એ કવિ ચાતુરવેદી મોટબ્રાહ્મણ, પેટલાદ પરગણાના પીજગામનો હતો. અમદાવાદ પાસે ગોમતીપુરમાં આવીને રહ્યો હતો. તેનો દીકરો હજી ગોમતીપુરમાં છે. નરભેરામ છોટાલાલજી મહારાજનો શિષ્ય હતો. તેણે કેટલીએક કવિતામાં છોટાલાલજીનું નામ પ્રસિદ્ધ કર્યું છે. તે ઘણું કરીને પુનમે પુનમે ડાકોરની જાત્રાએ જતો હતો. તેણે નરસિંહ મેહેતાના દીકરાનો વિવાહ, બોડાણાની મુછનાં પદ, સુરતી વિવાહ, છુટક પદ, ગરબીઓ, છપા વગેરે રચેલા છે. તે કવિ બીજો વર્ગમાં ગણવા લાયક છે. સંવત ૧૯૦૮માં તે હયાત હતો. તે જ્યારે દ્વારિકાની જાત્રાએ ગયો હતો, અને છાપ આપનારે પૈસા માગ્યા, ત્યારે તેણે નવાં પદ રચીને સંભળાવ્યાં, પણ પૈસા આપ્યા નહીં. તે પદ રમુજી છે તથા ડાકોરના રસ્તામાં કોળી લોકોએ તેને લુટ્યો હતો તેનું ધોળ તેણે રચેલું છે તે પણ રમુજી છે. પોતાની મરણતિથિનું પદ તેણે રચેલું છે.
એ કવિ ઝાઝો વિદ્વાન નહોતો, અને સંસ્કૃતનો કાંઈ પણ અભ્યાસ તેણે કરેલો નહીં, તેથી તેની કવિતા સાફ ગુજરાતી ભાષાની છે. કવિતાના ગ્રંથ ભણેલો નહીં તેથી કવિતામાં ચૂકો છે અને રસ અલંકાર પણ તેની કવિતામાં ઝાઝા નથી. તેની અવસ્થા ગરીબ હતી. અને તેની કવિતાથી લોકો રંજન થતા હતા. કોઈ ઠેકાણેથી તેને ઉઘરાણુ કરી આપતા હતા. ભિક્ષાવૃત્તિ કરવાથી તે દિલગીર હતો. માટે તેણે છપામાં લખેલું છે કે, બીજા લોકો બ્રાહ્મણનો અવતાર ઉત્તમ ગણે છે, પણ મારે મન બ્રાહ્મણનો અવતાર બહુ ખોટો છે. કારણ કે ભીખ માગવી પડે છે. ભીખ વિના બીજો ધંધો મને સુજતો નથી. ઈશ્વર ઊપર તેની નિષ્ટા સારી હતી. તેની ઘણી કવિતા ઉપદેશ વિષેની છે. બીજી બાબતો ઊપર થોડી છે.