સિનેમા જોઈએ
મારે અને વીણાને ખૂબ ઝઘડો થયો. પતિપત્ની વચ્ચે ઝઘડો થાય એમાં બહુ નવાઈ નહિ. પતિ સહેજ મશ્કરી કરે એમાં પત્નીને ખોટું લાગી જાય ! પત્ની કહે કે, ક્લબમાં બહુ વાર ફરો છો, તો પતિને ખોટું લાગી જાય. પત્ની ચા લાવતાં બે મિનિટ મોડું કરે એટલે પતિને એમ જ થાય કે પત્નીને પતિના સમયનું ભાન નથી. પત્ની કહે : 'હમણાં પેપર ન વાંચશો. મારી સાથે વાત કરો.' અને પતિ વાત ન કરતાં રસભર્યા સમાચાર વાંચ્યા કરે તો પત્નીનું મુખ ચઢે !
સંભવ છે કે પુરુષો પણ આવી પતિ પત્નીની ઝપાઝપીમાં કદી રડી પડતા હશે ! પરંતુ મોટે ભાગે પુરુષમાનસને સારી સમજી ચૂકેલી પત્ની પતિના રડતા પહેલાં પોતે જ રડી પડે છે; અને પતિને એ તક મળે તે પહેલાં જ રુદનથી પતિને મુશ્કેલીમાં મૂકી દે છે ! પત્નીની આંખમાં આંસુ આવતાં બરાબર પતિની પરિસ્થિતિ ગુનેગાર સરખી બની જાય છે, અને સંજોગ અનુસાર પતિ પત્નીને મનાવે છે, સમજાવે છે, પટાવે છે, નમન કરે છે, પગે લાગે છે અગર કોઈ નવું ઘરેણું વસાવવાનું વચન આપે છે!
વળી પુરુષોની પ્રણાલિકા પુરુષરુદનની વિરુદ્ધ જાય છે. પુરુષથી પત્ની સાથેના ઝઘડામાં કદી રડાય જ નહિ એવો સમાજનો અલિખિત કાયદો છે, અને પુરુષોને પાળવો જ પડે છે.
અને પુરુષો અપવાદરૂપે એ કાયદો કદાચ ન પાળે તો રડતા પતિને કોઈ પણ પત્ની કદી મનાવતી, સમજવતી કે પટાવતી નથી; ઊલટું, અથવા રોતલ પતિને તે હસે છે અને તિરસ્કારે છે. સ્ત્રીપુરુષના સમાન હક્કની બાબતમાં રુદનનો પતિહક્ક હજી સ્વીકારાયો નથી.
આ વિવેચનની જરૂર એટલા માટે કે બીજી સ્ત્રીઓની માફક વીણા ઝટ રડતી નથી – અરે, કદી રડતી નથી એમ કહું તો ચાલે ! રડવાથી ઝઘડાનો ઝટ નિકાલ આવી જાય છે. પરંતુ જીભાજોડીમાં પત્ની પોતાના હક્કને વળગી રહી રુદન ઉપર ન જ ઊતરે તો પછી બીજું શું થાય ? ઝઘડો વધે જ. આમ એક દિવસ અમારો ઝઘડો વધી ગયો.
વીણા મારા જેટલું જ ભણી હતી. કદાચ મારા કરતાં એના 'માર્કસ' પરીક્ષામાં વધારે પણ હશે ! સ્ત્રીઓને જ્યારથી નોકરીમાં પ્રવેશ મળ્યો છે ત્યારથી એ પણ બીક રાખવાની જ કે પુરુષ કરતાં સ્ત્રીને વહેલી અને વધારે પગારની નોકરી મળે એ બહુ જ સંભવિત ગણાય ! એવી સ્ત્રીઓને પત્ની તરીકે પાળવી એ પુરુષને માટે જોખમભરેલું થઈ પડે છે !
પરંતુ એ જોખમ ખેડ્યા વગર કોનું ચાલ્યું છે? આમે ઓછું ભણેલી સ્ત્રી જોખમરૂપ તો છે જ. ભણેલી સ્ત્રી ભારે જોખમરૂપ !
ઝઘડામાં હું વધારે સખત થયો, પરંતુ તે રડી નહિ; મારા મનમાં હતું કે જરા કડકાઈ બતાવું અને વીણા રડી પડે તો વિશ્વનિયમ અનુસાર સમાધાન સરળ બની જાય. ભમ્મર ચઢાવી મેં કહ્યું : 'વીણા ! છૂટાછેડાનો કાયદો હવે હિંદુ સંસારને લાગુ પડ્યો છે, હો !' 'પણ તે તો સ્ત્રી અને પુરુષ બન્નેને માટે છે ને?' વીણાએ ગભરાઈ જવાને બદલે મને સામે પ્રશ્ન કર્યો.
'એમ? તારે છૂટાછેડા લેવા છે? મને હરકત નથી.' મેં અત્યંત ગુસ્સામાં આવી કહ્યું.
'સૂચનાની પહેલ તારી હતી. વીણાએ એટલી ઠંડકથી કહ્યું કે મારો ગુસ્સો પ્રજળી ઊઠ્યો.
‘વારુ ! એની જ વ્યવસ્થા કરવા હું જાઉં છું.' કહી હું ઊભો થયો, કપડાં પહેર્યા અને બહાર નીકળી ગયો.૨
સીધો હું મારા એક ઓળખીતા વકીલને ત્યાં પહોંચી ગયો. છૂટાછેડાનો કાયદો પૂરો સમજી તે પ્રમાણે અદાલતે કેવી રીતે પહોંચાય તેની મારે માહિતી તત્કાલ જોઈતી હતી. મુસ્લિમ ધોરણ અનુસાર ત્રણ વાર 'તલાક’ બોલવાથી છૂટાછેડા મળી ગયા એમ ઠરતું હોત તો હું તે ધોરણ સ્વીકારી લેત એવો ક્રોધ મને ચઢ્યો હતો.
પરંતુ કમનસીબે વકીલ ઘરમાં ન હતા. ત્રણેક કલાક માટે બહાર નીકળી ગયા હતા. કમાણી કરવી મૂકી બહાર રખડવાની વકીલોને ટેવ પડે એ મને જરા પણ ગમ્યું નહિ. વકીલના ઘરની બહાર આવી ક્યાં જવું એની મને સૂઝ પડી નહિ. બેત્રણ કલાક ક્યાં ગાળવા? છૂટાછેડાનો કાયદો સમજી વીણાને ખબર પડે એવી વ્યવસ્થા કર્યા સિવાય ઘેર ન જવું એવો મારો નિશ્ચય હતો. ઉદ્દેશહીન ડગલાં માંડતાં મેં એક સિનેમાગૃહ ઉપર 'છબીલીના છૂટાછેડા' નામના પરદેશી ચિત્રનું પાટિયું વાંચ્યું અને સેંકડો લોક ટિકિટબારી ઉપર જમા થયેલા મેં જોયા.
મારું મન રાજી થઈને બોલી ઊઠ્યું: ' છૂટાછેડાનો હિંદમાં પણ રસ વધતો જાય છે.
આમે મને ચિત્રો જોવાનો તો ઠીકઠીક શોખ હતો યૌવનને અનુકૂળ બધી જ વસ્તુઓ મને ગમતી. ત્રણ કલાક ગાળવાનું ચિત્રદર્શનમાં સારું સાધન મળશે એમ ધારી ઊંચામાં ઊંચી ટિકિટ ખરીદવા હું ખાસ ટિકિટબારી તરફ ગયો. મેં ટિકિટ માગી. મને જવાબ મળ્યોઃ ટિકિટ બંધ છે.
'બીજી કોઈ કલાસ ની ?' મેં પૂછ્યું.
'ના.. પણ સાહેબ ! આપની ટિકિટ તો લેવાઈ ગઈ છે.' મારા મુખ સામે જોઈ ટિકિટ આપનારે મને કહ્યું. એ માણસ મને ઓળખતો લાગ્યો.
'મારી ટિકિટ વળી કોણે લીધી?' મને આશ્ચર્ય થયું એટલે મેં કહ્યું.
'કેમ ? બહેન ક્યારના આવીને બેઠાં !' ટિકિટ આપનારે કહ્યું.
'બહેન ? મારે કોઈબહેન જ નથી મને ઓળખ્યા વગર આ માણસ કાંઈનું કાંઈ ભરડયે જાય છે શુ ?
'બહેન? બહેન કોણ ? ' મેં જરા ચિડાઈને પૂછ્યું.
'કેમ સાહેબ? આપના ઘરમાંથી વળી ! આપને સીટ બતાવું ચાલો !' ટિકિટ આપનાર કદાચ મને તો ઓળખે ! ઉપરાંત મારા ઘરમાંથી પણ ઓળખે? આપણે ધારીએ એના કરતાં વધારે ઝડપી મુખપરીક્ષા દ્વારરક્ષકો અને ટિકિટ આપનારને હોવી જોઈએ !
ટિકિટ ઑફિસમાંથી નીકળી ટિકિટ આપનારે મને આગળ દોર્યો. આ સંજોગોમાં મારે ના કહી ચાલ્યા જવું એ મૂંઝવણભર્યું કામ હતું. શૂન્ય હૃદયે હું તેની પાછળ પાછળ ચાલ્યો. આખું ચિત્ર- ગૃહ ચિક્કાર ભરેલું હતું. એકાએક અંધારું થયું અને ચિત્ર શરૂ થતાં પહેલાંની જાહેરાતો અને અન્ય ચિત્રટુકડા શરૂ થઈ ગયા. અંધારામાં મારાથી કાંઈ જ દેખાતું ન હતું. પ્રેક્ષકોના પગની અંટેવાળીએ આવતો, બેઠક ન હોય ત્યાં બેસી જવાની તૈયારી કરતો હું એક ખૂણા તરફ દોરાયે ગયો. કોઈનું મુખ દેખાતું ન હતું; માત્ર હાથબત્તીનો પ્રકાશ સહુના પગનું દર્શન કરાવતો હતો. ખૂણાની એક ખાલી ખુરશી ઉપર પ્રકાશ વેરી મને દોરવણી આપનારે કહ્યું : 'સાહેબ ! અહીં ખાલી જગા છે'
'જગા ખાલી નથી.' એક યુવતીનો કંઠ સંભળાયો.
વીણાનો જ એ કંઠ !
'ખાલી છે ને, બહેન?'
'કોઈ મારી સાથે ન બેસે એ માટે મેં વધારાની ટિકિટ લઈ જગા ખાલી રાખી છે. વીણા બોલી. એના અવાજમાં વિરોધ હતો.
અંધારામાં નવો આવેલો હું વીણાનું મુખ જોઈ ન શકું; પરંતુ અંધારામાં ટેવાયેલી વીણાની આંખ જરૂર મને જોઈ ઓળખી શકતી હતી ! છતાં મને પાસે બેસવા દેવાનો પણ વિરોધ કરતી હતી ! ખાલી ખુરશી હોવા છતાં !
'સાહેબ આવ્યા છે...આપના ઘરમાંથી. દોરવણી આપનારે કહ્યું અને હું વિરોધ છતાં ખાલી ખુરશી ઉપર બેસી જ ગયો ! જોરપૂર્વક ધમપછાડ કરીને હું બેસી ગયો. લોકો આ વાતચીત બંધ થાય એમ ઈચ્છી સિસકારીઓ કરવા લાગ્યા હતા એટલે વીણા કાંઈ વધારે બોલી નહિ; પરંતુ હુ પાસે બેઠો હતો તેનું એ ધ્યાન પણ વિસરી ગઈ. ચિત્ર તો શરૂ થઈ ગયું હતું એટલામાં !૩
ચિત્ર શરૂઆતથી જ હસાવે એવું હતું. પરિણીત જીવનમાં બિનઅનુભવી પતિ પત્ની નાની બાબતમાં કેવાં ઝઘડી પડે છે, કેવી ગેરસમજમાં ફસાય છે અને ખોટા મમતે ચડી જીવનનું નાવ કેવા ખરાબે અથડાવી દે છે તેની પ્રસંગપરંપરા ચિત્રમાં આબેહૂબ રજૂ થતી હતી. પૂર્વનું કે પશ્ચિમનું માનવજીવન અંતે તો એક જ છે ને ? આખો પ્રેક્ષક વર્ગ ખડખડાટ હસ્યે જ જતો હતો. મને પણ ખૂબ હસવું આવતું. આપણા જીવનના ગંભીરમાં ગંભીર ઝઘડા કેવા ક્ષુલ્લક, ભૂલવા પાત્ર, કદી ધ્યાનમાં ન લેવા જેવાં કારણોમાંથી જાગી ઊઠે છે, એનો સચોટ પણ ખૂબ હસાવતો ખ્યાલ એ ચિત્ર આપ્યા જ કરતું હતું. પતિપત્ની બહુ ગંભીર હતાં. બહુ જ સાચું લડતાં હતાં અને છૂટાછેડાને માટે તલપી રહેવા જેવી તૈયારી બતાવતાં હતાં, પરંતુ પ્રેક્ષકો એ ઝધડા પાછળ નજીવી વાતચીત કે વર્તન હતાં તે સમજી લઈ ખૂબ હસતાં હતાં.
હસતાં હસતાં મે મારો પગ સહેજ લંબાવ્યો, અને તે વીણાના પગને અડકી ગયો ! અમે બન્ને હસતાં હતાં એ સાચું; પણ એક બીજા સામે હજી અમે નજર પણ માંડી ન હતી. વાત તો કરીએ જ કેમ – આટલા ઝઘડા પછી ? વીણાએ પગ ખસેડી લીધો અને હું જ એકલો સાંભળું એમ બોલી ઊઠી : પગ કેમ અડાડે છે?'
'આમ !' કહી ચાહીને મેં વીણાના પગને ફરી મારો પગ અડાડ્યો.
વીણાએ પગ વડે મારા પગ ઉપર જોરથી પ્રહાર કરી પોતાનો પગ ખસેડી લીધો. મને ઠીક ઠીક વાગ્યું. મેં પણ એકલી વીણા જ સાંભળે એમ કહ્યું : 'એકલો પગ નહિં! હું હવે હાથ પણ તને અડાડીશ. પછી કાંઈ ?' કહી મેં કોઈ દેખે નહિ એમ તેના પગ ઉપર હાથ મૂકી દીધો.
હાથ મુકતાં તો મૂક્યો, પરંતુ મને હાથ ઉપર જાણે વીંછીનો ડંખ વાગ્યો હોય એવી વેદના થઈ આવી ! આછી સિસકારી મારા મુખમાં પ્રગટ થઈ; પરંતુ સદ્ભાગ્યે આખું પ્રેક્ષકગૃહ ખડખડાટ હસતું હોવાથી મારી વેદનાફૂંક કોઈએ સાંભળી નહિ.
'હાથ ખસેડી લે.' વીણાએ કહ્યું. એણે પોતાની ચૂંટી હળવી કરી હતી.
'નહિ ખસેડું.' મેં પણ મમતે ચડીને કહ્યું.
'તો હું તને બીજી ચૂંટી ખણીશ.' કહી બે વીંછી એક સાથે એક જ સ્થળે ડંખ મારે એવી મહા વેદનાકારી બીજી ચૂંટી વીણાએ મારા હાથ ઉપર ભરી લીધી. અમે ચિત્રગૃહમાં પણ આમ ઝઘડતાં હતાં ! પણ તે કોઈએ જોયું નહિ. ચિત્રગૃહનું અંધારું અને ચિત્ર તરફ ખેંચાતું સહુનું ધ્યાન અનેકાનેક પેટા નાટક ભજવવાની તક આપે છે, એ ચિત્રપટના શોખીનોને અજાણ્યું નથી. ચિત્ર ચાલ્યા કરતું હતું. મેં મારો અડકેલો હાથ વીણાના દેહ ઉપરથી ખસેડ્યો જ નહિ ! વીણાની ચૂંટી – જબરદસ્ત ચૂંટી – ચાલુ જ હતી ! ઘા વાગ્યા પછી ઘાની ભડક અને વેદના સ્થિર બની જાય છે. ચામડી ઊખડે તો ભલે, પણ હાથ ખસેડવો જ નથી એ નિશ્ચય મારા મને કર્યો, અને એ નિશ્ચય મેં પાળી રાખ્યો !
ચુંટીની વેદના કેવી હોય છે એનો પ્રત્યેક પતિને અનુભવ હોવો જોઈએ. ન હોય તો તે અનુભવ લેવા સરખો છે. એ સિવાય લગ્નના જોખમનો ખ્યાલ કદી આવે એમ નથી.
ચિત્ર પૂરું થવા આવ્યું હતું. અદાલતમાં લગ્નવિચ્છેદ માગતાં પતિપત્ની કોઈનાં સમજાવ્યાં સમજતાં ન હતાં ન્યાયાધીશે અંતે લગ્નવિછેદનો ઠરાવ લખ્યો અને પતિપત્ની બંનેને એકલાં પોતાની 'ચેમ્બર'માં બોલાવી ઠરાવ વાંચી સંભળાવ્યો. પતિપત્ની એક બીજાના દુશ્મન હોય એમ એકબીજાની સામે જોઈ રહી છૂટાં પડતાં હતાં, અને સહજ સ્મિત કરી ન્યાયાધીશે કહ્યું : 'આ ઠરાવ તો મેં તમારી પસંદગી અર્થે વાંચી બતાવ્યો. આઠ દિવસ પછી આ અદાલતમાં તમે બંને સાથે આવજો. એ આઠે દિવસ તમે લગ્નવિચ્છેદની માગણી કરી છે એ આખી વાત જ ભૂલી જજો. નવમે દિવસે હું તમારી પસંદ કરેલો ઠરાવ તમને ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવીશ. ત્યાં સુધી તમારું લગ્ન ચાલુ જ છે.'
આઠ દિવસ વીત્યા પછી પતિ પત્ની અદાલતમાં આવ્યાં ખરાં, પરંતુ બંનેએ સાથે જ માગણી કરી કે તેમનું છૂટાછેડાનું આખું કામ રદબાતલ કરવામાં આવે.
ન્યાયાધીશે હસીને પૂછ્યું : 'તો આ લખેલો ઠરાવ ફાડી નાખું ?' 'હા જી. બંનેએ એક સાથે કહ્યું.
'અને ધારો કે હું એ ઠરાવ ફાડી ન નાખું તો ?'
'સાહેબ ! આપ એ ઠરાવ ભરઅદાલતમાં વાંચશો તો ય અમે છૂટા પડનાર નથી.'
‘ફરી આ અદાલતમાં આવશો તો હું તમને ઊભા પણ નહિ રહેવા દઉં, હો !' ઠરાવનાં કાગળિયાં ફાડતાં ફાડતાં ખોટી ગંભીરતા પૂર્વક ન્યાયાધીશે કહ્યું. અને સહુના ખડખડાટ હાસ્ય વચ્ચે બંને પક્ષકાર પતિપત્નીના વકીલોએ યુગલને ફૂલહાર કરી પોતાનું સારી રકમનું બિલ મેળવી લેતાં ચિત્ર સમાપ્ત થયું.૪
ચિત્ર સમાપ્ત થતાં બરોબર અજવાળાં અજવાળાં વ્યાપી રહ્યાં. પ્રેક્ષકોના મુખ ઉપર હાસ્ય અને આનંદની રેખાઓ હજી ઊપસેલી જ હતી. અજવાળાના પ્રભાવમાં વીણાએ મારા હાથ ઉપરથી ચૂંટી ખસેડી લીધી અને મમતમાં જ તેના પગ ઉપર મૂકેલ મારો હાથ મેં પણ ખસેડી લીધો.
વીણા સામે નજર પણ કર્યા વગર હું બીજે દ્વારેથી જવા વળ્યો. પણ વીણાએ એક ઝીણી ચીસ પાડી : 'અરે ! અરે ! તારા હાથમાંથી તો લોહી નીકળે છે !'
'ખરે, ચૂંટી ખણી હતી તે સ્થાનેથી લોહી નીકળતું હતું.
'બંધ થઈ જશે... હરકત નહિં.' મેં કહ્યું અને આગળ ડગલું ભર્યું.
'મારી સાથે જ ડૉકટરને ત્યાં તારે આવવાનું છે... હાય ! કેટલું વાગ્યું ?' વીણા પોતાના રૂમાલ વડે રુધિર લૂછતાં બોલી.
મેં તેને કહ્યું નહિ કે એ રુધિર તેની ચૂંટીને પ્રભાવે જ વહી રહ્યું હતું. એકબે મિત્રોએ પૂછયું પણ ખરું, પરંતુ સહેજ વાગ્યું છે કહીને સહુની જિજ્ઞાસા મેં તૃપ્ત કરી. બહાર નીકળતાં જ વીણાએ એક 'ટેકસી' ભાડે કરી લીધી, અને મને ઝડપથી અંદર બેસવા વીણાએ ઈશારો કર્યો. હું જરા અટક્યો. મને હજી છૂટાછેડાનો નશો પૂરો ઊતર્યો ન હતો. વીણાએ સહુના દેખતાં મને હડસેલી પહેલો બેસાડ્યો, પછી પોતે બેઠી અને ડૉકટર પાસે મને લઈ ગઈ.
'જુઓને, ડૉકટરે સાહેબ ! આ લોહી હજી બંધ થતું નથી.' વીણાએ જાણે તેની જાતને જ વાગ્યું હોય ચિંતાગ્રસ્ત સાદથી કહ્યું.
'શું વાગ્યું ?... ડૉકટરે મારા હાથ ઉપરનું લોહી લૂછી પાટો બાંધતાં પૂછ્યું.
'ખબર નથી...ખુરશીની ચીમટી ભરાઈ હોય...' મેં કારણો શોધવા માંડ્યાં.
'ભમરી કરડે તો આવું લોહી ન નીકળે...કોઈ હિંસક પ્રાણીના નખ વાગ્યા લાગે છે.' ડોકું હલાવી પાટો બાંધતાં ગંભીરતાપૂર્વક ડૉકટર બોલ્યા. એમની ગંભીરતામાં આછી આંખચમક હતી.
'શું ડોકટર સાહેબ ! તમે પણ? સિનેમા જોઈને પાછા આવીએ છીએ ! કોઈ બિલાડીને મેં ઓછી જ પાસે બેસાડી હશે?' હસીને મેં કહ્યું.
વીણાના મુખ ઉપર પણ અત્યાર સુધી ન જોયેલું સ્મિત મેં નિહાળ્યું, અને શાનો ઘા વાગ્યો હશે એનો નિર્ણય કરવાનું ગંભીર ડૉકટર ઉપર છોડી અમે ઘેર આવી ગયાં.
વીણાએ ઘડીઘડી રાતમાં મારી ખબર રાખ્યા કરી. હવે લોહી બંધ થયું કે નહિ? ચરચરાટ ઘટ્યો કે કેમ? હાથે ઠંડક વળી કે નહિં ? મને ઊંઘ આવશે કે કેમ ? એવા એવા પ્રશ્નોમાં એણે અનિદિત રાત ગુજારી – જોકે મને તો બહુ જ સારી ઊંધ આવી.
બીજે દિવસે ચા પીતાં પીતાં મેં વીણાને પૂછ્યું : 'વીણા ! કાલે આપણે શી બાબતનો ઝઘડો હતો?'
'તને યાદ હોય તો તું જાણે ! મને તો કાંઈ જ યાદ નથી.' વીણાએ કહ્યું. 'પણ આપણે છૂટાછેડા સુધી પહોંચી ગયાં એ ઝઘડો ગંભીર તો હશે જ ને ? મને યાદ નથી આવતું કે કઈ બાબતમાં આપણો વિરોધ...'
'ચૂંટી ફરી ખાવી છે? જો ઝઘડાની કે છૂટાછેડાની વાત પણ હવે કરી છે તો યાદ રાખજે !' વીણાએ મને ધમકાવ્યો, અને ચૂંટીની બીક બતાવી એ જુદું !
'તારે શરણે છું ! હવે કાંઈ?' કહી મેં મારા બન્ને હાથ ઊભા કર્યા, અને વીણાની આંખમાંથી આંસુની ધારા વહી રહી !
'અરે ! અરે ! મેં તને આટલું બધું વગાડ્યું ?' કહી રડતાં રડતાં વીણાએ ફરીથી મારા હાથ ઉપર પાટો બાંધ્યો.
મેં વીણાનાં આંસુ ચૂમી લીધાં એમ આ ગાંધીયુગમાં બોલાય ખરું?