રમાને શું સૂઝ્યું!
ગાડી ઊપડવાને પાંચ જ મિનિટ બાકી હતી. રાવબહાદુર સુમંતની મોટરગાડી માર માર વેગે સ્ટેશન તરફ દોટ કરતી હતી; પરંતુ બરાબર ટાવર ચોક ઉપર જ પોલીસ સિપાહી લાલજીનો જમણો હાથ લાંબો થયો.
રાવબહાદુર સુમંતે નજર કરી તો રસ્તો બંધ કરવાનું કોઈ પણ કારણ નહોતું; સડક ટ્રાફિક વગરની, નદીના પટ જેવી સાફ હતી. માત્ર એક ગવલી એની તાજી વીંયાયેલી ગાય લઈને ઊભો હતો. તેને ગાય દોરીને રસ્તો પાર કરવા દેવાની ખાતર જ લાલજીએ રાવબહાદુરની ગાડી રોકાવી.
ગાયનું વાછરડું, કે જે પાછળ રહી ગયું હતું. તેને તેડી લેવા ગવલી ફરીથી રસ્તો વીંધીને આવ્યો; વાછરડાને સહીસલામત ગાય ઊભી હતી ત્યાં પહોંચતું કર્યું. ભાંભરતી ગાય બચ્ચાને ચાટતી ચાટતી ચૂપ થઈ ત્યારે જ લાલજી સિપાહીનો હાથ સ્ટેશન રોડને મોકળો કરી તળાવ રોડ પર ખેંચાયો.
રાવબહાદુરે ગાડી ચાલુ કરી લાલજીની નજીકમાંથી હાંકી. લાલજીએ સલામ કરી, રાવબહાદુરે સલામ ઝીલી નહિ; એમની આંખોમાંથી અંગાર ઝરતા હતા.
થોડે જ છેટે ગયા ત્યાં તો રાવબહાદુરે સડકની સામે દૂર દૂર ટ્રેઇનને ચાલી જતી જોઈ. મોટરમાં બેઠેલ પોતાની પુત્રીને એણે કહ્યું:
"રમુ, બેટા ! એ કમબખતે જ આપણને ટ્રેઈન ચુકાવી."
"પપાજી ! આપણે પોલીસ-ઉપરી સાહેબનું ધ્યાન ખેંચવું જોઈએ."
"હા જ તો. સીધાં ત્યાં જ જઈએ. પછી જ ઘેર જઈશું."
ગાડી પાછી વાળીને લાલજીના પહેરા તળેથી નીકળવાની ઇચ્છા રાવબહાદુરને બિલકુલ નહોતી. એમણે એક ગલીમાં ગાડી વાળી, પણ ત્યાં નવું પાટિયું લાગેલું હતું કે 'રસ્તો બંધ: એક બાજુની ગલી'.
લાઇલાજ રાવબહાદુર ટાવર ચોક તરફ વળ્યા. લાલજી ઊભો હતો: એની આંખોમાં સુરમાની દોરીઓ ખેંચાઈ ગઈ હતી: એણે ઝીણી મૂછોને વળ દઈ અણીઓ વીંછીના આંકડાની માફક ઊંચે ચડાવી હતી: એણે માથા પર પાઘડી જરા ટેડી મૂકેલી હતી.
મોટરને એની નજીકમાં લગભગ ઘસાતી થંભાવી રાવબહાદુરે સંભળાવ્યું: "મૂછોના વળ ખેંચાઈ જશે. માણસને ઓળખ્યાપાળખ્યા વિના જ હાથના ડાંડા ઊંચાનીચા કરો છો કે ?"
"મહેરબાની કરકે ટ્રાફિક કો મત ઠહરાઓજી..." કહીને લાલજીએ રાવબહાદુરને વિદાય દીધી.
ચાલી જતી મોટરમાંથી ડોકું કાઢીને રમાએ લાલજી સિપાહીને જ્યાં સુધી જોઈ શકાયું ત્યાં સુધી જોયા કર્યું...
પોલીસ અધિકારીન બંગલા ઉપર સાંજના સમયે જ્યારે લાલજીને ખડો કરવામાં આવ્યો ત્યારે પિતા-પુત્રી બેઉ ત્યાં બેઠાં હતાં.
રાવબહાદુરે અંગ્રેજીમાં પોલીસ અમલદારને એવું કહ્યું સહેજ મલકાતે મોંએ કે 'બીજું તો કંઈ નહિ, રમાને એક ખાસ પિછાન કરાવવા સારુ જ આ ટ્રેનમાં ટ્રિપ પર મોકલવાની હતી..."
રમાનું મોં, જળાશયને બંકી ગરદને ચૂમી રહેલા ગલફૂલની પેઠે, નીચું ઢળ્યું.
"ધૅટ મેઇક્સ ધ થિંગ મચ મોર રિગ્રેટેબલ [એ તો વળી વધુ ખેદજનક]," કહીને પોલીસ-ઉપરીએ સિગારેટની રાખ રકાબીમાં ખંખેરી.
લાલજી જ્યારે સલામ ભરીને રુવાબભરી અદબથી ઊભો રહ્યો, ત્યારેય એની મૂછોના આંકડા કૈસરશાહી છટાથી ઊંચા ખેંચાયા હતા: આંખોમાં સુરમાની શ્યામ વાદળીઓ હતી, એના પઠાણશાહી પાયજામાના સળ, લાંબા ખમીસનો ઝોળ અને ટોપી ફરતો મુગલાઈ બાંધણીનો નાનો આસમાની ફટકો - તમામની અંદર એક જાતનો જંગલી મરોડ હતો.
"હમ તુમકો ડિચાર [ડિસ્ચાર્જ] દેગા, યુ બ્રૂટ !"
એ છેવટના વાક્ય સાથે ઉપરીએ જ્યારે પગ પછાડ્યા, ત્યારે લાલજીનો સીનો વીફર્યો. તૂટું-તૂટું થતી ખામોશીને થોડી ઘડી ટકાવી રાખીને એ એટલું જ બોલ્યો કે, "ડિચાર દેના હો તો અભી જ બિલ્લા-પટા લા દેતા હૂં, સા'બ; મગર જબાન સમાલ કે બોલો, હુઝુર !"
ઉપરી ખાસિયાણા પડ્યા. એનું તીર તૂટી પડ્યું. એણે બગડતી બાજીને સુધારવા બીજો પ્રયત્ન કર્યો; જરા શાંતિ ધરીને નરમાશથી કહ્યું: "મગર દેખો, લાલજી ! અપની ઔર અપના તમામ બેડાકી ઇજ્જત તુમ્હારે હાથોમેં થી. ઇન બાનુકો કિતના નુકસાન હુવા ! તુમ ઉનકા દરગુજર માંગના ચાહિએ."
"મૈંને કાનૂન બજવાયા હે, સા'બ ! દરગુજર મેં નહિ મંગતા."
"બેસમજ લડકા !" ઉપરીએ પથારો સંકેલ્યો: "જાઓ, ઔર અભી સે હોશિયાર રહો !"
લાલજીના ગયા પછી પોલીસ-ઉપરીએ બન્ને મહેમાનોને ઘણી ઘણી દિલગીરી દર્શાવી અનેક રીતે સમજ પાડી કે આ પોલીસ લોકો કેવા જંગલી પ્રદેશમાંથી હિંસક પશુઓ જેવા અહીં ચાલ્યા આવે છે, અને એમને સભ્ય બનાવતાં કેટલો લાંબો સમય લાગે છે.... વગેરે વગેરે.
રાવબહાદુરે પૂછ્યું: "પણ આ માણસને નોકરીની આટલી બધી બેતમા કેમ છે ? એ બરતરફ થાત તો શું કરત ?"
"અરે રાવબહાદુર ! જંગલમાં જઈને લાકડાંની ભારી વીણી આવત. એવી બેહાલીમાં પણ એની આંખનો સુરમો, એની પાઘડીની ટેડાઈ અને એના મિજાજની ખુમારી ન ઉતરત."
પછી તો રમાને આવા બેતમા લોકોની વાતોમાં વધુ રસ આવવા લાગ્યો. એણે પોતાની ખુરસી વચલા મેજની નજીક ખેંચી, અને 'આ લોકો' વિષે પોલીસ-ઉપરી 'કાકા'ને અનેક પ્રશ્નો કરવા માંડ્યા. કાકાએ પણ પોતાના બહોળા અનુભવની સમૃદ્ધિ ઉખેળી. 'આ લોકો'ની એકનિષ્ઠાના, બહાદુરીના, ઝનૂનના તેમ જ પ્યારના કિસ્સાઓ પણ તેમણે પોતાની સાંભરણમાંથી ટાંકવા માંડ્યા: "અરે ભાઈ, જેસંગો સિપાહી કોળી હતો: એને લઈને એક અમલદાર, - નામ નહિ કહું - એની છોકરી ભાગી ગઈ. વળતે દિવસ તો છોકરીના વિવાહ થવાના હતા; છતાં, કોણ જાણે શાથી, એ જેસંગાની જોડે ભાગી - ને, સાંભળવા પ્રમાણે, જેસંગો એ છોકરીને ખાતર રાનરાન ને પાનપાન થઈ ગયો.
"બીજો અફલાતૂન નામનો મિયાણો પોલીસ: ગામના ચીફ જજ સાહેબની વિધવા પુત્રવધૂનો બોલાવ્યો રાતે બંગલા પર ચડ્યો. ખબર પડી. પોલીસોએ કહ્યું કે ઊતરી જા ને સુપરત થા નહિતર ફૂંકી દેશું. મિયાણો કહે કે, નહિ ઊતરું; હું જીવતો છું ત્યાં સુધી આ બાઈના બેહાલ નહિ થવા દઉં, એની આડે ઊભો ઊભો જ ગોળીઓ ઝીલીશ. માફ કરજો બેઅદબી, પણ, રાવબહાદુર, મરદનો બચ્ચો પટકાયો ત્યાં સુધી બાઈનું કાંડું ઝાલીને જ ઊભો રહ્યો. કાંડું ન છોડ્યું"
આમ, શઢમાં પવન ભરાય ને જેમ મછવો છૂટે, તેમ જ પોલીસ-ઉપરીના મગજમાં વાતોનો પવન ભરાયો. દસેક સિગારેટોની રાખની ઢગલી ચઢી, ને મોડાં મોડાં મહેમાનો ઘરે જવા ઊઠ્યાં.
[૨]
રમાને લઈને સ્ટેશન પર જે વ્યક્તિને મળવા જવાનું હતું તે ભાઈ વીરભદ્ર હતા. વીરભદ્ર એક સુંદર, શિષ્ટ અને જ્ઞાનપ્રેમી જુવાન હતા; વિલાયતથી પાછા વળેલા હતા; ને કોઈ સારી, સુખની નોકરીની શોધમાં હતા. રાવબહાદુર સુમંત પણ રમાને માટે કોઈ મુરતિયાની શોધમાં હતા. આમ, શોધે ચડેલા બે માણસોને એકબીજાની જાણ થઇ હતી. બેઉએ સ્ટેશન પર મળવા કરેલો સંકેત બર ન આવ્યો, તેથી ચાર-પાંચ દિવસે વીરભદ્ર એક ઠેકાણે નોકરીની શોધ કરી પાછા ફર્યા ત્યારે એમને ઉતારી લેવામાં આવ્યા.
બે દિવસ રમા અને વીરભદ્ર જોડે રહ્યાં. બેઉએ એકબીજાને ઓળખવાનો બારીક પ્રયત્ન કર્યો.
બન્નેને એકબીજાંનો મોકળો પરિચય થાય તે સારુ થઈને રાવબહાદુર જાણીબૂઝીને ઘરમાંથી દૂર થઈ જતા; પત્નીને પણ પોતાની જોડે લઈ જતા.
એકલાં પડેલાં બેઉ ઉમેદવારોમાં વીરભદ્રની ભદ્રતા વિલસી રહી. એની સુજનતા, શાંતિ, નૈતિક જવાબદારીનું સતત સાવધાન ભાન અને એનું અગાધ જ્ઞાન-ડહાપણ: આ બધાંમાંથી રમા જે શોધતી હતી તે રમાને જડ્યું નહિ.
"આપણે પેલા પહાડોમાં ફરવા જશું ?" રમાએ સંધ્યા નમતી હતી ત્યારે પૂછ્યું.
"અત્યારે.... આટલા મોડા.... કોઈ શું કહેશે.... ?"
પહાડોમાં ઘૂમવાની મસ્ત ઊર્મિઓ ઉપર વીરભદ્ર જગતની ચોકીઓનો ઓળો ભાળતો હતો; અને ઘરની એકાન્તે બેઠાંબેઠાં અને કોઈની પહેરેગીરીનો ભય નહોતો. તેથી, એ રમાના પગને પોતાના પગની આંગળીઓ વડે ચોરની માફક સ્પર્શ કરતો હતો.
"તે રાત્રીએ મેં સ્ટેશન પર તમારી ઘણી રાહ જોઈ હતી;" વીરભદ્રે કહ્યું.
"તો પછી ઊતરી કેમ ન પડ્યા ?"
"પણ છેવટ સુધી તમારી વાટ હતી. પછી તો ગાડી ચાલી...."
"તો છલંગ કેમ ન મારી ?"
"મનમાં એમ કે, કંઈ નહિ.... સાહેબને મળી આવું; નોકરીનું નક્કી થઈ જાય તો ઠેકાણે પડીએ. પછી આપણે તો મેળાપનો સમય છે જ ને !"
રમાને આ ભાષામાં કોઈ ઊર્મિનો તણખો નહોતો જડતો. નોકરીની અને 'ઠેકાણે પડી જવા'ની ચિંતાનું જ ઘડેલું જાણે પૂતળું હોય તેવો એને વીરભદ્ર ભાસતો હતો.
"નોકરીનું શું થયું ?"
"મારે એ જગ્યા જોઈતી હતી તે તો ન જ મળી. સાહેબ કહે કે એ હોદ્દા પર તો એવો માણસ જોઈએ કે જે સામાજીક જીવનનું કેન્દ્ર બની શકે."
"એટલે ?"
"એટલે કે જેના ઘરમાં ખૂબ ભણેલગણેલ, સંસ્કારી, વાર્તાલાપમાં પ્રવીણ અને સુંદર પત્ની હોય."
"સુંદર પત્ની ?"
"હા-હા-હા..." વીરભદ્ર હસ્યો: "જુઓને પેલા ...ને કલેક્ટરમાંથી લઈ બીજી એક જગ્યા પર મૂક્યા, ને ... ભાઈ એનાથી વધુ બાહોશ છતાં ન મુકાયા; કેમ કે ઉપરી અધિકારીએ ભલામણમાં સ્પષ્ટ લખેલું કે મિ. ...ને સંસ્કારી, વાર્તાપટુ અને સુંદર પત્ની છે."
રમા ચૂપ રહી. વીરભદ્રે ઉમેર્યું: "એટલે જો તમે સાથે હોત તો સાહેબનો અભિપ્રાય કંઈક બીજો જ થયો હોત."
વળતે દિવસે રાવબહાદુરે જ્યારે રમાને છેલ્લો વિચાર પૂછી જોયો ત્યારે એમને ચોંકાવનારો જવાબ મળ્યો: "થોડા મહિનાની રાહ જોઈએ."
વીરભદ્રને આથી ઊંડું દુઃખ થયું: રમા કેટલી ગણતરીબાજ છે ! મારી નોકરી નથી થઈ અને કદાચ થાય કે નહિ થાય એવા અવિશ્વાસમાં પડીને જ રમા છ મહિનાનું પગથિયું મૂકે છે. એને તો માયરામાં સપ્તપદી પૂરી કરીને આઠમું પગલું મારી પોતાની મોટરમાં જ મૂકવું છે; નવમે પગલે તો એને હરિયાળો, ફૂલ્યોફાલ્યો બગીચો જોઇએ છે !
રોષે બળતો વીરભદ્ર વિદાય થયો તે પછી રમાએ ઘરમાં જુદા જ પ્રકારની મોકળાશ અનુભવી.
રાવબહાદુરની જોડે જ રોજ સાંજે ગાડીમાં નીકળનારી રમાને હવે પછી નમતા બપોરે ગાડી કાઢીને એકલા નીકળવાનું દિલ થવા લાગ્યું. અને, સૌથી પ્રથમ તો, ટાવર ચોકમાં લાલજીના પહેરા તળેથી જ પસાર થવાની શરમ તોડવાનો એણે મનસૂબો કર્યો.
તે દિવસે લાલજીએ રમાની ગાડી બાજુનો ટ્રાફિક રોકી રાખ્યો ત્યારે રમાને આ માણસ તરફ ઘૃણા ન થતાં માનબુદ્ધિ જન્મ પામી. મનમાં થયું કે, આ માણસની ખુમારી તો જુઓ ! બરતરફીની કે નોકરીમાં ખરાબ શેરો થવાની કશી જ બીક વગર, ઇરાદાપૂર્વક એ મારી ગાડીને અટકાવીને ઊભો રહ્યો છે.
ત્રીજી વાર તો પિતાને અટકવું જ પડે એવી ઇચ્છા જન્મે છે. અને એ જ કારણે રમા ગાડીને ધીરી પાડે છે: લાલજીનો હાથ આ તરફ ઊંચો થવાનો મોકો જોયા પછી જ મોટરને ત્યાં લઈ જઈ ખડી કરે છે.
બેઠીબેઠી એ આ સિપાહીને, એની ચેષ્ટાને, એના સીનાને બારીકીથી અવલોકતી હતી...
રમા જેવી કુળવાન, ખાનદાન કુમારિકાન મનોવ્યાપાર તે વેળા કઈ ખાઈમાં ગબડતા હતા ?
[૩]
થોડા દિવસ પછીની એક રાત્રિએ પાછલા પહોરનો ચંદ્રમા ઝળાંઝળાં થયો હતો, ત્યારે રાવબહાદુરના બંગલામાં સૂનકાર પથરાઈ ગયો....
રમા એની પથારીમાં નહોતી.
રમાની બાએ હાંફળાંફાંફળાં બની આંગણું ને અગાસી તપાસ્યાં. રાવબહાદુરને જગાડ્યા ને એણે ધ્રુસકેધ્રુસકે રોવું આરંભ્યું કે "મારી રમા કયાં ? રમા નથી. ઝટ શોધ કરો. મારી રમુ, મારી રમુડી...."
રાવબહાદુરે પત્નીને ચેતાવી કે "છાની રહે, છાની રહે - નહિ તો હમણાં જ શહેરમાં બધામાં ધજાગરો બંધાશે; મારી સાત પેઢીની આબરૂ પર પાણી ફરી જશે."
"તમારી આબરૂમાં પાણી ફરો કે આગ લાગો પણ મને મારી રમુનો દેહ જેવો હોય તેવો જીવતોજાગતો લાવી આપો. દીકરી મારી ક્યાં ગઈ ? ક્યાં હશે ? કૂવામાં મીંદડીઓ નખાવો, ખેતરો-કોતરો જોવરાવો...."
જેમ ફાવે તેમ રડારોળ કરતાં જૂના જમાનાનાં પત્નીને ચૂપ રાખવાનું કામ સહેલું નહોતું. માતાના હ્રદયનો ધોધ વિવેકની પાળો તોડીને વછૂટ્યો ત્યારે એ આબરૂ અને દુનિયાઈ ડહાપણના તમામ મિનારા જળબંબોળ થવા માંડ્યા.
રાવબહાદુર ચૂપચાપ પોલીસ અધિકારીને મુકામે ચાલ્યા ગયા. પછવાડેથી પત્નીને દમની હાંફણ ચઢી ગઈ; શ્વાસ પણ નહોતા લેવાતા એવી હાલતમાં એમણે લમણે હાથ મૂકીને રમાના જન્મથી માંડીને વીસેવીસ વર્ષનાં ઝીણાંમાં ઝીણાં સંભારણાં ઉકેલવાનું આદર્યું. માતાનું હ્રદય, પાઇએ પાઈનો હિસાબ રાખનાર વાણિયાના ચોપડા જેવું, યાદ કરવા મંડી પડ્યું કે 'અરેરે ! બાપડી દસ વરસની થઈ ત્યાં સુધી સુરવાલ પહેરતી: અરેરે મોઈ ! એના બાપ ગામડાંની ફેરણીમાં નીકળતા ત્યારે દરિયાકાંઠાનાં ગામોમાં ગરાસિયાનાં ચરતાં ઘોડાંને માથે છાનીમાની સવારી કરતી: મોઈને ઘોડાં પછાડતાં તે ઘેર આવીને છાનીમાની હળદર લેપ લગાવતી: અરેરે ! મોઈ લગામ વગરનાં, અજાણ્યાં ઘોડાંને કેવી દોટો કઢાવતી ! એના ઘૂંટણ ઉપર હજુ એ પછાડના કેટલા ડાઘ છે ! ને હું નોઈ એને, ઉપર જાતે વેલણ સાણસી મારીને શિક્ષા કરતી - અરેરે...'
"બા ! ઓ બા !" ગંગુ - ઘરની જૂના કાળની વફાદાર નોકરડી - સમજાવવા લાગી: "બા, તમે બુમરાણ ન કરો ને ! ઘરની આબરૂનો તો વિચાર કરો !"
"મને કશા જ બીજા વિચાર નથી. અરે મારી રમુ ! ગામડાંની ગલીઓમાં કોળણો ગરબે રમે ત્યાં જવા કેવી તલપાપડ થતી ! તાજપર ગામના તાજિયા જોવા સપારણો જોડે ચાલી જતી: રંગનાથને મેળે જવા તો માથાફોડ કજિયો.... પછી એના બાપા સોટી વગર બીજી વાત જ નહોતા કરતા: અરે ચૌદ વર્ષની થઈ ત્યારથી તો આ સડક પાસેના ઓરડામાં જવાની જ મારી રમુને મનાઈ: જાણે ઘરનો કોઈ ચુંવાળિયો ચોર ! ને મોઈ રમુડીય કેવી ! મોઈ કોણ જાણે કેવી ચડીલી થઈ હતી કે એ ઓરડામાં આવ્યે જ રહે, બારીઓમાંથી બહાર ડોકિયું કરે જ કરે. ને પછી એના બાપા મારે, હુંય મારું. હજુય એનાં ઢીમણાંના ડાઘા રમુના બરડામાં પડેલા છે. ને, અરેરે, હવે વીસ વરસની થઈ, વર ગોતવાની વેળા આવી.... ન પોસાય ગામડિયાં ઠેકાણાં, કે ન જડે મોટાં ખોરડાં - એટલે પછી સુધારાના રસ્તે ચઢાવી દીકરીને. અરે મોઈ ! મને તો આમાં કશી સૂઝ જ ન પડી.... આંખો આડે ઇંદ્રજાળ જ ઘેરાઈ ગઈ ! ને હું મારી દીકરી હારી બેઠી.... રે.... ઓ રમુ રે...."
[૪]
વળતા દિવસની સવારે આકાશનો બ્રહ્માંડ-દીવો અણુએ અણુની ચોરીછૂપી પ્રકટ કરતો હતો, ત્યારે શહેરથી દસેક કોસ ઉપર, સેંજળી નદીના ખડક ઉપર, બેઉ જણાં બેઠાં હતાં: રાવબહાદુરની પુત્રી રમા, અને પઠાણ બાપ તથા બામણી માતાના સંયોગમાંથી નીપજેલો પુત્ર સિપાહી લાલખાં ઉર્ફે લાલજી. લાલજી પોતાના હાથની મુઠ્ઠી ઉપર પોતાનું પાળેલ તેતર રમાડતો હતો. રમા છલું છલું સ્વરે વહેતી નદીના પાણીમાં પોતાના પગ ઝબકોળતી હતી.
અને રમા રડતી હતી.
"પણ તું રડે છે શા માટે ? મને અહીં તેડી તો તું જ લાવી ને હવે રડે છે !" લાલજીને અજાયબી થતી હતી.
પાળેલું તેતર જંગલની વિશાળ જન્મભોમને નીરખી, એ વિશાલતામાંય ન ઝીલી શકાય ને ન સમાવી શકાય તેટલા મોટા કિલકિલાટે પોતાના ના કંઠને ભેદતું હતું.
ધરતીમાં બાઝેલું ઝાડ તોફાની વાયરાને સુસવાટે જ્યારે જડમૂળમાંથી ઊખડે છે ત્યારે એક જાતનું આક્રંદ કરે છે: કહેવાય છે કે કેળ જ્યારે વિયાય છે ત્યારે પણ પ્રસવની ચીસો જેવી ચીસો પાડે છે.
રમાના જીવનમાં એવી જ કોઈ ચીસ ઊઠી હતી. એ ચીસ નહોતી કોઈ દુઃખ કે પશ્ચાતાપની; નહોતી શુદ્ધ સુખ કે સ્વતંત્રતાની. અકલિત કોઈ ઝંઝાવાત એનાં જીવન-મૂળને પૃથ્વીના પેટાળમાંથી ખેંચી રહ્યો હતો.
ઊંચી ભેખડો પરથી રાવબહાદુર તથા પોલીસ-અધિકારીનાં શરીર ડોકાયાં ત્યારે લાલજી રમાને ખોળામાં લઈને પંપાળતો હતો.
ત્યાંથી એ જમૈયો લઈને ઊભો થયો. એણે જમૈયાનું ચકચકતું પાનું બતાવીને જ બેઉને ચેતવણી આપી: "રાવબહાદુર !" પોલીસ ઉપરીએ સલાહ આપી: "આપ પાછા પહોંચો. હું આ પશુને કબજામાં લઉં છું. બે હશું તો એ વાઘ વીફરશે."
"રમા - મારી રમા !" રાવબહાદુરનો સ્વર ફાટી ગયો.
"ઓ મારા બાપાજી !" કહેતી રમા ભેખડ તરફ દોડી.
"નહિ..." લાલજીએ એને હાથ ઝાલીને થોભાવી; લાલ આંખો કાઢીને એણે કહ્યું: "તું મને એકલાને જ ખતમ કરવા માંગે છે ? આવી બેઈમાની ? હવે તો બેઉ સંગાથે જ મરશું યા જીવશું."
રાવબહાદુર અદ્રશ્ય બન્યા. પોલીસ-અમલદારે લાલજીના સામે પોતાના બેઉ હાથ ઊંચા કરીને પોતાની નિઃશસ્ત્રતાની એંધાણી બતાવી. લાલજીએ જમૈયો મ્યાન કર્યો. રમા ખડક પર બેસી ગઈ.
કુશળ કોઈ પશુશાસ્ત્રીની પેઠે મોં પર સ્મિત ધારણ કરીને પોલીસ-ઉપરીએ લાલજીને હાથ કર્યો; પહેલું કામ એણે એની પીઠ થાબડવાનું કર્યું: "શાબાશ, દોસ્ત ! તેં પણ મર્દાઈ કરી ! અપમાનનું ખરું વેર લીધું ! કશી જ ફિકર નહિ. પણ જો, દોસ્ત ! તારી મા રોતી હોત તો તને શું થાય? આની મા છાતીફાટ રુવે છે. એક વાર તેને મળી લેવા દઈએ. પછી તમે બેઉ ચાહે તો ધરતીના છેડા પર નાસી જજો. હજુ હમણાં તો આ છોકરી પણ અકળાશે ને તને મૂંઝવી નાખશે."
'મા રુવે છે...' એ બોલ લાલજીના તંગ દિલને ઢીલું પાડવા લાગ્યા. એણે પોતાની માને કબરમાંથી સાદ કરતી સાંભળી.
લાલજી માની ગયો.
રમાને લઈ, છેક સંધ્યાના અંધાર-પડદા પડી ગયા પછી જ, ગામમાં મોટર દાખલ થઈ.
લાલજી પાછો શહેરમાં પંહોચ્યો ત્યારે એને નોકરી પર ચડાવી લેવામાં આવ્યો.
ગામમાં ચણભણ ચણભણ તો થઈ ચૂક્યું હતું. મોટે અવાજે કોઈ બોલી શકતું નહોતું. ન બોલી શકનારાઓ પોતાની નૈતિક કાયરતાને છાપખાનાની ઓથ લેવરાવવા લાગ્યા. વર્તમાનપત્રોએ પોતાના ખાસ પ્રતિનિધિઓ મોકલીને લાલજી સિપાહીની તસ્વીરો મેળવી લીધી.
[૫]
રમાનું શું કરવું ?
રાવબહાદુરે મુરતિયા શોધવા માંડ્યા.
રમાને વચમાં દેશસેવાની લગની લાગી હતી. એ રાષ્ટ્રધ્વજો વેચવા નીકળતી. ખાદીની ફેરી પર ગયેલી; 'પિકેટિંગ' પણ કરતી.
કોઈ દેશભક્તને પરણાવશું ? સુખી થશે.
દેશભક્તનાં લગ્ન કરાવી આપનાર, કુલગ્નો તોડાવી નાખનાર અને લગ્નની બાબતમાં સમાજના કટ્ટર ચોકીદાર ક્રાંતિકારીઓનું એક મંડળ શહેરમાં ચાલતું હતું. એના સરદાર રાજેશ્વરભાઈની પાસે જ્યારે રાવબહાદુર પહોંચ્યા ત્યારે રાજેશ્વરે ટેબલ પર મુક્કીઓના હથોડા મારતેમારતે તાલબદ્ધ શબ્દોમાં કહ્યું કે "એમાં શી મોટી વાત છે, સુમંતજી ! માફ કરજો. હું તમને 'રાવબહાદુર' તરીકે નથી સંબોધી શકતો - બાકી, રમાબહેનની આ વિકૃતિ જ છે માત્ર. એને શુભ વહેનમાં વાળી દઈ શકાશે. લગ્નના મુરતિયા તો મારા ગજવામાં જ પડ્યા છે: કહો, પછી કંઈ કહેવું છે ?"
"કોણ કોણ છે, કહેશો ?"
"એક તો અહીંના આર્ય મહિલા વિદ્યાલયના અધ્યાપક છે. બહુ સુશીલ યુવાન છે. પોતાની પત્નીને દેવી ગણી પૂજે તેવા છે. એની સદ્ગત પત્નીનાં કપડાં સુધ્ધાં એ ધોઈ દેતા; બાળકને સાચવીનેય પત્નીને સેવાકાર્યમાં ઘૂમવા દેતા. ઊંચે સ્વરે સ્ત્રીને કદી કટુ શબ્દ સરખોય ન કહે તેવા ભાઈ છે."
"આ બનાવથી એમને કશો વાંધો નહિ આવે ને ?"
"નહિ નહિ. એ તો અતિ ઉદાર ભાવનાવાળા પુરુષ છે; ક્ષમાદષ્ટિથી જોઈ શકશે. વળી રમાબહેન પણ વિદ્યાલયમાં ભણીગણી પોતાની વિકૃતિનું નિવારણ કરશે. અમારા તમામ શિક્ષકો પ્રખર માનસશાસ્ત્રીઓ છે."
એ અધ્યાપક ભાઈએ રાવબહાદુરને બંગલે તેડાવવામાં આવ્યા. રમાને, એ ઉમેદવાર નજરે પડે તે સારુ, કંઈ ખબર આપ્યા વગર જ પિતાજીના દીવાનખાનામાં બેસારી રાખી હતી.
અધ્યાપક દાખલ થયા ત્યારે જાણે કે દરેક પગલું વિચારપૂર્વક ભરતા હતા. એના મોંમાંથી 'જી', 'હાજી', 'આપ' વગેરે વિવેક-પુષ્પો ઝરતાં હતાં. એની હાથ જોડીને નમન કરવાની છટા અજંટાનાં ચિત્રોની યાદ દેવરાવે તેવી હતી. એમણે વાતવાતમાં કશોક સુગંધનો પ્રસંગ નીકળતાં પોતાની સુરુચિનો ભાસ એવું કહીને કરાવ્યો કે "જુઓ સાહેબ, અત્તરની ખુશબો માદક છે, એ બહેકાવી મૂકે છે; જ્યારે અગરબત્તીની સુગંધ વાતાવરણમાં કેવી મીઠી સાત્ત્વિકતા પ્રસરાવી દે છે !"
રમા ઊઠીને ચાલી ગઈ. એને આ કોઈ નમાલો માણસ જણાયો. અત્તરને વગોવનાર માણસ ઉપર વેર ઘડવાની એની દાઝ એને મેડી પર લઈ ગઈ. કબાટમાંથી એણે અત્તર કાઢીને પોતાને શરીરે લગાવ્યું ને પછી અરીસા સામે જોતી ઊભી રહી.
સાંજે પોલીસ ઉપરી કાકા આવ્યા. રાવબહાદુરે એમને અધ્યાપકની વાતથી વાકેફ કર્યા.
પોલીસ ઉપરી ખૂબ હસી પડ્યા.
"કેમ ?"
"અરે રાવબહાદુર, રમાને માટે વર શોધો છો કે કંઈ સ્વપ્નલોકમાં વિહરો છો ?"
"તમારું શું કહેવું છે ?"
"એ કે કાં તો અમારી પાસે ફરીવાર શહેરના કૂવાઓ ડખોળાવવા માગો છો; કા એ પંતુજીનું ઘર ભૂંડે હાલે ભંગાવવા માગો છો; કાં એ બાપડાની પીઠમાં જમૈયો ખૂંતે એવી આપની નેમ છે અથવા તો પછી રમાને આખરે વેશ્યાવાડે ધકેલવા માગો છો આપ."
રાવબહાદુરના મોં પર રાતા-પીલા રંગો દોડધામ કરવા લાગ્યા. પોલીસ-ઉપરીએ કહ્યું: ક્ષમા કરજો: દેશભક્તોને જેમ એમની ભાષા છે, સુધારકોને અને માનસશાસ્ત્રીઓને જેમ એમનીય શિષ્ટ ભાષા છે, તેમ અમારે પોલીસને પણ અમારી વિદ્યાનું મુકરર ભાષા-વાહન છે."
"તેનો નમૂનો તો તમે બતાવ્યો; પણ હવે શું ?"
"હવે એની મીમાંસા કરી બતાવું. પહેલું તો એ કે પેલો લાલખાં હવે એક જ મનસૂબો ઘડે છે."
"શાનો ?"
"રમાનું કાંડું ઝાલનારને જમૈયો હુલાવવાનો. કહો: તમારા દેશભક્ત પંતુજી રમાના કાંડાની કિંમત ચૂકવવા તૈયાર છે ? હોય તો પૂછજો. બીજું એ કે રમાના લગ્નનો સવાલ તે હવે કોઈ દેશ ભક્તોનો, સુધારકોનો કે માનસશાસ્ત્રીનો સવાલ નથી રહ્યો."
"હો-હો ! ત્યારે ?" રાવબહાદુર આ માણસની ભાષા-સમૃદ્ધિ પર મલકી ઊઠ્યા.
"એ છે અમારો પોલીસનો કેસ."
"કારણ....""
"- કારણ કે રમા સુધરેલા સમાજનું નહિ પણ એક ગુનાહિત શકદાર ટોળીનું ફરજંદ છે...."
ફરીથી રાવબહાદુરનો ચહેરો કાનનાં મૂળિયાં સુધી રાતોચોળ બન્યો. એણે ફક્ત એટલું જ કહ્યું: "તમે મારી અત્યારની મૂંઝવણોની મજાક કરો ત્યાં સુધી તો ઠીક, પણ રમાની બાનુંય નામ તમારી પોલીસની જીભ ઉપર ચડી ગંદું બને છે..."
"જી નહિ, રાવબહાદુર !" પોલીસ અમલદારે સિગારેટ સાથે બે હાથ જોડ્યા, ને દાઝતે દાઝતે કહ્યું: "રમાનાં બાને પેટે તો હું દસ અવતાર લેવા તૈયાર છું: પણ મારી ગંદી જીભ ઉપર તો આપનું જ સુગંધી નામ રમતું હતું."
આ માણસની વાચાળતા હવે ક્યાં જઈ કિનારો કરશે તેની રાવબહાદુરને કલ્પના જ નહોતી આવતી. પોલીસ ઉપરીએ આગળ ચલાવ્યું: "સાંભળો, સાહેબ ! રમાબેનની ઉંમર કેટલાં વર્ષની થઈ ? વીસની ને ? વીસ વર્ષ ઉપર આપ હતા જ્યુડિશ્યલ ઑફિસર -મહીકાંઠાના મુલકમાં - ને હું હતો પ્રોસિક્યુટિંગ ઑફિસર. તે વખતે લાગટ છ મહિના લગી આપણી સમક્ષ ઇરાનીઓની રખડતી ટોળીનો મુકદમો ચાલેલો; ને મારી ડાયરી બોલે છે કે આપ, પાંત્રીસ વર્ષના જ્યુડિશ્યલ ઑફિસર, એ કેસ માંહેલી એક જુવાન ઓરતની જુબાની વખતે કોઈ અગમ કલ્પનામાં ગુમ થઈ જતા અને ટીકીટીકીને એને નિહાળતા હતા. એના લબાચા જોવાની જિજ્ઞાસાથી આપે મને જોડે લઈ એના પડાવમાં ઘૂમાઘૂમ કરેલી ને પછી એ ઓરતની તસ્વીરો સહિત 'ટાઇમ્સ'માં ત્રણ લેખો પણ લખેલા... લોકવાયકા એવી હતી કે એ ઓરતે પાગલપુર ગામના ખેડૂતનું ખૂન કર્યું હતું તે છતાંય આપે એને જતી કરેલી; એના કામરુ નાચ જોવા આપ ગયેલા... વગેરે વગેરે મારી ડાયરીમાંથી ઘણુંઘણું નીકળે છે. સાહેબ ! પણ મારે ટૂંકામાં આટલો જ સાર કાઢવાનો છે કે એ લોકોનાં નાચગાન અને રૂપગુણની ભરપૂર ખુમારીમાં આપ મસ્ત હતા, તે દિવસોમાં જ મારાં માતૃશ્રી તુલ્ય મિસિસ રાવબહાદુરને મહિના રહેલા એ આપને યાદ છે ?" રાવબહાદુરને આ પોલીસ ઑફિસર ભયંકર લાગ્યો. વાઇસરૉયની કારોબારી સભાના એકીક સભ્યથી માંડી પ્રત્યેક સિવિલિયનની પછવાડે સરકારે છૂપી રોજનીશીનો ને પોલીસની ત્રાંસી આંખનો બંદોબસ્ત કર્યાની વાત આજે એને પહેલી જ વાર સાચી લાગી. અને આ ભયાનક માનવીનાં સ્મરણોની કાળી, કારમી ખીણો વચ્ચે રાવબહાદુર સુમંતે એક રમ્ય, રૂપેરી ઝરણું જોયું: લાંબા રેશમી કૂડતાવાળી, માથાનાં સુનેરી જુલ્ફાંને લાલ અટલસના રૂમાલિયામાં બાંધનારી, કાજળઘેરી, મદીલી ને નાનાં પોપચાં અરધાંપરધાં બીડનારી એ ઇરાની તોહમતદારણ રોશન જેના ખભા પરથી ઢળકતી બે ચોસર-ગૂંથી ચોટલા-દાંડીઓ રાવબહાદુરના હૈયાનાં મૃદંગો ઉપર જાણે થાપીઓ મારતી હતી. એને યાદ આવી પોતાની માગણી: "રોશન, બીજું કંઈ નહિ તો તારા લેબાસનું એક સંભારણું આપતી જા !"
ને રોશને લેબાસ આપેલો તે રાવબહાદુરે સાચવી રાખેલ હતો. બીજી બધી જ પુત્રીઓ એ લેબાસની ઘૃણા કરતી, ત્યારે એક રમા જ એનાં પરિધાન સજી કોઈ કોઈ ચંદ્રરાત્રિએ બારીમાં ઊભી રહેતી.
"આપ જો યાદ કરી રહ્યા હો..." પોલીસ અધિકારીએ ચલાવ્યું: "તો હું જરા સમાપ્તિ કરી લઉં, સાહેબ !"
રાવબહાદુરે જ્યારે ડોકું ધુણાવ્યું ત્યારે એની આંખો સજલ હતી.
"રોશન ઇરાનણનો અવતાર આપણાં રમાબહેન: એનો આમાં જરીકે દોષ ન જોજો, સાહેબ ! અને સુધારકોના કે માનસશાસ્ત્રીઓના ઘીંસરાના માર્ગો લેતાં પહેલાં વિચારજો, સાહેબ ! રમાને જો જીવવા દેવી હોય તો આપની ઇજ્જતને સામા પલ્લામાં મૂકવી પડશે."
"એટલે શું હું લાલજીની જોડે રમાને પરણાવું ?"
"અરે, રાખો રે રાખો, સાહેબ ! મારી જીભના ટુકડા જ ન કરી નાખું !"
"તો પછી ?"
"દેશભક્તો જોડે તો નહિ જ; તેમ ડાહ્યાડમરા, પત્નીભક્ત પંતુજીઓની જોડે પણ નહિ."
"ત્યારે, પણ, કોની જોડે ?"
"આપની જ ન્યાતના એક જુવાન છે."
"કોણ ?"
"રમણ ભરાડી."
"રમણ સટોડિયો ? એની જોડે મારી રમા પરણે !"
"પરણશે તો એની જોડે ને નહિ તો ભાગી જશે લાલજીની જોડે. રમાની ઉપર સત્તા સ્થાપનારો તમારી ન્યાતમાં રમણ પછી તો બીજો કોઈ હવે જન્મે ત્યારે ખરો."
"અરે ભાઈ, મારું નાક કપાય...."
"કાં તો નાકને જતું કરો નીકર રમાના જાનને જતો કરો. લાલજીના જમૈયાને ચૂપ કરે તેવો કોઈ હોય તો તે રમણ છે. હૉટલમાં જાય છે ત્યારે બેઠેલા તમામને ચા પાયા વિના પોતે પીતો નથી. જુગાર રમે છે ત્યારે અમારી પોલીસનું ધાડું અંદરના પાટલા ઊપડી જતાં સુધી દરવાજા બહાર થંભી રહે છે, ને ગયા હુલ્લડમાં એક રમણ જ પોતાની મોટર લઈ ગલીએ ગલીએ ઘૂમતો, હિન્દુ તેમ જ મુસલમાન બેઉનાં ઓરતો-બાળકોને ગાડી ભરીભરી પોતપોતાના લતા પર પહોંચાડતો હતો."
"પણ.... એનું ચારિત્ર્ય ?"
"દૂધ જેવું નિર્મલ ન હોત તો હું એના નામ પર થૂંકત."
"શરાબ ?"
"છાંટો પીતો હશે: તે કાં તો રમાબહેન છોડાવશે - નહિ તો રમાબહેન પણ પીવામાં શામિલ થશે."
"રમાને એ ગમશે ? લાલજીની ધૂન છૂટશે ?"
"તે બધી વેતરણ હું કરી દઉં છું."
બીજો દિવસ હતો. પોલીસ-અમલદાર ટાવરચોકમાંથી પસાર થયા. લાલજી પહેરા પર હતો. ખબર પૂછ્યા: "કેમ, લાલજી !"
"સા'બ ! તુમને હમકો ફરેબ દિયા; હમારા સર કાટ લિયા."
"લાલજી ! ખલકના ખેલ એવા છે. તારામાં તુંપણું હોય તો અજમાવ: રંડી આપોઆપ જવાબ દેશે."
"સાફ સાફ બોલ દેતા હૂં, સા'બ, મૈં રંડીકા નાક કાટ લૂંગા."
નાક કાપવાની ધમકી પોલીસ-ઉપરીએ રમાના કાન પર પહોંચાડી. એનું લોહી તપી ઊઠ્યું. પછી એ પેલા તપેલા ચરુને ખદબદાવવા માટે પોલીસ ઉપરી ત્યાં જાતે હાજર થઈ ગયા: "નાક કાપવાની ધમકી આપે એમ ? અને તારા નાકની રક્ષા કરનારો કોઈ મર્દ ન મળે ? તને રંડી કહેનારનાં ગાત્રો થરથર કંપી ન ઊઠવાં જોઇએ ! એવા કોઈ રક્ષક વિના, રમા, બેટા, તુઇં હવે સલામત નથી..."
તે પછી થોડા જ વખતમાં પોલીસ-ઉપરી કાકાની કરામતને પરિણામે રમણ સટોડિયાની ગાડી રમાના દ્વાર પર આવી ઊભી રહી: રમણના લલાટ પર ખુશબોદાર તેલે ચમકતાં જુલ્ફાં ઝૂલતાં હતાં: એના કોટનાં બાતુન ખુલ્લાં હતાં: એના કંઠમાં સોનાનો એક છેડો હતો: મોંમાં સિગાર હતી: હોઠ એક રૂપિયાવાળી પાનપટ્ટીથી રંગાયેલા હતા. રમાને પોતાની જોડાજોડ બેસાડીને રમણે બરાબર ટાવર ચોક પર ચલાવી: ચોકની વચ્ચોવચ્ચ ગાડી રોકીને રમણે બહાર ડોકું કાઢ્યું: રિવોલ્વરને હવામાં વિંઝતો એ બોલી ઊઠ્યો: "ખાનદાન ઔરતનું નાક કાપવાવાળાને મારે જોઈ લેવા છે - હાલ્યા આવજો માઈના પૂત હો તો !"
કહેવત હતી કે રમણ ભારાડીની જીભ જ્યારે છૂટી થતી ત્યારે લીલાં ઝાડ બળી જતાં. વનસ્પતિને બાળે તેવું ઘણુંઘણું એ બોલ્યો અને તેની સામે મુકાબલો કરવામાં લાલખાં મિયાંને પોતાની વાણી ઘણી કમજોર લાગી.
પછી એણે મોટરને વેગે ચડાવી: મોંમાં સિગાર, એક હાથ વ્હીલ ઉપર, બીજો હાથ રમાને ખંભે આંધીઓ ઉડાડતો સિત્તેર મૈલની ઝડપે ઊપડ્યો.... નદીઓ, નાળાં, પહાડોના ગાળા ને અજાણ્યાં ખેતરો પર મોટર ખૂંદાવતો ગયો....
એવા વંટોળ-જીવનમાં રમાને કોઈ જલદ કેફ કર્યા જેટલી લહેર ચડી ગઈ. રમાને હવે કશું જ વિશેષ જોઈતું નહોતું.