shabd-logo

કારભારી !

30 May 2023

1 જોયું 1


કારભારી

વતી કાલે સાંજે રાજા રાઓલજીના જામદારખાનામાંથી થોડાએક ઝવેરાતની હરાજી થવાની છે. ઝૂંઝા કામદારના સાળા દિલ્હીમાં નામાંકિત ઝવેરી હતા, તે આ હરાજીમાં ઊભા રહેવાને માટે સાંજની ગાડીમાં આવી પહોંચ્યા છે.

સ્ટેશન પર રાજનું કોઈ વાહન હાજર ન જોવાથી મહેમાન ભાડે ઘોડાગાડી કરીને બનેવીને ઘરે ગયા; માન્યું કે કાગળ પંહોચ્યો નહિ હોય.

ઘોડાગાડી શહેરની બજાર વચ્ચેથી નીકળી ત્યારે દુકાને દુકાનેથી ઝવેરીના અસ્વાગતની માર્મિક ચેષ્ટાઓ થતી ગઈ. પરંતુ હરાજી તો ઉઘાડેછોગ થવાની હતી, એથી સીધો તો કોઈ આક્ષેપ કોઈથી થઈ શકે તેવું હતું નહિ. ક્યો એવો માર્ગ છે કે જે માર્ગે કારભારી પોતાના સાળાને ખટાવશે ? લોકોને ગમ ન પડી. પણ ગમ ન પડી તો થઈ શું ગયું ? સાળો-બનેવી કોઈક ને કોઈક ઇલમ અજમાવ્યા વિના કંઈ થોડા રહેવાના છે ! ને કારભારી સાહેબને તો હવે જઈફી બેઠી: જમાનો બદલાઈ ગયો: હવે એ લાંબું નહિ ચલાવે: તો પછી જતાં જતાં થોડોઘણો હાથ માર્યા વિના તો થોડા જ રહેવાના ? રહે તો એના જેવો હૈયાફૂટો કોણ ! - તો તો એના કારભારામાં ધૂળ પડી !

"પણ ભાઈ," ડાહ્યા માણસો બોલી ઊઠતા: "હાથ મારવામાંય હિંમત જોઈએ છે. હાથ કેમ મારવો તે તો આ ગોરા એડમિનિસ્ટ્રેટરો જ જાણે છે: આમ જુઓ તો કડકા ને કડકા - તરવારની સજેલી ધાર જેવા; ને આમ નજર કરો તો પાંચ વર્ષે પેન્શન લઈને વિલાયતમાં જઈ મરે ત્યાં ​સુધી લીલાલહેર કરે મારા બે.....ટ્ટા !"

શહેર જ્યારે કાળા ગોરા અમલદારોની આવી સરખામણી કરી રહ્યું હતું, ને 'આપણા કાળાઓને ગોરા અમલદારોની જેમ સિફતથી ખાતાં આવડતું નથી' એવો ખેદજનક નિર્ણય થઈ રહેલ હતો, ત્યારે ઝૂંઝા કારભારીને ઘેર સાળો-બનેવી પાટલા પર બેસી વાળુ કરતા હતા. કારભારીનાં પત્ની જશોદાબહેન, શરીરે સોજા છતાં, રસોડામાં રોટલી વણતાં હતાં.

બહેનના ભાઈની નજર, દરેક જમવા બેસનાર પરોણાની આદત હોય છે તે પ્રમાણે, બહેનના ઘરની દીવાલો ઉપર અને ખૂણાઓમાં, આજુબાજુ, આરપાર બીજા ખંડોમાં સર્વત્ર ચુપકીદીથી ભમતી હતી. થાળીમાં હજુ પીરસવાનું શરૂ થતું હતું. પરોણાના હાથનાં આંગળાં ઉપર બે હીરા જડિત વીંટીઓ હતી, તે વડે થાળીના કાંઠા ઉપર એ ટકોરા મારી રહ્યા હતા.

જમતાં જમતાં સાળા બનેવી વચ્ચે આડીઅવળી વાતો થઈ. તેમાં એકાદ બે વાર ઝવેરાતનો ઉલ્લેખ થયો.

"કુલ કેટલું હશે ?"

"એનો કંઈ નેઠો જ નથી. નોંધબોંધ રાખેલી જ નથી. રાઓલજીની પેઢીનેપેઢીથી એ જ રસમ ચાલી આવે છે કે હોય તેટલું તાળાચાવીમાં પડ્યું રહે; જરૂર પડે ત્યારે વેચીને નાણાં કરવામાં આવે ને સગવડ હોય ત્યારે નવી ખરીદી કરીને ઉમેરવામાં આવે. તે સિવાય તો ભગવાન જાણે - ને બીજો ચાવી રાખનારો."

દેશી રાજ્યોનાં જામદારખાનાંને વિષે આવું કહેવું એમાં અતિશયોક્તિ નથી. જામદારખાનાંના રત્નહીરાના ને મોતીમાણેકના ખજાના હંમેશાં અક્લિત તેમ જ ભેદી રહેતા આવ્યા છે. એ અઢળક દોલતની ચાવીઓ કેવળ વિશ્વાસને જોરે જ સચવાતી આવે છે. એમાંથી પગ કે પાંખો કરી પલાયન થઈ જતાં જવાહિરોને કોઈએ જાણ્યાં નથી. જામદારખાનાંની દુનિયા અતલ છે; એણે કંઈકને નિહાલ કર્યા છે.

ફરી એક વાર અને પછી તો ફરી ફરી વાર ઝવેરીએ બહેનના ઘરની ​ભીંતો નજરમાં લીધી; બનેવીને પણ ટીકી ટીકીને નીરખ્યા કર્યું. ઝૂંઝા કારભારીની ઉંમર તે વખતે સાઠ વર્ષની હતી. એની આંખોમાં ખીલનો રોગ ખૂબ જોર કરતો હતો, ને બહેનના શરીરે સોજા ઊતરતા જ નહોતા.

બહેનનાં છ-સાત છોકરાં રમીને ઘરમાં આવ્યાં ત્યારે પણ મામાએ બધાંને ધારી ધારી નિહાળ્યાં: તે તમામના મોં ઉપર, શરીર ઉપર, કપડાંમાં ને શણગારમાં ગરીબી બોલતી હતી.

વાળુ કરીને કારભારી આવતીકાલના લિલામની તૈયારીને માટે બહાર ગયા. સામી પરસાળે મહેમાનોને માટે રાખેલા ઓરડાની હિંડોળા ખાટે ઝવેરી લાંબું અંગ કરીને સૂતા હતા, ને સામે એક ચાકળો નાખીને પચાસ વર્ષની વયનાં જશોદાબહેન ભાઈ સારુ પાન ચોપડતાં બેઠાં.

"જશોદા !" ભાઈએ હોકો પીતે પીતે વાત કાઢી: "તારું તો ઘર જોઈ જોઈને આજે હું સળગી ગયો છું."

"હોય, ભાઈ !" જશોદા સમજી ગઈ.

"શું 'હોય, ભાઈ' ! કામદારની આંખો જવા બેઠી.... તારું શરીર અટકી પડશે.... છોકરાં હજી નાનાં છે - પણ કામદારને કશો વિચાર જ ન આવે ? કઈ જાતના માણસ !"

"હશે, ભાઈ; જેવા છે તે મારે તો ગિરધર ગોપાળ સમાન જ છે." જૂના યુગની ભદ્રિક બહેને જવાબ દીધો.

"મને બીજું કાંઈ નથી લાગતું, જશોદા ! પણ આવતી કાલે પહેલી ને છેલ્લી તક જેવું છે. હું ક્યાં કહું છું કે કામદાર હરામી કરે કે લબાડીકરે ? હું કશા છળપ્રપંચનીય વાત કરતો નથી. રાજને એણે દેવામાં કશું બાકી નથી રાખ્યું. રાઓલજીને ગાદી અપાવવામાં એણે ગાંઠનાં ગોપીચંદન ખરચ્યાં છે. ને હવે શું રાઓલજીની પાસેથી થોડીક કદર પણ ન કરાવી શકાય ?"

બહેને જવાબમાં ફક્ત નિ:શ્વાસ નાખ્યો. એને ઝાઝું બોલતાં આવડતું નહોતું.

"એમ ઊંડા નિસાસા નાખ્યે તારાં પાંચ છોકરાં નહિ ઊછરે, બાઈ ! ​અને આ ત્રાંબા પિત્તળનાં ઠામડાંય વેચવા પડશે એવા માઠા દા'ડા તું દેખવાની. માટે મારું કહ્યું માન."

તે પછીની વાત ઘણા જ ધીમા અવાજે થઈ.

મધરાતે કારભારી ઘેર આવ્યા ત્યારે પલંગ ઉપર એમના પગ દાબતાં દાબતાં જશોદાએ વાત ઉચ્ચારી. પ્રથમ તો વર્ણન ઘરની ગરીબી વિષે જ થવા લાગ્યું. નિર્ધન સ્વામીની છાયા જેવી પત્ની જશોદા - ઓછાબોલી ને સંતોષી જશોદા - આવી વાત વર્ષે છ માસે એકાદ વાર ઉચ્ચારતી; અને એ ઉચ્ચારતી ત્યારે સૂતો સૂતો સ્વામી પીઢ વયે પણ પત્નીના દેહમાં પોતાના પગની આંગળીઓ વડે ગલીપચી કરી ગરીબાઈની વાતમાંથી યૌવનનો રસ ચૂસતો. આજેય બેઉએ યુવાવસ્થાને ફરી એક વાર પોતાની પાસે તેડાવી.

રાજકાજમાં પ્રભાવશીલ અને ઉપાધિમગ્ન રહેતો પતિ જો કોઈની જોડે ટીખળ કરતો, તો બસ, ફક્ત આ જશોદાની જોડે - તેયે કોઈક વિરલ વેળાએ. આજે ટીખળની જરૂર પડી, કેમકે જશોદા, પુત્રી સાવિત્રીને બીજી વારનું આણું વળાવવાના ખર્ચની માર્મિક વાત કાઢી બેઠી હતી.

"પણ તું ચિંતા શાની કરે છે? ગિરધર ગોપાલની મૂર્તિને રોજ ટપકાં કર્યા જ કરે છે તે શું નાહકની? ઓલ્યો નરસૈંયો ને મીરાં ને બોડાણો કેવાં દોંગાં હતાં ! ફાવી ગયાં ! તું થોડીક હુંશિયાર બનીને માગી લે ને હારબાર !"

"પણ હુંયે હારની જ વાત કરું છું. હાર તો મારો લાલ અનેક જૂજવી જૂજવી રીતે આપે છે...."

"કહે, તને શી રીતે આપવાનો છે ?"

"હું તો માનું છું કે એણે જ - મારા વલાજીએ જ - મારા ભાઇને આજે અહીં મોકલેલ છે."

"હં-હં !" કારભારીનું કુતૂહલ વધ્યું.

જશોદા પતિને કોઈ અકળ સમસ્યાની ચાવી બતાવતી હોય તે પ્રકારે બોલી ગઈ: "મારા ભાઈએ જ કહ્યું કે તમેતમારેય ઊંડા પાણીમાં ન ઊતરો; ફક્ત આટલું કરો કે એ જેના સામી આંખ માંડે, તેની ચિઠ્ઠી ઉખાડી ​ નાખવી."

"શું-શું ?" કારભારી આ સતજુગી સ્ત્રીના ગોટા ઉપર રમૂજ પામતા હતા.

"એમ કે, જામદારખાનું છે ને.... ?"

"હા."

"તે ત્યાં તમે લિલામ વખતે જાવ ને... ?"

"હા."

"તે લગરીક વે'લા જાવ ને.... ?"

"હા."

"મારા ભાઈને જોડે લઈ જાવ - નંગો બતાવવા સારુ લઈ જાવ ખરા ને ?"

"હા હા !"

"એ જે નંગ ઉપર નજર માંડેને તમને ઇશારો કરે તે નંગ ઉપરથી તમારે ચિઠ્ઠી ઉખાડી નાખવી; એટલે એ નંગને લિલામમાં કોઈ માગે નહિ. પછી કાલે તમે એ ઘેર લઈ આવો. પછી મારો ભાઈ છે.... ને એ નંગો છે ! બે-ચાર નાના નંગ હશે તેનું પણ મારો વાલોજી ગિરધર ગોપાળ સાત પેઢી સુધી ખાઈએ એટલું અપાવશે."

કારભારીનાં પગનાં આંગળાં પત્નીના શરીર ઉપર કોમળ સ્પર્શથી ફરી રહ્યાં હતાં, તે ધીમેથી બંધ રહ્યાં. સ્ત્રીએ જોયું કે પતિને આ વાત કંઈક ગળે ઊતરતી જાય છે, એટલે એણે જેટલું કહેવાનું હતું તેની પૂર્તિ કરી: "કોઈ કરતાં કોઈને જાણ થવાની નથી. રાજમાં કોઈને આ વાતનો હિસાબ નથી. તમે એકલા જ બધું જાણો છો. અરે, તમનેય ક્યાં ખબર છે કે, કેટલાં ફલાણાં નંગ ને કેટલાં ઢીકણાં નંગ ! અઢળક ખજાનો.... ખજૂરાના હજાર પગ: એક ભાંગ્યે શો તૂટો આવી જવાનો ?"

કારભારીએ આંગળાં સહેજ સંકોડી લીધાં. જશોદા ફરીથી બોલી: "તમે ભલેને ગંગોત્રીના જળ જેવા નિર્મળ રહ્યા છો, પણ ગામ કાંઈ કહ્યા વિનાનું રહ્યું છે? ગામ તો તમામ ગપત ભંડારની કંઈક વાતો હાંકે છે. ​આમેય જશ નથી ને આમેય લાભ નથી; તો પછી, મારો ભાઈ બચારો કહે છે કે, આવા હૈયાફૂટા શા સારુ થવું? કોણ જશના પોટલા બંધાવી દેવાનું છે ? ને આમાં તો જામદારખાનામાંથી લેવું છે ને ! એ ક્યાં કોઈની ચોરી છે ?"

કારભારી પલંગ પરથી ખડા થયા. બોલ્યાચાલ્યા વિના એ બહાર નીકળ્યા. ચોગાન ઓળંગીને સામી પરસાળે ચડ્યા. અવાજ કર્યો: "નૌતમ ઝવેરી !"

મહેમાન જાગી ઊઠ્યા. કારભારી કશીક મસલત કરવા આવ્યા હશે એમ માન્યું; કહ્યું: "પધારો ને ! કયારે બહારથી આવ્યા ?"

"હું તમને કહેવા આવ્યો છું કે પરોડિયાની ચાર વાગ્યાની ટ્રેઇન છે; તમારે એ ટ્રેઇનમાં ઊપડવાનું છે."

"કેમ ? ક્યાં ?"

"તમારે ઘેર."

"પણ લિલામ ?"

"લિલામમાં તમારે ઊભા રહેવાનું નથી - તમારા નામનો ભાગ સુધ્ધાં કોઈ જોડે રાખવાનો નથી. ને તમારી પઢાવેલી બહેનને પણ તમારે જોડે લઈ જવાની છે."

"કેમ ? કેમ ?"

"તમને ઝવેરાતના વેપારમાં જશોદા ઘણી જ મદદગાર થઈ પડશે."

"પણ...."

"પણ-બણ કશું જ નહિ. હું ઘોડાગાડીની વરધી આપું છું જશોદાને તૈયાર કરું છું. તમને પટાવાળો પોણાચારને ટકોરે જગાડવા આવશે."

એટલું કહીને કારભારી પોતાને ઓરડે ગયા. ત્યાંથી ઠંડીગાર હવાનું કાળજું વીંધીને આવા આવા તૂટક સ્વરો ઝવેરીના કાનમાં પ્રવેશતા હતા:

"ત્રીશ વર્ષ તેં મારું પડખું સેવ્યું - ત્રીશ વર્ષ.... ધિ:ક છે.... હું ભૂલ્યો - કુળ ભૂલ્યો, જોવામાં ભૂલ્યો,... સ્ત્રી મારી શત્રુ.... મને ખબર નહોતી... જાત નહિ, કજાત...." વગેરે વગેરે.


​"પણ...."

"પણ ને બણ કશું નહિ. જાઓ પિયર."

[૨]

"પણ...."

"પણ ને બણ કશું જ નહિ. ચાવીઓ નહિ મળે. તોડો તાળાં"

એ જ ઘરમાં. એ જ પરસાળ ઉપર, પાંચ વર્ષ પછી આ જ બોલના ઘોષ ઊઠી રહ્યા છે. બે અવાજો પૈકી એક અવાજ એ-નો એ જ છે.

પાંચ ચોમાસાંનાં પાણી આ બનાવ ઉપર વરસી ગયાં હતાં.

કારભારી વિશેષ જઈફ બન્યા હતા. જશોદાને વધુ સોજા ચઢ્યા હતા. જુવાનજોધ પુત્રના અવસાનના જેવો મામલો મચી રહ્યો હતો. રાજના પોલીસ-અધિકારી ફતેહખાન પોતાની ટુકદી લઈને કામદારના ઘર પર આવી ઊભા હતા. પોલીસને બહાર ખડી કરી ફતેહખાન અંદર લાચાર ચહેરે વિનય ધરીને કારભારીને સમજાવતા હતા:

"પણ, સાહેબ, આપને ખાતરી છે, તો પછી ચાવીઓ આપવામાં વાંધો શો છે ?"

"નહિ, નહિ; ચાવીઓ નહિ આપું. મહારાજા રાઓલજીનું જ આ મકાન છે, એની જ આ ધરતી છે: સુખેથી એ જડતી લઈ શકે છે પણ તે તાળાં તોડીને, મારી ચાવીઓ વતી તાળાં ખોલીને નહિ."

"સાહેબ, પણ આમાં મારી કમબખ્તી છે. હું આપનું ફરજંદ: મારે ઊઠીને તાળાં તોડવાં !"

"જરૂર, રાઓલજી ઊઠીને પોતાના ફરજંદની જડતી લે છે, તો તમને શો વાંધો ? તોડવાં !"

"રાઓલજીને કોઈએ ભરાવ્યું છે, તે તો અબઘડી નીકળી જશે ને એ શરમિંદા બનશે, સાહેબ ! ફક્ત આપ જો...."

"કશું જ બીજું બનવાનું નથી, ખાનસાહેબ !" કારભારીનું શરીર ધ્રૂજી ઊઠ્યું હતું: "તોડો તાળાં ને ગોતી લ્યો ગંઠો."

એક પહેરણભર કારભારી ચોગાનમાં ઊભા રહ્યા. પરસાળને ખૂણે ​એનાં નાનાં ભાણેજડાં રડારોળ કરતાં હતાં, ને જશોદા બે હાથ જોડીને વિનવતી હતી કે, "શા સારુ તોડાવો છો ? ચાવીઓ આપવામાં આપણું શું જાય છે ?"

"તું ઊઠીને મને આવી શિખામણ આપે છે કે ?"

કારભારીના સ્વરમાં ચિરાડો પડી રહી હતી.

ફતેહખાને બહાર જઈ ત્રણ-ચાર ઠેકાણે ટેલિફોનો કર્યા. ભારે પગલે એ ઘરમાં આવ્યા; સાથે સીદી સિપાહીઓ હતા.

મુખ્ય ઓરડામાં જઈને ફતેહખાને સિપાહીઓને પહેલી પેટી બતાવી.

એ પેટી ઉપર સિપાહીઓના હથોડા જે ક્ષણે પ્રથમ વાર પટકાયા, તે જ ઘડીએ એકસામટાં પંદર કુટુંબીજનોના કંઠમાંથી કિકિયાટા ઊઠ્યા. રડારોળ ન સહેવાય તેવી બની. ફતેહખાન લડાઈમાં જઈ આવેલો, કઠણ છાતીવાળો અફસર હતો; પણ આજથી પચીસ વર્ષ ઉપર એક કારભારીના ભર્યા ઘરનાં તાળાં રાજના દાગીનાની ચોરીના આળસર તૂટે એ બનાવમાં જે ભેદકતા રહી હતી, તે ભેદકતા યુદ્ધક્ષેત્રની કાપાકાપીમાં એને કદી જ નહોતી લાગી.

સુવાવડી બે દીકરીઓ ભીંત સાથે શિર પટકવા લાગી ત્યારે ફતેહખાનથી ન જોવાયું. એણે કારભારી તરફ નજર કરી: ડોસા ચૂપચાપ અડગ ઊભા છે: ડોસાના કપાળ પર એકસામટાં દસ હળ હાલતાં હોય તેવી ઊંડી કરચલીઓ ખોદાઈ રહેલ છે: ડોસાની સફેદ પાંપણો આંખો ઉપર ઢળી પડેલ છે.

ફતેહખાને જઈને કહ્યું: "સાહેબ, આ દીકરીઓ તાજી સુવાવડી છે: એની તબિયતનો વિચાર કરો...."

"રાઓલજીનીય દીકરીઓ છે ને, ખાનસાહેબ ! રાઓલજીને પણ ગમત માણવા દો !"

હથોડાની ઝીંકાઝીક બોલી. એક વાર મર્યાદાનો પડદો તૂટ્યા પછી સિપાહીઓને ભાંગફોડની લજ્જત આવી. એ ભાંગફોડે એક કલાકમાં તો ઘરને ખેદાનમેદાન કર્યું: તૂટેલાં પેટીઓ ને કબાટોમાંથી લૂગડાંલત્તાં ફેંદાઈ ​ફેંદાઈ આખા ઘરમાં ફેંકાયાં: એકસામટી પચાસેક ઠાઠડીઓનાં ખાંપણો વડે પથરાયેલા સ્મશાન જેવું ભીષણ દીવાનનું ઘર બની ગયું: ફૂટ ફૂટ ઊંડી તો ઘરની જમીન ખોદાઈ ગઈ. ઘરની ચોપાસ ગામલોક સૂનમૂન જમા થયું હતું.

ઓરડેઓરડો ફેંદીને ફતેહખાન બહાર નીકળ્યા, "કંઈ જ નથી, સાહેબ !" કહીને શરમિંદા બન્યા, ત્યારે બહાર ઘોડાગાડીનો સંચાર સંભળાયો. ન્યાયાધીશ સાહેબ દોડતા અંદર આવ્યા; ફતેહખાન પ્રત્યે બોલી ઊઠ્યા: "બહાર બાપુ પધારેલ છે; કહે છે કે જડતી બંધ કરો. ગંઠો જડી ગયો છે."

"હેં ગંઠો જડી ગયો ?" એક અવાજ સંભળાયો.

એ બોલનારી કારભારી સાહેબની સુવાવડી પુત્રી હતી. સહુનું લક્ષ ત્યાં ગયું.

"ગંઠો જડ્યો કે ? મારા બાપુએ નો'તો ચોર્યો કે ? હેં, નો'તો ચોર્યો કે ? ચોર બીજા હતા કે ? બાપુજીને અમથા અમથા ચૂંથ્યા કે ? હેં-હેં-હેં-હેં-"

એવું બોલતી, હસતી, ચીસો પાડતી, રડતી, દાંતિયાં કરતી એ સુવાવડી દીકરી નીચે પટકાઈ. પરસાળના પથ્થરોએ એનું માથું ફોડી નાખ્યું.

વૃદ્ધ કારભારીએ માથું ખોળામાં લીધું ત્યારે એમાં જીવ નહોતો રહ્યો. 

20
લેખ
મેઘાણી ની નવલિકાઓ ખંડ - ૧
4.0
પ્રખ્યાત કવી અને લેખક ઝવેરચંદ મેઘાણી રચિત સુંદર વાર્તા નો સમાવેશ
1

ચંદ્રભાલના ભાભી

29 May 2023
11
0
0

      વાર્તાલેખક ચંદ્રભાલની સ્ત્રીનું જ્યારે અવસાન થયું ત્યારે આખાય ગુજરાતે પોતાને માથે આપત્તિ પડી માની. ચંદ્રભાલને ઘેર દિલાસાના કાગળો સવાર અને સાંજ બન્ને સમયની ટપાલમાં વરસવા લાગ્યા. એની મેડીના રવેશમા

2

બેમાંથી કોણ સાચું?

29 May 2023
6
0
0

     તે દિવસથી હું વિચારમાં ગરક રહું છું,વાંચેલી ચોપડીઓનાં તારતમ્ય ગોતું છું: કોણ સાચું? હું રામલાલ એમ.એ.? કે એ રસૂલ ચપરાસી?લાહોરથી હું પાછો ફર્યો ત્યારે મારા અંતઃકરણમાં કેટકેટલી છૂરીઓ ચાલતી હશે તે તો

3

બબલીએ રંગ બગાડ્યો...

29 May 2023
4
0
0

"કેમ, માસ્તર, આપણે આવતા શનિવારે ઊપડવાનું છે. - તૈયાર છો ને ?" "હા જી; તો હું કુટુંબને જલદી દેશમાં મૂકી આવું." "વારુ, આંહીં પાછા ન આવવું હોય તો તમે બારોબાર અમને ટ્રેઇન પર ... જંકશને જ મળજો. તમારે રહે

4

શિકાર

30 May 2023
3
0
0

શિકાર વીજળીની કોશ બનાવીને કાળ એક દિવસ ત્યાં હળ હાંકતો હશે. બે-ચાર ઊથલ મારીને એણે ખેડવું છોડી દીધું હશે. એટલે જ સોરઠની એ ચોયફરતી સપાટ જમીનમાં ફક્ત આઠ-દસ ગાઉની અંદર પડખોપડખ ચારેક ઊંડી નજર પડી ગઈ છે

5

મરતા જુવાનને મોએથી

30 May 2023
0
0
0

મરતા જુવાનને મોંએથી [બનેલી ઘટના પરથી] ઉમેદસીંગ ગોહિલના દીકરાને રોગ ઘેરાઈ ગયો હતો. એને ધનુરવા ઊપડ્યો એ પરથી સર્વને લાગ્યું કે હવે આ રોગ મોટો છે. "હું હવે અંદર આવું?" ઉમેદસીંગે પુત્રના મંદવાડના ઓ

6

રોહિણી

30 May 2023
0
0
0

રોહિણી આગગાડી ઘણે દૂર નીકળી ગઈ હતી. બારીમાંથી ફરફરતો પીળો રૂમાલ ક્યારનો અદૃશ્ય થયો હતો. ગાર્ડનો છેલ્લો ડબ્બો કોઈ સ્વજનની મીંચાતી જતી આંખના તારા જેવો ઝીણો ને ઝીણો થતો જતો હતો.તે છતાં રણ જિતે હજુ પ

7

પાપી !!!

30 May 2023
0
0
0

પાપી !    રાતના બે વાગ્યાથી કાળુ એના આંગણાની આંબલી નીચેના જૂના, ભાંગલા બાંકડા ઉપર બેઠેલો હતો. બેઉ ગોઠણ વચ્ચે માથું દબાવીને એ અંધારામાં તાકી તાકી જોતો હતો કે પોતાના ઘરનું કમાડ ક્યારે ઊઘડે! આટલા સ

8

ઠાકર લેખા લેશે !!!

30 May 2023
1
0
0

ઠાકર લેખાં લેશે! "તું જાણ્યને ઠાકર જાણે,ભાઇ!" પદમા કણબીએ જ્યારે એના લહેકાદાર લાંબા અવાજે આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે એના હાથમાંની લોટની ટોપલી એક સરિયામ રસ્તા ઉપર ઊંધી વળી રહી હતી, અને એની આંખો એક

9

ડાબો હાથ !!!

30 May 2023
0
0
0

ડાબો હાથ જુનવાણી કાળનું જંક્શન સ્ટેશન હતું. રેલ્વે-ખાતાએ પોતાના અસલી વહીવટના ચીલા હજુ બૂર્યા નહોતા. સ્ટેશન માસ્તરોને તેમજ ગાર્ડોને પોતાના શ્વેત બની ગયેલા કેશનું, બારેય કલાક કઢાયા કરતી લાલચોળ ચાનું,

10

કલાધારી !!!

30 May 2023
0
0
0

કલાધરી "આજે ન જા તો?" પુરુષોત્તમદાસથી ચા પીતાં પીતાં આટલું જ પુછાઇ ગયું. પુછાતાંની વાર જ તનુમતીનો ચહેરો ઊતરી ગયો. એની આંખોમાંથી ઠલવાતાં આંસુએ કોઇ પણ કવિની કલમને એક ડઝન ઊર્મિગીતો ઠાલવી નાખવાની પ્રે

11

પાનકોર ડોશી !

30 May 2023
0
0
0

પાનકોર ડોશી   એ જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું. પણ એક જ દાયકાની કોઈક અકળ ભીંસ આવી - અને, એક જ થપાટે કોઈ મનુષ્યના બત્રીસેબત્રીસ દાંત હચમચી જાય, તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાનમેદ

12

કારભારી !

30 May 2023
0
0
0

કારભારી આવતી કાલે સાંજે રાજા રાઓલજીના જામદારખાનામાંથી થોડાએક ઝવેરાતની હરાજી થવાની છે. ઝૂંઝા કામદારના સાળા દિલ્હીમાં નામાંકિત ઝવેરી હતા, તે આ હરાજીમાં ઊભા રહેવાને માટે સાંજની ગાડીમાં આવી પહોંચ્યા છે

13

શારદા પરણી ગઈ !!!

30 May 2023
0
0
0

શારદા પરણી ગઈ! મોટર જ્યારે ચબૂતરા પાસેથી પસાર થઈ ગઈ ત્યારે શાક લેવા મળેલાં ગામ લોકોમાંથી એક ભાઈ બોલી ઊઠ્યા: "આવી, બા...પા! કો'ક બચાડા પિસ્તાલીસ વરસિયાની ચોરીનાં માટલાં ફૂટ્યાં સમજો, બાપા! બાપડાને બ

14

રમાને શું સુઝ્યું !!!

30 May 2023
0
0
0

રમાને શું સૂઝ્યું! ગાડી ઊપડવાને પાંચ જ મિનિટ બાકી હતી. રાવબહાદુર સુમંતની મોટરગાડી માર માર વેગે સ્ટેશન તરફ દોટ કરતી હતી; પરંતુ બરાબર ટાવર ચોક ઉપર જ પોલીસ સિપાહી લાલજીનો જમણો હાથ લાંબો થયો. રાવબહાદુ

15

જયમનનું રસજીવન !

30 May 2023
0
0
0

જયમનનું રસજીવન “કાં , તું આવે છે કે ? “ ઓસરીમાં બેઠેલા જયમનભાઈએ પાનની પટ્ટી ચાવતાં –ચાવતાં લજજતથી પોતાનાં પત્ની રમાબહેનને બોલાવ્યાં. દરેક જીવજંતુનો આનંદ પારખવાની અમુક એંધાણી હોય છે: ઢોર વાગોળે છે 

16

છતી જીભે મૂંગા !

30 May 2023
0
0
0

છતી જીભે મૂંગા આજે શાક કેવું થયું છે, રમેશ ?" "સરસ, મોટાભાઈ." આઠ વર્ષનો રમેશ પિતાની સામે જોઈ બોલ્યો. "અને દાળ કેવી, મંજરી ?" પાંચ વર્ષની મંજરીએ જવાબ આપતાં પહેલાં રમેશભાઈ તરફ આંખો માંડી. રમેશે ના

17

હું ?

30 May 2023
0
0
0

હું ટપાલની થોકડી લઇને હમણાં જ બાલકૃષ્ણ આવી ગયો. આજે પણ ગઇ કાલની માફક જ પાંચ ઠેકાણેથી નિમંત્રણો આવ્યાં: જોગેશ્વરીમાં લલિત-કલાનું પ્રદર્શન ખોલવાનું, વીરભૂમમાં બાલસેનાની કવાયતના મેળાવડાનું પ્રમુખસ્થાન

18

બદમાશ !!!

30 May 2023
0
0
0

બદમાશ આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અં

19

વહુ અને ઘોડો !

30 May 2023
0
0
0

વહુ અને ઘોડો સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ: એક હું ને બીજો આ દીવો... હું ભૂલી: જીભ કચરું છું. અત્યારે અર્

20

અમારા ગામનાં કૂતરાં

30 May 2023
0
0
0

અમારા ગામનાં કૂતરાં અમારા ગામનું નવું નામ 'શ્વાનનગર' પાડવાનો ગંભીર વિચાર એક વખત ચાલ્યો હતો.આ વાતને તમે હસવામાં ન ઉડાવી દેશો. પૂછો મારા ઉકરડાકાળના ભાઈબંધ ટભા મસાણિયાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં. હજુ તો

---

એક પુસ્તક વાંચો