એ કવિ અમદાવાદનો ભટમેવાડો બ્રાહ્મણ સંવત ૧૮૯૫માં હયાત હતો. તેણે રૂકમણી હરણ તથા જુદા જુદા રાગનાં પદ ગરબીઓ વગેરે રચેલાં છે. તેની કવિતા જોતાં તે બીજાં વર્ગમાં ગણવા લાયક છે. તેણે અમદાવાદમાં મંદિર બાંધીને પંથ ચલાવેલો છે. અને તે કૃષ્ણની મૂર્તિને માનતો હતો. પણ ઘણાં વિષયી પદ તેણે રચેલાં નથી. તથા તેવી કવિતા બીજાની કરેલી પણ તેને ગમતી નહીં. તે કવિ દક્ષિણમાં કેટલાંક વર્ષ સુધી રહેલો હોય એવું જણાય છે. રામદાસી કથા રોજ પોતાના મંદિરમાં કરતો હતો. હાલ તેના શિષ્ય નારાયણ મહારાજ નામે છે. તે પણ કૃષ્ણરામ મહારાજની ચાલ પ્રમાણે ભજનકીરતન રોજ કરે છે, અને કૃષ્ણારામનાં જ રચેલાં પદ ગાય છે. કાવ્યદોહનમાં લખવા સારૂં તેની કવિતા થોડી ઘણી મુશ્કેલીથી અમને મળી કારણ કે તેની કવિતા અથવા તેનો ઈતિહાસ છપાવામાં તે લોકો રાજી નથી, એવા વેંહેમી છે. કૃષ્ણારામ મહારાજના કેટલાએક વિચાર વખાણવા લાયક છે. તેની ચાલચલગત પણ સારી હતી. એમના સેવકો અમદાવાદમાં ૫૦૦ ઊપર છે. તેમાં સ્ત્રીઓ વિશેષ છે. સતાર, મૃદંગ, અને મંજીરા વગેરે બજાવીને ઉભા ઉભા અથવા ફરીને કીરતન કરવાનો એનો ચાલ હતો. તેનું ભાષણ મીઠાશ ભરેલું અને ઘણીવાર સુધી ચાલતું હતું. તેને સંસ્કૃતનો પણ થોડો ઘણો અભ્યાસ હતો.