમાં એક સંન્યાસી અને તેના આશીર્વાદથી અત્યંત ધનિક બનેલા શેઠ હતા તેમને – ભગવાનદાસે કહ્યું : 'આપ આવ્યા છો એટલે પાંચ મિનિટ આવી જઈશ...પણ ખરેખર મને વખત નથી.' ત્યારે મને ભગવાનદાસનું કથન સાચું લાગ્યું.

વળી એક ખેતરમાં એક ટ્રેકટર ભગવાનદાસને હાથે ચલાવવાનું મુહૂર્ત આવી પહોંચતાં બહુ જ કંટાળાપૂર્વક સમયનો અભાવ દર્શાવ્યા છતાં મુહૂર્ત સાચવવા અને ટ્રેકટર ઉપર ઊભા રહી હસતે મુખે છબી પડાવી સન્માનાર્થે અપાયેલા ચાંદીના ટ્રેકટરને સાથે લાવવા માટે ભગવાનદાસને સમયનો ભોગ આપવો જ પડ્યો.

વર્તમાન નેતૃત્વ એ કાંટાળો તાજ છે, ખીલાનું બિછાનું છે, શૂળીની સોબત છે, એવા એવા લેખ પણ હું લખતો ચાલ્યો જેમાં જેમાં મુખ્ય વાર્તાનાયક ભગવાનદાસ જ હોય. આવા ઘણા પ્રસંગો બનતા, અને એ પ્રસંગમાંથી હુ રસભરી કથનીઓ પણ ઉપજાવતો, જે ભગવાનદાસ વાંચતા અને હવે પછીના પ્રસંગે શું લખવું અને શું ન લખવું એની સૂચનાઓ પણ આપતા.૩

માત્ર એક જ પ્રસંગ એવો બન્યો કે જેને માટે મારે કેવી કથની લખવી તેની સમજ હજી મને પડતી નથી. કેટલાક લોકો ફરિયાદ લઈ માથું ખાવા એક પ્રસંગે ભગવાનદાસને ત્યાં આવ્યા.

'કૂવો કરવો છે અને સિમેન્ટ મળતી નથી.' ફરિયાદ રજૂ થઈ.

'આપણા બાપદાદા સિમેન્ટના કૂવા કરતા હતા?' ભગવાનદાસે બહુ જ સાચો જવાબ પ્રશ્નના રૂપમાં આપ્યો.

'ભગવાનદાસભાઈ, બાપદાદાને વખત જુદો હતો. ત્યારે ચૂનાની ચક્કીઓ ચાલતી, મજૂર સોંઘા મળતા, ભઠ્ઠીઓ કરનાર ઘેર આવી પૂછી જતા. આજ તો ન બળદ મળે; ન મજૂર મળે, અને ચૂનાની ભઠ્ઠીને ઓળખનાર પણ કોઈ ન મળે.'

'સિમેન્ટ જોઈતી હોય તો રાહ જુઓ.'

'પણ કેટલી રાહ જોવી ? મારા પછી અરજી કરનારને એક સો થેલી મળી અને મને અરજી કે ઉઘરાણી પણ ન કરવી એવા જવાબ મળે છે...'

'કદી કદી એમ થાય. હજી સ્વરાજ નવું છે...અને હું મુંબઈ લખી દઉં છું. બસ ?' અને માથું ખાતા સિમેન્ટના ફરિયાદીઓ જાય તે પહેલાં તો બે અંધ અને તેમને દોરતો એક દેખતા ગૃહસ્થ આવી પહોંચ્યા. ભગવાનદાસભાઈના મુખ ઉપર પૂરો કચવાટ દેખાયો. તેમણે કહ્યું : 'તમે ભલે આવ્યા ! પણ મને અત્યારે વખત નથી.'

'ભગવાનદાસભાઈ ! આપના કહેવા પ્રમાણે અમે આવ્યા છીએ. ત્રણ વાર તો અમે આવી પાછા ગયા...' પેલા વાચાળ અંધે કહ્યું.

'તે મારી ગરજે તો નથી આવ્યા ને?'

'નહિ નહિ, ભાઈસાહેબ ! અમે તો અમારી ગરજે આવ્યા છીએ. આપના વગર અમારો આરો – ઉદ્ધાર નથી, ભગવાનદાસભાઈ !' વાચાળ અંધે કહ્યું.

'આપ ફરી એક વખત આવો ને? અત્યારે તો, જુઓ, હું કપડાં પહેરવાની તૈયારી કરી રહ્યો છું.'

'બાપજી ! પાંચ મિનિટનું કામ છે. આપ પ્રમુખ થાઓ તો અમારો ફાળો...'

'અત્યારે કાંઈ જ નહિ. શ્વાસ લેવાનો પણ વખત નથી. તમે જાણો છો, મારે વિમાનગૃહ ઉપર પ્રધાન સાહેબને લેવા જવું છે તે? તમે ફરી આવજો...'

'અમે બેઠા છીએ. આપ પ્રધાન સાહેબને આવકાર આપીને આવો.' અંધે કહ્યું.

'નહિ નહિ, આજ વખત મળે એમ છે જ નહિ. પ્રધાનસાહેબ સાથે મારે જમવું પડશે; પછી એક મહત્ત્વની ગુપ્ત સભા છે જેમાંથી જાહેર સભામાં જઈ રાત્રે ખાણા ઉપર હાજરી આપવાની છે.' ભગવાનદાસભાઈએ પોતાનો ભરચક કાર્યક્રમ કહી સંભળાવ્યો.

નેતાઓને સ્વરાજય પહેલાં પણ ખાણાં લેવાની ટેવ ન હતી એમ કહેવાય નહિ. એ સમયે તકરાર માત્ર અમલદારોનાં ખાણાં માટે હતી, જે હજી પણ ચાલુ જ છે. નેતાઓ અને નેતાઓમાંથી વિકસેલા પ્રધાનોની ખાણાં-ઉપખાણાં લેવાની આઝાદી હજી અંકુશપાત્ર બની નથી. 'ભગવાનદાસભાઈ ! પ્રધાન સાહેબને લેવા તો બહુ માણસો જશે. પણ અમારા અંધને દોરનાર આપ સિવાય કોઈ નથી. આટલું એક કાગળિયું આપશ્રી વાંચી જાઓ..'

અંધોની જીભ બહુ ચાલે છે. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આવનાર પ્રધાનનું વિમાન ઝડપ કરી રહ્યું હતું ? તેમને વાત કરતા છોડી ભગવાનદાસભાઈ કપડાં પહેરી બહાર આવ્યા અને 'કાર' તૈયાર છે કેમ તેની તપાસ કરી.

'તે, સાહેબ ! અમને કાંઈ જવાબ...?' એક અંધે ઝડપથી પૂછ્યું.

'મને વખત નથી.'

'કાલે આવીએ?'

'કાલે ધારાસભાની બેઠકમાં જવું છે. દોઢબે માસ ત્યાં લાગશે.'

'ભાઈસાહેબ ! તમે તે અમારા નેતા છો...'

'તે તમારો મત લેવા આવું ત્યારે ના પાડજો...'

'એમ નહિ, ભાઈસાહેબ !... તમને તો પ્રધાનો યે મળશે, ધારાસભા યે મળશે અને મત પણ મળશે. પરંતુ અમને તો કંઈ મળતું જ નથી...આપના ઉપર આશા હતી...'

ભગવાનદાસભાઈ તેમને બોલતા છેડી સીડી ઊતરી ગયા; મારે પણ તેમની સાથે જ વિમાનગૃહ ઉપર જવાનું હતું. કારણ પ્રાન્તપ્રધાન પધારવાના હતા. સ્વરાજ્યમાં મહત્ત્વનાં કામો એટલાં વધી ગયાં છે કે એક અગર બીજા પ્રધાન સાહેબની અવર કે જવર વગરનો દિવસ ખાલી જતો જ નથી. ફૂલહારનો કંડિયો કારમાં મુકાવી અમે બંને બેઠા.

મેં પૂછ્યું :'પેલા અંધોને તો આજે જ જોયા...'

'અરે, કેટલા વખતથી મારો જીવ ખાય છે !'

'કેમ ?'

'હું પ્રમુખ થાઉં તો એમના ફંડમાં કાંઈ રકમ આવે એ આશાએ.' 'તો પછી આપ એ બિચારાઓને...'

'બિચારાઓ ! પહેલાં તો દોડ્યા હતા બીજે. કાંઈ ફાવ્યું નહિ એટલે આવે છે હવે વળગવા ! હરામખોર...'

હું શાન્ત રહ્યો. પ્રધાનસાહેબ આવી ગયા. તેમનાં ફૂલહાર તથા ખાણા અને મસલત–ભાષણ થઈ ગયાં. દેશનાં દુઃખદર્દ મટાડવાની યોજનાઓ ઘડાઈ અને બાકી રહેલી યોજનાઓ ઘડવા ભગવાનદાસભાઈ ધારાસભામાં પધાર્યા. તેમને હું સ્ટેશને પણ વળાવી આવ્યો.

અંધ ભાઈઓને હજી કોઈ પ્રમુખ મળ્યો જાણ્યો નથી.

આ પ્રસંગનું મેં વર્તમાનપત્રમાં નિવેદન આપ્યું નથી. કારણ મારા મનમાં પણ શંકા રહ્યા કરે છે–

અંધોને દોરવણી આપવામાં વખત નથી એમ કહેવું સારું ?

અગર તો પ્રધાન સાહેબને લેવા જવામાં વખત નથી એમ કહેવું વધારે સારું ?

ગાંધીજી હોય તો શું કરે?

એટલે માત્ર આ બનેલા બનાવની આટલી નોંધ રાખી લીધી છે. મેં આ નોંધ હજી છપાવી નથી. 

17
લેખ
કાંચન અને ગેરુ
4.0
Kanchan ane Geru is a Gujarati language novel written by Ramanlal Desai in 1949. Ramanlal Vasantlal Desai (12 May 1892 - 20 September 1954) was a Gujarati writer from India. He is considered as an important figure of the Gujarati literature as well as Gujarati novel writing. He wrote 27 novels, among which, Bharelo Agni and Gramalakshmi is considered to be his magnum opus. His other notable and massive work is Apsara, a essays divided in five volume which is based on the life of prostitutes. He was awarded Ranjitram Suvarna Chandrak in 1932
1

છેલ્લી વાર્તા

13 June 2023
6
0
0

છેલ્લી વાર્તા ૧ સુનંદ એક મહાકવિ થવાની આગાહી આપતો કવિ હતો. હવેના મહાકવિઓ મહાસાહિત્યકાર પણ બની શકે છે – એટલે કે સુનંદ નાનીમોટી વાર્તાઓ પણ લખતો, નાટકો પણ લખતો અને ઊર્મિપ્રેરક લેખો પણ લખતો. એની નાનકડ

2

સુલતાન

13 June 2023
3
0
0

સુલતાન  ૧ કહે છે કે વકીલનો કોઈને વિશ્વાસ નહિ ! જે પક્ષ પૈસા વધારે આપે એ પક્ષ તરફથી સાચું ખોટું લડનાર વર્ગ પ્રતિષ્ઠિત ભલે હોય; છતાં સમાજ તેની તરફ કતરાતી આંખે જુએ એ સહજ છે. ભાડૂતી યુદ્ધોમાં પણ વફાદ

3

પ્રભુ છે ?

13 June 2023
0
0
0

પ્રભુ છે ?   ૧ અશોકનું બાળપણ બહુ સુખમાં વીત્યું.તેના પિતા એક આશાસ્પદ વકીલ હતા અને તેમની મધ્યમ પ્રકારની આર્થિક સ્થિતિ ત્યારે તો સહ્ય અને ભવિષ્ય માટે ઉપકારક બનતી. એ મધ્યમ સ્થિતિમાં આજની ભયંકરતાનુ

4

ભૂતકાળ જોઈએ

13 June 2023
0
0
0

ભૂતકાળ જોઈએ ૧નાનકડા પણ સુસજજ ખંડમાં કાંઈ ઊનનું ભરત ભરતી કપિલા એકાએક થોભી ગઈ. હાથમાંનો સોયો અને ભરાતું વસ્ત્ર એમનાં એમ હાથમાં જ રહી ગયાં. વચ્ચે ઊનનો દોરો લટકી રહ્યો. એની આંખ ખુલ્લી હતી. પરંતુ એ ખુલ્લી

5

ઘુવડ

13 June 2023
0
0
0

ઘુવડ આઝાદ હિંદ ફોજમાં કોઈ ગુજરાતી હતો જ નહિ એવી માન્યતા ભૂલભરેલી છે. બર્મા–મલાયાના ગુજરાતીઓએ માત્ર પૈસા આપી આઝાદ હિંદ ફોજથી છૂટાછેડા મેળવ્યા એમ કહેનારને હું મારું દ્રષ્ટાંત આપું છું. હું યુદ્ધ ખેલતાં

6

રખવાળ

13 June 2023
0
0
0

રખવાળ 'એકોહં બહુસ્યામ્' એ ઈશ્વરસંકલ્પની જાણે સાબિતી મળતી હોય એમ એક વ્યક્તિ યુદ્ધ અને યુદ્ધ પછીના યુગમાં 'જુજવે રૂપે અનંત' સ્વરૂપ ધારણ કરી ડગલે ને પગલે આપણી નજર સામે આવ્યા કરે છે. કઈ વ્યક્તિ? કાંઈ

7

બાલહત્યા

13 June 2023
0
0
0

બાલહત્યા દવાખાનામાં ભારે ઉશ્કેરાટ ફેલાઈ ગયો. નર્સો રૂપાળી રૂપાળી દેખાવાનો પ્રયત્ન ચાલુ રાખીને પણ દોડધામ કરતી હતી. સ્ત્રી ડૉક્ટરો સાથે પુરુષો ડૉક્ટરો પણ આવતા જતા અને ગંભીરતાપૂર્વક ચર્ચા કરતા દેખાતા

8

ઝેરનો કટોરો

13 June 2023
0
0
0

ઝેરનો કટોરો પૂનમચંદ હતો ગામડાના નિવાસી. પરંતુ તેના પિતાએ શહેરમાં મોકલી તેને ભણાવ્યો. તેના પિતા પાસે ઠીક ઠીક પ્રમાણમાં જમીન હતી, અને એવી જમીન ધારણ કરનાર ખેડૂત ગામડામાં જમીનદાર ગણાઈ સહુનું માન પામે છે.

9

સત્યના ઊંડાણમાં

13 June 2023
0
0
0

સત્યના ઊંડાણમાં જ્ઞાનની સીમા એક પાસ વધતી જાય છે અને બીજી પાસ અજ્ઞાનના કિનારા પણ એટલા જ આગળ ધસી આવે છે. વિજ્ઞાનની પકડમાં જે ન આવે એને ન માનવું એ સારુ છે, સાચું છે, પણ તે અમુક હદ સુધી જ. વિજ્ઞાન પ

10

નિશ્ચય

13 June 2023
0
0
0

નિશ્ચય હજી સાધન અનુસાર કુટુંબ રચવાની જવાબદારી હિંદ સમજ્યું નથી. રમાનો જન્મ ઠીક ઠીક મોટા કુટુંબમાં થયો હતો. તેને બે મોટી બહેનો હતી અને બે નાના ભાઈઓ હતા. પિતામાતા હતાં અને કેટલાંક સગાંવહાલાંનાં બા

11

નવલિકામાંથી એક પાન

13 June 2023
0
0
0

નવલિકામાંથી એક પાન મારી વાત તમારે જાણવી છે? સાધારણ જીવન સહુ જીવે છે એવું મારું જીવન. એમાં રોમાંચક કશું ન જ હોય. હા, હું મારી પત્નીને એક વખત ચાહતો ન હતો એ વાત સાચી છે. પ્રેમ અને પ્રેમલગ્ન ભાવનામાં ઊછર

12

વેરભાવે ઈશ્વર

13 June 2023
0
0
0

વેરભાવે ઈશ્વર સુખનંદનની જાહોજલાલીનો પાર ન હતો. વ્યાપારમાં પ્રભુએ તેમને સારી બરકત આપી હતી. મોટાં મોટાં મકાન બાંધવાના કૉન્ટ્રેક્ટમાંથી તેમણે સારી કમાણી અને પ્રતિષ્ઠા મેળવ્યાં. એથી આગળ વધી તેમણે ઈંટનાં

13

ડબામાંની ગાય

13 June 2023
0
0
0

ડબામાંની ગાય હું સામાન્ય સ્થિતિનો માનવી. મારું નાનકડું ઘર; પણ આસપાસ થોડી ખુલ્લી જમીન ખરી. સામાન્ય માનવીને પણ પોતાના નાનકડા શોખ તો હોય જ ને? ઘર આસપાસની ખુલ્લી જમીનમાં હું કૂલઝાડ રોપું છું, ક્યારીઓ બના

14

વણઊકલી વાત

13 June 2023
0
0
0

વણઊકલી વાત માતાપિતા સાથે મેજ ઉપર ચાનાસ્તો લેતાં રશ્મિએ કહ્યું : 'કેટલીક તો એવી સરસ કવિતા હતી ! કાનમાં ગુંજ્યા કરે અને મનમાં રમ્યા જ કરે. તમે કદી ચન્દ્રાનન કવિને સાંભળ્યા છે?' 'ચંદ્રાનન ? હા !... ક

15

સિનેમા જોઈએ

13 June 2023
0
0
0

સિનેમા જોઈએ મારે અને વીણાને ખૂબ ઝઘડો થયો. પતિપત્ની વચ્ચે ઝઘડો થાય એમાં બહુ નવાઈ નહિ. પતિ સહેજ મશ્કરી કરે એમાં પત્નીને ખોટું લાગી જાય ! પત્ની કહે કે, ક્લબમાં બહુ વાર ફરો છો, તો પતિને ખોટું લાગી જાય. પ

16

મને વખત નથી

13 June 2023
0
0
0

મને વખત નથી આ એક રસિક વાર્તા નથી. ટૂંકી નોંધ માત્ર છે. એક સાચા બનેલા પ્રસંગની નોંધ છે. અને એમાં નાયક છે એટલા પૂરતી એને વાર્તા કહો તો જુદી વાત ! લોકશાસનમાં પત્રકારોને અને નેતાઓને પરસ્પર સ્નેહ, સબંધ,

17

કાંચન અને ગેરુ ૧

13 June 2023
0
0
0

કાંચન અને ગેરુ૧ આનંદ અને જયંત બન્ને ગુરુના પ્રિય શિષ્યો. બીજા શિષ્યોને જે પાઠ શીખતાં મહિનો લાગે તે આનંદ અને જયંત એક દિવસમાં શીખી જતા. આશ્રમમાં આગેવાન પણ આનંદ અને જયંત. વેદ, વેદાન્ત, ષડ્દર્શન પૂરાં કર

---

એક પુસ્તક વાંચો