[૧૯]બે ગોરીનો
નાવલિયોજરા વિચિત્ર તો લાગ્યું, ટીકા કરનારાઓએ થોડી ટીકા કરી, મશ્કરી કરનારાઓએ પેટ ભરીને મશ્કરી પણ કરી લીધી, છતાં એમાંનું કશું ગણકાર્યા વિના માનવંતીએ આભાશાને ઘોડે ચડાવીને નંદન વેરે પરણાવ્યા.
માનવંતીની આશાઓ અને આકાંક્ષાઓ તો મોટી હતી. નાની બહેનને પેટે વારસ અવતરે એ જાણે કે પોતાને જ પેટે અવતર્યો હોય એમ ગણાય. બહેનનો દીકરો એ તો મારો જ દીકરો કહેવાય ને ! પછી તો બીજે જ દિવસે અમરતબાને આ ઘરમાંથી પાણીચું પરખાવી શકાય. આ ભર્યાભાદર્યા ઘરની મિલકત પચાવી પાડવા માટે અમરતબાની દાનત બગડી છે એ તો ચોક્કસ. પાણી પહેલાં જ પાળ ન બાંધું તો કાલે સવારે દલિયો જરૂર મામાને ખોળે બેસી જાય અને આ ઘરનો ધણી-રણી બની બેસે. પછી મારી કિંમત તો કોડીનીય શાની રહે ?… આ દહેશતથી ચેતીને તો મારા મા–બાપે નંદન જેવી નંદનને શોક્યનાં સાલ વચ્ચેય દેવાનું કબૂલ કર્યું ને ! નંદનનેય મોટી બહેન ઉપર એટલો પ્રેમ અને મમતા હતાં ત્યારે જ પોતાના મોટા બનેવી જોડે પરણવા તૈયાર થઈને ! મને તો દુશ્મનોએ ભંભેરી કે હાથે કરીને શોક્યનાં સાલ કાં ઊભાં કરે છે ? પણ નંદન ક્યાં પારકી જણી છે તે એને હું શોક્ય ગણું ? સગી માની જણીને શોક્ય શેની કેવાય એ તો મારું પોતાનું જ તન રહ્યું, એટલે હું કહું એમ જ કરે. ગમે તેમ તોય છેવટે તો હું થકી જ એ આ ઘરની રાણી થઈ છે ને ? હું ન હોત તો એ પણ અહીં ક્યાંથી આવી શકી હોત ? કાલ સવારે નંદનને પેટે દીકરો અવતરશે અને બધી લીલાલહેર થઈ જાશે. ને આ બધી માલમિલકત હાથ કરવાને ટાંપી બેઠેલાઓ હાથ ઘસતા રહેશે. રિખવ જેવો રિખવ મને રઝળાવીને ચાલ્યો ગયો પણ નાનકડી નંદન કાલ સવારે એની ખોટ પૂરી દેશે.
શરૂઆતનાં વર્ષોમાં તો માનવંતી આવાં સપનાંના કેફમાં જિંદગી ખેંચી ગઈ પણ પછી જેમ જેમ એ સપનાં તૂટવા લાગ્યાં તેમ તેમ એનું જીવન અકારું બનવા માંડ્યું. પહેલું સપનું એ તૂટ્યું કે નંદન આ ભવમાં તો માતૃત્વપદ પામી શકે એમ નથી જ. આ જ્ઞાન થવું એ માનવંતી ઉપર એક અસહ્ય ફટકા સમાન હતું. આભાશા વારસવિહોણા જ રહેશે એ હકીકતની જાણ થતાં માનવંતી આકુળવ્યાકુળ થઈ ગઈ. દળીદળીને છેવટે ઢાંકણીમાં જ ઊઘરાવ્યા જેવી વિમાસણ એ અનુભવી રહી.
નંદનને આવા સુખી ઘરની શેઠાણી બનાવવાનો મહદ્ ઉપકાર પોતે કર્યો છે એ કારણે નંદન જીવનભર મારી ઓશિયાળી થઈને મારા દાબમાં રહેશે એવી માનવંતીની અપેક્ષા પણ નાની બહેને થોડા સમયમાં જ ખોટી ઠેરવી. જે ઘડીએ નંદનને જ્ઞાન થયું કે પોતે માતા બની શકે એમ નથી અને પોતાને આ ઘરમાં એક ઢીંગલીની જેમ જ જીવન વિતાવવાનું છે, તે ઘડીથી જ મોટી બહેન પ્રત્યેનું નંદનનું વર્તન બદલી ગયું. હવે પછી એ ઉપકારના ભાર તળે દબાયેલી આજ્ઞાંકિત અને કહ્યાગરી નાની બહેન મટીને, પોતાને ફસાવનાર માનવંતી પ્રત્યે વેર વાળી રહેલી ક્રોધિત ચંડી બની ગઈ. વાતેવાતમાં એ માનવંતીને વડછકાં ભરતી, ઝઘડી પડતી, પોતાને અહીં ઘસડી લાવવા બદલ મોટી બહેન ઉપર શાપની ઝડી પણ વરસાવતી અને છેવટે બન્ને બહેનો પોક મૂકીને રડતી,
રિખવ શેઠની યુવાનીના મધ્યાહ્નકાળમાં જે ઘરની રિદ્ધિસિદ્ધિ અને આનંદોલ્લાસ જોઈને હીરવિજયસૂરી જેવાઓને અકબરના નવરત્ન દરબારમાં ગુજરાત વિશે ‘શ્રોયેવ રન્તું પુરૂષોત્તમેન જગત્કૃતાઙ્કારી વિલાસવેશ્મ’, એવું કહેવાનું મન થઈ આવે એ જ ઘર આજે શ્રી કે પુરુષોત્તમોને બદલે રાતદિવસ કલહ અને કંકાસનું જ ધામ બની ગયું. હજી કાલે જે આવાસોમાંથી સુમધુર સતારઝંકાર ઊઠતા ત્યાંથી હવે રૂદન સ્વરો જ સંભળાતા. અને નરઘાંની થાપીઓનું સ્થાન જાણે કે ડૂસકાંએ લીધું હતું.
જીવનની આટલી બધી વિષમતાઓની વચ્ચે સદ્ભાગ્યે એક સુલેખા પોતાની આધ્યાત્મિકતાના બળ વડે જીવનનો ઉલ્લાસ, કુટુંબનાં અન્ય માટીપગાંઓથી જુદી રહીને જાળવી શકી હતી. નાની અને નવી સાસુ નંદનના આગમન પછી સુલેખાએ લાખિયારના ખાલસા થયેલ મકાનમાં જ રહેવાનું મુનાસિબ ગણ્યું હતું. આ ઝૂંપડા જેવી નાનકડી મઢૂલીને પણ સુલેખાએ પોતાના ગરવા વ્યક્તિત્વના પ્રભાવથી મહેલ સમી બનાવી લીધી હતી. ત્યાં પોતે સંગીત અને ચિત્રકળાની સહાય વડે પોતાનું એકાકી અને વૈધવ્ય જીવન વ્યતીત કરી રહી હતી. ત્યાં કુટુંબના સંગીત શિક્ષક શાસ્ત્રી માધવાનંદજીને જવાની આભાશાએ છૂટ આપી હોવાથી સુલેખા પોતાની કલાસાધના વડે એકાકી જીવનની અસહ્યતાને સહ્ય બનાવી ૨હી હતી. એક સામાન્ય દેણદાર અને દેવાળિયા ગણાયેલ સંધીનું ખડખડ–પાંચમ ખોરડું, જીવનની એક કલાધરીનું તપોવન બની રહ્યું હતું.
આ તપોવનમાં વાસ કર્યા પછી સુલેખાએ ફરી, ‘સુરૂપકુમાર’નું ચિત્ર હાથ લીધું હતું. આ વખતે તો નિવૃત્ત જીવનની ફુરસદને કારણે ચિત્રમાં ઠીકઠીક પ્રગતિ સાધી શકાઈ હતી, છતાં હજી એ સંપૂર્ણ નહોતુ બની શક્યું – નહોતુ બની શકતું, પ્રકૃતિના બાળની રેખાઓ હજી કેમે કરીને સરખી બેસતી જ નહોતી. પછીતની બારીએ ઊભી ઊભી સુલેખા ઘણી વખત પછવાડેની શેરીમાં ધીંગામસ્તી કરતાં બાળકોને ટીકીટીકીને નીરખી રહેતી, પણ એમાંના એક્કેયની મુખરેખા પોતાના ચિત્રમાંના પાત્રની મુખરેખા સાથે સમવેત થતી લાગતી નહિ. તરત મન:ચક્ષુ સમક્ષ રિખવની મુખાકૃતિ આવી ઊભતી અને સુલેખા આંખો મીચીને જાણે કે હૃદયના કોઈ આન્તરચક્ષુ વડે એ મનોમૂર્તિના દર્શનનું પાન કર્યા કરતી.
ઘરમાં થતા હરહમેશના કલહ–કંકાસથી કંટાળીને સુલેખા આપમેળે જ લાખિયાર વાળા મકાનમાં રહેવા લાગી તેથી માનવંતી અને નંદનને જતે દહાડે એક ભારે અનુકૂળતા થઈ ગઈ. થોડાં વર્ષો પછી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે માનવંતી અને નંદનને એકબીજીનાં મોં જોવાનું પણ અકારું લાગવા માંડ્યું. બન્ને બહેનોની આંખો લઢતી હતી. બોલવાનો વ્યવહાર તો ઘણા વખતથી બંધ પડ્યો હતો, પણ હવે તો એકબીજીની આડે ઊતરવાનો પણ એમને અણગમો થવા લાગ્યો. એકનો ઓછાયો બીજીથી સહન નહોતો થતો. આવી કફોડી સ્થિતિ ટાળવા માટે શરૂશરૂમાં તો અમરતે અડુક – દડુકિયાની કામગીરી બજાવી જોઈ; પણ વખત જતાં આ એક જ માની જણી બે બહેનોએ વચ્ચે દુભાષિયાની દરમિયાનગીરી પણ નિષ્ફળ નીવડી. બન્ને બહેનોએ ચૂલા તો અલગ અલગ માંડ્યા જ હતા. પણ પછી તો પેલા કણબી લોકોના સામુદાયિક વિવાડાની કતારબંધ ખોડાયેલી ચોરીઓમાં એકના ધુમાડા બીજીમાં જતા અટકાવવા પડે છે એવી જ અટકાયતની આવશ્યકતા આ ઘરના ચૂલાઓના ધુમાડા માટે ઊભી થઈ.
સદ્ભાગ્યે આ અલીશાન હવેલીની બાંધણી કરાવનારા આભાશાના પૂર્વજે કદાચ આગમ-મતિથી જ આ મકાનમાં બધી બેવડી બેવડી સોઈ કરી મૂકી હતી. બન્ને બાજુ સરખી જ સંખ્યામાં ઓરડા, બે રસોડાં, બે બેઠકો, બે કોઠાર, બે છૂપાં ભંડકિયાં વગેરે તો હતાં જ. પણ આખા મકાનને આવરી લેતી આગલી પરસાળ એક જ હોવાને કારણે એકબીજીના ચૂલાના ધુમાડા પરસાળ વાટે થઈને વળોટી જતા અને એ ધુમાડો જ જાણે બેય બહેનોનાં હૃદયમાં ધૂંધવાતા વૈરાગ્નિને વધારે પ્રજવાળતો. પિયરિયાં સગાંઓએ આ સગી બહેનો વચ્ચે સમાધાન કરાવવાના બહુ બહુ પ્રયત્નો કરી જોયા; પણ માનવંતી અને નંદનનો વિચાર તો વધુમાં વધુ ઝેર માના પેટમાં જ હોય એ કહેવત માટે નવું ઉદાહરણ પૂરું પાડવાનો હતો. ભલેચૂકેય એમની ચાર આંખ મળી જતી તો બેય પક્ષ તરફથી ગાળોનો વરસાદ વરસતો. નંદનની ફરિયાદ એ હતી કે માનવંતીએ મારી જિંદગી ધૂળધાણી કરી. આ આક્ષેપ સાથે માનવંતી તરફનો રદિયો છેવટે એટલી હદે પહોંચ્યો કે વાંઝણી નંદને આવીને મારા ધણીને વારસ વગરનો રાખ્યો છે.
વખત જતાં વસ્તુસ્થિતિ એટલી તો વણસી ગઈ કે બન્ને બહેનોને એકબીજાના ઓછાયા ઝીલવા ન પડે એ માટે પરસાળ વચ્ચે આડી દીવાલ ચણાવીની લેવાની આભાશાને ફરજ પડી.
પરસાળ વચ્ચે દીવાલ ચણાવીને મકાનની આવી બેહૂદી વહેંચણી કરવાનો બનાવ ગામ આખામાં ટીકાપાત્ર અને હાસ્યપ્રેરક બન્યો. આભાશાની એક વખતની આકાંક્ષા તો એવી હતી કે રિખવ પછી પોતાને બીજો પુત્ર થાય તો જતે દહાડે બન્ને ભાઈઓ પરસાળ વચ્ચે એક દીવાલ ચણીને મકાનની વહેંચણી કરી લિયે. બે પુત્રોને બદલે બે પત્નીઓ માટે એ યોજના અમલમાં મૂકવી પડી એ માટે આ બે ગોરીનો નાવલિયો ઘણી વેળા કોઈ ફિલસૂફને શોભે એવું કારુણ્યભર્યું હાસ્ય અનુભવી રહેતો.