જાગ પ્યારા ! રંગનો સંદેશ લઇ આવી સવાર,
બે ઘડી માટે ફનાની કુંજ પર છાઇ બહાર;
ભર કસુંબલ રંગની તું યે બિલોરી જામમાં,
જોતજોતામાં ઊડી જાશે આ જીવનનું તુષાર.
*
હર પ્રભાતે ચેતવે છે કુર્કટો કેરી પુકાર,
જો ઊષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન ! કે એક રાત ઓછી થઇ ગઇ,
આયખું એમ જ ઘટી જાશે, કદી કીધો વિચાર ?
*
ધાર કે સંસારનો છે દોર સૌ તુજ હાથમાં,
ધાર કે તું વ્યોમને ભીડી શકે છે બાથમાં;
ધાર કે સોંપ્યા કુબેરોએ તને ભંડાર પણ,
આવશે કિંતુ કશું ના આખરે સંગાથમાં.
*
શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઇ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
*
હોય તુજ આયુ સદી કે બે સદી અથવા હજાર !
એક દિવસ તો જવું પડશે તજી સૌ કારભાર;
તું ભિખારી હો કે રાજા, ફેર કૈં પડશે નહીં,
અંતમાં તો બેઉનો સરખો જ બોલાશે બજાર.
ઉમર ખૈયામ ( શૂન્ય પાલનપુરી )