એ કવિ વિજાપુરનો ભાટ હતો. સંવત ૧૮૯૫માં હયાત હતો. તેના ભાઈઓ હાલ વિજાપુરમાં છે. તેણે ગુજરાતી ભાષામાં જુદા જુદા રાગનાં પદ સારાં કરેલાં છે. તોપણ તે બીજા વર્ગમાં ગણવા લાયક છે. તે કવિ રામનો ઉપાસક હતો. એવું તેની કવિતા ઊપરથી જણાય છે. ભાટ અને ચારણ એ લોકો અસલથી કવિતા કહેવાનો ધંધો કરતા આવ્યા છે. તોપણ પ્રીતમદાસ સિવાય કોઈ બીજો ભાટ અને બ્રહ્માનંદ સિવાય બીજો ચારણ પેહેલા વર્ગના ગુજરાતી ભાષાના કવિયોમાં ગણીએ તેવો થએલો જણાતો નથી.
દિલીમાં પૃથીરાજ આગળ ચંદ બારોટ ભાટ હતો. તથા માળવામાં ભોજ આગળ વૈતાળ ભાટ હતો, તેઓએ હિંદુસ્તાની ભાષામાં કવિતા સારી રચેલી છે, એવું કહેવાય છે તેમાં ચંદનો રચેલો પૃથીરાજ રાસો પ્રખ્યાત છે. મારવાડમાં નરહરદાસ નામના ભાટનો રચેલો અવતાર ચરિત્ર નામનો ગ્રંથ ઘણો વખાણવા લાયક હિંદુસ્તાની ભાષામાં છે અને વઢવાણના પિંગળશી ગઢવી નામના ચારણે હિંદુસ્તાની ભાષામાં વૈકુંઠપિંગળ સારૂ રચેલું છે. તથા પ્રવીણસાગરમાં પણ કેટલીએક કવિતા તેની રચેલી છે. બીજા ચારણો મારવાડીને મળતી ચારણી ભાષામાં સપાખરૂં, જાંગડું, રેઢીડું વગેરે ગીતોની કવિતા રચે છે. ભૂખણ નામના ભાટે શાહુરાજાની તારીફનાં બાવન કવિત હિંદુસ્તાની ભાષામાં ઘણાં સારાં રચેલાં જોવામાં આવ્યાં છે, તેથી જણાય છે કે તેણે બીજા ગ્રંથો પણ રચેલા હશે, શાહુરાજાએ તેને બાવન હાથી તથા બાવન ગામ આપ્યાં હતાં એવું કહેવાય છે. તેના વંશના હાલ મારવાડમાં છે.
ઊપર લખેલી વાતો લખવાનું કારણ એ છે કે, એ ઊપરથી વાંચનારાઓના જાણવામાં આવશે, કે ગુજરાતી ભાષામાં મુખ્ય કવિયો તો ઘણું કરીને બ્રાહ્મણો થયા છે. અને કવિતા કરનારા કોઈ એક જાતના થયા હોય એવું પણ નથી. જેમ દરજીનો દીકરો દરજી થાય છે; એમ કવિનો દીકરો કવિ જ થાય એવો કોઈ નિયમ નથી.