shabd-logo

બબલીએ રંગ બગાડ્યો...

29 May 2023

11 જોયું 11

"કેમ, માસ્તર, આપણે આવતા શનિવારે ઊપડવાનું છે. - તૈયાર છો ને ?"

"હા જી; તો હું કુટુંબને જલદી દેશમાં મૂકી આવું."

"વારુ, આંહીં પાછા ન આવવું હોય તો તમે બારોબાર અમને ટ્રેઇન પર ... જંકશને જ મળજો. તમારે રહેવું હોય તો બે દિવસ વધુ ઘેર રહી શકો છો."

"ના જી. મારે જરૂર જ નથી."

"તમારી ટિકિટ પણ ફર્સ્ટ કલાસની જ કઢાવજો, હાં કે !"

"આપણે જંકશને મળશું ત્યાંથી જ કઢાવીશ."

"નહિ નહિ, તમારા જ સ્ટેશનથી કઢાવી લેજો. એમાં શી વિસાત છે ?"

"તો હું આજે જ ઊપડું ?"

"હા, ને ત્યાં હિમાલયમાં ઠંડી બહુ પડે છે; તમારે માટે ગરમ કપડાં જોઈશે. આપણા દરજીને માપ આપી આવો આજે. અમે તમારાં કપડાં લેતાં આવશું."

બક્ષી માસ્તરને અને શેઠાણીને આટલી વાત થયા પછી બક્ષી માસ્તર ઊઠ્યા. પોતાના પ્રત્યેની શેઠ-કુટુંબની આટલી બધી કાળજી એને અચંબો પમાડી રહી. શેઠનાં બાળકોના ટ્યૂટર થવાનો મોટામાં મોટો લાભ બક્ષી માસ્તરે આ જ માન્યો હતો : પોતાનું સ્વમાન રક્ષાતું હતું; પોતાના તરફ ખુદ શેઠ જેટલી જ સંભાળ રખાતી હતી.

બીજો લહાવો હતો હિમાલયના ખોળામાં આળોટવાનો. કૉલેજમાં ​હતા ત્યારે બક્ષી માસ્તરે 'કુમાર-સંભવ’ નામનું કવિવર કાલિદાસનું મહાકાવ્ય લગભગ કંઠે કર્યું હતું. હિમાલયનાં હિમ-શૃંગો, ઝરાઓ, હર-ગૌરી બન્નેનાં તપસ્થાનો અને આપણી પ્રાચીન સંસ્કૃતિનાં ઊગમસ્થાનો જોવાનું સ્વપ્ન પણ એ પોતડી પહેરીને ભણનાર એક બ્રાહ્મણપુત્રને મન દોહ્યલું હતું. કોઈ બીજા ઠેકાણાની નોકરી મળી હોત તો બીજી બધી વાતે ચાહે તેટલું સુખસાધન મળત છતાં હિમાલયના સૂર્યોદય ને સૂર્યાસ્ત તો એને માટે કદી ન પહોંચાય તેટલા દૂર જ રહ્યા હોત ને ! આંહીં તો પ્રત્યેક ઉનાળે આખા દેશનાં શીતળ ક્રીડાસ્થળોનાં પર્યટનો સાંપડવાની સગવડ હતી.

જુવાન પત્નીને અને નાનાં બાળકોને પોતાને ગામડે માતપિતા પાસે મૂકી આવીને જ્યારે બક્ષી માસ્તરે ગામડાના નાનકડા સ્ટેશન પર ફર્સ્ટ ક્લાસની ટિકિટ માગી ત્યારે સ્ટેશન-માસ્તરને દોડાદોડ થઈ પડી. પોલીસ કોન્સ્ટેબલે દૂર ઊભે ઊભે આ ફર્સ્ટ ક્લાસ પેસેન્જરના દીદાર તપાસ્યા. એનું બિસ્તર પડ્યું હતું તેમાં કોઈ ચોરીનો અથવા દાણચોરીનો કિંમતી માલ હોવાનો પણ શક ગયો. પણ બક્ષી માસ્તર પાણીદાર જુવાન હતા. એણે એક પણ આડાઅવળા પ્રશ્નનો જવાબ આપવાની ના કહી. માસ્તરને જણાવી નાખ્યું : "કાં ટિકિટ ફાડો નહિ તો તમારા ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ પરનો આ તાર સ્વીકારો."

સર્વ ઉતારુઓને અજાયબ કરતા બક્ષી માસ્તર છેવટે પૂર્ણ દરજ્જાથી પહેલા વર્ગના પ્રવાસી બન્યા. સાંજે ... જંક્શન આવ્યું તે પછી રાતના અગિયાર વાગ્યા સુધી પહેલા વર્ગના ડબામાં ચૈત્ર મહિનાના અંધારિયા પખવાડિયાની મોડી રાતની ચાંદની રેલાતી રહી. અને શેઠની નાની પુત્રી વિશાખાનાં નૃત્ય ચાલ્યાં. મોટી પુત્રી મયંકીએ પોતાનાં ચિત્રોનું એક આલ્બમ તૈયાર કર્યું હતું તે સૌએ જોયું ને તેની ખૂબીઓ પર બક્ષી માસ્તરે ટૂંકી ટૂંકી વિવેચનાઓ આપી. પછી શેઠાણીના દિલરુબા પર બેઠેલા હાથનો પણ પરિચય જડ્યો. બીજા જે બે-ત્રણ સાથીઓને સાથે લીધા હતા તેમણે પોતપોતાની કરામતો બતાવી. આખરે શેઠનો વારો આવ્યો. બક્ષી માસ્તરને સહુથી મોટું આશ્ચર્ય તો એ લાગ્યું કે આડા દિવસનું પોતાનું તમામ ​અક્કડપણું સરપ પોતાની કાંચળી ઉતારી નાખે એટલી આસાનીથી ઉતારી નાખીને શેઠે હાસ્ય-રસની જમાવટ કરી મૂકી.

પોતપોતાના ડબામાં સૂઈ ઊઠીને વળતા પ્રભાતે સહુ પાછા શેઠ-શેઠાણીની જોડે ચહા-નાસ્તામાં જોડાયા. ભેળા વનસ્પતિશાસ્ત્રના શિક્ષકને લીધા હતા, તેણે સડકની બેય બાજુનાં નવાં નવાં ઝાડો વિષેનું જ્ઞાન શેઠપુત્રી વિશાખાને આપવા માંડ્યું. બીજા એક મણિપુરી નૃત્યકાર હતા, તેણે વિશાખાને નવા નૃત્યનાં પગલાં બતાવ્યાં. ચિત્ર-શિક્ષકે મયંકીને તેમ જ શેઠપત્નીને નવી કૃતિ દોરવાને માટે એ ઊઘડતા પ્રભાતનું દૃશ્ય બતાવ્યું.

જબલપુર બાજુની નર્મદા નદી આરસના પહાડો વચ્ચે થઈને એ પ્રત્યેક પહાડ-સૌંદર્યની જાણે કે પદ-ધૂલિ લેતી જતી કોઈ પૂજારણ જેવી ચાલી જતી હતી. એને તીરે ઊભેલ બે હરણાં જાણે કે એ સૌંદર્ય-યાત્રિકાનાં નીરમાં પોતાના પડછાયા પાડીને પણ પાવન બનતાં હતાં. આઘેઆઘે ગોવાળ કોઈ વિરહ-ગીત ગાતો હતો. પણ ધમધમાટ દોડી જતી આગગાડી એના શબ્દો પકડવા આપતી નહોતી.

"બક્ષી માસ્તર !" શેઠાણી વિનયપૂર્વક બોલ્યાં : "આ બધા પ્રદેશોનાં ઇતિહાસ-ભૂગોળ પણ વિશાખાને કહેતા જશો ને ?"

"હા જી; પછી વિશાખાબહેન એ પરથી વાર્તારૂપે જે પરિચય લખશે તેને આપણે ’જીવતી ભૂગોળ’ નામથી છપાવીએ પણ કાં નહિ ?"

"હા, એ તો લખે તેવી છે."

"મેં એની શૈલીનો વિકાસ થાય તેવી તાલીમ આપ્યા જ કરી છે."

"એ તો ઝટ પકડી લેશે."

યાત્રાળુઓ પૂર્વ બંગાળમાં પહોંચ્યાં, ને બક્ષી માસ્તરે પોતાની નોંધપોથીમાં ટપકાવ્યું કે ’કુદરતે સંન્યાસ લેતાં પહેલાં છેલ્લાં આભૂષણો જાણે કે આંહીં ઉતાર્યા હશે.’

ટપકાવીને તરત એણે વિશાખાને વંચાવ્યું. વિશાખાને કંઠે એ વાક્ય રમતું થઈ ગયું. દોડતી ને કૂદતી એ પોતાના ચિત્રગુરુ પાસે ગઈ. ચિત્રગુરુએ પોતાની પોથીમાં જે રેખાઓ પાડી હતી તેનું વિશાખાએ બારીક નિરિક્ષણ ​કર્યું. પછી વનસ્પતિના શિક્ષક પાસે ગઈ. એમની પાસેથી આ વનરાજિના ગુણદોષ જાણ્યા. સંગીતાચાર્યે વિશાખાને પદ્મા નદીના નાવિકોના ગાનની સરગમ બાંધી આપી. મણિપુરી નૃત્યકારે નદીના નીરની ગતિમાંથી નવો એક નૃત્ય-પ્રકાર વિશાખાને માટે ઊભો કરી આપ્યો.

બે મહિનાના પર્યટનની રસલૂંટ લૂંટીને યાત્રિકો પાછાં વળ્યાં. બક્ષી માસ્તર સીધેસીધા પાછા પોતાના કુટુંબને તેડવા પોતાને ગામ ચાલ્યા.

"ત્યાં રોકાશો નહિ, હાં કે માસ્તર !" શેઠાણીએ કહ્યું: "વિશાખા આ બધું ભૂલી ન જાય તે માટે આપણે તરત જ ’લેસન્સ’ શરૂ કરી દેવાં છે." 

ફરી પાછા માસ્તર એ નાના સ્ટેશને પહેલા વર્ગના ડબામાંથી ઊતર્યા ત્યારે સ્ટેશન-માસ્તર અને પોલીસ-કોન્સ્ટેબલ ચકિત થયા. વળતા દિવસે એ જ જુવાનને કુટુંબ સહિત ત્રીજા વર્ગની ટિકિટ માગતો સાંભળીને સ્ટેશન-માસ્તરની મૂંઝવણ વધી ગઈ.

રસ્તે બક્ષી માસ્તરે પત્નીને પણ પ્રવાસની વાતો કરી. ચાતક મેઘજળને ઝીલે તેટલી મુગ્ધતાથી એ ગ્રામ્ય સ્ત્રીએ પતિના મોંની વર્ણનધારાઓ પીધી.

"પણ વિશાખાબેનની તો શી વાત !" બક્ષી માસ્તરે તમામ વર્ણનોની વચ્ચે વચ્ચે વિશાખાનાં વખાણની વેલ્ય ગૂંથ્યા કરી: "અમે જે કંઈ એક વાર બતાવીએ તે વિશાખાબેન તો પકડી જ પાડે, ભૂલે જ નહિ."

"આ તમારી બબલીય..." માસ્તર પત્નીએ ખોળામાં સૂઈ ગયેલી પોતાની બે વર્ષની છોકરીને મોંએ હાથ ફેરવીને કહ્યું: "આ તમારી બબલીયે અસલ એવી જ થવાની છે, જોજો ને !"

એટલું કહીને બબલીની માએ મોં નમાવ્યું. બબલીના સૂતેલા મોં પર એણે એક ચૂમી ચોડી, એ એક ચૂમીથી ન ધરાતાં એણે ઉપરાઉપરી નવી બચીઓ ભરી. પ્રત્યેક બચીએ એ બોલતી ગઈ: "એવી..ઈ...ઈ જ થશે - જોજોને ! જોજોને એવી ઈ...ઈ જ થશે !"


​પછી બબલીની બાએ વૈશાખ-જેઠ બે મહિનાભરના બબલીની બુદ્ધિચાતુરીના નાનામોટા પ્રસંગો યાદ કરવા માંડ્યા:

"એક દિ‘ તો બાપુ શ્લોકો ગાતા, તે બબલી એકધ્યાન થઈને સાંભળી રહી.

"રાતે આપણા ચોકમાં રાસડા લેવાય, એટલે બબલીય તે માથે મારી સાડીનું ફીંડલું ઓઢીને હારબંધ ઊભી રહી જાય; પછી તાળીના કાંઈ લે‘કા કરે, કાંઈ લે‘કા કરે ! બધા તો હસીહસીને બેવડ વળી જાય.

"અરે, શું વાત કરું ? મારું કંકુ લઈને એક દા‘ડો તો કાંઈ પોતાનું મોં રંગ્યું‘તું એણે !

"જે કોઈ પંખીને બોલાતું સાંભળે તેની બોલી કર્યા વિના બબલી રહે જ નહિ ને !

"બાપુજીએ તો બબલીના ચેનચાળા જોઈને પચીસ વાર કહ્યું છે કે, આ છોકરી રાંડ મોટપણે શુંનું શુંય કરશે !"

ગાડીનો વેગ વધતો જતો હતો. પણ એનો ગડુડાટ બક્ષી માસ્તરને યાદ રહ્યો નહિ. સ્ટેશનો પણ અણપેખ્યાં જ આવ્યાં ને ગયાં. બક્ષી માસ્તર બબલીનાં પરાક્રમો સાંભળતા રહ્યા. છતાં પત્નીના હસવામાં એનાથી શામિલ ન થવાયું. પત્ની જ્યારે જ્યારે બબલીની કોઈક બુદ્ધિશક્તિ પર આનંદના ઓઘ ઠાલવતી હતી ત્યારે ત્યારે બક્ષી માસ્તરના મોં પર ખારાપાટના પોપડા વળી જતા હતા. 

એ પછી વધુ વાતચીત સાંભળ્યા વિના જ બક્ષી માસ્તર મોટરગાડીમાં ચડ્યા. ઘેર પહોંચતાં સુધીમાં એણે આ વખતના પર્યટનનું બધું જ આકર્ષણ કલ્પનામાં ગોઠવી લીધું. આ વખતે તો દક્ષિણનો પ્રવાસ છે. સુખડથી મહેકતો મલબાર: સંગીતધામ બેંગલોર: નાળિયેરની વનરાજિઓ: ​હિમાલયનાં શૃંગોને હિંદુ પ્રજા કેમ જાણે ઉતારી ઉતારીને દક્ષિણમાં સાથે લઈ આવી હોય તેવા ગગનચુંબી મંદિરો: મહાબલિની વિરાટ પ્રતિમા: કથકલી નૃત્યો: જળઘેરી ને કાજળઘેરી સુંદરીઓ: અને સ્વપ્નભૂમિ સિંહલદ્વીપ. પછી એ સઘળા પર્યટનોમાંથી હું નવીન જ ઢબે હિંદના ઈતિહાસ-ભૂગોળ આલેખી શકીશ. જ્ઞાનનો વારિધિ મારી કલ્પનામાં ઉછાળા મારશે. આટલા બધા માનપાન સાથે મને આવી યાત્રાઓ કરાવનાર માલિકો બીજે ક્યાં મળે ?

પણ... મારા દિલ જોડે મારે આ વખતે આટલી બધી દલીલો કેમ કરવી પડે છે ? ગયા વર્ષે તો આ બધા પ્રલોભનો ગણી ગણી તપાસવાની જરૂર નહોતી પડી ! આ વખતે મન પાછું કેમ હટે છે ? વારે વારે મારા એ દક્ષિણના કલ્પના-વિહારોમાં કોણ હડફેટે આવે છે? મોટી વિશાખા અને નાનકડી રોહિણીને હું સેતુબંધ રામેશ્વરની વાત કરતો હોઈશ એવું જ્યારે કલ્પું છું ત્યારે કોણ મારા હાથ પકડીને ખેંચતું મને કહે છે કે ’બા-પા...બા-પા...મને...મને...મને...’

મોટરમાંથી ઊતરીને પોતે શોફરને કહ્યું: "થોડી વાર થોભજો તો, ચિઠ્ઠી મોકલવાની છે."

અંદર જઈને પોતે શેઠાણી ઉપર કાગળ લખ્યો:

માનવંતા બાઈશ્રી,

પ્રવાસમાં હું નથી જોડાઈ શકતો, દરગુજર ચાહું છું. હવે પછી પણ ઉનાળાના પ્રવાસોમાં મને જોડે ન લઈ જવાની શરતે જ હું નોકરીમાં રહી શકીશ.

તમારા તરફથી તો મને કોઈ જ કારણ મળ્યું નથી. તમારી રીતભાત અને રખાવટમાં જે સમાનતાનો ભાવ છે તે તો વિરલ છે.

પરંતુ નાની રોહિણીને અને મોટી વિશાખાને જ્ઞાનસમૃદ્ધ બનાવવાની ચોવીસેય કલાકની મારી તન્મયતાના પાયા તળે એક નાનું બાળક ચંપાય છે: એ છે મારી બબલી.

રોહિણીને અને વિશાખાને આખા જગતનું સૌંદર્ય પીવા મળે તેની મને ઇર્ષા નથી; પણ મારી બબલીને હું મારા ગામડાની સીમડીએ તો ફેરવું, એટલી ​જ મારી ઇચ્છા છે.

તમારી સૌની વચ્ચેનાં મારાં ગુલતાનો ગયા વર્ષે જડ હતાં, આ વખતે એમાં એક જ બિંદુ ઝેર જેટલી સમજ પેસી ગઈ છે કે ચોવીસેય કલાક તમને હું આનંદ કરાવતો હોઈશ ત્યારે મારી ગ્રામ્ય પત્ની મૂઢ સંતોષ પકડીને મારે ગામડે બેઠી હશે.

આ વિચારો પર આપણી મંડળી પેટ ભરીભરીને હસશે એ હું કલ્પી શકું છું

પત્ર લખી કાઢ્યો, વાંચી જોયો, ફરીફરી વાંચ્યો. બીડ્યો. લઈને બક્ષી માસ્તર મોટર સુધી ગયા.

એકાએક એણે શોફરને કહ્યું: "કંઈ નહિ... ચિઠ્ઠી નથી આપવાની. લઈ જાઓ ગાડી."

પાછા આવીને કાગળને એણે પોતાના ખાનગી કાગળોની ફાઇલમાં પરોવ્યો. પરોવતાં વિચાર્યું કે આજે તો હું સ્થિતિનો ગુલામ છું, મૃત્યુ પછી મારા મનના અગ્નિની પિછાન આ કાગળ કરાવશે.

બબલીને અને બબલીની માને ગામડે મૂકીને ત્રીજા દિવસે જ્યારે બક્ષી માસ્તર એ પહેલા વર્ગની મુસાફરોની મિજલસમાં જોડાયા ત્યારે એમણે જોઈ લીધું કે નાની રોહિણી ચીસો પર ચીસો પાડતી હતી. 

20
લેખ
મેઘાણી ની નવલિકાઓ ખંડ - ૧
4.0
પ્રખ્યાત કવી અને લેખક ઝવેરચંદ મેઘાણી રચિત સુંદર વાર્તા નો સમાવેશ
1

ચંદ્રભાલના ભાભી

29 May 2023
14
0
0

      વાર્તાલેખક ચંદ્રભાલની સ્ત્રીનું જ્યારે અવસાન થયું ત્યારે આખાય ગુજરાતે પોતાને માથે આપત્તિ પડી માની. ચંદ્રભાલને ઘેર દિલાસાના કાગળો સવાર અને સાંજ બન્ને સમયની ટપાલમાં વરસવા લાગ્યા. એની મેડીના રવેશમા

2

બેમાંથી કોણ સાચું?

29 May 2023
7
0
0

     તે દિવસથી હું વિચારમાં ગરક રહું છું,વાંચેલી ચોપડીઓનાં તારતમ્ય ગોતું છું: કોણ સાચું? હું રામલાલ એમ.એ.? કે એ રસૂલ ચપરાસી?લાહોરથી હું પાછો ફર્યો ત્યારે મારા અંતઃકરણમાં કેટકેટલી છૂરીઓ ચાલતી હશે તે તો

3

બબલીએ રંગ બગાડ્યો...

29 May 2023
5
0
0

"કેમ, માસ્તર, આપણે આવતા શનિવારે ઊપડવાનું છે. - તૈયાર છો ને ?" "હા જી; તો હું કુટુંબને જલદી દેશમાં મૂકી આવું." "વારુ, આંહીં પાછા ન આવવું હોય તો તમે બારોબાર અમને ટ્રેઇન પર ... જંકશને જ મળજો. તમારે રહે

4

શિકાર

30 May 2023
4
0
0

શિકાર વીજળીની કોશ બનાવીને કાળ એક દિવસ ત્યાં હળ હાંકતો હશે. બે-ચાર ઊથલ મારીને એણે ખેડવું છોડી દીધું હશે. એટલે જ સોરઠની એ ચોયફરતી સપાટ જમીનમાં ફક્ત આઠ-દસ ગાઉની અંદર પડખોપડખ ચારેક ઊંડી નજર પડી ગઈ છે

5

મરતા જુવાનને મોએથી

30 May 2023
1
0
0

મરતા જુવાનને મોંએથી [બનેલી ઘટના પરથી] ઉમેદસીંગ ગોહિલના દીકરાને રોગ ઘેરાઈ ગયો હતો. એને ધનુરવા ઊપડ્યો એ પરથી સર્વને લાગ્યું કે હવે આ રોગ મોટો છે. "હું હવે અંદર આવું?" ઉમેદસીંગે પુત્રના મંદવાડના ઓ

6

રોહિણી

30 May 2023
1
0
0

રોહિણી આગગાડી ઘણે દૂર નીકળી ગઈ હતી. બારીમાંથી ફરફરતો પીળો રૂમાલ ક્યારનો અદૃશ્ય થયો હતો. ગાર્ડનો છેલ્લો ડબ્બો કોઈ સ્વજનની મીંચાતી જતી આંખના તારા જેવો ઝીણો ને ઝીણો થતો જતો હતો.તે છતાં રણ જિતે હજુ પ

7

પાપી !!!

30 May 2023
1
0
0

પાપી !    રાતના બે વાગ્યાથી કાળુ એના આંગણાની આંબલી નીચેના જૂના, ભાંગલા બાંકડા ઉપર બેઠેલો હતો. બેઉ ગોઠણ વચ્ચે માથું દબાવીને એ અંધારામાં તાકી તાકી જોતો હતો કે પોતાના ઘરનું કમાડ ક્યારે ઊઘડે! આટલા સ

8

ઠાકર લેખા લેશે !!!

30 May 2023
1
0
0

ઠાકર લેખાં લેશે! "તું જાણ્યને ઠાકર જાણે,ભાઇ!" પદમા કણબીએ જ્યારે એના લહેકાદાર લાંબા અવાજે આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે એના હાથમાંની લોટની ટોપલી એક સરિયામ રસ્તા ઉપર ઊંધી વળી રહી હતી, અને એની આંખો એક

9

ડાબો હાથ !!!

30 May 2023
0
0
0

ડાબો હાથ જુનવાણી કાળનું જંક્શન સ્ટેશન હતું. રેલ્વે-ખાતાએ પોતાના અસલી વહીવટના ચીલા હજુ બૂર્યા નહોતા. સ્ટેશન માસ્તરોને તેમજ ગાર્ડોને પોતાના શ્વેત બની ગયેલા કેશનું, બારેય કલાક કઢાયા કરતી લાલચોળ ચાનું,

10

કલાધારી !!!

30 May 2023
0
0
0

કલાધરી "આજે ન જા તો?" પુરુષોત્તમદાસથી ચા પીતાં પીતાં આટલું જ પુછાઇ ગયું. પુછાતાંની વાર જ તનુમતીનો ચહેરો ઊતરી ગયો. એની આંખોમાંથી ઠલવાતાં આંસુએ કોઇ પણ કવિની કલમને એક ડઝન ઊર્મિગીતો ઠાલવી નાખવાની પ્રે

11

પાનકોર ડોશી !

30 May 2023
0
0
0

પાનકોર ડોશી   એ જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું. પણ એક જ દાયકાની કોઈક અકળ ભીંસ આવી - અને, એક જ થપાટે કોઈ મનુષ્યના બત્રીસેબત્રીસ દાંત હચમચી જાય, તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાનમેદ

12

કારભારી !

30 May 2023
0
0
0

કારભારી આવતી કાલે સાંજે રાજા રાઓલજીના જામદારખાનામાંથી થોડાએક ઝવેરાતની હરાજી થવાની છે. ઝૂંઝા કામદારના સાળા દિલ્હીમાં નામાંકિત ઝવેરી હતા, તે આ હરાજીમાં ઊભા રહેવાને માટે સાંજની ગાડીમાં આવી પહોંચ્યા છે

13

શારદા પરણી ગઈ !!!

30 May 2023
0
0
0

શારદા પરણી ગઈ! મોટર જ્યારે ચબૂતરા પાસેથી પસાર થઈ ગઈ ત્યારે શાક લેવા મળેલાં ગામ લોકોમાંથી એક ભાઈ બોલી ઊઠ્યા: "આવી, બા...પા! કો'ક બચાડા પિસ્તાલીસ વરસિયાની ચોરીનાં માટલાં ફૂટ્યાં સમજો, બાપા! બાપડાને બ

14

રમાને શું સુઝ્યું !!!

30 May 2023
0
0
0

રમાને શું સૂઝ્યું! ગાડી ઊપડવાને પાંચ જ મિનિટ બાકી હતી. રાવબહાદુર સુમંતની મોટરગાડી માર માર વેગે સ્ટેશન તરફ દોટ કરતી હતી; પરંતુ બરાબર ટાવર ચોક ઉપર જ પોલીસ સિપાહી લાલજીનો જમણો હાથ લાંબો થયો. રાવબહાદુ

15

જયમનનું રસજીવન !

30 May 2023
0
0
0

જયમનનું રસજીવન “કાં , તું આવે છે કે ? “ ઓસરીમાં બેઠેલા જયમનભાઈએ પાનની પટ્ટી ચાવતાં –ચાવતાં લજજતથી પોતાનાં પત્ની રમાબહેનને બોલાવ્યાં. દરેક જીવજંતુનો આનંદ પારખવાની અમુક એંધાણી હોય છે: ઢોર વાગોળે છે 

16

છતી જીભે મૂંગા !

30 May 2023
0
0
0

છતી જીભે મૂંગા આજે શાક કેવું થયું છે, રમેશ ?" "સરસ, મોટાભાઈ." આઠ વર્ષનો રમેશ પિતાની સામે જોઈ બોલ્યો. "અને દાળ કેવી, મંજરી ?" પાંચ વર્ષની મંજરીએ જવાબ આપતાં પહેલાં રમેશભાઈ તરફ આંખો માંડી. રમેશે ના

17

હું ?

30 May 2023
0
0
0

હું ટપાલની થોકડી લઇને હમણાં જ બાલકૃષ્ણ આવી ગયો. આજે પણ ગઇ કાલની માફક જ પાંચ ઠેકાણેથી નિમંત્રણો આવ્યાં: જોગેશ્વરીમાં લલિત-કલાનું પ્રદર્શન ખોલવાનું, વીરભૂમમાં બાલસેનાની કવાયતના મેળાવડાનું પ્રમુખસ્થાન

18

બદમાશ !!!

30 May 2023
0
0
0

બદમાશ આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અં

19

વહુ અને ઘોડો !

30 May 2023
0
0
0

વહુ અને ઘોડો સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ: એક હું ને બીજો આ દીવો... હું ભૂલી: જીભ કચરું છું. અત્યારે અર્

20

અમારા ગામનાં કૂતરાં

30 May 2023
0
0
0

અમારા ગામનાં કૂતરાં અમારા ગામનું નવું નામ 'શ્વાનનગર' પાડવાનો ગંભીર વિચાર એક વખત ચાલ્યો હતો.આ વાતને તમે હસવામાં ન ઉડાવી દેશો. પૂછો મારા ઉકરડાકાળના ભાઈબંધ ટભા મસાણિયાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં. હજુ તો

---

એક પુસ્તક વાંચો