સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે,
ધુમ્મસ છે એને ઢાંકવાની ક્યાં જરૂર છે.
કૈં એમ તારાથી રહ્યો છું હું નજીક ખુદા,
જાણે તું મારાથી ઘણોયે દૂર દૂર છે.
ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને,
અંદર છે એવું કોણ જે કડિયો, મજુર છે.
દરિયાનાં મોજાં એમ કદી ઉછળે નહીં,
ભરતી, નદીના જીવનું ધસમસતું પૂર છે.
લોકો નશાનું નામ એને આપતા રહ્યા,
તમને મળી લીધાનું જ આંખોમાં નૂર છે.