[૩૦]
કૂતરાં ભસ્યાં
દલુ અને ચંપાનાં લગન રંગેચંગે ઊકલી ગયાં.
અમરતે આત્માસંતોષ અનુભવ્યો. પોતાના દલુને કોઈ દીકરી નથી આપતું એ વાત ખોટી ઠરી. દલુ પણ હવે માણસની હારમાં આવી ગયો. ભાણેજ માટે મામા જે ભવિષ્યવાણી ભાખી ગયા હતા. ‘દિલયો તો વાંઢો ને વાંઢો મરી જશે.’ એ ખોટી ઠરી.
અમરતે ચુકાદો આપ્યો :
‘ભાઈ કરતાં તો આ ભોજાઈ સાત થોકે સારી; એ પારકી જણીને વાંઢા ભાણેજનું પેટમાં બળ્યું ને ધડ કરતીકને પોતાની બહેન આપી દીધી.’
દલુ અંગેનું અમરતનું કથન મહદ અંશે સાચું હતું. આજ દિવસ સુધી દલુ ઓધિયાની સંગતમાં રોઝડાની જેમ રખડતો તે હવે લગન પછી ખરેખર જરાતરા ‘માણસની હારમાં’ આવ્યો ખરો. લગ્નને દિવસે જિંદગીમાં પહેલી જ વાર, દલુને ધોતિયું પહેરવું પડેલું અને એમાં કાછડી ખોસવાથી માંડીને પાટલીની ચીપો વાળવામાં પણ ઓધિયા અણવરની સહાય લેવી પડેલી એ દલુ હવે આપમેળે જ ધોતિયું પહેરતાં શીખી ગયો હતો. અને લગનને ટાંકણે સીવડાવેલો જરકશી જામો પહેરીને જ્યારે પેઢીના મખુદે એ બેસતો ત્યારે તો ગામલોકોને પણ થતું કે આભાશાનો વારસ દલુ થાય તો એમાં કાંઈ ખોટું નથી.
બે–ચાર પરગજુ ગામલોકોએ તો અમરતને કાને આ વાત નાખી જોઈ પણ ખરી.
પણ અરમતને એવાં બાહ્ય સૂચન કે સલાહની જરૂર રહે ખરી ? એણે તો દલુને આ પેઢીના તિજોરીવાળે તકિયે બેસાડવાનાં સપનાં સેવવાનું ક્યારનું શરૂ કરી દીધું હતું. સઘળો વારસો સુલેખાના હાથમાં જતો અટકે એટલે બેડો પાર છે એમ અમરત માનતી હતી. અને વારસો સુલેખાના હાથમાં જતો અટકાવવા માટે આભાશાને ત્યાં એક પુરુષ–વારસાની હાજરીની જ જરૂર હતી. અને એ અંગે તો અમરતે ક્યારનું કાઠું તૈયાર કરી રાખ્યું હતું.
લગનની ઉપાધિ પત્યા પછી અમરત સમક્ષ આ બીજી ઉપાધિ આવી પડી.
ચંપાના લગનનિમિત્તે પિયર ગયેલી નંદન હજી ત્યાં જ રોકાઈ ગઈ છે, અને સુવાવડ પતાવ્યા પછી જ એ અહીં આવશે એવી વાત ફેલાવતી ગઈ છે.
સુવાવડ આવવાને આગોતરા એકાદ મહિનાથી અમરતને પણ નંદને પોતાને પિયર બોલાવી.
અમરત વિચારમગ્ન રહે છે. અનેક તરકીબો રચે છે, ઘોડા ઘડે છે; પણ હજી સુધી પાટો બાઝ્યો નથી.
પૂર્વ યોજના પ્રમાણે નંદન એકાન્તવાસ જ સેવે છે. તાંસળીની તરકીબનો પૂરેપૂરો લાભ લે છે અને ભાવિ જીવનનાં સુખદ સપનાં સેવે છે.
અમરત ગામનાં નીરનિરાળાં સ્થળોએ જાય છે. અસૂર સવારે આંટાફેરા કરે છે; પણ ક્યાંય હજી મેળ મળતો નથી.
દરમિયાનમાં નંદનના ‘દિવસો’ ભરાતા જાય છે અને અમરતની ચિંતા વધતી જાય છે. આ નાટકમાં નિષ્ફળ તો નહિ જઈએ, એવો સહેજ અંદેશો પણ અમરતને અકળાવી રહ્યો છે.
ગામ છોડીને, કોઈ ન જાણે એવી રીતે બહારગામમાં પણ અમરત આંટાફેરા ખાવા માંડ્યા. ત્યાં કોઈ કોઈ વાર તો એની રોકાણ લંબાઈ પણ જતી. છતાં એની શ્રદ્ધા અને નિશ્ચયબળ લગીરે નરમ પડતાં નહોતાં.
એને ગામ કહેવા કરતાં ટીંબો જ ગણવો વાજબી કહેવાય. જોકે, એ વસાહત તો ટીંબા કરતાંય કૂબાઓનો એક ઘૂમલો જ હતો.
એ વસાહતની આસપાસની ધરતી નિર્જર હતી. વટેમાર્ગુઓ પણ આ કૂબાઓનો સગડ છાંડીને બાજુના કેડાઓ ઉપર તરી જતા. ધોળે દિવસે પણ મુસાફરો અહીંથી હેમખેમ પસાર થઈ શકતા નહિ, એના સગડ ઉપર વેંત વેંત લાંબી જીભો મોંની બહાર લબડાવતાં, ફાડી ખાય એવા ડાઘિયા કૂતરાં પડ્યાં રહેતાં. અને એ કૂતરાંથીય વધારે ખુન્નસ અને ઝેરવાળાં માણસો અહીં વસે છે એમ કહેવાતું. કોઈ કોઈ વાર ખાખી વેશધારી પોલીસના માણસો અહીં આવી ચડતા અને નાકાબંધી ઉપર ચોકી કરતા. રાક્ષસ જેવાં કૂતરા ડાંઉ ડાંઉ કરીને ભસી ઊઠતાં. એમના અવાજો સાંભળીને કૂબાઓના ગુનેગાર આદમીઓ આઘાપાછા થઈ જતા. અને એમની ભારાડી સ્ત્રીઓ જોખમી મુદ્દામાલ સગેવગે કરવા માંડતી. પોલીસના માણસો આવીને આરોપીઓની ખોજ ચલાવતા; આરોપીઓ ન મળતાં ખોજના માર્યા કુબેકૂબો પીંખી નાખતા; અને એમાંથી કશું હાથ ન લાગે ત્યારે બધી ખીજ કૂબામાં સાવ ઉઘાડે ડીલે ફરતી બાયડીઓ ઉપર ઉતારતા અને એમની ગૌર, માંસલ પીઠ ઉપર ફડોફડ સોટીઓ સબોડવા અને એમની લાલચટાક ચામડી ઉપર સોટીમારની ભરોડોના લીલા કાચ ચાંભા ઉપસાવીને ચાલ્યા જતા.
ફરી સગડનાં કૂતરાં આ ખાખી રંગધારી આદમીઓને ડાંઉ ડાંઉ કરીને વિદાય આપતાં અને એ સબ–સલામતની ‘સાયરન’ સાંભળીને આઘાપાછા થઈ ગયેલા આદમીઓ કૂબાઓમાં પાછા આવી પહોંચતા. ફરી કૂતરાં પૂર્વવત્ શાંત બની, ફરજ બજાવી લીધાનો સંતોષ અનુભવતાં મોંમાંથી જીભ બહાર કાઢીને હાંફતાં પડ્યાં રહેતાં. આવા ભયાનક વિસ્તારને શેઢે પણ એક સાંજે સૂરજ આથમી ગયા કડે એક ઉજળિયાત વરણની સ્ત્રી આવી ચડી. એની સાથે આ વસાહતથી પરિચિત એક ભોમિયો હતો. એમને જોઈને પહેરેગીર કૂતરાં ભસ્યાં, પણ પેલી સ્ત્રીએ લેશમાત્ર થડકાર અનુભવ્યો નહિ. એનાં પગલાં લગીરે ધીમાં પડ્યાં નહિ. એની આત્મવિશ્વાસભરી એકધારી વેગીલી ચાલમાં સહેજ પણ વિક્ષેપ પડ્યો નહિ. પ્રૌઢત્વની રેખાઓથી અંકિત થયેલ એના ગૌર મોં ઉપર જે દૃઢ નિશ્ચયબળ હતું એ જરાય નરમ પડ્યું નહિ.
કૂબાઓની આસપાસ કૂક...કૂક કરીને ચારો કરી રહેલા સંખ્યાબંધ કૂકડાઓ પણ આ નવા આગંતુકને જોઈને ભડકી ઊઠ્યા હોય એમ કૂબાઓમાં દોડી ગયા.
ભોમિયો જાણે કે આ વાતાવરણથી સારી પેઠે પરિચિત હોય એમ પેલી સ્ત્રીને સીધો એક કૂબામાં દોરી ગયો.
આદમીઓ આ આગંતુકની રાહ જોતા જ બેઠા હોય એમ લાગ્યું.
તરત કૂબામાં હરફર થવા માંડી. ઢાંકણું વાસેલ એક મોટો બધો ગોળ કરંડિયો આ સ્ત્રીની નજરમાંથી આઘો ખસેડાઈ ગયો — કદાચ એવી ગણતરીથી, કે એમાં પૂરેલ વસ્તુઓને જોઈને આ ઊજળિયાત મનેખ ભડકી ઊઠશે.
એક ફાટ્યા-તૂટ્યા મેલાઘાણ, અહીંતહીં લોહીના ડાઘડૂઘ વાળા સાડલાના પરદાની પાછળ સળવળાટ થયો, એક જાખી આદમી ઊઠી ઊઠીને બેત્રણ વાર એ પરદાની પાછળ ગયો અને બહાર આવ્યો.
બધી જ ક્રિયાઓ કોઈ પૂર્વનિયોજિત સંકેત મુજબ જ થતી હોય એટલી બધી સાહજિકતા એમાં દેખાતી હતી.
થોડી વારે અંદરથી એક સ્ત્રી હાથમાં બાળક લઈને આવી. આવનાર સ્ત્રી રંગરૂપે આકર્ષક હોવા છતાં અત્યારે એનો દેખાવ બિહામણો અને તેથી અણગમો ઉપજાવે એવો હતો. છતાં એના હાથમાંના બાળકનો દેખાવ તો અત્યંત સુકુમાર અને મીટ ખસેડવાનું મન ન થાય એવો હતો. લાલ લાલ હિંગળોક જેવી બાળકની ચામડી ઉપરથી લાગતું હતું કે એનો જન્મ થયાને હજી માંડ પાંચસાત દિવસ થયા હશે.
એક ભાંગીતૂટી માંચી ઉપર બાળકને સુવડાવવામાં આવ્યું.
ઉજળિયાત ઓરતે ઝીણી નજરે નીરખીને બાળકને જોવા માંડ્યું. એની આંખ જોઈ, એનો અણસાર જોયો; એનો વાન જોયો, એની નમણાશ તપાસી; બાળકનાં હલનચલનને એણે ટીકીટીકીને અવલોક્યાં.
કૂબાના આદમીએ ઊભા થઈને પ્રવેશદ્વાર આડે પરદો નાખ્યો. ભોમિયાએ અર્ધી સંકેતમાં ને અર્ધી સ્પષ્ટ રીતે વાતો કરવા માંડી.
‘ઇન્કવાયરી’ અને ‘કોટેશન’ની વિધિ ચાલી. ‘ઑફર’ અને ‘કાઉન્ટર–ઑફર’ પણ થઈ ગઈ.
અને જીવતા જીવના કબાલાઓમાં પણ રકઝક ન થાય એવું તે બને ? રખેને કોઈ છેતરાઈ જાય તો !
સારી વારે રકઝક પણ પૂરી થઈ.
આગંતુકે રૂપિયા ગણી દીધા.
પત્યું. સોદો સમેટાયો. રોકડ સામે માલની હાથોહાથ સોંપણી થઈ. આડતિયા તરીકે કામ કરનાર ભોમિયાને પણ એની આડત ચૂકવીને રાજી કરવામાં આવ્યો. અને જાણે કે કશું બન્યું જ નહોતું એવું ભયંકર મૌન પથરાઈ રહ્યું.
ઘરનો આદમી ઊભો થઈને એક ખાલી કરંડિયો શોધી લાવ્યો અને એમાં બાળકને આસાનીથી ગોઠવી દીધું.
ફરી, આવ્યાં હતાં એ જ કેડીએ કેડીએ તેમણે ચાલવા માંડ્યું. આગળ ભોમિયો; એના ખભા ઉપર કરંડિયો અને પાછળ પાછળ ઉજળિયાત ઓરત.
આ અજાણી અને ‘ગેબી’ ગણાતી ધરતી ઉપર પોતે આવતી વેળા જે ગોઝારાં પગલાં પડ્યાં હતાં એને જાણે કે ભસવા મથતાં હોય એટલી ગણતરી ભરી ચાલે ડગ ભરતાં તેઓ આગળ વધતાં હતાં. ફરી, શેઢે પડ્યાં પહેરો ભરી રહેલ કૂતરાંના કાન ચમક્યા. પસાર થનારાઓનાં પગલાં આ પ્રાણીઓને પરિચિત ન લાગ્યાં. આદમીએ ઉપાડેલ કરંડિયામાં જાણે કે આ વસાહતનો પ્રાણ લૂંટાતો જાય છે એવી કોઈ સમજથી જ આ મૂંગાં કહેવાતાં પ્રાણીઓએ બમણા જોશથી ભસીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.
આગળ નીકળી ગયેલી ઓરત પાછળથી આવતા અવાજો સાંભળીને મનમાં કહેતી હતી :
‘ડાંઉ ડાંઉ કર્યા કરો તમતમારે ! આ અમરત કોઈને કાનસરો દિયે એવી નથી, ભલેને દુનિયા આખી ભસ્યા કરે ! બંદા બેઠા માંચી ને દુનિયા ડહોળે પાણી.’