[૧]સાકર વહેંચો !
ખોટાં, ત્રાજવા છાપ કાવડિયાં, ઘસાઈ ગયેલા લીસા ઢબ્બુઓ અને નીકલની ચોરસી બે આનીઓ વગેરેને લોઢાની ચૂંક વડે ઠબકારેલ તોતિંગ ઉંબરાને ત્રણ વખત પગે લાગી, સિક્કાસ્પર્શ પામેલાં આંગળાને આંખે અને માથે અડાડીને આભાશાએ પેઢીમાં પગ મૂક્યો. મોટા મુનીમ ચતરભજથી માંડીને દુકાનમાં સવારસાંજ સંજવારી કાઢનાર ધમલા સુધીના વાણોતરો સાબદા થઈ ગયા, સદાય પ્રફુલ્લિત રહેતા આભાશાના મોં તરફ સૌએ આંખો ઠેરવી તો ત્યાં એક જાતની મીઠી વ્યગ્રતા જોવામાં આવી. ઉધારવહીમાંથી ખાતાવાહીમાં ખતવણી કરનારાઓએ પણ કલમને માથામાં લૂછીને ઘડી વાર આભાશાના ચહેરા તરફ જોયા કર્યું અને પોતાની સીધીસાદી સમજની સહાયથી ઘટાવ્યું કે આજે કોઈ ભારે મોટી રકમની હૂંડી સ્વીકારવાની આવી લાગે છે.
આકોલિયા રૂના પોલથી ભરેલી ધોળી બાસ્તા જેવી ધડકીઓ ઉપર ચડતાં પહેલાં આભાશાએ તિજોરીવાળા કબાટ ઉપર ટિંગાતી ગૌતમસ્વામીની છબી તરફ નજર કરી લીધી અને દૂર ઊભે ઊભે જ બન્ને હાથ દાઢી સુધી ઊંચા કરીને વંદના કરી.
ધોળી ચામડીવાળો સિંહ આડો થઈને સૂતો હોય એવા દેખાતા લાંબા મખુદાને અઢેલીને આભાશા ગાદી ઉપર બેઠા. રાબેતા મુજબ ધમલો આવીને પડખે ઊભો રહ્યો એટલે તેમણે માથેથી જાણે કે ચોંટી ગયેલી આંટિયાળી પાઘડીને આંટા ઉખેડી અને ધમલાના હાથમાં મૂકી. ધમલો એ લઈને હળવે પગલે અલમારી પાસે મૂકી આવ્યો.
માથા પરથી પાઘડીનું આવરણ દૂર થતાં આભાશાનું તગ તગ થતું ટાલવાળું તાલકું પ્રકાશી રહ્યું. કપાળ ઉપરથી પહોળાતું અને પાછળની ટાલ તરફ ઢોળાવમાં ધીમે ધીમે સંકોચાતું એ ડાલામથ્થું વાણિજ્ય અને શરાફીની સિદ્ધિઓના સમન્વયનો જાણે કે ઇતિહાસ ઉચ્ચારતું હતું. એ કપાળની વિશાળતામાં અને આંખોની અણીઓમાં વારસાગત વ્યાપારી હૈયા–ઉકલત અને વણિકશાહી કુનેહ વરતાતી હતી.
ચતરભજના ઇસ્કોતરા ઉપર ગામપરગામોની જુદા જુદા કદની જુદી જુદી લિપિઓમાં લખાયેલી હુંડીઓની થપ્પી થઈ ગયેલી જોઈને આભાશાને યાદ આવ્યું કે આજે હું પેઢીએ મોડો આવ્યો છું, અને મોડો થવાનું કારણ યાદ આવતાં જ તેમણે ધમલાને હુકમ કર્યો :
'ધમલા, જા, તું ઘેરે જઈને ઓશરીને ઓટે બેસ; ને સમાચાર આપે એટલે ઝટ આંહી કહેવા આવજે.'
શેઠના આ શબ્દો જે જે વાણોતરો સમજી શક્યા તેમણે પોતપોતાની કલ્પનાશક્તિને સતેજ કરીને એકબીજા સામે મર્મસૂચક મિચકારા કરી લીધા.
ઉપલક ટાંચણમાંથી પાકી ઉધારવહીમાં નામું ઉધારતા એક મહેતાજીએ તો હળવેથી પોતાના જોડીદારને કહ્યું પણ ખરું : ‘એલા, સાકર–ટોપરાંનો જોગ થાય એમ લાગે છે !’
વળતી ટીકા આવી : ‘બસ ? સાકર–ટોપરે જ પતાવશે, એમ ? સાકર–ટોપરાં તો ખારચિયે હડમાનેથીય જડે છે…’
‘ના, ના, તું તો કહીશ કે મને પાઘડી બંધાવો… નસીબદારનો દીકરો ન જોયો હોય તો !’
‘પણ પાઘડી બંધાવે તોય ક્યાં દૂબળે ઘેર વિવા છે ? ખમતીધર છે. શેર માટીથી શું વધારે છે ગાડાંમોઢે વ્યાજ ઉપજી રિયું છે ઈ ઈસ્કામત શેર માટી વિના શું કામની છે? વ્યાજનો વારસો સોંપવા સારુંય કોક જોશે તો ખરું ને?'
આભાશા અને મુનીમ ચતરભજ વચ્ચેની વાતચીતમાંથી ત્રુટક ત્રુટક શબ્દો સંભળાતા હતા :
'નામજોગી ત્રણ... આઠસેંની.'
'નિશાનજોગી એક, રૂપિયા હજારની.'
'ધણીજોગ છ... પચ્ચા પચ્ચાના કટકા....'
'શાહજોગી એક રૂપિયા સત્તાવીસેંની.'
'જત અતરેથી રાખ્યા રૂપિયા છ હજાર તે ત્રણ હજારના બમણા... લખી મિતિથી બાર મહિને તમને શાહજોગ આપવા છે...'
'લખિતંગ શાહ, આભા દેવશીના જય જિનેંદર...'
હૂંડીઓનું કામકાજ પત્યા પછી ચતરભજે ગીરોખતનો ચોપડો હાથમાં લીધો; પણ આડે દિવસે વેપારમાં ગળાબૂડ તલ્લીન થનારા આભાશાનું દિલ આજે વેપારની કે વ્યાજની કોઈ વાતમાં પરોવાતું નહોતું. મુનીમ પોતાની મેળે જુદા જુદા કળનાં નામ અને ગીરોના પ્રકાર વગેરે વાંચી જતા હતા તેમાંથી 'જામીનખત', 'કાટકબાલા', 'ઝરપેશગી,' 'આંગઉધાર' વગેરે વગેરે શબ્દોને આભાશા યંત્રવત્ હા–હોંકારો ભણ્યે જતા હતા.
મુનીમે પોતાની આદત વિરુદ્ધ જઈને પણ ચોપડામાંથી જરા ઊંચી નજર કરીને રસ્તા ઉપર જોયું. અને બોલી ઉઠ્યો :
'ધમલો ધોડતો આવે છે !'
આભાશાની છાતીમાં થડકારા વધી ગયા.
ધમલો હાંફતે શ્વાસે બારણામાં આવીને ઊભો રહ્યો. શુભ સમાચાર કયા શબ્દોમાં રજૂ કરવા એની ગડમથલ અનુભવતો હોય એમ એના હોઠ ઊઘડી ઊઘડીને પાછાં બિડાઈ ગયા.
આભાશાએ જ ધમલાની અસ્વસ્થતા ઓછી કરી : 'એલા, શું સમાચાર મોકલ્યા છે?'
ધમલો. મૂંગો રહ્યો.
'એલા, ઘેરેથી શું કે'વરાવ્યું છે? ઝટ બોલ્યને !' આભાશાથી આ વિલંબ નહોતો ખમાતો.
ધમલાને મૂંગો જોઈને મુનીમે, પોતાની ફરજની રૂએ એને ઠપકો આપ્યો :
'એલા, મોંમાં મરી ભર્યા છે, બોલતો નથી તી કે પછી જીભ ગીરો મેલીને આંઈ આવ્યો છે ?'
અર્ધો અર્ધો થઈને ધમલો બોલ્યો : 'ઘેરેથી કે'વરાવ્યું છે... કે સાકર વેંચજો.. છૂટાછેડા થઈ ગ્યા છે.'
'એલા પણ કાંઈ નામ-પગ ખરું કે પછી એમ ને એમ જ સાકર વેંચવી ?' આભાશા જરા ગુસ્સે પણ થયા : 'માળો આ ધમલો તો પૂરી વાત કરતાં જ કોઈ દી ન શીખ્યો...'
મુનીમ ફરી શેઠની મદદે આવ્યો : 'એલા ધમલા, શેઠ એમ પૂછે છે કે શેઠાણીને દીકરો આવ્યો કે દીકરી ?'
'અરે હા, ઈ તો હું તમને કે'તાં જ ભૂલી ગ્યો. અમરત ફઈબાએ કીધું કે કંદોરાબંધ દીકરો આવ્યો છે...'
'તારા મોઢામાં સાકર !' આભાશા બોલી ઊઠ્યા.
આખી પેઢીના વણોતરો આ સમાચાર સાંભળવા એક-કાન થઈ ગયા હતા. પુત્રજન્મની વધાઈ સાંભળીને તેમણે એકબીજા સામે ફરી આંખમિચકારા કરી લીધા. કેટલાકોએ તો શેઠ તરફથી મળનાર ખુશાલીની બોણીની રકમ ૫ણ કલ્પી લીધી.
પુત્રજન્મની ખુશાલીમાં આભાશા એટલા તો ગળાબૂડ હતા કે હવે ધમલાને શા શા વધારે પ્રશ્ન પૂછવા, અને એમાં કયો પ્રશ્ન પહેલા પૂછવો એ જ નહોતું. સૂઝતું. આ મીઠી અસ્વસ્થતા ટાળવા તેમણે પૂછવા ખાતર જ ધમલાને પૂછી નાખ્યું :
'એલા, ઘેરથી બીજુ કાંઈ કે'વરાવ્યું છે?' 'હા, કીધું છે કે છોકરો ભારે નમણો છે...'
આભાશાના મોં ઉપર શરમના શેરડા પડ્યા.
ધમલાએ ચાલુ રાખ્યું : '... ને એના વાંસામાં રૂપિયા જેવડું ગોળ, લીલું લાખું છું.'
'અરે વાહ!' આભાશાના મોંમાંથી ઉદ્ગાર નીકળી ગયો. મુનીમને ઉદ્દેશીને કહ્યું : 'ચતરભજ, યાદ છે ને અમદાવાદવાળા વૃજભૂખણ પારી શેઠના કપાળમાં લીલું લાખું હતું... '
'જી હા, લાખાવાળા લખપતિ થાય એમ કહેવત છે. વૃજભૂખણ પારી તો ક્રોડપતિ આસામી કે'વાય.’
આ સાંભળીને આભાશા ખડખડાટ હસી પડ્યા. બોલ્યા : 'એવી કહેવતમાં હું માનતો જ નથી. લાખું ન હોય તો પણ માણસ લખપતિ થઈ શકે છે. મારે આખે ડિલે જોઈ વળો, પણ તલ સિવાય બીજા એકેય ડાઘ હોય તો બતાવો ! એ તો બધી નસીબની બલિહારી છે !'
રણકતા કલદારની નક્કર ગણતરીઓથી ટેવાયેલા આભાશાને , સામાન્યતઃ ઉર્મિલ બની જવાની આદત જ નહોતી. તેથી જ અત્યારે પુત્રને ડિલે લાખું હોવાથી એ લાખોપતિ થશે એવા મીઠા મનગમતા સૂચનથી પણ તેઓ જરાય ઉત્તેજાયા ન હોય એવો દેખાવ કર્યો. કોઈ દેણદાર એનાં ઘર-ઘરેણાં ગીરે મૂકવા આવ્યો હોય અને મુદ્દામાલનાં ભભકભર્યા છતાં સાચાં વર્ણન આપીને મૂળ વસ્તુની મોંઘી કિંમત આભાશાના મન ઉપર ઠસાવવા મથતો હોય, ત્યારે પણ આભાશા જરાય ઉત્તેજાયા વિના મોં ઉપર આવો જ સમકીત ભાવ ધારણ કરતા. હૈયાની વાત સહેલાઈથી હોઠે લાવવાની તેમને ટેવ જ નહોતી. રખેને મોંઘી કિંમતથી અંજાઈ જાઉં, ને સામો માણસ ગીરો પેટે વધારે રકમ માગે અથવા ઓછું વ્યાજ આપે તો? અત્યારે મુનીમે જ્યારે પુત્રના લખપતિ થવાની આગાહી કરી ત્યારે પણ આભાશા કાંઈક અજાણપણે અનુભવી રહ્યા કે જો હું હા ભણીશ તો મુનીમ સાથે આ 'સોદો' સીધો નહિ ઊતરે !
'ઠીક લે, ચતરભજ,' તેમણે મુનીમને ઉદ્દેશીને કહ્યું: 'હું હવે ઘર આગળ થાતો આવું – કાંઈ કામકાજ હોય તો પૂછતો આવું...' આભાશા ઊભા થઈ ગયા. તેમને ઓચિંતી જ એક અતિ અગત્યની વાત યાદ આવી હતી. બાળકને જમણે હાથને કાંડે એક મંતરેલ દોરો બાંધવા અંગે, પોતે ઘેરથી નીકળ્યા ત્યારે મોટીબહેન અમરતને ખાસ સૂચના અને સમજૂતી આપવાનું ભૂલી ગયા હતા. હજી પોતે બહુ મોડા ન પડે એટલા માટે તેમણે પગમાં પગરખાં ઘાલવાનું પણ માંડી વાળ્યું અને સીધી ઘર તરફ દોટ મૂકી.
પેઢીના સૌ વાણોતરો નવા જન્મેલા લખપતિ બાળા-શેઠ માટે ઉધાડે પગે દોટ મૂકીને દોડતા આ મોટા શેઠની પીઠ પાછળ સાનંદાશ્ચર્ય જોઈ રહ્યા.