[૨૦]
તોલા અફીણનું ખર્ચ
આભાશાને આમેય વાર્ધક્યનાં ચિહ્નો તો દેખાવા માંડ્યાં જ હતાં; પણ માનવંતી અને નંદન વચ્ચે જે હૈયાહોળી સળગી એણે એ વાર્ધક્યને બહુ વહેલું લાવી મૂક્યું.
રિખવના મૃત્યુએ આભાશાના સ્વાસ્થ્ય ઉપર એક ઘા તો કર્યો જ હતો, પણ એ ઘા જેટલો દુઃખકર બન્યો હતો એથીય અનેકગણા વધારે દુ:ખકર ઘા તો રોજ ઊઠીને નવી–જૂની પત્નીઓ વચ્ચે થતા કલહથી એમને અનુભવવા પડતા હતા. આવી સ્થિતિમાં પોતે હવે પુત્રહીન જ રહેશે એ હકીકતની પ્રતીતિએ એમને હતાશ કરી મૂક્યા હતા. પેઢીની મબલખ મોઢે પથરાયેલી સ્થાવર તેમ જ જંગમ મિલકતની કશીક વ્યવસ્થા કરવાની ચિંતા તો એમને અહોનિશ પજવતી જ હતી. એ ચિંતામાં જરીકે ઘટાડો થવો તો દૂર રહ્યો, પણ હમણાં હમણાંના અમરતના વર્તને એમાં ઉમેરો કર્યો હતો. બધી જ લાગણીઓને ઘડીભર વિસારીને અમરત પોતાના દલુને આ માલમિલકતનો વારસ બનાવવા મથી રહી હતી. અને એ નેમ સિદ્ધ કરવા માટે એ સારાનરસા હરેક ઉપાય યોજી રહી હતી. ચારે બાજુ ચિંતાઓથી ઘેરાયેલાં, દિલના ભાંગેલા આભાશા શરીરે પણ ભાંગી જઈને ખાટલાવશ બની રહ્યા.
સુલેખાને આ કુટુંબની લખલૂટ મિલકતમાં એક દોકડોય હાથ કરવાની દાનત નથી એટલું જ નહિ પણ એના ભવ્ય જીવને આવી ભૌતિક સ્પૃહા જરા સરખી પણ સ્પર્શી શકતી નથી, એ વાતની પ્રતીતિ અમરતના શંકાશીલ માનસમાં બહુ મોડી મોડી થઈ શકી; અને એ પ્રતીતિ થઈ ત્યારે તો એટલું મોડું થઈ ગયું હતું કે માનવંતીએ ગૂંચવેલું આભાશાના કુટુંબનું કોકડું ઉકેલાવું અશક્ય થઈ પડ્યું, સુલેખા પોતાના ભાઈ કે ભત્રીજા કોઈને પોતાને ખોળે બેસાડવા નહોતી જ માગતી એની ખાતરી થતાં અમરત એક જાતની ભોંઠપ અનુભવી રહી. અને એ ભોંઠપના વિચિત્ર પ્રત્યાઘાત રૂપે એ એવું ઇચ્છી રહી કે સુલેખાએ લશ્કરી શેઠના કોઈ બાળકને ખોળે લીધો હોત તો ઘણું સારું થાત ! પણ એ તો, સુલેખાની વીતરાગી પ્રકૃતિને લીધે અશક્ય લાગતાં એનો, અંતિમ પ્રત્યાઘાત એ થયો કે મારો દલુ જ આ ઘરનો સાચો અને યોગ્ય વારસ છે.
રિખવના મૃત્યુ પછી ઓધિયાની સંગત ઓછી થતાં દલુની આબરૂમાં જરા સુધારો થવા પામ્યો હતો, અને એ કારણે કોઈ રડ્યાંખડ્યાં ઘરની કન્યાનાં માગાં પણ દલુ માટે આવવા લાગ્યાં હતાં. પરિસ્થિતિના આ પલટા પાછળ પણ આ નિર્વંશ કુટુંબનો વારસો જતે દહાડે ભાણેજ દલુને મળશે એ શક્યતા જ ભાગ ભજવી રહી હતી એ વાત અમરત જાણતી હતી. માત્ર એ શક્યતા સિદ્ધ થવામાં હજી થોડી વાર લાગશે એમ એ સમજતી હતી. એ સિદ્ધિ જો વહેલી પાર પડે તો દલુની પાછળ વાછડા–વાછડીનાં લીલ પરણાવવા ન પડે એમ અમરત ઇચ્છતી હતી. અને અમુક ઈચ્છા ઉદ્ભવ્યા પછી એને અમલી સ્વરૂપ આપવા માટે તરતોતરત કરવાઈઓ આદરવામાં તો અમરતે પૂછવું પડે કદી ?
એક દિવસ અમરતને દલુને અસૂરો ચતરભજને ઘેર મોકલીને તેને કહેવડાવ્યું કે તાકીદનું કામ હોવાથી હમણાં ને હમણાં આવી જાય.
ચતરભજને જરા નવાઈ લાગી કેમ કે અમરત તરફથી આવતાં આવાં અસૂરાં તેડાંને એ ટેવાયેલો નહોતો અસૂર–સવારે ધમલો અમરતની ચિઠ્ઠી લાવીને ઊભો રહે એટલે ચતરભજે ખડે પગે અમરતની સેવામાં હાજર થવું જ પડતું. પણ એ રીતરસમોને તો આજ વર્ષો વીતી ગયાં હતાં. એ તો અમરતની જુવાનીના દિવસોની વાતો. છતાં અત્યારે દલુની હાજરીમાં એ મીઠાં સ્મરણો તાજાં થતાં ચતરભજ આજે પણ એક મુગ્ધાને છાજે એવી શરમ સાથે રોમાંચ અનુભવી રહ્યો.
શેઠના ઘરનાં તેડાં આવે ત્યારે આ મુનીમને ઉઘાડે પગે દોડવાની આદત હતી, એ આદતને વફાદાર રહીને આજે પણ ચતરભજ ઉઘાડે પગે નીકળી પડ્યો.
‘એલા ચતરભજ, તું તો કાંઈ બહુ મોંઘો થ્યો છ હમણાં ?’ અમરતે પોતાના બાલમિત્રને તુંકારમાં આવકાર્યો.
‘રાણીઓના રાજમાં હવે અમારી ભાયડાઓની શી જરૂર રહી છે !’ ચતરભજે એક જ વાક્યમાં આભાશાના કુટુંબની વણસેલી સ્થિતિનો ખ્યાલ આપી દીધો.
‘રાજા તો જનમધરનો નેમાલો જ છે; પણ તારા જેવા પ્રધાનેય નમાલા નીકળ્યા ત્યારે રાણીઓ ફાવી ગઈ ને ?’ અમરતે ચત૨ભજના અહમ્ને ચેતાવવા માંડ્યો.
‘પ્રધાન તો ભૂખેય નમાલો નથી. ભલભલાને ભૂ પાઈ દીધાં છે, ઈ તો તમે ક્યાં નથી જાણતાં? રાજમાં જરાક મીઠાની તાણ્ય રહી ગઈ છે, એટલે જ આ ચોટલાવાળીઓ એની છાતી ઉપર ચડી બેઠી છે ને ?’
‘રાજામાં કદાચ મીઠાની ખેંચ હોય તોપણ પ્રધાનમાં તો મીઠું સારીપઠ ભર્યું છે કે નહિ ? પ્રધાન કાં આમ સાવ બાઈમાલી થઈને બેઠો રિયો છે ?’
ચતરભજે એક આંખ ઝીણી કરી, મૂછના ઊડતા થોભિયાને બે હોઠ વચ્ચે ભીંસટમાં લીધું અને બોલ્યો : ‘પ્રધાનને પડખું જોઈએ એવું નથી જડતું, એટલે એ લાચાર થઈને બેઠો રિયો છે.… એકલે હાથે તાળી થોડી પડે છે ?’
‘એલા તને પડખું નથી એમ ખોટું શા માટે બોલે છે ?’ અમરતે મર્મમાં પૂછ્યું.
‘એ તો હતું તે દી હતું. હવે નહિ.’ ચતરભજે હસતાં હસતાં કહ્યું.
‘ખોટું બોલ મા. હજીય હું તારી પડખે જ છું. હું તારી પડખે ન હોત તો તો મોટાભાઈએ કે’દાડાનું તને પાણીચું પરખાવી દીધું હોત એ ખબર છે ? વ્યાજવટાવમાં તારી રાડ્ય ઓછી નથી. રોજ ઘેરોએક ઘરાક મોટાભાઈ પાસે તારા નામનાં છાજિયાં લેતાં આવે છે. પણ મારે લીધે તું ટકી રિયો છો !’
‘એ હું ક્યાં નથી જાણતો ?’ ચતરભજે ઓશિયાળે ભાવે કહ્યું.
‘જાણે છે તો પછી આટલો બધો નગૂણો કાં થા ?’
‘હું તો તમારી સેવામાં જ છું. તમારું ચીંધ્યું એકેય કામ ન કર્યું હોય તો કહો, આભાશાના મારા ઉપરના ઉપકાર તો ભવોભવ યાદ રહેશે.’
‘ઠાલો મારે મોઢેં રૂડું મનવ મા. ઉપકાર યાદ હોય તો તો આ અમરતનો કોક દીય ભાવ પૂછ્યો હોત.’
‘કાંઈ ભૂલ થઈ હોય તો…’
‘હવે ભૂલ ગઈ જાનમમાં’ અમરતે છણકો કરીને કહ્યું : ‘આ તારા દલિયાનું તને જરાય પેટમાં બળે છે ?’
‘મારો દલિયો ?’ ચતરભજે દાઝતાં પૂછી નાખ્યું.
‘હા, હા, હા, એક વાર નહિ પણ સાત વાર તારો દલિયો ! લે, હવે કહેવું છે કાંઈ ?’
‘તમે શું બોલી રહ્યાં છો એ જાણો છો ? દલુને તમે…’
‘હા, હા. હું જાણું છું — બધુંય જાણું છું. ને તું પણ ક્યાં નથી જાણતો ? દલુ તારો દીકરો નહિ તો કોનો ?…’
‘પણ અટાણે એ બધુંય ઉખેડવાની કાંઈ જરૂર ખરી ?’
‘તું હાથે કરીને બધું ઉખેડાવે છે. દલિયાથી તું સાવ અજાણ્યો જ થઈને ફરે છે એટલે આટલું બોલવું પડ્યું.’ અમરતે કહ્યું.
‘દલુને તો હું ઓધિયા કરતાંય અદકો ગણું છું.’
‘તે એમાં કાંઈ ઉપકાર થોડો કર છ ? ભાઈની ભલાઈએ એને અદકો ગણતો હો તો વળી જુદી વાત. આ તો અદકો છે, ને અદકો ગણે એમાં શી નવાઈ ?’
‘હવે હાંઉં કરો હાંઉં ?’ ચતરભજે હસી પડતાં મીઠો ઠપતો આપ્યો : ‘હવે આવી વાતો ન શોભે. હું ને તમે બેય ગલઢાં થયાં ગણાઈએ. હવે તો ભગવાનનું નામ લ્યો….’
‘મારા ઉપર તો ભગવાનેય રૂઠ્યો લાગે છે.’
‘કેમ એવું બોલવું પડે છે ?’
‘એવું ન બોલું તો કેવું બોલું ? મારે તો છતે છોકરે વાંઝિયા જેવું છે. દલુની અડધી અવસ્થા થાશે તોય હજી એનું ઘર બંધાણું છે ? મામા મર લખપતિ છે, પણ ભાણેજને કોઈ દીકરી દેવા આવે છે ? સહુ કહે છે કે મામાની મિલકતમાંથી દલુ તો બટકું રોટલાનો જ ધણી. મામા લોકલાજે બહેન – ભાણેજનાં પેટ ભરે એટલું જ… અમે તો માગણ – ભિખારીની જેમ બટકું રોટલાના જ ધણી…’ અમરતની આંખમાં ઝળઝળિયાં ચમક્યાં.
‘તમારે એટલું બધું ઓછું લાવવાની જરૂર નથી. કાલે સવારે બધાં સારાં વાનાં થઈ રહેશે.’ ચતરભજે આશ્વાસન આપ્યું.
‘શું ધૂળ સારાં વાનાં થઈ રહેશે ? નવી ને જૂનીની ભોળવણીમાં ભાઈ તો ભોળવાઈ ગયા છે. ને ઓલી કાલ સવારે હાલી આવતી નંદુડી મોટી શેઠાણી થઈ પડી છે.’
હવે એ નખ જેવડી નંદુડીથી આટલાં ગભરાઈ શું કામ જાઓ છો ? એવી તો દસ નંદુડીને હું ભૂ પાઈ દઉં એવો છું.’
‘તો પછી કાંઈ કરતો કેમ નથી ? તને દલિયાનીય દયા નથી આવતી ?’
‘કરાય એમ તો ઘણું ય છે; પણ ભાઈ બેઠા છે ત્યાં લગણ…’
‘એલા, પણ ભાઈની તો હવે સાઠી બુદ્ધિ નાઠી છે. એનું તો હવે બીજું બાળપણ ગણાય. તારી પાસે કોઈ કારહો નથી ?’
‘કારહા તો એક કરતાં એકવીસ છે; પણ ભાઈના ખોળિયામાં શ્વાસ છે ત્યાં લગણ એમાંનો એક્કેય કારહો કામ આવે એમ નથી.’
‘હવે ભાઈ તો જીવતે મૂઆ જેવા જ ગણાય ને ? ખાટલે પડ્યા ખોંખારો ખાવાનીય સોં નથી રહી. હમણાં હમણાં તો એટલા નખાઈ ગયા છે કે સામે ઊભેલ માણસનું મોઢું ઓળખવાનીય પૂરી શુધ નથી રહી. નંદુડીએ નભાઈએ કોણ જાણે કેવાંક કામણ કર્યાં છે !’
‘એ તમે ગમે તેમ કહો. એની નાડમાં હજી ધબકારા છે ત્યાં લગણ મારો એકેય નુસખો કામ નહિ આવે. જે દી એનું ખોળિયું ખાલી પડશે તે દીથી આખી પેઢીનો ધણીરણી આ ચતરભજ છે એમ સમજી લેજો. ને લખી રાખજો.’ ચતરભજના અવાજમાં ગર્વસૂચક રણકાર હતો.
‘એલા સાચું કહે છે ?’ અમરત ઉછળતી છાતીએ બોલી : ‘તું પણ જબરો છે હો ! આખી પેઢી હાથ કરી લે તો તો દલુનાં નસીબ ઊઘડી જાય હો !’
‘પણ એમ નસીબ ઊઘડવાં રેઢાં પડ્યાં છે ? આ બધુંય હથેળીનો ગોળ ન ગણાતા હો ! જીવનાં જોખમ ખેડવાં પડે એમ છે. પેઢીના એક પણ વાણોતરને શંકા જાય તો બાજી ઊંધી વળી જાય ને માથેથી ઢેઢ – ફજેતો થાય ઈ નફામાં.’
‘તું પણ જબરો છો હો ! અમરત હજી ચતરભજની પ્રશસ્તિમાંથી જ ઊંચી નહોતી આવતી.’
‘પણ મારું એકલાનું જબરાપણું કામ આવે એમ નથી ને ! બીજાનીય જરૂર પડે એમ છે.’
‘કોની જરૂર ? મારી ?’
'હા.'
‘હું એમાં શું કરી શકું ?’
‘તમે ધારો તો ઘણુંય કરી શકો એમ છો. આ બધી રામાયણ તમે જ ઊભી કરી છે ને ? તમે ધારો તો દલુને ઘડીના છઠ્ઠા ભાગમાં લખપતિ બનાવી શકો એમ છો.’
‘પણ હું શું કરું તો એમ થાય, એટલું તો કહે !’ અમરતે અર્ધી અર્ધી થઈને પૂછ્યું.
‘એમાં કાંઈ અઘરું નથી. ઝાઝું ખરચેય નથી. તોલો અફીણ વાપરશો તો બેડો પાર !’
‘હેં ?’ અમરતનો સાદ તરડાઈ ગયો.
‘હા, તોલો અફીણની જ જરૂર છે. દવા ગણીને પાઈ દિયો.’
‘એલા, પણ સગી બેનને હાથે જ ભાઈને…’
‘ભાઈનું બવ પેટમાં બળતું હોય તો રે'વા દિયો. મારે કાંઈ ગરજ નથી. હાથ હલાવ્યા વિના લાખુંની મિલકત એમ ક્યાં રેઢી પડી છે ?’
‘પણ સગા માના – જણ્યાને હું…’
‘તો પડ્યા રિયો ! તમારું ગજું નથી. ભલે દલિયો વાંઢો ને વાંઢો અવતાર પૂરો કરે…’
‘એમ તે હોય ? મારા દલુને વરાવી – પરણાવીને મારે તો એને પેઢીમાં ભાઈના તકિયા ઉપર બેઠેલો જોવો છે.’
‘એટલા સારુ થઈને તો ઉપાય બતાવું છું…’
‘સાચેસાચ ? ભાઈને ઘૂંટડો ગળાવી દઉં, તો સંધુંય દલુના હાથમાં આવી જાય ?’
‘હા.’
‘ને ઓલી ચોટલાવાળી જોગમાયાનું શું ?’ ‘એને તો હું રોટલા – લૂગડાની જીવાઈ હાથમાં પકડાવીને તગડી મેલું……’
‘ને સુલેખડી સળવળે તો ?’
‘હવે એ તો સાવ સાધુડી જેવી થઈ ગઈ છે. દી ને રાત હાથમાં રામસાગર લઈને ભજનિયાં લલકારવા આડે ઘર શું, દુનિયા લૂંટાઈ જાય તોય એને તમા નથી.’
‘પણ આવું કાળું કામ કરવા કરતાં દલુને ખોળે લેવાનું ભાઈને સમજાવીએ તો ?’ અમરતનું હૃદય ફરી પીગળી ગયું.
‘રામરામ ભજો ! નંદુડી બેઠી છે ત્યાં લગણ ઈ વાતમાં શું માલ છે ?’
‘ઈ નંદુડીએ જ નભાઈએ કામણ કર્યાં છે ને !’ અમરતે નિસાસો નાખ્યો.
‘એટલે તો કહું છું કે પોચાં થાવ માં, ને તોલા અફીણનું ખરચ કરી નાખો.’
‘ઠીક લે તંયે તારું કીધું કરીશ.’
‘જોજો, આ વાતની ગંધ્ય ક્યાંય જાય નહિ હો !’ ચતરભજે ઊઠતાં ઊઠતાં અમરતને સૂચના આપી.
‘આ અમરતને તેં હજી ઓળખી નથી ?!’ અમરતે અજબ છટાથી ગર્વભેર છણકો કર્યો.
એ છટાએ ચતરભજને અમરતની જુવાનીના દિવસોની યાદ તાજી કરાવી અને એ યાદની આહ્લાદકતા અનુભવતો એ પોતાના ઘર તરફ ઊપડ્યો.