shabd-logo

ચંદ્રભાલના ભાભી

29 May 2023

39 જોયું 39

      વાર્તાલેખક ચંદ્રભાલની સ્ત્રીનું જ્યારે અવસાન થયું ત્યારે આખાય ગુજરાતે પોતાને માથે આપત્તિ પડી માની. ચંદ્રભાલને ઘેર દિલાસાના કાગળો સવાર અને સાંજ બન્ને સમયની ટપાલમાં વરસવા લાગ્યા. એની મેડીના રવેશમાંથી માર્ગ પર વેરાતાં ખાલી પરબીડિયાં જાણે ધોળાં, કાબરાં ને આસમાની કબૂતરો જમીન પર ચણવા ઊતરતાં હોય એવી ઉપમા ચંદ્રભાલને સૂઝવા લાગી.

  મરનાર સ્ત્રી પોતાની પાછળ એક નાના, દસ-બાર મહિનાના બાળકને મૂકી ગઈ હતી. બાળક માંદલો હતો. એના બરડાની કરોડમાં એક હાડકું પણ વધતું હતું. એને પાવામાં આવતું દૂધ કે પાણી એ બીજી જ ઘડીએ ઓકી કાઢતો હતો.

    જે જે માસિકો-અઠવાડિકો ચંદ્રભાલની વાર્તાઓમાંથી પોતાની લોકપ્રિયતા પ્રાપ્ત કરતાં તે સર્વના સંપા દકોને મૂંઝવણ થઈ પડી. કેટલાકોની તો ચાલુ સળંગ વાર્તાઓમાં પણ ભંગાણ પડ્યું. મરેલનો વિયોગ અને જીવનારની જંજાળ એ જુવાન વાર્તાલેખકને દાણાની જેમ પીસી નાખતાં ઘંટીનાં બે પડો સમાં બની ગયાં.

   ચંદ્રભાલની જ વાર્તાઓના સંગ્રહને પોતાની 'માળા'ના આવતા પુષ્પ તરીકે બહાર પાડવાનું વચન આપીને લવાજમો મેળવી રહેલા એક પ્રકાશકે ચંદ્રભાલને કહ્યું કે "આ લ્યો વધારે રૂપિયા. છોકરાને માટે આયા રાખી લો. બે નોકરો વસાવો. ફિકર ન કરો. ને તમે પછી માથેરાન - મહાબળેશ્વરની એક સહેલ મારી આવો. મન ચાહે તો તાજમહાલની ​પ્રેમયાત્રા કરો. પ્રેરણા મળશે."

પણ ચંદ્રભાલને ફક્ત નોકરોથી ચાલે તેમ નહોતું. એને તો કોઈ આશ્વાસક અને ગૃહની શૂન્યતાને પૂરે તેવી સહાય જોઈતી હતી. ચંદ્રભાલે એક મિત્રને કહેવરાવ્યું: "આંહી મારી જોડે આવીને તમે અને વૃંદાબહેન રહેશો? 

મિત્રે કાગળનો જવાબ વાળ્યો: પોતાને તો ઑફિસમાંથી રજા મળવાની નથી, ને એકલા પુરુષવાળા ઘરમાં વૃંદાને તો કેમ જ મોકલાય? લોકાપવાદ લાગતાં કંઈ વાર લાગે? પત્નીને એણે ઘેર જઈ વાત કરી, તે સાથે લોકાપવાદનો ડર પણ બતાવી દીધો.પત્નીને વાર્તાનરેશ ચંદ્રભાલના ઘરનો અંધકાર હરવા જવાના કોડ તો હતા, પણ લોકાપવાદની ચિંતા એને સાચી લાગી.

એક બીજા સ્નેહીએ વગર પૂછાવ્યો જ સંદેશો મોકલ્યો કે આવતા ગુરુવારે હું અહીંથી મારાં બાળબચ્ચાંને તારી સંભાળ લેવા રવાના કરું છું; તારે ઠીક પડે ત્યાં સુધી રોકજે.

ચંદ્રભાલે વળતો જ તાર કર્યો કે 'ન મોકલતા. કાગળ વાંચો.'

પણ તાર પછી જે કાગળ ગયો તેમાં ખરી વાતનો નિર્દેશ નહોતો. ખરી વાત આ હતી કે આટલી મમતા બતાવનાર એ મિત્રનાં પત્ની ઝબકબહેન હંમેશાનાં આજારી રહેતાં તેમ જ એમની સાથે પાંચ છોકરાનું કટક હતું. ચંદ્રભાલને લાગ્યું કે આ મિત્રસહાયનો મર્મ કુટુંબને હવાફેર તેમ સ્થળફેર કરાવવાનો હતો. ઝબકબહેનનું આગમન જાતજાતનાં સરકારી કમિશનો માયલા એક કમિશન જેવું થઈ પડશે તેવી એને ખાતરી હતી.

પોતાના વાર્તાસંગ્રહો જેને અર્પણ કર્યા હતા તેવી કેટલીક સ્નેહી સ્ત્રીઓથી પણ ચંદ્રભાલનું જીવનવન મહેકમહેક હતું. મા વિનાનાં બાળકો વિષે અને સ્ત્રીને હારેલા સ્વામીઓ વિષે ચંદ્રભાલે લખેલી વાર્તાઓ વાંચીને આ સ્નેહમૂર્તિ બહેનો ચિત્રકારનાં ચિત્રોને વીસરાવે તેવી વ્યથાભરી રીતે રડી હતી. તેમણે પણ ચંદ્રભાલને 'મન કઠણ કરીને કામમાં લાગી જજો!' કરતાં વધુ કશું લખ્યું નહિ. ​છેવટે, પિસ્તાલીસેક વર્ષની એક વિધવા કણબણને ચંદ્રભાલે છોકરાની સંભાળ રાખવા માટે રોકી. પહેલા જ દિવસે સાંજના અંધારાં ઊતરવા લાગ્યાં એટલે બાઈએ કહ્યું: "ત્યારે હું જાઉં છું, ભાઈ ! સવારે આવીશ."

"કેમ?" ચંદ્રભાલ ચમક્યો. બાઈ પણ વિસ્મયતાભરી ઊભી થઈ રહી. "તમે રાત નહિ રહો?"

"રાત! ના રે, ભાઈ! તું મને કહેતાં લાજતો ય નથી!"

"અરે પણ, માજી!" ચંદ્રભાલ એને સમજાવવા માગતો હતો. "આ છોકરાને..."

"ચૂલામાં જાય તારો છોકરો, હું ઘરડી આખી તારા - વાંઢાના - ઘરમાં છોકરું સાચવવા રાત રઉં!!! મને તેં એવી નકટી જાણી!"

"ઠીક, માજી! કાંઈ નહિ. મારી ભૂલ થઈ." એવું રગરગીને હાથજોડ કરતો ચંદ્રભાલ ઘરમાં ચાલ્યો ગયો. 

પ્રભાતની પ્હો ફાટતી હતી ને બાળકની મૂંગી જીભમાંથી અસ્પષ્ટ ચીસો ફાટતી હતી. વધતું હાડકું એક વરસના છોકરાના વાંસામાં ખીલાની માફક ઠોકાતું હતું. સ્ટવ ઉપર દૂધ ગરમ કરતો ચંદ્રભાલ શીશી સાફ કરવા જતાં શીશી પરની રબરની ડીંટડીને ક્યાંક ભૂલતો હતો.

તે જ વખતે સડક પર એક ટપ્પો અટક્યો. ઘરનું કમાડ ભભડાવીને ટપ્પાવાળાએ હાક મારી: "સંદરભાણ શેઠ, ઉઘાડો; મે'માન છે."

ચીસો પાડતા બાળકને અને સ્ટવ પર ઊભરાતા દૂધને મૂકીને ચંદ્રભાલ બારણા સુધી ચાલ્યો તે દરમિયાન એક જ મિનિટમાં એનાં કલ્પનાચક્ષુઓ સમક્ષ પોતાની સાહિત્યસખીઓના તેમ જ મિત્ર-પત્નીઓના મધુરા ચહેરા સળવળી રહ્યા. વાર્તામાં શોભે તેવી કોઈ મર્મવેધક મિલનઘડી જાણે આવી પહોંચી છે. અંતરની વેદનાનાં હિમશૃંગો હમણાં ઓગળશે અને આવનાર સ્નેહજનના આશ્વાસનથાળમાં ઝિલાશે!

પરંતુ કમાડ ઊઘડ્યું ત્યારે ચંદ્રભાલની કવિતા-કૂંપી ફૂટી પડે તેવું ​જાણે કે એના જીવનમાં એક ઠેબું આવ્યું. ઊઘડતા દ્વારમાં પહેલી તો ત્રણ દિવસનાં જૂનાં ઢેબરાંની ગંધ આવી. એ ગંધમાં અપચાના ઝાડાની વાસનું મિશ્રણ હતું. આવનાર સ્ત્રીના અંગ પર કાળો સાડલો હતો. ચહેરા પરનાં હાડકાંનો આખો માળખો જ જાણે કે હચમચી ગયો હતો. એના હાથમાં પંદર-વીસ ચોમાસાં ખાધેલી એક નાની જૂની ટ્રંક હતી.

"ભાઈ! મારા બાપા!" એટલું કહી એ ચાલીસેક વર્ષની બાઈએ ચંદ્રભાલના દુઃખણાં લીધાં, એ હાથમાંથી ચંદ્રભાલને નાકે છીંકણીની ગંધ આવી.

"હાશ! ખમા તમને, ભાઈ! મારે તો એટલું જ કામ હતું. દેવને દીવેટ માનેલી ઇ મારી ભેરે આવી! તમે સાજાનરવા છો એટલે હાઉં!"

એમ કહીને બાઇ અંદર પેઠી.

"ભાડું કેટલું આપવું છે, ભાભી?" ચંદ્રભાલે મહેમાન સ્ત્રીને પૂછતાં જ ટપ્પાવાળાએ જવાબ આપ્યો: "ભાડું તો ચૂકવી દીધું છે. મેં ઘણી ય ના પાડી; કહ્યું કે સંદરભાણ શેઠ મને વઢે, પણ મે'માન માન્યાં જ નૈ ને! હેં-હેં-હેં!"

"હવેથી ન લેવું હો કે, સાંઈ!" એટલું, કશા જ અર્થ વગરનું બોલીને ચંદ્રભાલ જ્યારે અંદર ગયો ત્યારે બાળકની ચીસો એકાએક અટકી ગઈ હતી. આવેલ સ્ત્રીએ બાળકને તેડી પોતાના ખોળામાં સુવાર્યો હતો ને પોતાના એક કપડાને છેડે બાંધેલ ચીંથરી છોડીને તેમાંથી એક ગાંઠિયાનો દાણો છોકરાના મોમાં મૂક્યો હતો. બાળક એ ગાંઠિયો મમળાવતું હતું. નિત્યના મીઠા દૂધ કરતાં કોઈક નવીન તરેહનો સહેજ ખારો સ્વાદ અને ફરસો સ્પર્શ અનુભવતાં બાળકનાં પેઢાં તેમ જ જીભ લહેર લેતાં હતાં.

"કેમ ભાભી! મારો તાર નહોતો પહોંચ્યો?"

"પોં'ચ્યો'તો, ભાઈ!" બાઈએ જવાબ આપ્યો: "પણ હું તે લાખ વાતે ય આવ્યા વિના રઉં! રઈ કેમ શકાય? અમારા તો ત્યાં શ્વાસ ઊડી ગયા'તા, માડી! તમે શુંનું શું કરી નાખશો? તમારા ભાઈ તો કે' કે જોડે આવું. પણ એનું હૈયું તો તમે જાણો છો ને ફૂટી જતાં વાર નૈ. મેં કહ્યું ​કે નથી આવવું તમારે, હું બાપ-દીકરાને આઠ જ દા'ડામાં આવી સમજો ને! આ એમ કઈને નીકળી પડી. મરતીમરતી પોગી, હો ભાઈ!" એમ કહીને મે'માન સ્ત્રી પોતાને બેસી ગયેલા ઘાંટામાંથી ખડખડાટ હાસ્ય ખેંચવા લાગી.

"કેમ?"

"રસ્તામાં સૂરતથી મને ઝાડો ને ઊલટી! ઝાડો ને ઊલટી! તમારા પુણ્યે જ પોગી છું." 

ચારેક દિવસ ગયા છે. ચંદ્રભાલને ઘરની કોઈ જંજાળ રહી નથી. છોકરો તો પોતાની ભાભીનો જ થઈ ગયો છે. ચંદ્રભાલનાં અધૂરાં લખાણો ચાલુ થઈ ગયાં છે. આંસુડે છાંટ્યા કાગળો પણ પોતાના સાહિત્યપ્રેમી મિત્રોને લખવાનો એને સમય મળે છે. ભાભીની જોડે બહુ બોલવું એને ગમતું નથી; કેમ કે ઘરમાં જતાં જ એને ભાભીનાં ગંદાં વસ્ત્રોની કશીક ઘ્રાણ આવે છે. પોતે જોયું છે કે મુસાફરી કરીને આવ્યા પછી પણ ભાભી હજુ નાહ્યાં નથી.

આઠમા દિવસે એણે પોતાનું બાળક ભાભીની જોડે વળાવ્યું. ખોબો ભરાય તેટલાં આંસુ પાડીને ભાભીએ દિયરને જોડે આવવા વીનવ્યો. "તમને આંઈ એકલા વિચારવાયુ થઈ જશે. ચાલો, ખાડામાં પડે તમારી ચોપડીઉં! તમારા ભાઈને શું તમે ભારે પડશો? હાલો ને હાલો!"

ચંદ્રભાલને આ નોતરામાં સ્વાદ નહોતો. એકલા બાળકને જ એણે મોકલ્યું. સ્ટેશન પર એ ખૂંધાળા બાળકનું દયામણું મોં ન સહાતાં ચંદ્રભાલ બીજી બાજુ મોં રાખી ખૂબ રડ્યો. સ્ટેશનની પગથાર ઉપર પોતાના સુકાએલા પગને ડગુમગુ માંડતાં એ બાળકે ચંદ્રભાલનો પીછો જ ન છોડ્યો. આખરે બાળકને છેતરીને જ ડબામાં લઈ જવો પડ્યો. ગાડી ઊપડી ત્યારે ચંદ્રભાલ ત્યાંથી સરકી ગયો હતો.

ભાભીના ચાલ્યા ગયા પછી ચંદ્રભાલનું અંતર ઊંડી લાગણી અનુભવતું હતું. સ્નેહીજનો અને પાડોશીઓ પણ ચકિત થયાં ને પૂછવા ​લાગ્યાં: "અમને તો ખબર જ નહિ કે તમારે ભાઈ કે ભાભી કોઈ છે. તમે અહીં દસ વરસથી રહો છો છતાં કોઈ દા'ડો કેમ આંહીં આવ્યાં જ નથી તમારાં ભાઈ-ભાભી?"

"દૂરની વાટ. ટૂંકી આવક. નીકળી ન શકે."

એ જવાબ દેતો ચંદ્રભાલ પોતાના અંતરમાં એકાદ ડંખ પણ અનુભવતો હતો. 

ત્રણ વર્ષો આવ્યાં ને ગયાં. ખાનદેશથી આવતા ઓળખીતાઓ ચંદ્રભાલને બાળકના સમાચાર આપી જાય છે: "તમારો છોકરો લહેરમાં છે, હાડકું વધતું'તું તે બેસી ગયું છે. તમને ખાસ કહેવરાવ્યું છે કે એકવાર આવીને છોકરાને જોઈ જાવ."

"મારે જોવાનું શું છે?" ચંદ્રભાલ જવાબ આપતો: "એ તો હવે એનો જ છોકરો છે; ચાય જીવે, ચાય મરે."

ભાઈના કાગળો પણ આવતા: "તારી માન્યતા સાચી છે. તારી ભાભીનાં છેલ્લાં છ વર્ષથી સુવાવડ નથી આવી, એટલે એ તો તારો છોકરો સાચેસાચ પોતાનો હોવાની ભ્રાંતિમાં પડી ગઈ છે. વાતવાતમાં એમ કહી બેસે છે કે 'મારે આ છોકરો આવ્યો ત્યારે...' વગેરે વગેરે!"

બાળકે તેડીને બેઠેલાં ભાભીનો એક ફોટોગ્રાફ પણ ભાઈએ ખાનદેશથી મોકલ્યો છે. એ છબીને ચંદ્રભાલે પોતાના લખવાના ટેબલ પર બરાબર બત્તીની નીચે ગોઠવી છે; હંમેશ ઊઠીને પોતે એ છબીની પાસે પુષ્પો ધરે છે. કોઈ પણ વાર્તા લખવી શરૂ કરતાં પહેલાં પોતે એ ભાભીની પ્રતિમાનું જાણે આવાહન કરે છે.

એ ત્રણ વરસના ગાળામાં ચંદ્રભાલે જે કંઈ લખ્યું તેણે સાહિત્યમાં ભાત્ય પાડી. અનેક સાહિત્યપ્રેમી સ્નેહિઓ તેમ જ સખીઓના એને કાગળો મળ્યા તેમાં લખાઈ આવ્યું કે 'તમારી આ બધી વાર્તાઓ અમે જેટલી વાર વાંચીએ છીએ તેટલી વાર રડીએ છીએ.'

બે વાર્તાસંગ્રહો એણે ભાઈને ને ભાભીને અર્પણ કર્યા. ​ત્રણ વર્ષ વીત્યે ચંદ્રભાલને વિચાર ઊગ્યો: લગ્ન તો નથી જ કરવાં. એકપત્નીવ્રત હિમાયત કરનારી અનેક વાર્તાઓ મેં લખી મારી છે. પરણીશ તો ઠેકડી થશે. લગ્ન-બંધન જોઈતું પણ નથી. મુક્ત જીવન શું ખોટું છે? બાળક હવે આંહીં હશે તો મારે સોબત થશે, ને પુરુષ-નોકરથી હવે ચાલી શકશે.

શરમાતે શરમાતે એણે ભાઈને કાગળ લખ્યો: "બાળક મૂકવા ભાભીને મોકલો. મારા દિવસો જતા નથી. મેં અહીં બધી સગવડ કરી છે, સુંદર બાલમંદિર ચાલે છે તેમાં મૂકી દઈશ."

બાળકને લઈ ભાભી આવ્યાં ત્યારે એનું વય તેતાલીસ વર્ષનું હતું. મોં પ્રફુલ્લિત બન્યું હતું. ગાલના ખાડા પુરાય હતા. ભાભીનું વય જાણે ઘટ્યું હતું.

છોકરાને માટે ભાભી પંદર દિવસ રહ્યાં. તેટલા વખતમાં એનું વય સાઠ વર્ષ પર પહોંચી ગયું.

"છોકરાને આટલો બધો શો હેડો?" ચંદ્રભાલ ખિજાયો. "હજુય ભાભીની પથારી છોડતો નથી! એ નહિ ચાલે. તમે એને ન પંપાળો, ભાભી!"

"હું શું કરું, ભાઈ?" કહીને ભાભી છાનાં છાનાં રડતાં. શું કરવું, હેડો કેવી રીતે છોડાવવો, પોતાના પરથી હેત ઉતારીને બીજાના કંઠે હેત પહેરાવી દેવાનું બાળકને કેવી રીતે કહેવું! કશી ગમ પડતી નહિ. 

20
લેખ
મેઘાણી ની નવલિકાઓ ખંડ - ૧
4.0
પ્રખ્યાત કવી અને લેખક ઝવેરચંદ મેઘાણી રચિત સુંદર વાર્તા નો સમાવેશ
1

ચંદ્રભાલના ભાભી

29 May 2023
14
0
0

      વાર્તાલેખક ચંદ્રભાલની સ્ત્રીનું જ્યારે અવસાન થયું ત્યારે આખાય ગુજરાતે પોતાને માથે આપત્તિ પડી માની. ચંદ્રભાલને ઘેર દિલાસાના કાગળો સવાર અને સાંજ બન્ને સમયની ટપાલમાં વરસવા લાગ્યા. એની મેડીના રવેશમા

2

બેમાંથી કોણ સાચું?

29 May 2023
7
0
0

     તે દિવસથી હું વિચારમાં ગરક રહું છું,વાંચેલી ચોપડીઓનાં તારતમ્ય ગોતું છું: કોણ સાચું? હું રામલાલ એમ.એ.? કે એ રસૂલ ચપરાસી?લાહોરથી હું પાછો ફર્યો ત્યારે મારા અંતઃકરણમાં કેટકેટલી છૂરીઓ ચાલતી હશે તે તો

3

બબલીએ રંગ બગાડ્યો...

29 May 2023
5
0
0

"કેમ, માસ્તર, આપણે આવતા શનિવારે ઊપડવાનું છે. - તૈયાર છો ને ?" "હા જી; તો હું કુટુંબને જલદી દેશમાં મૂકી આવું." "વારુ, આંહીં પાછા ન આવવું હોય તો તમે બારોબાર અમને ટ્રેઇન પર ... જંકશને જ મળજો. તમારે રહે

4

શિકાર

30 May 2023
4
0
0

શિકાર વીજળીની કોશ બનાવીને કાળ એક દિવસ ત્યાં હળ હાંકતો હશે. બે-ચાર ઊથલ મારીને એણે ખેડવું છોડી દીધું હશે. એટલે જ સોરઠની એ ચોયફરતી સપાટ જમીનમાં ફક્ત આઠ-દસ ગાઉની અંદર પડખોપડખ ચારેક ઊંડી નજર પડી ગઈ છે

5

મરતા જુવાનને મોએથી

30 May 2023
1
0
0

મરતા જુવાનને મોંએથી [બનેલી ઘટના પરથી] ઉમેદસીંગ ગોહિલના દીકરાને રોગ ઘેરાઈ ગયો હતો. એને ધનુરવા ઊપડ્યો એ પરથી સર્વને લાગ્યું કે હવે આ રોગ મોટો છે. "હું હવે અંદર આવું?" ઉમેદસીંગે પુત્રના મંદવાડના ઓ

6

રોહિણી

30 May 2023
1
0
0

રોહિણી આગગાડી ઘણે દૂર નીકળી ગઈ હતી. બારીમાંથી ફરફરતો પીળો રૂમાલ ક્યારનો અદૃશ્ય થયો હતો. ગાર્ડનો છેલ્લો ડબ્બો કોઈ સ્વજનની મીંચાતી જતી આંખના તારા જેવો ઝીણો ને ઝીણો થતો જતો હતો.તે છતાં રણ જિતે હજુ પ

7

પાપી !!!

30 May 2023
1
0
0

પાપી !    રાતના બે વાગ્યાથી કાળુ એના આંગણાની આંબલી નીચેના જૂના, ભાંગલા બાંકડા ઉપર બેઠેલો હતો. બેઉ ગોઠણ વચ્ચે માથું દબાવીને એ અંધારામાં તાકી તાકી જોતો હતો કે પોતાના ઘરનું કમાડ ક્યારે ઊઘડે! આટલા સ

8

ઠાકર લેખા લેશે !!!

30 May 2023
1
0
0

ઠાકર લેખાં લેશે! "તું જાણ્યને ઠાકર જાણે,ભાઇ!" પદમા કણબીએ જ્યારે એના લહેકાદાર લાંબા અવાજે આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે એના હાથમાંની લોટની ટોપલી એક સરિયામ રસ્તા ઉપર ઊંધી વળી રહી હતી, અને એની આંખો એક

9

ડાબો હાથ !!!

30 May 2023
0
0
0

ડાબો હાથ જુનવાણી કાળનું જંક્શન સ્ટેશન હતું. રેલ્વે-ખાતાએ પોતાના અસલી વહીવટના ચીલા હજુ બૂર્યા નહોતા. સ્ટેશન માસ્તરોને તેમજ ગાર્ડોને પોતાના શ્વેત બની ગયેલા કેશનું, બારેય કલાક કઢાયા કરતી લાલચોળ ચાનું,

10

કલાધારી !!!

30 May 2023
0
0
0

કલાધરી "આજે ન જા તો?" પુરુષોત્તમદાસથી ચા પીતાં પીતાં આટલું જ પુછાઇ ગયું. પુછાતાંની વાર જ તનુમતીનો ચહેરો ઊતરી ગયો. એની આંખોમાંથી ઠલવાતાં આંસુએ કોઇ પણ કવિની કલમને એક ડઝન ઊર્મિગીતો ઠાલવી નાખવાની પ્રે

11

પાનકોર ડોશી !

30 May 2023
0
0
0

પાનકોર ડોશી   એ જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું. પણ એક જ દાયકાની કોઈક અકળ ભીંસ આવી - અને, એક જ થપાટે કોઈ મનુષ્યના બત્રીસેબત્રીસ દાંત હચમચી જાય, તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાનમેદ

12

કારભારી !

30 May 2023
0
0
0

કારભારી આવતી કાલે સાંજે રાજા રાઓલજીના જામદારખાનામાંથી થોડાએક ઝવેરાતની હરાજી થવાની છે. ઝૂંઝા કામદારના સાળા દિલ્હીમાં નામાંકિત ઝવેરી હતા, તે આ હરાજીમાં ઊભા રહેવાને માટે સાંજની ગાડીમાં આવી પહોંચ્યા છે

13

શારદા પરણી ગઈ !!!

30 May 2023
0
0
0

શારદા પરણી ગઈ! મોટર જ્યારે ચબૂતરા પાસેથી પસાર થઈ ગઈ ત્યારે શાક લેવા મળેલાં ગામ લોકોમાંથી એક ભાઈ બોલી ઊઠ્યા: "આવી, બા...પા! કો'ક બચાડા પિસ્તાલીસ વરસિયાની ચોરીનાં માટલાં ફૂટ્યાં સમજો, બાપા! બાપડાને બ

14

રમાને શું સુઝ્યું !!!

30 May 2023
0
0
0

રમાને શું સૂઝ્યું! ગાડી ઊપડવાને પાંચ જ મિનિટ બાકી હતી. રાવબહાદુર સુમંતની મોટરગાડી માર માર વેગે સ્ટેશન તરફ દોટ કરતી હતી; પરંતુ બરાબર ટાવર ચોક ઉપર જ પોલીસ સિપાહી લાલજીનો જમણો હાથ લાંબો થયો. રાવબહાદુ

15

જયમનનું રસજીવન !

30 May 2023
0
0
0

જયમનનું રસજીવન “કાં , તું આવે છે કે ? “ ઓસરીમાં બેઠેલા જયમનભાઈએ પાનની પટ્ટી ચાવતાં –ચાવતાં લજજતથી પોતાનાં પત્ની રમાબહેનને બોલાવ્યાં. દરેક જીવજંતુનો આનંદ પારખવાની અમુક એંધાણી હોય છે: ઢોર વાગોળે છે 

16

છતી જીભે મૂંગા !

30 May 2023
0
0
0

છતી જીભે મૂંગા આજે શાક કેવું થયું છે, રમેશ ?" "સરસ, મોટાભાઈ." આઠ વર્ષનો રમેશ પિતાની સામે જોઈ બોલ્યો. "અને દાળ કેવી, મંજરી ?" પાંચ વર્ષની મંજરીએ જવાબ આપતાં પહેલાં રમેશભાઈ તરફ આંખો માંડી. રમેશે ના

17

હું ?

30 May 2023
0
0
0

હું ટપાલની થોકડી લઇને હમણાં જ બાલકૃષ્ણ આવી ગયો. આજે પણ ગઇ કાલની માફક જ પાંચ ઠેકાણેથી નિમંત્રણો આવ્યાં: જોગેશ્વરીમાં લલિત-કલાનું પ્રદર્શન ખોલવાનું, વીરભૂમમાં બાલસેનાની કવાયતના મેળાવડાનું પ્રમુખસ્થાન

18

બદમાશ !!!

30 May 2023
0
0
0

બદમાશ આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અં

19

વહુ અને ઘોડો !

30 May 2023
0
0
0

વહુ અને ઘોડો સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ: એક હું ને બીજો આ દીવો... હું ભૂલી: જીભ કચરું છું. અત્યારે અર્

20

અમારા ગામનાં કૂતરાં

30 May 2023
0
0
0

અમારા ગામનાં કૂતરાં અમારા ગામનું નવું નામ 'શ્વાનનગર' પાડવાનો ગંભીર વિચાર એક વખત ચાલ્યો હતો.આ વાતને તમે હસવામાં ન ઉડાવી દેશો. પૂછો મારા ઉકરડાકાળના ભાઈબંધ ટભા મસાણિયાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં. હજુ તો

---

એક પુસ્તક વાંચો