સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના, સાચો અદલ તો એ જ કે એને સજા મળે.
કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ, એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.
રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર, સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.
3
પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની.
અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબર ચીરાઇ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની.
ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબનપર કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની.
તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.
સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યોની લૂંટો ચાલે છે: ફૂલો તો બિચારા શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની
4
કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે
નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં
વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે
કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે
જુદાઈમાં અમોને કાળની પંચાત ખટકે છે
સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા
અમોને પણ મારા દેહની ઓકાત ખટકે છે
વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.
કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ?
અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે
5
દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક
ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક
હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક
તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક
ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં
6
એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર દંગ થઈ જાયે જગત એવું કરું સર્જન ધરાર