રોહિણી
આગગાડી ઘણે દૂર નીકળી ગઈ હતી. બારીમાંથી ફરફરતો પીળો રૂમાલ ક્યારનો અદૃશ્ય થયો હતો. ગાર્ડનો છેલ્લો ડબ્બો કોઈ સ્વજનની મીંચાતી જતી આંખના તારા જેવો ઝીણો ને ઝીણો થતો જતો હતો.તે છતાં રણ જિતે હજુ પ્લૅટ્ફોર્મ છોડ્યું નહોતું. કદાચ રસ્તામાં કંઈક ભાંગતૂટ થાય, ને ગાડી પાછી ધકેલાતી સ્ટેશનમાં આવે: એવી અશક્ય આશા એને પોતાને પણ અગોચર રહી એના મનના ઊંડાણમાં લહેરાતી હશે.
સ્ટેશનના ફેરીવાળા અને પહેરાવાળાઓએ નવરા પડી, હથેળીમાં જરદાની ચપટી જોડે ચૂનો ચોળી જ્યારે તાળોટા માર્યા, ત્યારે જ રણજિત ધ્યાનભંગ થયો. પેલાઓના તાળોટા તો જરદામાંથી વધારાનો ચૂનોઉડાડી નાખવા પૂરતા જ હતા, પણ રણજિતને લાગ્યું કે કોઈક પોતાની ઠેકડી કરી રહેલ છે, નક્કી કોઈકે એની અને રોહિણીની પ્રેમચેષ્ટાઓ નિહાળી લીધી છે.
"સા... તમામ માણસો મવાલી જ બની ગયા !" એવી એક ટીકાનું તીર દુનિયા પર ફેંકતો એ પ્લૅટ્ફોર્મ બહાર નીકળ્યો.
તારના રેઇલિંગ ઉપર એક મજૂર છોકરી અને તેના જ જેવો મેલોઘેલો જુવાન ઊભાંઊભાં ફક્ત હાથનાં આંગ ળાં જ ચોરીછૂપીથી અડકાવીને હસીહસી વાતો કરતાં હતાં, તે તરફ રણજિત તીરછી નજરે તાકી રહ્યો. જતાં જતાં એણે ને-ચાર વાર પાછળ નજર નાખી.એક ક્ષણ એને યાદ આવ્યું કે આખી દુનિયાને મવાલી કહેનાર હું પોતે શું કરું છું !
મનથી ને મનથી પોતે જવાબ મેળવ્યો: ’હું તો જગતનું નિરીક્ષણ કરું છું. મારે તો એમાંથી મજૂર-જીવનની એકાદ કરુણ સ્નેહકથા દોરવી છે. બાકી તો, આવાં કંગાળ કદરૂપોની ચેષ્ટામાં શું બળ્યું છે કે મારા જેવાને રસ પડી શકે ! મારે તો હવે શી કમીના રહી છે...’
પાછો તાંતણો પેલી ચાલી ગયેલી આગગાડી જોડે સંધાઈ ગયો. એક જ દિવસની ઓચિંતી મુલાકાતમાં, એક કલાકની ટૂંકી ટ્રેઇન-યાત્રામાં, પોતે એક ખૂબસૂરત અને સંસ્કારી સ્ત્રીનું હૃદય જીતી લાવ્યો છે એ વિષે તો હવે તેને કશી જ શંકા રહી નહોતી.
જીવનમાં પહેલી જ વાર એને વિજયનો અવસર સાંપડ્યો; એકધારી અને વિશિષ્ટતા વિનાની એ ફીક્કીફસ સંસારલીલામાં પોતાને ગર્વ ક્કરવા જેવું, નવીનતાનો આઘાત આપનારું ને ફિક્કાશમાં ગુલાબની લાલી ભરનારું એક સ્વપ્ન લાધ્યું: એણે એક સ્ત્રી-હૃદયને જીત્યું હતું.
રોજ પગપાળો ચાલતો હતો તેને બદલે આજે એણે ઘોડાગાડી ભાડે કરી. રસ્તામાં એક હાટડી પરથી મસાલેદાર પાન કરાવતાં કરાવતાં એણે પાનવાળાના મોટા અરીસામાં પોતાનું મોં એક મુગ્ધ માનવીની છટાથી ધારીધારીને નિહાળ્યું. તે દિવસે પહેલી જ વાર એને ભાન થયું કે પોતે બબ્બે દા‘ડે હજામત કરે છે ! આજે પોતાની અણબોડી રહેલી દાઢીની એને શરમ ઊપજી.
દાઢી ઉપરથી એને પોતાની પરણેલી પત્ની તારા યાદ આવી...
તારાને મેં કેટલી વાર કહ્યું છે કે મારે માટે ગરમ પાણીની વાટકી અને હજામતનો સામાન હંમેશાં તૈયાર જ રાખવો ! પણ એનો સ્વભાવ ભૂલકણો છે; એ તો સવારથી જ ચંચીને કડવાણી પાવામાં ને ભૂપલાનાં ફાટેલાં ચડ્ડી-પહેરણ સંધવામાં પડી જાય છે.
તારાને શી પડી છે મારી ! એને મારો ચહેરો સારો હોય કે નરસો તેની શી ખેવના હોય !
પટ-પટ-પટ અવાજ કરતા ઘોડાના ડાબલા રણજિતની આ વિચારસરણીને જાણે કે થાબડી રહ્યા હતા.
પોતે ઘેર પહોંચ્યો તેટલા વખતમાં તો રણજિતને એક તારતમ્ય જડી ગયું હતું કે: મારી પત્ની તારા મને ચાહતી નથી, મારા મન જોડે તારાના મનને કશો જ મેળ નથી; એણે તો એનાં છોકરાં અને એના રસોડાની જ નિરાળી સૃષ્ટિ વસાવી લીધી છે, એ સૃષ્ટિમાં જ એ મસ્ત છે; રઝળી પડ્યો છું ફક્ત હું જ.
છેલ્લાં પાંચ વર્ષોના જીવનપટ ઘૂમી વળેલા એના હૃદયને પ્રત્યેક વિચારમાર્ગેથી એક જ મુકામ મળી આવ્યું કે તારા મને ચાહતી નથી, મને એ સમજતી નથી, અમારે કશો જીવન-મેળ નથી.
જીવનના એક વિરાટ પ્રશ્ન ઉપર આવો સ્વચ્છ વિચાર કરવાની શાંતિભરી અનુકૂળતા આપનાર ગાડીવાનને એણે એક આનો વધારાનો ચૂકવ્યો.[2]
"વેણી લો... વેણી !" એક બાઈનો અવાજ સંભળાયો.
રણજિત એ ફૂલવાળીના કરંડિયા પર નમ્યો. એણે એક બેવડ ગુચ્છની ફૂલવેણી લીધી. વેણીની કળીએ પોતાના મનની એક દલીલ પોતે લખતો હતો: તારા છો મને ન ચાહતી, હું તો એને ચાહું જ છું; તેથી તો આ વેણી લઈ જાઉં છું.
પણ અરેરે ! તારાને વેણી પહેરવા જેવડો ઘાટો અંબોડો જ ક્યાં છે ?
દરેક સુવાવડ પછી એના ઢગલાબંધ વાળ ખરી જાય છે; ને એને તો વાળ સાચવવાની તમા જ ક્યાં છે !
વેણીને શોભાવે તેવો અંબોડો તો ત્યાં રહ્યો રેલગાડીના ડબ્બામાં.
સંધ્યાના દીવા ઘરઘરની બારીમાંથી અંધારાને ધકાવતા હતા. ખીજે બળતો પવન આંકડી વિનાનાં બારીબારણાંને અફળાવી દીવલઓનાં ચૂનો-કાંકરી ખેરતો હતો. રસ્તો ભૂલેલું એક ચકલું ઘરમાં અટવાઈ જઈ તેજમાં અંજાયેલી આંખે બારીના સળિયા જોડે પાંખો પટકતું હતું.
બારણું ઉઘાડતાં જ રણજિતે જોયું તો તારાની બગલમાં કમર પર, ગરમ પાણીની કોથળી દબાયેલી હતી ને એના વાળ વણઓળેલા, વીંખાયેલા પંખી-માળાનાં તણખલાં જેવા, જાણે લમણાંની જોડે ચોંટી રહ્યા હતા.
અંદર જઈને રણજિતે ટેબલ પર વેણીનું લીલું પડીકું પછાડ્યું. એ દેખીતા સંતાપમાંથી એક દલીલે આકાર ધારણ કર્યો: કુદરતી સ્નેહ જ નથી; એટલે જ મારાં ફૂલોની આ વલે થાય છે ને ! એમાં એનો બાપડીનો દોષ શો કાઢું ! અમારો યોગ જ કુયોગ છે.
જેવું તેવું વાળુ જમીને રણજિતે પથારીઓ પાથરી. તારાને એણે ફરીવાર સ્ટવ પેટાવી શેકની કોથળીમાં ગરમ પાણી ભરી દીધું. ને પછી પોતે ભૂપલાને ઉંઘાડવા મંડ્યો. ઉઘાડા બરડા પર પિતાના હાથની મીઠી ખૂજલી માણતો ભૂપલો ઝોલે જતો જતો બોલતો હતો કે -
"બાપુ ! આજે અમાલે લઝા પલી‘ટી."
"કેમ, આજે મંગળવારે શાની રજા ?"
"અમાલા એક માસ્તલ ગુજલી ગયા. કેવી મઝા ! લોજ લોજ એક એક માસ્તલ ગુજલી જાય તો લોજ લોજ લજા પલે ખલું, બાપુ !"
"અરે, ગાંડિયા ! માસ્તરો તે કેટલાક છે ? એમ થાય તોય થોડાક જ દિવસમાં રજાઓ ખૂટી જશે !"
"પન પછી પછી માસ્તલની બા (અર્થાત બૈરી) લોજ લોજ મલે તો લજા ન પલે, હેં બાપુ, ન પલે, હેં બાપુ !" અનંત રજાઓનાં એવાં ગુલાબી સ્વપ્નમાં ભૂપલો ઢળી પડ્યો.
પછી રણજિતે તારાને ગોદમાં ચાંપી પણ એમાં સ્વાદ નહોતો. તારાના શરીર પર હાથ પસવારતાં ઘણીઘણી પ્રેમકવિતાઓ એણે સંભારી જોઈ; ચિત્રપટોમાં નીરખેલાં અનેક મદીલાં, ભિન્નભિન્ન મરોડવાળાં સ્નેહાલિંગ નો ને એણે યાદ કરી જોયા; પણ તારાના ખોળિયામાંથી કશો જ તનમનાટ પ્રજ્જવલ્યો નહિ. ઘડીભર રણજિતને એવો ભ્રમ થયો કે પોતે કોઈ શબને ઝાલ્યું હતું.
તારાને છોડી દઈને એકલા પડ્યાં પડ્યાં રણજિતે એ દિવસની ઘટનાના મણકા ફેરવવા માંડ્યા... શું બન્યું હતું ? કોણ હતી એ ? વિધાતા એના ને મારા જીવનના વાણાતાણા વડે શી નવી ચાદર વણી રહ્યો હશે !
સૂતાંસૂતાં એનાં અંતઃચક્ષુનો કૅમેરા ભૂતકાળ તરફ ખેંચાતો ગયો....
’કડડ...ધબ !’ ભૂતકાળની પહેલી જ સ્મૃતિમાંથી એક અવાજ ઊઠ્યો; પાંચેક વર્ષ પહેલાંનો પડદો ઊઘડ્યો...
એ અવાજ હતો એક બાઈસિકલના પછડાટનો અને સાઇકલ પર બેઠેલ આદમીના લઠ્ઠ કલેવરની પ્રચંડ જમીનદોસ્તીનો.
રોહિણીને રણજિતે તે દિવસે પહેલી જ વાર એના અવિજેય, દુર્દામ ચંડીરૂપે દીઠેલી. કૉલેજમાંથી મોડી સાંજે પરવારીને રોહિણી સાઇકલ પર ઘેર જતી હતી. 'સરદાર બાગ'ના ખૂણા પર વળાંક લેતી વેળા એક બીજી સાઇકલ એની બાજુએ લગોલગ આવી ગઈ; સંધ્યાના ભૂખરા ઉજાસનો અને એકાંતનો લાભ લઈ સાઇકલ ના અસવારે રોહિણીના ગળા પર હાથ નાખ્યો... રોહિણીએ એને ધક્કો મારી સડકની ફરસબંધી પર ચત્તો પાટ પટક્યો ને પછી એ ગંભીર ઈજા પામેલા મૂર્ચ્છિત માણસને ગાડી કરી ઇસ્પિતાલે પણ રોહિણીએ જ પહોંચાડ્યો.
રણજિત વગેરે ને-ત્રણ જણાં ત્યાં ફરતા હતા. સહુએ કહ્યું કે આ બાબત રોહિણી ફરિયાદ કરે તો અમે એના સાક્ષીઓ થશું.
રોહિણીએ જવાબ આપેલો કે "ફરિયાદ તો એને માર પડ્યો છે માટે એ કરશે. ને હું ઇચ્છું છું કે તમે, એના જાતભાઈઓ તરીકે, એને જ પક્ષે સાક્ષી પૂરજો. તમે બધા કંઈ એનાથી જુદા નથી - તમારી પોતપોતાની સ્ત્રીઓને પૂછી જોજો."
એમ કહીને એ કડવું હાસ્ય કરતી પોતાની સાઇકલ દોડાવી ગઈ હતી.
ભૂતકાળની સ્મૃતિનું બીજું પડ ભેદાયું...
કૉલેજના વર્ગો શરૂ થયા છે, પણ એક આળસુ અધ્યાપક હજુ આવેલ નથી.
બસો છોકરાના ગણગણાટ થભી ગયા; ચારસો આંખોએ જોયું કે રોહિણી પ્રોફેસરની બેઠક ઉપર જઈ ઊભી છે, ને એક ચિઠ્ઠી હવામાં ફરકાવતી ફરકાવતી આખા વર્ગને સંબોધી રહી છે: "આજે સવારે મને આ ચિઠ્ઠી મળી છે. એમાં મારા પર લખાઈ આવેલ છે કે -
હું તારી જોડે ફરવા આવવા આઅતુર છું: મને તારો સાથ નહિ આપે ? મારા દિલમાં બીજું કંઈ નથી - એક વાર તારી જોડે ફરવાની ઝંખના છે.લિ. તારા સ્નેહનો તરસ્યો..."
ચિઠ્ઠી વાંચીને પછી એણે એ નિઃશબ્દ વિદ્યાર્થી-સમુદાય તરફ મોં મલકાવ્યું, ને કહ્યું: "લખનારને હું અહીં જ જવાબ આપું છું કે જરૂર, હું તારી જોડે ફરવા આવું. તમે સૌ યુવાનો છો. હું પણ યુવતી છું. તમને કોઈને મારી જોડે ફરવા મન થાય એમાં પાપ નથી. શરમ નથી. તમે માગણી કરો તો હું સુખેથી તમારી માગણીનો વિચાર કરું; હા કે ના કહું. પણ આ નામ છુપાવવાની નામર્દાઈ શા માટે ? નનામી માગણી કરનાર કાયર પોતાની જાતે જ પોતાનો તિરસ્કાર કરાવે છે. મારી જોડે ફરવા આવનારને જો પ્રગટ થવું નથી, તો એનો જવાબ એક જ હોઈ શકે ને તે આ રહ્યો..."
એમ કહીને એણે એ નનામી ચિઠ્ઠીના ઝીણા ઝીણા ચૂરા કર્યા હતા, ને એ પછી શાંત દર્પ સમેત પોતાને સ્થાને જઈ બેઠી હતી.
અધ્યાપકને આવતાં પા કલાકનું વધુ મોડું થયું. પણ એ પંદર મિનિટો સુધી જાણે વર્ગમાં બેન્ચો તેમ જ દીવાલો સિવાય કોઈ જીવતા જીવની હાજરી જ નહોતી.
પછી તો રોહિણીના નામના ભણકારા ઠેર ઠેર અથડાતા. ’રોહિણી’ શબ્દમાંથી અગ્નિચક્રની પેઠે તણખા છૂતતા. એ એક સ્ત્રી હતી તેથી એના તેજપુંજનો દ્વેષ કરતા પુરુષ વિદ્યાર્થીઓ કૉલેજના વ્યાખ્યાનખંડની સભાઓ દરમિયાન બેશક, ગૅલેરીની અંદર બેઠા બેઠા ઇંડું કે ભજિયું રોહિણીના શરીર પર તાકીને પોતાની નિર્વીર્યતાને વ્યક્ત કરતા. પણ પ્રત્યક્ષપણે રોહિણીની આડે ઊતરવાની, એની છાયાનેય કાપવાની, કોઈ જુવાનની મજાલ નહોતી.
રણજિત એ અરસામાં કૉલેજનો નરમ અને ભદ્રિક ગણાતો વિદ્યાર્થી હતો. નારી સન્માનનો એનો ભાવ આ મવાલી છોકરાઓની હીન ચેષ્તાને કારણે ક્ષણે ક્ષણે ઘાયલ બનતો. અને એક દિવસ એણે રોહિણીને કૉલેજના દરવાજા કને જ આંબી જઈને કહેલું કે "મને મારા બંધુ વિદ્યાર્થીઓનાં આવાં અપકૃત્યથી શરમ આવે છે. એક પુરુષ તરીકે હું આપની ક્ષમા ચાહું છું."