[૭]
વિમલસૂરીની સલાહ
વ્યાખ્યાન હજી ચાલતું હતું ત્યારે જ આભાશાએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો એટલે સહુ શ્રાવકશ્રવિકાઓનું ધ્યાન આ નવા અને કાંઈક અંશે, પરગામના હોવાને કારણે અજાણ્યા આગંતુક તરફ ખેંચાયું. આભાશા તો, બહુ અશાતના થવા ન પામે એની સાવચેતી રાખીને શ્રોતાઓને છેવાડે જ ઝટપટ બેસી જવાનું કરતા હતા, પણ આગલી હરોળમાં બેઠેલા ગામના અગ્રગણ્ય શ્રાવકો આભાશાને ઓળખી ગયા તેથી તેમણે આગ્રહપૂર્વક એમને પોતાની પાસે બોલાવી લઈને બેસાડ્યા. બેસતાં પૂર્વે આભાશાએ વિમલસૂરીને ત્રણ વખત જે વંદના કરી તે દરમિયાન આચાર્યની જબરી અનિચ્છા છતાં આભાશા તરફ એમનું મોં આછો મલકાટ કરી ગયું; અને એ દૃશ્ય કેટલાક શ્રાવકશ્રાવિકાઓએ જોયું ત્યારે એ સહુને આચાર્યના આ દર્શનાર્થીની મીઠી અદેખાઈ આવી.
વ્યાખ્યાન પૂરું થયે શ્રોતાઓ ધીમે ધીમે વિખરાયા. સંઘના બેત્રણ મોવડીઓએ આવીને આભાશાને જમવાનું આમંત્રણ આપ્યું. આભાશાએ વિનયપૂર્વક એ નોતરાનો સ્વીકાર કર્યો પણ જણાવ્યું કે આચાર્યશ્રીનો શક્ય તેટલો વધારે સમાગમ થઈ શકે એ માટે હું અહીં જ રહીશ અને અહીં જ મને જમણ મોકલી આપો તો સારું.
ભાવિક શ્રાવકોએ આભાશાની ઇચ્છા પ્રમાણે જ એમની ખાતરબરદાસ્ત કરી. વિમલસૂરીએ પોતાની મેળે જ આભાશાને કહ્યું :
‘તમારા આગમનનું પ્રયોજન હું પામી ગયો છું.’
‘જ્ઞાની પુરુષો તો પામી જ જાય ને !’ આભાશાએ સહેજ શરમિંદા થઈને હસતાં હસતાં કહ્યું. આચાર્ય સાથેના લાંબા સમયના પરિચયને કારણે આવી મજાકની એમને છૂટ હતી.
‘આ પંચમકાળમાં કૈવલ્યજ્ઞાન તો કોઈને ઊપજતું નથી, છતાં થોડી હૈયાઉકલત તેમ જ સામાન્ય વ્યવહારબુદ્ધિથી કેટલાંક અનુમાનો સાચાં પડી શકે.’ વિમલસૂરીએ પણ આછું આછું સ્મિત વેરતાં કહ્યું અને પછી મોં ઉપર એકાએક ગાંભીર્ય લાવીને પૂછ્યું :
‘કહો, લશ્કરી શેઠની સુલેખા માટે જ પૂછવા આવ્યા છો કે ?’
નાનું બાળક ચોરી કરતાં પકડાઈ જાય અને જે રમ્ય ક્ષોભ અને મૂંઝવણ અનુભવે એવાં જ ક્ષોભ અને મૂંઝવણ અત્યારે આભાશા અનુભવી રહ્યા. બોલ્યા :
‘લશ્કરી શેઠ વિના તો આજે નાતમાં મારા મોભાનું બીજું છે કોણ ? અને સુલેખા સિવાય બીજી……’
‘એ વાત તો સાચી છે. લશ્કરી શેઠ જેવા ભદ્રિક જીવ મેં બીજા નથી દીઠા. અને સુલેખા પણ ભારે પુણ્યશાળી આત્મા હોય એમ એની જન્મકુંડળી ઉપરથી લાગે છે…’
‘ભગવાન, તો પછી આ૫ અનુમતિ શા માટે આપતા નથી ?’ આભાશાએ પૂછ્યું. એમ પૂછવા પાછળ બીજી એક ઉતાવળ એ હતી કે જીવણશાના નેમીદાસની વાત આગળ વધે એ પહેલાં જ સુલેખાને ઝડપી લેવી.
‘શેઠ, અમારું સાધુઓનું કામ સંસારમાં આટલો બધો રસ લેવાનું નથી. જ્યોતિષની પણ એક વિદ્યા પૂરતી જ ઉપાસના ઈષ્ટ છે. દુન્યવી સુખ માટે એ વિદ્યાનો ઉપયોગ કરવાનું અમને ન કળપે. છતાં રિખવના ભવિષ્યમાં મને નાનપણમાંથી જ રસ પડ્યો છે અને એ કારણે સુલેખાના જીવનમાં પણ ભારે રસ લેવો જ રહ્યો. એ પણ અર્ધાંગ કહેવાય…’
‘પ્રભુ, એ આપના હૃદયની વિશાળતા છે, ઉદારતા છે. એ ઉદારતાએ જ મને અહીં સુધી ઢસરડી આણ્યો છે.’ આભાશાએ કહ્યું.
‘કહો, અહીં સુધી ઢસરડાતું આવવું પડે, એટલી ઉતાવળ તે શી છે ?’ વિમલસૂરીએ ફરી હસીને પૂછ્યું.
‘કારણ તો મારા કરતાં વધારે સ્પષ્ટ રીત તો આપ જાણો છો, ગુરૂદેવ ! રિખવ ને સુલેખાનો સંબંધ…’
‘બહુ ઉતાવળા થાઓ છો શાહ ! હજી થોડો સમય રાહ જોઈ જાઓ ! એક ગ્રહ વિઘ્ન ઊભું કરી રહ્યો છે. એનો યોગ પૂરો થવા દો.’
‘પણ મેં બહુ દિવસ રાહ જોઈ……’
‘તો હવે થોડા દિવસ વધારે જુઓ !’
‘પ્રભુ, હવે મારી ધીરજ આવી રહી છે. આપની આજ્ઞાનું ઉથાપન કરવું પડે એવો પ્રસંગ બની ગયો છે… હું ઘેરાઈ ગયો છું. રિખવના જીવનમરણનો એ પ્રશ્ન છે. આભાના આખા વંશવેલા ને વારસના……’
‘એટલું બધું શું છે શાહ ?’ વિમલસૂરીએ વચ્ચે પૂછ્યું.
‘પ્રભુ, મારા કોઈ પાપકર્મનો ઉદય છે.’ આભાશાએ વિમલસૂરીના પગના પોંચા ઉપર પોતાનું મસ્તક ઢાળી દીધું અને ઉમેર્યું : ‘એ વિના આમ ન બને.’
‘શું બન્યું છે શાહ ? વાત તો કરો.’
જવાબમાં માત્ર આભાશાનું એક આછું ડૂસકું જ સંભળાયું.
વિમલસૂરી આટલા ઉપરથી તો ઘણું ઘણું સમજી ગયા. તેમને થયું કે આભાશાનું આજનું આગમન જરૂર કોઈ અગત્યના સમાચાર આપવા અર્થે છે. સાંજે પૌષધગૃહમાં દૂર બેસીને અધ્યયન કરતા શિષ્યોથી આભાશા સંકોચ ન અનુભવે એવી ગણતરીએ વિમલસૂઉરી ઊભા થઈને બહારના વિશાળ છજામાં ગયા અને આભાશાને ત્યાં ખેંચી ગયા.
‘જરાય અંતરપટ ન રાખશો શાહ ! ગૃહસ્થ જીવનમાં બનાવો તો બને જ છે…’ વિમલસૂરીએ આભાશાનો સંકોચ ઓછો કરવા માંડ્યો હતો.
આભાશાને અત્યારે લાગ્યું કે છજાના ૫થ્થરને પણ કાન છે.
તેમણે અત્યંત ધીમા અને ત્રુટક અવાજે તે દિવસનોને એમી અને રિખવવાળો પ્રસંગ આચાર્યને કહી સંભળાવ્યો. તેમની માન્યતા તો એવી હતી કે આ પ્રસંગ સાંભળીને આશ્ચાર્યશ્રી આશ્ચર્યચકિત થઈ જશે; પણ બન્યું એવું કે આ બનાવ તો અગાઉથી જ જાણી લીધો હોય, પામી ગયા હોય, કશુંક ધારેલું જ બન્યું હોય, એટલી આસાનીથી, મોંની એક પણ રેખા બદલવા દીધા વિના વિમલસૂરી સાંભળ્યે ગયા, અને સાંભળ્યા પછી પણ પૂર્વવત્ પૂર્ણ સ્વસ્થતા જાળવી બેઠા રહ્યા તેથી તો આભાશાને પણ ભારે કૌતુક થયું. તેમણે આશા રાખી હતી કે આચાર્યશ્રી રિખવ અંગે, એના આ આચરણ અંગે કશીક ટીકા કરશે, પણ એ માન્યતા પણ ખોટી પડી. વિમલસૂરી તો જાણે કે કશું સાંભળ્યું જ નથી, અથવા તો જે સાંભળ્યું એમાં કશું નવીન કે અસામાન્ય ન હોય એમ આંખના મટકામાં પણ ફેર પડવા દીધા વિના સામી ક્ષિતિજે ટમટમતા શુક્રતારક ઉપર જ નજર નોંધી રહ્યા હતા. એકબીજા ગ્રહો પોતપોતાના પારસ્પરિક યુગથી પામર મનુષ્યોની કેવી દશા કરે છે, કેવા નાચ નચવે છે, એ બધી લીલાઓનું એક અચ્છા દાર્શનિકની અદાથી જાણે નિરીક્ષણ કરી રહ્યા ન હોય !
શિયાળાના સ્થિર અને શાન્ત સમુદ્ર જેવી વિમલસૂરીની નિશ્ચય મુખમુદ્રા સામે કેટલીય વાર સુધી મૂંગા મૂંગા તાકી રહ્યા પછી છેવટે આભાશાએ જ એ મૌન તોડ્યું. અત્યંત ક્ષોભ સાથે તેમણે પૂછ્યું :
‘ભગવંત, આવી વાત કરીને હું થકી આપની કાંઈ અશાતના થઈ ગઈ હોય તો આલોયણા……’
‘નહિ નહિ શાહ ! હું તો સાવ બીજી જ વાત વિચારતો હતો.’
‘શી છે એ બીજી વાત, પ્રભુ ?’ આભાશાના અવાજમાં આર્દ્રતા હતી.
કાંઠે બેઠેલો મરજીવો મોંમાં તેલનો કોગળો ભરીને મોતીની શોધમાં ડૂબકી મારી જાય એમ ફરી વિમલસૂરી એ જ ધીરગંભીર ભાવે ધ્યાનસ્થ થઈ ગયા. થોડી વારે, સાગરના પેટાળમાંથી એક મહામૂલું મોતી બહાર આવે એમ વિમલસૂરીના વિચારમંથનમાંથી, આભાશાના પ્રશ્નના ઉત્તર રૂપે એક મોતી જેવો શબ્દ રણક્યો :
‘ઋણાનુબંધ !’
‘કોની કોની વચ્ચે, ગુરુદેવ ?’ આભાશાથી પૂછ્યા વિના ન રહેવાયું.
પ્રશ્ન તેમ જ એનો અપાનાર ઉત્તર બન્ને જ સરખા ગંભીર હતા છતાં વિમલસૂરીએ સહેજ હસીને ઉત્તર આપ્યો :
‘રિખવ અને એમીની વચ્ચે !’
ઉત્તર સાંભળીને આભાશા ડધાઈ ગયા.
એમના મોં ઉપરની તંગ રેખાઓ જાણે કે દીનભાવે પૂછી હતી : ‘મશ્કરી કરો છો, ગુરુદેવ ?’
વિચક્ષણ નિરીક્ષણ શક્તિવાળા વિમલસૂરી શ્રાવકની આ મૂકવાણી વાંચી ગયા અને બોલ્યા :
‘તમે તો જૈનદર્શનનું સારી પેઠે શ્રવણ કર્યું છે, શાહ ! જીવનાં સંચિત તેમ જ પૂર્વભવના લેણદેણ પ્રમાણે એકબીજાના યોગ થાય છે એમ પણ તમે તો સમજો છો. કર્મબંધનમાંથી મનુષ્ય કોઈ કાળે પણ મુક્ત થઈ શકતો નથી.’
‘એ તો હું સમજ્યો, ગુરુદેવ ! પણ રિખવ અને એમી વચ્ચે આ પ્રકારનો યોગ સંભવી શકે ખરો !’ ‘યોગ તો સંભવિત નહિ, સિદ્ધ પણ થઈ ચૂક્યો કહેવાય. હવે તો વિઘ્નની જ વાટ જોવી રહી...’
માથે વજ્ર પડ્યું હોય એમ આભાશાનો અવાજ તરડાઈ ગયો : ‘હજી કાંઈ વિઘ્ન પણ બાકી છે, ગુરુદેવ ?’
‘જુઓ શાહ, જ્યોતિષને તો જૈન આગમોએ મિથ્ય શ્રુતિ ગણાવ્યું છે એટલે એના ઉપર ભરોસો ન રાખવો જોઈએ. જયોતિષને આધારે જીવવાથી મનુષ્ય પુરુષાર્થ હારી બેસે છે, એને બદલે પુરુષાર્થ વડે માણસે જ્યોતિષને પડકાર કરવો જોઈએ....’
‘ગુરુદેવ, જો આમ જ હોય, તો પછી સુલેખા સાથે સંબંધ બાંધવામાં શી હરકત છે ?’ આભાશાએ પૂછ્યું : ‘સુલેખાની જન્મકુંડળી તો મેં છૂપી રીતે તૈયાર કરાવીને આપને આપી જ છે...’
‘હા, એ તો બરોબર છે. સુલેખાના ગ્રહનો પણ મેં સારી પેઠે અભ્યાસ કર્યો છે. કોણ જાણે કેમ, પણ મને એમાં બહુ જ ૨સ ઉત્પન્ન થયો છે. સુલેખાના ગ્રહો તો ભારે તેજસ્વી અને બળવાન છે. કાં તો કોઈ પ્રતિભાશાળી વિદુષી બને, કાં તો મહાન તપસ્વિની, અથવા તો બન્નેનો, દૂધસાકર જેવો સુભગ સંયોગ થાય.’
‘પ્રભુ, મારાં એવાં સદ્ભાગ્ય ક્યાંથી, કે મારે આંગણે એવી તપસ્વિની.....’
‘હાં, એ તે બરાબર છે. સુલેખા તો પુણ્યશાળી આત્મા છે. પણ રિખવ અને એમીના સંબંધો અંગે વિચારવાનું રહે છે...’
આભાશા બે હાથ વચ્ચે મોં છુપાવી દઈને બોલ્યા : ‘રિખવને એવી કુબુદ્ધિ ક્યાંથી સુઝી હશે, પ્રભુ ?’
‘બધા કર્મના ખેલ છે. મનુષ્ય તો એ ખેલનું નિમિત્ત માત્ર છે...’
‘પણ પ્રભુ, આપ વ્યાખ્યાનમાં વારંવાર કહો છો કે પુણ્યશાળી આત્માના સહવાસથી પાપાત્માનો પણ ઉદ્ધાર થાય છે. તીર્થંકરોની દેશના સાંભળીને ચાંડાલો પણ દેવલોક પામ્યા હોવાના દાખલા છે. તો સુલેખા જેવા પુણ્યશાળી આત્માના સમાગમથી રિખવ પણ.....’
‘હા, હું પણ ક્યારનો એ જ શક્યતા વિચારી રહ્યો છું.' વિમલસૂરીએ વચ્ચે કહ્યું : ‘જૂનાં કર્મો પણ માણસ ધારે તો યોગ્ય પુરુષાર્થ અને તપ વડે ખપાવી શકે છે.....’
‘ભગવન્ત, તો તો રિખવ અને સુલેખાના સંબંધને આ૫ અનુમતિ આપશો જ !’
વિમલસૂરી છજાના નીરવ વાતાવરણમાં ખડખડાટ હસી પડ્યા. બોલ્યા :
‘શેઠ, પુણ્યશાળી આત્માના સહવાસથી કર્મ ખપાવવાની વાત કરીને હું જ કર્મ બાંધી રહ્યો છું. અમારે સાધુઓએ સંસારની આવી બાબતોમાં લગીરે રસ ન લેવો જોઈએ, તો પછી બે વ્યક્તિઓના લગ્નની બાબતમાં અનુમતિ આપવાની રાવઈ તો અમારાથી શેં વહોરાય ?’
‘પ્રભુ, જનકલ્યાણ વડે પુણ્યનો જે મહાન રાશિ બાંધી રહ્યા છો એની સામે આવી અતિ સામાન્ય રાવઈનું પાપ તો કશી જ વિસાતમાં નથી.’ આભાશાએ કહ્યું. અને પછી લાંબા સમયના રૂએ લાડ કરતા હોય એ અવાજે ઉમેર્યું :
‘અને આ અનુમતિ આપવાની રાવઈ પણ જનહિતાર્થે નથી શું?’
‘હિત-અહિતની ચર્ચા પણ અટપટી છે. હિત કોને કહેવું અને અહિત કોને કહેવું એ સમજવું બહુ મુશ્કેલ છે. આદિતીર્થંકર ઋષભદેવના જીવનનો પ્રસંગ તો તમે જાણો છો. એ વેળા માનવજીવનનો હજી ઉષ:કાળ હતો. લોકો ખેતી તેમ જ અન્ય કળાઓ જાણતા નહોતા. અનાજના દાણા ખેતરમાં વેરી દેતા અને એમાંથી અનાજ ઉગતું. ઋષભદેવે એમને હળ વાપરતાં શીખવ્યું અને એમાં બળદ તેમ જ અન્ય પશુઓની સહાય લેવાનું કહ્યું. લોકોએ એ આજ્ઞા પ્રમાણે પશુઓની સહાય લેવા માંડી પણ વાવેલા અનાજનાં કણો બળદ ખાઈ જવા લાગ્યા ! ઋષભદેવે કહ્યું કે બળદને મોંએ મોડો બાંધી રાખો એટલે વાવેલું અનાજ એ ખાઈ શકશે નહિ. લોકોએ આજ્ઞાનું પાલન કર્યું પણ ખેતીનું કામ થઈ ગયા પછી પશુઓને મોંએથી એ મોડાં છોડી નાખવા જેટલી બુદ્ધિ ન સૂઝી, પરિણામે મૂંગા પશુઓ મોં-બંધનને કારણે વિના અપરાધે ભૂખ્યાં રહ્યાં. એ અંતરાયકર્મ ઋષભદેવને પોતાના વરસી-તપના પારણા ટાણે ભોગવવું પડ્યું હતું તે તો તમે જાણો છે ને ? આમ, ખેડૂતોનું હિત કરવા જતાં મુંગા પશુઓનું અહિત થઈ ગયું હતું, એટલે, અમે સાધુઓ તો આવા નાજુક પ્રશ્નમાં હા કે ના કશું ન કહીએ. અમે તો યથાર્થની સમજણ પાડી દઈએ અને નિર્ણય સામા માણસ ઉપર જ છોડીએ.’
આચાર્યનું આ પ્રવચન સાંભળીને આભાશા ટાઢાબોળ બની ગયા હતા. તેઓ ક્યારના વિચારી રહ્યા હતા કે રિખવ અને એમીનો તે દિવસનો પ્રસંગ ન બન્યો હોત તો પોતે કેટલા સુખી રહ્યા હોત ! આજે આ લાખોની ધનસંપત્તિ અને વૈભવ છતાં પોતાના આત્માને ક્લેશ થઈ રહ્યો છે.
નિઃસહાયતા અનુભવતા તેમણે ફરી એ જ પ્રશ્ન પૂછ્યો :
‘ભગવંત, શા કુટુંબની આટલી પેઢીઓમાં આ બનાવ નથી બન્યો. રિખવને આવું દુષ્કૃત્ય સૂઝ્યું એનું કારણ મને નથી સમજાતું...’
'શેઠ, એ તો દરેક જીવના સંસ્કાર ઉપર આધાર રાખે છે. પૂર્વ જન્મના સંસ્કાર પણ મનુષ્યનું જીવન ઘડે છે, તેવી જ રીતે આ જન્મના સંસ્કાર પણ....’
‘ગુરુદેવ આ જન્મની વાત કરો છો ત્યારે કહું છું કે રિખવને સંસ્કાર આપવા માટે તો મેં પાણીની જેમ પૈસા વાપર્યા છે. રાજદરબારના શાસ્ત્રી માધવાનંદજીને રોકીને રિખવને ગીર્વાણગિરાનું અધ્યયન કરાવ્યું છે. સંસ્કૃત અને માગધીના એ પંડિતે રિખવને જૈન આગમાનું જ્ઞાન આપ્યું છે.’
‘લશ્કરી શેઠે પણ સુલેખાને વિદૂષી બનાવવા માટે એટલી જ કાળજી લીધી છે.’ વિમલસૂરીએ કહ્યું : ‘સુલેખા તો ખરેખર ભવ્ય જીવ હોય એમ લાગે છે. શેઠ, આપણે ત્યાં તો કહેવત છે ને, પુત્રનાં લક્ષણ પારણામાંથી ને વહુનાં લક્ષણ બારણામાંથી. લશ્કરી શેઠને ત્યાં હું જ્યારે જ્યારે ગોચરીએ ગયો છું, ત્યારે પાત્રમાં વસ્તુઓ વહોરાવતી સુલેખાને જોતાં મને એમ જ લાગ્યું છે કે આ કઈ પૂર્વભવની તપોભ્રષ્ટ યોગિની છે, જેને થોડીક જ યોગસાધના અધૂરી રહી જવાને કારણે આ ભવમાં અવતરવું પડ્યું છે. એના સુંદર મોંની આસપાસ ચમકતી આભા જ કોઈ અલૌકિક લાગે છે. એવી ભવ્યતા મેં રિખવમાં નથી જોઈ રિખવની બુદ્ધિ પ્રતિભાનો વિસ્તાર અલબત્ત, સુલેખા કરતાં વધારે વિસ્તૃત છે, પણ એમાં સુલેખાની પ્રતિભાનું ઊંડાણ નથી. કુવા કરતાં જળાશય વહેલું સુકાય એ તો આપ જાણો છો ને ?’
‘ગુરુદેવ, રિખવ વિશે આપને આવી છાપ પડી તે એની યુવાન વયની રસિકતાને જ કારણે બાકી—’
‘હા, રસિક હોવું એ કાંઈ ગુનો નથી. રસિકતા એ તો ઉત્તમ મનુષ્યોનો એક ગુણ છે. પણ એક વ્યક્તિમાં એ રસિકતા માત્ર રસિકતા જ રહે, આસક્તિ જ રહે, ત્યારે બીજી વ્યક્તિમાં એ રસસમાધિ બની રહે અને આત્માનું ઉર્ધ્વીકરણ કરે. માફ કરજો, પણ રિખવમાં મને રસલોલુપતા લાગી છે, ત્યારે સુલેખામાં મેં રસસમાધિ જોઈ છે...’
‘ગુરુદેવ, ઉસ્તાદ અયુબખાનજીએ અને બારોટ ખેમરાજે રિખવને સંગીતનો ગજબનો શોખ લગાડ્યો છે એ તો આપ જાણો જ છો...’ ‘હા, અને સુલેખાને બાળપણથી જ ચિત્રકળાનો નાદ લાગ્યો છે એ પણ હું જાણું છું... આજ સાત સાત વર્ષથી ‘સુરૂપકુમાર’ નામનું એક ચિત્ર એ દોરી રહી છે છતાં હજી એ અધૂરું છે. એ તમે જાણો છો ?’
‘જી, હા. ગયા વર્ષે અમે સહકુટુંબ સાથે હતાં ત્યારે એ અધુરું ચિત્ર જોયું હતું. સુલેખા કહેતી હતી કે આ ચિત્ર પૂરું થતાં હવે થોડાં જ વર્ષોની વાર લાગશે.’ આભાશાએ કહ્યું.
‘બિચારી ભોળી સુલેખા !’ વિમલસૂરી હસી પડ્યા : ‘એને ભોળીને ક્યાંથી ખબર પડે કે ચિત્ર પૂરું થતાં તો હજી ઘણી વાર લાગશે !’
આભાશા આ હાસ્યનો કે વાક્યનો મર્મ ન સમજતાં આચાર્ય ની સામે પૃચ્છક નજરે તાકી રહ્યા. થોડી વારે વિમલસૂરીએ પોતે જ પોતાના મર્મવાક્યનો સ્ફોટ કર્યો :
‘એ ચિત્રમાં શાની સંજ્ઞાઓ છે તે જાણો છો ? પુરુષ અને પ્રકૃતિનાં બળોને સુલેખાએ પીછીમાં ઉતાર્યા છે. ભારે જોરદાર રેખાઓ વડે એ બળોને તાદૃશ કરવામાં એણે વર્ષો સુધી જહેમત લીધી છે. એ બન્ને આદિ-બળોના સંયોગથી ઉત્પન્ન થતા ત્રીજા બળનું નામ છે 'સુરૂપ' અથવા 'સરૂપકુમાર' રાખ્યું છે. સકળ વિશ્વનાં રૂપો આ બાળકમાં મૂર્ત થશે. વિશ્વની ચેતન સૃષ્ટિના સાતત્યનું એ મંગલ પ્રતીક ગણાય. સમસ્ત માનવજીવનનું માંગલ્ય એમાં સોહાશે.’ આટલું કહીને વિમલસૂરી જરા વાર મૂંગા રહ્યા. પછી એકાએક બોલી ઊઠ્યાં :
‘હું તમને ફરી ફરીને કહું છું કે સુલેખા એક ભવ્ય જીવ છે. એ વિના એને આવી મંગલમય કલ્પના ન સૂઝે.’
‘ગુરુદેવ, સુલેખાને જેટલો ચિત્રકળાનો નાદ છે, એટલો જ રિખવને સંગીતનો પ્રેમ છે. વળી...’
‘હા, મને એણે બેચાર વસ્તુઓ ગાઈ સંભળાવી હતી તેથી હું પરિચિત છું. પણ મેં તમને કહ્યું છે કે રિખવની રસવૃત્તિ હજી સ્થૂળ રહી છે; એનું ઊર્ધ્વીકરણ નથી થયું. આમ તો ચિત્ર કળા તેમ જ સંગીત એક જ ડાળની બે પાંદડીઓ જેવી સહીપણીઓ છે. એકને વ્યક્ત થવાનું માધ્યમ રંગરેખા છે, તે બીજાનું માધ્યમ સ્વર છે-શબ્દ છે. બન્નેમાં, આત્માની કલા વ્યક્ત થઈ શકે છે. અને છતાં જુઓ કે સુલેખા એના કલાવ્યાસંગ દ્વારા આત્મોન્નતિ તરફ પ્રયાણ કરી રહી છે, ત્યારે રિખવ હજી ગાયિકાઓ અને નર્તકીઓના આવાસમાંથી ઊંચો નથી આવી શક્યો...’
ફરી થોડી વાર બન્ને જણ મૂંગા રહ્યા. આભાશા નીચું જોઈ ગયા હતા. તેમણે છેવટે પોતાની મૂંઝવણ ફરી સંભળાવી :
‘ગુરુદેવ, એનું કારણ શું હશે ? રિખવના વર્તનની વિચિત્રતા મને પણ નથી સમજાતી...’
‘શાહ, એ વિચિત્રતા રિખવના વર્તનની નથી. વિધિની વિચિત્રતા છે. જે વસ્તુ નિર્મિત થઈ ચૂકી છે, એ હરકોઈ રીતે થવાની જ છે. નિયતિ છે એમાં મીનમેખનો ફેર ન થઈ શકે.’‘’
‘ભગવન્ત’, આભાશાએ બે હાથ જોડ્યા : ‘જો એમ જ છે, તો પછી રિખવ અને સુલેખાના સંબંધ માટે ક્યાં સુધી રાહ જોઈને બેસી રહું ? લગ્નમાં વિઘ્નયોગ હશે તો તો એ આપણાથી થોડો ટાળી શકાવાનો હતો ?’
‘યથામતિ. અમે સાધુઓ આવી બાબતમાં સક્રિય રીતે ભાગ ન લઈ શકીએ. કોઈને કશી આજ્ઞા પણ ન આપી શકીએ. અમે તો એટલું જાણીએ કે સંસારી કાર્યોમાં મનુષ્યે ધર્મબુદ્ધિ રાખીને યથામતિ આચરણ કરવું જોઈએ...’
વિમલસૂરીનો પ્રતિક્રમણનો સમય થાય છે, જાણી આભાશાએ ઊભા થવાનું કરતાં કહ્યું : ‘બસ, તો ગુરુદેવ, કરું છું કંકુના !’ અને બન્ને હાથ જોડી વંદના કરી.
વિમલસૂરી માત્ર રાબેતાનો જ શબ્દ બોલ્યા :
‘ધર્મ લાભ !’