મદહોશ જવાનીમાં રંગ હોય કે નહીં!
દીપકની ચોતરફ પતંગ હોય કે નહીં!
સૌંદર્યને શું અંગભંગ હોય કે નહીં!
નવલા ઉમંગને તરંગ હોય કે નહીં!
જીવલેણ દંશ દઈ શકે છે જે હ્રદય ઉપર,
એ શ્યામ નેણમાં ભુજંગ હોય કે નહીં!
ઉપચાર થાય એમ દર્દ ઉગ્રતા ધરે,
એવાય પ્રણયમાં પ્રસંગ હોય કે નહીં!
જે શબ્દની મીઠાશ કાર્ય ઝેરનું કરે,
એ શબ્દમાં અસહ્ય વ્યંગ હોય કે નહીં!
જેવી પડે છે થાપ નયનની હ્રદય ઉપર,
એવો જ દે ધ્વનિ, મૃદંગ હોય કે નહીં!
આ દિલ નથી ભૂલું પડ્યું અજાણ પંથમાં,
એ વાત જાણનાર દંગ હોય કે નહીં!
સાંનિધ્ય સાંપડે ઘડીક તાજગીભર્યું,
’ડાયર’ને એટલો ઉમંગ હોય કે નહીં!